દુનિયામાં આજે આટલી બધી અનૈતિકતા વધી રહી છે તેનું કારણ શું ? સ્પાર્ક – વત્સલ વસાણી

ગુજરાત સમાચાર 6,મે 2012ને રવિવારની રવિ પૂર્તિમાં શ્રી વત્સલ વસાણીની સ્પાર્ક કોલમમાંપ્રસિધ્ધ થયેલ લેખ બંનેના સાભાર અને સૌજન્ય સાથે આપ સૌને પસંદ પડશે તેમ ધારી બ્લોગ ઉપર મૂકેલ છે.

દુનિયામાં આજે આટલી બધી અનૈતિકતા વધી રહી છે તેનું કારણ શું ? સ્પાર્ક – વત્સલ વસાણી

પ્લેટોએ એક નાનકડી કથા લખી છે. કથા દ્વારા એણે એક પ્રશ્ન ઊઠાવ્યો છે, નીતિ અને અનીતિ વિશેના આપણા ખ્યાલો પર એ પ્રશ્ન છે. એમણે પૂછ્‌યું છે ઃ માની લો કે એક માણસના હાથમાં કોઈ એવી શક્તિ આવી જાય, જેનાથી એ અદ્રષ્ય થઈ શકે. કોઈ એવી ગૂઢ વિદ્યા એને હસ્તગત થઈ જાય અને એ ઈનવિજિબલ-અદ્રશ્ય થવાની કળામાં પારંગત બની જાય તો શું એ માણસ હવે નૈતિક રહી શકશે? એ ગમે ત્યાં જાય, કોઈ એને જોઈ ન શકે. એ ગમે તે કરે, કોઈ એને પકડી ન શકે, તો એવો માણસ પછી પ્રામાણિક રહી શકશે?

હીરા ઝવેરાતની દુકાનમાં જઈને જોઈએ તેટલા અલંકાર ઉઠાવી ચાલતો થાય પણ કોઈ એને કે એના કૃત્યને જોઈ ન શકે તો શું એ ચોરી કરવાની વૃત્તિથી ઉપર ઊઠી શકશે? દુનિયા ભરની કોઈપણ વસ્તુ એ ઊઠાવીને ચાલતો થાય તો પણ કોઈ એને જોઈ કે પકડી ન શકે, કાર ઊઠાવીને ભાગતો હોય તો કાર તો દેખાય પણ ડ્રાઈવર દેખાય નહીં ! લોકો ઊલટાનું આવું ‘ચળિતર’ જોઈને દૂર ભાગે. પોતાની વસ્તુ પણ આપમેળે ઉપડતી, ચાલતી કે બહાર જતી દેખાય અને છતાં એને લઈ જનાર વ્યક્તિ દેખાય જ નહીં તો લોકોને કેવું ‘કૌતૂક’ લાગે? ભૂતપ્રેતના ભયથી ઊલટાના લોકો ભાગવા લાગે.

પ્લેટો પૂછે છે – ‘માની લો કે અદ્રશ્ય થવાની આવી શક્તિ તમારા હાથમાં આવી જાય છતાં તમે નૈતિકતાથી જીવી શકશો? ફળની દુકાન પર જઈને પૈસા ચૂકવી ફળની ખરીદી કરશો કે ઊઠાવીને સીધા ચાલતા થશો? ક્યાંય પણ, કોઈ પણ તમને પકડી ન શકે તો શું તમે એક નોર્મલ માણસની જેમ નીતિ પરાયણ જીવન જીવી શકશો? પોલીસ, ન્યાયતંત્ર કે લોકોની કોઈ બીક જ ન હોય, કોઈ તમને કશું કરી શકે તેમ ન હોય અને છતાં તમે સજ્જનતા સાચવી શકશો? કોઈ સુંદર સ્ત્રી કે યુવતિ તમને ગમી જાય, તમે એના ગાલ પર પપ્પી કરો, એના શરીરના કોઈ પણ ભાગને સ્પર્શો, તમારે જે કરવું હોય તે કરો અને કોઈ તમને જોઈ કે પકડી ન શકે તો શું તમે આવા કૃત્યથી દૂર રહી શકશો? આત્મ નિયંત્રણથી જીવી શકશો? શું તમારી વિવેક બુદ્ધિ ત્યારે પણ સલામત હશે? કે વિવેક જેવું કશું બચશે જ નહીં ?’

પ્રશ્ન મહત્ત્વનો છેઃ કેમકે મોટાભાગના માણસો એટલા માટે જ નૈતિક હોય છે કે સમાજમાં પોતાની છાપ ન બગડે. લોકો પોતાને નીતિમાન માને. માત્ર ભયના કારણે જ મોટા ભાગના લોકો નૈતિક હોય છે. પાપનો ભય, નર્કનો ભય, આગલા જન્મમાં એનું વ્યાજ સહિતનું ફળ મળશે એવી ઘર કરી ગયેલી માન્યતાનો ભય માણસને નૈતિક રહેવા માટે મજબૂર કરે છે. પુણ્ય પણ માણસ એટલા માટે કરે છે કે સ્વર્ગ મળે, અને પાપથી દૂર પણ એટલા માટે ભાગે છે કે સરવાળે એનાથી નુકસાન થઈ શકે તેમ છે.

