“ સત્યના પ્રયોગો “ ગાંધીજીની વિલાયત જવાની તૈયારી અને નાત બહાર ! —–લેખાંક ( ૩)

“ સત્યના પ્રયોગો “ ગાંધીજીની વિલાયત જવાની તૈયારી અને નાત બહાર ! —–લેખાંક ( ૩)
ગાંધીજીએ સન ૧૮૮૭માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને આગળ ભણાવવાની વડિલોની ઈચ્છા હોઈ, મુંબઈ અને ભાવનગરની કોલેજમાં ભણવાનું નક્કી કર્યું કારણ કે, ભાવનગરની શામળદાસ કોલેજનું ખર્ચ મુંબઈની કોલેજ કરતા ઓછું હતું. પ્રથમ ટર્મ પૂરી કર્યા બાદ ઘેર આવ્યા. ત્યારે કુટુંબના મિત્ર અને સલાહકાર એક વિધ્વાન, વ્યવહાર કુશળ માવજી દવે કે, જેમણે કુટુંબ સાથેનો સંબંધ જાળવી રાખેલો તેઓ ઘેર આવ્યા ત્યારે ગાંધીજીના ભણતર અંગે પૂછ્પરછ કરી અને ભાવનગરની શામળદાસ કોલેજમાં ભણતા હોઈ જાણી કહ્યું કે, “ જમાનો બદલાયો છે અને તમો ભાઈઓમાંથી કબા ગાંધીની ગાદી સાચવવા માંગતા હોય તો ભણતર વિના નહિ બને. બી.એ. થતા ચાર –પાંચ વર્ષ ખર્ચી નાખવા કરતા વિલાયત જવું જોઈએ કારણ ત્યાં ભણતર સહેલું છે. ત્રણ વર્ષમાં ભણીને પાછું આવી શકાય. ખર્ચ પણ ચાર-પાંચ હજારથી વધુ નહિ થાય. માટે મોહનદાસને આ વર્ષે જ વિલાયત મોકલી આપવો જોઈએ. તેઓ તેમના મિત્રો ઉપર ભલામણપત્ર આપશે એટલે તકલીફ નહિ પડે.”

“ મારા તરફ જોઈ પૂછ્યું: કેમ તને વિલાયત જવું ગમશે કે અહિં જ ભણ્યા કરવું છે ? મને તો ભાવતુ તું ને વૈદે બતાવ્યું, મને વિલાયત મોકલો તો સારું કોલેજમાં ઝટ્ઝટ પાસ થવાય એમ લાગતું નથી. પણ દાકતરી શીખવા ના મોકલી શકાય ? “

“એ તો બાપુને ન ગમતું. તારી વાતો કરતા જ તે કહેતા કે, આપણે વૈશ્નવ, હાડમાંસ ચુથવાનું કામ ન કરીએ. બાપુનો વિચાર તને વકીલ બનાવવાનો હતો. “ માતુશ્રીને આ વિયોગની વાત ન ગમવા છતાં, કુટુંબના વડીલ કાકા જ હોય એટલે, પહેલી સલાહ તેમની લેવાની રહે અને તેથી તેઓ આજ્ઞા આપે તો વિચારવા કહ્યું. વડિલ ભાઈ પૈસાનું શું કરવું તે વિષે વિમાસણમાં પડ્યા. પરંતુ પોરબંદર રાજ્ય કદાચ થોડી મદદ કરે તેમ ધારી ગાંધીજીને પોરબંદર જવા કહ્યું.

ગાંધીજી વિલાયત જવાના હવાઈ કિલ્લા બાંધવા મચી પડ્યા અને પોરબંદર જવા તૈયાર થયા. તે સમયે રેલ નહોતી. પાંચ દિવસનો ગાડા માર્ગ હતો. બીકણ હોવા છતાં વિલાયત જવાની ઈચ્છાએ ધોરાજી સુધીનું ગાડું કર્યું અને ધોરાજીથી એક દિવસ વહેલા પહોંચવાના ઈરાદાથી ઊંટ કર્યું અને ઊંટ્ની સવારીનો પહેલો અનુભવ કર્યો.

