એક લાખ છ્યાસી હજાર કરોડમાં મીંડાં કેટલાં? ….. હવામાં ગોળીબાર – મન્નુ શેખચલ્લી

એક લાખ છ્યાસી હજાર કરોડમાં મીંડાં કેટલાં? ….. હવામાં ગોળીબાર – મન્નુ શેખચલ્લી

આજના કૌભાંડોનું ગણિત સમજવું સહેલું નથી. તમે બારમામાં મેથ્સ લીધું હોય તો પણ…
અમારું ગણિત કાચું છે.

હું પ્રાઇમરી સ્કુલમાં હતો ત્યારે સ્લેટ પર સરવાળા બાદબાકી કરતો હતો. પછી હાઇસ્કુલમાં આવ્યો ત્યારે નોટબુકમાં બોલપેન વડે ગુણાકાર ભાગાકાર કરતો હતો. પણ પછી જેવું બીજગણિત (એલ્જીબ્રા) આવ્યું કે તરત લોચા પડવા લાગ્યા.

કારણકે કોઇપણ રકમને ‘ધારી લેવાની’ આવડત જ મારી મગજમાં નહોતી.
પરંતુ આજકાલ બહુ મોટી મોટી રકમો આપણે ધારી લેવી પડે છે. દાખલા તરીકે કોયલા-કૌભાંડના એક લાખ છ્યાસી હજાર કરોડ રૃપિયા! સાલું, અહીં એક લાખ ‘ધારણ’ કરવાના ફાંફાં છે ત્યાં એક લાખ છ્યાસી હજાર કરોડને ‘ધારી’ શી રીતે લેવાના?

‘કેગ’વાળા સાહેબોનું બીજગણિત પાકું હશે. એમણે એમની નોટમાં લખ્યું હશે… ધારોકે કોયલા કૌભાંડની કુલ રકમ ‘એક્સ’ છે. પછી એક્સ ઈન્ટુ વાય, એ ઈન્ટુ બી, સી ડિવાઇડેડ બાય ડી, અન્ડર એ-વન માઇનસ ડી-ટુ, ઈન્ટુ બ્રેકેટ મલ્ટીપ્લાઇડ બાય, ડિવાઇડેડ બાય, રેઇઝડ ટુ… એમ કરીને કોઇ લાંબી લચક ”ફોર્મ્યુલા” વડે આ જવાબ શોધી કાઢ્યો હશે!

અહીં આપણને તો હજી એ વિચારવું પડે છે કે બોસ, એક લાખ રૃપિયા એટલે કેટલા? એમાં સો-સોની કેટલી નોટો હોય?
શું કહ્યું? હજાર નોટો?
તો પછી એક કરોડ એટલે કેટલી નોટો?
શું કહ્યું? એક લાખ નોટો?!!

મારી નાંખ્યા! તો પછી આ તો બે પાંચ કરોડ નહિ, પુરા એક લાખ છ્યાસી હજાર કરોડની વાત છે. એમાં સો-સો વાળી કેટલી નોટો આવે?
જોયું? તમે બી ગુંચવાઇ ગયા ને!

આવું જ થાય છે. રાજીવ ગાંધીના જમાનામાં બધું સિમ્પલ હતું? જાણે રીક્ષાનું ભાડું ચુકવતા હોઇએ એવું…
”ભઇ કેટલા થયા?”
”ચોંસઠ કરોડ.”
”કેટલા? ચોંસઠ કરોડ?”
”મીટર જોઇ લો. ચોંસઠ જ છે.”
”ઠીક છે. પણ છૂટા નથી. લે, આ સો કરોડ.”
”મારી કને બી છૂટા નથી. લો, આ પાંત્રીસ કરોડ છે. એક કરોડ છૂટા નથી.”
”અરે જા જા, ચાલતું હશે? તું દસ દસ કરોડની ચાર નોટો આપ. હું તને ચાર કરોડ છૂટા આપું છું.”
”લાવો ને બોસ! હું તો સવારથી છૂટ્ટા જ શોધું છું.”
”લે, આ બે કરોડ… અને… આ પાછલા ખિસ્સામાંથી એક કરોડ નીકળ્યા… અને… અને… આ મળ્યા, મળ્યા, પચાસ-પચાસ લાખના બે સિક્કા મળ્યા! લે, હવે બરોબર?”
”થેન્ક યુ હોં?”