ચાણક્ય અને મેક્યાવલી જેવા લોકોને પૂછો તો એ કહેશે કે નીતિમત્તા એ માત્ર કમજોરીને છૂપાવવાનું બહાનું છે. જે શક્તિશાળી છે, જેને કશો ડર નથી, જેના હાથમાં સત્તા અને તંત્ર છે, તે કદી નીતિની પરવા નથી કરતો. કેમકે એને પકડાવાનો કે સમાજમાં પોતાની ફજેતી થવાનો ભય નથી. નીતિથી જીવે કે અનિતિથી એના જીવનમાં કશો ફરક નથી પડતો. અનીતિથી જીવે તો પણ એના જીવનમાં કોઈ હાની નથી થતી. હજાર પ્રકારના ગોરખધંધા કરે તો પણ… એને કોઈ પકડી શકતું નથી. કેમકે સત્તા અને શક્તિ તો એના પોતાના જ હાથમાં છે.

ધન પણ એક શક્તિ છે. ધનવાન લોકોને કોઈ અનૈતિક કૃત્ય કરવું હોય તો ડર નથી લાગતો. કેમકે ધન એના માટે ઢાલનું કામ કરી શકે છે. જે લોકો અભણ છે, ગરીબ અને અશક્ત છે એ ઊલટાના વઘુ નીતિમાન હોય છે. કેમકે એમની પાસે શક્તિ, શિક્ષણ અને ધનની ઉણપ છેધરાવતા થઈ ગયા છે. એમના હાથમાં શક્તિ આવી છે અને શક્તિ હોવા છતાં ચલિત ન થાય એવા લોકો કેટલાં ? પહેલાના જમાનામાં પણ અનૈતિક લોકો તો હતાં જ પણ એ વખતે ગણ્યા-ગાંઠ્યા લોકોના હાથમાં જ ધન હતું. અમુક જ લોકો પાસે શક્તિ હતી. રાજા મહારાજા, જમીનદાર અને સમાજનો શ્રેષ્ઠી વર્ગ એ વખતે પણ ધારે તે કરી શકતો. સુંદર સ્ત્રી ગમી જાય તો એની સાથે એ ધારે તે કરી શકતો. લોકો એનાથી ઘૂ્રજતા અને કોઈ જાતનો પ્રતિકાર કરી શકતા ન હતા. આજે પણ જે લોકો નીતિથી જીવે છે કે જેમના જીવનમાં પ્રચૂર માત્રામાં અનીતિ છે તેમાં સમજ કે નાસમજનું કોઈ કારણ નથી. માત્ર શક્તિ અને અશક્તિ, ભય અને નિર્ભયતા, લાભ અને હાનિનું જ ગણિત એમાં કામ કરે છે.

સમાજમાં જેટલું ધન વધશે એટલી સામે અનિતિ પણ વધવાની જ. માણસ પાસે જેટલી શક્તિ આવશે એટલી એનામાં અનીતિ પણ આવવાની. જેટલું શિક્ષણ વધશે એટલા લોકો ચાલાક થતા જાશે. કેમકે નીતિ પાસે સ્વયંનું કોઈ નિયંત્રણ નથી. નૈતિક વ્યક્તિને સમાજ નિયંત્રિત કરે છે. પાપ પુણ્યની એની પાસે જે ધારણા છે તે જ એને પ્રેરે કે રોકે છે. ધાર્મિક મનુષ્ય આત્મ નિયંત્રણથી જીવે છે. એને નિયંત્રણ કરવું નથી પડતું. એના હૃદયમાં જે સમજનો દીપ જલે છે એજ એને રસ્તો બતાવે છે. અને એ કારણે અનીતિ એનાથી થતી જ નથી. ધાર્મિક મનુષ્ય નૈતિક હોય છે એવું નહીં, પણ એનાથી અનીતિ થઈ શકતી જ નથી. અને નીતિથી જીવવા માટે એના મનમાં કોઈ લોભ કે ભય પણ નથી હોતો. જરૂર પડ્યે ધાર્મિક મનુષ્ય નીતિને જતી કરી શકે છે. કેમ કે ખોટું બોલવાથી જો કોઈનું જીવન સુધરતું હોય કે જીવ બચતો હોય તો એ ખોટું બોલી શકે છે. ખોટું બોલવા માટે એના અંતરમાં કોઈ અપરાધ ભાવ કે ગંભીરતા નથી હોતી. માત્ર ખેલની જેમ જીવન જીવતી ધર્મપરાયણ વ્યક્તિ નીતિના બંધનોને પણ તોડી શકે છે. કૃષ્ણ જેવા ધર્મપુરુષ જે કંઈ પણ કરે તે ધર્મ છે. એમાં કૃત્ય નહીં પણ અંતર્ભાવનું મહત્વ છે. ‘તમે શું કરો છો?’ એના કરતાં પણ મહત્ત્વની વાત ‘તમે શું છો?’ એજ છે. તમે જો ખરેખર સારા હો તો તમારાથી કશું જ ખોટું થઈ ન શકે.