વિલાયત જવાથી આપણો ધર્મ સચવાઈ જશે કે કેમ ? તેવી શંકા-આશંકાઓ કાકા તથા માતુશ્રીને થતાં પરિવારના બેચરજી સ્વામીને પૂછતાં તેઓ એ ત્રણ બાબતોની બાધા લેવડાવવા જણાવ્યું. તે પ્રમાણે માતુશ્રી સમક્ષ માંસ-મદિરા અને સ્ત્રીસંગથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લીધી તેથી માતા એ આજ્ઞા આપી.

માતાની આજ્ઞા અને આશીર્વાદ લઈ, થોડા માસનું બાળક અને પત્નીને મેલી ગાંધીજી મુંબઈ પહોંચ્યા. પરંતુ જુન-જુલાઈમાં હિંદી મહાસાગરમાં તોફાન હોય ને તેમની આ પહેલી જ દરિયાની સફર હોવાથી દિવાળી બાદ જવાની સલાહ મળતાં મુંબઈમાં મિત્રને ત્યાં મૂકી ગાંધીજીના મોટાભાઈ રાજકોટ ગયા. મુંબઈના દિવસો લાંબા થઈ પડયા. વિલાયતના સ્વપ્ના આવતા રહ્યા.

દરમિયાનમાં જ્ઞાતિમાં ખળભળાટ ઉઠ્યો. નાત બોલાવવામાં આવી. મોઢવાણિયામાંથી કોઈ હજુ સુધી વિલાયત ના ગયું હોય અને જો મોહનદાસ જાય તો તેની હાજરી લેવાવી જોઈએ ! મોહનદાસને નાતની વાડીમાં હાજર રહેવા ફરમાવવામાં આવ્યું. તે ગયા. નાતે કહ્યું કે “ નાત ધારે છે કે, તે વિલાયત જવાનો વિચાર કર્યો છે તે બરાબર નથી. આપણાં ધર્મમાં દરિયો ઓળંગવાની મનાઈ છે. વળી વિલાયતમાં ધર્મ ન સચવાય, એવું અમે સાંભળીએ છીએ. ત્યાં સાહેબ લોકો સાથે ખાવું-પીવું પડે છે.”

ગાંધીજીએ ડર અને સંકોચ વગર જવાબ આપ્યો: “ મને લાગે છે કે, વિલાયત જવામાં મુદલ અધર્મ નથી. મારે ત્યાં જઈને વિધ્યાભ્યાસ જ કરવાનો છે, વળી જે વસ્તુઓનો આપને ભય છે તેનાથી દૂર રહેવાની મેં મારી માતુશ્રી પાસે પ્રતિજ્ઞા લીધી છે એટલે હું દૂર રહી શકીશ. મને લાગે છે કે આમાં નાતે વચમાં ન આવવું જોઈએ”

આ સાંભળી શેઠને રોષ ચડ્યો. બે ચાર સંભળાવી પણ ખરી. ગાંધીજી સ્વસ્થ બેસી રહ્યા. શેઠે હુકમ કર્યો-“ આ છોકરાને આજથી નાત બહાર ગણવામાં આવશે. કોઈ તેને મદદ કરશે કે વળાવવા જશે તો તેને નાત પૂછશે, ને તેનો સવા રૂપિયો દંડ થશે.”

ગાંધીજી ઉપર આ ઠરાવની કોઈ અસર ન થઈ. અને આ ઠરાવની અસર પોતાના ભાઈ ઉપર કેવી થશે તે વિચારતા શેઠની રજા લઈ ઘર તરફ વિદાય થયા.

