કુદરતે આપેલું કુદરતને આપો અને પછી જુઓ કમાલ—– વિવિધા – ભવેન કચ્છી

શું આપણે  આપણું શહેર, ગામ કે દેશ ખરા અર્થમાં સાફ અને સ્વચ્છ ઈચ્છીએ છીએ ? તો આ વાંચો અને વહિવટી તંત્રને ફરજ પાડો !

કુદરતે આપેલું કુદરતને આપો અને પછી જુઓ કમાલ—– વિવિધા – ભવેન કચ્છી

 

– તમને ઉકરડા વચ્ચે જ રાખવાનું કૌભાંડ છે તે જાણો છો ?

– દેશમાં રોજ એક લાખ ટન કચરો ઉકરડા ભેગો થાય છે તેને જો પ્રોસેસ કરવામાં આવે તો રોજ બે લાખ સીલીન્ડર જેટલો ગેસ અને ૧.૨૫ કરોડ કિલો ઊંચી ગુણવત્તાનું ખાતર મળે! કચરાને કચરો કહીને આપણે મોટી ભૂલ કરીએ છીએ. તમને કોઇ કહે કે કેળાની છાલના હું તમને પચાસ પૈસા આપીશ તો? તમે કેળાની છાલને ખિસ્સામાં લઇને ફરતા થઇ જશોભાભા એટોમિક રીસર્ચના વિજ્ઞાાની ડૉ. શરદ કાલે શું તમે જાણો છો ભારતમાં રોજના બે લાખ ગેસના સીલીન્ડર અને ૮૦ લાખ કિલો ઓર્ગેનિક કક્ષાનું ખાતર નજીવી કિંમતે પેદા થઇ શકે અને તે પણ આપણે જ નિકાલ કરીએ છીએ તે કચરામાંથી!આ શબ્દો છે ભાભા એટોમિક રીસર્ચ સેન્ટરના વિજ્ઞાાની પદ્મશ્રી ડૉ. શરદ કાલેના. એક તરફ ભારતમાં સ્વચ્છતા અભિયાનની બડી બડી વાતો થાય છે બીજી તરફ સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારનો ઉધડો લેતા એવો નિર્દેશ કરે છે કે પ્રોજેક્ટ ગંગાનો કઇ રીતે અમલ કરવાના છો. તેની નક્કર સમજ આપો. વાતોના વડા કરવાથી કે અમલદારોની મીટિંગો જ આ રીતે ચાલતી રહેશે તો બીજા ૨૦૦ વર્ષમાં પણ ગંગાની સફાઇ નહીં થાયતો જે તે રાજ્યોની હાઇકોર્ટ વખતોવખત પાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનને આડે હાથ લેતા ઝાટકણી કાઢે છે કે કરવેરાની કરોડોની આવક પ્રમાણે નાગરિકોને બદલામાં સ્વાસ્થ્ય અને સુખદ જીવનશૈલી તો તમે આપતા નથી. ક્યાં જાય છે અને કઇ રીતે ખર્ચાય છે આ રકમ?”

પણ, સાથે સાથે એ વાત પણ કાન પકડીને સ્વીકારવી જ પડે કે આપણે સૌ નાગરિકોમાં પણ સ્વચ્છતા અંગેની જાગૃતિ અને ફરજની ભાવના નથી જ. અમે અગાઉ પણ લખી ચૂક્યા છીએ કે આપણા દેશનું વિહંગાવલોકન કરીએ તો ઉકરડામાં રહેતા હોઇએ તેવું લાગે.

