“ સત્યના પ્રયોગો “———-વિલાયતમાં થયેલા ધાર્મિક પરિચયો અને પ્રાર્થના ! લેખાંક ( ૫ )

“ સત્યના પ્રયોગો “———-વિલાયતમાં થયેલા ધાર્મિક પરિચયો અને પ્રાર્થના ! લેખાંક ( ૫ )

ગાંધીજીના વિલાયતમાં એક વર્ષના વસવાટ દરમિયાન બે થિયોસોફિકલ મિત્રોની ઓળખાણ થઈ. બંન્ને સગાભાઈઓ હતા, અને અવિવાહિત હતા. તેઓ એડવિન આર્નલ્ડનો ગીતાજીનો અનુવાદ વાંચતા હતા .તેઓએ ગાંધીજીને સંસ્કૃતમાં વાંચવા તેઓની સાથે જોડાવા કહ્યું, ગાંધીજી શરમાયા, કારણ તેઓએ ગીતા વાંચી જ ના હતી. આમ આ ભાઈઓની સાથે ગાંધીજીએ ગીતા વાંચવાની શરૂ કરી.

“ વિષયોનું ચિંતવન કરનારા પ્રથમ તેને વિશે સંગ ઉપજે છે. સંગથી કામના જન્મે છે,કામનાની પાછળ ક્રોધ આવે છે, ક્રોધમાંથી સંમોહ, સંમોહમાંથી સ્મૃતિભ્રમ અને સ્મૃતિભ્રમમાંથી બુધ્ધિ નાશ પામે છે, જે અંતે તે પુરૂષનો પોતાનો નાશ થઈ જાય છે. “
આ શ્ર્લોકે તેમના મન ઉપર ઊંડી અસર કરી. ભગવદ ગીતા અમૂલ્ય ગ્રંથ છે એમ લાગ્યું અને તે માન્યતા ધીમે ધીમે વધતી ગઈ. તત્ત્વજ્ઞાન સાટું ગીતાને સર્વોત્તમ ગ્રંથ ગણવા લાગ્યા. તેમના નિરાશાના સમયે ગીતાએ અમૂલ્ય સહાય કરી.

આજ ભાઈઓએ આર્નાલ્ડનું “ બુધ્ધ ચરિત્ર “ વાંચવા ભલામણ કરી અને ગીતાના અનુવાદ ઉપરાંત “બુધ્ધ ચરિત્ર” વધારે રસથી વાંચ્યું. આ ભાઈઓએ બ્લેવેટ્રસ્કી લોજમાં મેડમ બ્લેવેટ્ર્સ્કીના દર્શન કરાવ્યા ને મિસિસ બ્લેંટના પણ દર્શન કર્યા. ગાંધીજીને તેમની સોસાયટીમાં દાખલ થવા સુચવ્યું. જેનો ગાંધીજીએ તેથી “ મારું ધર્મ જ્ઞાન કંઈ જ નથી, તેથી હું કોઈ પણ પંથમાં ભળી જવા નથી ઈચ્છતો “ તેમ કહી અસ્વીકાર કર્યો. તેમના સુચવ્યાથી “ કી ટુ થીઓસોફી “ પુસ્તક વાંચ્યું. તેથી હિંદુ ધર્મના પુસતકો વાંચવાની ઈચ્છા જાગી, અને હિંદુ ધર્મ વહેમોથી ભર્યો છે એવો અભિપ્રાય પાદરીઓ પાસેથી સાંભળવા મળતો તે દૂર થયો.

એક ભલા ખ્રિષ્તી અન્નાહારી માંચેસ્ટરમાં મળ્યા જેઓએ જણાવ્યું કે, “ હું પોતે અન્નાહારી છું. મધ્યપાન પણ નથી કરતો, ઘણાં ખ્રિષ્તીઓ માંસાહાર અને મધ્ય પાન કરે છે, એ સાચું,પણ તેમાંથી એક વસ્તુ લેવાની ધર્મમાં ફરજ નથી. તમે બાઈબલ વાંચો તેવી ભલામણ કરું છું “ તેઓએ બાઈબલ ખરીદી ગાંધીજીને આપ્યું, ગાંધીજી “જૂનો કરાર “ વાંચીનહિ શક્યા. વાંચ્યું તેમ કહેવા ખાતર રસ વિના ને સમજ્યા વિના કષ્ટ પૂર્વક વાંચ્યું. “નંબર્સ “ નામના પ્રકરણ વાંચતા અણગમો પણ થયો.

