હવામાં ગોળીબાર—મનુ શેખચલ્લી

ગુજરાત સમાચાર દૈનિકની 14, માર્ચ, 2013ને ગુરૂવારની આવૃતિમાં “ હવામાં ગોળીબાર “ની મનુ શેખચલ્લીની કોલમમાં પ્રસિધ્ધ થયેલ આ મૌન મોહનસીંઘ માટે લખાયેલ શાયરી આપ સૌ મિત્રોને વાંચવામાં રસ સાથે આનંદ પણ આવશે તેમ ધારી મારાં બ્લોગ ઉપર ગુજરાત સમાચાર અને શ્રી મનુ શેખચલ્લીના સૌજન્ય અને આભાર સાથે રજૂ કરેલ છે.

મિરઝા-‘મનમોહન’-ગાલિબ

– મિરઝા ગાલિબની એક ગઝલના અમુક શેર મનમોહનસિંહ માટે જ લખાયા હતા?

આપણા વડાપ્રધાન મૌનમોહનસિંહ આમ તો મોટેભાગે ‘મૌન’ જ હોય છે, પણ જ્યારે બોલે છે ત્યારે શાયરીઓ ફટકારે છે! થોડા દિવસ પહેલાં લોકસભામાં મનમોહનજીએ ભાજપના વર્તન માટે મિરઝા ગાલિબનો શેર ટાંક્યો કેઃ

”હમ કો ઉન સે
વફા કી હૈ ઉમ્મીદ
જો નહીં જાનતે
વફા ક્યા હૈ…”

અલ્યા, ભાજપવાળા જ્યાં અડવાણી, મોદી કે ગડકરીને વફાદાર નથી રહ્યા ત્યાં મનમોહનસિંહ આગળ શું ‘વફા’ બતાડીને વ્હાલા થવાના હતા? આમાં તો મનમોહન કશી ‘ઉમ્મીદ’ રાખે એ જ એમની મુર્ખામી છે.

પણ નવાઈની વાત એ છે કે મિરઝા ગાલિબની આ ઓરીજીનલ ગઝલના મોટે ભાગના શેર મનમોહનજી પર ઓટોમેટિક રીતે ફીટ થાય છે! જરા મુલાહિઝા ફરમાઈએ…
* * *
મૈં ભી મુંહ મેં
જબાન રખતા હું
કાશ પૂછો કે
ુમુદ્આ ક્યા હૈ

મનમોહનજીને કોઈ ‘પૂછતું’ જ નથી! શરદ પવાર પોતાનું ધાર્યું કરે છે, ચિદમ્બરમ્ એની મેળે બજેટ બનાવી નાંખે છે, રેલમંત્રી એમની રીતે છૂક છૂક ગાડી ચલાવ્યા કરે છે અને પેટ્રોલ-ડિઝલના ભાવ વધારતાં પહેલાં તો કોઈ કોઈને કશું જ નથી પૂછતું!

બાકી રહ્યાં સોનિયાજી, તો એમાં એવું છે કે એમના રીમોટની ચાંપ ન દબાય ત્યાં લગી બિચારા મનમોહનજી ‘મ્યુટ’ અવસ્થામાં જ હોય છે! માટે જ કવિ ફરિયાદ કરે છેઃ ‘મેં ભી મુંહ મેં જબાન રખતા હું…’
* * *
હમ ભી મુશ્તાક
ઔર વો બેઝાર
લા-ઈલા-હી યે
માજરા ક્યા હૈ

મનમોહનજીને પોતાની ‘ખામોશી’નો બહુ ફાંકો છે. સરકારના નગારખાનામાં એમની તતૂડી કોઈ સાંભળતું નથી એમ કબૂલ કરવાને બદલે પોતે ચુપ રહીને બહુ ‘શાણા’ અને ‘પ્રામાણિક(!)’ હોવાનો દાવો કરે છે. આ શાણાશ્રીના હાથ જ્યારે કોલસા કૌભાંડમાં કાળા થયા હતા ત્યારે પોતાની ખામોશીનાં વખાણ કરતાં એવી શાયરી ફટકારી હતી કે ‘હજારો સવાલોં સે મેરી ખામોશી અચ્છી, ન જાને કિતનોં કી આબરુ રખ્ખે…”

(જાણે કે એ મોં ખોલે તો બધાની આબરુ ઉઘાડી પડી જવાની હોય.)