ડૉ. શરદ કાલેની જ વાત આગળ ધપાવીએ. તેમણે આમીર ખાન પ્રસ્તુત સત્યમેવ જયતેમાં ભારતમાં ઉકરડાની સમસ્યાઅંગેના કાર્યક્રમમાં જે વાત કરી હતી તેને યાદ કરવી જ રહી. તેમણે તે એપિસોડમાં કહેલું કે પ્રકૃતિના વિશ્વકોષમાં કચરાજેવો કોઇ શબ્દ જ નથી. આપણે આપણી જ વધેલી ખાદ્યસામગ્રી, છાલ, છીલકા કે ભીના-સુકા વધેલા-નકામા જણાતા પદાર્થોને કચરો અને ઉકરડો નામ આપીને એક પ્રકારની અછૂત, નિમ્ન અને ધીક્કારની લાગણીને જન્મ આપીએ છીએ. પણ માની લો કે હું તમને એમ કહું તો કે તમારી પાસેની કેળાની છાલનો કચરો નથી પણ પૈસા-રોકાણ છે તો? હું તમને કેળાની છાળના પચાસ પૈસા આપું તો? જી હા અને ખરેખર તેવું છે જ અને અમે અમારી નિસર્ગઋણનામની એનજીઓમાં એવું જ કરીએ છીએ.

ડૉ. શરદ કાલેના સાવ સીધા અભિગમનું પરિણામ એ આવ્યું કે ભાભા રીસર્ચ સેન્ટર તથા ટાટાથી માંડી સામાજિક નિષ્ઠા અદા કરવા માંગતી દેશની સેંકડો કંપનીઓ, જાહેર સાહસોએ ડૉ. કાલેનું માર્ગદર્શન – મુલાકાત લઇને તેમની કેન્ટીન કે હવે તો હોટલો પણ તેમનો સ્ટાફ કે પ્રવાસીઓ ભોજન બાદ જે પણ વધારે કે તેને બનાવવા દરમ્યાન જે પણ છાલ-છીલકા વધે (જેને આપણે એંઠવાડ કહીએ છીએ) તેને તેઓના જ બાયો ગેસ પ્રોજેક્ટમાં જમા કરે છે. પ્રક્રિયા બાદ આ જ ભીના અને સુકા કચરામાંથી કેન્ટીન માટેનું બળતણ (ગેસ) પેદા થાય છે. કંપની કે જાહેર એકમોના બગીચા, ફાર્મ માટે કે નજીક ગામના ખેડૂતો માટે કુદરતી – ગંધ વિનાનું ખાતર પણ પેદા થાય છે. સ્વચ્છતા પણ રહે અને લગભગ મફતમાં ગેસ – ખાતરની સાયકલ ચાલ્યા કરે તે જુદુ.

પર્યાવરણની સમતુલા જાળવીને વિકાસ સાધવાનો જેમનો ધ્યેય છે તેવા વડોદરાના ડેવલપર કિરીટ પટેલ માને છે કે આ પ્લેનેટઅને સેટેલાઇટજ ગ્રીન છે. તેમના મતે ‘GREEN’માં G એટલે ગ્રાઉન્ડ (અર્થ), R એટલે રેઇન વોટર, E એટલે એનર્જી એફિસિયન્ટ, ફરી E એટલે ઈકો-ફ્રેન્ડલી અને N એટલે નેચરલ રિસોર્સિઝ. કિરીટભાઇએ ડૉ. કાલેની પ્રેરણા બાદ તેમની અંગત મુલાકાત લીધી અને સંકલ્પ કર્યો કે નિસર્ગઋણજે કરે છે તેવું તે પણ અમલમાં કેમ ના મુકે. વોરાગામડી ગામ નજીક તેમણે બાયોગેસનું નિર્માણ પ્રારંભ્યુ. તેમના સ્વયંસેવકો નજીકના ગામો, છેક વડોદરા સુધી સોસાયટી, બજારો કે જાહેરમાર્ગોમાં પડેલા ઉકરડા ટેમ્પો ફરીને લાવે. નાગરિકોમાં જાગૃતિ આવે એટલે ઘેર ઘેર ફરીને એંઠવાડ કોથળીમાં ભરીને લાવે.