– બોલો, કેટલું સિમ્પલ હતું, નહિ! પણ આજે જમાનો બદલાઇ ગયો છે. આજે કોઇ પણ આંકડો સીધા સાદા કરોડના હિસાબમાં હોતો જ નથી. કરોડની આગળ કાં તો હજાર લાગે છે કાં તો લાખ લાગે છે.

પેલા મધુ કોડાએ કેટલા કરોડનું કર્યું? ચાર હજાર કરોડનું અને સુરેશ કલમાડી? સાંઇઠ હજાર કરોડ. ઓકે, પેલું ટુ-જી વાળું કેટલા કરોડનું હતું?… વેલ, એ વન પોઇન્ટ સિક્સ્ટી એઇટ લૅક-ક્રોરનું હતું!
એક મિનીટ, એક મિનીટ, આ ‘લૅક-ક્રોર’ એટલે કેટલા? તો કહેશે, ડૉન્ટ વરી યુ કાઉન્ટ લાઇક ધીસ. ઇટ ઇઝ એઇટીન હંડ્રેડ સિક્સ્ટી બિલીયન રૃપિઝ.
પત્યું? આખી વાત મિલીયન, બિલીયન અને ટ્રીલીયનમાં જતી રહી! તમે કહો કે ભાઇ, ઊભા રહો, આ એક બિલીયનમાં મીંડાં કેટલાં આવે? તો કહેશે, ફરગેટ ઇટ. યુ જસ્ટ ઍઝ્યુમ, ઇટ ઇઝ રફલી થર્ટી એઇટ બિલીયન ડૉલર્સ ઓન્લી!
‘હેં? માત્ર આડત્રીસ બિલીયન ડૉલર?’
એક મિનીટ યાર, મેઇન સવાલ પર પાછા આવો!

આ એક લાખ છ્યાસી હજાર કરોડ રૃપિયા એટલે સો-સો વાળી નોટો કેટલીઇઇઇ?
જોયું? ગુંચાવાઇ ગયા ને?

બાકી, નરસિંહરાવના જમાનામાં બી કેટલું સહેલું હતું? હર્ષદ મહેતાએ એક બેગમાં એક કરોડ રૃપિયા પૅક કરીને આપણને ટીવીમાં બતાડેલું! કેટલું ઇઝી લાગતું હતું, નહિ?
હવે ઇમેજીન કરો કે, સાલી, એક લાખ છ્યાસી હજાર બેગો એકવાર ટીવી પર બતાડે તોય, આપણે ગણીએ શી રીતે?

અમારી આ કૌભાંડીઓને એક રિક્વેસ્ટ છે, કે પ્લીઝ, તમે કૌભાંડ કરો તો ‘રાઉન્ડ ફીગર’માં કરો. અમને જરા આઇડિયા તો આવે?

જોકે એ હિસાબે આપણા મુખ્યમંત્રીશ્રી બિચારા સીધા છે. એ ‘ખાતા નથી અને ખાવા દેવા નથી’ એ વાત અલગ છે, પણ એમનો હિસાબ કેટલો સિમ્પલ હોય છે! હમણાં જ ટીવીમાં એમને એવું બોલતા સાંભળ્યા કે આદિવાસીઓના ઉત્કર્ષ માટે એમણે ૨૫૦૦ કરોડ ખર્ચી નાંખ્યા છે. વાઉ. વેરી ગુડ
એનો મતલબ એ થયો કે જો ગુજરાતમાં ૨૫૦૦ આદિવાસીઓ હોય તો દરેકને એક એક કરોડ મળે! પણ આદિવાસીઓ તો વધારે છે. કેટલા હશે? ૨૫૦૦૦? જો એવું હોય તો દરેક આદિવાસીને દસ-દસ લાખ મળે. વાઉ. વેરી ગુડ.

