હું શ્રોતારૃપે સ્વ-આત્મામાં લીન છું! —– જાણ્યું છતાં અજાણ્યું – મુનીન્દ્ર

ગુજરાત સમાચાર”ની ૧૨,જાન્યુઆરી,2014ને રવિવારની ” રવિ” પૂર્તિમાં ” જાણ્યું છતાં અજાણ્યું ” કોલમમાં પ્રસિધ્ધ થયેલ શ્રી. મુનીન્દ્રનો આ લેખ આપ સૌને પસંદ પડ્શે તેમ ધારી મારાં બ્લોગ ઉપર તેઓ બંનેના સૌજન્ય અને આભાર સાથે મૂકેલ છે.

હું શ્રોતારૃપે સ્વ-આત્મામાં લીન છું! —– જાણ્યું છતાં અજાણ્યું – મુનીન્દ્ર

ધર્મશ્રવણ કરતો સાચો શ્રોતા બીજી બધી બાબતોનો ત્યાગ કરવા તત્પર હોવો જોઈએ. જરૃર પડે સ્વ-શરીરની આસક્તિ છોડીને તે દ્રઢતાપૂર્વક એકચિત્ત બનીને ધર્મશ્રવણ કરતો હોય છે

ધર્મસભાઓ, ધર્મકથાઓ કે સત્સંગોમાં શ્રવણ કરવા માટે કેટલા બધા લોકો ઊભરાતા હોય છે. કેટલી મોટી ભીડ જામતી હોય છે! પરંતુ એમાંથી શ્રવણ માટેની યોગ્યતા કેટલાની પાસે? ધર્મસભાને માટે યોગ્ય શ્રોતા બનવાની ક્ષમતા પણ હોવી જોઈએ.
જેમ મંદિરમાં પ્રવેશતી વખતે વ્યક્તિના મનમાં નમ્રતા અને નિર્મળતા હોય છે, એવી જ રીતે ધર્મસભામાં પણ વ્યક્તિના ચિત્તમાં નિર્મળતા અને ગ્રાહકતા હોવી જોઈએ. એના શ્રવણની ઉત્કંઠા, તત્પરતા અને મનોયોગ હોવા જોઈએ.

ધર્મશ્રવણ માટે આવ્યા છો તેનું કારણ શું છે? ઘરમાં નવરાશનો સમય જતો નથી, તેથી આવ્યા છીએ? વૃદ્ધત્વને આરે પહોંચ્યા છીએ અને મૃત્યુ પલંગ પાસે આવીને ઊભું છે, તેથી પાપોનાં પ્રાયશ્ચિત્ત માટે કે આવતા જન્મની ઊર્ધ્વગતિ કાજે આવ્યા છીએ? એવું માનીને આવ્યા છીએ કે કથા સાંભળવાથી પરભવ સુધરી જશે કે પછી એવું ધારીને આવ્યા છીએ કે આ કથાશ્રવણથી આપણાં સઘળાં પાપો ધોવાઈ જશે ? જો આવું કશું પણ માનીને કે ધારીને આવ્યા હોઈએ, તો કથાશ્રવણનો કોઈ અર્થ નથી. એવી જ રીતે કથાશ્રવણ કરવાની તત્પરતા કેટલી છે? અન્ય સત્સંગીઓ સાથે કથામાં ઉપસ્થિત રહ્યા છીએ, જેથી આપણે પણ ધાર્મિક કે આધ્યાત્મિક તરીકે ઓળખાઈએ કે પછી કશુંક આધ્યાત્મિક પામવાની અભીપ્સા અને તત્પરતા સાથે આવ્યા છીએ? ત્રીજી મહત્ત્વની બાબત મનોયોગની છે કે આપણે એ કથાશ્રવણ કરતી વખતે સર્વ બાબતોનું વિસ્મરણ કરીને એકાગ્ર મનથી પામવાનો પ્રયત્ન કરીએ છીએ ખરા?

કારણ કે મનને અહીં-તહીં ભટકવું ખૂબ ગમે છે. એને શંકાની આંખે જોવું ઘણું પસંદ પડે છે અથવા તો ધર્મવાર્તા થોડી કઠિન લાગે, તો મન બેધ્યાન બનીને અહીં-તહીં ભટકવા લાગે છે. શ્રોતાનાં આવાં લક્ષણો વર્ણવતાં યુગદ્રષ્ટા આચાર્યથી વિજયવલ્લભસૂરીશ્વરજીના કેટલાંક વિચારો પર દ્રષ્ટિપાત્ કરીએ.
‘તમને કોઈ વ્યક્તિ ધનપ્રાપ્તિની વાત કરશે તો તમે તેની વાતને ખૂબ ધ્યાનથી સાંભળશો, પરંતુ જો કોઈ ધર્મપ્રાપ્તિની વાત કહે તો જુદાં જુદાં બહાનાં બતાવીને કોઈ પણ રીતે એ વાતો સાંભળવામાંથી પોતાનો છુટકારો મેળવશો.’

