અમેરિકામાં ફર્યા પછી રશિયન વિચારક મેક્સિમ ગોર્કીની આંખો ભીની થઈ ગઈ! કેમ?– સ્પાર્ક – વત્સલ વસાણી

સ્પાર્ક – વત્સલ વસાણી

અમેરિકામાં ફર્યા પછી રશિયન વિચારક મેક્સિમ ગોર્કીની આંખો ભીની થઈ ગઈ! કેમ?

રશિયાનો  એક ખૂબ મોટો વિચારક મેક્સિમ ગોર્કી ૧૯૨૦માં અમેરિકા ગયો. દેશભરમાં એને ફેરવવામાં આવ્યો. ખાસ તો મનોરંજન માટેના દરેક સ્થળ પર એને લઈ જવામાં આવ્યો. અમેરિકાએ મનોરંજન માટેના જેટલા સાધનો શોધ્યા છે, દુનિયાના બીજા કોઈ દેશે કદાચ નથી શોધ્યા. દરેક પ્રકારના સાધનો એને દેખાડવામાં આવ્યા. જે માણસ એને આ બધું બતાવી રહ્યો હતો, એને એવું જ લાગતું હતું કે ગોર્કી અતિશય પ્રભાવિત થયો છે અને ગોર્કીના ચહેરા સામે જોતાં એવું લાગતું પણ હતું. બધા સાધનો અને સ્થળો બતાવી દીધા બાદ પેલો અમેરિકન બહાર આવીને ઉત્સુકતા સાથે જોતો જ રહ્યો કે ગોર્કી જરૃર પોતાનો પ્રતિભાવ આપશે. પણ બહાર આવ્યા બાદ ગોર્કીની સામે જોયું તો એની આંખ ભીની હતી. અમેરિકનથી રહેવાયું નહીં એટલે એણે પૂછી લીધું કે વાત શી છે? આપ આટલા ઉદાસ કેમ છો? તો ગોર્કીએ કહ્યું, ‘જે લોકોને જીવવા માટે આટલા બધા મનોરંજક સાધનોની જરૃર પડે છે તે પ્રજા જરૃર દુખી હશે’ આ એક ન ગમે એવું પણ કડવું સત્ય છે.

જે લોકો અંદરથી ખાલી અને ઉદાસ છે, આખો દિવસ જેનો ટેન્શન અને રઘવાટથી ભરેલો છે એવા લોકોને જ ‘રિલેક્સ’ થવા માટે મનોરંજનની જરૃર પડે છે. નાઈટ કલબો, કેસીનો, ભરચક રહેતા સિનેમાગૃહો અને ટીવી ખોલીને એકધારા બેસી રહેતા લોકો શું સૂચવે છે?

દિવસભરના કંટાળાને દૂર કરવા, થોડીવાર બધું ભૂલી જવા, શક્ય હોય તો હળવા ફૂલ થવા આવા બધા ઉપાય જરૃરી છે. દારૃ પીનારા લોકો શું એ સમજતા નથી કે આવી આદતના કારણે જ અનેક લોકોના જીવન બરબાદ થઈ રહ્યા છે? સિગારેટ ફૂંકીને ફેફસામાં ધૂમાડો ભરવાની જરૃર શી છે? ‘સુખી’ અને ‘સમજદાર’ લોકો ક્યારેય પોતાના આરોગ્ય માટે અહિતકર હોય એવું કામ કરી ન શકે. દુખી અને નાસમજ લોકો જ બે ઘડીના સુખ માટે સરવાળે નુકસાનકારક હોય એવું કાર્ય કરે.

નશાથી દુખ જતું નથી પણ ઘડીભર માટે ભૂલાતું હોય છે. ડ્રગ્ઝ (કેફી દ્રવ્યો)નું સેવન કરીને માનવી આખરે મેળવે છે શું? ઘડીભરનું મનોરંજન પોતાને પરવશ બનાવી આખા પરિવારનું સુખ છીનવી શકે છે. લોકો મનોરંજન માટે જુગાર રમે છે. રાતભર કલબોમાં પડયા રહી પત્ની, બાળકો અને પરિવારની ઊંઘ હરામ કરી શકે છે.

