માનવીની ચમત્કાર-ઘેલછા (કેલિડોસ્કોપ)

માનવીની ચમત્કાર-ઘેલછા (કેલિડોસ્કોપ)

 આપણે ત્યાં કહેવત છે, ચમત્કાર વિના નમસ્કાર નહીં. એને જરા જુદી રીતે જોઈએ તો એનો એક અર્થ એવો થાય કે માણસ ચમત્કારને નમસ્કાર કરવા તૈયાર થઈ જાય છે. માણસની આવી વૃત્તિએ જ એની વૈજ્ઞાાનિક દૃષ્ટિને છાવરી દીધી છે. ચમત્કારને નમસ્કાર કરવાની માણસની વૃત્તિને કારણે જ અનેક ધુતારાઓ ફાલ્યાફૂલ્યા છે અને એ આખુંયે ક્ષેત્ર અંધાધૂંધીના અંધકારથી છવાઈ ગયું છે. વર્તમાનપત્રોમાં અને હવે તો ટીવી ઉપર પણ ચમત્કારોના સમાચારો અવારનવાર ચમકતા રહે છે. કયા સાધુ કે ફકીર પાસે કેવી ચમત્કારિક શક્તિ છે, કેવા અસાધ્ય રોગોના દર્દીઓને એમણે સાજા કર્યા. કેન્સર, એઇડ્ઝ જેવા રોગીઓને એમણે સાજા કર્યા એની વાત આવે છે. માત્ર મંત્રેલું પાણી પાઈને કે કશીક ભસ્મ આપીને રોગીને નીરોગી, દૃષ્ટિહીનને દૃષ્ટિસંપન્ન અને પંગુને દોડતા કર્યાની વાતો છપાય છે. કેવા ચમત્કારો કેવી ચમત્કારી શક્તિઓથી કે ચમત્કારી ચીજોથી થાય છે, એના સમાચારો ચમકે છે. તો બીજી તરફ એ જ સાધુ, ફકીર, સ્વામી, ઓલિયા, સંત કે મહંતની રંગરેલિયાની વાતો પણ બહાર આવે છે. સેક્સ કૌભાંડોના ફોટાઓ પ્રગટ થાય છે અને હવે તો સીડીમાં અને મોબાઇલ ફોનમાં પણ તમે એ જોઈ શકો છો. અને આવું કાંઈ હમણાં જ બને છે, એવું નથી, વર્ષોથી આવું બને છે, પરંતુ આવા કૌભાંડી લોકોના શ્રદ્ધાળુઓમાં કોઈ ઓટ આવી નથી, કદાચ આવવાની પણ નથી!

થોડાં વર્ષો પહેલાં, જ્યારે રશિયા સામ્યવાદી હતું ત્યારે મારા એક ચુસ્ત સામ્યવાદી મિત્રે મને પ્રશ્ન કર્યો હતો કે સોવિયેત રશિયા, ચીન કે અન્ય સામ્યવાદી દેશોમાં કોઈ બાબાઓ કે ઓલિયા કેમ પેદા થતા નથી? કોઈ ચમત્કારી પુરુષ, ઓલિયા, ફકીર, મર્હિષ કે માતાજીની સહાય વિના ત્યાંના કરોડો માણસો કઈ રીતે જીવી શકતા હશે?

આનો અર્થ એ નથી કે ત્યાં ચમત્કારી લાગે એવા કોઈ બનાવો બનતા જ નથી અથવા તો વિશિષ્ટ શક્તિ ધરાવતાં સ્ત્રી-પુરુષો જન્મતાં જ નથી. રશિયામાં એવું ઘણું બને છે, અગમ્ય શક્તિ ધરાવતી વ્યક્તિઓ પણ હોય છે, પરંતુ ત્યાં એનું વૈજ્ઞાાનિક સંશોધન કરવામાં આવે છે. કોઈ વ્યક્તિને આપણે ત્રણ કે ચાર હાથ જોઇએ તો તરત જ આપણું મસ્તક નમી પડે છે, પરંતુ કોઈ વ્યક્તિના હાથમાં કે પગમાં સાત આંગળીઓ જોઈએ તો નમી પડવાની કોઈ લાગણી આપણને થતી નથી. તાત્ત્વિક રીતે બંને બાબતો સરખી જ છે. કોઈને બેથી વધુ હાથ હોતા નથી. પણ ધારો કે હોય તોપણ નમી પડવા જેવું એમાં શું હોય છે? જે રીતે હાથ કે પગમાં આંગળીઓ વધારે હોઈ શકે છે એ જ રીતે હાથ પણ ઓછા કે વધારે હોઈ શકે છે. આવી વૈજ્ઞાાનિક દૃષ્ટિ આપણે ત્યાં વિકસી નથી. દુનિયાના બીજા દેશોમાં પણ માણસો ચમત્કારો પાછળ ઘેલા થઈ જાય છે, પરંતુ તેમની આસપાસ જે હજારો ચમત્કારો બનતા હોય છે, તે જોવાની દૃષ્ટિ તેમનામાં હોતી નથી. માણસની પોતાની ઉત્પત્તિ, એનું મગજ, એની વિચારવાની શક્તિ, વાચા, એના શરીરની રચના અને શરીરની પ્રક્રિયાઓ અનેક ચમત્કારોથી ભરપૂર છે.

