કોઈનો ગળપટ્ટો બાંધીશ મા !—- ક્ષણ-ક્ષણાર્ધ – પ્રવીણ દરજી

કોઈનો ગળપટ્ટો બાંધીશ મા !—- ક્ષણ-ક્ષણાર્ધ – પ્રવીણ દરજી

– વિવેકાનંદે જે થોડાક યુવકો નરી નિષ્ઠાથી દેશના પરિવર્તન માટે માગેલા એવા યુવકો ક્યાં ગયા ? ભીતરના અવાજ સિવાય, ઊછીના અવાજોને ફગાવી દેનારો યુવક ક્યાં ગયો ?

લોકશાહીના અનન્ય પર્વ જેવા ચૂંટણીના આ દિવસોમાં યુવાનોને દોડાદોડ કરતા જોઉં છું ત્યારે અંદરથી મારો હરખ માતો નથી. એ બધા શાની દોડાદોડ કરે છે, તેમનું ગંતવ્ય શું છે એવા પ્રશ્નો પણ મને થાય છે. કોઈ વાદની, કોઈ વિચારધારાની મારા આ યુવાને કંઠી તો નહીં બાંધી દીધી હોય ને તેવી ચિંતા પણ થાય છે. અરે, કોઈકે થોડાક દિવસો માટે તેને પાનો ચઢાવીને, થોડી લાલચ આપીને અવળે પાટે તો નહીં ચઢાવી દીધો હોય ને એમ વિચારીને પણ હું અસ્વસ્થ થઈ જાઉં છું. અરે, મારા આ નિર્દોષ, જુવાન માણસને મફતનું ખાવાનું ને મફતમાં અહીં તહીં ભટકવાનું શીખવી દઈને તેનો ‘ઉપયોગ’ તો નહીં કરી લીધો હોય ને એવા વિચારથી પણ કંપી જાઉં છું. અરે, મારા આ સીધા સાદા, સત્ય બોલી નાખવામાં આજુબાજુનો કશો વિચાર ન કરે તેવા જોશીલા યુવા મિત્રને કોઈકે વારંવાર અમુકતમુક ખોટી વાતોનું ભૂસું તો તેના મગજમાં નહિ ભરી દીધું હોય ને – એમ વિચારીને પણ શૂન્ય મનસ્ક થઈ જાઉં છું. જો આ કે આવું બીજું, તેની યુવાન વયે જ ચાલબાજો, ભેજાબાજો, તેને ચાર આની આપીને સોનાની કલ્લી જ કાઢી લે તો મારો ભોળો જુવાન સદાને માટે પછી બાગી બની જાય. યુવાન ખરો પણ પછી યુવાની જ ન રહે ! પછી પેલા તેનો ‘ઉપયોગ’ કરનારા તો તેમનો સ્વાર્થ પતી જતાં, ‘તું કોણ અને હું કોણ ?’ એમ કરીને હાથતાળી આપીને છટકી જાય છે અને મારો મર્દ યુવાન પછી બાપડો બની, લાચાર બની જિંદગીભર અથડાતો-અટવાતો જ રહે છે.
મને મારો આવો દોડતો, સાહસ કરતો, ખમીર બતાવતો યુવાન સદા વ્હાલો વ્હાલો લાગ્યો છે. પણ મેં કહ્યું તેમ તેની પડખે કોઈ લાલચુ માણસ ચઢી જાય તો તેનો બાવાનાં બેય બગડયાં જેવા ઘાટ કરી મૂકે. અને આજના આ ગ્લોબલ વિશ્વમાં, તેમાંય ભારત જેવા દેશમાં તો યુવાનોની સંખ્યા કલ્પનાતીત છે. અરે, પંચાવન ટકા જેટલી ! વિશ્વનો સૌથી યુવાન દેશ એ જ ભારત એવી તેની ઓળખ બની રહી છે. તેથી જ આવા નિર્ણાયક સમયે યુવાન રાહ ન ચૂકે, ઠાલાં સ્વપ્નો અને વચનોથી, ટૂંકા, લોભામણા માર્ગોથી કોઈ તેને લલચાવીને તેના જીવન સાથે ચેડાં ન કરે તે જોવાની નૈતિક જવાબદારી આપણા સૌની બની રહે છે.