એક વિસર્જિત ગણપતિની મુલાકાત–બોલ્યુંચાલ્યું માફ – ઉર્વીશ કોઠારી-ગુજરાત સમાચાર “શતદલ” પૂર્તિમાંથી

એક વિસર્જિત ગણપતિની મુલાકાતબોલ્યુંચાલ્યું માફ – ઉર્વીશ કોઠારી

ગણપતિના વાર્ષિક સ્થાપન-વિસર્જનનો કાર્યક્રમ પૂરો થયો. શાંતિપ્રેમી નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો. કેવો રહ્યો આ વખતનો ગણેશ-ઉત્સવ? એ જાણવા માટે ખુદ ગણેશજીનો સંપર્ક કર્યો. એ બહુ કષ્ટ લેવા માગતા ન હતા, એટલે સ્વપ્નમાં મુલાકાત આપવા તૈયાર થયા.
***
પ્રઃ નમસ્કાર, ગણેશજી.
ગણેશઃ હેં? શું? શું કહ્યું?
પ્રઃ પ્રણામ..નમસ્કાર..પ્રભુ.
ગણેશઃ શું? શું કહ્યું? સહેજ મોટેથી બોલ, ભાઇ. આટલા દહાડા ડીજેનો ત્રાસ સહન કરીને કાનમાં બહેરાશ આવી ગઇ છે.
પ્રઃ (મોટેથી) ગણેશજી, તમારી મુલાકાત માટે વાત કરી હતી ને…
ગણેશઃ હા, આવ ભાઇ. બેસ અહીં. તું કંઇ કહે એ પહેલાં હું તને કહી દઉં. મારો મત નીકળ્યો નથી, એ તને ખબર છે ને?
પ્રઃ હા, વળી. ભગવાનના નામે મત ઉઘરાવવાના હોય. એમના પોતાના તે કંઇ મત હોતા હશે? પણ કેમ તમે મતની વાત યાદ કરી?
ગણેશઃ ચૂંટણી નજીક હોય ત્યારે કોઇ મળવા આવે તો પહેલાં ચોખવટ કરી લેવી. આટલા દિવસ તમારી જોડે રહીને શીખ્યો છું.
પ્રઃ રાજકારણમાં આ વખતે વિઘ્નો બહુ છે. વિઘ્નહર્તાઓ પોતે મુશ્કેલીમાં છે, પણ જવા દો. આપણે ફક્ત તમારી વાત કરવાની છે. એટલે ‘(ચૂંટણીમાં) આ વખતે શું લાગે છે?’ એવું તમને નહીં પૂછું. ગણેશ ઉત્સવમાં તમને કેવું લાગ્યું, એ જાણવું છે.
ગણેશઃ (અચાનક મોટેથી ગાવા માંડે છે) ઉલાલા, ઉલાલા..અબ મેં જવાં હો ગઇ..ઢંિકચિકા…ઢંિકચિકા…અનારકલી ડિસ્કો ચલી..બડે દિનોંકે બાદ મિલી હૈ યે દારુ…કાલા કૌઆ કાટ ખાયેગા (અને ગાતાં ગાતાં અચાનક ઢળી પડે છે.
પ્રઃ (ઢંઢોળતાં) પ્રભુ..ગણેશજી…
(થોડી વારે ગણેશજી ડોકું સહેજ આમતેમ ઘુણાવીને, સ્વસ્થતાથી બેઠા થાય છે, પણ તેમની આંખો કોઇને શોધતી હોય એવું લાગે છે.)
પ્રઃ પ્રભુ, હવે કેમ લાગે છે? કોને શોધો છો? બોલાવું કોઇને?
ગણેશઃ ના, કોઇને નહીં. બસ, ઠીક છે. મને વિસર્જિત કરી દીધો ત્યારથી સારું લાગે છે. તમારા બધાના ત્રાસમાંથી છૂટ્યો. આ બધાં ઢંગધડા વગરનાં ગાયનો સાંભળવાનાં મટ્યાં. ખરેખર, આ વખતે હું ગળે આવી ગયો હતો. એમ થતું હતું કે ક્યારે મારું વિસર્જન થઇ જાય ને પાર આવે.
પ્રઃ કેમ પ્રભુ? રસ્તે રસ્તે તમારી સ્થાપના થઇ હતી. લોકો તમને કેટલા માને છે. તમારામાં લોકોને કેટલી શ્રદ્ધા છે…
