વિનાશી ઝંઝાવાત સમયે મહાનગરના નવસર્જનનો સંકલ્પ કર્યો !પોતાની કામગીરીથી ભૂતપૂર્વ મેયર અભૂતપૂર્વ બની ગયા ! ———– ઇંટ અને ઇમારત – કુમારપાળ દેસાઇ

ગુજરાત સમાચારની 31, જાન્યુઆરી ને ગુરૂવારની આવૃતિમાં શ્રી કુમારપાળ દેસાઈનો આ લેખ નિરાંતે અને શાંતિથી વાંચવા અને આપણાં દેશમાં આવી કક્ષાનો કોઈ નેતા સુધરાઈથી લઈ સંસદ સુધીમાં અસ્તિત્વ ધરાવે છે કે કેમ ? તે વિષે આપના મંતવ્યો જાણવા રસપ્રદ બની રહેશે. આ લેખ ગુજરાત સમાચાર અને શ્રી કુમારપાળ દેસાઈના સૌજન્ય અને આભાર સાથે અત્રે રજૂ કરેલ છે.

 વિનાશી ઝંઝાવાત સમયે મહાનગરના નવસર્જનનો સંકલ્પ કર્યો !
પોતાની કામગીરીથી ભૂતપૂર્વ મેયર અભૂતપૂર્વ બની ગયા !  ———–   ઇંટ અને ઇમારત – કુમારપાળ દેસાઇ

એ દિવસે માનવ ઈતિહાસનો ઉજળો ચહેરો પલટી નાખનારી એક મહા ભયાવહ ઘટના સર્જાઈ.
આ ઘટનાએ એવો પ્રચંડ ઉલ્કાપાત સર્જ્યો કે જેણે દુનિયાની આખી સિકલ પલટી નાખી.

મનુષ્યજાતિ એની પોતાની મોજ-મસ્તીમાં ચકચૂર બનીને ઝૂમતી હતી અને આત્યાધુનિક વિકાસનાં મધ-મીઠાં ફળનો સ્વાદ માણતી હતી, ત્યારે આ આતંકવાદી હુમલાએ એને ઘોર નિદ્રામાંથી એવી સફાળી જગાડી કે જે પછી આજ સુધી એણે કદી ચેનની નીંદ લીધી નથી !

૨૦૦૧ની ૧૧મી સપ્ટેમ્બરે ન્યૂયૉર્ક શહેરે આતંકવાદનું બિહામણું રૃપ નિહાળ્યું અને માનવજાતની પ્રગતિ અને સંસ્કૃતિ સામે મહાપ્રશ્નાર્થ ખડો થઈ ગયો.

વિશ્વના સૌથી ધનાઢ્ય અને શક્તિશાળી દેશ અમેરિકાની આર્થિક રાજધાની સમા ન્યૂયૉર્ક મહાનગર પર અને અમેરિકામાં અન્યત્ર બનેલી ઘટનાએ જગતની વિચારધારામાં અને જીવનપદ્ધતિમાં એવો સંક્ષોભ જગાવ્યો કે ભવિષ્યનો ઈતિહાસ એક દિવસમાં પલટાઈ ગયો !

ન્યૂયૉર્ક શહેરના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા અણધાર્યા આતંકવાદી હુમલા સમયે એનો મેયર રૃડી ગુલિયાની પ્રોસ્ટેટ કૅન્સરની બિમારીથી પીડિત હતા. ૨૦૦૦ના એપ્રિલ મહિનામાં ડૉક્ટરોએ નિદાન કર્યુ કે ન્યૂયૉર્કના આ કાર્યદક્ષ મેયરને પ્રોસ્ટેટ કૅન્સર થયું છે. તેઓ એની સારવાર લઈ રહ્યા હતા. બરાબર એ જ સમયે એમના અંગત જીવનમાં પણ કેટલાક ઝંઝાવાત જાગ્યા હતા. એમનું વૈવાહિક જીવન ભંગાણને આરે આવીને ઊભું હતું. પતિ-પત્ની વચ્ચેના આ વિસંવાદને પરિણામે એમના સંતાનોનાં ભવિષ્યને માટે નવી સમસ્યાઓ સર્જાઈ હતી.

