લોક ચીમળાતું જાય છે… ક્ષણ-ક્ષણાર્ધ -પ્રવીણ દરજી

લોક ચીમળાતું જાય છે… ક્ષણ-ક્ષણાર્ધ -પ્રવીણ દરજી

 

ભારતને અને ભારતના લોક કે કહેવાતા લોકપ્રતિ- નિધિઓને ખરીદી શકાય છે તે વાત મૂડીવાદીઓએ સિધ્ધ કરી આપી છે, તો કશા અનિષ્ટની સામે પ્રતિકારની જરૃર પડે તો પ્રતિકાર કરી શકે તેવા નીડર માણસોની કોમ નષ્ટ થઈ ગઈ છે
વર્તમાન ભારત અને આઝાદી પૂર્વેનું ભારત એ બંનેની સરખામણી કરવાનું અહીં મનમાં નથી. આજના અને ત્યારના ભારતમાં રહેલા વિરોધોની પણ અહીં વાત કરવી નથી. આજના ભારતમાં જે અનેક ભારત રહ્યાં છે તે વિશે પણ ઈશારો કરવો નથી. મારે વાત કરવી છે આજના અને ત્યારના ભારતના લોકમિજાજની. દેશ પરત્વેની દરેક ભારતીયની તે કાળે રહેલી માનભરી નજરની. ‘દેશ માટે હું શું કરી શકું?’ તેવા આઝાદી પૂર્વેના દેશના લોકમાનસની. આઝાદ ભારતે છેલ્લા સાત દાયકામાં ભૌતિક વિકાસ જરૃર સાધ્યો છે. ટેકનોલોજીમાં હરણફાળ ભરી છે. બીજું ત્રીજું પણ વિકાસના નામે ઘણું કહી શકાય. પણ આઝાદી પૂર્વેનું પેલું દેશપ્રેમથી ધબકતું લોક ક્યાં છે? દેશ પ્રથમ અને હું પછી-ની લાગણી ક્યાં છે? નીતિમત્તા અને મૂલ્યનિષ્ઠાને સહજરીતે વળગી રહેવાની વૃત્તિ ક્યાં છે? પ્રામાણિકતા અને પ્રેમનું વાતાવરણ ક્યાં છે? લોકતંત્ર પરત્વેનો ઉત્સાહ અને જાગૃતિ ક્યાં છે? નીતિમત્તા અને મૂલ્યનિષ્ઠાને સહજરીતે વળગી રહેવાની વૃત્તિ ક્યાં છે? પ્રામાણિકતા અને પ્રેમનું વાતાવરણ ક્યાં છે? કહો કે આજનો સરેરાશ ભારતીયજન એલકપેટો, ભ્રષ્ટ, સત્તા લાલચુ અને દેશને બદલે પોતાને કેન્દ્રમાં મૂકતો થઈ ગયો છે. ભૌતિક વિકાસની સાથે અવળા ક્રમે તેનું માનવ તરીકેનું ભારે, ન કલ્પી શકાય તેવું, ધોવાણ થઈ ગયું છે. દેશ એ રીતે સવા અબજની માનવશક્તિનો પ્રબળ નાયગ્રા હોવા છતાં નર્યો રંક અને બિમાર બની ગયો છે. તેની આત્મશક્તિ મરી પરવારી છે. દેશ સાધ્ય બનવાને બદલે લોકની અટપટી એષણાઓ અને મહત્ત્વાકાંક્ષાઓનું સાધન બની ગયો છે.આ અને આવું બધું વિચારીએ છીએ ત્યારે વિષાદ-ગ્લાનિથી મન ભરાઈ જાય છે. સરેરાશ માણસને સાચા રસ્તે ઉત્તેજે તેવું ફીડબેક રહ્યું નથી. તે પણ ભૌતિકતાના કાટલે જીવતો થઈ ગયો છે. તો સમૂહ માધ્યમો અને બૌધ્ધિકો પણ નર્યાં વામણાં પુરવાર થયાં છે. તેઓના પગ કોઈ અને કોઈ કુંડાળામાં પડી ગયા છે. સત્ય સવા કરોડ પ્રજાના વજન નીચે બેરહમ રીતે કચડાઈ રહ્યું છે. ભારતને અને ભારતના લોક કે કહેવાતા લોકપ્રતિનિધિઓને ખરીદી શકાય છે. તે વાત મૂડીવાદીઓએ સિધ્ધ કરી આપી છે, તો કશા અનિષ્ટની સામે પ્રતીકારની જરૃર પડે તો પ્રતીકાર કરી શકાય છે તેવા નીડર માણસોની કોમ નષ્ટ થઈ ગઈ છે. મને આ તબક્કે એક રશિયન કહેવત ટાંકવી ગમે છે ઃ પૈસો જ્યારે બોલે છે ત્યારે સત્ય ચૂપ થઈ જાય છે. હા, અત્યારે આ આવી રહેલી ચૂંટણીના દિવસોમાં ભારતનું ઊપસી રહેલું