આપણા લુચ્ચા ‘લોક’ના ‘શાહી’ વાનરવેડાં ! અનાવૃત – જય વસાવડા

ગુજરાત સમાચારની 12, ડિસેમ્બર, 2012 ને બુધવારની “શતદલ” પૂર્તિમાં “ અનાવૃત “ નામની કટારમાં પ્રસિધ્ધ થયેલ જાણીતા કટાર લેખક શ્રી જય વસાવડનો, હાલના પ્રવર્તમાન સમય અને સંજોગોનું તાદ્રશ અને સચોટ નિરૂપણ કરતો અને ખાસ કરીને આજના યુવા જગતે ગંભીરતાથી વિચારવા યોગ્ય લેખ મારાં બ્લોગ ઉપર મિત્રોને વાંચવો અને વિચારવો પણ ગમશે તેમ ધારી બંનેના સૌજન્ય અને આભાર સાથે મૂકેલ છે.

આપણા લુચ્ચા ‘લોક’ના ‘શાહી’ વાનરવેડાં ! અનાવૃત – જય વસાવડા

ન્યૂ યોર્કના પોશ મેનહટનના ધમધમતા ટાઇમ્સ સ્કવેર પર ‘સ્કેચર્સ’ શૂઝનો આલીશાન સ્ટોર. સ્ટેપ અપ શૂઝ જોઈતા હતા, એ પાછા ખેંચાયા હતા એટલે નવા જ લોન્ચ કરાયેલા રનર્સ શૂઝ લેમન યલો કલરના લીધા.

કલર તો ફાંકડો હતો પણ લેતી વખતે વિચાર આવ્યો આ તો અમેરિકા છે, ભારત ગયા પછી આવા લાઇટ કલરના શૂઝ ઘૂળના ઢગલા અને છાણના પોદળા વચ્ચે ભરાઈ રહેશે. બીજા કલર્સની ઇન્કવાયરી કરી, એ કંઈ જામે એવા હતા નહિ. એટલે પરાણે જૂના છાપેલા કાટલા જેવા ઉમેદવારને વિકલ્પના અભાવે મત દેવો પડે, એમ એ લઈ લીધા.

એ પછી તો નાયગ્રા ફોલ્સ જવાનું થયું, વર્જીનીયા કેબ્ઝમાં ફરવાનું થયું. પાંચ દિવસ બાદ એ શૂઝ ચઢાવીને (જે ભારતમાં પહેરાયેલા ન હોઈને એના પર ઘૂળ લાગેલી નહોતી) ફરી ટાઇમ્સ સ્કવેરમાં ‘મેરી પોપિન્સ’ મ્યુઝિયમ જોવા જવાનું થયું અને પેલા શૉ રૂમના ડિસ્પ્લેમાં નજર ગઈ તો ફ્‌લ્યુરોસન્સ ગ્રીન લેસીઝ સાથે મસ્ત ડીપ બ્લુ કલરની પેર !

સ્વભાવ મુજબ અંદર જઈને ચૂંટી ખણવાનું મન થયું. ‘આ સ્ટોકમાં હતી તો મને બતાવી કેમ નહિ, અલ્યા ?’ એવું તાડૂકવાના ઇરાદાથી અંદર ગયો અને ફક્ત ફરિયાદના ઇરાદે ત્યાં વાત કરી. જવાબ મળ્યો, ‘આ તો ગઈકાલનો જ ફ્રેશ સ્ટોક છે.’

‘પણ મેં ૫ દિવસ પહેલા લીધા ત્યારે આ હોત તો મારે આ કલર જોઈતો હતો !’

‘સો વોટ ? અત્યારે લઈ લો, અને આ પહેરેલા શૂઝ પાછા આપી દો !’

હેબતાઈ જવાય એવી કસ્ટમર સર્વિસ પોલિસી હતી આ ! કોઈ એક્સ્ટ્રા ચાર્જ વિના જસ્ટ ફોર ચેન્જ ઓફ કલર રગદોળાયેલા શૂઝ નવા સાટે એક્સચેન્જ થઈ ગયા (એફડીઆઇ સાથે આ એપ્રોચ આવે ત્યારે ખરું જનકલ્યાણ થાય !) અને એ માટે જરૂરી ગણાય એવું પરચેઝનું બિલ તો જોડે હતું જ નહિ !
એ ખુલાસો સંકોચથી કર્યો, ત્યારે કાઉન્ટર સેલ્સગર્લે કહેલું, ‘ઇટ્‌સ ઓલરાઇટ મેન, વી ટ્રસ્ટ યુ. ડોન્ટ સ્પાઇલ યોર (બ્રોડવે) શો. રશ એન્ડ એન્જોય !’

