સામાજિકતા વળગણ બને ત્યારે…— વિચાર વિહાર —યાસીન દલાલ

સામાજિકતા વળગણ બને ત્યારે…—  વિચાર વિહાર —યાસીન દલાલ

સામાજિકતા જ્યારે વળગણ બને છે અને મિથ્યા ક્રિયાકાંડમાં સરી પડે છે ત્યારે એ એક ત્રાસ બની જાય છે

એક મિત્રને કોઈ કામસર ફોન કર્યો. એમનું નામ રમેશભાઈ ધારી લઈએ. સામે છેડેથી જવાબ મળ્યો કે નજીકના કોઈ સગાના લગ્નપ્રસંગે મુંબઈ ગયા છે. બે દિવસમાં આવી જશે. ત્રણેક દિવસ પછી ફરીથી ફોન કર્યો તો ફરીથી જવાબ મળ્યો કે બહારગામ ગયા છે. મુંબઈથી તો એ મિત્ર બે દિવસમાં આવી જવાના હતા. તો આવીને ફરી ક્યાં ઊપડી ગયા ? પૂછપરછ કરી. જવાબમાં જાણવા મળ્યું કે મુંબઈથી આવ્યા પછી એક સંબંધીનું અવસાન થયાના સમાચાર મળતાં એ પાલનપુર ગયા છે.
આવો અનુભવ મને, તમને સૌને અવારનવાર થાય છે. લોકો સતત કોઈ ને કોઈ સામાજિક કામ માટે ટ્રેઈન કે બસનો પ્રવાસ ખેડીને દૂર દૂર જાય છે. કોઈની સગાઈ હોય, લગ્ન હોય કે કોઈ માંદુ હોય તો ખબર કાઢવા પણ જવું પડે. હવે તો લોકો કોઈ સગાંસંબંધી કે મિત્રને ત્યાં ધાર્મિક કથાનો પ્રસંગ હોય તો પણ પ્રવાસ કરીને એમાં હાજરી પુરાવવા જતા હોય છે. પરિણામે ટ્રેઈન, બસમાં ચિક્કાર ગિરદી જામેલી રહે છે. પ્રવાસનું કારણ પૂછીએ તો મોટાભાગના જવાબો આવા જ મળે.
વાહનવ્યવહારમાં સાધનો વધ્યાં અને એ ઝડપી બન્યાં, એનો આ એક લાભ થયો છે કે લોકો આવાં સારાં-નરસાં કામે ઝડપથી અને સહેલાઈથી જઈ શકે છે. કોઈનાં સુખ-દુઃખમાં ભાગીદાર બની શકે છે. લગ્ન હોય, સગાઈ હોય કે મરણ હોય, એ પોતાની પ્રત્યક્ષ હાજરી વડે એમાં સામેલ થઈ શકે છે. પેલી વ્યક્તિને લાગે છે કે એના પ્રસંગમાં ઘણા લોકો એના ભાગીદાર છે. લગ્નપ્રસંગની ખુશાલીમાં પણ એ એકલા નથી અને સ્વજનના મૃત્યુથી લાગેલા આઘાતમાં પણ એકલા નથી. આ સધિયારો અને આ આશ્વાસન માનસિક રીતે માણસને હૂંફ આપે છે અને ખાસ કરીને માઠા પ્રસંગના આઘાતને હળવો કરવામાં અગત્યનો ભાગ ભજવે છે.
પણ આવી સામાજિકતા એ માત્ર દેખાડો બની રહે, ક્રિયાકાંડ બની રહે અને એનો પણ અતિરેક થઈ જાય ત્યારે એ ઉપયોગી બનવાને બદલે બધાની મુશ્કેલીમાં વધારો કરનારી ક્રિયા બની જાય છે. આપણે હવે આ સામાજિકતાના અતિરેકના યુગમાં આવી પહોંચ્યા છીએ, જ્યાં દરરોજ હજારો લોકો આવા સામાજિક પ્રસંગોને નિમિત્ત બનાવીને પોતાનો સમય અને નાણાં બગાડે છે, એટલું જ નહીં, સામી વ્યક્તિને માટે પણ ભારે અગવડ અને મુશ્કેલી સર્જે છે અને સૌથી વધુ તો ગરીબ દેશની જાહેર વાહનવ્યવહાર સેવા ઉપર તો અતિશય ભારે બોજ એનાથી પડે છે.
