શાકની સળગતી સમસ્યા —-બોલ્યુંચાલ્યું માફ – ઉર્વીશ કોઠારી

શાકની સળગતી સમસ્યા —-બોલ્યુંચાલ્યું માફ – ઉર્વીશ કોઠારી

શાકની સળગતી સમસ્યા

નવી સરકાર માટે ભલે કાશ્મીરમાં ૩૭૦મી કલમનું શું કરવું એ મહત્ત્વનો મુદ્દો હોય, પણ સરકારમાં ન બેઠેલા મોટા ભાગના લોકો માટે રોજનો સળગતો સવાલ હોય છે ઃ ‘આજે શાક શાનું બનાવીશું?’

સરખામણી આગળ વધારીએ તો, કાશ્મીર મુદ્દાની માફક શાકસમસ્યાની ગંભીરતા શિયાળામાં અને ઉનાળામાં જુદી તીવ્રતા ધારણ કરે છે. કાશ્મીરપ્રશ્ન શિયાળામાં વકર્યો હતો, જ્યારે શાકસમસ્યા ઉનાળામાં ગંભીર બને છે. કેરીના રસને શાકની અવેજીમાં રજૂ કરીને સમસ્યાઉકેલનો દાવો કરી નાખવામાં આવે છે, પણ એ ઉપચારની એલોપથિક પદ્ધતિ છે. તેમાં ‘રોગ’ દબાઇ જાય છે, પણ મૂળમાંથી નાબૂદ થતો નથી.

શાકસમસ્યા મૂળભૂત રીતે ગુજરાતી મામલો છે. પંજાબીમાં શાકનો કકળાટ નથી. કારણ કે શાક ગમે તે હોય, રસો એક જ હોઇ શકે છે. શાકની પંજાબી વિભાવનામાં ઊંડી ફિલસૂફી છે. બધા ધર્મો જેમ એક જ ઇશ્વર તરફ દોરી જતા હોવાનું કહેવાય છે તેમ, ઘણાંખરાં પંજાબી શાક છેવટે એક જ સ્વાદ તરફ દોરી જાય છે. ગુજરાતનાં મોટા ભાગનાં પંજાબી રેસ્તોરાં માટે આ ફિલસૂફીને અનુસરે છે. હવે  ગુજરાતી ડાઇનિંગ હોલવાળાએ પણ શાકસમસ્યાના ઉકેલ માટે પંજાબી રેસ્તોરાંમાંથી ધડો લીધો હોય એમ લાગે છે. શહેરી ડાઇનિંગ હોલમાં મળતી ગુજરાતી થાળી વિશે પહેલી વાર વર્ષો પહેલાં સાંભળ્યું ત્યારે એક જ બાબતની નવાઇ લાગતી હતી ઃ અહીં રોજ એક શાક કયું કરવુંં એ નક્કી કરવાનાં ફાંફાં પડે છે, ત્યારે આ બહાદુરો રોજનાં ત્રણ-ચાર શાક શી રીતે નક્કી કરતા હશે? પરંતુ બે-ચાર વખત ગુજરાતી થાળીનો અનુભવ કર્યા પછી સમજાયું કે એવા ડાઇનિંગ હોલનું નામ ‘નરસિંહ મહેતા ડાઇનિંગ હોલ’ રાખવું જોઇએ. કારણ કે ‘નામરૃપ જૂજવાં, પણ અંતે એમનું એમ’ – એ ગુજરાતી થાળી આપનારાનો મુદ્રાલેખ લાગે છે- શાકની બાબતમાં તો ખાસ.ગુજરાતી થાળીમાં મુકાતી લઘુવાટકીઓમાં ચીલઝડપે ઠલવાયેલાં શાકની ઓળખ સ્વાદેન્દ્રિયથી નહીં, પણ દૃશ્યેન્દ્રિયથી કરવાની હોય છે. શાક  બટાટાનું હતું, દૂધીનું કે કોળાનું એ ખાઇને ખબર પડતી નથી. ‘જોયાનું ઝેર  છે’ એ ઉક્તિ ગુજરાતી થાળીના શાક માટે જરા ફેરવીને કહી શકાય ઃ ‘જાણ્યાનું ઝેર છે.’ વેઇટરને પૂછીએ તો જ ખબર પડે કે હમણાં જે શાક ખાધું તે કઇ ચીજનું હતું.શાકની સમસ્યાનો આ સરમુખત્યારશાહી ઉકેલ છે ઃ સમસ્યાને એટલી હદે છૂંદી નાખવી કે તેની ઓળખ કરવાનું મુશ્કેલ બની જાય.શાકની સમસ્યાના ઉકેલ માટે ડાઇનિંગ હોલ દ્વારા અજમાવાતો બીજો ઉપાય સોળ આની લોકશાહી ઢબનો છે ઃ ચિત્રવિચિત્ર યુતિઓ. ખીચડી પોલિટિક્સની યાદ અપાવે એવી આ પદ્ધતિ પુરવાર કરી આપે છે કે ‘અમુક સંજોગોમાં લોકશાહી સરમુખત્યારશાહી કરતાં પણ ભૂંડી સાબીત થાય છે.’ નહાવા-નીચોવવાનો સંબંધ ન હોય એવાં બે-ત્રણ શાકને ભેગાં કરીને, ફક્ત નવીનતા ખાતર નવીનતાના આશયથી, એક નવું શાક ઉપજાવી કાઢવામાં આવે છે. તેને નામ આપતી વખતે અંદરની અસલિયત છતી ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે.  જેમ કે, ‘હોટેલ થાળ સ્પેશ્યલ'(પરવળ-રીંગણ-ગલકાં), વેજ મખ્ખની (કોળાનું માખણમાં બનાવેલું શાક). આ પરંપરામાં બીજો વિકલ્પ લોકોને મોટે ભાગે ન ભાવતાં શાકને ભવ્ય નામથી રજૂ કરવાનો છે. દા.ત. ગ્રીન મેજિક (ગલકું-ગવાર-કારેલાં).