ધર્મ સાથે, માનવીના ઉત્કર્ષ સાથે કે ઉદ્ધાર સાથે ચમત્કારોને ખાસ સંબંધ હોતો નથી. આપણે સામાન્યજનોએ એ બધું ભેળસેળ કરીને અંધાધૂંધી સર્જી છે. એક સાધુની પ્રખ્યાત વાત આ બાબતમાં યાદ રાખવા જેવી છે.

નદી પાર ઊતરવા માટે હોડીની રાહ જોઈને ઊભેલા એક સાધુ પાસે એક યોગીએ

આવીને કહ્યું, “ચાલો, પાણી પર ચાલીને સામે પાર પહોંચી જઈએ. હું તો પાણી પર ચાલીને સામા કાંઠે જઈ શકું છું.” અને પેલા સાધુપુરુષને આશ્ચર્ય પમાડવા માટે તરત જ પાણી પર ચાલીને તે સામા કાંઠે પહોંચ્યા. યોગીએ ગર્વથી કહ્યું, “આ સિદ્ધિ પાછળ મેં બાર વર્ષ ગાળ્યાં છે!”

સાધુએ હસતાં હસતાં કહ્યું, “તમારી સિદ્ધિની કિંમત એક પૈસો ગણાય, કારણ કે હોડીવાળો એક પૈસામાં નદી પાર કરાવે છે!” (કેટલાક કહે છે કે આ બનાવ સ્વામી વિવેકાનંદના જીવનમાં બનેલો.)

ચમત્કાર હોઈ શકે છે, પરંતુ જેને તેનો લોભ નથી તેના માટે તેની કિંમત શી?

ચમત્કારો સાથે જો આપણે ધર્મને ન જોડીએ, આપણા લોભને ન જોડીએ, આપણા પૂર્વગ્રહોને ન સાંકળીએ તો જ્ઞાાનના એક અંગ તરીકે તેનો અભ્યાસ આપણા માટે અતિશય આકર્ષક બની રહે. જગતના સાધુપુરુષોએ, મહાપુરુષોએ, ઉત્તમ પુરુષોએ હંમેશાં એવો જ અભિગમ રાખ્યો છે. એમના પોતાના દ્વારા બનેલી કોઇક ચમત્કારિક ઘટના માટે પણ એમણે એવો અભિગમ દાખવ્યો છે.

હકીકતે જ્ઞાાનનો એક ઝબકાર એક ચમત્કાર હોય છે. કોઈક અદ્ભુત કાવ્ય, અદ્ભુત કથા કે અદ્ભુત ચિત્ર ખુદ એના સર્જક માટે પણ એક ચમત્કાર હોય છે. વિજ્ઞાાનની એવી અનેક શોધો ખુદ એના શોધકો માટે પણ ચમત્કાર હોય છે અને એ વાત વિજ્ઞાાનીઓએ પોતે સ્વીકારી છે.

વેદના ઋષિઓ દ્રષ્ટા ગણાય છે, એટલે કે વેદની વાણી એમણે માત્ર સાંભળી નહોતી, કોઈક જુદી જ પ્રક્રિયા એમાં સંકળાયેલી હતી. કોઈ પણ ચમત્કાર લાગતી ઘટના વિશે આપણે સાંભળીએ ત્યારે કાં તો તેમાં આપણને કોઈ ફરેબની ગંધ આવે છે અથવા તો તરત જ તે વાતને ચમત્કાર માની લઈએ છીએ. ખરેખર તો આપણે આપણી આંખોથી જે રીતે જોઈ શકીએ છીએ તે પણ એક ચમત્કાર જ છે-કદાચ ઘણા ચમત્કારો તેની સાથે સંકળાયેલા છે. આપણે જાણીએ છીએ કે બહારની વસ્તુનું પ્રતિબિંબ આપણી આંખોમાં ઊંધું પડે છે, તેમ છતાં આપણને વસ્તુ સીધી કેમ દેખાય છે? ઘણા વિજ્ઞાાનીઓ કહે છે કે આપણા જ્ઞાાનતંતુઓ ઉત્તેજિત થઈને મગજને ઊંધો સંદેશો આપે છે, પરંતુ શા માટે જ્ઞાાનતંતુઓ ઉત્તેજિત થઈ જાય છે? શા માટે ઓછા ઉત્તેજિત થઈ જતા નથી? શા માટે આપણને આડી-ટેડી કે ઝાંખીપાંખી વસ્તુ દેખાતી નથી?