“ નવા કરાર “ વાંચતા જુદી અસર થઈ. ઈશુના ગિરિ પ્રવચનની અસર બહુ સારી થઈ. હ્ર્દયમાં ઉતાર્યું. ગીતા સાથે સરખામણી થતી રહી. જમણે ગા“ તારું પહેરણ માંગે તો અંગરખું આપજે “, “ તને જ્મણા ગાલે તમાચો મારે તેના આગળ ડાબો ધરજે “ એ વાંચતા અપાર આનંદ અનુભવ્યો. ત્યાગમાં ધર્મ છે એ વાત મનને ગમી. કાર્લાઈલનું “ વિભૂતિઓ અને વિભૂતિ પુષ્પ “ વાંચ્યું. પરીક્ષાના પુસ્તકો ઉપરાંત બીજું વાંચવાની નવરાશ ન મળી પણ ધર્મ પુસ્તકો વાંચી મુખ્ય ધર્મોનો પરિચય મેળવી લેવો જોઈએ તેવી મનોમન નોંધ કરી.

નાસ્તિકતાના પણ પુસ્તકો-વિશેષમાં બ્રેડલો વિષે કે જે નાસ્તિક ગણાતો- વાંચ્યા. બ્રેડલોનો દેહાંત થતા તેની અંતિમક્રિયામાં હાજર રહેલા કેટલાક પાદરીઓ તેને માન આપવા હાજર રહેલા. બધા એક જગ્યાએ ટ્રેનની રાહ જોતા હતા ત્યાં આ ટોળામાંના એક નાસ્તિકવાદીએ એક પાદરીની ઉલટ તપાસ શરૂ કરી.” કેમ સાહેબ, તમે કહો છો ના કે ઈશ્વર છે ? પેલા માણસે ધીમેથી જવાબ આપ્યો “ હા, હું કહું છું ખરો “ પેલો હસ્યો અને પાદરીને મ્હાત કરતો હોય તેમ કહ્યું “વાહ , પૃથ્વીનો પરિઘ 28000 માઈલ છે એ તો કબૂલ કરો છો ને ?”
“ અવશ્ય. “
“ ત્યારે કહો જોઈએ ઈશ્વરનું કદ કેવડૂંક હશે ? ને તે ત્યાં ક્યાં હશે ? “
“આપણે સમજીએ તો આપણાં બંનેના હ્રદયમાં તે વાસ કરે છે “

“બાળકોને ફોસલાવો બાળકોને “ કહી પેલાએ આસપાસ ઉભા હતા તેમની સામે વિજયી નજરે જોયું. પાદરીએ નમ્ર મૌન ધારણ કર્યું. આ સંવાદે ગાંધીજીનો નાસ્તિકવાદ તરફ અણગમો વધાર્યો.

ગાંધીજી કહે છે કે, “ નાસ્તિક જ્યારે અકસ્માતમાંથી બચે છે ત્યારે કહે છે કે હું પોતે અકસ્માતમાંથી બચી ગયો. આસ્તિક એવે પ્રસંગે કહેશે કે મને ઈશ્વરે બચાવ્યો.”

આવા બૌધ્ધિક ધર્મજ્ઞાનનો મિથ્યાત્વનો અનુભવ વિલાયતમાં મળ્યો. પોતાનો એક અનુભવ જણાવતાં લખે છે કે, 1890ની સાલ વિલાયતના વસવાટની છેલ્લી સાલમાં પોર્ટ્સ્મથમાં અન્નાહારીઓનું સંમેલન હતું. તેમાં તેઓ અને એક હિત મિત્રને આમંત્રણ હતું. બંને ત્યાં ગયા અને ત્યાં એક બાઈને ત્યાં ઉતારો હતો.પોર્ટ્સ્મથ ખલાસીઓનું બંદર ગણાય છે. ત્યાં ઘણાં ઘરો દુરાચારણી સ્ત્રીઓના હોય છે.

રાત પડી. સભામાંથી ઘેર આવ્યા. જમીને પાના રમવા બેઠા. વિલાયતમાં મહેમાનો સાથે ગૃહિણી પાના રમવા બેસે-નિર્દોષ આનંદ સહુ કરે. પરંતુ અહિ બિભત્સ વિનોદ શરૂ થયો. તેમને પણ આ વિનોદમાં રસ પડ્યો,. તે પણ ભળ્યા, પાના એક બાજુ રહી, ચેન ચાળા શરૂ થયા અને તેના સાથીએ ટપાર્યા- “ અલ્યા, તારામાં આ કળજુગ કેવો, તારું એ કામ નહિ, તું ભાગ અહિં થી ” શરમાયા-ચેત્યા અને મિત્રનો ઉપકાર માની મા પાસે લીધેલી પ્રતિજ્ઞા યાદ કરી ભાગ્યા. જીવનનો આવો પહેલો પ્રસંગ હોઈ, રાત ઊંઘ વિના ગઈ. અનેક વિચારોએ હુમલો કર્યો. “ ઘર છોડું ? ભાગું ? હું ક્યાં છું ? હું સવધાન ના રહું તો મારા શા હાલ થાય ? “ સંમેલન બે દિવસ હોવા છતાં તેઓએ વહેલું છોડ્યું.