એક કુટુંબમાં કોઈ વ્યક્તિ માંદી પડી. માંદગી વધી એટલે એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા. કુટુંબ બહુ વિસ્તરેલું છે એટલે દીકરા, દીકરી, ભાઈઓ, કાકા, મામા, પિતરાઈ ભાઈ, બહેન એમ જાતજાતનાં સગાં અને સંબંધીઓની જાળ ફેલાયેલી છે અને એ બધાં જુદે જુદે સ્થળોએ પોતપોતાનાં નોકરી-ધંધામાં પડેલા છે. એ બધા માંદગીની ખબર પડતાં જ દોડયાં આવે છે અને માંદી વ્યક્તિ હોસ્પિટલમાં જનરલ વોર્ડમાં હોય તો એમની સાથે બીજા અનેક દર્દીઓના ખાટલા હોય. એમાંથી પણ દર્દીઓને તો બિલકુલ શાંતિ અને આરામની જરૃર હોય. પણ આ સગાંવહાલાં આવીને શોરબકોર કરે, વાતો કરે, પૂછપરછ કરે એટલે બધાની શાંતિમાં ખલેલ પડે. પેલા દર્દીની માંદગી ઘટનાને બદલે આવા ઘોંઘાટથી વધી પણ જાય. હોસ્પિટલમાં ઠેર ઠેર શાંતિ જાળવવાની સૂચના લખી હોય, પણ આ બધું ગાંઠે કોણ ? ઉપરથી હોસ્પિટલમાં પણ આપણી કેટલીક કુટેવોનું પ્રદર્શન કરતા જાય અને લોબીમાં કે સીડી પર પાનની પિચકારીઓ મારી આવે કે બીડી-સિગારેટનાં ઠુંઠાં મૂકતાં આવે. હોસ્પિટલમાં હવે દર્દીઓને મળવા માટેનો સમય નિશ્ચિત કરી દીધો હોય છે. પણ આવી સૂચનાઓનું પાલન કરવાની આપણે ત્યાં તો ટેવ જ નથી. પરિણામે ગમે ત્યારે, હોસ્પિટલ પણ ગામના ચોરામાં ફેરવાઈ જાય છે. આપણી કોઈ પણ હોસ્પિટલમાં જઈ ચડીએ તો દર્દી કરતાં એમના આ સ્નેહીઓનાં ટોળાં જ વધારે દેખાવાનાં.
આવી સામાજિકતાનું પ્રદર્શન ન કરવું હોય તો પણ આપણા સામાજિક નિયમો અને દેખાદેખી માણસને છોડતાં નથી. નાનકડા ગામમાંથી કોઈ માણસ શહેરની હોસ્પિટલમાં દાખલ થયું હોય અને કોઈ નજીકના સંબંધી જોવા ન જાય તો તરત ગામમાં ટીકા થવા માંડે અને ‘નહીં જઈએ તો ગામલોકો વાતો કરશે’ એવી બીકથી પણ નાછૂટકે ખબર પૂછવા જવું પડે છે. વાસ્તવમાં દર્દીની સ્થિતિ તો જે છે તે જ રહેવાની છે, એમાં કોઈના જોવા જવાથી કે ન જવાથી કોઈ તફાવત પડતો નથી. ક્યારેક તો હૃદયરોગનો હુમલો આવ્યો હોય તો દર્દીને ઘનિષ્ઠ કાળજી હેઠળ રાખવો પડે છે, જ્યાં અંદર જવાની પણ કોઈને છૂટ હોતી નથી. આમ, ઘણીવાર તો દર્દીને મળવાની કે જોવાની પણ તક મળે નહીં પણ માત્ર ‘અમે પણ તબિયત જોવા આવ્યા હતા’ એવી નોંધણી કરાવવા જ લોકો હોસ્પિટલમાં દોડી જતા હોય છે. બહારગામથી આવા પૂછપરછ કરનારા આવે એટલે એમને ઘરમાં રાખવા પડે, જમાડવા પડે અને સાચવવા પડે. ઘરના લોકો એક તો દર્દીની સારવારમાં જ ઉજાગરા કરીને અને દોડાદોડીથી થાક્યા હોય ત્યાં આ તબિયતની ખબર કાઢનારાઓ આવે એટલે એમની સેવામાં લાગવું પડે.