રૃડી ગુલિયાની દેહ અને મનથી સાવ ભાંગી ચૂક્યા હતા, પરંતુ આ નગરપતિના હૃદયમાં નગર માટેની અપાર ચાહના વસતી હતી. કાળબળને પરિણામે એમના જીવનમાં પલટાઓ આવ્યા હતા, પરંતુ એમનું કર્તવ્યબળ અક્ષુણ્ણ રહ્યું હતું. આથી જે સમયે એમને સમાચાર મળ્યા કે ન્યૂયૉર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર ભયાવહ હુમલો થયો છે, ત્યારે એમણે સ્થળની હાલત જાણવા માટે પોલીસ અધિકારીને ફોન કર્યા નહીં, એનો અંદાજ મેળવવા માટે તાબડતોબ સેેનાની ટુકડી રવાના કરી નહીં. નીચેના અધિકારીઓને બનતી ઘટનાઓ પર ચાંપતી નજર રાખીને પળેપળનો અહેવાલ આપવાના તાકીદના હુકમ જારી ન કર્યા. તેઓ સ્વયં પોતાના સાથીઓ સાથે ઘટનાના સ્થળે પહોંચી ગયા. એમની સાથે પક્ષના અગ્રણીઓની ગાડીઓની ફોજ નહોતી, બલ્કે રાહત-સામગ્રી લઈને તૈયાર ઊભેલી એવી ગાડીઓ હતી.

મિડીયાને પરિસ્થિતિનો અહેવાલ આપીને આવા ગંભીર બનાવ પ્રસંગે દુનિયાના ટેલિવિઝન પર ચમકવાની રૃડી ગુલિયાનીને કોઈ ઈચ્છા નહોતી. એ તો ઉપસ્થિત નાગરિકો અને પત્રકારોની સાથે જ પીડિતોની મદદને માટે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પાસે પહોંચી ગયા. એ સમયે ધૂળ અને ધુમાડાના ગોટેગોટાથી આખું આકાશ છવાઈ ગયું હતું. ધ્વંસ થયેલી એ ઈમારતમાંથી અગનજ્વાળાઓ ઊઠતી હતી. એમાં સળગી રહેલા લોકોની ચિચિયારીઓ સંભળાતી હતી. ભયાનક તબાહીના દ્રશ્યો ચોતરફ જોવા મળતા હતા.

આ સમયે મેયર રૃડી ગુલિયાની સળગતી ઈમારતની અંદર ગયા અને ત્યાં એમણે લોકોને સહાય કરવાનું કામ શરૃ કરી દીધું. એક મિનિટનો પણ વિરામ લીધા વિના એ સતત કાર્ય કરતા રહ્યા.

આ ભયાનક સ્થળે ઊભા રહીને જ એમણે લોકોની સુરક્ષાને માટે સેંકડો નિર્ણયો કર્યા અને એ જ સ્થળે ઊભા રહીને રાહત કાર્યોને આગળ ધપાવ્યા. એમની આ દૃઢતા પર દુનિયા વારી ગઈ. જીવ બચાવીને નાસતા સેંકડો લોકોને હેમખેમ ઘેર પહોંચતા કર્યા, પરિસ્થિતિનો તાગ મેળવવા માટે દોડી રહેલા અધિકારીઓને સહાય આપી, જખમીઓને તત્કાળ એમ્બ્યુલન્સમાં મોકલીને એમની સારવારની વ્યવસ્થા કરી.

ધીરે ધીરે પરિસ્થિતિ થાળે પડી. રાતદિવસ અથાગ પરિશ્રમ કરનાર રૃડી ગુલિયાનીને અનિવાર્યરૃપે થોડા આરામની જરૃર હતી, ત્યારે એ પોતાના શયનખંડમાં સૂતા ખરા, પરંતુ ટેલિવિઝન ચાલુ રાખ્યું. જેથી કોઈ નવી દુર્ઘટના સર્જાય તો એમના કાને પડે.

ધૂળ અને કીચડથી ભરેલા એમના બૂટ પલંગની નીચે રાખીને થોડીવાર આરમ કર્યો. મનમાં એવું કે જો કશુંક અણધાર્યું બને, તો તરત દોડી જવાય અને ઘટનાસ્થળે પહોંચી જવાય.

પોતાના મહાનગરની શાન સમી શાંત, ભવ્ય ઈમારતને ભસ્મીભૂત થતી જોઈને એમનું હૃદય વેદના અનુભવતું હતું. એમની આંખો સમક્ષ ધૂળ અને ધૂમાડાથી ઘેરાયેલી એ વિરાટ ઈમારતની બેહાલીનાં દૃશ્યો વારંવાર આવતાં હતાં. એમના કાનમાં મદદને માટે ચીસો પાડતા કે પછી દાઝી જવાથી દર્દથી બૂમો પાડતા કે ઈમારતમાંથી જીવ બચાવીને દોડીને બહાર નીકળતા લોકોની ચીસ સંભળાતી હતી.