‘એક વ્યક્તિ ઘણા લાંબા સમયથી બીમાર હતી. એને ક્યારેક વ્યાખ્યાનમાં આવવાનું કહેવામાં આવતું, તો તે પણ યેનકેન પ્રકારેણ એમાંથી છટકી જતો. પોતે બીમાર હોવાથી વ્યાખ્યાન શ્રવણ કરી શકે તેમ નહોતો, પરંતુ જો એને જાણ થાય કે માત્ર મુખ અને નાડી જોઈને બીમારી જાણી લેતા અને સચોટ નિદાન કરીને એવી આશ્ચર્યકારી દવા આપે છે કે એક જ દિવસમાં પૂરતો આરામ થઈ જાય છે, તો તે રોગી તે વૈદ્યની વાત કેટલા બધા ધ્યાનથી સાંભળશે! વૈદ્યની દવાથી ફાયદો થતાં તે વારંવાર એ વૈદ્યને બોલાવે છે અથવા એની પાસે જઈને એની વાતો રુચિપૂર્વક સાંભળે છે, કિંતુ ભવવ્યાધિ મટાડે તેવા મહાવૈદ્ય ભગવાનની વાણીનું એમના અનુગામી સાધુ-સાધ્વીઓ દ્વારા શ્રવણ કરવામાં અરુચિ બતાવે છે, અથવા કોઈ બહાનું બતાવીને ધર્મશ્રવણમાંથી જાતને છોડાવે છે. આવી વ્યક્તિને શું કહી શકાય? તમને લોકોને હું પૂછું છું કે ‘શરીરની બીમારી ભયંકર છે કે આત્માની બીમારી?’
તમે કહેશો કે, ‘આત્માની બીમારી.’
તો પછી આત્મા પર જામેલા કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ, અભિમાન, માયા, તૃષ્ણા વગેરે બીમારીઓનો, પથ્યપાલનપૂર્વક કોઈ સાચો અને અચૂક ઈલાજ બતાવે તો તે મહાવૈદ્યની વાત સાંભળવાથી કેમ દૂર ભાગો છો ?

ધર્મશ્રવણ કરતો સાચો શ્રોતા બીજી બધી બાબતોનો ત્યાગ કરવા તત્પર હોવો જોઈએ. જરૃર પડે સ્વ-શરીરની આસક્તિ છોડીને તે દ્રઢતાપૂર્વક એકચિત્ત બનીને ધર્મશ્રવણ કરતો હોય છે.
મહર્ષિ યાજ્ઞાવલ્ક્ય પ્રતિદિનની માફક ધર્મસભાની વ્યાસપીઠ પર આવીને બિરાજ્યા હતા. શ્રોતાજનોમાં સ્વામી વિરજાનન્દ, સહજાનન્દ વગેરે સંતો એક બાજુ બેઠા હતા. કેટલાક ગૃહસ્થો પણ બેઠા હતા. પ્રવચનના પ્રારંભનો સમય થઈ ચૂક્યો હોવા છતાં તેઓ તેનો પ્રારંભ કરતા નહોતા. એમની દ્રષ્ટિ કોઈ વિશિષ્ટ વ્યક્તિની પ્રતીક્ષા કરતી હતી. મહાત્માઓમાં અંદરોઅંદર વાતચીત શરૃ થઈ કે,
‘જુઓ! સમય થઈ ગયો હોવા છતાં આજે મહર્ષિ પ્રવચનનો પ્રારંભ કરતા નથી. આપણે બધા તો ક્યારના બેઠા છીએ! પરંતુ લાગે છે કે તેઓ રાજા જનકની પ્રતીક્ષા કરી રહ્યા છે. ઋષિ બન્યા પછી પણ સત્તાધારી અને ધનવાનોની એમને ગરજ લાગે છે. આપણા જેવા મહાત્માઓની તો કોઈ કદર જ નથી.’