ઉદાસ લોકો એકલા રહી શકતા નથી. ઘરમાં કોઈ ન હોય અને સમય પસાર કરવાનો હોય તો આવા લોકો ટીવી ખોલીને બેસી જાય છે. જે છાપું સવારે વાંચી લીધું હોય, એને ફરીથી આમતેમ ફેરવે છે. એકલા એકલા પણ પત્તાની ગેઈમ રમે છે. ફોન પર કોઈ ને કોઈ સાથે વાત કરવા બેસી જાય છે. એકલા રહેવાથી અકળાય છે, કશુંય કર્યા વિના બેસી રહેવાનું એને ફાવતું નથી. એકલા એકલા ડર લાગે છે. ગભરામણ થવા લાગે છે. સ્વયં પર્યાપ્ત હોવાની કળા એમને હસ્તગત નથી. એકલા જ પોતાની મસ્તીમાં રહેવું અથવા તો નિજાનંદની મજા માણવી એ એને આવડતું નથી. જિંદગીનો અમૂલ્ય કહી શકાય એવો સમય ક્રિકેટ કે ફુટબોલની મેચ જોવામાં, ટેનિસની હારજીતના દર્શક થવામાં અને ઘણીવાર તો ‘ડચ્ચર’ કહી શકાય એવી કુસ્તી કે બોક્સિંગની રમત જોવામાં બરબાદ થાય છે. એક માણસ બીજા માણસને બેરહમ બનીને મારે, એના નાક પર, દાઢી પર, ચહેરા કે છાતી પર મુક્કા પર મુક્કા પડતા હોય, માણસનું મોઢું સુઝી જતું હોય અથવા તો ચત્તોપાટ પાડીને કોઈ માણસને ‘મીણ’ કહેવરાવવાની અહંકારભરી રમત ચાલતી હોય એ જોવાનો અર્થ શો? પણ માણસ નવરાશનો સમય નાખે ક્યાં? કંઈનું કંઈ તો કરવું જ પડે ને?! પુરુષો તો ઠીક પણ હવે સ્ત્રીઓય કુસ્તી લડવા લાગી છે!

ક્રિકેટની મેચ ચાલતી હોય અને લાઈટ ચાલી જાય તો દર્શકોના મૂડ બગડી જાય છે. હારજીતના મહત્ત્વના પ્રસંગોએ કેટલાક લોકો આવેશમાં આવી ટીવીની સ્ક્રીન પણ તોડી નાખે છે! ટીવી પર પિક્ચર ચાલતું હોય અને લાઈટ ચાલી જાય તો માણસો અકળાવા લાગે છે. અંધારું કે એકાંત એમને ગમતું નથી. આકાશનો તારાજડિત વૈભવ કે સામે દેખાતા વૃક્ષોની લીલીછમ હાજરી એમને ખ્યાલમાંય આવતી નથી. એમના સુખનો આધાર ક્યાંક બીજે અને કોઈ બીજાના હાથમાં છે. આવી વ્યક્તિઓનું જીવન ચાવીવાળા રમકડા જેવું બની જાય છે. કોઈ બીજું જ જીવનભર એને ચલાવ્યા કરે છે. કોઈ ચાવી ફેરવે અને થોડીવાર એને સુખ મળે છે. તો કોઈ વળી ઊલટી ચાવી ફેરવે તો દુખના ઢગલા નીચે એમનું જીવન દબાઈ જાય છે.
સતત આ રીતે પરાવલંબી બની તાણમાં જીવતા લોકોને જ મનોરંજનની વધુ જરૃર પડે છે. એટલા સમય માટે એ પોતાની જાતને, પોતાની સમસ્યાને અને પરિસ્થિતિને ભૂલવા મથે છે. અઢી ત્રણ કલાક સિનેમા ઘરમાં બેસી ગયા અને વાસ્તવિક જીવનની સમસ્યા એટલીવાર વિસરી જવાઈ. જુગારના અડ્ડા પર જઈને બેસી ગયા તો પરિવારની ઝંઝટમાંથી એટલીવાર મુક્તિ મળી.