કોઈ માણસ દાન કરે અને એ દાનના પૈસા લોકોને લૂંટીને કે કરચોરી કરીને ભેગા કર્યા હોય, અનેક જાતના કાવાદાવા કરીને ધન એકઠું કર્યું હોય તો એવા દાનને શું તમે શુભ કહેશો? એનાથી વ્યક્તિની ઉન્નતિ થશે કે અધોગતિ? કેમકે મોટા ભાગના ધર્મઘૂરંધરો દાન કરનારની પીઠ થાબડીને પ્રશંસા કરે છે અને આમ આડકતરી રીતે એ જૂઠ કે કરચોરીની પણ પીઠ થાબડે છે.

સમાજના જો મૂલ્યાંકનો બદલવામાં આવે તો જ જીવનમાં ક્રાંન્તિ આવે. ખોટું બોલવાથી લાભ મળતો હોય, અનીતિના આચરણથી ધાર્યું કામ પાર પડતું હોય તો એ રીતે જીવવા માટે મનુષ્યને મજબૂર થવું પડે છે. કોઈ ખોટું બોલે કે તરત એની સજા થતી હોય, ખોટું કરે કે ત્વરિત એને નુકસાન ભોગવવું પડતું હોય તો જૂઠ બોલવા માટે કે ખોટું કરવા માટે કોઈ તૈયાર નહીં થાય. લોકો લાભ માટે ખોટું બોલે છે પણ જો સત્ય બોલવાથી કે સચ્ચાઈથી જીવવાથી લાભ થતો હોય તો અનીતિના માર્ગે જવું કદાચ કોઈને નહીં ગમે. સાચું કરનારને પુરસ્કાર મળે, સત્યના માર્ગ પર ચાલનારને માન અને ઈજ્જત મળે તો અનીતિ અને અસત્યના માર્ગ પર ચાલવાનું લોકોને મન જ નહીં થાય. અનીતિ કરે એટલે એની તરત સજા મળે, ભ્રષ્ટાચાર આચરે એટલે ચોમેરથી એને ફિટકાર મળે, તો કોણ એ માર્ગે જશે? પોલીસતંત્ર, ન્યાય કે બીજા કોઈની રાહ જોયા વિના સમાજ આખો જ એની સજા આપવા તૈયાર હોય તો અનીતિના રસ્તે જવાનું આટલું આકર્ષણ નહીં રહે.

ક્રાન્તિ બીજ

* જે દે છે દાંત એ આપે છે ચાવણ

વાત ખોટી છે,અહીં મહેનત કરે છે,

એના હાથોમાં જ રોટી છે!

– જલન માતરી

Advertisements

One comment

 1. જે દે છે દાંત એ આપે છે ચાવણ

  વાત ખોટી છે,અહીં મહેનત કરે છે,

  એના હાથોમાં જ રોટી છે!

  – જલન માતરી

  જે આપે છે દાંત તે હારે હાથ , મસ્તક અને હ્રદય પણ આપે છે.
  જે હાથનો ઉપયોગ કરે તે રોટી કમાય છે , શેકે છે અને ખાય છે.

  હાથનો ઉપયોગ રોટી કમાવામાં થાય અને રોટી છીનવી લેવામાં યે થાય.

  રોટી કમાવા માટે ઉપયોગમાં લેવાતો હાથ એટલે નીતિ અને કોઈએ કરેલી મહેનતથી ઉત્પન્ન થયેલી રોટી છીનવી લેવા માટે ઉપયોગમાં લેવાતો હાથ તે અનીતી.

  તેમ છતાં જેણે દાંત બનાવ્યા છે તેણે જ ચાવણ બનાવ્યું છે તે વાત સાચી છે. હાથથી માત્ર તમે તે ચાવણ દાંત સુધી લઈ જઈ શકો છો.

  ચાવણનું એક ઉદાહરણ રોટી લઈએ તો :
  રોટી શેમાંથી બને? ઘઉ વગેરે અનાજમાંથી. અનાજ ખેતરમાં કે જમીનમાં પાકે. જમીન શું મનુષ્યએ બનાવી કે પહેલેથી હતી? ઘઉ ના બીજ મનુષ્યએ બનાવ્યા કે હતા? હાઈબ્રીડ બીજ મનુષ્ય બનાવશે તો યે તે તેના જીન્સ માં ફેરફાર કરશે. આ જીન્સ જેમાંથી બને છે તે સુક્ષ્મ તન્માત્રાઓ મનુષ્યએ બનાવી કે હતી? મનુષ્ય માત્ર પંચ મહાભૂતની પંચ તન્માત્રાઓનું અલગ માત્રામાં સંયોજન કરી શકે. કશું ઉત્પન્ન ન કરી શકે.

  કહેવાનું તાત્પર્ય તે છે કે જેણે જીવન બક્ષ્યું છે તેણે જીવન નિર્વાહ કેમ ચાલે તેની વ્યવસ્થાએ કરી છે. મનુષ્યો અનીતીથી આ વ્યવસ્થામાં ગરબડ ઉભી કરે છે અને છેવટે અંધાધુંધી ફેલાય છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s