ઈશ્વર-ધર્મને ઊંચકો નહીં, હૃદયમાં રમાડો—– ક્ષણ-ક્ષણાર્ધ – પ્રવીણ દરજી

ઈશ્વર-ધર્મને ઊંચકો નહીં, હૃદયમાં રમાડો—– ક્ષણ-ક્ષણાર્ધ – પ્રવીણ દરજી

ઈશ્વર-ધર્મને ઊંચકો નહીં, હૃદયમાં રમાડો

હું રૃઢ અર્થમાં ધાર્મિક નથી. જગત પ્રત્યે આસ્થાળુ છે, વિશ્વમાં કોઈક ક્રમ છે, કશુંક તંત્ર છે, કોઈક શક્તિ છે. જે આ સર્વનું વ્યવસ્થાપન કરે છે, એવી મારી સમજ રહી છે. ભાવનાની હું કદર કરું છું પણ ભાવુક થઈ જવાની વાતનો વિરોધ કરું છું. જ્ઞાાનને નેવે મૂકતો નથી. બુદ્ધિને હાવી થવા દેતો નથી તો સંવેદનાઓ વિનાના શૂન્ય જીવનનો પણ હું હિમાયતી નથી.

એક મનુષ્ય લેખે જગત મને ગમે છે. જગતને પામવા જતાં ક્યારેક પ્રશ્નો થયા છે, આઘાતો સહ્યા છે પણ સરવાળે તો જગતને – માણસને ચાહવાનું ગમ્યું છે. મંદિરોમાં ગયો છું, જાઉં છું પણ ખરો. શ્રદ્ધાપૂર્વક ત્યાં મૂર્તિને પ્રણામ કરું છું. ક્યારેક મન થાય તો ભેટ પણ મૂકું છું. પણ મેં આમાંનું કશું નિયમ તરીકે સ્વીકાર્યું નથી. હું એ રીતે મુક્ત રહ્યો છું. મારી આંગળીઓ કે લલાટ તેથી કંકુ વડે લાલચોળ થઈ ગયાં નથી.

ચોક્કસ આરતીમાં હાજર રહેવું કે અમુક મહિનામાં અમુકતમુક દેવનું અર્ચન-આરાધન કરવું તેવા નિયમોમાં હું બંધાયો નથી. માત્ર મને મંદિરે જવા માટે અંદરથી મન થવું જોઈએ. તેમ થાય ત્યારે હું મૂર્તિ સમક્ષ ઊભા રહી તેના કળ-અકળ વિશ્વ વિશે મારું વિસ્મય પ્રકટ કરું છું. તે આપણી વચ્ચે નથી છતાં તેના આપણા ઉપરના પ્રભાવ વિશે વિચારું છું. ત્યાં તેની પાસે માગું તો શું માગું ? આપવા યોગ્ય તેણે આપ્યું છે જ.

હા, બની શકે તો હું તેને પ્રેમ કરું અને સામે તે પણ મને સુમાર વિનાનો પ્રેમ કરે – એવું યાચું છું. હું તેના હોવાપણા વિશે શંકિત નથી, પણ તેને જે રીતે માત્રને માત્ર પૂજા-અર્ચન ટીલાં-ટપકાં સિવાય તેનું કોઈ આગળનું મહત્ત્વ જોતા નથી તેની ચિંતા છે, તેની અસહ્ય પીડા છે.

ધાર્મિક સરઘસોને જોઉં છું ત્યારે, વાજતેગાજતે સાધુઓને વળાવવા જતા કે સત્કારવા જતા સમુદાયને નિહાળું છું ત્યારે, ધર્મગુરુઓની શોભાયાત્રાઓ નીકળતી દેખું છું ત્યારે, ધાર્મિક ગ્રંથોની પણ યાત્રા નીકળતી જોઉં છું ત્યારે અથવા તો પગપાળા સંઘોથી રસ્તાઓને ઉભરાતા જોઉં છું ત્યારે મારી જાતને પ્રશ્ન કરુ છું – અહો, કેટલી બધી ધાર્મિકતા વધી ગઈ છે? માણસ શું સાચ્ચે જ ધાર્મિક થઈ ગયો છે? સાચ્ચે જ તેની ધર્મવૃત્તિમાં છાપાળવી ભાષામાં કહું તો ઘોડાપૂરઆવ્યું છે? જો એવું ખરેખર હોય તો દિનપ્રતિદિન સામાજિક ગંદવાડ વધતો કેમ જાય છે? સરેરાશ માણસે તેની નૈતિક તાકાતનું અચ્યુતમ્ કેમ કરી નાખ્યું છે? માલેતુજારો, શિક્ષિતોના કૌભાંડોનો રેલો આગળ અને આગળ કેમ લંબાતો જાય છે? કોઈકને અમુક ધર્મ સાથે તો કોઈકને તમુક ધર્મ સામે વાંધો કેમ હોય છે? ધર્માંતરો પાછળ કઈ વૃત્તિ કામ કરે છે?

