આ યાંત્રિક ધાર્મિકતા ક્યાં લઇ જશે ?– અન્તર્યાત્રા – ડૉ.સર્વેશ પ્ર.વોરા

આ યાંત્રિક ધાર્મિકતા ક્યાં લઇ જશે ?– અન્તર્યાત્રા – ડૉ.સર્વેશ પ્ર.વોરા

‘ભલે મંત્રજાપની સંખ્યા ગણતા રહીને આ લોકો ‘દિવ્યતા’ અને ‘મુક્તિ’ના પંથે, સારા માર્ગે જતા હોય તો ખોટું શું છે ? સ્વર્ગની લાલચ, નરકના ચિત્ર-વિચિત્ર ભય, કલ્પનાના બેફામ અને સ્વચ્છંદ વિહાર જેવી પૌરાણિક વાર્તાઓ દ્વારા પણ આ ટોળાંઓ અધ્યાત્મ તરફ દિવ્યતા તરફ પ્રેરાતાં હોય તો ખોટું શું છે ?’ પ્રથમવાર સાંભળો ત્યારે ગળે ઊતરી જાય, તમને તમારો ભારે જોખમી ક્રાંતિકારી રસ્તો છોડી, યાંત્રિકતા અને ઘેટાં પરંપરાને રસ્તે જોડાઈ જવાનું ક્ષણભર મન થઇ જાય એવી ચોટડૂક દલીલ છે .

પણ જરા ઊંડા ઊતરો, આજ સુધી દુનિયાનાં તમામ ‘ધર્મચુસ્ત’ ટોળાંઓએ શું ઉકાળ્યું છે એનો વિચાર કરો તો સ્પષ્ટ સમજાય કે યાંત્રિકતા દ્વારા દિવ્યતા તરફ જવાની વાત વિરાટ છેતરપિંડી છે, પ્રાચીન કાળથી ગણતરીપૂર્વક ચલાવાતું ઊંટવૈદું છે, શારિરીક ઊઠબેઠની કસરત દ્વારા કામચોરને કાર્યનિષ્ઠ બનાવવાની વાત છે, નાની બાળકીને સાડી પહેરાવીને યુવતી બનાવવાની વાત છે !ના, મીરાંબાઈનાં કૃષ્ણભક્તિનાં ભજનો કરોડો વાર ગોખી, ગિનીઝ વિશ્વવિક્રમમાં નોંધ કરાવવા પછી પણ, કદાચ ભક્તિનો અંશ પણ પ્રગટ ન થાય, ને ‘નમો સિધ્ધાણં’ના કરોડો જાપ કર્યા પછી પણ માણસ દુન્યવી સફળતાને જ સિધ્ધ માનતો હોય, તો મોડે મોડે પણ ડાહ્યા માણસે જરા એકાંતમાં, સમાજના લગીરે ભય વિના ધાર્મિક યાંત્રિકતામાં બગડતા અમૂલ્ય માનવજીવન વિષે જાગી જવું જોઇએ.સાંપ્રદાયિક વફાદારી, એમાંથી પેદા થતું સર્વનાશી ઝનૂન માણસને ક્યાંથી ક્યાં લઇ જાય છે એના પુરાવા આપણે ચંગીઝખાનથી માંડી ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરથી લઇને કાશ્મીર સુધી જોયા છે.

આ સર્વનાશી અને માનવ તરીકેની સ્વતંત્રતાને હણી નાખનાર ગાંડપણના મૂળમાં એક ‘વિચાર’ રહેલો છે, એક ‘માન્યતા’ રહેલી છે, જે વિચારોની તકલીફ સહનકરવાના એદી બહુમતી સમાજે બહુ સગવડભરી રીતે ‘પહેરી’ લીધી છે. આ વિચારો છે. ‘બાહ્ય પધ્ધતિઓ, ઉધારી થોપાયેલા વિચારો સંસ્થાગત સરમુખત્યારી દ્વારા માણસને આંતરિક રીતે બદલી શકાય એવી જૂઠી માન્યતાઓ’ પછી વસ્ત્રોની માફક માણસ ધર્મગ્રંથો, વસ્ત્રો, લેબલો, સાધુસંસ્થાને પહેરતો થઇ જાય છે

.આજે હાલત એવી સર્જાઈ છે કે તમારી પાસે જો સન્નિષ્ઠ, સ્વતંત્ર, જીવંત ધબકારવાળું મૌલિક વ્યક્તિત્વ હોય તો તમે આપણા કહેવાતા ‘ધાર્મિક’ મેળાવડાઓમાં ભયંકર ગૂંગળામણ અનુભવો.માણસ પાસેથી બધું ઝૂંટવી લેવામાં આવે તો પણ એ દેવાળિયો બનતો નથી, પણ લાંબી-ટૂંકી ઓછીવત્તી નાની મોટી મૌલિકતા જો ઝૂંટવી લેવામાં આવે તો માણસજાત તરીકેનાં એનાં સમગ્ર અસ્તિત્ત્વનું ખૂન થઇ જાય છે. ઘેટાં માટે ઘેટાંપણું શરમજનક નથી, પણ વિવેકશક્તિની જન્મજાત બક્ષિસ ધરાવનાર માણસનો આત્મવંચક અંધાપો ખરેખર શરમજનક છે

.એક ભાઈએ મોઢું ભારેખમ કરીને મને કહ્યું ‘હું તો ફલાણા મહારાજના અદ્વૈતવાદમાં માનું છું’ શું ‘અદ્વૈત’ની અનુભૂતિ કોઈ મહારાજ, કોઈ મંડળ, કોઈ પુસ્તક આપી શકે ? ‘વીજળીને ચમકારે રે મોતી પરોવી લો રે પાનબાઈ’ વાળી અનુભૂતિની ક્ષણ આ બુડથલોને ક્યાંથી સમજાય ?

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s