રોશની ચાહો તો તખ્લીક કરો કોઈ ચિરાગ, યૂં દુવાઓ સે નહીં ચાંદ નિકલને વાલા.—–ખલીલ ધનતેજવી. (જીવન-ઉત્સવ) ” સંદેશ ” અર્ધ સાપ્તાહિક પૂર્તિ

રોશની ચાહો તો તખ્લીક કરો કોઈ ચિરાગ, યૂં દુવાઓ સે નહીં ચાંદ નિકલને વાલા.—–ખલીલ ધનતેજવી. (જીવન-ઉત્સવ) ” સંદેશ ” અર્ધ સાપ્તાહિક પૂર્તિ

 

અભણ, ગરીબ અને પછાત વર્ગના લોકોમાં અંધશ્રદ્ધા ખૂબ જ ફાલી છે, એવું જાહેરમાં કહેનાર વ્હાઇટ કોલર મેયરો, અધ્યક્ષો, ધારાસભ્યો, કોર્પોરેટરો અને પોલીસ અમલદાર સુધીના શિક્ષિત અને સમાજમાં આદર્શરૂપ ગણાતા માણસો પોતાની અંધશ્રદ્ધાને વહાલથી બચીઓ કરી કરીને પંપાળતા રહે છે

અંધશ્રદ્ધાનું નખ્ખોદ જાય તે હજી વેબસાઇટ યુગમાં પણ પીછો છોડતી નથી. મોબાઇલ ફોન સ્વરૂપે વિશ્વ આખું ગજવામાં લઈને ફરતો માણસ પોતાનું ભવિષ્ય સુધારવા ઢોંગી ભૂવાઓ, બાબાઓ, બાપુઓનાં ચરણોમાં મસ્તક ટેકવી દેતાં શરમાતો નથી. માણસ ચંદ્ર પર પહોંચવા ઉત્સુક છે, પણ અંધશ્રદ્ધા છોડવી નથી. એ ચંદ્ર પર જશે તોપણ પિયરમાંથી મળતા દહેજની જેમ અંધશ્રદ્ધાના લબાચા પણ જોડે લઈને જશે. ચંદ્ર પર ઘર બનાવશે તે પણ વૈજ્ઞાાનિક ઢબે નહીં, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ ઘર બનાવશે. ઘરમાં તિજોરી મુકાવશે પણ લાઇબ્રેરીનું કબાટ મૂકવાનું સૂઝશે નહીં. ચંદ્ર પર જઈનેય જન્મકુંડળીના આધારે જ જીવવાનું પસંદ કરશે.

ચંદ્ર પણ એક ગ્રહ છે. અત્યાર સુધી માણસને ગ્રહો નડતા હતા. હવે વિજ્ઞાાનના પ્રતાપે માણસ ગ્રહોને નડતો થઈ ગયો છે. તોય ગ્રહોની પૂજા કરવાની કુટેવ છૂટવાની નથી. ચંદ્રની છાતી પર બેસીને ચંદ્રની જ પૂજા કરશે, ચંદ્ર પર હવન કરાવશે, ગણપતિ અને તાજિયાનાં જુલૂસ કાઢશે, દારૂ ઢીંચીને જુલૂસમાં કૂદકા મારશે, કાંકરીચાળો પણ કરશે ને હુલ્લડ પણ કરશે, કારણ કે ધરતી પર એણે કર્યાં છે, એવાં તમામ કારસ્તાનો જોડે લઈને જ એ ચંદ્ર પર જવાનો છે. હવે વિચારો, આ ચંદ્ર નામનો ગ્રહ માનવ ગ્રહથી મુક્તિ મેળવવા કયા ભૂવા પાસે જશે? એ માટે એને ધરતી પર ઊતરવું પડશે તો? ધરતી પર ઊતરશે તોપણ અહીં બધા માણસની જ તરફદારી કરનાર મળશે. ચંદ્રની વગ તાણે એવો કોઈ બાવા-બાબા ચંદ્રને મળવાનો નથી, બિચારો ચંદ્ર.

ધરતી પરથી ચંદ્ર પર જનાર વિનોદચંદ્ર, નવીનચંદ્ર, જગદીશચંદ્ર, સુભાષચંદ્ર, ચાંદ મહંમદ, અને ચાંદમિયાં જેવા કંઈકેટલાય ફઈબાએ નામાભિધાન કે નામાંકિત કરેલા ચંદ્રો સાચુકલા ચંદ્રની છાતી પર બેસીને બાબાએ

બાંધી આપેલી કંઠીને આંખો મીંચીને ચુંબન કરશે, પણ ચંદ્ર સુધી જવાનો રસ્તો કરી આપનાર વૈજ્ઞાાનિકના નામનું તો નાળિયેર નહીં જ ફોડે. વૈજ્ઞાાનિકનું નામ યાદ કોણ રાખશે? જતે દિવસે આ વિજ્ઞાાનની દેણ છે એવું પણ એ કબૂલ કરવાનો નથી. મંદિર-મસ્જિદ બંધાવવામાં મશગૂલ થઈ જશે. કોઈ સમસ્યાના નિરાકરણ માટે દરગાહ પર ચાદર ચડાવવાની મન્નત રાખશે. સમસ્યાનું નિરાકરણ વૈજ્ઞાાનિક ઢબે થયું હશે તોપણ ચાદર તો દરગાહ પર જ ચડશે.

