પ્રજા સત્તાક ભારત !—અનાવૃત—જય વસાવડા

પ્રજા સત્તાક ભારત !

અનાવૃત—જય વસાવડા

ગુજરાત સમાચારની 25,જાન્યુ, 2012 ને બુધવારની “શતદલ પૂર્તિં” માં જય વસાવડાની કોલમ અનાવૃતમાં પ્રસિધ્ધ થયેલો લેખ તેઓ બંનેના આભાર અને સૌજન્ય સાથે આપ સૌને પસંદ પડશે તેમ ધારી અત્રે રજૂ કરેલ છે.

વળી એક પ્રજાસત્તાક દિન.

ફરી પાછી એ જ લુખ્ખી-સુક્કી થઈ ગયેલી ભારતની ભૂતકાળની ભવ્યતાની વાતો, ભવિષ્યની ચંિતાની વાતો.
દિલ કો બહેલાને કે લિયે ખયાલ અચ્છા હૈ.

પ્રજાસત્તાક? જ્યાં પોતાને ધાર્મિક કોમવાદ અને કટ્ટરવાદથી ઉપર સેક્યુલર આદર્શોને વરેલી કહેવડાવતી સરકાર બીક્કણબિલાડી બની બે પગ વચ્ચે પૂંછડી દબાવી લેખક સલમાન રશદીને જયપુર લિટરરી ફેસ્ટિવલમાં આવવાથી જ રોકે છે, એ પ્રજાસત્તાક? જે રશદીને ભારતમાં જન્મેલા બિનખ્રિસ્તી હોવા છતાં, સેક્યુલર સિદ્ધાંતને ખાતર દુનિયાભરના ફતવાબાજ ત્રાસવાદીઓની વચ્ચે આટલા વર્ષોથી લોખંડી સુરક્ષાકવચ પુરું પાડીને અડીખમ, અણનમ સાચવ્યા છે. એમને ગર્લફ્રેન્ડસથી લઈને નવી કહાનીઓ રચવાની મોકળાશ આપી છે, એ બ્રિટન પ્રજાસત્તાક છે! શું કામ બ્રિટને આપણી પર રાજ કર્યું, એનો આ સબૂત છે!

બ્રિટિશર્સ પાસેથી આઝાદ થયાનો પ્રજાસત્તાક દિન આપણે માનવીએ છીએ. પણ બિચારી પ્રજા પાસે ક્યાં સત્તા આવી છે? પાવર તો એના લુચ્ચા, લબાડ, અભણ અને આળસુ જેવા નેતુંડાઓએ પડાવી લીધો છે!
કયા મોંએ પ્રજાસત્તાક દિન ઉજવવાની આપણે વાતો કરીશું? લેલીલેન્ડ ગાંધીજી વિશે એલફેલ લખે એટલે એચ.પી. (હરખ-પદૂડા) થઈ આપણે બાન મૂકીએ. ગાંધીજીના ગુજરાતી પત્રોના અનુવાદમાં શબ્દોને પકડવા જતાં જે હોમોસેકસ્યુઆલિટીનો અનર્થ તારવવામાં આવ્યો, એની ચર્ચા ન કરીએ! જીન્નાહ વિશે જશવંતસંિહ કંઈક લખે, તો વળી ગુજરાતીઓ અકળાઈ જાય, અને જીન્નાહ ગુજરાતી હતા એ ય ભૂલીને ચહેરો ચોખ્ખો કરવા અરીસા પર પોતું મારતા હોય, એમ બાન મૂકે! શિવાજી વિશે કશીક ઐતિહાસિક છણાવટ થતી હોય, તો શિવાજીને ઘરની ધોરાજીની માફક રાજકીય કારણોસર પોતાની પેટન્ટેડ બ્રાન્ડ બનાવી દેનારા ઘૂંધવાઈ જાય! મરહૂમ હુસેને તો મરતા પહેલા એમના એક બાયોગ્રાફરને ઓન રેકોર્ડ કહેલું કે દિલ્હીમાં બેઠેલી સરકારનું સેક્યુલરિઝમ દંભી છે. એ લોકોને ખરેખર કળામાં સમજ નથી, અને કળાકારના બચાવની દાનત નથી. આના કરતા મારા મિત્ર વાજપેયીનું સેક્યુલારિઝમ વઘુ નિષ્ઠાવાન હતું, એમની હાજરીમાં મારે દેશ છોડવો પડ્યો નહોતો!

