આપણી સાથે, આપણી આજુ બાજુ, આપણી આસ પાસ આપણાં રોજ બરોજના કામમાં સહાય કરતી વ્યક્તિઓ તરફનો આપણો અભિગમ કેટલો વિધાયક ? કેટલો નકારાત્મક ? લેખાંક ( 1 )

આપણી સાથે, આપણી આજુ બાજુ, આપણી આસ પાસ આપણાં રોજ બરોજના કામમાં સહાય કરતી વ્યક્તિઓ તરફનો આપણો અભિગમ કેટલો વિધાયક ? કેટલો નકારાત્મક ? લેખાંક ( 1 )

આપણાં સમાજમાં અમીર પરિવારો, ઉચ્ચ મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગના પરિવારોના પોતાના રોજ બરોજના જુદા જુદા પ્રકારના કામકાજમાં સહાય રૂપ બને તે માટે નોકરો રાખતા હોય છે. ઉપરાંત કેટલાક કામ કાજ અંગે અન્ય વ્યક્તિઓના સંપર્કમાં આવવાનું અવાર નવાર બને છે, આપણો તેઓ સાથેનો અભિગમ કેવો હોય છે ?

મુખ્યત્વે નીચે જણાવ્યા કામ માટે નોકરો રાખવામાં આવતા હોય છે.

( 1 ) ઘર કામ માટે- જેવા કે ઘરની સફાઈ અર્થાત કચરા-પોતા વગેરે, કપડાંની ધોલાઈ તથા ઈસ્ત્રી કરવા માટે, ઠામ વાસણ માંજવા- સાફ કરવા તથા રસોઈ બનાવવા. કેટલાક પરિવારો નાના બાળકો સાચવવા પણ નોકર રાખતા હોય છે.

( 2 ) ઘરની ચોકી માટે વોચ-મેન

( 3 ) ડ્રાઈવર

અન્ય લોકો જે રોજ બરોજ વિવિધ કારણો સર સંપર્કમાં આવતા રહે છે જેવા કે, ( 1 ) સફાઈ કામદાર, ( 2 ) ટપાલી કે કુરીયર ( 3 ) અખબાર નાખવા આવતો ફેરિયો ( 4 ) દૂધ દેવા આવનાર વ્યક્તિ ( 5 ) નોકરી કે ધંધાના સ્થળે પટાવાળો-ગુમાસ્તો વગેરે ( 6 ) સેલ્સ ગર્લ કે મેન ( 7 ) શાક-ભાજીની લારી વાળો ( 8 ) જૂના માલ સામાન લેવા વાળો ફેરિયો ( 9 ) ક્યારે ક ટ્રાફિક પોલિસ વગેરે

ઘર કામ જેવું કે, ઠામ-વાસણ સાફ કરવા, કપડાં ધોવા, કચરા પોતા કરવા વગેરે માટે મોટે ભાગે મહિલાઓ આવતી હોય છે. તો મોટા શહેરો જેવા કે ,મુંબઈ, દિલ્હી,કલકત્તા, ચેનાઈ, અમદાવાદ, બેંગ્લોર વગેરે શહેરોમાં પૂરૂષ પણ આવા કામ કરતા નજરે પડે છે.

આ ઘરકામ કરવા આવતી વ્યક્તિઓ મોટે ભાગે ગરીબ, અનપઢ અથવા અલ્પ શિક્ષિત હોય છે.પોતાના કુટૂંબની જવાબદારીઓ નિભાવવા આવા પારકા ઘરના કામ કરવાનું સ્વીકારતા હોય છે. આ કામના બદલામાં જે મહેનતાણૂં અર્થાત પગાર ચૂકવવામાં આવે છે તેનું કોઈ સામાન્ય ધોરણ અસ્તિત્વમાં ના હોય, ઘરકામ માટે રાખનારા પોતાની મુન્સફી અને કામે રહેનારની ગરજનો લાભ લઈ ઓછામાં ઓછું મહેનતાણું .ઠરાવતા હોય છે.

આવા ઘરકામમાં સહાય રૂપ થતા લોકો તરફ મોટા ભાગના લોકોનો અભિગમ અલગ અલગ પ્રકારનો જોવા મળે છે. કેટલાક એમ માનતા હોય છે કે, આ દીન દુઃખિયા અને મજબૂર લોકોને સ્વમાન જેવું કંઈ હોતું નથી. તેમને ગમે તેવા શબ્દો વડે, તું કારે બોલાવી, ગમે તે સમયે, ગમે તેની હાજરીમાં, અપમાનિત કરી શકાય ! વળી આવા લોકોના કુટૂંબમાં કયારે ય કોઈ સારાં કે માઠાં પ્રસંગો આવતા હોતા નથી, ક્યારે ય બિમારી કે માંદગી પણ ના આવે, તેવી પૂર્વ ધારણા સાથે જ વ્યવહાર કરવામાં આવતો હોય છે. પરીણામે આવા પ્રસંગોએ ગેર હાજર રહેનારનો પગાર કાપી લેવામાં આવતો હોય છે. અને ક્યારે ક તો કામમાંથી છૂટા પણ કરી દેવામાં આવે છે.

અમીર વર્ગના કેટલાક લોકો એ ભૂલી જાય છે કે, આવા મજબૂર લોકોને પણ સારી રીતે રહેવા, પોતાનું નાનું ઝૂપડા જેવું ઘર હોવાનું સ્વપ્ન તથા બાળકોને ભણાવી-ગણાવી સારી નોકરી/ધંધે લગાડવાની મહેચ્છા હોય છે, પરંતુ તેમની દીન અવસ્થા મોટો અવરોધ બનતો હોઈ તેમાંથી છૂટવા મજબૂરીથી આવા ઘર કામ કરવાનું સ્વીકારવા ફરજ પડતી હોય છે.