કિરીટભાઇના બાયોગેસ – બાયોકમ્પોસ્ટ પ્લાન્ટમાં ડૉ. કાલેએ બનાવી છે તેવી સીસ્ટમ પ્રમાણે કચરાનું ડમ્પીંગ, કચરામાંથી નીકળતું અને પ્લાન્ટ માટે જરૃરી પાણી ફરી રીસાયકલ થાય. એક તરફ ગેસ બને જે સીલીન્ડરમાં ભરાય અને બીજી તરફ સંજીવની સમાન ગ્રીન ગંધરહિત ઓર્ગેનિક સ્તરનું ખાતર બેગમાં પેક થાય. જેઓએ કચરો આપ્યો હોય તે કુટુંબોને ગેસ-ખાતર આપવામાં આવે. કિરીટ પટેલે કહ્યું કે તે તેમની સ્કીમમાં આ જ રીતે રહીશોના કચરામાંથી ઘેર ઘેર પાઇપ વડે ગેસ, ગાર્ડનિંગ માટે ખાતર પૂરૃં પાડવાની યોજના ધરાવે છે. તેવી જ રીતે તે તો તેના સ્વપ્નને સાકાર કરતા એ રીતે આગળ વધે છે કે રહેશોને આ રીતે રહીશોના જ વેસ્ટમાંથી મળેલ ખાતરથી બનેલ શાકભાજી અને ફળો પુરા પાડી શકાય જે ઓર્ગેનિક હોય.

આ રીતે સોસાયટી, એનજીઓ કે નાના લેવલ પર ટાટા, ભાભા એટોમિક કે અન્ય એકમોની જેમ પાલીકા કે મ્યુનિસિપાલિટી કરવા માંડે તો ડૉ. કાલે કહે છે તેમ તમારા ઘરનો, ઉદ્યોગનો, કચરો તમે ભવિષ્યમાં ગેસ, ખાતર, ઉર્જાનો ધંધો કરવા માંગતા યુનિટોને વેચી પણ શકશો. ઉદાહરણ તરીકે કાગળો રીસાયકલ થાય છે તેથી પસ્તીના ભાવ આવે જ છે. કચરો તો આના કરતા પણ વધુ કમાણી કરાવી આપે. છેલ્લે કંઇ નહીં તો કોઇ સંસ્થા કે આવાસ  સ્કીમ, ટાઉનશીપ તેમના જ રહીશો માટે સ્વનિર્ભર ગેસ, ખાતર, પાણી, સૌરઉર્જાનું ઉત્પાદન કરી શકે.

રૃા. બે કરોડનો જ આવો પ્લાન્ટ આપણા જ કચરા, એંઠવાડ, ઉકરડામાંથી એ હદે ગેસ, ખાતર, વૈકલ્પિક ઉર્જા, રીસાયકલ્ડ પાણી આપે કે ત્રણેક વર્ષમાં તે રોકાણ પણ સરભર થઇ જાય. એટલું જ નહીં એક આવો પ્લાન્ટ ૪૦ વર્ષ સુધી ચાલે. કિરીટભાઇ કહે છે કે જો તમે ચૂકી ગયા હો તો યુ ટયુબપરથી સત્યમેવ જયતેનો ગાર્બેજઅને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટપરનો એપિસોડ ખાસ નિહાળજો. તેમને તો આવા વિશ્વની કલ્પનાને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવાની એ હદે હોંશ છે કે જે મળે તે મિત્ર કે પર્યાવરણપ્રેમીને આવા એપિસોડની સીડીઅને પુસ્તિકા ભેટમાં આપે છે. આવી જ રીતે ટાઉનશીપ, સ્કીમમાં સૌર લાઇટ, અગાસી પર સૌર કૂકર, એલઇડી તેમજ ફ્લોર અને દિવાલોમાંથી ગરમી ના થાય તેવા કુદરતના સિધ્ધાંતોને પામીને જીઓથર્મલ અને હીટ આઇલેન્ડ ઈફેક્ટ વિકસાવી શકાય છે.

