વિશ્વયુદ્ધમાં નિરાધાર પોલેન્ડના બાળકો જ્યારે જામસાહેબના મહેમાન બન્યાં.. સમયાંતર – લલિત ખંભાયતા

 

વિશ્વયુદ્ધમાં નિરાધાર પોલેન્ડના બાળકો જ્યારે જામસાહેબના મહેમાન બન્યાં.. સમયાંતર – લલિત ખંભાયતા

 હું જામનગર નિવાસી હોવા છતાં જામસહેબના આવા ઉમદા કામ વિષે અજાણ હતો જે, શ્રી લલિત ખંભાયતાના ગુજરાત સમાચારની રવિ પૂર્તિમાં પ્રસિધ્દ્ધ થયેલ આ લેખ દ્વારા અવગત થતાં આપ સૌ મિત્રો સમક્ષ મૂકવાની લાલચ નહિ રોકી શકતા મારાં બ્લોગ ઉપર મૂકી રહ્યો છું. જામસાહેબનું આ કાર્ય અત્યંત પ્રસંશનીય,અને સરાહનીય હોય સૌએ એકી અવાજે બિરદાવવું જ રહ્યું. અલબત્ત જામસાહેબ આજે આપણી સાથે નથી, છતાં તેમના જીવન કાળ દરમિયાન કરેલાં ઉમદા કાર્યો તો બોલી જ રહ્યા છે. આશા છે કે , આપ સૌને પણ આ લેખ વાંચવો ગમશે.—અરવિંદ

વિશ્વયુદ્ધમાં નિરાધાર પોલેન્ડના બાળકો જ્યારે જામસાહેબના મહેમાન બન્યાં.. સમયાંતર – લલિત ખંભાયતા

બીજા વિશ્વયુદ્ધ વખતે પોલેન્ડના નિસહાય બાળકો માટે જામનગર મહારાજ દિગ્વિજયસિંહે બાલાચડીમાં એક કેમ્પ સ્થાપ્યો હતો. ગુજરાતનો એ વિશ્વયુદ્ધ સાથેનો ભુલાયેલો નાતો છે. બ્રિટિશ સરકાર તેમના સૈનિકો માટે કરતી હતીં તેના કરતા બે ગણો ખર્ચ જામ સાહેબે પોલેન્ડના મહેમાનોને સાચવવા કરીને ગુજરાતની અનોખી મહેમાનગતિનો પરિચય આપ્યો હતો. અને એટલે જ તો આજે પોલેન્ડના પાટનગરમાં જામસાહેબના નામે સ્કૂલ ચાલે છ

