પારિજાતનો પરિસંવાદ – ડૉ. કુમારપાળ દેસાઈ

ગુજરાત સમાચારની 21, જુલાઈ,2013 ને રવિવારની રવિ પૂર્તિમાં ” પારિજાતનો પરિસંવાદ”ની કોલમમાં પ્રસિધ્ધ થયેલ ડૉ. કુમારપાળ દેસાઈનો આ લેખ અનેક વાચકો ( વિશેષમાં અપંગો ) ને હિમત સાથે પ્રેરણા રૂપ બનશે તેમ ધારી મારાં બ્લોગ ઉપર મૂકેલ છે.

પારિજાતનો પરિસંવાદ – ડૉ. કુમારપાળ દેસાઈ

અટકવું એ રૃસિદાની આદત નથી!

માત્ર બાર વર્ષની વયે મોટર અકસ્માતમાં રૃસિદાના બંને કાંડા કપાઈ ગયાં. કાંડા વિનાની આ છોકરીને માટે ઈન્ડોનેશિયાના નાનકડા ગામ જીવવું દુષ્કર હતું. આ ગામમાં જે છોકરીઓનાં આંગળાં નહોતા, તે રસ્તા પર ઠોકર ખાતી અને ભીખ માગતી હતી, ત્યારે રૃસિદાના તો બંને કાંડા કપાયેલા હતા. એના માતાપિતાએ એને નિશાળમાંથી ઊઠાડી લીધી. એમની સામે બીજો કોઈ વિકલ્પ પણ નહોતો.

એ પછી ઇન્ડોનેશિયાના સોલો શહેરમાં આવેલા અપંગો માટેના ‘વ્યવસાયી પુનરુત્થાન કેન્દ્ર’માં રૃસિદાએ પ્રવેશ મેળવ્યો. અહીં કાંડાવિહોણી રૃસિદાએ સીવણ અને ફોટોગ્રાફી શીખવાનું શરૃ કર્યું. બંનેમાં હાથના પંજાની જરૃર. પણ એ લાવવા ક્યાંથી? એની શારીરિક હાલત જોઈને બધા એની તરફ દયામણી નજરે જોતા હતા, પરંતુ રૃસિદા તો પોતાના અવરોધોને અવગણીને સ્વપ્નોને સાકાર કરવા માટે અતિ ઉત્સાહી હતી. એને અશક્યને શક્ય કરવું હતું. કોઈએ કલ્પ્યું ન હોય તેવું કરી બતાવવું હતું. ગમે તે થાય, પણ એને ફોટોગ્રાફર બનવું હતું.

સહુએ કહ્યું કે આ તો એને માટે કોઈ કાળે શક્ય જ નથી. કાંડા વિનાની વ્યક્તિ કઈ રીતે ફોટોગ્રાફી કરી શકે? તસવીર ઝડપવાની વાત તો દૂરની વાત થઈ, પણ કેમેરો હાથમાં પકડી શકાશે કઈ રીતે? પરંતુ રૃસિદાના પિતાએ પુત્રીની ઇચ્છાને સંતોષવા એને ફોટોગ્રાફીની કલા શીખવા માટે મોકલી અને અહીં અત્યંત ધગશથી સખત મહેનત કરવા લાગી. આજના યુગમાં ફોટો ફિલ્મ સાથે કામ કરે છે અને ડિજિટલ ફિલ્મ સાથે નહીં અને એને પરિણામે હાથ વગરની વ્યક્તિને માટે આ કામ ઘણું પડકારરૃપ ગણાય.
એના શિક્ષકે એને પેનટેક્સ કેમેરો લાવી આપ્યો. એની ફોટોગ્રાફીની લગની જોઈને એને ભેટ આપ્યો. રૃસિદાએ આ કેમેરામાં પોતાની જરૃરિયાત પ્રમાણે ફેરફાર કર્યા અને પછી તો એ કાંડા વગરની સફળ ફોટોગ્રાફર બની ગઈ.

ક્યારેક રૃસિદા વિચારે પણ છે કે જો બાવડાં ન ગુમાવ્યા હોત, તો તે કેવી હોત? એના જીવનમાં કોઈ સાહસ કે રોમાંચ હોત ખરાં? કદાચ ફોટોગ્રાફી માટે આટલી ઉત્સુકતા પણ ન હોત! રૃસિદા લગ્ન-સમારંભોમાં વ્યવસાયી ફોટોગ્રાફર તરીકે જાય છે. મોટી પાર્ટીઓમાં પણ કામ કરે છે. એણે પોતાના ગામમાં એક નાનકડો સ્ટુડિયો બનાવ્યો છે.