શાક સાથે રાજકારણની ભેળસેળ ફક્ત ડાઇનિંગ હોલ પૂરતી મર્યાદિત નથી. કેટલાંક શાકભાજી પણ રાજકીય ગુણધર્મો ધરાવતા હોય એવું લાગે છે. રીંગણ અપક્ષ ધારાસભ્યો જેવાં છે. તે સરકાર-એટલે કે શાક- બનાવવા માટે પોતાનું અસ્તિત્ત્વ માફકસરનું મીટાવીને કોઇની પણ સાથે એકરસ થઇ શકે છે. બટાટા કોંગ્રેસ જેવા છે. તે એકલા પણ  ચાલે અને મોરચામાં મુખ્ય ઘટક તરીકે પણ ચાલે. સરગવાની શીંગ જેવાં કેટલાંક શાક ભાજપની જેમ આગવો ચાહક વર્ગ ધરાવે છે. તેના પ્રેમીઓને બીજાં શાક ‘ઠીક છે હવે’ લાગે છે અને તેના ટીકાકારો તેને ‘માણસનો ખોરાક’ ગણવાનો જ ઇન્કાર કરે છે.

જુદા જુદા માપદંડોને આધારે બે કે વધુ શાકની યુતિ થઇ શકે છે. એક પદ્ધતિમાં, ધોળા ધરમે એકલા ન થાય એવા શાકને બટાટા કે તુવેર જેવા કોઇ મુખ્ય શાક સાથે વળગાડીને તેનો નિકાલ કરવામાં આવે છે. કેટલીક વાર બન્ને શાક આવાં હોય ત્યારે ‘તે અલગઅલગ તો કંઇ ઉકાળી શકતાં નથી. કદાચ ભેગાં થઇને કોઇ ચમત્કાર સર્જેે’ એવા આશાવાદથી તેમની યુતિ કરવામાં આવે છે. કેટલાંક શાક એટલાં ઓફ્ફ બીટ હોય છે કે તેમના બનાવનારા કહે છે,’મેં તમને ન કહ્યું હોત તો આ શાક સુરણનું છે, એવી તમને ખબર જ ન પડત. બોલો, મારી વાત સાચી કે ખોટી?’ તેમને એવું પૂછી શકાતું નથી કે ‘ભલા માણસ, ખાધેલું શાક શેનું છે એ ખબર ન પડે તો એ શાક ખાવાનો કોઇ અર્થ ખરો?’

