આપણી સાથે, આપણી આજુ બાજુ, આપણી આસ પાસ આપણાં રોજ બરોજના કામમાં સહાય કરતી વ્યક્તિઓ તરફનો આપણો અભિગમ કેટલો વિધાયક ? કેટલો નકારાત્મક ? લેખાંક ( 5 ).

આપણી સાથે, આપણી આજુ બાજુ, આપણી આસ પાસ આપણાં રોજ બરોજના કામમાં સહાય કરતી વ્યક્તિઓ તરફનો આપણો અભિગમ કેટલો વિધાયક ? કેટલો નકારાત્મક ?   લેખાંક ( 5 ).

શાકભાજીની લારી વાળા:-

શાકભાજીની જથ્થાબંધ માર્કિટમાંથી શાક ભાજી ખરીદી, લારીઓમાં ભરી શહેરના લતા-શેરીઓમાં વેંચવા માટે અનેક લારી વાળા સવારમાં પોતાના મીઠા સ્વરમાં ” લે લો તાજા શાકભાજી ” લલકારતા આવી રહે છે. જેની અનેક ગૃહિણીઓ આતુરતા પૂર્વક રાહ જોઈ રહી હોય છે. ઘરે બેઠા તાજા શાકભાજી મેળવવાની આ અદભૂત વ્યવસ્થા આપણાં દેશ સિવાય અન્ય કોઈ દેશમાં હશે કે કેમ તેની જાણ નથી. વિકસતું જતું ” મોલ ” કલ્ચર કે જ્યાંથી ગ્રાહકે પોતે પોતાની જાતે જે કંઈ માલ-સામાન લઈ, ટ્રોલીમાં ભરી, જાતે જ હંકારી, કાઉન્ટર ઉપર પૈસા ચૂકવવા લાઈનમાં ઉભા રહી પોતાનો વારો આવે તેની રાહ જોવાની હોય છે. જ્યારે આ ઘર આંગણે ગ્રાહકને જે જોઈએ તે પોતાની પસંદના શાક-ભાજી મળી રહે છે. વધુમાં ભાવ-તાલ કરવાની રક ઝકનો પણ અનેરો આનંદ આવે છે. ઉપરાંત કેટલીક ગ્રહિણીતો લારીમાંથી ગાજર કે ટમેટાં જેવા શાક કાચા ખાવાનો લ્હાવો પણ લૂંટતી હોય છે. વળી ખરીદ્યા પછી ” મસાલો ” અર્થાત કોથમીર ઉર્ફે ધાણાભાજી, ક્ટકો આદુ, એકાદ બે મરચાં, થોડો મીઠો લીમડો વગેરે વિના મૂલ્યે ઉપરાણમાં મેળવવાનો અબાધિત અધિકાર પણ ગૃહિણીઓ ભોગવતી હોય છે. અલબત્ત આ વધતી જતી મોંઘવારીમાં હવે ક્યારે ક લારીવાળા આને માટે પણ રકમ માંગતા થયા છે તો કેટલાક વધુ ચાલાક કોઈક શાકનો થોડો ભાવ વધારી મફત લ્હાણી કરતા રહે છે. ભાવ તાલમાં રકઝક કરાતી હોવા છતાં ગ્રહિણીઓનો અભિગમ લારીવાળાઓ તરફ મોટે ભાગે માનવીય અને હકારાત્મક જોવા મળે છે. આવા તાદ્શ સીન ક્યારે ક ગુજરાતીમાં ” સોની સબ” ઉપર આવતી સીરીયલ ” તારક મ્હેતાના ઉંધા ચશ્મા ” માં જોવા મળે છે.

ભંગાર-જૂના માલ-સામાન/ પસ્તી લેવા આવનાર ફેરિયા:-

મોટા ભાગના લોકો ઘરમાં વસાવેલી ચીજ-વસ્તુ તરફ અત્યંત સંવેદનશીલ અને ભાવુક જોવા મળે છે. આ વસ્તુઓ જૂની થાય, બીન ઉપયોગી પણ બની જાય તેમ છતાં તે કોઈને આપી દેવા, ફેંકવા કે જૂના માલ સામાન ખરીદનારને વેંચી દેવા મન માનતું હોતું નથી અને આમ ઘરમાં સ્ટોર-રૂમ કે માળીયા જૂના માલ સામાનથી ભરચક બની જ્ગ્યા રોકતા હોવા છતાં લગાવ છૂટતો હોતો નથી, ક્યારે ક તો ઘર આવા જૂના સામાનનું સંગ્રહસ્થાન બની રહે છે ! સમયના પરિવર્તન સાથે બાળકો મોટા થતાં નવી વસ્તુઓ વસાવવાની જીદ કરવા લાગે છે, આ વસ્તુઓ ઘરમાં લાવ્યા બાદ ક્યાં ગોઠવવી તે મોટી સમસ્યા બને છે, અને આખરે જૂની ચીજોથી છેડો ફાડવા નિર્ણય લેવાતો હોય છે, ત્યારે પણ વડિલોનું દિલ દુભાઈ તો છે જ, પરંતુ કચવાતે મને સમાધાન સ્વીકારી લે છે.

