કુલ વસ્તીના ૨.૫ ટકા કેસ અદાલતમાં ચૂકાદાની રાહ જોતા પડયા હોય એવી વિરલ નિંભરતા ભારતમાં જ પ્રવર્તે ! અદાલતની શિથિલતા ઘટતી નથી, અરાજકતા વધતી જાય છે !

ગુજરાત સમાચાર દૈનિક્ની તા.28, ડીસેમ્બર,2012ને ગુરૂવારની આવૃતિમાં “ ન્યુસ ફોકસ “ કોલમમાં આવેલો લેખ ભારતની કાયદાઓ ગુન્હેગારને સજા કરવામાં કેટલી હદ સુધી વામણાં છે અને ન્યાયકિય પ્રક્રિયા કેટલી હદ સુધી શિથિલ છે તેનું આ લેખ સરકાર પણ કેટલી વામણી અને ઈચ્છા શક્તિ વગરની છે તેનું આબેહુબ અને તાદ્ર્શ વર્ણન કરે છે જે આપ સૌને વાંચવું અને જાણવું ગમશે તેમ ધારી આ લેખ ગુ.સ.ના સૌજન્ય અને આભાર સાથે રજૂ કરું છું.

કુલ વસ્તીના ૨.૫ ટકા કેસ અદાલતમાં ચૂકાદાની રાહ જોતા પડયા હોય એવી વિરલ નિંભરતા ભારતમાં જ પ્રવર્તે !

અદાલતની શિથિલતા ઘટતી નથી, અરાજકતા વધતી જાય છે !

એવું શું ખૂટે છે જેને લીધે સો ગુનેગારને છોડી દીધા પછી ય એક નિર્દોષને ન્યાય નથી આપી શકાતો? એવી કઈ ખામી છે જેને લીધે લોકોએ ધીરજ ગુમાવીને, પોલીસનો માર સહીને ય કડકડતી ઠંડીમાં સ્વયંભૂ સડકો પર ઉતરી આવવું પડે છે?

રાજકુમાર સંતોષીની ફિલ્મ ‘દામિની’માં બળાત્કાર પીડિતા સામેના કેસના વકીલ તરીકે સની દેઓલનો ડાયલોગ ‘તારીખ પે તારીખ’ એ વખતે બહુ લોકપ્રિય થયો હતો. ૧૯૯૩માં રજૂ થયેલી આ ફિલ્મ બહુ જ કમનસીબે બે દાયકા પછી પણ એટલી જ અસરકારકતાથી ભજવાઈ રહી છે. યોગાનુયોગ એ છે કે, દિલ્હીની ગેંગરેપ પીડિતાને પણ માધ્યમોએ પ્રતીકાત્મક રીતે ‘દામિની’ નામ આપ્યું છે પણ આપણે વાત કરવી છે એ ફિલ્મમાં રજૂ થયેલા એક વકીલના આક્રોશની, જે ન્યાય ઝંખતી વ્યક્તિને અદાલતી કાર્યવાહીની સંવેદનશૂન્યતાને લીધે ન્યાય મળવાની રાહમાં જ કેટલો અન્યાય વેઠવો પડે છે તેનો આબાદ પડઘો પાડે છે.

રાજધાની દિલ્હીમાં સ્ત્રીઓની સલામતી નથી રહી એવી વ્યાપક ફરિયાદનો વર્ષોથી ધૂંધવાતો રોષ હવે બોમ્બ બનીને ફાટી રહ્યો છે ત્યારે પોલીસની વોટર કેનન કે ટિઅર ગેસ પણ તેને ઠારવા અક્ષમ સાબિત થઈ રહ્યા છે. છેલ્લાં દસેક દિવસથી દિલ્હીની સડકો પર ઉમટેલા યુવાઓનો આક્રોશ સહજપણે સરકાર પર વરસી રહ્યો છે. સલામતીના મુદ્દે અને પોલીસની જાડી નિંભરતાના મામલે ચોક્કસપણે સરકાર જવાબદાર છે પરંતુ લોકોના આક્રોશને બેકાબુ બનાવતું પરિબળ ન્યાયતંત્રની શિથિલતા પણ છે. માત્ર શિથિલતા જ હોત તો કદાચ સંખ્યાત્મક વધારાનો આસાન ઈલાજ પણ હાથવગો હોઈ શકે પરંતુ ભારતીય દંડસંહિતાની કેટલીક પાયાની ખામીઓ પણ કસૂરવારને વધુ ગુના કરવાનો પાનો ચડાવે એવી નબળી હોવાનું વર્તાઈ રહ્યું છે.

