લોકો ઝેર આપે કે શૂળીએ ચઢાવે પણ સંતોની કરુણા કદી ઘટતી કે અટકતી નથી— સ્પાર્ક – વત્સલ વસાણી

ગુજરાત સમાચાર”ની ૧૨,જાન્યુઆરી,2014ને રવિવારની ” રવિ” પૂર્તિમાં ” સ્પાર્ક” કોલમમાં પ્રસિધ્ધ થયેલ શ્રી. વત્સલ વસાણીનો આ લેખ આપ સૌને પસંદ પડ્શે તેમ ધારી મારાં બ્લોગ ઉપર તેઓ બંનેના સૌજન્ય અને આભાર સાથે મૂકેલ છે.

સ્પાર્ક – વત્સલ વસાણી

લોકો ઝેર આપે કે શૂળીએ ચઢાવે પણ સંતોની કરુણા કદી ઘટતી કે અટકતી નથી— સ્પાર્ક – વત્સલ વસાણી

એક મીઠી કથા
આવી અનેક અણમોલ અને શાશ્વત કથા ઓશોએ પોતાનાં પ્રવચનોમાં વણી લીધી છે. સાતસો પચાસ જેટલા એમના ગ્રંથોમાં સાચા મોતીની જેમ પથરાયેલી આવી કથાનો આશય પોતાને જે મળ્યું છે તે લોકો સુધી પહોંચાડી અંતર્યાત્રા માટે આતુર વ્યક્તિને જગાડવાનો છે. સંબોધિ (બુદ્ધત્વ)નું એક અનિવાર્ય પ્રમાણ અને પરિણામ છે કરુણા. પોતાને જે મળ્યું છે, અહંશૂન્ય થયા પછી અંદર જે શાંતિ, શાશ્વત સુખ અને અજસ્ર આનંદનો અનુભવ થયો છે તેને વહેંચ્યા વિના રહેવાતું નથી. લોકો મારી નાખે, શૂળીએ ચઢાવે, હાથપગ કાપીને થાય તેટલા અત્યાચાર કરે, ઝેર પાઈને પ્રાણ હરવાનો પ્રયત્ન કરે તો પણ સંતોની કરુણા કદી ઘટતી કે થાકતી નથી. એમના સંતત્વનો એ જ એક માત્ર પરિચય છે કે એ લોકો નારાજ નથી થતા. નિરપેક્ષભાવે આપ્યા જ કરે છે. ઝેરના બદલામાં અમૃત આપીને આનંદ મેળવતા આવા અનેક સંબુદ્ધ સંતો પર ઓશો બોલ્યા છે. એ બધાં પ્રવચનોમાંથી કેટલાક પ્રેરક પ્રસંગો અને શાશ્વત કથાઓ ચૂંટી એક રસતરબોળ ટપાલીની જેમ જ આ વિભાગના વાચકો સુધી પહોંચાડું છું.

કથા છે કે બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયા પછી એ કશું બોલવા ઇચ્છતા નથી. નિર્વાણ અને મહાશૂન્યની અનુભૂતિ પછી અંદર જે શાંતિ અને મૌનની સ્થિતિ જન્મી તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ હતું. જે અનુભવાયું તે અનિર્વચનીય હોવાથી એને શબ્દોમાં બાંધવું પણ કેમ? સતત વિચારો, આવેશો, આવેગો અને શરીર તથા મનના જ અનુભવોમાં રાચતા લોકોને મનની પારના પ્રદેશના સમાચાર આપવા પણ શી રીતે? જે વિશે લોકો લેશમાત્ર જાણતા નથી, જેનો સ્વાદ જ મળ્યો નથી એવી વાનગી ખાવા માટે લોકોને તૈયાર પણ કેવી રીતે કરવા? અને આવું જેને કશું જોઈતું નથી એવા લોકોની સમક્ષ જઈને એમની પસંદગીથી સાવ જુદું અથવા તો વિપરીત આપવાનો પ્રયત્ન એ સામેથી ઝંઝટ વહોરવા જેવું છે.
આથી મોટાભાગના સંતો શરૃશરૃમાં શું કરવું તેની વિમાસણમાં પડે છે. બુદ્ધ પણ આવી વિમાસણમાં જ જ્ઞાાનપ્રાપ્તિ પછી સતત સાત દિવસ ચૂપ રહ્યા. એમને થયું કે હું જે કહેવા માગું છું તેને કોણ સાંભળશે? અને માનો કે સાંભળે તો સમજશે કેટલાં? હજારમાંથી બે પાંચ સમજી શકે તો એ પ્રમાણે જીવશે કોણ? મહાશૂન્ય કે નિર્વાણની યાત્રા પર જશે કોણ? મરવા માટે સામેથી કોણ તૈયાર થાય? હજારમાંથી કોઈ એકાદ આવી તૈયારી બતાવે તો એ મારા કહ્યા વિના પણ પહોંચી જશે. અને નવસો નવ્વાણું એવા હશે જેને ગમે તેટલું કહું, જેની સાથે ગમે તેટલી માથાઝીંક કરું એ કશું સાંભળવા કે સમજવાના જ નથી. તો પછી અંદરની આ મહાશાંતિ છોડી કોલાહલથી ભરેલા જગત વચ્ચે જવાની જરૃર શી? આવી વિમાસણમાં જ સાત દિવસ વીતી ગયા.