મુંબઇના ગોરાઇનું પણ ઉદાહરણ લઇએ. મુંબઇના ઉકરડાઓનું ડમ્પીંગ સેન્ટર ગોરાઇ નજીક આવેલું છે. વર્ષોથી કોઇ જ પ્રક્રિયા પામ્યા વગરનો કોહવાટ પામી ચૂકેલ ઉકરડાનો પર્વત એક તબક્કે ૮૦ ફૂટનો થઇ ગયો હતો ત્યારે રીસાયકલિંગ અને વૈકલ્પિક ઉર્જા અને વેસ્ટ મેનેજમેન્ટમાં જેમણે જીવન સમર્પિત કર્યું છે તેવા ડૉ. એસ આર માલેએ આ ૮૦ ફૂટ ઉકરડામાં ડિસીપ્લીન્ડ બેકટેરિયાદાખલ કરીને તેમાં પ્રોટીન, સેલ્યુલોઝ, સુગર જેવા તત્વો પેદા કરીને જમીનને સમતલ કરવાની હોય ત્યાં આ તમામ વેસ્ટને પાથરી બતાવ્યો, ખેતરો અને બગીચાઓમાં ફળદ્રુપ જમીન બની, ઓર્ગેનિક પેદાશ થવા માંડી અને જમીનના તળિયે પાણી વધુ સંગ્રહિત થતું ગયું તે નફામાં. તેમણે તો એટલે સુધી કહ્યું કે વિદેશના નિષ્ણાતોને પણ જાણ નથી તેવી આપણી પાસે પરંપરાગત ટેકનિક છે. આપણે ઘેર ઘેર દૂધમાંથી દહીં બનાવવા માટે મેળવણ કે જામણ નથી ઉમેરતા? આ જ દૂધમાં મેળવણ ના નાંખો તો અમૂક દિવસ પછી દૂધ ખાટું થઇને બગડી જતું હોય છે ને. તમે ઉકરડામાં પણ આ રીતે શિસ્તબધ્ધ કેળવાયેલા બેકટેરિયા દાખલ કરો. વિદેશમાં આવા કચરાના ઢગલાઓમાં બેકટેરિયા દાખલ કરીને ઉકરડાના ઢગ પર સૌંદર્ય – બ્યુટિફિકેશન માટે ફૂલ, છોડ, લેન્ડસ્કેપિંગ કરવામાં આવે છે. આપણે આ ઉકરડો ટ્રીટમેન્ટ બાદ ગેસ, ખાતર, ઊર્જા અને ખડકાળ જમીનને ફળદ્રુપ રીતે સમતોલ કરવા ઉપયોગમાં લઇ શકાય. જે કામ મ્યુનિસિપાલીટી (ભ્રષ્ટાચાર ઉમેરતા) રૃા. ૭૦ કરોડમાં વિદેશી સહયોગથી કરાવવાનું હતું તે ડૉ. માલેના નિર્દેશનથી રૃા. ત્રણ કરોડમાં પૂરૃં થઇ ગયું!

જો કે એક્ટિવિસ્ટ ડૉ. રીશી અગ્રવાલ ભારતની ગંદકી, ઉકરડા માટે સ્થાનિક પાલિકા અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કરોડોના કૌભાંડને જવાબદાર માને છે જેમાં હવે તો માફિયાઓ પણ પ્રવેશી ચૂક્યા છે. એકલા મુંબઇમાં જ કચરાની નિકાલપ્રક્રિયા માટે વર્ષે રૃા. ૨૩૦૦ કરોડનું બજેટ છે. બીજા શહેરોમાં સરેરાશ ૧૦૦૦થી ૧૫૦૦ કરોડ રૃપિયા છે. તેમણએ કહ્યું કે સૌથી પહેલા તો મ્યુનિસિપાલીટી કે કોન્ટ્રાક્ટર દ્વારા ગામ કે શહેરના કચરાઓનો સંગ્રહ કરવાની (ડમ્પીંગ સ્ટેશન) જગા મેળવવાનું કૌભાંડ થાય છે. મોટા શહેરોમાં જમીન પર કબ્જો મેળવીને આજુબાજુ વિકાસ ના થાય તે રીતે ક્રમશઃ પકડ મેળવાય છે. બીજું કૌભાંડ તે કચરાની પ્રક્રિયા (પ્રોસેસ અને વેસ્ટ મેનેજમેન્ટ)માં હોય છે. ઓન પેપર પ્રક્રિયા (ટિપિંગ) માટે મોટી રકમનો કોન્ટ્રાક્ટ અપાય છે. ખરેખર આવી કોઇ પ્રક્રિયા થતી જ નથી. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ભાગબટાઇ કરે છે.