એ જ રીતે દરેક પ્રાણીની જોવાની શક્તિ પણ અલગઅલગ હોય છે. કેટલાંક પ્રાણીઓને વસ્તુ વધારે લાંબી લાગે છે. કેટલાંકને માત્ર સફેદ અને કાળો બે જ રંગ દેખાય છે. કૂતરાંને બધું બ્લેક એન્ડ વ્હાઇટ દેખાય છે. તો ખરેખર સાચું શું હશે- પ્રાણીને દેખાય તે કે આપણને દેખાય તે? અને આપણે પણ અમુક રંગો જ જોઈ શકીએ છીએ. અલ્ટ્રાવાયોલેટ કે અલ્ટ્રારેડ કલર્સ આપણે જોઈ શકતા નથી, જ્યારે કેટલાક જીવો તે જોઈ શકે છે. એ જ રીતે આપણે જે અવાજ સાંભળી શકતા નથી એ બીજાં પ્રાણીઓ સાંભળી શકે છે. સાપ જગતને જાણવા માટે જીભને વારંવાર બહાર કાઢે છે. એ રીતે એ સાંભળે છે અને અનુભવે છે. એ જ રીતે કેટલાંક પ્રાણીઓ એમની ચામડીથી જ બાહ્ય જગતની સંવેદનાઓ અનુભવી શકે છે. કેટલાંક જીવો અંધ હોવા છતાં એમનો બચાવ બરાબર કરી શકે છે. આવું તો આ જગતમાં ઘણું છે. સમગ્ર પ્રાણી-જગત, પક્ષી, જળચર અને કીટકોનું જગત અગણિત અજાયબીઓથી ભરેલું છે. એક કીડી, કંસારી કે વંદાના જીવનનો અભ્યાસ કરવા માટે માણસની સો વર્ષની જિંદગી પણ ઓછી પડે છે.

આમ ન સમજી શકાય એવું, ચમત્કારથી ભરપૂર જગત તો આપણી આસપાસ જ છે. ધરતી જેમ સપાટ નથી તેમ માનવજાતની બુદ્ધિ અને શક્તિ પણ પુરાણકાળથી એકસરખી, સપાટ રહી નથી. ધરતી ઉપરના પર્વતોનાં નાનાં મોટાં શિખરોની જેમ દરેક કાળમાં સામાન્ય સપાટીથી ઊંચે ગયેલા માનવીઓ જોવા મળે છે. એમની શક્તિઓ એમના સમય કરતાં સેંકડો વર્ષ આગળ નીકળી ગઈ હોય છે. સોક્રેટિસ, કોપરનિક્સ, ગેલેલિયો, લિયોનાર્દો દ વિન્ચી એવી વ્યક્તિઓ છે એમ આપણે કહી શકીએ. ફ્રોઇડ, એડલર, મેસ્મર વગેરે પણ વિશિષ્ટ છે. આપણા સમયમાં આઇન્સ્ટાઈન એવી વ્યક્તિ ગણાય. આવી વ્યક્તિઓ લગભગ દરેક સમયમાં અનેક ક્ષેત્રોમાં હોય છે. નામો ગણાવતાં થાકી જઈએ એટલી લાંબી એની યાદી થાય. એ લોકો સામાન્ય માનવસમુદાયનાં શિખરો ગણાય. સામાન્ય માનવી જ્યાં અમુક સમય પછી પહોંચવાનો હોય ત્યાં તેઓ વર્ષો પહેલાં પહોંચી ગયા હોય અને એટલે કેટલીક વાર સામાન્ય લોકો તેમનો સ્વીકાર કરવાનો ઈન્કાર કરે છે અથવા તો તેમને નમસ્કાર કરે છે. આવું જ બનતું આવ્યું છે અને અત્યારે પણ આવું જ બને છે. સામાન્ય માનવસમુદાયથી વિશિષ્ટ અથવા તો તેમને ન સમજાય તેવું કશુંક બને છે ત્યારે તેની તરફ એ રીતે જ વર્તે છે. કોઈ વ્યક્તિ આપણા સમયથી આગળ અથવા આપણા કરતાં વધારે કે વિશિષ્ટ શક્તિશાળી હોઈ શકે, એવી સાદી વૈજ્ઞાાનિક વાત આપણે સ્વીકારતા નથી અને આપણા માટે ચમત્કારી લાગે એવી ઘટના કે શક્તિ તરફ એ રીતે આપણે જોતા નથી. જો એ દૃષ્ટિથી જોઈએ તો ચમત્કારો સામે આપણે માથું ન નમાવીએ. સવાલ કોઈ સાધુ, ફકીર, સ્વામી કે ઓલિયાના ચમત્કારો સામે નમવાનો કે નહીં નમવાનો નથી, સવાલ માણસની સામાન્ય સમજ વિકસાવવાનો છે. જો માણસમાં એની સમજ હશે તો તે ખોટા માણસો સામે માથું નહીં નમાવે અને એવા સમજદાર લોકોની સંખ્યામાં જેટલો વધારો થશે એટલો ઘટાડો પેલા ચમત્કારો કરીને જીવન જીવનારાઓમાં થશે.

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s