આ બાજુ દેવતાઓને ચિંતા થઈ. બુદ્ધ જો નહીં બોલે તો જગત એમની દેશનાથી વંચિત રહી જશે. એમની પાસે જે કંઈ છે તે એટલું તો અમૂલ્ય અને અપૂર્વ છે કે લોકો સુધી એ પહોંચવું જોઈએ. આવા શુભાશયથી ભરેલા દેવો એકઠા થયા અને બ્રહ્માજીના નેતૃત્વ સાથે સૌ બુદ્ધ પાસે આવ્યા અને ચરણમાં વંદન કરી વિનંતી કરી કે આપ બોલો… આપની પાસે પાણી છે અને લોકો તરસથી તરફડી રહ્યા છે. જો આપ નહીં આપો તો એ અપરાધ ગણાશે. જ્ઞાાનપ્રાપ્તિ પછી કે સંબોધિ (સમાધિ)ના અનુભવ પછી પોતાને જે મળ્યું છે તે આપ્યા વિના જ ચાલ્યા જનારા અમે હજુ જોયા નથી. આથી આપ બોલો. બ્રહ્મા સહિત સર્વે દેવતાની વિનંતી પછી બુદ્ધે પોતાની વિમાસણ કહી, ‘જે સમજી શકે એવા છે તેને તો હું નહીં સમજાવું તો પણ એ રસ્તે જવાના જ છે. જેમણે સત્યની દિશામાં એક પણ પગલું ભર્યું છે તે વહેલા મોડા પહોંચી જ જવાના છે અને જેમને સત્ય સાંભળવા કે સમજવામાં સહેજેય રસ નથી તેવા ઊલટો વિરોધ કરવાના.’ દેવોને પણ ઘડીભર તો બુદ્ધની વાત સાચી લાગી. છેવટે ઘણા વિચાર વિમર્શ પછી એક એવો તર્ક, એક એવી દલીલ દઈને દેવો પાછા આવ્યા જેમણે બુદ્ધને પણ બોલવા માટે વિવશ કર્યા.

દેવતાઓની દલીલ હતી કે ‘આપની એ વાત સાચી છે, કેટલાક એવા છે જેમને આપ નહીં સમજાવો તો પણ સાચી વાત સમજી જશે અને એ રસ્તે ચાલવાનું શરૃ કરી દેશે. સોમાંથી એક જ વ્યક્તિ આવી હશે. બાકીના નેવુંને તો આપ ગમે તેટલું સમજાવો તો પણ નહીં સમજે એ વાત પણ સાચી છે. પરંતુ બાકીના નવ જણ એવાય છે જે સમજવા આતુર છે પણ જો આપ નહીં સમજાવો તો વંચિત રહી જશે. છે ત્યાં જ અટકી જશે. એમને આપના સહારાની જરૃર છે. આપના તરફથી હૂંફ અને હિંમત મળે તો એ છેક મંજિલ સુધી પહોંચી જશે.

પક્ષીનું બચ્ચું માળામાં બેઠું હોય છે. પાંખો તો એની પાસે પણ છે. પરંતુ એ ઊડવાની હિંમત નથી કરી શકતું. માબાપને ઊંચે આકાશમાં ઊડતાં જોઈ એને ઇચ્છા તો જાગે છે કે હું પણ આ રીતે ઊડી શકું તો કેટલું સારું! પણ હિંમત નથી થતી. છેવટે મા-બાપે એ પુખ્ત બચ્ચાને ધક્કો મારવો પડે છે અને અચાનક એની પાંખો ખૂલી જાય છે. એ મુક્ત ગગનમાં ઊડી શકે છે. પણ આવા સાહસ માટેય પ્રેમભર્યા ધક્કાની અને કોઈ સાથે છે એવા સહારાની જરૃર પડે છે.’
દેવતાઓની આ દલીલ બુદ્ધને રીઝવી ગઈ. અને એમની અમૃત વાણીથી અનેક લોકો મહાજીવનને પામ્યા.