જ્ઞાતિપ્રથાની જેમ જ્ઞાતિભોજનમાં પણ (શાકની બાબતે) કડક રૃઢિચુસ્તતા જોવા મળતી હતી. એ વખતે મહત્ત્વ શાકનું નહીં, પણ તેમાંથી નીકળતા તેલના રેલાનું હતું. રેલો જેટલો લાંબો એટલું શાક ‘સમૃદ્ધ’ ગણાતું. શાકમાં મોટે ભાગે બટાટા-રીંગણ કે તુવેર જેવાં ખાતરીવાળાં શાક સિવાય કોઇ અખતરાબાજી જોવા મળતી ન હતી. ‘ગમે તેટલાં શાક થતાં હોય અને તેમની ગમે તેટલી યુતિઓ શક્ય હોય, પણ જ્ઞાતિભોજનમાં મસ્તી ન જોઇએ’ એવો યજમાનોનો અભિગમ સ્પષ્ટ જણાઇ આવતો હતો. નવા જમાનામાં ઘણા યજમાનો તેમના મનમાં ઉઠતા તુક્કા મહેમાનો પર અજમાવે છે ઃ ‘શક્કરિયા-સરગવો-ટમેટાંનું શાક કેવું લાગશે? એક કામ કરો. કાલે ફલાણાભાઇ જમવા આવવાના છે. ત્યારે એ શાક બનાવી જોજો. નવાનું નવું લાગશે અને આપણને ભાવે છે કે નહીં, તેનો અખતરો થઇ જશે.’

બુફે ડીનરમાં વાનગીઓની સંખ્યાથી ગૌરવ અનુભવતા યજમાનો શાકમાં જાતજાતના અખતરા કરીને પોતાની મૌલિકતાના છાકા પાડવાનો પ્રયાસ કરે છે. ‘તમે મુઠિયાં-રતાળુ-બટાટા-શક્કરિયાં-તલનું શાક લીધું કે નહીં? આખા અમદાવાદમાં મહારાજે પહેલી વાર આપણે ત્યાં બનાવ્યું છે.’ તેમનો ઉત્સાહ જોયા પછી એ શાકને ગુજરાતીમાં ઊંધિયું કહેવાય, એ હકીકત જાહેર કરવા જેટલું અસૌજન્ય કોઇ યજમાન દેખાડતા નથી.

જ્ઞાતિભોજન કે ડાઇનિંગ હોલમાં જમતી વખતે જમનારને કદી શાકસમસ્યા સ્પર્શતી નથી. કારણ કે શાક એમને પૂછીને બનાવવાનાં હોતાં નથી. એ સમસ્યા સંપૂર્ણપણે ઘરેલુ છે. ‘કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી’ એવું કહેનારાં ઇદિંરા ગાંધીને શાકસમસ્યા વિશે કોઇએ પૂછ્યું હોત તો તેમણે જરૃર કહ્યું હોત,’કઠોળ એ કંઇ શાકનો વિકલ્પ નથી.’ અણભાવતા શાકના સંતાપથી વ્યાકુળ બનેલા લોકો સલાડ, કઠોળ, છાશ અને પાપડ જેવી ચીજોથી લોકો શાકની ખોટ સરભર કરવાનો પ્રયત્ન કરે છે, પણ એ તો ગાંધીજીની ખોટ રાહુલ ગાંધીથી પૂરવા જેવી વાત છે.

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s