આ જૂની વસ્તુઓ લેનારા પણ શાક-ભાજી વાળાની જેમ લતાઓ અને શેરીઓમાં ફરતા હોય છે. તેઓને ગૃહિણીઓ આ વસ્તુઓ ખરીદવા ઘરમાં બોલાવી કિમત અંગે વાતચીત કરે છે અને ભાવ તાલ વિષે રક ઝક કરવાનો લ્હાવો લે છે. શાક-ભાજીમાં તેણી લેનાર હોય છે, જ્યારે અહિ તે વેચનારનો પાઠ ભજવે છે અને વધુ અને વધુ કિમત મેળવવા સભાન પ્રયત્ન કરે છે, અને આ વેચનારનો રોલ કરવામાં તેણીનું વ્યક્તિત્વ પૂર્ણ કળાએ ખીલી ઉઠતું જોવા મળે છે. આ ભાવની રક ઝકમાં સારો એવો સમય વ્યતિત થતો હોય, તેણી ફેરિયાને ઠંડુ સરબત-પાણી કે ચા વગેરે પણ ઓફર કરી માનવીય અભિગમ દર્શાવે છે.

ટ્રાફિક પોલીસ:-

સરકારી કર્મચારી છે, અને સરકાર તરફથી અપાતા યુનિફોર્મ ધારણ કરી ફરજ બજાવવાની હોય છે. તેની ફરજ વાહન ચાલકો વાહનોને નિયમ બધ્ધ ચલાવવામાં આવે છે કે કેમ તે જોવાની છે. આ કામગીરી અત્યંત કઠિન છે. તેની ફરજના કલાકો સામાન્ય રીતે આઠ કલાક્ના હોય છે, તેમ છતાં આ ફરજના કલાકો વિષે કોઈ મર્યાદા રહેતી ભાગયે જ જોવા મળે છે, આમ અવિરત ફરજ બજાવવી પડતી હોય છે. ટાઢ-તડકો કે વરસાદ ટ્રાફિક પોલીસ ને નડતો નથી તેમ માનવામાં આવતું જણાય છે.

ટ્રાફિક પોલીસની ફરજો:-

ટ્રાફિક પોલીસે રસ્તા ઉપરથી પસાર થતા વાહનો આર.ટી.ઓ. દ્વારા આપવામાં આવેલી નંબર પ્લેટ ધરાવે છે કે કેમ ? રોડ ટેક્સ ચૂકવેલ છે કે કેમ તથા વિમો ઉતારેલ છે કે કેમ વગેરેની ખાત્રી કરવાની રહે છે. વાહન ચલાવનાર વેલીડ લાયસંસ ધરાવે છે કે કેમ તે પણ ચકાસવાની ફરજનો એક ભાગ છે. આવી ચકાસણી કરવા કોઈ પણ વાહન ચાલકને અટકાવી તમામ દસ્તાવેજો માંગી શકે છે. સગીર વાહન ચલાવે તો દંડકીય કાર્યવાહી કરવી પડે છે. વાહન વાહન વ્યવહારના નિયમો પ્રમાણે ડાબી બાજુ ચલાવવાનું રહે છે. આગળના વાહનને ઓવર-ટેક કરવામાં પણ નિયમોનું પાલન કરવાનું હોય છે. ટુ-વ્હીલર ચલાવનારે હેલ્મેટ પહેરવી ફરજિયાત છે.શહેરમાં વાહનો માટે ગતિ મર્યાદા નિશ્ચિત કરેલી હોય છે, તેમજ બીન જરૂરી હોર્ન વગાડવાની પણ મનાઈ હોય છે. કેટલાક સ્થળો સાયલન્સ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલા હોય ત્યાં હોર્ન વગાડે તે ગુન્હો બનતો હોય દંડકીય કાર્યવાહી કરવી અનિવાર્ય બને છે.કેટલાક વાહન ચાલકો માર્ગો ઉપર આડે ધડ પાર્કિંગ કરી ટ્રાફિકને અવરોધ કરતા રહે છે, આવા બેજવાબદાર લોકો ઉપર પણ દંડકીય કાર્યવાહી કરવાની રહે છે.