અભણ, ગરીબ અને પછાત વર્ગના લોકોમાં અંધશ્રદ્ધા ખૂબ જ ફાલી છે, એવું જાહેરમાં કહેનાર વ્હાઇટ કોલર મેયરો, અધ્યક્ષો, ધારાસભ્યો, કોર્પોરેટરો અને પોલીસ અમલદાર સુધીના શિક્ષિત અને સમાજમાં આદર્શરૂપ ગણાતા માણસો પોતાની અંધશ્રદ્ધાને વહાલથી બચીઓ કરી કરીને પંપાળતા રહે છે. આ બધા લોકો વરસાદ ના પડે તો કથા કરાવો, કોઈ રસ્તે વારંવાર જીવલેણ અકસ્માતો થતા હોય તો એ સ્થળે હવન કરાવે છે. ચૂંટણીમાં ટિકિટ મેળવવા બાધા રાખે, ટિકિટ મળી જાય એટલે ચૂંટાઈ જવાની બાધા રાખે, ચૂંટાઈ જાય એટલે મંત્રીપદ કે અધ્યક્ષપદ મેળવવા બાધા રાખે. પરીક્ષામાં પાસ થવા બાધા રાખે, નોકરી માટે મન્નત માને, બદલી માટે પણ બાધા રાખે. આ બધાં કામો પૈસા ખવડાવવાથી જ થઈ જતાં હોવાં છતાં બાધા રાખી હોય તે તો પૂરી કરવાની જ. ઉપરી અધિકારીને ખવડાવવા માટેના પૈસા ઘર ગિરવે મૂકીને મેળવ્યા હોય તોપણ એ પૈસાનું કોઈ મૂલ્ય નહીં. બધો જશ બાધાને ફાળે જાય છે. ફલાણા બાબાની બાધા રાખી એટલે આ કામ થયું.

આપણે ત્યાં વાહનવ્યવહાર વધ્યો છે. માર્ગ અકસ્માતો પણ નિરંતર થતા રહે છે. માર્ગમાં કોઈ સ્થળે વારંવાર અકસ્માત થતા હોય તો રસ્તો દુરસ્ત કરાવવાને બદલે હવન કરવા બેસી જવાનું. મૂળભૂત નડતર અને નડતરના નિરાકરણ માટે માર્ગ દુરસ્તીનું કામ હાથ પર લેવું જોઈએ, પણ આવું કોણ કહે? કહેનારના ઘર પર પથ્થરમારો થાય. નાતબા’ર મૂકી દેવાય. સમાજમાં હુક્કાપાણી બંધ કરી દેવાય

અભણ અને બધી રીતે પછાત એવા માણસની અંધશ્રદ્ધા પણ આપણને ગમતી નથી, તો શિક્ષિત અને સમાજમાં આદરપાત્ર ગણાતો અથવા આદર્શરૂપ ગણાતો માણસ અંધશ્રદ્ધામાં તણાવા લાગે તો એની પાછળ પાછળ દોરાતી પ્રજા પર એની શી અસર પડે? આદર્શપાત્ર ગણાતો સમાજનો અગ્રણી એમ કહે કે રસ્તે ચાલતા કોઈ પ્રેતાત્માએ મારું ગળું ભીંસી દીધું હતું. શ્વાસ રૃંધાવા લાગ્યો હતો. એ તો સારું થયું કે બાબાએ મંત્રેલો દોરો મારા ગળામાં બાંધેલો હતો એટલે હું બચી ગયો. પણ ભલા માણસ, પ્રેતાત્મા આવીને ગળે બાઝી પડયો એનું શું? મંતરેલા દોરામાં શક્તિ હતી તો એ પ્રેતાત્મા તમારી પાસે આવે જ શી રીતેે?

ભૂંગળાવાળું થાળીવાજું, પછી રેડિયો, ટેપરેકોર્ડર્સ, કેસેટ્સ, ટેલિફોન, કમ્પ્યૂટર, ટેલિવિઝન અને મોબાઇલ ફોન વગેરે અપ્રાપ્ય અને આધુનિક ઉપકરણો વિજ્ઞાાને આપણી સામે લાઇનબંધ ગોઠવી આપ્યાં છે. એમાંનું એક પણ ઉપકરણ કોઈ બાબાએ કે કોઈ બાપુએ શોધ્યું છે ખરું? સમાજને ઉપયોગી એવું કંઈ પણ શોધ્યું છે ખરું? કોઈ વૈજ્ઞાાનિકે ક્યારેય એવી મન્નત રાખી નથી કે મોબાઇલની શોધ સક્સેસ જશે તો દરગાહ પર ચાદર ચડાવશે કે કોઈ મંદિર પર છપ્પન ગજની ધજા ફરકાવશે! અંધશ્રદ્ધાએ માણસને કાયર બનાવી દીધો છે, આળસુ બનાવી દીધો છે. દીવો શોધવાનું કે સળગાવવાનું સૂઝતું નથી અને અજવાળા માટે મન્નતો માનતો અને બાધા રાખતો થઈ જાય છે. અંધશ્રદ્ધાએ માણસને છતી આંખે આંધળો બનાવી દીધો છે.

ખલીલ આજ વો આઇને બેચનેવાલા,

કુએ મેં ઝાંક કર ચેહરા તલાશ કરતા હૈ.       

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s