હવે એ પોતાના બોટોરેઝો ગામમાં થોડાક સમયમાં પોતાના ઘરની નજીક વિશાળ સ્ટુડિયો કરવાની ઇચ્છા ધરાવે છે. અટકવું એ રૃસિદાની આદત નથી, એથી ૨૦૧૦ પૂર્વ એ પેનટેક્સ કેમેરાનો ઉપયોગ કરતી હતી, ત્યાર પછી ડિજિટલ કેમેરા અને ૫૫૦ ડી અને ફલેશ કેમેરાનો આજ ઉપયોગ કરે છે. એની કલા એવી છે કે આસપાસના સ્થાનિક લોકો અને સત્તાવાળાઓ મહત્ત્વના પ્રસંગોની તસવીર ઝીલવા માટે રૃસિદાનો આગ્રહ રાખે છે.

એના પતિ સુરાડી કહે છે, ‘મને આશા છે કે મારી પત્નીની પ્રવૃત્તિઓ તેના જેવા અન્ય વિકલાંગો અને નિરાશાવાદી લોકો માટે ઉદાહરણરૃપ અને પ્રેરણારૃપ બનશે. આપણે જાણીએ છીએ કે વિકલાંગતાના ફાયદા અને ગેરફાયદા ઘણા છે. એની પાસે પૂરા હાથ નથી, છતાં સશક્ત લોકોની જેમ જ એ બધાં કાર્ય કરે છે.’

એમાં પણ રૃસિદાને વિડિયો ઉતારતા જોઈએ, ત્યારે તો એને ધન્યવાદ આપ્યા વિના રહી શકાય નહીં. એણે પોતાના કામમાં આવતા પ્રત્યેક અવરોધોને અવગણ્યા છે અને સ્વપ્નોને સાકાર કરવા માટે પ્રયત્નશીલ રહી છે. જો દરેક વ્યક્તિ એની માફક મહેનત અને સંકલ્પથી જીવે, તો આ દુનિયાનો બદલાઈ જાય.

છેલ્લાં વીસ વર્ષથી ઇન્ડોનેશિયાના આ નાનકડા ગામમાં રૃસિદા ફોટોગ્રાફી કરે છે. એનાં કાંડાં કપાઈ ગયા હોવા છતાં એ એને માટે કોઈ સમસ્યારૃપ નથી. એ નિરાંતે કાંડાં વિનાના હાથથી પોતાના પુત્રના વાળ પણ ઓળે છે અને એને વાળ ઓળતી જોઈને લોકો આશ્ચર્ય અનુભવે છે કે કપાયેલા કાંડાથી બીજાના વાળ ઓળી શકાય ખરાં? ત્યારે રૃસિદા એવો ભાવ દર્શાવે છે કે, ‘માતાને માટે કશું અશક્ય નથી.’
પોતાની શારીરિક મર્યાદાને કારણે રૃસિદાને ઘણું સહન કરવું પડયું. પણ સહેવું એ એનો સ્વભાવ બની ગયો. સૌ પ્રથમ તો એને આસપાસના વાતાવરણનો સામનો કરવો પડયો. સહુ કોઈએ એના નામનું નાહી નાખ્યું હતું. ધારતા હતા કે હવે રૃસિદાને આખી જિંદગી ઓશિયાળા બનીને જીવવી પડશે અને એના માતાપિતાને એમ લાગતું હતું કે આખી જિંદગી આ દીકરીનો બોજ માથે ઊઠાવવો પડશે. એવામં નિશાળેથી ઊઠી જતાં રૃસિદાને સખીઓનો સાથ ગુમાવવો પડયો અને વેરાન જિંદગી વધુ એકલવાયી બની ગઈ.