નાના બાળકને જોઉં છું ત્યારે થાય છે કે આજે ગુલાબનાં દર્શન નહીં થાય તો ચાલી જશે કારણે બાળકનું મુખારવિંદ નિહાળી લીધું છે. એ જ રીતે યુવાનનું દર્શન કરું છું અને મને થાય છે કે અરે, આજે ઉત્સાહના, નવા કર્તવ્યપથના અનેક માર્ગો મારા માટે ખૂલી ગયા છે. પણ કવયિત્રી વેડિંગ્ટનની જેમ મને ચિંતા એ રહે છે કે મારા આ લબરમૂછિયાને કોઈ રાજકારણ કે રાજકારણીનો એરુ આભડી ન જાય. તેમ થાય તો મારો આ ગમતીલો યુવાન કર્તવ્યચ્યુત થઈ જશે તેવી પાકી દહેશત રહે છે. એય ટૂંકા માર્ગો અખત્યાર કરી, શ્રમ કે શરમ વિના બીજાની પાસેથી ઝૂંટવી લેવાની પેરવી કરશે. એ પણ મનીપાવર અને મસલ્સ પાવરથી નૈતિકતાનું, સત્યનું, નિકંદન કાઢી નાખનારો એક કઠિયારો બની જશે. સમાજને પછી એની સામે તીરછી નજરે જોવાનું બનશે. સદાની વસંત જેવા આ યુવાનને પછી તેનો ‘ઉપયોગ’ કરનારા સત્ત્વહીન કરી મુકશે. ‘યુવાની’ શબ્દને ગાળનો પર્યાય બનાવી રહેશે.મારા આવા અતિ પ્રિય, પ્રિય યુવાનને તેથી કશું સમજ્યા વિચાર્યા વિના ટોળામાં ભળેલો જોઉં છું, કશું દૂરનું વિચાર્યા વિના તેને કોઈક માટે ‘ઝિંદાબાદ’ને કોઈક માટે ‘મુર્દાબાદ’ બોલતો સાંભળું છું ત્યારે અંદરથી હું હલી ઊઠું છું. ઊંડેથી ભારે ચચરાટ થઈ રહે છે. તેમાંય કોઈકનો દોરવાયો તે તોડફોડ કરવા માંડે છે, ગાળાગાળી કરવા માંડે છે ત્યારે તો મને થાય છે કે ઊંચા નિશાનવાળો મારો યુવક ક્યાં ગયો ? વિવેકાનંદ જે થોડાક યુવકો નરી નિષ્ઠાથી દેશના પરિવર્તન માટે માગેલા એવા યુવકો ક્યાં ગયા ? ભીતરના અવાજ સિવાય, ઊછીના અવાજોને ફગાવી દેનારો યુવક ક્યાં ગયો ? પોતાના અનુભવ આગળ ધર્મગ્રંથોને, સંશોધનોને પણ ગૌણ લેખનારો યુવક આવું વિચારહીન કૃત્ય કરી શકે ? વગેરે વગેરે પ્રશ્નો મને શારી રહે છે.
મારા યુવાન ! ભારતમાં તું આજે બહુમતીમાં છે. તારી ચાલના જ અન્યને માટે પ્રેરક બનવાની છે. તારાં સાહસો જ નવી દિશાઓ ઉઘાડી આપનારાં બનનાર છે. તું તૈયાર રહે ! અને સાથે તૈયાર રહેવા જોઈએ શાસકો, બૌદ્ધિકો, સમાજ, સમૂહ માધ્યમો. જે યુવાનોને સકારાત્મક વાતાવરણ પૂરું પાડે. તેમની કદર કરે, તેમને રોજગારી માટેનો અવકાશ ઊભો કરી આપે. નૈતિક મૂલ્યોના રખેવાળ એવા ધર્મગુરુઓએ પણ પોતાની રીતે આ યુવાયજ્ઞા માટે તૈયાર રહેવાનું બનશે. શિક્ષણે તો ખાસ.મને આ પળે રોબર્ટ બ્રિજિજે ખાસ સ્મરણમાં આવે છે. તે કહે છે – ઓ યુવક ! તું ઊંચી આશાઓ રાખનાર છે. તારી આકાંક્ષાઓમાં, સત્ય પ્રાપ્તિ માટેની તારી ધખના વ.માં પાછી પાની ન કરીશ. જીવન-મરણની ચિંતા પણ ન કરીશ બસ, તું દોડ, પાછું જોયા વિના દોડ. તારે ક્યારેય થાકવાનું નથી. યુવકની ગુરુ કિલ્લી આ છે.
વ્હાલા યુવક ! તું ભાત ભાતના લોકથી અને ભાત ભાતના વિચારોથી ઘેરાયેલો છે. તું તારા સમયના કુરુક્ષેત્ર વચ્ચેનો અવઢવભર્યો અર્જુન છે. તારી સામે દુર્ભાગ્ય એ છે કે કોઈ કૃષ્ણ હાજર નથી. તેથી અર્જુન તું છે, તો કૃષ્ણ પણ તારે જ બનવાનું છે. હું તો મિત્ર તરીકે તને કહું કે કોઈનો ગળપટ્ટો ક્યારેય બાંધીશ નહિ. તું પાળેલું શહેરી પશુ નથી તું સ્વતંત્ર રીતે, સમગ્ર પ્રકૃતિ વચ્ચે ફરનાર સ્વતંત્ર યુવક છે.

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s