સવારની પૂજા અને આપણે… ઓફબીટ – અંકિત ત્રિવેદી

સવારની પૂજા અને આપણે… ઓફબીટ – અંકિત ત્રિવેદી

 

કશું જ લખવાનું બને છે ત્યારે કાગળને કેવું થતું હશે ? કાગળ બોલ્યા વગર સહન કરે છે. એની પર લખાયેલું સ્પષ્ટ વંચાય એની પૂરી તકેદારી પણ રાખે છે. આપણે માણસોને છેતરીએ છીએ અને ભગવાનને સવારે પૂજા કરવાનાં બહાને મળીએ છીએ અને ‘નવડાવીને’ પાછા આવીએ છીએ… આપણે ભગવાનની પૂજા નથી કરતાં એમને નવડાવીએ છીએ. કામનું આખું લિસ્ટ કેટલાંક માણસો સવારમાં પૂજા કરતાં કરતાં ભગવાનની સાથે શે’ર કરે છે… એમાં ભગવાનને રસ નથી અને આપણને એમ છે કે ભગવાને આ બધું સાંભળવું જોઇએ ! ભગવાનને પણ એમ થતું હશે કે આ બધી પળોજણમાંથી માંડ હું બહાર નીકળ્યો છું અને આ માણસ મારી પૂજા કરવાની જગ્યાએ મને નવડાવીને પણ આ જ વાતોમાં ઈન્વોલ્વ કરે છે…
દિવસનો પહેલવહેલો મોબાઈલ પણ ત્યારે જ રણકે જ્યારે આપણે પૂજા કરતાં હોઈએ. અભિષેક કરવાનું, મંત્રો બોલવાનું ગમે પણ શું થાય ? રાતની પાર્ટીનો હેંગ ઓવર આંખોમાં એવો હોય કે સવારે ભગવાનને ઉઠાડવાની જગ્યાએ ભગવાનનાં મંદિરમાં મોડા મોડા જઇએ ત્યારે ભગવાનની આંખોમાં વિનંતિનો સૂર દેખાય કે,’ભાઈ, હવે તો જગાડ મને !’ જગાડવા માટે ઘંટડી વગાડીએ કે તરત મોબાઈલ એનો સૂર પકડીને રણક્યો જ હોય ! પછી ના ઉપાડીએ તો સામેવાળાને આપણે કેટલા ‘મોટા’ બની ગયા છીએ એનો વસવસો થાય. એટલે ફોન ઉપાડીને વાતો કરીએ ત્યારે ભગવાનનું ખાસું એવું કર્મ પૂરું થવામાં હોય ! તરભાણું બધા જ ભગવાનને સાથે નવડાવવાનો સ્વિમિંગ પુલ બની જાય ! ભગવાનનાં માથા પર આચમની અડાડી અડાડીને ‘સોરી’ કહેતાં કહેતાં પૂજાવિધિ કરાય. ઉતાવળમાં કંકાવટીમાં વધારે પડેલા પાણીનું ભાન પણ ના રહે ! ફોટાઓ એક જ રૃમાલથી લૂછી લૂછીને સ્કૂલમાં ઓશિયાળા થઇને વર્ગખંડની બહાર ઊભેલા છોકરા જેવાં લાગે ! એમાંય એમને ચાંદલા કરતી વખતે વધારે પડેલું પાણી કંકુ થઇને નીતરે ! ભગવાનનો પરસેવો કંકુને લાગ્યો હોય એવું ત્રાહિત દર્શનાર્થીને લાગે ! ભગવાનને બધી જ ખબર પડે છે છતાં શું કરે ?
આપણી જેમ એમને પણ મૂંગા મોઢે સહન કરે જ છૂટકો ! આપણે મૂંગા મોંઢે સહન નથી કરતાં ! ભગવાન તો દૂરની વાત છે… જ્યાં બોલવું જોઇએ ત્યાં પણ બોલ્યાં વગર ઘેટાંની લાઈનમાં આગવું સ્થાન લઇને આગળ ધપીએ છીએ. આશ્વાસનોની પરેડ છે આપણું જીવન ! નાની નાની વાતમાં જશ લઇને મોંઘામૂલા જીવનને વેડફી નાંખીએ છીએ… બહુ દુઃખ પડે તો સીધા ગયા જનમમાં પહોંચી જઇએ છીએ અને એ જનમનું અહીંયા ભોગવીએ છીએ એવું મંતવ્ય જાહેર કરીએ છીએ… આ જનમનું ઉધાર રહેશે એનું શું ? ભગવાનની પૂજા કરતી વખતે એમના પણ આવા જ હાલ થતા હોય છે. કયા જનમનાં ક્યાં કરમ નડયાં કે આપણા હાથે ના’વાનો વારો આવ્યો ? આપણી જેમ જ મૂંગા મોંઢે બધું જ સહન કરે છે, ચલાવી લે છે… પ્રાર્થનામાં ભૂલ પડે છે તો ય ટોકતા નથી ! આપણું સારું કરે છે ત્યારે આપણે એમનો આભાર નથી માનતા ! પણ જ્યાં સ્હેજ દુઃખ આવ્યું ત્યાં ભગવાન સામે આરોપનામું બહાર પાડીએ છીએ. ભગવાન પણ ટેવાઈ ગયા લાગે છે દુનિયાથી ! અહીંનું અહીં ભોગવતાં એમને પણ આવડે છે એવું લાગ્યા કરે છે…
એમણે આપણને સોંપ્યું અને આપણે સ્થાયી નોકરીમાં ઊંચા પગારે રહેલા કર્મચારીની જેમ આવડત વિનાનું હંકાર્યે જ રાખીએ છીએ. આપણું ધ્યાન માળામાં નહીં, બીજાને પાડી દેવાનાં કૂંડાળામાં હોય છે. મંત્રો બોલતી વખતે જે વ્યક્તિને યાદ કરીએ છીએ એવું રોજેરોજ લિસ્ટ કરવા જેવું છે. WWFજેવું વાતાવરણ મનમાં ન હોય તો કહેજો ! ભગવાન માણસની આત્મકથા લખે તો ઘણું સત્ય બહાર આવે એવું છે. સત્ય જ શું કામ, અસત્ય વધારે બહાર આવે એવું છે. પૂજા કરવાની જગ્યાએ નવડાવીએ છીએ એ પણ આપણા કારભારની સાથે ને તોય દીવો કરતી વખતે આપણે ભગવાન ઉપર ઉપકાર કરતાં હોઈએ એવી રીતે વર્તીએ છીએ… કોણ કોને સાચવે ? કોણ કોનું સાંભળે ? ભગવાન ઉપર પૂજા કરતી વખતે શું વીતે છે એનું એક ગીત સંભળાવીને આ લેખ પૂરો કરવો છે… લેખ લખવો એ પણ કાગળની પૂજા જ છે ને !
પૂજા નથી કરતો ખાલી નવડાવું છું તમને !

મંત્રો બોલીને ફક્ત અભિષેક

પણ ઉતાવળ હોય છે તેથી;

હાથમાં રાખીને લૂછું રૃમાલથી ત્યાં

રણકેલો ફોન મારે મેથી.

સમજેલા હોવ છો પણ સમજાવું છું

તમને… !

તમે પણ અમારી જેમ જ મૂંગા મોંઢે

હલાવ્યે રાખો બધું ?

અહીંનું અહીં ભોગવતાં તમને પણ

આવડે છે એનો આનંદ છે બંધુ !

અમને જે સોંપ્યું એ સહન કરાવું છું

તમને… !

પૂજા નથી કરતો ખાલી નવડાવું છું

તમને… !

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s