ઓશો કહે છેઃ માત્ર બુદ્ધની જ નહીં, સમસ્ત બુદ્ધ પુરુષોની આ વિમાસણ હોય છે કે આપવું કેવી રીતે? જેમની આંખ હજુ ખૂલી નથી અને એક પણ વાર જેમણે પ્રકાશને જોયો નથી એમને શી રીતે સમજાવવું કે જગતમાં ઝળહળતો પ્રકાશ પણ હોય છે. બંધ આંખે તમે જે અંધકારમાં જીવી રહ્યા છો તે તમારી નિયતિ નથી. જો આંખ ખોલી શકો તો ઝળહળતું અસ્તિત્વ તમારા સ્વાગત માટે તૈયાર છે. અહીં રંગબેરંગી ફૂલો, ઈન્દ્રધનુષ્ય, અચંબામાં નાખી દે એવાં અને એટલાં દ્રશ્યો તમારી રાહ જુએ છે. માત્ર આંખ ખોલો અને પ્રકાશથી ભરેલું જગત તમને આનંદથી ભરી દેશે… પણ ઊંડી ઊંઘમાં સૂતેલા લોકોને આવી વાતો ઊલટા વિક્ષેપ જેવી લાગે છે. એનાં સ્વપ્નો તૂટે છે. એમને ઊઠવાનું ગમતું નથી અનેે એટલે બુદ્ધ પુરુષોના શોરથી અકળાઈને કેટલાક લોકો એમને મારવા માટે પણ તૈયાર થઈ જાય છે. પણ તોય બુદ્ધ પુરુષો કદી અકળાયા કે હાર્યા વિના સતત પુકારતા જ રહે છે. કરુણા વ્યક્તિને ચૂપ રહેવા દેતી નથી. તમારી સામે જ કોઈ દ્રષ્ટિહીન વ્યક્તિ અતલ ખાઈ તરફ જઈ રહી હોય તો તમે શું કહેશો? તમે શું એટલા સ્વાર્થી કે ક્રૂર થઈ શકશો કે આપણે શું? ના તમારી આંખ, તમારી કરુણા, તમારી સમજ મજબૂર બનાવીને તમને દોડતા કરી દેશે. અને એ વ્યક્તિનો હાથ પકડી લેવા કહેશે. તમે એને રોકશો તો કદાચ એ નારાજ પણ થશે. હાથ છોડાવવાનો પ્રયાસ પણ કરશે. કદાચ જપાજપીમાં તમને વાગી પણ જશે. છતાં તમે એને આગળ જવા નહીં દો અને હર હાલતમાં બચાવી લેશો.

સાચું કહેનાર, સાચો રસ્તો સૂચવનાર અથવા તો ભૂલ બતાવનાર હર એક વ્યક્તિની હાલત આવી જ થાય છે. લોકો નારાજ થઈ જાય છે અને ક્યારેક મારવા માટે પણ તૈયાર થઈ જાય છે.

જે આપવા આવે છે એને પણ લોકો લૂંટારા કે ચોર સમજીને મારી શકે છે. કેમ કે એણે પોતાની ચારે બાજુ ચોર લૂંટારાને જ જોયા છે અને આથી એને એવી કલ્પનાય નથી આવતી કે કોઈ નરી નિરપેક્ષતા સાથે, અપાર કરુણાના કારણે જ આપવા માટે પણ આવી શકે છે. સંતો જગત પર જ્યારે પણ આવ્યા છે, એમના હાથ સદા આપવાની ઇચ્છાથી જ લંબાયા છે અને આપણે ‘આપણું કશુંક લૂંટી તો નહીં જાયને?’ એમ સમજી એમના હાથને તરછોડી, ક્યારેક પ્રહાર પણ કર્યો છે.
સત્ય બોલવાથી સ્થાપિત હિતો, ધર્મગુરુઓ અને રાજનૈતિક લોકો નારાજ થાય છે કેમ કે એમની દુકાનો પડી ભાંગે છે. પણ સત્ય જેમની પાસે છે એ ચૂપ પણ રહી શકતા નથી. અને કાયમથી સંતો અને સ્થાપિત હિતો વચ્ચેનું યુદ્ધ ચાલતું જ રહ્યું છે.

ક્રાન્તિબીજ
હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમનાં જ્ઞાાન ઓછાં છે.
ન પરવા માનની તો યે બધાં સન્માન ઓછાં છે.
તરી જવું બહુ સહેલું છે. મુશ્કિલ ડૂબવું જેમાં,
એ નિર્મળ રસસરિતાથી ગંગાસ્નાન ઓછાં છે.
– પ્રભુલાલ દ્વિવેદી

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s