આપણી સાથે, આપણી આજુ બાજુ, આપણી આસ પાસ આપણાં રોજ બરોજના કામમાં સહાય કરતી વ્યક્તિઓ તરફનો આપણો અભિગમ કેટલો વિધાયક ? કેટલો નકારાત્મક ? લેખાંક ( 3 )

આપણી સાથે, આપણી આજુ બાજુ, આપણી આસ પાસ આપણાં રોજ બરોજના કામમાં સહાય કરતી વ્યક્તિઓ તરફનો આપણો અભિગમ કેટલો વિધાયક ? કેટલો નકારાત્મક ?         લેખાંક ( 3 )

ડ્રાઈવર:- અમીર તથા ઉચ્ચ મધ્યમ વર્ગના પરિવારો પોતાની માલિકીની એક કે એકથી વધારે ગાડીઓ-મોટર- ધરાવતા હોય છે. હાલના સમયમાં તો દેખા દેખી–ચડસા ચડાસી અને સહેલાઈ અને સરળતાથી મળી રહેતી લોનને કારણે મધ્યમ વર્ગ-નોકરીયાતો પણ ગાડી ધરાવવા લાગ્યા છે. ગાડી ધરાવનારનો મોભો સમાજમાં વિશિષ્ટ બનતો હોય છે.

ગાડી ધરાવનાર દરેક વ્યક્તિ ડ્રાઈવીંગ જાણતી જ હોય તેવું બનતું નથી. પરિણામે પાર્ટ ટાઈમ કે ફૂલ ટાઈમ ડ્રાઈવર રાખવા પડતા હોય છે.અલબત્ત અમીરો માટે જાતે ડ્રાઈવીંગ કરવું તે ભાગ્યે જ મોભાદાર ગણાતું હોય ફૂલ ટાઈમ ડ્રાઈવર રોકવામાં આવે છે .આમ જો ગાડી માટે શોફર અર્થાત ડ્રાઈવર રોકવામાં આવે તો આ મોભાને ચાર ચાંદ લાગે છે. વળી આવા ડ્રાઈવરને યુનિફોર્મ ધારણ કરવો ફરજિયાત હોય છે.

ડ્રાઈવર તરફનો અભિગમ -વ્યવહાર માનવીય રાખવો જોઈએ. પૂરતો પગાર, ભથ્થાં કે અન્ય સવલતો માગ્યા વગર ઓફર કરવી જોઈએ. જેથી નોકરીએ આવનાર ડ્રાઈવરને એક પારિવારિક લાગણી અને હુંફ મળ્યાનો અહેસાસ થાય. પરિણામે સંભવતઃ વફાદારી આપોઆપ પ્રગટે.

ડ્રાઈવર રાખતા પહેલાં કેટલીક સાવચેતી રાખવી અનિવાર્ય ગણાવી જોઈએ.‌‌‌‌‌‌‌‌‌‌‌-‌‌‌‌‌‌

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ડ્રાઈવર રાખતા પહેલાં તે વ્યક્તિનું ડ્રાઈવીંગ લાયસંસ તેની રીન્યુઅલ તારીખ તથા તેના રહેઠાણનું કાયમી શરનામું વગેરે મેળવી-સાચવી રાખવું સલામતી માટે જરૂરી ગણાવું જોઈએ. આ ઉપરાંત કોઈ જાણીતી વ્યક્તિનો તેના વિષેનો અભિપ્રાય મેળવવો પણ જરૂરી ગણાય. કાયમી ધોરણે નોકરીએ રાખતા પહેલા તમામ પ્રકારની સાવચેતી રાખવી અત્યંત અનિવાર્ય ગણાવી જોઈએ, કારણ કે, ગાડીમાં પરિવારના તમામ સભ્યો સફર કરવાના હોય છે. ક્યારે ક સમૂહમાં તો ક્યારે ક એકલા પણ ! ગાડી પણ ખૂબ જ કિમતી હોય છે તેથી તેની સાચવણી, સફાઈ, વગેરે વ્યવસ્થિત રીતે થતી રહેવી જોઈએ.