આ બનાવે ગાંધીજીને અધીરા બનાવ્યા અને ભાઈ ઉપર દબાણ આવે કે બીજું વિઘ્ન આવવાની દહેશત ઉભી થાય ત્યાં સમાચાર મળ્યા કે, 4થી સપ્ટેમ્બરના સ્ટીમર ઉપડવાની છે અને જૂનાગઢના એક વકિલ બેરિસ્ટર થવા વિલાયત જવાના છે, તેથી મિત્રોને મળી તેમની સલાહ લઈ, ભાઈને તાર કરી, રજા માંગી. રજા મળતાં બનેવી પાસે પૈસા માંગ્યા પણ નાતના હુકમની વાત કરી અને તેઓને નાત બહાર થવું નહિ હોવાથી, કુટુંબના એક મિત્ર પાસેથી રકમ મેળવી તે ભાઈ પાસેથી રકમ મેળવી લે તેમ ઠરાવ્યું. જે મિત્રએ કબુલ રાખ્યું, અને હિમત પણ આપી. આમ વિલાયતની તૈયારી માટે સામાન એકઠો કરવા લાગ્યા. નેક્ટાઈ નહિ ગમતી હોવા છતાં બાંધવી પડી. ટૂંકુ જાકિટ નાગો પોશાક ગણતા. ભાતું પણ ઠીક ઠીક બાંધ્યું. અઢાર વર્ષની ઉંમરના, દુનિયાના અનુભવ વીનાના ગાંધીએ 1888ના સપ્ટેમ્બરની 4થી તારીખે મુંબઈ છોડ્યું.

અઢાર વર્ષની-ટીન એજમાં વિદેશ જવાની કલ્પના માત્ર કેટલી રોમાંચક બની રહે ! તે માટે માંસાહાર-દારૂ કે સ્ત્રી સંગથી દૂર રહેવાની પ્રતિજ્ઞા કરવા મા-બાપ સમક્ષ કદાચ કોઈ પણ ટીન એજર તૈયાર થઈ જાય ! તેવી જ રીતે કદાચ મોહનદાસ પણ તૈયાર થયા હશે તેમ ધારી શકાય. વળી તેઓ તો વિવાહિત હતા એટલે નાનું બાળક અને પત્નીને પણ છોડીને જવાનું હતું તે, કદાચ થોડું દુઃખ દાયક બની શકે, પણ વિદેશનું અને તેમાં ય વિલાયત ના આકર્ષણ સામે ન ગણ્ય ગણાય. માતાએ પ્રતિજ્ઞા લેવડાવી અને રજા આપી તે મોહનદાસ તરફનો વિશ્વાસ દેખાડે છે. આ સમયમાં નાતના બંધનો કેટલા મજબુત હશે અને “નાત બહાર મુકાવું” અને જ્ઞાતિ જનોનો બહિષ્કાર સહન કરવો કેટલો કઠિન હશે તે બનેવીએ કરેલા પૈસા આપવાના ઈન્કારથી સમજી શકાય છે. જે આજના આ સમયમાં તો માત્ર કલ્પનાનો વિષય બની રહે છે.

મારા નમ્ર મતે આ “ નાત બહાર મૂકાવાના “ ઠરાવે મોહનદાસને ‌‌‌‌‌‌‌……… મહાત્મા બનવા તરફ પ્રયાણ કરવા ધક્કો માર્યો હશે તેમ ધારવું અયોગ્ય નહિ ગણાય. આ નાત બહાર થયાના બનાવે મોહનદાસના મનમાં જ્ઞાતિ પ્રથા વિષે જબર જ્સ્ત આંચકો આપી મનોમંથન કરવા પ્રેયા હશે અને હિંદુસ્તાનમાં પ્રવર્તી રહેલી જ્ઞાતિ પ્રથા, છુતાછુત, આભડ છેટ, વર્ણ ભેદ, ઉંચ-નીચ જ્ઞાતિઓ, વગેરે વિષે ઊંડાણથી વિચારવા અને તે નાબુદ કરવા માટે ના બી નું રોપણ થઈ ચૂક્યું હોવું જોઈએ. કારણ કે, વિલાયત અને દક્ષિણ આફ્રીકાથી પરત આવ્યા બાદ દેશમાંથી જ્ઞાતિ પ્રથા, ઉચ્ચ નીચનો ભેદભાવ, વર્ણ વ્યવસ્થા તથા અસ્પૃશ્યતા નાબુદ કરવાની ઝુંબેશે આઝાદીની લડત સાથે જ પ્રાધાન્યતા મેળવી હોય તેમ માનું છું-આપ શું માનો છો ?