“ ધર્મ શું છે ? ઈશ્વર શું છે ? તે આપણામાં કેવી રીતે કામ કરે છે તે કોઈ જાણતા નથી તેમ છતાં ઈશ્વરે બચાવ્યો “ એમ બૌધ્ધિક રીતે સમજ્યા અને “ઈશ્વરે ઉગાર્યો “ એ વાકયનો અર્થ સમજતા થયા તેમ છતાં એ વાકયની પૂરી કિંમત આંકી શકાઈ નથી, અનુભવે જ તે અંકાય. વધુમાં જણાવે છે કે, “ ઘણાં આધ્યાત્મિક પ્રસંગોમાં, વકિલાતના પ્રસંગોમાં, સંસ્થાઓ ચલાવવામાં, રાજ્યપ્રકરણમાં , હું કહી શકું છું કે, મને” ‘ ઈશ્વરે બચાવ્યો છે’.

પ્રાર્થના

ગાંધીજી કહે છે કે . “જ્યારે બધી આશા છોડીને બેસીએ, બંને હાથ હેઠા પડે, ત્યારે ક્યાંકને ક્યાંકથી મદદ આવી પડે છે.” “ સ્તુતિ, ઉપાસના, પ્રાર્થના એ વહેમ નથી; પણ આપણે ખાઈએ છીએ, ચાલીએ બેસીએ છીએ, એ બધું જેટલું સાચું છે, તેના કરતાં ય એ બધાથી સાચી વસ્તું છે. બીજું બધું ખોટું છે એમ કહેવામાં અતિશયોકતિ નથી.”“ આવી ઉપાસના, આવી પ્રાર્થના, એ કંઈ વાણીનો વૈભવ નથી. તેનું મૂળ કંઠ નથી, પણ હ્ર્દય છે.”

ઈશ્વરની પ્રાર્થના કર્યા કરવી એ મહત્ત્વનું કાર્ય છે. ખરા અંતઃકરણથી ઈશ્વરને સંપૂર્ણ સમર્પિત થઈ પ્રાર્થના કરવામાં આવે તો ઈશ્વર સહાય કરવા આવે જ છે.

મહાભારતમાં ભરી સભામાં વડિલોની હાજરીમાં ચીરહરણ પ્રસંગે દ્રૌપદીએ પાંડવો અને વડિલોને નિઃસહાય બનેલા જોઈ કૃષ્ણને પોકાર્યા અને કૃષ્ણએ ચીર પૂર્યા જે અંતઃકરણ થી થયેલી પ્રાર્થનાનો ઈશ્વરી સહાય નો પુરાવો છે.

રવીંદ્રનાથ ટાગોર ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરતા ત્યારે કહેતા “ હે, પ્રભુ સંકટોના સમયે તમે મારું રક્ષણ કરો, એ મારી પ્રાર્થના નથી, પણ સંકટ જોઈને હું ડરું નહિ એટલું જ હું ઈચ્છું છું “

“ મારાઉપર જે બોજો છે તે હળવો થાય એવી સહાયતા હું નહિ ઈચ્છું, પણ એ બોજો ઉઠાવવાની મને શક્તિ મળે એ હું ઈચ્છું છું. “…… દુઃખ અને ભયથી મારું મન વ્યગ્ર બને તો તમે મને સાંત્વના આપજો એવી મારી માંગણી નથી, પણ એ દુઃખો ઉપર વિજય મેળવી શકું એવી શક્તિ મને મળે એ હું માંગુ છું. “

અંતમાં મારો પણ અનુભવ છે કે, આવી પ્રાર્થના કરવાથી ભલે દુઃખ દૂર ન થતું હોય તો પણ દુઃખ સહન કરવાની શક્તિમાં અવશ્ય વધારો થાય છે અને દુઃખનું જોર ઓછું થતા તૂતી પડતા બચી જવાય છે. માહ્લલાને વફાદાર રહી તેનો અવાજ સાંભળી થતી પ્રાર્થના ઈશ્વર અવશ્ય સાંભળે છે. —- આપ શું માનો છો ?

2 comments

  1. ગાંધીજી અંધશ્રદ્ધાડું હતા અને ફક્ત મુસ્લિમ લોકો માટે જ આંધળા હતા. મુસ્લિમ લોકો ની સુરક્ષા અને હિતો માટે તેવો
    હિંદુઓનો પણ દગો કરવા અચકાતા નહિ. તેવો ફક્ત જીવન પર્યંત મુસ્લિમ લોકો ની તરફદારી કર્યા સિવાય કઈ કર્યું નથી

    Like

Leave a comment