આવી સામાજિક દેખાદેખીનાં માઠાં પરિણામ અનેક પ્રકારે આવી શકે છે. એનાથી આપણી ઓફિસોમાં કાર્યક્ષમતા ઉપર પણ અસર થાય છે. કોઈ મોટી ઓફિસમાં પાંચસો-સાતસો કર્મચારીઓ કામ કરતા હોય, ત્યારે સ્વાભાવિકપણે અવારનવાર કોઈ ને કોઈ કર્મચારીના સગાં-સંબંધીના સારા-માઠા પ્રસંગો આવ્યા કરે. પરિણામે બીજા અનેક કર્મચારીઓ ઓફિસેથી વહેલા નીકળીને પેલા કર્મચારીને ઘેર પહોંચી જાય. ઘણા કર્મચારીઓ જતા હોય એટલે કોઈને ઓફિસના સમયમાં જવાની મરજી ન હોય તો પણ ઘસડાવું પડે. કોઈ ગુજરી જાય તો ઉઠમણામાં જવું પડે છે, કોઈ માંદુ હોય તો ખબર કાઢવા જવું પડે, કોઈને ત્યાં લગ્નપ્રસંગ હોય તો જમણવારમાં જવું પડે, ઘણીવાર તો લગ્નનો જમણવાર ચાલુ દિવસોએ બપોરના સમયે હોય તો સંખ્યાબંધ કર્મચારીઓ અડધો દિવસ ગાપચી મારીને છેક બપોરે ઓફિસમાં હાજર થાય ! સામાજિક પ્રસંગના નામે કોઈને કંઈ કહી શકાય પણ નહીં. ઘણા કર્મચારીઓ સતત મોડા આવતા હોય, એમને કારણ પૂછો તો જવાબ મળે કે ઘરે મહેમાન આવ્યા છે !
કોઈ સંબંધીનું અવસાન થાય એટલે દૂરદૂરથી લોકો દિલસોજી વ્યક્ત કરવા માટે જાય છે. આવી દિલસોજીની અભિવ્યક્તિ તો થોડી મિનિટોમાં પૂરી થઈ જાય છે, પણ એટલા ક્રિયાકાંડ માટે લોકો મુંબઈથી કલકત્તા જાય કે રાજકોટથી પાલનપુર જેવા સ્થાને નીકળી જાય અને પાંચસો-સાતસોનું ખર્ચ થાય એ વધારામાં. આના કરતા દિલસોજીનો એક પત્ર લખી નાખ્યો હોય કે ટેલિફોન કરી દીધો હોય તો ચાલી શકે. પણ આપણી કહેવાતી સામાજિકતા એનાથી સંતોષ પામતી નથી.
આપણા લોકો ઈંગ્લેન્ડ-અમેરિકા જાય ત્યારે ત્યાંના જીવન વિષે એક મોટી ફરિયાદ એ કરતા હોય છે કે ત્યાં ‘સોશિયલ લાઈફ’ નથી. પરિણામે માણસ એકલો પડી જાય છે. ઘણા તો કહે છે કે ત્યાં લોકો સ્વાર્થી છે, ભૌતિકવાદી છે, બધા પોતપોતાના ધંધામાં જ રચ્યાપચ્યા હોય છે, કોઈ કોઈનો ભાવ પૂછતું નથી વગેરે. પણ વાસ્તવમાં જોવા જઈએ તો ત્યાંની પ્રજા સામાજિકતાના નામે ચાલતાં આવાં કૃત્રિમ પ્રદર્શનોથી મુક્ત બની છે અને પ્રગતિ, વિકાસ તથા કાર્યક્ષમતાને જ એમણે ટોચની અગ્રતા આપી છે. એટલે ત્યાં લોકો ઓફિસ, નોકરી કે ધંધાના ભોગે સામાજિક લાગણીનું પ્રદર્શન કરવા દોડી જતા નથી.