હા, આ કચરાને રહીશોના વિસ્તારથી ડમ્પીંગ સ્ટેશન સુધી લાવવાનું ટેમ્પો-ટ્રકના કોન્ટ્રાક્ટ આપવાની પણ દુનિયા છે. એક ટન કચરાને ડમ્પીંગ સ્ટેશન પર લાવવાનો ટ્રક ટ્રાન્સપોર્ટરને રૃા. ૨૦૦થી ૫૦૦નો કોન્ટ્રાક્ટ અપાય છે. ડૉ. રીશીએ એક ધારદાર કોમેન્ટ કરી કે ભારતની ટીમ ક્રિકેટમાં જીતે કે હારે ત્યારે આપણે દેશભક્તિ વ્યક્ત કરીએ છીએ પણ સીસ્ટમ અને તેમના રખેવાળો આપણને ઉકરડામાં જ રાખે કે આપણું શોષણ કરે ત્યારે આપણું સ્વમાન, સન્માન અને રાષ્ટ્રગૌરવ ઘવાતું નથી. તમે જ વિચારો, જે કચરામાંથી કરોડોનું કૌભાંડ થઈ શકતું હોય તો આ તંત્ર એવા પગલા ખરા હૃદયથી એવા પગલા ભરે ખરા કે ગામ, શહેર, દેશ સ્વચ્છ બને? તમારી પ્રકૃતિની જાળવણી અને હક્કથી તેઓનું નેટવર્ક ભાંગી પડે.

ખરેખર આપણે સૌએ જ કચરાની નિકાલ પ્રક્રિયા, વળતર અને કરવેરાનો હિસાબ માંગવાનો છે. પહેલાના જમાનામાં પોળો, ફળિયા, ખડકી, ચાલીની બહાર એંઠવાડ જમા કરવા કુંડી રહેતી. કમ સે કમ ગાય-કૂતરા તો ધાન્ય, શાકભાજી, ખાદ્ય સામગ્રી આરોગી શકતા. સ્વચ્છતા પણ જળવાતી. આજે આપણે પોશ વિસ્તાર, તેવા જ આવાસો, કોમર્શિયલ કોમ્પલેક્સ, બગીચાઓની નજીક રહીએ છીએ પણ બહાર ઉકરડાઓની દુનિયા છે. આપણે ‘Reduce, Reuse અને Recycle’નું સુત્ર અપનાવવું જોઇએ. આમીર ખાને એક વિચારવા જેવી વાત કરી કે હિન્દી ફિલ્મના નિર્માતાઓ શુટિંગ માટે વિદેશ શા માટે જાય છે? લોકેશન માટે? ખૂબસુરત લોકેશન તો ભારતમાં છે જ ને? પણ તેના પર કેમેરો માંડતા જ તે વિસ્તારની આજુબાજુની ગંદકી, કચરા, ઈમારતની જાળવણી, ધૂળ, નદી હોય તો તેનો રંગ બધું જ અભદ્ર દેશની ચાડી ખાય છે. દ્રશ્ય જોઇને દર્શકો વાહબોલી દંગ થઇ જાય તેવું નયનરમ્ય બનાવવા જહેમત ઉઠાવવી પડે. જ્યારે વિદેશમાં કોઇપણ સમયે ગમે ત્યાં જાવ અને ગમે તે એંગલથી કેમેરો માંડો તો દ્રશ્ય આહલાદ્ક જ મળે. આમીર એવો સંકેત પણ આપે છે કે આપણને ઘર, ઓફિસ, વાસણો, વાહનો, કપડા બધું જ ચકાચક જોઇએ છે તે જ રીતે તેને સાફ રાખીએ છીએ. પણ, બહાર ડગ માંડતાં જ ઉકરડો, ખાબોચિયા, દુર્ગંધ આપણને ડિસ્ટર્બ નથી કરી શકતા.

* તમે મને ભગવાનને ચઢાવેલા અને તે પછી ગટરમાં વહી જતાં ફૂલો આપો હું તમને બદલામાં તેમાંથી ખાતર અને ગેસ બનાવીને આપીશ.‘- પર્યાવરણપ્રેમી કિરીટ પટેલ

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s