ચિત્ર ચિંતા કરનારાઓ માટે દોદળું, મહિમાહીન લાગવાનું. નથી કોઈ પક્ષ કે નેતા પાસે પોતાની કલ્પનાના ભારતની ડિઝાઈન, નથી તેમની સામે ભારતનું ગામડું, નથી તેમની સામે દલિતો-સ્ત્રીઓ કે શોષિતોના જીવનની હાલાકી, નથી તેમની સામે યુવાન થઈ રહેલા ભારતના પંચાવન ટકા યુવાનોના ભવિષ્યની ચિંતા, નથી તેમની સામે આપઘાત કરી રહેલા ખેડૂતો, નથી તેમની સામે વિના વાંકે બળાત્કારનો ભોગ બની રહેલી સંખ્યાની સ્ત્રીઓની વેદના, નથી તેમની સામે પડોશી દેશોની મેલી મુરાદોને જેર કરવાની વ્યૂહરચનાઓ, નથી તેમની સામે દેશના ખાડે ગયેલા શિક્ષણ વિશે સવેળા સતર્ક થઈ જઈ તેનું શુધ્ધિકરણ કરવાની યોજના કે નથી તેમની સામે વધતા જતા ઉદ્યોગોની સામે તીવ્ર રીતે ઊભા થયેલા પર્યાવરણીય મુદ્દાઓનું નિરાકરણ કે નથી તેમની સામે મધ્યમવર્ગની પીડાના ઉપાય. કોઈ કહેતાં કોઈ શ્રદ્ધેય રાજકારણી આપણી સામે આજે નથી રહ્યો કે જેની ઉપર ભારતનો કોઈ માણસ કે યુવાન શ્રધ્ધા મૂકી શકે. કહો કે સદ્ધર ભારત માટે કોઈ કહેતા કોઈની જામીનગીરી ચાલી શકે તેવું ક્યાંય જણાતું નથી. આવા ચપળ, અવિશ્વસનીય, ભાષણશૂરા, સાંપ્રદાયિકતાને ઉત્તેજનારા, દેશના વિઘાતક બળો આગળ લઈને સત્તા કબજે કરવા નીકળેલા રાજકારણીઓ આ દેશને ક્યાં લઈ જશે? એવો પ્રશ્ન કરવા જેટલી સ્વાતંત્ર્ય-ચેતના પણ આપણા કોઈમાં આજે બચી હોય તેમ જણાતું નથી. ધર્મ, કોમ, જાતિ, ગરીબી, ભ્રષ્ટાચાર કે એવા માણસને કોરી રહેલા કાયમી મુદ્દાઓની આસપાસ જ ચૂંટણી લડાય છે પણ તે તો આપણી દુઃખતી રગને વધુ દુઃખતી કરી આપી ઘેનમાં રાખવાના મુદ્દાઓ છે. વધુ મહત્ત્વના મુદ્દા તો રાષ્ટ્રહિત, રાષ્ટ્રપ્રેમ, તેનો સર્વતોમુખી વિકાસ, છેલ્લા જણ સુધીની ચિંતા કે એકેએકને સમાન ન્યાય તેમની સાથે સરળ વ્યવહાર ને તેના ઉત્કર્ષ અને ઉત્થાનનો હોવો ઘટે.નર્મદે વાપરેલો પેલો ‘સ્વાભિમાન’ શબ્દ આઝાદી પછીના સાત દાયકામાં આપણા જીવનકોષમાંથી લગભગ ભૂંસાઈ ગયો લાગે છે! આપણી લોકશાહીને લોકશાહીના રૃપાળા નામ નીચે આ ધૃર્ણ્ય રાજકારણે લોકશાહીનું કેવળ કંકાલ બનાવી મૂકી છે. એક અજ્ઞાાત ઈતિહાસકારના શબ્દોને યાદ કરીને કહું તો – રાજસત્તા ફેલાતી જાય છે ને લોક ચીમળાતું જાય છે. મને આ વિધાન વળી વળીને આજે સખેદ સ્મરણમાં આવ્યા કરે છે. રાજસત્તાનો ક્રૂર પંજો ફેલાતો જાય છે. લોકો ચૂંટાશે પણ કેવા અધમ તરીકાઓથી, કેવી કેવી ભ્રષ્ટતા ને જૂઠાણાઓથી! ‘ભારતમાતા’ શબ્દને આ રાજકારણીઓએ કેવી હીન કક્ષાએ આજે લાવીને મૂક્યો છે! લોકશાહીના અંતઃસત્ત્વમાં આ સાત દાયકામાં કેવી કેવી બદીઓ, અપરાધો, વિધાતક ને આપખુદશાહી બળો, ભ્રષ્ટ બળો પ્રવેશ્યાં છે તે જોવાની ક્ષણ આવી પહોંચી છે. મતદાન તો કરીશું કે કરાવાશે પણ સત્ત્વશીલ ભારત માટેની ટકોરાબંધ ગેરન્ટી કોણ આપશે?

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s