અમારી એક તરફ દોઢેક કિલોમીટર દૂર દરિયો હતો, તો વળી એટલા જ અંતરે બાલાચડી ગામ હતું. અમારો કેમ્પ ટેકરી પર હતો. સમુદ્ર તરફથી અહીં ફૂંકાતો પવન વાતાવરણને ખુશનુમાં રાખતો હતો. સવારે સાત વાગ્યે બ્યૂગલ વાગે એ સાથે જ અમારો દિવસ શરૃ થતો. એ પછી કસરત કરવાની, ન્હાવા-ધોવાનું અને ભણવા જવાનું. બાપોર સુધીમાં ભણવાનું પુરું થાય એટલે જમીને એક કલાક ફરજિયાત આરામ કરવાનો. બાપોર પછી તો અનેક પ્રકારની પ્રવૃત્તિઓ અમારી રાહ જોતી હોય. કોઈ સંગીત શીખે, કોઈ તરવા જાય, કોઈ રમતો રમે.. એ ધમધમાટ અંધારુ થાય ત્યાં સુુધી ચાલ્યા કરે..* * * કોઈ પણ હોસ્ટેલનું રોજીંદુ ટાઈમટેબલ આવુ હોઈ શકે. પરંતુ અહીં વાત કોઈ હોસ્ટેલની નથી. બીજા વિશ્વયુદ્ધ વખતે બાલાચડી ખાતે જામનગરના મહારાજા દિગ્વિજયસિંહે (જામસાહેબે) પોલેન્ડના ૫૦૦ બાળકોને આશરો આપ્યો હતો. એ પૈકીના એક બાળક ફ્રેન્ક હાર્ઝોવે મોટા થઈને પછી કેમ્પમાં પોતાના દિવસો કઈ રીતે પસાર થતાં હતાં તેની નોંધ લખી હતી. ઉપરની વાત ફ્રેન્કની ડાયરીમાં નોંધાયેલા અનેક સંસ્મરણો પૈકીની એક છે.. * * * ૧૯૩૯માં શરૃ થયેલા બીજા વિશ્વયુદ્ધનો પહેલો તણખો પોલેન્ડ-જર્મનીની સરહદે પ્રગટયો હતો. એ પછી તો ધીમે ધીમે કરતાં આખુ યુરોપ અગનજ્વાળાઓમાં લપેટાયુ હતું. જર્મનીના ત્રાસથી બચવા અનેક પોલિશ (પોલેન્ડવાસીઓ) રશિયા તરફ ભાગ્યા હતાં. રશિયાએ પણ જર્મની સુધી પહોંચવા માટે પોલેન્ડનો માર્ગ અપનાવ્યો હતો. એ દરમિયાન હજારો પોલિશ સૈનિકોને યુદ્ધ કેદી તરીકે પકડીને બંદી બનાવી દીધા હતાં. એક કેમ્પ રશિયા-પોલેન્ડની સરહદે આવેલા કેટીનના જંગલોમાં હતો. યુદ્ધકેદી તરીકે પકડાયેલા સૈનિકો પૈકી ૧૯૪૧ સુધીમાં રશિયાએ ૨૨ હજાર જેટલા સૈનિકોની હત્યા કરી ગૂપચૂપ રીતે તેમને દફનાવી દીધા હતાં. એ સૈનિકોના સંતાનો નિરાધાર હતાં અને તેમને રશિયા છોડી દેવાનું ફરમાન હતું (એ સંતાનો પૈકીના જ એક બાળક એટલે ફ્રેન્ક જેણે પોતાના બધા અનુભવો વ્યવસ્થિત રીતે નોંધ્યા હતાં). બાળકો જર્મનીએ કબજે લીધેલા પોલેન્ડમાં જાય તો ત્યાં અનેક રીતે હેરાન થવુ પડે એમ હતું. એ વખતે જ વિશ્વભરમાં ફેલાયેલા પોલેન્ડના રાજદ્વારીઓ ક્યાં ક્યાં પોલિશ લોકોને આશરો મળી શકે એમ છે, તેની તપાસમાં લાગી પડયા હતાં. એ પૈકી કેટલાક બાળકોનું ભાવિ નિયતિએ વર્ષો પહેલાં જ નક્કી કરી નાખ્યુ હતું. પહેલા વિશ્વયુદ્ધ પછી એક વખત નવાનગર (હવે જામનગર)ના યુવરાજ દિગ્વિજયસિંહ સ્વિત્ઝરલેન્ડ ગયા હતાં. અહીં તેના કાકાના મહેલાત જેવા મકાન પાસે જ બીજો બંગલો એક પોલેન્ડના પિયાનોવાદક જેન પાદ્રેવેસ્કીનો હતો. બન્નેની મુલાકાત થઈ અને પછી