સૌથી પહેલાં તો અદાલતી કાર્યવાહીની ગોકળગાય વિશે વાત કરીએ. ભારતની સવા અબજની વસ્તી જો આખી દુનિયા માટે હેરતનું કારણ હોય તો ભારતીય અદાલતોમાં પેન્ડિંગ કેસની સંખ્યા પણ દુનિયાભરમાં તાજુબી સર્જતો બીજો આંકડો બની શકે તેમ છે. ૩૧ મે, ૨૦૧૨ના આંકડા પ્રમાણે, ભારતની તમામ અદાલતોમાં પેન્ડિંગ કેસનો આંકડો છે ૩ કરોડ ૨૩ લાખ ૩૬ હજાર ૭ સો ૪૪. કુલ વસ્તીના ૨.૫ ટકા કેસ અદાલતમાં ચૂકાદાની રાહ જોતા પડયા હોય એવી વિરલ નિંભરતા માત્ર ભારતમાં જ પ્રવર્તે છે. આપણે છાશવારે માથાદીઠ આવક અને માથાદીઠ ઉત્પાદકતાના આંકડાઓ ફેંકીને નંબર ગેમ રમવાની આજકાલ ફેશન ચાલે છે ત્યારે એ જાણવું ય એટલું જ રસપ્રદ (અને આઘાતજનક) છે કે કોર્ટ-કચેરીએ ચડવામાં ય આપણે દુનિયામાં ટોચના પાંચમાં સ્થાન ધરાવીએ છીએ. (કદાચ એટલે જ ભારતીય અખબારો, સામયિકોના સાપ્તાહિક કે વાર્ષિક રાશિ ભવિષ્યમાં કોર્ટ-કચેરીને લગતો ફળાદેશ મૂકવાની પ્રથા પડી હશે!)

 

ભારતમાં થતાં અદાલતી કેસની પ્રતિ વર્ષની સરેરાશ સંખ્યા ભારતની કુલ વસ્તીના અનુપાતમાં વિશ્વભરમાં ચોથા સ્થાને છે. મતલબ એ થયો કે સરેરાશ ભારતીય છાશવારે અદાલતમાં ઊભો રહી જવાની ઝગડાળુ વૃત્તિ ધરાવે છે અથવા તો ભારતમાં ગુનાખોરીનું પ્રમાણ અત્યંત ઊંચું છે. દુનિયાભરના દેશોની કાનૂની પ્રક્રિયા પર નજર રાખતી લિગલ વોચ ઈન્ટરનેશનલ સંસ્થાના અભ્યાસ મુજબ, ભારતમાં થતી પોલીસ ફરિયાદ પૈકી ૩૮ ટકા ફરિયાદો આર્થિક છેતરપીંડી કે દગાબાજીને લગતી હોય છે. પછીના ક્રમે ૩૩ ટકા સાથે જાતીય ગુનાખોરીનો ક્રમ આવે છે.

આટલી ઊંચી સંખ્યામાં લોકો અદાલતમાં પહોંચી જતા હોય ત્યારે સ્વાભાવિક રીતે જ ન્યાયતંત્ર અને ભારતીય દંડસંહિતા (ઈન્ડિયન પીનલ કોડ) બિલકુલ સતર્ક, સ્પષ્ટ અને સુઆયોજિત હોવા ઘટે, કમનસીબે એવું સ્હેજપણ નથી. ભારતીય ન્યાયતંત્રની ગુણવત્તાની વાત જવા દો, માળખાગત સુવિધાના મામલે ય દેશભરની અદાલતો તદ્દન રેઢિયાળ ઢબે રગશિયા ગાડાની માફક ચાલે છે. હિન્દી ફિલ્મોમાં ટનાટન અને ચોખ્ખીચણાંક, શિસ્તબધ્ધ અને ટકોરાબંધ અદાલતી માહોલમાં ‘ઓબ્જેક્શન મી લોર્ડ’ કહીને દલીલોનું ધમાસાણ મચાવતા વકીલોને જોયા પછી ભૂલથી પણ કદીક કોઈ શહેરની સ્મોલ કોઝ કોર્ટ જોવાની થાય તો બધા ભ્રમ ચકનાચૂર થઈ જાય એવી અરાજક અને દયાજનક હાલત પ્રવર્તતી હોય છે.

ભારતીય સંવિધાને ન્યાયતંત્રને લોકશાહીનો ત્રીજો પાયો ગણાવ્યો છે પરંતુ એ પાયામાં તબિયતથી અને પૂરતી સભાન નિષ્ઠાથી લૂણો લગાડવાનું કામ અત્યાર સુધીની સરકારો કરતી આવી છે. દિલ્હી ગેંગરેપ કેસ જેવી કોઈક ઘટના બને ત્યારે ન્યાયતંત્રની શિથિલતાને ભાંડવાનું કારણ જરૃર મળે છે, જે કેટલેક અંશે સાચું પણ છે પરંતુ ભારતીય અદાલતો અને ન્યાયતંત્ર જે વાતાવરણમાં પોતાનું કામ કરે છે એ માટે સરકારી વ્યવસ્થા અને વહીવટ પણ એટલાં જ જવાબદાર છે. સરકાર દ્વારા ન્યાયતંત્રની સજ્જતા જાળવવા જરૃરી બજેટ કદી ફાળવાયું જ નથી. ૧૯૫૦ પછી આજ સુધીમાં ક્યારેય એવું બન્યું નથી કે ન્યાયતંત્રે પોતાની વ્યવસ્થા જાળવવા અને અદાલતી કેસના ભારણને પહોંચી વળવા માંગેલું બજેટ કદી મળ્યું હોય.