આ તબક્કે આપ સૌને રસ પડશે તેમ ધારી એક પ્રસંગનો ઉલ્લેખ કરવાનું મન થાય છે. મોઢ વણિક નાતે મો.ક.ગાંધીને 1888ની સાલમાં વિલાયત જવા માટે નાત બહાર કરેલા તે જ મોઢ વણિક નાતે બરાબર 122 વર્ષ બાદ નાતમાં પાછા લીધા સિવાય, મુંબઈ સ્થિત “ વૈશ્વિક મોઢ પરિવાર “ નામની એક સંસ્થાએ આજ મો.ક.ગાંધી કે, જે હવે મહાત્માનું બિરૂદ પામી મહાત્મા ગાંધીજીથી ઓળખાય છે તેમને “ મોઢ રત્ન ”નો મરણોત્તર એવોર્ડ 2010માં યોજેલ એક સંમેલનમાં આપ્યાનું જાણવા મળેલ છે. જે વ્યક્તિને નાત બહાર કરેલી અને જે નાત-જાતથી પર બની ચૂકેલી તેને માટે હવે ગૌરવ અનુભવવું તે હાસ્યાસ્પદ અને તકવાદ નથી ?

Advertisements

10 comments

 1. અરવિંદદાદા આમ તો મેં ગાંધીજી ની આત્મકથા વાંચેલી જ છે.પણ આપની નજરે ઘણું જ જાણવા મળે છે.
  તેમાં બે પુસ્તકોનો ઉલ્લેખ છે.”વૈકુંઠ તારા હૃદય માં” અને “અન-ટુ ધી લાસ્ટ” આ બંને પુસ્તક ના ગુજરાતી માં મળે તો મને જણાવશો.

  Like

 2. એવું કહેવાય છે કે ગાંધીજી આફ્રિકા એક મુસ્લિમ કાસમભાઈ ને ધંધાકીય મુશ્કેલીયો સામે લડવા અહીંથી ગયા હતા
  તેમને નાત બહાર મુક્યા અને પછી ઈતિહાસ બદલાઈ ગયો. અરવિંદભાઈ તમે આ વિષે જણાવીને સારું કર્યું.
  કેમ કે જે વ્યક્તિ પોતાની નાત કે જાત ના જ ના હતા તેવો કદી પણ પોતાના દેશ ની હિંદુ પ્રજા ના ક્યાંથી થઇ શકે.
  રહી વાત આભડછેટ ની તો એતો પરિવર્તન ના લીધે બધું સ્વીકૃત થતું હોય છે. કામ અને બુધ્ધી મુજબ જ સંસાર ચાલે છે.
  જેને જે કામ પેઢીઓ થી કરે છે તેવો લગભગ એજ કામ કરતા હોય છે. પુરા વિશ્વ માં આ પ્રથા છે. શહેર ને સુંદર અને સ્વચ્છ
  માણસો જ કરે છે પછી તે ગમે તે જ્ઞાતિ કે જાતી નો હોય તેને તો પગાર થી મતલબ. ઘણા બ્રાહ્મણો કચેરી માં પટાવાળા ની નોકરી
  કરે છે પણ કદી પોતાના કામ થી અસંતોષ નથી બતાવ્યો. બીજું તમે કહ્યું ” મહાત્માનું બિરુદ” કહ્યું પણ હમણા સરકાર તરફ થી ખુલાસો થયો
  કે ગાંધીજી ને કદી મહાત્મા નું બિરુદ આપવામાં આવ્યું જ નથી. આ તો જાણ ખાતર ફક્ત.