ભારત શું શરિઅત મુજબ ચાલતો મુલ્લાઓનો દેશ છે કે અહીં સરકારે ખોંખારો ખાઈને ‘થાય તે કરી લેવા’નો પડકારો કરવાને બદલે ઠંડીમાં ઠુંઠવાતું ગલુડિયું ભેંકડો તાણતું હોય, એમ સલમાન રશદીને જ એમના વતનથી દૂર રાખવા પડે? તસ્લીમા અને રશદીને સુરક્ષા ન આપી શકતો દેશ અજમલો અને અફઝલોને ભર્યા ભાણે સલામત સાચવે છે! આ આપણા તટસ્થતા અને ન્યાયના પ્રજાસત્તાક આદર્શો છે? ફટ્‌ છે! ધિક્કાર હો!
ભારત પ્રજાસત્તાક નથી. વૉટબેન્કસત્તાક છે. અહીં સરકાર જનતાને સાચું હોય ત્યારે મુઠ્ઠી પછાડીને વટ્ટથી કહી નથી શકતી કે તમારું ટોળું જે રીતે વર્તે છે, એ ગલત છે. અહીં લશ્કરના જવાનો હર હર મહાદેવ બોલે તો ટીવી પર ચશ્મેઢબ ચતુરસુઝાણો સેક્યુલર આદર્શોની ડિબૅટ માંડે છે, પણ ત્રાસવાદીઓ ‘અલ્લાહો અકબર’ બોલે ત્યારે ખા…મોઓઓઓ…શ થઈ જાય છે!

કેમ જેની વારંવાર દુહાઈઓ દેવામાં આવે છે, એ બંધારણ અને સંસદીય લોકશાહીની ગરિમાને ગજવે ઘાલીને ઠાકરે પરિવારથી બજરંગદળ જેવા ઉગ્ર હિન્દુત્વવાદી સંગઠ્‌ઠ્‌નો પોતાનો કક્કો મારી ઠોકીને ખરો બેસડવા જાય છે, ત્યારે સ્વતંત્ર સાર્વભૌમ ભારતનો વહીવટ ચલાવતા વડાપ્રધાનો અને મુખ્યમંત્રીઓ લાલ આંખ કરીને એમને બીજી વાર ગાંડા કાઢવાની ખુજલી થાય તો ય રૂંવાડે રૂંવાડે કાંટા ભોંકાય એવો કડક શિસ્તનો પદાર્થપાઠ ભણાવતી નથી? કેમ સલમાન રશદી ભારત આવે કે નહિ, એ માટે સરકારે પોતાની અક્કલ લધુમતી લાગણીઓના વહીવટદારોને ત્યાં ગિરવે મૂકવી પડે? શું ભારત સરકારે ઈમિગ્રેશન ખાતું શાહી ઈમામને સોંપી દીઘું છે?
***

એક વખત એવું બન્યું કે અમેરિકાના ફ્‌લોરિડા રાજ્યમાં સુલ્તાના ફ્રીમેન (ધર્માંતર અગાઉની સાન્ડ્રા કેલર) અને નજાત તમીમ ઉલ મુહમ્મદનો કેસ ખૂબ ચગ્યો. વ્યક્તિસ્વાતંત્ર્યની હદ વટાવી જનાર અમેરિકામાં આ બંને બાનુઓએ ધાર્મિક અધિકારના નામે ડ્રાઈવંિગ લાયસન્સમાં ફુલફેસ ફોટોને બદલે બુરખા પહેરીને જ ફોટો પડાવવા જીદ પકડી. એ અરસામાં જ ત્રાસવાદી હુમલા પછી સંવેદનશીલતા અને સહિષ્ણુતાના ગાંધીશાઈ અતિરેકમાં ડુબેલા એ ઈમોશનલ દેશે બીજી બે-ચાર ઘટનાઓ જોઈ. ઓકોલહોમાની સ્કૂલના સંચાલકોએ ‘ગોડ બ્લેસ અમેરિકા’નું સ્લોગન સ્કૂલોમાંથી હટાવવાની શરૂઆત કરી, કારણ કે એમને ડર હતો કે આવા ‘ધાર્મિક’ સૂત્રથી કોઈની લાગણી દુભાઈ જશે. લોંગ આઈલેન્ડ, ન્યૂયોર્કમાંથી ટેલિકાસ્ટ થતી ‘ચેનલ ૧૨’ના ન્યૂઝરૂમમાં અમેરિકી ઘ્વજ અને રેડ, બ્લ્યુ ઈન્ટિરિયર હતું, જે હટાવી દેવાયું એટલે ‘કોઈ’ને એના સમાચારો ‘પૂર્વગ્રહપ્રેરિત’ ન લાગે! ફ્‌લોરિડાની ગલ્ફ કોસ્ટ યુનિવર્સિટીની પબ્લિક લાયબ્રેરીમાં ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્‌સને માઠું ન લાગે, માટે ‘પ્રાઉડ ટુ બી એન અમેરિકન’ લખેલા સાઈનબોર્ડસ હટાવી દેવાયા. બર્કલી, કેલિફોર્નિયાના બંબાઓ પરથી અમેરિકન ઘ્વજ કોઈની લાગણી ન દુભાય, માટે હટાવી દેવાયા.
આ બઘું જોઈને જ્યોર્જીયા રાજ્યના એક સ્થાનિક સમાચારપત્રમાં એર ફોર્સના એક નિવૃત્ત ઉચ્ચાધિકારી બેરી લોઉડરમિલ્કે ઉકળતા લોહી સાથે એક એડિટોરિયલ લખ્યો. જેના અંશો કંઈક આવા છે ઃ

‘‘હું ઈમિગ્રેશન (બહારથી અમેરિકા રહેવા આવતા વસાહતીઓ)નો વિરોધી નથી. કોઈ બહેતર જીવન જીવવા અમેરિકા આવે તેની સામે મને કોઈ પૂર્વગ્રહ નથી. આ તો દેશ જ બહારના વસાહતીઓનો બનેલો છે. પણ કેટલીક એવી બાબતો છે, જે બહારથી આવેલાઓએ સમજવી પડે.