આ સઘળી અવરોધરૃપ પરિસ્થિતિઓ વચ્ચે પણ રૃસિદા સહેજે ડગી નહીં. એના મનમાં મક્કમ નિર્ધાર હતો, તેથી એણે કામ શરૃ કર્યું ત્યારે સૌથી પહેલાં તો એને કેમેરાને એડજસ્ટ કરવો પડયો. એની પાસે પંજા પણ નહોતા. આથી કપાયેલા હાથની વચ્ચે કેમેરો રાખીને ચલાવવો પડતો. કેમેરાનું બટન પણ અમુક રીતે ગોઠવવું પડતું હતું. વળી નાના સ્ટુડિયોની પણ જરૃર હતી. આ સમયે એનો પતિ ઘણી મદદ કરતો હતો.

આનું કારણ એ કે એના પતિને રૃસિદાને પામ્યાનું ગૌરવ હતું. રૃસિદાની કામયાબી જોઈને રાજ્ય સરકારે એને ‘વેલ્ફેર એમ્પાવરમેન્ટ’માં નોકરી આપી છે. એ કેમેરો ચલાવવામાં જેટલી કાબેલ છે, એટલી જ કાબેલ રોજિંદા કાર્યો કરવામાં છે. એ પોતાનાં સંતાનને શાળાએ જવા માટે તૈયાર કરે છે. ઘરમાં વસતાં એના એક અપંગ ભત્રીજાને સ્નાન કરાવવાનું અને કપડાં પહેરાવવાનું કામ પણ સંભાળે છે અને આ ઉપરાંત ઘરગૃહસ્થી તો ખરી જ!

રૃસિદાની ફોટોગ્રાફીની ખૂબી જોઈને એને આધુનિક ટેકનોલોજીવાળા કેમેરા પણ મળતા જાય છે અને એ એનાથી જલદી પરિચિત થઈ ગઈ છે. કોઈ પણ પરિસ્થિતિમાં આશા ગુમાવવી નહીં, એ એનો જીવનમંત્ર છે.


ક્ષણનોસાક્ષાત્કાર

પ્રત્યેક વ્યક્તિ કુશળ અને વિચક્ષણ વાર્તાકાર હોય છે. એમાં પણ જેની સાથે અણબનાવ થયો, વિરોધ જાગ્યો હોય કે વિખવાદ સર્જાયો હોય તે વ્યક્તિ વિશે એની આસપાસ કથાનક રચવા લાગશે. ધીરે ધીરે એ કથાનકમાં ગુસ્સો, વેર, અતૃપ્તિ અને અણગમાનું આવરણ ઉમેરાશે. આચરણની કટુતા અને ઉદ્ધતાઈ પણ આવી જશે. આમ, વિરોધી માટે તમે કેટલીય વસ્તુઓની મનમાં ગોઠવણી કરશો.
સુષુપ્ત મનમાં આ બધી વાતો ઘર કરીને બેસી જશે અને પછી કોઈની સાથે થયેલા વેર-વિખવાદની કથા મહિનાઓ કે વર્ષો સુધી નહીં, પણ દાયકાઓ સુધી ચિત્તમાં પ્રચલિત રહેશે. કોણ જાણે કેમ, પણ માણસનું મગજ સતત એ વિવાદના બીજને અંકુરિત કરતું રહેશે. એને વેરના ઝેરનું ખાતર પૂરું પાડશે અને ધીરે ધીરે મતભેદમાંથી મનભેદ અને મનભેદમાંથી વિવાદ-વિરોધ સુધીની ગતિ થશે અને પછી આ રોમાંચક વાર્તામાં લડાઈ, ઝઘડા, મારામારી, અણબનાવ જેવાં રોમાંચક વળાંકો પણ આવશે.
તમે બે પંખી કે પશુને લડતા જોયા હશે. તે થોડીવાર બરાબર શિંગડા ભરાવી દે કે ચાંચ મારી લે, પરંતુ પછી બધું જ યથાવત બની જતું હોય છે. જાણે કશું થયું ન હોય તે રીતે વર્તતા હોય છે. જ્યારે માણસ તો પોતાના વિરોધી પ્રત્યે કેટલાય કુવિચારો કરે છે, ધીરે ધીરે એ વિચારોથી પોતાના વ્યક્તિત્વને રંગી નાખે છે અને પછી એ જ ઢાંચામાં એના વાણી અને વર્તનને ઢાળે છે અને આમ એક સમયનો પરમ મિત્ર એના પ્રખર દુશ્મન રૃપે પણ જોવા મળે તો નવાઈ નહીં!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s