પિતાનું જીવનમાં સ્થાન —” શબ્દ સૂરને મેળે” – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

પિતાનું જીવનમાં સ્થાન —” શબ્દ સૂરને મેળે” – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

                પિતાનાં ફૂલ

અમે જેની ખાંધે વજન ફિકરોનું થઈ ફર્યા,
બધે આયુર્માર્ગે, જગની ગલીકૂંચી વિવિધમાં,
ચડાણે, ઊંડાણે, શિરવિટમણાઓ થઈ ભમ્યા,
અમે લાવ્યા રે એ શરીર નિજ ખાંધે ઊંચકીને,
અહીં લાવ્યા એ રે શરીર નિજ ખાંધે જનકનું.
એના જેનાં હાડે પૂરવજદીધી પ્રાણસરણી
પુરાણી પોષાઈ વહી અમ મહીં કૌતુકવતી,
અમે આવ્યા એ રે નિજ જનકના હાડઢગની,
પડી સાનીમાંથી અગનબચિયાં ફૂલ વીણવા.
ભરી વાળી સાની ધખ ધખ થતી ટોપલી મહીં,
અને પાસે વ્હેળો ખળળ વહતો ત્યાં જઈ જળે,
ડબોળી, ટાઢોળી, જરીક હલવી, ને દૂધ સમા
પ્રવાહે સ્વર્ગંગાજલ થકી શકે તારક વીણ્યા!
વીણ્યા તારા, ફૂલો, જગનું બધુંયે સુંદર વીણ્યું,
ન લાધે સ્હેજે જે, શિવ સકલ આજે મળી ગયું,
શમ્યા મૃત્યુશોકો, અમર ફરકંતી નીરખીને,
પિતાનાં ફૂલોમાં ધવલ કલગી વિશ્વકમની…
– ઉમાશંકર જોષી

