” બાળકોને સાંભળો “—– જીવનના હકારની કવિતા – અંકિત ત્રિવેદી

” બાળકોને સાંભળો “—– જીવનના હકારની કવિતા – અંકિત ત્રિવેદી

બાળકની વાત

મારે
આ દુનિયાનાં બધાં માબાપોને
ફરીથી શાળાએ મોકલવાં છે,
જ્યાં એમને માબાપ બનવાનું શિક્ષણ મળે,
જ્યાં એમનું બાળપણ હું યાદ કરાવું એમને.
રોજ એમની પાસે પચાસ વખત લખાવું કે
વરસાદમાં નાહવાથી શરદી થતી નથી,
ને તડકે રમવાથી લૂ નથી લાગતી,
ધૂળમાં રમવાથી કોઇ ઈન્ફેકશન થતું નથી.
મહોલ્લાના નાકે ઊભા રહેવાની મજા ઓર છે,
હોળીને તાપણે, ઉત્તરાણની અગાસીએ,
કૃષ્ણજન્મની રાતે, દિવાળીના દીવડામાં
તો બાળપણ પાંગરે છે.
મારે માબાપ પાસે મારું દફતર ઊંચકાવવું છે,
રિક્ષામાં બેસીને માબાપને શહેરમાં ફેરવવાં છે,
એમને શી શિક્ષા કરું ?
એમની પાસે ખુતામણીની રમત રમાડું,
બાકસનાં ખાલી ખોખાં ભેગાં કરાવું,
ઉત્તરાણે આખી રાત દોરો પવડાવું,
હોળીનાં લાકડાં ને ઘાસની ચોરી કરાવું,
અનહાઇઝીનિક બરફ-ગોળો ખવડાવું,
વારે-ઘડીએ ડોકટર, પોલીસ કે બાવાની બીક
બતાવનાર માબાપને,
ઈન્કમટેક્સ ઓફિસરની બીક બતાવું?
કે મરી રહેલા મારા બાળપણની!
– ડૉ. રાજન શેઠજી

આ કવિતામાં બાળકની વાત છે. અને આ કવિતામાં બાળપણની વાત છે. બાળપણને આપણે નેવે મૂકીને બાળક જોડે આપણો વ્યવહાર કરતા હોઇએ છીએ. બાળકને જલદી મોટો કરવાની આપણા બધાની ખેવના હોય છે. એમાં ને એમાં બાળક આપણા માટે વ્યક્તિ કરતાં વસ્તુ બની જાય છે. આપણે છોડને નર્સરીમાંથી લાવીએ છીએ અને આપણા ‘છોડ’ને નર્સરીમાં મૂકવા જઇએ છીએ. ‘કેળવણી વિમર્શ’ નામના મેગેઝિનમાંથી ડૉ. રાજન શેઠજીએ લખેલી આ કવિતા વાંચી ત્યારથી ઘાયલ થઇ જવાયું. બાળપણને આપણે બોરિંગ અને ભારેખમ બનાવી દીધું છે. ક્યારેક બાળકની જગ્યાએ સ્કૂલમાં જજો! વાલી મીટિંગમાં ફરજિયાત જવાનો પણ આપણને કંટાળો આવે છે! બાળપણને સરહદમાં બાંધીને આપણે જીવીએ છીએ. ‘ના’ – અને ‘નથી કરવાનું’ – જેવા શબ્દ પ્રયોગની વચ્ચે બાળપણની રંગીન કૃતિ બગડી જાય છે. વરસાદમાં નહાવાથી કે તડકે રમવાથી શરીરને કશું જ થતું નથી – એની અંદરખાને ખબર હોવા છતાં બાળકને ખખડાવવાનો ઓલ ટાઇમ ગ્રેટ પિરિયડ આપણને ગમે છે.
એને જે દફતર રોજ સ્કૂલે લઇ જવાનું છે તે દફતર તમે રોજ ઓફિસે કે કીટી પાર્ટીમાં ઊંચકીને જશો? જે રમત બાળક સહેલાઇથી રમે છે એ રમત તમે રમી નથી શકવાના એનું દુઃખ તમને ગુસ્સો અપાવે છે? બાળકને ડૉકટર, પોલીસ અને બાવાની બીક બતાડો છો પણ બાળક તમને ઈન્કમટેક્સ ઓફિસરની બીક બતાવશે તો? બાળકને એના બાળપણ સાથે જીવવા દો! મનુભાઇ પંચોળી ‘દર્શક’ કહેતા કે બાળકને ઉછેરવો હોય તો ભગવદ્ગીતાનો દસમસ્કંધ વાંચવો અને પચાવવો જોઇએ. કૃષ્ણ હીરની દોરીથી પણ બંધાયા નથી. એનો મતલબ એ થયો કે બાળકને તમે બાંધી નથી શકતાં! બાળપણ તો હવા જેવું અદ્રશ્ય વર્તાય છે.
ભણવું જરૃરી છે. કંઇક બનવું જરૃરી છે. પણ જે. કૃષ્ણમૂર્તિ કહે છે તેમ કે આ ‘કંઇક બનવાનું’ – પ્રેશર આપણા ઉપર ખૂબ હાવી થઇ ગયું છે. એમાં ને એમાં આપણે ડીપ્રેશનની આપ-લેમાં જીવતા થઇ ગયા છીએ.
જીવનમાં હકારની આ કવિતા બીક બતાવતાં મા-બાપને ‘ઠીક’ કરવા માટે લખાયેલી બાળપણની કવિતા છે… જેમાં બાળક મા-બાપ કરતાં વધારે પ્રામાણિક સાબિત થાય છે અને મા-બાપ વધારે પડતાં સામાજિક થવાની લહાયમાં બાળકોને હરતાં-ફરતાં મ્યૂઝિયમ જેવા બનાવવામાં સમય પસાર કરે છે. મા-બાપને શિખામણની ભલામણ કરતું આ કાવ્ય છે…

 

Advertisements

2 comments

  1. મનુભાઇ પંચોળી ‘દર્શક’ કહેતા કે બાળકને ઉછેરવો હોય તો “ભગવદ્ગીતા”નો દસમસ્કંધ વાંચવો અને પચાવવો જોઇએ. કૃષ્ણ હીરની દોરીથી પણ બંધાયા નથી. એનો મતલબ એ થયો કે બાળકને તમે બાંધી નથી શકતાં! બાળપણ તો હવા જેવું અદ્રશ્ય વર્તાય છે.

    લેખ સારો છે પણ દસમ સ્કંધ “ભગવદગીતા” માં નહીં પરંતુ “શ્રીમદ ભાગવત” માં આવે છે. શાસ્ત્રોને ટાંકનારા શાસ્ત્રોને જાણે તે ય જરુરી છે.

    Like

  2. Absolutely right. We all have become feeling less and that too in the name of feelings. Instead of treating a child we are treating him like a commodity or object for discipline and progress. When I see a school going child with a heavy bag or back pack I can;t help but to think, “Are we making intelligent society or luggage carrying porter that carries heavy luggage of education? I wish again those days of ‘Woh Kaaghaz Ki Kashti, woh baarish ka paani’ comes back. Let them play in open. Let them get dirty. The nature will make them. Give them their FREEDOM.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s