ગણેશઃ મારામાં એટલે મારી સહનશક્તિમાં- એવું કહેવા માગે છે ને? મને તો એવું જ લાગે છે. લોકો માને છે કે એ મારા નામે રસ્તા વચ્ચે ઘોંઘાટ કરશે, ટ્રાફિક જામ કરશે, કાન ફાડી નાખે એવા અવાજે ગમે તેવાં ગાયન વગાડશે, દારૂ પીને કે પીધા વગર છાકટા થઇને ચિચિયારીઓ પાડશે- નાચશે અને પછી ‘ગણપત્તિ બાપ્પા મોરિયા’નો સૂત્રોચ્ચાર કરશે એટલે હું પ્રસન્ન થઇ જઇશ? તમે લોકો મને શું સમજી બેઠા છો? મારું માથું હાથીનું છે, એટલે બુદ્ધિ પણ હાથીની કાયા જેવી જાડી છે, એમ? (ફરી કોઇને શોધતા હોય તેમ આજુબાજુ જુએ છે.)
પ્રઃ અરે, તમે તો નારાજ થઇ ગયા..
ગણેશઃ હજુ તો ફક્ત શબ્દોથી નારાજ થયો છું. મન તો એવું થાય છે કે મારા નામે ચરી ખાનારાં તમારાં બધાં ડીજે-ફીજે ને દારૂડિયાઓને જમીન પર ગબડાવીને, તેમનાથી ફૂટબોલ રમું.
પ્રઃ પ્રભુ, તમારી વાત સાચી, પણ તમારા મોઢે આવા હંિસક વિચારો શોભતા નથી.
ગણેશઃ મેં ના જ પાડી હતી મારા સેક્રેટરીને કે વિસર્જન પછી તરત કોઇની સાથે ઇન્ટરવ્યુ ગોઠવતો નહીં…મારા નામે ચાલતા ગોરખધંધા જોઇને એવી તો બળતરા થાય છે કે એક વાર તો મને વિચાર આવી ગયો, મારો ઉંદર છૂટો મૂકીને બધા વાયર કાતરી નખાવું.
પ્રઃ તમે ખરેખર બહુ દુઃખી થયા છો.
ગણેશઃ જરા વિચાર તો કર. મારી મૂર્તિ સામે માતાજીના ગરબા ગાય. મને ખબર છે કે ગુજરાતી પ્રજાને ગરબા ગાવા માટે જરાસરખી ઉશ્કેરણી પણ પૂરતી છે. તમારે જે કરવું હોય તે કરો. ગરબા ગાવા હોય તો ગરબા ગાવ ને સ્ટ્રીપ ટીઝ કરવી હોય તો એ કરો, પણ મને વચ્ચે શું કામ લાવો છો?
પ્રઃ અરરર…
ગણેશઃ તું આમ ડચકારા બોલાવવાનું બંધ કર. ક્યારનો જોઉં છું કે તું મને અહંિસાના પાઠ શીખવાડે છે, પણ પેલા ડફોળોને તે કંઇ કહ્યું?
પ્રઃ કયા ડફોળો, પ્રભુ? અમારે ત્યાં બહુ વૈવિઘ્ય છે, એટલે ચોખવટપૂર્વક કહો.
ગણેશઃ મારા નામે સામુહિક આતંક ફેલાવનારા. બીજા કયા? મારી મૂર્તિ આગળ ‘નાગિન’નું મ્યુઝિક વગાડીને ડાન્સ કરનારાને જોઇને ઇચ્છા તો એવી થાય છે કે…(આમતેમ નજર દોડાવે છે)
પ્રઃ કોઇને બોલાવું, પ્રભુ?
ગણેશઃ ના, જરૂર નથી. મને હવે તમારે ત્યાં આવતાં કે તમારી મદદ લેતાં પણ બીક લાગે છે. પહેલાં મુંબઇના ગુંડા મારી પાછળ પડ્યા હતા. કહેતા હતા કે મારા ભગત છે. કેમ જાણે, મારો ધંધો દાણચોરી ને સોપારી લેવાનો હોય.