દોસ્તી પણ થઈ. એટલે પોલેન્ડ પ્રત્યે દિગ્વિજયસિંહને વિશેષ હમદર્દી હતી. એમાં વળી ખબર પડી કે પોલિશ પ્રજા દરદર ભટકી રહી છે, ત્યારે તેમણે મન મોકળુ કરીને ૫૦૦ બાળકોને પોતાને ત્યાં આશરો આપવાનો નિર્ણય લીધો. ગુજરાત સાથે ગાઢ નાતો હોવા છતાં મહેમાનગતિનું આ પ્રકરણ ગુજરાતમાં ખાસ જાણીતુ નથી. અનુરાધા ભટ્ટાચાર્ય નામના પ્રાધ્યાપક મહિલાએ વિશ્વયુદ્ધ દરિમયાન પોલેન્ડવાસીઓનો ભારતમાં આશરો એ વિષય પર સંશોધન કરી સેકન્ડ હોમલેન્ડઃ પોલિસ રેફ્યુજી ઈન ઈન્ડિયાપુસ્તક લખ્યુ છે. નવાનગર-રાજની ઉદારતા અને ભારતની મહેમાનગતિ ઉજાગર કરતાં અનેક પ્રસંગો એ પુસ્તકમાં નોંધાયા છે. * * * રશિયામાં રખડી પડેલા ૫૦૦ બાળકો મારા મહેમાન થશે એવુ જામસાહેબે કહી તો દીધું પરંતુ તેમને રાખવા ક્યાં? રશિયાથી રવાના થયેલો નિરાશ્રિતોનો જથ્થો જામનગર પહોંચે ત્યાં સુધીમાં દોઢેક મહિનાનો સમય લાગે એમ હતો. એ વખતે જ જામસાહેબે પોતાના કારભારીઓને કામે લગાડી દીધા કેમ્પ તૈયાર કરવા માટે. બાલાચડીમાં જામસાહેબની વેકેશન ગાળવા માટેની એક હવેલી હતી. તેની પાસેની જ એક ટેકરી કેમ્પ માટે પસંદ કરાઈ.   ૭૦૦થી ૮૦૦ લોકો રહી શકે એવો વિશાળ કેમ્પ તૈયાર કરવામાં આવ્યો હતો. કેમ્પમાં ૬૦ બેરેક હતી. તળિયે રાતા કલરની માટીથી બનેલી લાદીઓ જડેલી હતી. બાંધકામ નવું સવું હોવાથી હજુ કેટલીક બારીઓમાં તો દરવાજા ફીટ કરવાના બાકી હતાં. પણ મચ્છર ન આવે એટલા પુરતી જાળીઓ લગાવી દેવાઈ હતી. ટેલિફોન, પાણી સહિતની શક્ય એટલી સગવડો પણ હાજર કરી દેવાઈ હતી. કિલોમીટરથી વધારે લાંબો પાક્કો રસ્તો બંધાઈ ગયો હતો. અહીં રહેનારા દરેક બાળક માટે લાકડાનો પલંગ, ગાદલુ, ચાદર.. સહિતની સુવિધાઓ હાજર કરાઈ હતી. દરેક પલંગ માથે વળી એક લાકડાનો નાનકડો કબાટ અને પલંગ પાસે નાનકડું ટેબલ પણ હતાં. ફાનસ વડે રાત્રે કેમ્પમાં અજવાળુ પથરાતુ હતું. એ જમાનામાં કેમ્પ તૈયાર કરવા પાછળ રૃપિયા ૧,૫૬,૬૦૫ ખર્ચાયા હતાં. એટલે કે એક બાળક દીઠ રૃપિયા ૩૧૩. બીજા વિશ્વયુદ્ધ વખતે કેમ્પ તો અનેક દેશોમાં હતાં પરંતુ એ તેમની નર્ગાકાર જેવી સ્થિતિ માટે બદનામ હતાં. કેમ્પમાં રહેનારા આશ્રિતો એકએક જરૃરિયાત કોઈકના મહોતાજ થઈને રહેતા હતાં. જ્યારે બાલાચડીના કેમ્પમાં રહેનારા બાળકો ભારતની ભવ્ય મહેમાનગતિ માણી રહ્યાં હતાં. અહીં ૧૯૪૨ની નવમી એપ્રિલે બાળકોનો પહેલા સંઘ આવી પહોંચ્યો ત્યારે તેમના માટે કલ્પનાતિત સુવિધાઓ હાજર હતી. ફ્રેન્કે પોતાની ડાયરીમાં નોંધ્યુ છે, કે બાળકો આવી ગયા પછી મહારાજા કેમ્પની મુલાકાતે આવ્યા અને તેમણે બાળકોને કહ્યું હતુંઃ તમારી જાતને અનાથ સમજશો નહીં. હવે તમે પણ જામનગરની પ્રજાની માફક મારા સંતાનો જ છો!