વેલ, બીજાનો શૉ સ્પોઇલ ન થાય, એ માટે કોઈ તમાશો કર્યા વિનાની કેવી દરકાર, નિસ્બત !
નોટ જસ્ટ સર્વિસ. કેર એન્ડ કન્સર્ન, યુ નો !* * *

આપણને છાશવારે મહાસત્તા બનાવવાનો પોરસ ચડાવવામાં આવે છે. મુંબઈને શાંઘાઈ કે ગુજરાતને સંિગાપોર બનાવવાના સપના ખુલ્લી આંખે આંજવામાં આવે છે. હવે આપણે આગળ આવી ગયા, વિકસીત થઈ ગયા – એવા તાળીમાર ઢોલનગારા દેશભરમાં પીટવામાં આવે છે. ભલે ને, જગતના સુખી- સમૃદ્ધ રાષ્ટ્રોમાં નોર્વે, સ્વીડન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ડેન્માર્ક, નેધરલેન્ડસ, બ્રાઝિલ ઇત્યાદિ હોય (અમેરિકા, ફ્રાન્સ, રશિયા, જાપાન, જર્મની, બ્રિટન, તુર્કી વગેરેની તો વાત જ નથી.) પણ ડાયરાદાનો આપણા મહાન વારસાની વાતલડીઓ ધૂંટી ધૂંટીને ઓલરેડી સૂતેલી જનતાને અભિમાનના અફીણી અમલના ઘેનમાં રાખે છે. ઓએમજીના પરેશ રાવલની કર્ટસી લઈએ તો જેમનો આઇ.ક્યૂ. રૂમ ટેમ્પરેચરથી પણ નીચે હોય, એવા ધર્માચાર્યો ભારતીય સંસ્કૃતિનું મહિમાંકન કર્યા કરે છે. ગુણગાન કોને ન ગમે ? માટે ગમાર ગડબાઓનું ટોળું ગેલમાં આવીને માનવતાની મહેકની કાખલીઓ કૂટવા લાગે છે !

માનવતા, માય ફૂટ ! અહીં તો કંઈ નાગરિકો નથી, ટોળું છે. જે વળી ભોળું નહિ પણ ડહોળું છે. સિવિલ સોસાયટી નહિ, ‘ઇવિલ’ સોસાયટી છે જેમ જોડ મોન્સ્ટર્સ છૂટ્ટા ફરે છે. જે સંસ્કાર આપણે દુનિયાને શીખવાડવાની વાતો કરીએ છીએ, એ ઘરમાં જ શીખવી શકાતા નથી. પ્રજા પાગલ છે, લોકો લુચ્ચા છે, જનતા જુગારી છે. હલકટ ગાંડિયાઓ પાછા પાક્કા સેડિસ્ટ હોય છે. સેડિસ્ટ એટલે પરપીડક, પરદુઃખભંજકો તો રાજા વીર વિક્રમના યુગમાં જ વૈતાલની જેમ સ્મશાનમાં ઝાડની ડાળીએ લટકી ગયા. આ મેડ રોડિસ્ટ યાને પરપીડકો સાઇકો કીલર્સ જેવા હોય છે. બીજાને તકલીફ આપીને એમનો આનંદ ઝૂંટવીને, એના દર્દમાંથી એ ફન શોધતા હોય છે. પોતે દૂધ પીને બાકીનું દૂધ ઢોળી નાખવાના એ બદતમીઝ ઉસ્તાદો હોય છે. પતંગિયાની પાંખો ખેંચીને વિકૃત આનંદ ઉઠાવતા તોફાની છોકરાઓ જોવા છે ? આવી જ ગંદી છોકરમતમાં આ પુખ્ત વયનું શરીર ધરાવતા શેતાનોને ગમે છે. બીજાના માટે ઘસાઈ છૂટવાની વાતો ફક્ત વાતો જ છે. તક મળે તો અહીં બીજાને જ ઘસી નાંખે એવા પાપીયાઓ ડોલમાં ડિટરજન્ટ નાખવાથી ઉઠતા પરપોટાની જેમ ઉભરાય છે.

કોઈ કારણ વિના બસ એમ જ આ અપલખણાઓ સેડિસ્ટ બનીને બીજાને હેરાન કરતા હેવાન બની જાય છે. પેલા કૂતરાની પૂંછડીએ ફટાકડા બાંધતા કે પંખીના પીછાં ખેંચી લેતા ખેપાની ખડૂસોની માફક !
* * *
‘તેં ખોજ જોયું ?’

‘કયું ? પેલું સલમાનખાન ખૂન કરે છે એ જ ને ?’

વર્ષો પહેલાં આવું એક મિત્રને પૂછેલું ત્યારે એણે ભોળા ભાવે એણે આ જવાબ આપેલો. ડોન્ટ વરી, રિશી કપૂર, કીમી કાટકર, ડેની અભિનીત આ ઉમદા સસ્પેન્સ ફિલ્મમાં સલમાનખાન હતો જ નહીં, માટે તમારે ખોજ જોવું હોય તો એની મોજ મરી નહિ જાય. પણ દોસ્તે તો ત્યારે અસલી કાતિલનું નામ આપેલું. આવું જ વિઘુ વિનોદ ચોપરાની ક્લાસિક (કોઈ એની સિક્વલ બનાવો યારો) ‘ખામોશ’નો સસ્પેન્સ એક લેખકે ઇરાદો નહોતો તો યે લેખમાં ખોલી નાખ્યો હતો ! આઇ.પી.સી.ની કોઈ કલમ ન હોય તો ય એ વણલખ્યો ધારો છે કે સસ્પેન્સ થ્રીલર્સ પર લખતી વખતે મર્ડરની મિસ્ટ્રી કે ટેરિફિક ટ્‌વીસ્ટસ ન લખાય ! પણ આવું ઝીણું કાંતે કયો શૂળીએ ચડવાને લાયક જાડો નર (કે નારી !)

માટે એસએમએસ, ફેસબુક, ટ્‌વીટરના જમાનામાં તો આ વાનરોના હાથમાં નીસરણી આવી ગઈ. મર્કટો મદિરાપાન કરીને છાકટા થયા. અદકપાંસળી અપલખણાઓને અટકચાળા કરવા દોડવું’તું ને ઢાળ મળ્યો. આમીરખાનની પ્લોટમાં નહિ, પણ ટ્રીટમેન્ટમાં ઉમદા અને નવતર એવી તલાશ સાથે જ આ જ થયું. કાંસાના થાળી વાટકાઓનો ઘોંઘાટ કરનારાને જલતરંગનું સૌમ્ય મીઠડું ગાન કેમ ગમે ? માટે હુડુડુડુ કરતા આ હુલ્લડખોરોએ તલાશનું સસ્પેન્સ જ લીક કરતા મેસેજીસ, સ્ટેટ્‌સ, ટ્‌વીટ્‌સનો મારો ચલાવ્યો ! એમાં એમને શું મજા પડી એ તો (હ)રામ જાણે, પણ બાકીનાઓને સજા થઈ ગઈ. ફિલ્મોની વાર્તા કહેવાની રેસ લગાવતા મેસેજીઝનો તો આમ પણ ચૂંટણી ટાણે અખબારોમાં છપાતી જાહેરાતો જેવો વિસ્ફોટ થયો છે.

દેશી ભાષામાં કહીએ તો ઘરમાંથી (વાંચો, દેશમાંથી) બહાર (વાંચો, સુધરેલી દુનિયામાં) બહાર કાઢવા જેવા નથી આ નફ્‌ફટ નકટાઓ ! મહાસત્તાઓ કંઈ ફક્ત લશ્કરના શસ્ત્રો, જીડીપીની આવક કે ચકચકિત રોડ-મોલથી બનાય છે, એવું નથી. એ માટેના વાણી, વિચાર, વર્તનની કક્ષા અને સમજ પણ જોઈએ ફિલ્મોના બાલની ખાલ કાઢી લેતી આઇઓડીબી કે રોટન ટોમેટો જેવી વેબસાઇટ્‌સ પર જગત આખાના ફિલ્મ રસિયાઓનો હકડેઠઠ મેળો ભરાયેલો હોય છે. પણ જરાક કશુંક ફિલ્મની વાર્તાને લગતું મહત્ત્વનું જણાવવાનું હોય છે. તરત જ શિસ્તબદ્ધ રીતે રસિકડાંઓ આગળ પહેલાં વોર્નંિગ લાઇન આપે છે, ચેતવણી લખે છે ઃ સ્પોઇલર એલર્ટ !