  Like

 3. એ જમાનાની વાત હવે ખાસ મહત્વની નથી. ગાંધીજીના મનોવિકાસ માટે અનેક બળો જવાબદાર હતાં. કદાચ સૌથી વધારે મહત્વનું બળ – એમનો લાંબો વિદેશવાસ હતો- બહુ જ મોટું ક્ષિતીજ એમના માટે ખુલી ગયું હતું. જો વિલાયત ન ગયા હોત તો મોહનદાસ ગાંધીજી ન બન્યા હોત.
  —————————–
  મારી ભૂલ ન થતી હોય તો હવે એ નાતજાતના બંધનો સાવ શિથીલ બની ગયાં છે; અને આ ચર્ચાનું ખાસ મહત્વ હવે નથી.
  અલબત્ત મારી માન્યતા શહેરી જીવનના આધાર પર જ છે. ગ્રામ્ય વિસ્તારની ખબર નથી.

  Like

  1. સુરેશભાઈ,
   એ સાચી વાત છે કે લાંબા વિદેશવાસની ગાંધીજી પર બહુ અસર પડી. આને કારણે એમને ભારતની સામાજિક વ્યવસ્થાની બીજા દેશોની સમાજવ્યવ્સ્થા સાથે સરખામણી કરવાની તક મળી.
   પરંતુ, નાતાજાતાનો પ્રાભાવ એમના જમાનામાં કેટલો હતો તે સમજીએ તો જ કહી શાકીએ કે આજે સ્થિતિ જુદી છે. પરંતુ ગામડામાં હજી સ્થિતિ એ જ છે.
   અમારા એક મિત્ર દિલ્હી છોડીને નૈનીતાલ પાસે એમના ગામે ચાલ્યા ગયા. દિલ્હીમાં એક એસસી અધિકારી એમના જ ગામનો છે.
   અમારા મિત્ર બ્રાહ્મણ છે અને પટાવાળા તરીકે જીવન શરૂ કર્યું. પણ ‘શર્માજી’ તરીકે જ ઓળખાય. એમણે ગર્વથી કહ્યું કે પેલો અધિકારી ગામમાં આવે ત્યારે એમની સામે ખુરશી પર ન બેસી શકે! એમણે મને વાત કરી ત્યારે પણ એમના શબ્દોમાં એવો વિજેતાઅ ભાવ હતો કે આશ્ચર્ય થાય. એમણે કહ્યું – ચલ હટ, હોગા બડા અફસર દિલ્લી મેં, રહેગા તો તૂ વોહી…!

   Like

 4. His life from the childhood,was an example of ” to be or not to be.” smoking, meat eating with a muslim friend…and so many other incidents have always put him in the situation where he had to think, think and think…for a right solution. And he has always come out right. Regarding his streight forward answer to the chief of the cast, was also a firm determination. He was man of determination. This has helped him achieving MAHATMAPAD.He has in any problematic situation analysed the situation from all the ten directions using his experiences and reading books of great souls of the world. He has built his own road….e.g. Ahinsa….Bhukh Hadatal….etc The time was also favorable. Technology yug came afterwards.
  Yes, the NYATBAHAR…incident added to his determination and helped decide to go ahead. This was one of the major incidents.
  Thanks to the JADASU NYAT…that it helped India to have a great soul like M.K.Gandhi to lead it to get independence.

  Amrut.

  Like

 5. સો વરસ પછી પણ પરદેશની મુસાફરીની મુશ્કેલીઓ મે અનુભવી છે.–માએ માંસ મદીરા માટે પ્રતિજ્ઞા લેવડાવવાની ના પાડી– બાળક,પત્નીએ કહ્યું કે જલ્દી બોલાવજે નહીં તો ખેર નથી––અને નાત પોતે જ વટલાઈ ગઈ હતી.એટલે મેં ન્યાતને મારી બ્હાર મુકી હતી.
  અરવિંદભાઈનું પ્રૃથ્થકરણ ગમ્યું.