કલબો અને પાર્ટીઓમાં જતાં લોકો થોડીવાર માટે જૂઠો ચહેરો ઓઢી લેતા હોય છે. બધાની વચ્ચે એ હસે છે, પોતે ખૂબ જ સુખી છે એવો દેખાવ અને દંભ કરે છે, ખપ પુરતા અને ખોટા સંબંધો બાંધે છે, અંદર બહાર બિલકુલ જુદું જ જીવન જીવે છે અને આ રીતે દુખના એક વિષચક્ર વચ્ચે ફસાયેલા જ રહે છે. દારૃનો નશો ઊતરતા જ ફરી પાછા વિષાદમાં ડૂબી જાય છે. સિનેમાનો સમય પૂરો થતાં જ વાસ્તવિક જિંદગીની જરાજાળ એમને ઘેરી વળે છે.

ભારતીય ચિંતન પ્રમાણે ‘મનોરંજન’ના માર્ગ પર જનારો માણસ શાશ્વત સુખ પામી શકતો નથી. અધ્યાત્મની પરિભાષામાં ભૌતિક સુખ ક્ષણજીવી હોય છે.

ઝબકારાની જેમ એ આવે છે અને ફરી પાછો અંધકાર છવાઈ જાય છે. શાશ્વત સુખ માટે ભારતીય મનીષીઓએ ‘મનોરંજન’ને નહીં પણ ‘મનોભંજન’ને મહત્વ આપ્યું છે. એમની દ્રષ્ટિએ દુખનું મૂળ મન છે. મન છે ત્યાં સુદી માણસ કાયમ માટે સુખી ન થઈ શકે. કેમ કે મન કદી ક્યાંય સ્થિર થતું નથી. એ ક્યારેય વર્તમાનમાં હોતું નથી. ભૂત અને ભવિષ્યની જરાજાળમાં જ એ ગૂંથાયેલું રહે છે. વ્યક્તિ જ્યારે વર્તમાન ક્ષણને પકડીને જીવે છે, એમાં જ શતપ્રતિશત ઉપસ્થિત હોય છે ત્યારે મન ભાગી જાય છે અથવા તો મન શાંત થઈ જાય છે.

જીવવા માટે મનોરંજન જરૃરી તો બેજ. પણ આવા મનોરંજન માટે બીજા પણ અનેક માર્ગ છે. કુદરતના ખોળે જઈને બેસવાથી પણ મનને શાંતિ મળે છે. નદી, સરોવર, પર્વત, સમુદ્ર, વન ભ્રમણ અને નિસર્ગનું નિર્દોષ સાન્નિધ્ય માનવીને મનોરંજન સાથે શાંતિ આપે છે. દારૃ, જુગાર, નશીલા પદાર્થોની આદત આ બધું ક્ષણભર ભલે દુખ ભૂલાવતું હોય પણ મનને શાંતિ આપતું નથી. પોપસંગીત કે ટીવી પર ઘણીવાર આવતું ધમાલિયું સંગીત મનને શાંતિ ન આપી શકે. શાંતિ માટે તો સિતાર, સંતૂર, વાંસળી અને બીજું એવું શાસ્ત્રીય સંગીત જ ઉપયોગી થઈ શકે.

શાંત થયેલો, સ્વયંમાં જ સુખી હોય એવો માણસ બહાર ક્યાંય મનોરંજન માટે નહીં દોડે.
જે સમાજ સુખ માટે મનોરંજનના સાધનો પર નિર્ભર થતો જાય છે અને રોજે રોજ નવા નવા મનોરંજનના સાધનો શોધ્યા કરે છે તે હકીકતમાં અંદરથી શાંત કે સુખી તો નથી જ. કેમ કે સુખની શોધ માટે એણે સતત બહાર ભટકતા જ રહેવું પડે છે. ૧૯૨૦માં રશિયન વિચારક ગોર્કીને અમેરિકાની પરિસ્થિતિ જોઈ આંસુ આવેલા. આજે ભારતમાં પણ રોજે રોજ એજ સ્થિતિ સર્જાતી જાય છે. ઈન્ટરનેટ, કોમ્પ્યુટર, મોબાઈલ અને મનોરંજનના સાધનો પાછળની ભારતના અદ્યતન માનવીની વધુ પડતી દોટ પણ અંદરના દુખ અને ખાલીપાને જ વ્યક્ત કરે છે.

ક્રાન્તિબીજ
* સુખી થવા આખી જિંદગી દુખી થાય એનું નામ માણસ!
* અગાશીને કઠેડો હોય, ભેખડને નહીં. ભેખડની ધાર પર તો વિવેક એ જ કઠેડો!

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s