ગંદકી અંગે ( વડિલો ) અર્થાત મા-બાપની માનસિકતા વિષે બાળકોની વિટંબણા-તેમના મનમાં ઘોળાતા/મૂંઝ્વતા કેટલાક પ્રશ્નો–
( 1 ) કેટલાક શહેરોમાં સુધરાઈ દ્વારા ઘેર ઘેરથી કચરો લઈ જવાની શરૂઆત કર્યા છતાં મોટા ભાગના લોકો ઘરમાં એકઠો થયેલો કચરો સોસાયટીમાં ખાલી પડેલા પ્લોટમાં અથવા જાહેર માર્ગો ઉપર જ કેમ ઠાલવતા હશે ?
( 2 ) ફલેટમાં રહેતા કેટલાક લોકો ઉપરથી જ કચરો નીચેના ભાગે જાહેર માર્ગ ઉપર કેમ ફેંકતા હશે ? અરે ! કેટલાક તો બ્રશ/દાતણ પણ ઉપરની બાલ્કનીમાં કરતા અને થૂકતા જોવા મળે છે તેમના ઘરમાં બાથરૂમ નહિ હોય ? સૂર્ય નમસ્કાર કરી જાહેર માર્ગ ઉપર પાણી ઢોળતા પણ જોવા મળે છે, જે નીચે ગંદકી તો કરેજ છે પણ રસ્તા ઉપરથી પસાર થતા રાહદારીઓને ભીના પણ કરે છે. આમ કેમ ? મોટી ઉમરની વ્યક્તિમાં આટલી નાની સમજ પણ નહિ ઉગી હોય ?
( 3 ) રોજ સવારે મોટા ભાગના રહેવાસીઓ પોતાના આંગણા સાફ કરી, કચરો બાજુમાં રહેતા પડોશીના આંગણા તરફ ધકેલતા રહે છે, આમ કરવાથી ગંદકી નાબુદ થતી હશે ?
( 4 ) દરરોજ પોતાનું આંગણું ધોઈ જાહેર માર્ગ ઉપર પાણી વહેતું કરવાથી પસાર થતા લોકોને નૃત્યની તાલિમ વિના ખરચે મળતી રહે તેવી હરકતો પણ કેટલાક લોકો કરતા રહે છે, ત્યારે પ્રશ્ન એ થાય કે આ તે કેવા લોકો કે જેના આંગણા રોજ ગંદા થતા હોઈ, રોજે રોજ ધોવા પડે ? આવું એકઠું થયેલું પાણી મેલેરિયા,ડેંગયુ વગેરે રોગો ફેલાવતા રહે છે તેમ છતાં આવી હરકતો કેમ બંધ નહિ થતી હોય ?
( 5 ) સાંભળ્યું છે કે, જો ગાયને ખવડાવવામાં આવે તો મૃત્યુ પછી મૃતકને સ્વર્ગે જવા વૈતરણી નદી પાર કરવાની હોય છે તે ગાય પાર કરાવે છે. આથી મોટા ભાગના લોકો શાક-ભાજી, ફળ -ફળાદીના છોતરા જાહેર માર્ગ ઉપર નાખી પૂણ્ય કમાઈ લઈ, વૈતરણી પાર કરવા બૂકીગ કરાવી રાખે છે. જમતા વધેલી રસોઈ પણ એઠવાડના સ્વરૂપે આ ગાય-માતાને ધરવામાં આવે છે. ત્યારે પ્રશ્ન થાય છે કે. આથી થતી ગંદકીની વાત ભૂલી જઈએ તો પણ જેના શરીરમાં 32 કરોડ દેવતા વસે છે તેવી ગાયને આવો કચરો ખાવા માટે ધરાય ? અને આવો કચરો ખાઈ ગાય-માતા વૈતરણી પાર કરાવે ખરા ?