  Like

 6. હિંદુસ્તાનમાં જ્યારથી મ્લેચ્છ શબ્દ પ્રવેશ્યો અને જ્યારથી દરીયો ઓળંગીને પરદેશ જવાની મનાઈ ફરમાવવાનું શરુ કરવામાં આવ્યું ત્યારથી તેની પડતી શરુ થઈ ગયેલી. જ્ઞાતિઓ અને તેની પ્રથાઓની પકડ ઘણી મજબૂત હતી. કેટલાયે લોકોએ તે પ્રથાનો જુલ્મ સહન કરવો પડ્યો છે આજેય કેટલાયને સહન કરવો પડે છે. નાત બહાર તો નરસૈયાને ય મુકાવુ પડેલુ અને તે સવાયા વૈષ્ણવ બન્યાં. ગાંધીજીને નાત બહાર મુક્યાં તો બધી નાતે તેમને સમાવી લીધા.

  મોહનદાસથી મહાત્મા બનવાની આખીએ યાત્રા આ બીકણ માનવીએ કેટલી હિંમત સાથે પાર પાડી છે તે તેમને વાંચીએ ત્યારે ડગલે ને પગલે અનુભવાય.

  Like

 7. Shri Arvindbhai,Darek Mahapurush ne, tena mrityu pachhij loko samman aape chhe.Duniya kayam dambhi rahevani.Mota bhag na Mahapurusho no potano aham ghavaya pachhij aandolano karvano vichar aave chhe, aava andolano ek prakar no badalo levani bhavana chhe.AA askhalit kal na pravah ma, je samaye je thaay chhe te tyarej prastut hoy chhe, pachhi aprastut bani jay chhe.Rang bhed ane gnati bhed samagra vishwa ma chhe.Sau thi vadhare europe , america ma chhe,tyan aajni tarikh ma aapan ne Thirld Word ane Sub-continent tarike tiraskrit karay chhe, aasuri ane daivee prakriti nu yudhh yavat chandra divakaro rahevanu.

  Like

 8. ગાંધીજી વિલાયત જવાના હવાઈ કિલ્લા બાંધવા મચી પડ્યા અને પોરબંદર જવા તૈયાર થયા. તે સમયે રેલ નહોતી. પાંચ દિવસનો ગાડા માર્ગ હતો. બીકણ હોવા છતાં વિલાયત જવાની ઈચ્છાએ ધોરાજી સુધીનું ગાડું કર્યું અને ધોરાજીથી એક દિવસ વહેલા પહોંચવાના ઈરાદાથી ઊંટ કર્યું અને ઊંટ્ની સવારીનો પહેલો અનુભવ કર્યો.

  જીવનમાં આવી જાતની ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈને મોહનદાસ ગાંધી-સામાન્ય માનવીમાંથી
  મહાત્મા બની શક્યા હતા.

  આવી મહાન વ્યક્તિની આત્મકથાને તમારા શબ્દોમાં રજુ કરવાના આપના આવકાર્ય પ્રયાસ માટે
  આપને અભિનંદન ,અરવિંદભાઈ .

  Like

 9. શ્રી અરવિંદભાઈ,તમે લખ્યું છે કે
  “મારા નમ્ર મતે આ “ નાત બહાર મૂકાવાના “ ઠરાવે મોહનદાસને ‌‌‌‌‌‌‌………”.
  તમારો મત તદ્દન સાચો છે. આ પ્રસંગમાંથી ગાંધીજીની દૃઢતા પણ દેખાય ચે. “નાતે વચ્ચે ન આવવું જોઇએ” એમ કહી દેવું એ મોટી હિંમતનું કામ હતું. આજે તો આ બધું સહેલું લાગે.
  આગળ જતાં એમણે દક્ષિણ આફ્રિકામાં ભેદભાવ જોયો. હિન્દુસ્તાનીઓ પોતે પણ ગિર્મીટિયા મજૂરો સાથે જે વર્તાવ કરતા હતા તે પણ જોયો. આમ જ્ઞાતિથી વિરુદ્ધ ગયા પછી એમના અનુભવો સાથે આંતરિક યાત્રા પણ ચાલુ રહી અને તે પછી આભડછેટ સામેના આંદોલન સુધી પહોંચી.
  લેખો વાંચવાની મઝા આવે છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s