પિતાનું જીવનમાં સ્થાન શબ્દોમાં મૂકી શકાય તેવું નથી હોતું અને એટલા માટે જ પિતા વિશે લખાયેલા કાવ્યો ઓછા જોવા મળે છે. પિતાની હાજરી કરતા પિતાની ગેરહાજરી આપણને તેમના મહત્વનું ભાન વધારે કરાવે છે તેમના મૂલ્યને વધારે સમજાવે છે. ભોજનમાં જેવું મીઠાનું સ્થાન છે તેવું જ સ્થાન જીવનમાં પિતાનું છે. વાનગીઓમાં ભોજનમાં મીઠાની હાજરી હોય તો તેની નોંધ આપણે લેતા નથી પણ ભોજનમાં જો મીઠું ન હોય તો ભોજન ફીક્કું લાગે છે. પિતા વગરનું જીવન સૂનું લાગે છે ફિક્કું લાગે છે. ઉમાશંકર જોશી જ્યારે બીજા ધોરણમાં ભણતા હતા ત્યારે ગામની શાળામાં ડિપોટી ઈન્સ્પેક્શન માટે આવ્યા હતા. અને તેમણે ઉમાશંકરને પૂછ્યું હતું કે બોલ છોકરા, મીઠું ખારું છે, છતાં તેને મીઠું કેમ કહે છે?’ શિશુ ઉમાશંકર જવાબ આપી શક્યા નહોતા. ગામના લોકોને થયું હતું કે આ છોકરો કાચો છે. ઉમાશંકરે નોંધ્યું છે કે આ કાચા પણાનું ભાન મારા મનમાં બરોબર પાકુ થઈ ગયું છે. આ ઉમાશંકર મુંબઈ યુનિવર્સિટીમાં ત્રીજે નંબરે અને આખા અમદાવાદમાં પ્રથમ સ્થાને આવે છે.
ઉમાશંકરના શ્રેષ્ઠ કાવ્યોમાંનું એક કાવ્ય પિતાનાં ફૂલછે. ફૂલ એટલે અસ્થિ. ૧૯૩૪ની સાલમાં બામણા ગામમાં રચાયેલું આ કાવ્ય ઉમાશંકરના પહેલા તબક્કાના કાવ્યોમાંનું છે. આ ક્ષણે કોઈ કારણ વગર એક વાક્ય યાદ આવી રહ્યું છે… પુરુષના આંસુ તેના હૃદયમાં સૂકાઈ ગયા હોય છે. પિતાના મૃત્યુ ઉપર લખાયેલું આ કાવ્ય આપણને હચમચાવી જાય તેવું છે. અમે પિતાના ખભા ઉપર ફિકરોનું ચિંતાનું વજન થઈને ફર્યા, આટઆટલા વર્ષો સુધી પિતાએ ઉંચકીને ફેરવ્યા જે પિતાના ખભા ઉપર આયુષ્યના રસ્તે દુનિયાની જાત-જાતની ગલીકૂંચીઓમાં, ઊંચા ચઢાણોમાં, ઊંડાણોમાં તેમના માથાના દુઃખાવાની જેમ અનેક ચિંતાઓ અને પ્રશ્નોના ભાર થઈને ફર્યા. અમે આજે એ શરીરને અમારા ખભે ઊંચકીને સ્મશાને લાવ્યા છીએ. જે પિતાના ખભે અમે બોજારૃપ હતા એ પિતાને અમે અમારા ખભે ઊંચકીને આજે લાવ્યા છીએ.
પિતાનું શરીર ચિતા ઉપર મૂકાયું હશે. જે શરીરમાંથી આ બધા પોતાના શરીર બન્યા છે જે શરીરમાં અમારા પૂર્વજોના પ્રાણની સરવાણી વહેતી હતી અમે એ પિતાના હાડકાના ઢગલાની જે રાખ થઈ ગઈ છે એમાંથી ફૂલ વીણવા, આગમાંથી બચેલા અસ્થિ વીણવા ઊભા છીએ. સળગતી રાખમાંથી ટોપલીમાં અસ્થિ મૂકવામાં આવે છે સ્મશાન પાસે વહેતા ઝરણામાં એને ઝબોળીને ટાઢા કરવામાં આવે છે. દૂધ જેવા પ્રવાહમાં જાણે તારાઓ વીણ્યાં હોય એમ ધવલ પિતાના અસ્થિ વીણ્યાં છે. સ્વર્ગંગામાંથી જાણે તારક વીણ્યાં હોય તેમ લાગે છે. પિતાના આ ફૂલોમાં જાણે જન્મ-જીવન અને મૃત્યુની ધવલ કલગી જોતાં મૃત્યુનો શોક શમી જાય છે. પિતાના અસ્થિ વીણતા નથી પ્રત્યેક પિતા શિવ સ્વરૃપ છે કલ્યાણ સ્વરૃપ છે પિતાના અસ્થિ વીણતાં-વીણતાં જાણે વિશ્વનું બધુંય સુંદર વીણાયું. મૃત્યુનો શોક શમી જાય છે. બાળપણમાં ગુજરાતીના સાહેબ પાસે સાંભળેલું આ કાવ્ય પિતાના સ્મરણમાં અનેકવાર યાદ આવ્યું છે અને અનેક વખત હૃદયને શાતા આપી ગયું છે.
ખરેખર તો જ્યાં સુધી પિતાના ખભે બેસવાના દિવસો હોય છે ત્યાં સુધી આનંદના દિવસો હોય છે. પિતાના ખભે ચિંતાઓનું વજન થઈને ફરતા હોઈએ છીએ ત્યારે બેફિકરાઈના દિવસો હોય છે. પણ પિતા ચાલ્યા ગયા પછી અચાનક આયુષ્યના માર્ગે જગતની ગલીકૂંચીઓમાં માત્ર પિતાના સ્મરણે ચાલવાનું હોય છે અને એ સ્મરણ આપણને જીવનભર રસ્તાઓ સુઝાડતું રહે છે જીવનના રસ્તે અજવાળું પાથરતું રહે છે. બહારની દુનિયામાં કોઈ માર્ગદર્શક નથી રહેતું ભોમિયા વિના જ ભમવાનું હોય છે.
ઉમાશંકર ભાઈ મૂળ તો શામળાજી પાસેના લુસડિયા ગામના. પરંતુ છપ્પનિયા દુકાળમાં લુસડિયા ગામ લૂંટાયું અને તેમના પિતા જેઠાલાલે બામણા ગામમાં ઘર ખરીદીને ત્યાં નિવાસ કર્યો. તેમના પિતાજી જેઠાલાલ ડુંગરાવાળા તરીકે ઓળખાતા હતા. અરવલ્લી પર્વતના દક્ષિણ છેડે ડુંગરમાળામાં તેમનું બાળપણ વિત્યું હતું. આથી તેમની કવિતાઓમાં ડુંગર અને ડુંગરમાળાના સંદર્ભો અનેક અર્થછાયાઓ સાથે પ્રગટે છે. તેમનું એક જાણીતું ગીત ભોમિયા વિનાજોઈએ.
કોઈ માર્ગદર્શક હોય અને તેના આધારે તૈયાર થયેલા રસ્તા ઉપર અને કેડી ઉપર જો ચાલવાનું હોય તો એ અલગ અનુભવ છે પરંતુ કોઈ ભોમિયા વિના ડુંગરે ડુંગરે ભમવાનું હોય, ગાઢ જંગલમાં કેડી બનાવતા જવાનું હોય તો એ અનુભવ નોખો અનુભવ છે અનોખો અનુભવ છે. ઝરણું પણ રડતું હોઈ શકે રડતા ઝરણાંની આંખ લૂછવાનું કવિને જ સૂઝી શકે. કવિતાનું વારંવાર પઠન આપણને નવા નવા અર્થો સમજાવતું હોય છે. આ ભોમિયા વિના ભમવાની વાત એ બહારની નહીં, ભીતરની જ છે.

ભોમિયા વિના
ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી,
જોવીતી કોતરો ને જોવીતી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.
સૂના સરવરિયાની સોનેરી પાળે,
હંસોની હાર મારે ગણવી હતી,
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે,
અંતરની વેદના વણવી હતી.
એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડધા ઉરબોલના ઝીલવા ગયો,
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો અટૂલો ઝાંખો પડયો.
આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજ કુંજ જોવી ફરી,
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s