અદાલતોને રગશિયા ગાડાં બનાવતી બીજી બાબત છે અપૂરતો સ્ટાફ. ક્લાર્ક ઓફ ધ કોર્ટ જેવા વહીવટી હોદ્દાની તો વાત જ છોડો, સ્વયં

સર્વોચ્ચ અદાલતમાં કુલ ૩૧ ન્યાયાધીશોની જગ્યા મંજૂર થયાના ચાર વર્ષ પછી પણ માત્ર અપૂરતા બજેટના કારણે ભરી શકાઈ નથી. દેશભરની હાઈકોર્ટમાં ૩૧૫ જગ્યાએ ખાલી ખુરસી સામે ફાઈલો પડેલી છે જ્યારે નીચલી અદાલતોમાં આ ખાલી જગ્યાઓનો આંકડો તો ૩૨૦૦થી ય વધારે છે. કેસનો ભરાવો કરતું અને ન્યાયપ્રક્રિયામાં અપરંપાર વિલંબ કરતું મુખ્ય કારણ આ છે.

લોકો આજે આક્રોશભેર લાલઘૂમ ચહેરે દિલ્હીની સડકો પર ઉતરી આવ્યા છે અને દિલ્હીની બળાત્કાર પીડિત યુવતીને ન્યાય અપાવવા માટે પોલીસનો લાઠીચાર્જ પણ સહી રહ્યા છે. આવું નૃશંસ કૃત્ય આચનારાને કોઈપણ રીતે ફાંસીની જ સજા થવી જોઈએ એ માગણી ભાવનાત્મક રીતે કદાચ સાચી હોય તો પણ કાનૂની રીતે તેને અમલી બનાવવી સરકાર માટે પણ શક્ય નથી. કારણ કે, ભારતીય ન્યાયતંત્રનો આધાર ‘સો દોષિત ભલે છૂટી જાય પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ’ના આદર્શ પર ઘડાયેલો છે. આ આદર્શને પાળવા જતાં ભારતીય દંડસંહિતાએ આરોપીને તેના બચાવ માટે અનેક જોગવાઈઓ કરી આપી છે. સમગ્ર દુનિયામાં ભારત એવા ગણ્યાંગાંઠયા દેશો પૈકીનો એક છે જ્યાં આરોપીને તેના બચાવ માટે આટઆટલી તકો મળતી હોય અને ઢીલીઢસ્સ કાર્યવાહીને લીધે ન્યાય મેળવવામાં વર્ષોના વ્હાણાં વાઈ જતા હોય.

આ લખાઈ રહ્યું છે ત્યારે દિલ્હી ગેંગરેપ કેસ સાથે મળતાં આવતાં અમદાવાદના ચકચારી બીજલ જોષી કેસમાં હાઈકોર્ટે નીચલી અદાલતનો ચૂકાદો યથાવત રાખીને આરોપીને જનમટીપની સજા બરકરાર કરી છે. પણ એ ચૂકાદો આવતાં સુધીમાં એક દાયકો વીતી ગયો તેનું શું? હજુ ય એ કેસના આરોપીઓને સર્વોચ્ચ અદાલતમાં જવાની સુવિધા તો ઊભી જ છે દરમિયાન આરોપીઓ જામીન મેળવીને ટેસથી ફરી આવ્યા છે. આ તો એક સાધારણ કેસની વાત થઈ,

કોમનવેલ્થ ગેમ્સ જેવા સમગ્ર દેશ માટે લાંછનરૃપ કૌભાંડના આરોપી સુરેશ કલમાડી જામીન પર છૂટીને બિન્ધાસ્ત ઓલિમ્પિક કમિટીમાં જોડાઈ શકે છે. ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડના આરોપી એ. રાજા જામીન મળ્યા કે તરત જ સરકારની એક સંસદિય સમિતિમાં ગુપચૂપ નિમણુંક મેળવી શકે છે. કનિમોઝી હસતાં ચહેરે સંસદના પગથિયા ચડતા દેખાય. સ્પેક્ટ્રમ ગોટાળાના અન્ય આરોપીઓ પણ કોઈ લાજશરમ વગર સત્તાના ગલિયારાઓમાં ઊભેલા જોવા મળે.