મંદિરો અને ધાર્મિક સ્થળોના બાંધકામની ચાલી રહેલી આ સ્પર્ધાઓ પાછળ કયું રહસ્ય છે? કેટલાકને કૃષ્ણ સામે ફરિયાદ છે, કેટલાકને સાંઈબાબા સામે ફરિયાદ છે તો કેટલાકને પયગમ્બર કે ઈસુ સામે કહેવાનું છે તેનું કારણ કયું? આ સર્વ પ્રશ્નોના દરેકને ગમે તે પસંદ પડે તેવા ઉત્તરો ન હોય તે સમજું છું. પણ જો આને ધર્મવિસ્તારકહેવાતો હોય કે ધાર્મિકતાકહેવાતી હોય તો અવશ્ય તંદુરસ્ત રહેવા ઈચ્છતા સમાજે ચિંતા કરવી જોઈએ. કોઈનીય પાલખીને ઉંચકવાનું ઈશ્વર કહેતો નથી. ખુદ ઈશ્વર પોતાની પાલખી માટે પણ એવું કહેતો નથી. ઈશ્વર આ ધર્મની કે અન્ય ધર્મની વફાદારી પુરવાર કરવા અભદ્રતાની હદ વટાવીએ એ રીતે મારામારી પણ શીખવતો નથી. કોણ ઊંચું કે કોણ નીચું – તેની માપપટ્ટીઓ હજી શોધાઈ નથી.

વાસ્તવમાં પણ ધર્મ કે ઈશ્વરને ઊંચકીને ખભા ઉપર રાખવાનો નથી. ધર્મને કે ઈશ્વરને હૃદયમાં સ્થાપવાનાં છે. હૃદયમાં પલ્લવિત કરવાનાં છે. હૃદયમાં રમાડયાં કરવાનાં છે. મંદિર કે મસ્જિદ કે જિનાલય હૃદયમાં બાંધવાનાં છે. વિરોધી વિચારોનું યુદ્ધ હૃદયમાં જગવવું જોઈએ. યોગ્યાયોગ્યતાનો નિર્ણય હૃદયે કરવાનો હોય.

બહુમતીનું ગણિત ધર્મમાં કેવી રીતે ચાલી શકે? દરેક દેવ એક મિથ છે. આપણું કાર્ય એ મિથને ઉકેલવાનું છે. ઈસુનો ક્રોસ શું છે? માણસ ક્રોસ સર્જી શકે છે તો કોઈક ઈસુ જેવા માનવજાત માટે તે વેંઢારી પણ શકે છે. બુધ્ધ-મહાવીરને ઈશ્વર બનાવી દેવાથી નહિ સમજાય. બુધ્ધ-મહાવીરને પામીને અંદરની બુધ્ધતા કે અંદરનું મહાવીરત્વ જાગૃત કરવું પડશે. ઈસુત્વ અને પયગંબરત્વ અંદર જન્માવવું પડશે. તે રીતે તેની સાથે હૃદય જોડીશું તો ધર્મનું રહસ્ય કંઈક પમાશે.

શ્રીગણેશને મનુષ્યરૃપે આપણી સાથે હરતા-ફરતા કરવાના છે. તેમનું મસ્તક હાથીનું છે. દેહ મનુષ્યનો છે. અહીં પશુ-પ્રાણી સાથે મનુષ્યના એકત્વભર્યા સંબંધોનો વિચાર કરવો જોઈએ. શ્રીગણેશના સૂપડા જેવા કાન સૂચવે છે કે ખુલ્લા કાને બધું સાંભળો, જગત આખાને અંકે કરો પણ પછી કાનને ઉપર-નીચે હલાવી બિનજરૃરી બાબતોને કાઢી નાખવાની છે. ભૂલી જવાની છે. કાનથી હૃદય સુધી તો અમુક બાબતો જ જવી જોઈએ. શ્રીગણેશની ચૂંચળી આંખો કહે છે કે જુઓ, પણ ઝીણું જુઓ. ચોકસાઈભર્યું જુઓ. ફરસી અને ત્રિશૂળ સૂચવે છે કે જાતનું રક્ષણ કરવા સક્ષમ બનો. હાથમાંનો મોદક સૂચવે છે કે બધે મીઠાશ રાખો. કડવું ભૂલી જાવ. આશીર્વાદની હસ્તમુદ્રા આપણને સૌની પ્રત્યે શુભ લાગણીઓ જગવવા માટે સંકેત કરે છે. દુંદાળો ગણેશ કહે છે બધી વાતો પેટમાં રાખો. મુખ સુધી લાવો નહિ. ઉદાર બનો, સહિષ્ણુ બનો. સૂંઢ કહે છે કે નાની સોયને પણ ગ્રહી શકાય છે તો તોતિંગ વૃક્ષો પણ તેનાથી ઊખેડી શકાય છે. સૂક્ષ્મ બનો, બૃહદ્ બનો, બળવાન બનો. હાથમાંનું પુષ્પ કહે છે – સર્વત્ર મંગલ હો, સુવાસ હો. શ્રીગણેશનું વાહન ઉંદર છે. મૂળ ગાંધર્વ એવો ઉંદર મહાઅભિમાની હતો. અહંકારથી ભરેલો હતો. ગણેશજીએ તેને પોતાનું વાહન બનાવીને તેને સદા ચૂપ કરી દીધો હતો. દરેક ઈશ્વર આવો મર્મવાળો છે. આપણે વિઘ્નહર્તાને માત્ર ભજીએ એટલું પૂરતું નથી તેને સકલરૃપે પામીએ… તો પરિસ્થિતિ જુદી પણ હોય!

 

Advertisements

One comment

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s