યાને આગળ વાંચવું હોય તો તમારા જોખમે ને હિસાબે જ વાંચવું. મજા કિરકિરા થાય એવી વાર્તાને ઉઘાડી કરતી વિગતો અપાઈ હશે. વાર્તાનું વસ્ત્રાહરણ કરનારા દુશાસનોથી ખદબદતી આ ભારતભૂમિમાં ‘સ્પોઇલર એલર્ટ’ નામનો તો કોઈ કોન્સેપ્ટ જ નથી. અહીં તો રૂપિયા બચાવા મફતમાં વાર્તા સામે ચાલીને સંભળાવવાવાળા ચપડગંજૂઓ મોજુદ છે.

વાત ફિલ્મની નથી વાત વિવેકની છે. બીજાને આદર આપવાના સૌજન્યની છે. ભારત અને પશ્ચિમ (ફોર ધેટ મેટર ઘણા પૂર્વના ઉત્તમ દેશો પણ) વચ્ચે અંતર કેવળ ભૌગોલિક નથી. એ આ સ્પોઇલર એલર્ટ લખવાની કર્ટસી જાળવીને વાત માંડવી અને સીધેસીઘું ઉંઘુ ઘાલીને બઘું ‘સ્પોઇલ’ કરી નાખવાના ઉદ્દંડ ઉધામા કરવા- એટલો ફરક છે. ભૌગોલિક અંતર (અલબત્ત, ફોરેન ટેકનોલોજીના આવિષ્કારોને લીધે) ઝટ કપાઈ જાય છે. પણ આ ઉછેર, કર્ટસી, રીતભાત, મેનર્સનું અંતર સુપરસોનિક જેટથી કપાય એમ નથી !

અહીં કોઈ ફોટા પાડતું હોય ત્યાં ઠાઠથી લોકો હરાયા ઢોરની જેમ પસાર થઈ જતા હોય છે અને ફોટો પાડવા- પડાવવાવાળા પણ કેમેરા મૂકી દે, ત્યારે એ જ ગોધા ગદર્ભશાહીના મેમ્બર બની જતા હોય છે. વિશ્વના તમીઝવાળા દેશોમાં ગમે તેટલી કાતિલ ઉતાવળ હોય (જ્યાં મિનિટે મિનિટનો હિસાબ ગણાય છે, ઓફિસ કે ટ્રેન સેકન્ડસ પણ લેટ નથી પડતી, ત્યાંની વાત છે !) કોઈ ફોટા પાડતું હોય તો પસાર થનાર રોકાય છે, ખચકાય છે. છોભીલું હાસ્ય વેરીને પછી પસાર થાય છે, કે રિક્વેસ્ટ કરો તો ખુદ ફોટા પાડી દે છે, પણ કદી બીજાના ફોટામાં આડખીલીરૂપ બને એવું તો ભાગ્યે જ જોવા મળે. એક રાહદારી ખાતર વૈભવી કારનો કાફલો પણ બ્રેક મારીને ઊભો રહે, અને એક સિગ્નલખાતર પદયાત્રીઓનો કાફલો પણ થંભી જાય ! ધેટ્‌સ ધ વે, યુ નો રિસ્પેક્ટ ટુ ધ લૉ, ટુ ધ ફેલો હ્યુમન બીઇંગ્સ. સીટિઝન કહેવડાવવું અને બનવું એ બે બાબતો વચ્ચે આ બુનિયાદી ફર્ક છે.