રૃડીએ થોડીવાર સૂવાનો પ્રયત્ન કર્યો, પણ ઊંઘ આવી નહિ. હાથમાં રે જેકિન્સનું પુસ્તક લીધું અને એમાં આલેખાયેલા ચર્ચિલના જીવનને વાંચતા એમના એક ભાષણ પર રૃડીની નજર થંભી ગઈ. બ્રિટનના બાહોશ વડાપ્રધાન ચર્ચિલે વિશ્વયુદ્ધની વિભીષિકા વચ્ચે જીવતા અને જર્મનોના બોમ્બમારાથી પોતાની જાતને બચાવવા માટે ભૂગર્ભમાં ભરાઈ ગયેલા બ્રિટનવાસીઓને ઉદ્દેશીને કહ્યું, ‘મારી પાસે તમને આપવા માટે લોહી, આંસુ અને પસીના સિવાય બીજું કશું નથી.’

રૃડી ગુલિયાનીએ વિચાર્યું કે આજે એના નગરવાસીઓને આપવા માટે એની પાસે છે શું ? પણ સાથોસાથ એની ભીતરમાંથી અવાજ આવ્યો કે વિન્સ્ટન ચર્ચિલે વિશ્વયુદ્ધના સંહારમાંથી પોતાના દેશનું પુનઃ સર્જન કર્યું, એ જ રીતે પોતે પણ આ ભંગારમાં પરિવર્તિત થઈ ગયેલા પોતાના ભવ્ય અને સમર્થ મહાનગરને ફરીથી આબાદ કરશે. એણે ગભરાયેલા, હીબકાં ભરતા અને ભયથી કાંપી રહેલા લોકોના હૃદયમાં નવી હિંમત પ્રગટાવતા કહ્યું.

‘અમારા પર થનારો કોઈ પણ હુમલો અમારી પ્રગતિને રોકી શકશે નહીં. અમે દુનિયાને બતાવીશું કે અમારી હિંમત કોઈ ભાંગી શકે તેમ નથી. અમે દુનિયાની સામે આનું દૃષ્ટાંત રજૂ કરીશું.’

રૃડી ગુલિયાનીનાં પ્રત્યેક વચને ડરથી કાંપતી, ભયગ્રસ્ત પ્રજામા નવું ખમીર જગાડયું. સ્વજનવિહોણા બનેલા નોંધારા લોકોને રૃડી ગુલિયાની એમનો આધાર લાગ્યો. એમની વેદનાના આસું લૂછનારો હમદર્દ નેતા જણાયો.

૨૦૦૧ની ૧૧મી સબ્ટેમ્બરનો આતંકવાદી હુમલાનો આ દિવસ ન્યૂયૉર્કના આ મેયરને માટે અણધારી આફતોનો ઝંઝાવાત બની ગયો હોત, પરંતુ એણે એનો એવી મક્કમતાથી સામનો કર્યો કે મહાનગરનો એ મહાન નેતા બની ગયો.

બે વાર મેયર રહી ચૂકેલા ન્યૂયૉર્ક શહેરમાં ૧૧મી સપ્ટેમ્બરે નવા મેયરની ચૂંટણી માટે પ્રારંભિક મતદાન થવાનું હતું. એ દિવસે રૃડી ગુલિયાની ‘ભૂતપૂર્વ’ મેયર બનવાનો હતો, પરંતુ એની કામિયાબીએ એને ‘અભૂતપૂર્વ’ મેયર બનાવી દીધો. ‘ટાઈમ’ મેગેઝિને એને ‘પર્સન ઑફ ધ ઈયર’ તરીકે પસંદ કર્યો અને પસંદગીની જાહેરાત કરતાં એ લેખનું શીર્ષક આપ્યું, ‘મેયર ઑફ ધ વર્લ્ડ’.
સહુએ પ્રતિદિન સંઘર્ષનો સામનો કરનારા આ મેયરના મનોબળને સલામ કરી. ક્યારેક વિરોધ પક્ષના નેતાઓનો એમને સામનો કરવો પડતો હતો, તો

ક્યારેક પોતાના જ પક્ષના સાથીઓના વિરોધને સહેવો પડતો હતો. ક્યારેક રસ્તાની બાજુએ ગેરકાયદેસર દબાણો ઊભા કરનારા લોકોની સામે એને ઝઝૂમવું પડયું હતું, તો ક્યારેક મીડિયાએ કરેલા આક્ષેપો સામે લડવું પડયું હતું.