મહર્ષિ યાજ્ઞાવલ્ક્ય પણ મહાત્માઓના ચહેરા પરથી એમની વર્તમાન ચિત્તવૃત્તિને પામી ગયા. થોડીવાર પછી રાજા જનકવિદેહી આવ્યા અને નીચે પોતાના આસન પર બેઠા. હવે મહર્ષિએ પ્રવચનનો પ્રારંભ કર્યો. થોડું પ્રવચન ચાલ્યું, ત્યાં તો કોલાહલ મચી ગયો, ‘દોડો, દોડો, મિથિલામાં આગ લાગી છે.’
આ સાંભળીને સ્વામી વિરજાનન્દજી, સહજાનન્દજી વગેરેનું મન ચિંતાતુર થઈ ગયું. કોઈએ કહ્યું, ‘અરે! મારું કમંડળ બળી જશે.’ કોઈએ કહ્યું, ‘મારી લંગોટી ઝૂંપડીમાં સુકાય છે, તે સળગીને ખાખ થઈ જશે.’ કોઈને પોતાની ઝૂંપડીની, કોઈને વસ્ત્રની તો કોઈને પોતાની અન્ય ચીજવસ્તુની ચિંતા થવા લાગી. બધા વ્યાકુળ થઈને ધીરેધીરે પોતાની એ ચીજો સંભાળવા માટે સભામાંથી ઊઠવા લાગ્યા. થોડી વાર તો સભામાં સન્નાટો છવાઈ ગયો. શ્રોતાઓમાં ફક્ત એક જનકવિદેહી જ બેસી રહ્યા. યાજ્ઞાવલ્ક્ય ઋષિ પોતાનું પ્રવચન કરી રહ્યા હતા, પરંતુ ફક્ત એક શ્રોતાને જોઈને એમણે પોતાનું પ્રવચન બંધ કરીને નિષ્ઠાવાન શ્રોતા જનકવિદેહીને કહ્યું, ‘રાજન્! મિથિલા સળગી રહી છે, આપના અન્તઃપુરમાં પણ આગ લાગી છે, તો તમે તે સંભાળવા માટે કેમ દોડી જતા નથી?’
જનકવિદેહીએ ઉત્તર આપ્યો –
‘મિથિલા સળગવામાં, મારું કશું જ સળગતું નથી.’
જનકવિદેહીએ કહ્યું કે, ‘મારી વસ્તુ તો મારી પાસે છે. આ સમયે હું આપની સમક્ષ શ્રોતારૃપે બેઠો છું અને આપની કૃપાથી સ્વઆત્મામાં લીન બન્યો છું. આ સમયે મારા માટે પોતાની વસ્તુ તરીકે આત્મા સિવાય અન્ય કશું નથી.’
પોતપોતાની ચીજવસ્તુઓની ભાળ લેવા ગયેલા સંન્યાસીઓ આગ લાગ્યાની બૂમો સાંભળીને તથા દૂરથી આગની જ્વાળાઓ જોઈને મિથિલા તરફ દોડી ગયા હતા, પરંતુ તેઓ નિકટ પહોંચ્યા ત્યારે ત્યાં ન તો કોઈ આગ હતી કે ન તો કશું બળતું હતું. સઘળી દેવમાયા હતી. એ બધા પશ્ચાત્તાપ કરવા લાગ્યા.
‘અરે! દોડીને અહીં પાછા આવ્યા એ વ્યર્થ ગયું. વધારામાં મહર્ષિનું પ્રવચન પણ ગુમાવ્યું. આથી ધીરે ધીરે બધા સંન્યાસી તથા શ્રોતાજનો ચૂપકીદીથી સભામાં આવીને બેઠા. મહર્ષિ યાજ્ઞાવલ્ક્યે હસતાં હસતાં કહ્યું, ‘કહો, વિરજાનન્દજી! સહજાનન્દજી! તમારાં કમંડળ, લંગોટ અને ઝૂંપડી બધું સહીસલામત છે ને?’
બધાં શું જવાબ આપે? નીચું મુખ કરીને મૌન બેસી રહ્યા. આખરે મહર્ષિએ મૌનભંગ કરતાં કહ્યું, ‘જે સમયે હું રાજા જનકવિદેહીના આગમનની પ્રતીક્ષામાં વ્યાખ્યાનનો પ્રારંભ કરતો નહોતો, ત્યારે તમે બધા મારા માટે ગુસપુસ કરતા હતા. પરંતુ હવે તમને સમજાયું હશે કે હું જનકવિદેહીને એક-નિષ્ઠ શ્રોતાના રૃપમાં કેમ મહત્ત્વ આપું છું? તમે બધા સંન્યાસી હોવા છતાં પણ પોતાની તુચ્છ ચીજો સંભાળવા પ્રવચન છોડીને દોડી ગયા અને મહારાજ જનક મારા કહેવા છતાં પણ પોતાની બહુમૂલ્ય ચીજો સંભાળવા ગયા નહીં અને શ્રોતાના રૃપમાં આસનસ્થ રહ્યા.’ બધાએ પોતાની ભૂલનો સ્વીકાર કર્યો.
ધર્મશ્રવણ કરનાર શ્રોતાની આ સચોટ કથા છે. આથી જ સાચા શ્રોતા બનીને ધર્મશ્રવણ કરવાનું ભગવાન મહાવીરે દુર્લભ બતાવ્યું છે. ધર્મશ્રવણની દુર્લભતાને સમજીને એને સ્વજીવનમાં સ્થાન આપવું જોઈએ.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s