પ્રઃ ગેંગસ્ટરોને હશે કે આ ભગવાન પણ આપણી જેમ માથાની પરવા કર્યા વિના, પોતાનું ધાર્યું કરતા હતા અને એમને જીવતદાન પણ મળી જતું હતું. એટલે એમની ભક્તિ કરો.
ગણેશઃ સારી જોક છે, પણ મને જરાય હસવું ન આવ્યું. હું ભારતનો ભગવાન છું- ભારતનો નાગરિક નથી. રડવાની જગ્યાએ હસવાનું હજુ મને બહુ ફાવતું નથી. હવે હું તને એક સવાલ પૂછું. આ લાલબાગનો શો મામલો છે?
પ્રઃ ‘લાલબાગચ્યા રાજા’ની વાત કરો છો પ્રભુ? એ તો તમારો સુપરહિટ-સુપરસ્ટાર અવતાર છે અને તમને જ એની ખબર નથી?
ગણેશઃ આવી વિકૃત બુદ્ધિ તો તમને માણસોને જ સૂઝે. હું એકનો એક, પણ મારો મોભો બધે જુદો જુદો. પૈસાવાળાને ત્યાં વધારે ને ગરીબને ત્યાં ઓછો. તમે મને શાકભાજી સમજો છો કે આની કંિમત જમાલપુર માર્કેટમાં ઓછી ને આંબાવાડી બજારમાં વધારે? ડીજે લાવે એની ભક્તિ વધારે ને શાંતિથી ભજન ગાય તેની ભક્તિ ઓછી?
પ્રઃ ના, એવું તો નથી પણ બધાની પ્રેમની અભિવ્યક્તિ જુદી જુદી હોય.
ગણેશઃ ખરી વાત છે, પણ પહેલાં ચોખવટ કર. પ્રેમ કોના માટેનો? મારા માટેનો? કે નાચકૂદનો-ઘોંઘાટ કરવાનો-સરેઆમ ધમાલ મચાવવાનો- રસ્તા વચ્ચે ગરબા ગાવાનો- ધાર્મિક લાગણીના નામે ઘ્વનિપ્રદૂષણ ફેલાવવાનો?
(ગણેશજી ફરી ડોક ઊંચી કરીને આમતેમ જોવા માંડે છે)
પ્રઃ પ્રભુ, હું ક્યારનો જોઉં છું કે તમે કોઇને શોધો છો અથવા કોઇની રાહ જુઓ છો. મને ખરું કહો, તમે કોની રાહ જુઓ છો?
ગણેશઃ હું ક્યારનો તને કહેતો ન હતો, પણ હું લોકમાન્ય ટિળકની રાહ જોઉં છું. એમણે લોકોમાં રાષ્ટ્રિય ભાવના જાગ્રત કરવા માટે મારા નામે તહેવારની ઉજવણી શરૂ કરી, ત્યારે આ દિવસે જોવાનો આવ્યો ને? એમનો આશય સારો હતો, પણ આપણી પ્રજાને તે નહોતા ઓળખતા? ક્યારનો મેં માણસ મોકલ્યો છે એમને બોલાવવા…
પ્રઃ લો, આ આવ્યા ટિળક મહારાજ…

(એ સાથે જ સ્વપ્ન-મુલાકાત પૂરી થઇ. આંખ ખુલી ત્યારે આજુબાજુ એક ઉંદર દોડતો હતો. કદાચ સ્પીકરનો વાયર શોધતો હશે.)

( જાહેર માર્ગો ઉપર ગંદકી-ઘોંઘાટ વડે આતંક ફેલાવનારાને અર્પણ –અરવિંદ અડાલજા )

Advertisements

One comment

  1. વાહ્હ….. સરજી………. ખુબ જ સરસ સ્વપ્ન……….. આવા અલગ અલગ દેવી-દેવતાઓ જોડે સ્વપ્ન સંવાદની હારમાળા બનાવી દો સરજી……. મજ્જા આવશે અને ઘણાની આંખો કદાચ ખુલી જાય,,,,,,,,ટીળકજી જોડે પણ થોડો સંવાદ બીજા સ્વપ્નમાં જોડી દેવા વિનં કરુ છુ,

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s