મુસાફરી કરતી વખતે અન્ય સભ્યો સાથે વાતચીત કરતાં સાવચેત રહી વાતચીત કરવી જોઈએ કારણ આ વાતચીત ડ્રાઈવર પણ સાંભળી શકે તે સતત યાદ રાખી ખાનગી કે કૌટૂંબીક અને સંવેદનશીલ વાતો કરવાનું ટાળવું જોઈએ કે જેથી તેનો દુરૂપયોગ કરવાની ચેષ્ટા ડ્રાઈવરના મનમાં ના પ્રગટે. જુવાન દીકરીઓ કે વહુવારોને પણ તદન એકલા લાંબી સફરમાં જવા ટાળવું હિતકારી ગણાય.

 

અત્યાર સુધી વ્યક્તિના પોતાના રોજ બ રોજના કામમાં સહાય કરતી વ્યક્તિઓ વિષે લખેલ. પરંતુ હવે પછી જે વ્યક્તિઓ વિષે લખી રહ્યો છું તે અલબત્ત આપણી સાથે, આપણી આજુબાજુ, આપણી આસપાસ તેઓની વ્યવસાયિક–નોકરીની ફરજની રૂએ કાર્ય કરી રહ્યા છે પરંતુ આપણને પણ તેઓની ફરજ સીધી સ્પર્શતી હોય તેઓ તરફની આપણી વૈચારિક દરિદ્રતા વિષે લખી રહ્યો છું.

સફાઈ કામદાર:‌શેરી કે જાહેર માર્ગોની સફાઈ કરવા આવ્નાર પૂરૂષ/મહિલા કર્મચારી તરફ મોટાભાગના લોકો તુચ્છકાર ભરી નજરે જોતા હોય છે. આવી વ્યક્તિઓ તરફ માનવીય અભિગમ ભાગ્યે જ દ્રષ્ટિ ગોચર થતો જોવા મળે છે.મોટા ભાગના લોકો સવારમાં મીઠી નિદ્રામાંથી જાગૃત થવા કોશિશ કરતા હોય છે તે સમયે આ લોકોની ફરજ ચાલુ થઈ જતી જોવા મળે છે .દિવસ અને રાત્રિ દરમિયાન લોકોએ કરેલી ગંદકી, શેરી અને જાહેર માર્ગો ઉપર ફેંકેલો કચરો ઉઠાવી સાફ કરવાની કામગીરી આ સફાઈ કામદારો કરતા હોવા છતાં તેમના તરફ માન-આદરથી જોવાની માનસિકતા મોટા ભાગના નાગરિકો ધરાવતા નથી જે સમાજની વૈચારિક દરિદ્રતા નથી ?

નાગરિકો શાકભાજી અને ફળ ફળાદિના છોતરા, એઠવાડ શેરીમાં ફેંકતા રહે છે. કેટલાક ફલેટમાં રહેનારા પોતાનો કચરો ઉપરથી જ માર્ગો ઉપર ફેકી ગંદકી ફેલાવતા રહે છે. આંગણા ધોનારા માર્ગો ઉપર પાણી વહેવડાવી માર્ગો ભીના કરતા રહે છે. આ ઉપરાંત વિવિધ રીતે ફેલાવાતી ગંદ્કી જેવી કે બીડી-સિગારેટના ઠુંઠા, પાન-ગુટ્કાની પીચકારીઓ, માર્ગો ઉપર જ કુદરતી હાજત હળવી કરવી વગેરે આ સફાઈ કામદારો સાફ કરતા રહે છે જેથી નાગરિકોમાં કોઈ રોગ ચાળો ના ફેલાય.

કેટલાક લોકો માર્ગો કે શેરીની સફાઈ થઈ ગયા બાદ જ કચરો ફેકતા રહે છે અને ગંદ્કી માટે સફાઈ કામદારોને જવાબદાર ઠેરવતા રહે છે. જાણે ! સફાઈ કામદારોની 24 કલાક નોકરી ના હોય ? નાગરિકો પોતાનો નાગરિક ધર્મ ભૂલી ગંદકી ફેલાવતા રહેતા હોવા છતાં ગંદ્કી માટે સફાઈ કામદારો બરાબર ફરજ બજાવતા નથી તેવી ફરિયાદ કરતા રહે છે. આ સફાઈ કરવાના કામને અત્યંત હલકું ગણવાની માનસિકતા એટલી તો દ્રઢ થઈ ચૂકી છે કે, આ કામ કરનાર વ્યક્તિને પણ તદન નીચ અને હલકી જાતીની ગણી તિરસ્કારવામાં આવે છે જે સમાજની અત્યંત દારિદ્રયિક માનસિકતા નથી ?