ઉપરાંત આ ગાયો તો કોઈ માલધારીની માલિકીની હોય છે, જે દૂધ દોહી ગાયોને લોકોની ગાય પ્રત્યેની ભાવુકતાનો લાભ લેવા છૂટી મૂકી દે છે જેથી મફતમાં જ ગાયોનું પેટ ભરાય અને દૂધની આવક માલધારીઓ જમતા રહે ! કેટલાક માલધારીઓ તો ગાયને પોતાના વાહન સાથે બાંધી, વાહનમાં લીલુ ભરી અબુધ લોકોને ગાયને ચારો નાખવા લલચાવતા રહી પૂણ્ય કમાવાની તક ઘેર બેઠા આપી તગડી કમાણી કરતા જોવા મળે છે .ક્યારે ય કોઈ માલધારી ભેસ કે બકરાને ગાયની માફક છૂટા મૂકતા નથી, કારણ ભેંસ કે બકરામાં નથી 32 કરોડ દેવતાનો વાસ કે નથી વૈતરણી પાર કરાવતા.
( 6 ) મોટા ભાગના લોકો ઘેર કે પાર્ટીમાં ચા-નાસ્તા કરી પેપર પ્લેટો અને પ્યાલા ગમે ત્યાં પધરાવી દેવાની ટેવ ધરવતા હોય છે, પછી તે શહેરના સુંદર બાગ-બગીચા પણ કેમ નથી ? આથી બગીચાના ફૂલ ઝાડને ખાતર મળતું હશે ?
( 7 ) પાન-તમાકુ કે ગુટકા ખાનારાઓ ગમે તે સ્થળે થૂકતા રહે છે, પછી તે પોતાના ઘરનું આંગણું કે દુકાનનું પ્રવેશ દ્વાર જ કે જાહેર રાજ માર્ગ જ કેમ નથી ? ઘેર આવતા મહેમાનો કે સ્વજનો કે ધંધાના સ્થળે આવતા ગ્રાહકોએ તો તેમના થૂંકેલા ગંદવાડમાં જ પગલા કરી આવવાનું રહેતું હોય આવો ગંદવાડ નહિ કરવાની સમજ શું ક્યારે ય નહિ ઉગે ?
( 8 ) રહેઠાણ- કે ઓફિસમાં, થીયેટર, બસ-સ્ટેંડ કે રેલ્વે પ્લેટફોર્મ, અરે દાદરના ખૂણાઓ ટેરેશ( અગાશી ) અને બાલ્કનીઓને પણ આવા લોકો થૂકદાની સમજી ગંદકી ફેલાવતા રહે છે. મોટા દુઃખની વાત તો એ છે કે આમાંના મોટા ભાગના કહેવાતા ભણેલા ( પણ અભણ ) હોય છે. આથી કદાચ ભણવામાં આવી કોઈ વાતો પાઠય પુસ્તકમાં નહિ આવતી હોય ? આમ તો શાળા કે કોલેજોની હાલત પણ શિક્ષકો અને પ્રોફેસરો પણ ગંદી કરતા જોવા મળે છે. આવા શિક્ષકો કે પ્રોફેસરો વિધ્યાર્થીઓને કેવું શિક્ષણ આપતા હશે ?
( 9 ) વાહન ઉપર જતા, પછી તે સાયકલ હોય કે સ્કૂટર, ચાલુ વાહને જ પીચકારી મારવી, ચાલુ ગાડીએ દરવાજો ખોલી પાછળ કોઈ આવે છે કે કેમ તેની પરવા કર્યા સિવાય પીચકારી મારવી તે કદાચ સાહસ ગણાતું હશે અને આવા ખેલને ઓલમ્પીકમાં ઈનામ પણ દેવાતા હશે ?