* * * અનુરાધાએ પુસ્તકનું નામ સેકન્ડ હોમલેન્ડ (બીજુ વતન)રાખ્યુ એ જરા પણ ખોટુ નથી. કેમ કે પોલેન્ડના યુદ્ધગ્રસ્ત માહોલમાં એ બાળકો પોતાના ઘરે રહેતાં હોય તો પણ એમને એવી સુવિધાઓ ન મળી શકી હોત જે અહીં કેમ્પમાં ઉપલબ્ધ કરાવાઈ હતી. કેવી કેવી સુવિધાઓ.. * બાળકો માટે કેમ્પમાં સ્કૂલ હતી. ભણાવવા માટે સ્થાનિક અને પરદેશી શિક્ષકોની નિમણુંક પણ થઈ હતી. બાળકો યુદ્ધની સ્થિતિમાં પણ ભણ્યા વગરના ન રહી જાય એ મુખ્ય ઉદ્દેશ હતો. શરૃઆતમાં કેમ્પ પાસે પોલિશ પુસ્તકો ન હતાં. માટે બાળકોને પોલેન્ડની પ્રાથમિક એબીસીડી અને સો-એકડા જેવુ શિક્ષણ આપવામાં આવતુ હતું. એ ભણતરમાં બાળકો કેટલુ જાણે છે અને કેટલુ યાદ રાખી શકે છે એના આધારે તેના ચાર વર્ગ પાડી દેવામાં આવ્યા હતાં. પછીથી તો પુસ્તકો પણ ઉપલબ્ધ કરાવાયા હતાં. કેમ્પનું શિક્ષણ આગળ ઉપર બાળકોને કામ લાગે તેની પુરતી તકેદારી રખાઈ હતી. એટલે જ તો જામનગર રાજે પોલેન્ડ સાથે વાટા-ઘાટો કરી કઈ રીતે પરીક્ષા લેવી તેની સૂચના મેળવી હતી. એ પછી બાળકોની પરીક્ષા લઈ તેમને સર્ટિફિકેટ આપવામાં આવતાં હતાં. અને એ સર્ટિફિકેટ પોલેન્ડમાં માન્ય ગણાતા હતાં! * પહેલા વરસે અહીં મલેરિયાના ઘણા કિસ્સાઓ નોંધાયા હતાં. માટે તુરંત મહારાજાએ ડો.અમૃતલાલ અશાની અને ડો.અનંત જોશીને કેમ્પની તબિયત તપાસવાના કામે લગાડી દીધા હતાં. તેમની તકેદારીને પરિણામે જ રોગચાળાની સ્થિતિ વચ્ચે પણ કેમ્પના બધા વર્ષો દરમિયાન બીમારીને કારણે એક જ મોત થયુ હતું. અને એ બાળક તો પહેલેથી જ રશિયાથી માંદુ પડીને આવ્યુ હતું. * કેમ્પના રસોડાની જવાબદારી મિસિસ ત્રોન્ગોર્સકાને સોંપવામાં આવી હતી. તેમની મદદ માટે ગોવાની પોર્ટુગિઝ કોલોનીમાંથી કેટલાક માણસો લઈ આવવામાં આવ્યા હતાં. તેમના માટે સૌથી મોટો પડકાર ભારતીય શાકભાજીમાંથી પોલેન્ડના બાળકોને ભાવે એવી વાનગીઓ તૈયાર કરવાનો હતો.      એક વખત કેમ્પની મુલાકાતે આવેલા મહારાજાને ખબર પડી કે અહીં બાળકો માટે રમતગમતના સાધનો નથી. એટલે તેમણે ૫૦૦-૧૦૦૦ રૃપિયા આપીને ફૂટબોલ સહિતની રમતના સાધનો મંગાવ્યા. જોકે ફૂટબોલ વડે રમવાની છૂટ માત્ર મોટાં બાળકોને જ હતી. કેમ કે નાના બાળકોને ફૂટબોલ લાગી જવાનો ડર હતો. રમતના સાધનો આવ્યા પછી બાળકો એટલા બધા ઉસ્તાદ બની ગયા કે તેમણે જામનગર સ્થિત નૌકાદળના અધિકારીઓ સાથે ફૂટબોલ અને હોકીની મેચો રાખી હતી અને કેટલાક નોંધપાત્ર વિજય પણ મેળવ્યા હતાં. આવી મેચ જેવા જામસાહેબ પોતે પણ આવતાં હતાં. * એક ઓરડામાં બેટરી સંચાલિત રેડિયો, વિવિધ પ્રકારની ઈન્ડોર ગેેમ્સ વગેરે હતું. એ ઓરડાનું સૌથી મોટું આકર્ષણ ગ્રામોફોન હતું. ગ્રામોફોન સાથે તેની વિવિધ ડિસ્ક પણ હતી. અહીં બાળકોને એ ડિસ્ક વડે પશ્ચિમી સંગીત સાંભળવાની બહુ મજા પડતી હતી. અમેરિકાથી કેમ્પ માટે એક સંગઠને કેટલાક સંગીતના સાધનો ભેેટમાં મોકલ્યા હતાં. પણ માત્ર સાધનોથી શું થાય? જામસાહેબે તત્કાળ બે સંગીતકારોને કેમ્પના બાળકોને સંગીત-વાદ્યમાં પારંગત બનાવાનું કામ સોંપી દીધુ હતું. આવી સુવિધા સામાન્ય સંજોગોમાં શક્ય જ ન હતી. * ભારતીય તહેવાર ન હોવા છતાં ક્રિસમસ ટાણે બાળકો વિવિધ રીતે ઉજવણી કરે એ માટે પુરતી તૈયારીઓ થતી હતી. ૧૯૪૨ના ક્રિસમસ વખતે બાળકોને નાટકો ભજવ્યા હતાં. નાટક જોવા આવેલા જામસાહેબે ખુશ થઈને નાટય ટૂકડી માટે ૧૦૦૧ રૃપિયાની બક્ષિસની ઘોષણા કરી હતી. બાળકો એ પૈસાનો વપરાશ નાટકો માટે વધુ વસ્ત્રો ખરીદવા, જામનગર જોઈને ફિલ્મ જોવી.. વગેરે મનોરંજક હેતુઓ માટે કરતાં હતાં. * કેમ્પના બાળકો કામમાં મદદ કરે તો ઠીક પરંતુ ન કરે તો પણ કેમ્પની કોઈ કામગીરી ન અટકે એ માટે પુરતો સ્ટાફ રખાયો હતો. * કેમ્પમાં દરેક બાળક માટે મહિને સરેરાશ ૪૬ રૃપિયા ૪ આનાનો ખર્ચ થતો હતો. એ ખર્ચ એ જમાનામાં લક્ઝરી ગણી શકાય એટલો હતો. બ્રિટિશ સેનામાં કામ કરતાં સૈનિકોને ને રાશન-પાણી માટે મહિને રૃપિયા ૨૨ની ફાળવણી કરવામાં આવતી હતી. તેમના કરતાં જામનગરરાજની મહેમાનગતિ અનેકગણી મોંઘી હતી. * કેમ્પમાં રહેતા બાળકો કોઈ પણ સંજોગમાં હતોત્સાહ ન થાય કે અહીં તેઓ કોઈના આશરે પડયા છે એવુ ન અનુભવે તેનું જામસાહેબ સતત ધ્યાન રાખતા હતાં. કેમ્પની મુલાકાત ઉપરાંત કેમ્પના સ્ટાફ પાસેથી ક્યા બાળકોનું વર્તન આશાસ્પદ છે એ જાણીને તેમને પોતાના મહેલમાં પણ આમંત્રિત કરતાં હતાં. * * * બાલાચડીના કેમ્પ પછી તો ભારતમાં ક્વેટા-કરાંચી (હવે પાકિસ્તાનમાં), નૈનિતાલ, પંચગની, કોલ્હાપુર, કલકતા, ઊટી એમ વિવિધ સ્થળોએ પોલેન્ડવાસીઓ માટે કેમ્પ સ્થપાયા હતાં. પરંતુ પહેલ કરનારા રાજવી જામસાહેબ હતાં. ગુજરાતને ભુલાઈ ગયેલી આ થા ને અમારો મહેમાન.. તને સ્વર્ગ ભુલાવુ શામળા..જેવી ઘટના પોલેન્ડને યાદ છે. એટલે જ ૧૯૯૭માં પોલેન્ડના પાટનગર વર્સોવામાં બનેલી એક સ્કૂલને જામસાહેબ દિગ્વિજયસિંહ એવુ નામ આપવામાં આવ્યુ છે. આજે કેમ્પને ઓળખી શકાય એવુ કોઈ બાંધકામ રહ્યુ નથી કેમ કે જ્યાં કેમ્પ હતો ત્યાં બાલાચડીની બહુ જાણીતી સૈનિક સ્કૂલ ચાલે છે. હા કેમ્પ જેવી જ શિસ્તબદ્ધ જીંદગી આજની સૈનિક સ્કૂલમાં પણ જીવાય છે, એટલું સામ્ય ખરું.

 

Advertisements

One comment

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s