 

આ તબક્કે એક વાત તરફ આપ સૌ મિત્રોનું ધ્યાન દોરવાની લાલચ રોકી શકાતી ના હોય અત્રે પ્રસ્તુત કરું છું. પરિવારની એકાદ મોટી ઉમરની વ્યક્તિ પથારીવશ માંદગીમાં પટકાય અને કુદરતી હાજતો પણ પથારીમાં જ કરવી પડે ત્યારે પરિવારના તમામ સભ્યો આ કામથી ભાગતા ફરતા જોવા મળે છે અને કોઈ સફાઈ કામદારને આ કામ માટે રોકવામાં આવે છે. વિચાર કરો કે પોતાના પરિવારની, કદાચ વ્હાલામાં વ્હાલી વ્યક્તિની માંદગીથી આવી પડેલ પરવશતાને કારણે તેના શરીર કે પથારીની સફાઈ કરવાનું પરિવારના તમામ સભ્યો ટાળે છે, ત્યારે શેરીઓમાં, જાહેર માર્ગો ઉપર નાગરિકોએ ફેંકેલ મેલું અને કચરાની સફાઈ આ સફાઈ કામદારો કરતા રહે છે. અને આવા કામ કરનારને લોકો હલકી વર્ણના હલકું કામ કરનારા કહી ધૃણા કે તિરસ્કાર કરતા રહે છે.

મહાત્મા ગાંધીજી પોતાના આશ્રમમાં રહેવા આવનાર વ્યક્તિ પાસેથી સંડાસ સહિત તમામ પ્રકારની સાફસુફી કરવાની બાહેંધારી મેળવ્યા બાદ જ આશ્રમમાં રહેવાની પરવાનગી આપતા તે સ્પષ્ટ દર્શાવે છે કે, કોઈ કામ હલકું હોતું નથી. હલકા હોય છે આપણાં વિચારો અને સમજ ! ગાંધીજી સમાજમાં પ્રવર્તતી આવી માનસિકતા જાણતા હતા અને તેથી જ આવું મેલું-ગંદકી સાફ કરનારને ” હરિજન ” કહી સંબોધવા લાગેલા.

અત્રે શ્રી. ગુણવંત શાહના એક પુસ્તકમાં ( નામની વિસ્મૃતિ થઈ છે ) તેઓ અમેરીકા હતા ત્યારે તેમના મિત્રેને ત્યાં એક વ્યક્તિનું વ્યાખ્યાન સાંભળવા ગયેલા અને આ વ્યાખ્યાન સાંભળી પ્રભાવિત થયેલા શ્રી. ગુણવંત શાહે આ વ્યાખ્યાન આપનાર વ્યક્તિને તેઓ શું વ્યવસાય કરે છે તે પૂછતાં તેઓ સફાઈ કામદાર તરીકે કામ કરે છે તેમ જણાવેલ. ( મારી યાદદાસ્ત ઉપરથી અત્રે મૂકેલ હોય શબ્દોમાં ફેરફાર હોઈ શકે )‌

આ ઉપરાંત અમેરિકન સિનેમાના દંતકથા ગણાતા સિડની પોંઈટર જ્યારે 17 વર્ષની વયના હતા ત્યારે ન્યુયોર્કમાં ગંદકી સાફ કરનાર મજદૂર હતા. અને એ સમયે તેઓ બસ ટર્મિનલના ટોઈલેટમાં સૂઈ જતા. આમે ય અમેરિકામાં કોઈ કામ હલકું ગણવામાં આવતું નથી અને તેથી જ કદાચ આ દેશ માત્ર 200-250 વર્ષના ટૂંકા ગાળાના ઈતિહાસમાં જ વિશ્વની મહાસત્તા બની દુનિયાને ડરાવી રહ્યો છે.

આવો ! આપણે આપણી ભૂલભરેલી માનસિકતા બદલીએ અને સફાઈ કામદારો પ્રત્યે માન અને આદર ભરી દ્રષ્ટિએ જોઈ તેમના કામનું મૂલ્યાંકન કરીએ ! ક્રમશઃ હવે પછી, લેખાંક ( 4 )-

 

 

 

 

 

 

Advertisements

One comment

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s