( 10 ) ધુમ્રપાન કરનારાઓ પણ ગમે તે જાહેર સ્થળે, બસ-ટ્રેનમાં અન્ય મુસાફરની અવગણના કરી ધુમાડો ઓકતા અને કોઈ મુસાફર ફરિયાદ કરેતો ઝઘડો કે મારામારી ઉપર આવી જતા હોય છે, આ પણ સંસ્કારિતાની ચાડી ખાતું નથી ?
( 11 ) જાહેર માર્ગો ઉપર શૌચાલય/મુતરડીઓ હોવા છતાં બહારના ભાગમાં જ કુદરતી હાજત હળવી કરનારાઓને પ્રતિષ્ઠા મળતી હશે ?
( 12 ) મંદિરો કે આશ્રમો પણ ગંદકીથી પર નથી તો આ સાધુઓ-સંતો-સ્વામીઓ-બાવાઓ-ગૂરુઓ-મહંતો અને પૂજારીઓ પોતાના ભક્તોને આવી નાની એવી વાત પણ સમજાવી નહિ શક્તા હોય ? કે તેમનાંમા જ આવી સમજ નહિ ઉગી હોય? પ્રવચનો સાંભળનાર અને દર્શનાર્થીઓ કોરા ધાકોડ જ રહેતા હશે ને ?
( 13 ) કથાકારો/વ્યાખ્યાન કરનારાઓ જ્યાં કથા કે વ્યાખ્યાન આપતા હોય છે તે મંડપની આજુબાજુ શ્રોતાઓ દ્વારા ગંદકીના થર જમા થતા હોય છે. પરંતુ કથાકાર કે વ્યાખ્યાનકાર આ વિષે કોઈ ટકોર કરતા જણાતા નથી, આ સર્વેને ગંદકી પ્રિય હશે ?
( 14 ) સમૂહ ભોજન સમારંભના પ્રસંગે સમિયાણાની આજુબાજુ કે જે વાડીમાં ભોજન સમારંભ યોજાયો હોય તેની આજુ બાજુના વિસ્તારમાં ગંદકીના થર જામે છે અને આજુબાજુ રહેતા લોકોને માટે આ ગંદકી માથાનો દુઃખાવો બનતી રહે છે, જેની પરવા ના તો સમારંભ યોજનાર કે વાડીના સંચાલકો કરે છે. કેવી કરૂણતા ?
( 15 ) હોટેલ અને લારી વાળા પણ જાહેર રાજ માર્ગ ઉપર ગંદકી ઠાલવાતા રહે છે અને રાહદારીઓને વાનગીની સુગંધ ( ? )નો વગર પૈસે લાભ આપે છે. અરે ! શૌચાલયની આજુબાજુ ઉભા રહેતા લારીવાળાની વાનગી તો વખણાતી હોય છે. લોકોને પણ આવી ગંદી જગ્યા પસંદ પડતી હશે ને ?
( 16 ) આરોગ્ય ધામ ગણાતી હોસ્પિટલો પણ ગંદકીથી પર નથી. મોટા ભાગનો રોગ ચાળો કદાચ અહિથી જ ફેલાતો હશે ?
આમ જાણે લોકોને ગંદકી સાથે જીવવાનો પ્રેમ પેદા થયો હોય તેમ જણાતું નથી ?
ઉપર દર્શાવેલ ગંદકી થવાના/ફેલાવવાના કારણોમાં મુખ્યત્વે લોકોનો ગંદકી પ્રત્યેનો અહોભાવ જ નજરે પડે છે. ઉપર લખેલ એક પણ પ્રકારની ગંદકી સુધરાઈ કે સફાઈ કામદાર તરફથી થતી ના હોવા છતાં મોટા ભાગના લોકો સુધરાઈ અને સફાઈ કામદારને જ દોષિત ગણાવી અને તેમની વિરૂધ ફરિયાદ કરતા નજરે પડે છે. આમ કેમ થતુ હશે ?
સચોટ સવાલો….જવાબો જાણવા છતાં યે આંખ વિચામણાં.
LikeLike