દિલ્હીની સડકો પર ઉભરી આવેલા લોકો માટે ગેંગરેપ પીડિતાનું સમર્થન તો એક નિમિત્તમાત્ર છે. ખરૃં કારણ આ દૃશ્યો છે, જેમાં દોષિતો, આરોપીઓ તેમના ગુનાને કાનૂની આંટીઘૂંટીમાં ફસાવીને લાજશરમ નેવે મૂકી ગાજતાં ફરે છે. ન્યાયતંત્રમાં અને દંડસંહિતામાં ક્યાંક કશુંક જરૃર ખૂટે છે. યા તો એ નિયતનો અભાવ છે અથવા તો વહીવટી નિષ્ફળતા છે. શું ખૂટે છે જેને લીધે સો ગુનેગારને છોડી દીધા પછી ય એક નિર્દોષને ન્યાય નથી આપી શકાતો? એવી કઈ ખામી છે જેને લીધે લોકોએ ધીરજ ગુમાવીને, પોલીસનો માર સહીને ય કડકડતી ઠંડીમાં સ્વયંભૂ સડકો પર ઉતરી આવવું પડે છે?

આશા રાખીએ કે સરકાર અને ન્યાયતંત્ર આ તબક્કે આ સવાલોનું આત્મનિરિક્ષણ કરે. જો એવું થશે તો સમગ્ર દેશ સિંગાપોરની માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલી એ યુવતીનો ઓશિંગણ (ઋણી) રહેશે.

Advertisements

One comment

 1. જો ભારતના મૂર્ધન્યો અને સમાચાર માધ્યમના ખેરખાંઓ શાસક પક્ષના નેતાના બેશરમી ભર્યા ઉચ્ચારણો અને વલણો ચલાવી લે તો પછી દેશનું ભાવી અંધકારમય જ બની જાય છે.
  તમે જુઓ, સંરક્ષણખાતાના જીપ પ્રકરણમાં નહેરુએ તપાસ સમિતિ નિમવાનો ઈન્કાર કરેલ અને કહેલ કે તમે ઈલેક્ષનમાં મુદ્દો બનાવજો.

  ચીનની ઘુસણખોરીનો જેએલ નહેરુ ઇન્કાર જ કરતા રહેલ. અને અંતે ભારતને કારમી હાર અને ૬૨૦૦૦ ચોરસ માઈલ પ્રદેશ ગુમાવવો પડેલ. આ બધું થયું હોવા છતાં મૂર્ધન્યો અને સમચાર માધ્યમના ખેરખાંઓએ જવાહર નહેરુને આંચ આવવા દીધી નહતી.

  નહેરુવીયન કોંગ્રેસે ૧૯૫૮માં કેરલમાં મુસ્લિમ લીગ જેવા ખુલ્લા કોમવાદી પક્ષ સાથે જોડાણ કરેલ જે આજે પણ ચાલુ છે.

  ઈન્દીરાએ ૧૯૬૯માં પોતાના પક્ષના જ ઉમેદવાર સામે પોતાનો અંગત ઉમેદવાર ઉભો રાખેલ અને છેતરપીન્ડીવાળા વિધાનો કરેલ. અને સંજીવ રેડ્ડી સામે તેઓ “ડીબોચરસ” તેવા પ્રચાર કરતા હેન્ડબીલ પાર્લામેન્ટના સેન્ટ્રલ હોલમાં ફરતા કરેલ. આવી ખુલ્લી બેઈમાની કરનાર વડાપ્રધાનને આપણા મૂર્ધન્યો અને સમાચાર માધ્યમના ખેરખાંઓએ તાબોટા પાડી વધાવેલ.

  આ પછી તો આપણને નીતિમત્તાના પતનરુપ અનેક પ્રસંગો જોવા મળ્યા છે.

  હજુ પણ આપણા મૂર્ધન્યો અને સમાચાર પત્રોના ખેરખાંઓ સુધર્યા નથી. તો જે વંશ અને તેની સાથે જોડાયેલા સ્વહિતેચ્છુઓ જેઓ બગડવા માટે વંશપરંપરાગત રીતે પણ તૈયાર જ છે. તેને બગડેલા છે તેવું કહેવાની લાયકાત પણ આપણા મૂર્ધન્યો અને સમાચાર માધ્યમના ખેરખાંઓ ગુમાવી ચૂક્યા છે.

  અરવિંદભાઈ, ભારતે બહુ લાંબી મજલ કાપવાની છે. પણ હવે બધું નેતા વગર કરવા માટે તૈયાર થવું પડશે. જો કોઇ નેતાગીરી માટે આગળ આવશે તો તેની બાલની ખાલ ઉતારવા આપણા આ મૂર્ધન્યો અને સમાચાર માધ્યમના ખેરખાંઓ ટાંપીને જ બેઠા છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s