આપણે ત્યાં આ કનડગત કરીને નવરા બેઠાં નડ્યા કરવાની નગ્ન નાલાયકી આગે સે ચલી આતી હૈ ! એસટીની બસમાં બેઠા- બેઠા આગળની સીટનો સ્ક્રૂ સિક્કાથી ખોતરતા હોય ! રળિયામણા હિલ-સ્ટેશનોના પથ્થરથી લઈને ઘરની સામેના પુલ સુધી પોાતના ઇશ્કનો ઇઝહાર કરવા નામો લખતા હોય ! એ બઘું તો જવા દો, પણ સિનેમા- ડીવીડી- ટીવી- યુ ટ્યુબનો યુગ છવાયો નહોતો ત્યારે આ સડેલા સેડિસ્ટો લાયબ્રેરીમા જે સસ્પેન્સ થ્રીલર પુસ્તક હોય એના છેલ્લા પાનાઓ જ ફાડી નાખે ! (આ એસએમએસીયા અડબંગો આવા પરપીડકોની જ નવી ઓલાદ, નેક્સ્ટ વર્ઝન છે !) કાં તો નવીનક્કોર બૂકમાં લીટા કરે, પાને પાને પોતાનું નામ કે કોમેન્ટ લખે, ઉત્સાહી થનગનિયાઓ ચાલુ ફિલ્મે જ જોરશોરથી બાજુવાળા કે વાળીને આગળની કહાનીના દરેક વળાંકની રનંિગ કોમેન્ટ્રી આપતા હોય છે. નહિ તો બાપુજીના બગીચામાં બેઠા હોય એમ જોરજોરથી મોબાઇલ પર ગાંગરતા હોય છે કે ડોલ્બી સાઉન્ડના સ્પીકર કરતા એમના આ મોબાઇલ ભાંભરડા વઘુ લાઉડલી તમારા કાને અથડાય ! અને એ પસંદ ન પડે તો ય બાકીની બીકણબિલાડી, ડરપોક કે ફોશી, નીંભર અને નબળી પ્રજા એ સહન કર્યા કરે છે, પણ ! સંગઠ્ઠિત અવાજ નથી ઉઠાવતી ! કપડા કે વાળ ખરાબ કરતા આ વાયડા વાંદરાઓના હાથમાં નવું નવું લેસર પોઇન્ટર આવ્યું ત્યારે ચાલુ ફિલ્મે સ્ક્રીન પર લાલ ટપકાઓથી રમતા કે હીરો- હીરોઇનના અંગઉપાંગનોને લેસર ગનથી અડતા હોય એવા ચાલુ ચેનચાળા કરતા ! ઇનશોર્ટ, આ જમાત જ એવી જંગલી છે કે, જે કંઈ ઉપયોગી હોય એમાંથી બીજાઓને પરેશાન કરવાનું ટાઇમપાસ યાને ‘ટીપી ટેરરિઝમ’ શોધી કાઢે છે. ઉત્ક્રાંતિમાં એ હજુ ભજનો સાંભળ્યા અને માળાઓ ફેરવ્યા પછી યે વાનર જ રહ્યા છે, માણસ બન્યા જ નથી ! કોઈની સળી કરવી એમને બહુ ‘ગળી’ પ્રવૃત્તિ લાગે છે.

અને આ જ આપણી લોકશાહીના અસલી મતદાતાઓ છે. આ જ કહેવાતા શાણા, સમજદાર મતદારના અંચળા હેઠળ ઉભરાતા ટપોરી ટોળાઓ છે. જાડી બુદ્ધિ અને ટૂંકી દ્રષ્ટિ એમના જેવા જ મવાલી મિડિયોકેર નેતાઓ એમને મળી રહે છે. ગમે તેટલી ડાહીડાહી વાતો થાય, આ વાનરવેડા કરતી જંગલી વેજાંઓ જ ભારતમાં લોકશાહીને લોક લગાવીને ચૂંટણીની ચટણી કરવા બેઠી છે. નખ્ખોદિયા, ઘોરખોદિયાઓને ખુદ પાઠ ભણાવવાની જરૂર છે, એ નપાવટ- નઘરોળ નેતાઓને શું સબક શીખવાડવાના.
ઝંિગ થંિગ
લોકશાહી ‘વોટંિગ’ પર નહિ, ‘કાઉન્ટંિગ’ પર ચાલે છે. (ટોમ સ્ટોયાર્ડ)

Advertisements

One comment

  1. જય વસાવડા એ અમેરિકામાં જ રહેવું જોઈએ તો જ એનો ઉદ્ધાર થવાનો છે. યુ.પી.એસ.સી માં ફેલ થયા પછી બિચારાનું મન ભારત પરથી ઉઠી ગયું છે એટલે જેમ ફાવે તેમ ભારત વિશે બકવાસ કરે છે. અમેરિકાની વાતો સારી છે ત્યાં કોર્પોરેટ સેક્ટરમાં પોલીટીક્સ રમાય છે કે નહિ તે જાણે છે? અને ગુલામીમાં થી બહાર આવતું ભારત છે એને સમય તો લાગશે જ.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s