આવા એક પછી એક સંઘર્ષો એ પાર કરતા હતા, પરંતુ ક્યારેય રૃડી ગુલિયાનીના ચહેરા પર નિરાશા જોવા ના મળી. સદાય ઉત્સાહથી એ કામ કરતા રહ્યા. મેયરપદના અંતિમ સમય સુધી જાણે આજે જ પદગ્રહણ કર્યું હોય તેવો એમનામાં ઉત્સાહ હતો.

મેયર તરીકે એમણે પોલીસતંત્રમાં એવા ફેરફારો કર્યા કે જેથી અપરાધોની સંખ્યા ઘટવા લાગી. બીજા નગરોમાં પ્રતિવર્ષ અપરાધોનો આંકડો વધતો જતો હતો, જ્યારે મહાનગર ન્યૂયોર્કમાં એક તૃતિયાંશ જેટલા અપરાધો ઓછા થયા.

પ્રશાસનના સુધારા પછી આર્થિક સુધારાઓ તરફ નજર દોડાવી અને સરકારના કેટલાક ‘ઘરજમાઈઓ’ને શોધી કાઢ્યા. હકક નહીં હોવા છતાં સરકારી મદદ મેળવનારા સાત લાખ લોકોની સાન ઠેકાણે આવી. તંત્રમાં સુધારણા થતાં અને અપરાધોમાં ઘટાડો થતાં ન્યૂયોર્ક શહેરની જમીનના ભાવો ઊંચા આવ્યા. પ્રજાની ફરિયાદો પર તત્કાળ ધ્યાન આપવા લાગ્યા અને લોકો એમ અનુભવવા લાગ્યા કે તેઓ એક વૈશ્વિક મહાનગરના નિવાસી છે.

રૃડી ગુલિયાનીએ પ્રગતિ અને પરિવર્તન કરવાની સાથોસાથ ક્યારેય પોતાના સિદ્ધાંતોમાં બાંધછોડ કરી નહીં. આતંકવાદીઓના હુમલાથી ધ્વસ્ત બનેલા ન્યૂયૉર્ક શહેરને ફરી બેઠું કરવા માટે સાઉદી અરબના રાજકુમાર વલીદ બિન તલાલે એક કરોડ ડોલરની સહાય આપવાની આકર્ષક ઑફર કરી, પરંતુ એ રકમ આપતાં પહેલાં માત્ર એક જ શરત મૂકી કે આ જંગી રકમના બદલામાં અમેરિકાએ ઈઝરાઈલને સમર્થન આપવું નહીં.

રૃડી ગુલિયાનીએ મક્કમ રહીને સાઉદી અરબની આ દરખાસ્ત ફગાવી દીધી. આતંકવાદીઓએ સર્જેલા વિનાશને સમયે પોતાના શહેરને પહેલાં કરતાં વધુ મજબૂત અને શાનદાર બનાવવાનો રૃડી ગુલિયાનીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને આજે ન્યૂયોર્ક અગાઉ કરતાં વધુ સશક્ત અને ભવ્ય બન્યું છે.

આ બધા ઝંઝાવાતોને રૃડી ગુલિયાનીએ પોતાના દૃઢ સંકલ્પથી પાર કર્યા. જે સમયે ન્યૂયૉર્ક શહેરની ગગનચુંબી ઈમારત જમીનદોસ્ત થતી હતી, એ જ સમયે એણે પોતાના શહેરના નવનિર્માણનું સ્વપ્ન જોયું ! ભયાનક વિનાશની વેળાએ સર્જનનું સ્વપ્ન જોનાર એને સાકાર કરી શકે છે.
સાંસારિક ઉપાધિઓ અને શારીરિક વ્યાધિઓ વચ્ચે રૃડી ગુલિયાની હંમેશાં શાંત અને સ્વસ્થ રહ્યા.
પોતાની ત્વરિત કાર્યશક્તિથી તેઓ વિશ્વના અતિ સમૃદ્ધ અને આધુનિક મહાનગરને ફરી બેઠું કરી શક્યા.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s