પણ કદાચ આદિવાસીઓ એનાથી પણ વધારે છે. અઢી લાખ હશે? તો એ હિસાબે દરેક આદિવાસીને કેટલા મળ્યા? એક એક લાખ રૃપિયા? વાઉ!! વાઉ!!
પછી વિચાર આવે કે બૉસ, એક આદિવાસીને જો એક લાખ મળે તો બિચારાની લાઇફ બની જાય!

ચલો, માની લો કે આદિવાસીઓ કુલ અઢી ને બદલે પાંચ લાખ છે. તોય ૫૦-૫૦ હજાર મળે!
પણ અલ્યા, ક્યારે મળ્યા? કોણે આપ્યા? આપણા મુખ્યમંત્રીજીએ તો એમને એક એક સાઇકલ કે એક એક સીવવાનો સંચો એવું બધું જ આપેલું! બાકીના રૃપિયા ગયા ક્યાં?
આ તો લોચો!

જોયું? તમે અમારી જેમ નોટમાં બોલપેનથી ગણિત ગણો તો જ આંકડાઓમાં થોડીઘણી સમજ પડે છે. બાકી તો આપણા મુખ્યમંત્રીજી ‘પચ્ચીસ લાખ કરોડ’ રૃપિયાના એમઓયુ કરીને બેઠા છે! વરસોથી!

– હવે, બોલો, પચ્ચીસ લાખ કરોડમાં સો-સો વાળી કેટલી નોટો હોય?

ગણો? ગણો?….

( ગુજરાત સમાચાર દૈનિક 13, સપ્ટેમ્બર 2012ને ગૂરુવારની આવૃતિમાંથી સાભાર સૌજન્ય સાથે‌ )

Advertisements

2 comments

 1. ખુબ ચોટદાર લેખ છે. તમારા દિલમાં કેટલી આગ હશે ત્યારે આવો વ્યંગ નીકળ્યો એ હું સમજી શકું છુ.

  હવે લાગે છે ફુગાવાની અને મોંઘવારીની અસર ભ્રસ્ટાચાર ઉપર થાય છે. અને કોમન સેન્સ લગાવુ તો ભ્રસ્ટાચરનુ અંતીમ બીદુ એટલે રીયલ એસ્ટેટ. એટલે મોંઘવારી એટલી જ જેટલી રીયલ એસ્ટેટમાં.

  મને યાદ છે ૨૦૦૩ માં મે 5૦૦ Rs sqft ના ભાવે જમીન લીધી હતી તે ૨૦૧૦ સુધીમાં ૫૦૦૦Rs sqft.
  એટલે કે લગભગ દસ ગણી. બોફોર્સથી અત્યાર સુધીની આ મોંઘવારી ગણીએ તો આશરે 100 ઘણી હશે. ૬૪ ગુણ્યા સો એટલે કે ૬૪૦૦ કરોડ. તોય કેટલો બધો ફરક પડે છે.

  Like

 2. અરવિંદ ભાઈ ,
  સાચું કહું ? હવે તો કૌભાંડોની વાત વાંચીને ઊબકા આવે છે. સત્તા પરના લોકોની લાલસા વધતી જ રહી છે – અને સત્તાનો દુરૂપયોગ ચેક નીચલી કક્ષા સુધી વ્યાપ્યો છે. અહી અમેરિકામાં કમસે કામ નીચલા સ્તરે તો પ્રામાણીકતા ટકી છે. અને સામાન્ય માણસ આ બાબત કશું કરી શકે તેવું કૌવત ગુમાવી બેઠો છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s