આવી ખામોશી પર મનમોહન મુશ્તાક છે એટલે જ વિરોધપક્ષો બેઝાર (રીસાયેલા) છે. તોય કવિશ્રી ભોળપણથી (ટિપીકલ ‘મૌનમોહન’ ભોળપણથી) પૂછે છેઃ ‘યા-ઈલા-હી યે માજરા ક્યા હૈ?’
સબ્ઝો-ગુલ કહ્યાં સે
આયે હૈં
અબ્ર ક્યા ચીઝ હૈ
હવા ક્યા હૈ…

આ શેર સુધી પહોંચતાં પહોંચતાં તો એમના ભોળપણના ઢોંગની હદ આવી ગઈ છે. પૂછે છે ‘ફૂલ’ અને ભીનાશ ક્યાંથી આવે છે? વાદળ (અબ્ર) શું ચીજ છે? અરે, હવા શું છે?

બોલો, આ તો એવી વાત થઈને કે વડાપ્રધાનની ખુરશી પર બેસીને ભોળાશ્રી પૂછે છે, ‘ આ ટુજીના સોદા ક્યાંથી થાય છે? હેલિકોપ્ટર એટલે શું? કોલસો કેવો હોય? પેટ્રોલ અને ડિઝલ કઈ ચીજોનાં નામ છે?…’
વાહ જનાબ, વાહ!
* * *
મૈં ને માના કિ
કુછ નહીં ‘ગાલિબ’
મુફ્ત હાથ આયે
તો બૂરા ક્યા હૈ

આપણા દેશના મહાપ્રામાણિક વડાપ્રધાનની સંપત્તિ ‘માત્ર’ સાડા પાંચ કરોડ છે. પણ બીજાઓ જે ૨૦૦ કરોડ અને ૫૦૦ કરોડના માલિક થઈ ગયા છે એની સામે તો કંઈ જ ના કહેવાય ને? અને પેલા ટુ-જીના ૧ લાખ ૬૭ હજાર કરોડ કે કોલસા કૌભાંડના ૧ લાખ ૮૬ હજાર કરોડ સામે તો સાવ પરચૂરણ કહેવાય.

એટલે જ ‘મન-ગાલિબ’જી ફરમાવે છે કે ‘ચલો, માની લીધું કે સાડા પાંચ કરોડ કંઈ નથી, પણ મફતમાં મળ્યા છે તો ખોટા શું છે?’

(જોકે પેલા એ. કે. એન્ટની નામના સંરક્ષણમંત્રીની મિલક્ત માત્ર ૧૫.૬ ‘લાખ’ છે. છતાં એને કોઈ ‘મહાપ્રામાણિક’ કે ‘સ્વચ્છ’ પ્રતિભા ધરાવતા નેતા નથી કહેતું! શા માટે?)

દિલ-એ-નાદાં તુઝે
હુઆ ક્યા હૈ
આખિર ઈસ દર્દ કી
દવા ક્યા હૈ

ક્યારેય કશું બોલવું નહિ, કોઈ વાતની જવાબદારી લેવી નહિ, કોઈને ખખડાવવા ય નહિ, અને કોઈનાં વખાણ પણ કરવાં નહિ. (રાહુલ ગાંધી સિવાય) છેલ્લા નવ વરસથી ગાદી પર ચૂપચાપ મુંગા પૂતળાની જેમ બેસી રહેવું. અને છતાંય દેશની હાલત જોઈને ‘દુઃખી’ થવું. આ માત્ર મનમોહનસિંહને જ આવડે.

બિચારા કવિના ‘નાદાન’ દિલમાં કંઈક ‘દર્દ’ થાય છે! એટલે જ આ ભોળા કવિ જાણે દેશના ૧ અબજ ૧૨ કરોડ લોકો પાસે પ્રિસ્કીપ્શન લખાવી લેવાના હોય એમ પૂછે છેઃ ‘આખિર ઈસ દર્દ કી દવા ક્યા હૈ?’

અરે, દવા કરવા તો તમને બેસાડયા હતા… ‘ડોક્ટર’ મનમોહનસિંહ!

– મન્નુ શેખચલ્લી

Advertisements

2 comments

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s