ઈંગ્લેન્ડમાં લાખો ગુજરાતીઓ રહે છે. ત્યાં જઈ આવેલા લોકોને ખ્યાલ હશે કે લંડનમાં કોઈનું અવસાન થાય તો અવસાન ગમે તે દિવસે થાય પણ એના મૃતદેહને આધુનિક ટેકનિકથી ત્રણ-ચાર દિવસ સાચવી રાખવામાં આવે અને પછી શનિ-રવિ દરમિયાન અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. પશ્ચિમની પ્રજામાં દૂરદૂરનાં સગાંવહાલાં ક્યાં છે, શું કરે છે એની પણ ઘણા લોકોને ખબર હોતી નથી. અલબત્ત એ લોકો પણ ક્યારેક અંતિમ છેડે પહોંચી જતા હશે અને માનવીય સંબંધોની બાબતમાં અતિરેક પણ કરતા હશે પણ આપણી સામાજિકતા તો હવે લગભગ લાગણીવેડા અને વેવલાવેડાની હદે પહોંચી ગઈ છે, એમ જ સ્વીકારવું પડે.
આપણા લગ્નપ્રસંગોની જ વાત કરીએ. અગાઉ બસો-પાંચસોની હાજરીમાં લગ્ન થતાં, એને સ્થાને હવે લગ્નસમારંભોમાં હજારો લોકોની ભીડ ઊમટે છે. એમાં પણ આપણે પરંપરાવાદી પ્રજા એટલે શુભ મુહૂર્ત જોઈને જ લગ્ન કરીએ, પરિણામે અમુક ચોક્કસ દિવસોમાં તો એક જ શહેરમાં સેંકડો લગ્ન પ્રસંગો ઉજવાય. ક્યાંય લગ્ન માટેના હોલ કે વાડી મળે નહીં. ટ્રેઈન કે બસમાં ટિકિટ મળે નહીં. એક દિવસે ક્યારેક આઠ-દસ કંકોતરી એક સાથે મળે. સંબંધ સાચવવા માટે બધે હાજરી આપવી પડે, એટલે એક પ્રકારનો મિથ્યા ક્રિયાકાંડ જ બની રહે. એક જ મોટા પાર્ટી પ્લોટમાં ઘણીવાર એક સાથે ચાર-પાંચ લગ્નો ઉજવાતાં હોય. આટલા બધા લોકો એકસાથે એકઠા થાય એટલે ટ્રાફિક જામ થાય, પેટ્રોલ-ડીઝલનો વ્યય થાય. અનાજની તંગીવાળા દેશનાં અનાજ, તેલ, ઘીનો વેડફાટ થાય, એના કરતાં સાદાઈથી, અત્યંત નિકટનાં ૨૫-૫૦ લોકોની હાજરીમાં લગન આટોપાય તો આખા દેશની ઊર્જા, નાણાં અને સમય બચે.
સામાજિકતા એ મનુષ્ય સંસ્કૃતિ અને સભ્યતાનું લક્ષણ છે. માણસ એ સમાજનું જ અંગ છે, ઘટક છે. માણસ ઈચ્છે તો પણ સમાજને છોડી શકતો નથી. પણ સામાજિકતા જ્યારે વળગણ બને છે અને મિથ્યા ક્રિયાકાંડમાં સરી પડે છે ત્યારે એ એક ત્રાસ બની જાય છે. માણસ એકલતા અને અટૂલા પણું ન અનુભવે એટલે સમાજની રચના થઈ છે પણ સમાજ ટોળું બનીને વ્યક્તિને સતત ઘેરીને બેસી જાય તો વ્યક્તિની વ્યક્તિમતા જ નહીં, એનું અંગત વિશ્વ, એની પોતાની આગવી દુનિયા એ ગુમાવી બેસે છે. સમાજ વ્યક્તિ પર સવાર થઈ જાય ત્યારે વ્યક્તિ એના બોજ હેઠળ કચડાઈ જ જાય.

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s