માર્ગો ઉપર પસાર થતા વરઘોડા-સરઘસો વગેરેએ સત્તાવાળાઓ પાસેથી પરવાનગી મેળવવી જરૂરી છે, ઉપરાંત પરવાનગીમાં દર્શાવેલ શરતોનું પાલન કરવાનું ફરજિયાત હોય છે, જો તેમ ના કર્યું હોય તો દંડકીય કાર્યવાહી કરવાની આકરી ફરજ બજાવવી પડે છે.

કેટલાક વાહન ચાલકો ઉપર દર્શાવેલ શરતોનું પાલન કરવાને બદલે ટ્રાફિક પોલીસને લાંચ આપી છૂટી જવા કોશિશ કરતા હોય છે અને કેટલાક પોલીસ આવી લાલચમાં આવી જઈ રકમ સ્વીકારી લેતા હોય છે. કેટલાક મા-બાપો પોતાના સગીર બાળકોને લાયસંસ વગર વાહન ચલાવવા આપતા હોય છે, અને સાથે થોડી રકમ આપી જો ટ્રાફિક પોલીસ પકડે તો 50-100 કે વધુ રકમ પેલાને આપી દંડકીય કાર્યવાહીમાંથી છૂટકારો મેળવી લેવાના પાઠ ભણાવે છે. આ કેવો વિરોધાભાસ મા-બાપ જ બાળકોને ભ્રષ્ટાચારના પાઠ શીખવે છે !

કમ ભાગ્યે પોલીસો પોતાની ફરજો નિષ્ઠા અને વફાદારી પૂર્વક, પ્રમાણિકતાથી બજાવતા હોય તો પણ તેમની મથરાવટી અત્યંત મેલી થઈ ચૂકી છે અને તે સુધારવા સરકારે અને પોલીસ તંત્રે તથા પોલીસમાત્રએ ભગીરથ પ્રયાસો હાથ ધરી પોલીસ માત્ર જનતાના રક્ષકો અને સાથીદાર છે તેવી છાપ ઉભી કરવાની તાતી જરૂર છે. લોકોએ પણ પોતાનો પોલીસો તરફનો પૂર્વગ્રહ છોડી હકારાત્મક અભિગમ અપનાવવો જોઈએ.

વિદેશમાં નાગરિકો ટ્રાફિક પોલીસને માન અને આદર ભરી નજરે નિહાળે છે એવું વાતાવરણ આપણાં દેશમાં કેમ સર્જી ના શકાય ?

આ ઉપરાંત જ્યારે કોઈ ઉત્પાદક નવી પ્રોડક્ટ બજારમાં મૂકે છે ત્યારે તે પ્રોડકટના પ્રમોશન અર્થાત લોકોમાં જાણીતી કરવા અને વેચાણ કરવા સેલ્સ મેન કે ગર્લ્સને ઘેર ઘેર ફરી વેચાણ કરવા રોકતા હોય છે. આવા સેલ કરનારા તરફ કેટલાક લોકોને એલર્જી હોય છે અને તેઓ આવા વેચાણ કરવા આવનારને અપમાનીત કરે છે. એ નહિ ભૂલવું જોઈએ કે આ કર્મચારીઓ થોડું કમાઈ લઈ પોતાના કુંટૂંબને સહાય રૂપ થવા અથવા પોતાના અભ્યાસનો ખર્ચ કાઢવા આવી નોકરી મજબૂરીથી કરી લેતા હોય છે. કેટલાક સહાનુભૂતિ પૂર્વક આવકારે છે અને વસ્તુ ખરીદે પણ છે. ટૂંકમાં આવા સેલ્સ મેન કે ગર્લ્સ તરફ માનવીય વ્યવહાર રાખવો જરૂરી ગણાય.

આજ રીતે નોકરી ધંધાના સ્થળે પોતાનાથી નીચી કેટેગરીના કર્મચારીઓ તરફ માનવીય વ્યવહાર રાખવો જોઈએ.

અંતમા પરિવારના વડિલોની ઉપેક્ષા કે અવગણના કેટલાક પરિવારમાં યુવાન દીકરા-વહુ કે અન્ય સભ્યો કરતા જોવા મળે છે, જે અટકવું જોઈએ અને વડિલોને પૂરતુ માન-આદર આપવું જોઈએ, એ નહિ ભૂલવું જોઈએ કે પરિવારની આજની ઉચ્ચ પરિસ્થિતિ એ વડિલોના શ્રમ અને મહેનતનું પરિણામ છે. અસ્તુ !

 

 

Advertisements

2 comments

  1. શ્રી પ્રવીણભાઈ,

   બ્લોગની મુલાકાત માટે આભાર ! આપનું માર્ગ દર્શન આપતા રહેશો તો વિશેષ આનંદ થશે.

   સ-સ્નેહ

   અરવિંદ

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s