કેટલાક પરિવારોમાં આવા કામે આવનાર વ્યક્તિઓ સાથે માનવીય વ્યવહાર રખાતો પણ જોવા મળે છે. આવા દીન દુખિયા લોકોને સમભાવ અને સહાયક તરીકે જોવામાં આવે છે અને ઘરના એક સભ્ય તરીકે ગણના કરી ચા-કોફી,જમવાનું વગેરે ઘરના લોકો માટે બન્યું તે જ આપવામાં આવતું હોય છે. કેટલાક તો વસ્ત્રો પણ આપે છે. બિમારી કે માંદગી કે અન્ય સારાં-માઠા પ્રસંગોએ આર્થિક સહાય કોઈ જાતના ઉપકાર કર્યાના બોધ વગર આપવામાં આવે છે. તેમના બાળકોના શિક્ષણ માટે પણ સહાય કરતા રહે છે.આવા પરિવારોમાં કામ કરનાર વ્યક્તિ સ્વમાન સાથે વર્ષો સુધી સ્વેચ્છાએ કામ કરતી જોવા મળે છે.

આ સામે કેટલાક આવા કામ કરવા આવનારી વ્યક્તિઓ લેભાગુ પણ હોય છે, જે તક મળ્યે ઘરમાંથી નાની-મોટી ચીજ-વસ્તુની ચોરી કરી જાય છે. ઘરની ખાનગી વાતો પણ બહારના સમાજમાં કહેતી ફરે છે. ક્યારે ક સાંભળવા કે અખબારમાં વાંચવા કે ટીવીમાં જોવા મળે છે કે, ઘર નોકર માલિકની હત્યા કરી દર-દાગીનાની ચોરી કરી નાસી ગયો. અર્થાત સમાજમાં સજ્જન અને દુર્જન વ્યક્તિઓ હોય છે તક મળે ત્યારે પોત પ્રકાશે છે. આથી દરેક તબક્કે સતર્ક રહેવું તે પ્રાથમિક બાબત ગણાવી જોઈએ.

પ્રવર્તમાન સમયના સંદર્ભે એક વાત તરફ ધ્યાન દોરવામાં આવે તો કામ કરાવનારાઓ, ઘરેલુ કામ કરનારાઓ ઉપરનું અવલંબન ઘટાડવા આધુનિક ઉપકરણો જેવા કે વોશીંગ મશીન, ડીસ વોશર વગેરે વસાવી રહ્યા છે તો સામે પક્ષે ઘરેલુ કામ કરનારાઓ પોતાની નોકરીની શરતો-સવલતો અને સલામતી માટે મુંબઈ, કલકત્તા, દિલ્હી, ચેનાઈ, બેંગ્લોર વગેરે મોટા શહેરોમાં સંગઠિત થઈ રહ્યા છે. જે આવનારા દિવસોમાં નાના નાના શહેરોમાં પણ સંગઠિત થઈ શકવાની ભરપૂર સંભાવના છે.

તેથી પ્રવર્તમાન સમયને દ્રષ્ટિ સમક્ષ રાખી સમાજના દરેક વર્ગે આવા ઘરેલુ કામ કરનારાઓ તરફ માનવીય સંબંધ અને વ્યવહાર રાખવો જોઈએ. તેમ મારું દ્રઢ માનવું છે. નકારાત્મક અભિગમ રાખનારા લોકોને વિનંતિ, કે આવો ! આવા ઘરેલુ કામ કરાનારાઓને માત્ર નોકર નહિ સમજતા
ઘરકામમાં મદદ કરનારને સહાયકનો દરજ્જો આપી તેમના સ્વમાનને પણ જાળવીએ !

આ તબક્કે વાચકોની એક વાત તરફ ધ્યાન દોરવાની મારી ફરજ થઈ પડે છે.

( એક સમાચાર પ્રમાણે ઘરકામ કરનારાઓ પ્રત્યે અમાનવીય અને તુચ્છકાર પૂર્વક વર્તન કે વ્યવહાર કરનારાઓ માટે માઠા સમાચાર મળે છે. થોડા સમય પહેલાં આંતર રાષ્ટ્રિય શ્રમ સંગઠનની વિશ્વ સ્તરીય બેઠક મળેલી જેમાં ઘરકામ કરનારાઓને કામદારનો દરજ્જો આપી તેમની આર્થિક, સામાજિક અને આરોગ્ય વિષયક સમસ્યાઓ માટે ચિંતા કરી દરેક દેશે એ માટે યોગ્ય કાય્દો ઘડવા સહમતિ આપી છે તેમાં આપણા દેશ ( ભારત ) નો સમાવેશ થાય છે. પરિણામે સંભવ છે કે, આવનારા દિવસોમાં ઘરકામ કરનારાઓને માન થી સંબોધવા પડશે, તેમનુ સ્વમાન અને સન્માન જાળવવું પડશે. તેમના આરોગ્ય અને કલ્યાણ ઉપરાંત હક્ક રજા માટે ચળવળ શરૂ થઈ ચૂકી છે. કામના ભાવ અર્થાત વેતન , હાજરી, કામના કલાકો, કામની સ્વચ્છ્તા, નિયમિતતા વગેરે અંગે કચકચ કરનારાઓ માટે વિષમ સ્થિતિ ઉભી થઈ શકે છે. )

2 comments

Leave a reply to kamdardnk જવાબ રદ કરો