પહેલી વાત તો એ, કે સતત તમારી લાગણી ન દુભાય, એવા પ્રયત્નો કર્યે રાખવા, એ કંઈ અમારી જવાબદારી નથી. અમેરિકા મલ્ટી કલ્ચરલ છે, એ વાતથી કંઈ એની રાષ્ટ્રીય ઓળખ કે સાર્વભૌમત્વને ઓગાળી નાખવાના ન હોય. અમેરિકન તરીકે અમારી પોતાની એક સંસ્કૃતિ છે, ભાષા છે, જીવનશૈલી છે, સમાજ છે. અમારા પૂર્વજો એના માટે લડ્યા છે, લોહી રેડ્યું છે અને મર્યા છે.

‘ઈન ગોડ વી ટ્રસ્ટ’ એ અમારું રાષ્ટ્રીય સૂત્ર છે. આ કોઈ રાજકીય નારો કે જમણેરી ખ્રિસ્તીઓનો પ્રચાર નથી. એ કેપિટલ હિલ (સંસદ ભવન) પર પથ્થરથી કોતરાયેલું છે, અને અમારી કરન્સી નોટો પર છપાય છે. આ ‘મોટ્ટો’ અમે એટલે અપનાવ્યો છે કે આ દેશની સ્થાપના ખ્રિસ્તી સ્ત્રી-પુરૂષોએ – કે જે ખ્રિસ્તી સિદ્ધાંતોને અનુસરતા હતા – એમણે કરી છે, અને આ ઐતિહાસિક હકીકત છે.
‘ગોડ’ અમારા રાષ્ટ્રગીતમાં, રાષ્ટ્રભક્તિના દરેક ગીતમાં છે, અમારા પ્રાચીન દસ્તાવેજોમાં છે. અમે એના (પૃથ્વી પરના) જન્મ, મૃત્યુ, પુનરાવતારને આદર આપીએ છીએ. જ્યારે કટોકટી હોય, ત્યારે એની પ્રાર્થના કરીએ છીએ. જો આ ‘ગોડ’થી તમારી લાગણી દુભાતી હોય, તો હું સૂચન કરીશ કે તમારું ઘર ધરતીના બીજા છેડે ક્યાંક બનાવો. કારણ કે, અમને ‘ગોડ’ના હોવા ઉપર ગર્વ છે. અમને અમારા વારસા પર અને એનું માનભેર રક્ષણ કરનારી વિભૂતિઓ પર પણ ગર્વ છે. અમેરિકન કલ્ચર અમારું ‘વે ઓફ લાઇફ’ છે. અમે એમાં ખુશ છીએ અને બદલાવા માંગતા નથી. એન્ડ વી ડૉન્ટ કેર કે તમે જ્યાંથી આવો છો, ત્યાં શું કરો છો.

અમારા બંધારણનો પહેલો સુધારો જ દરેક નાગરિકને અમારી સંસ્કૃતિ, સરકાર, સમાજ વિશે જાહેર અભિપ્રાય આપવાનો હક આપે છે. અને અમને જરૂર ગમશે કે તમને પણ એની ભરપૂર તક મળે. પણ જો તમે સતત રોતલ બની અમારી રાષ્ટ્રીયતા, શ્રદ્ધા કે જીવનશૈલી સામે ફરિયાદો અને કંકાસિયો ગણગણાટ જ કરવાના હો – તો અમેરિકન ફ્રીડમનો મહાન લાભ ઉઠાવો – ‘રાઈટ ટુ લીવ’ (છોડી જવાના હક)ને અનુસરો.’’
***

એક વખત એવું પણ બન્યું કે બ્રિટનમાં ટ્રેન બોમ્બંિગ જેવી ઘટનાઓ અને બાલિ પરના ત્રાસવાદી હુમલાઓ પછી આતંકવાદનો ઓછાયો ઓસ્ટ્રેલિયા પર પડતા ૨૦૦૫માં ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન જ્હોન હાવર્ડ અકળાયા. બેરીભાઈની સ્પીચમાંથી પ્રેરણા લઈ, એક એમણે પણ રાષ્ટ્રને નામ સંદેશ વહેતો મૂક્યો. એ અગાઉ ઓસ્ટ્રેલિયન સરકારના હંિસા સામેના કડક પગલાથી ધર્મને થતાં અન્યાયના મુદ્દે એમને મુસ્લીમ વિદ્વાનો, ધાર્મિક આગેવાનોનું પ્રતિનિધિમંડળ મળવા પણ આવેલું. હાવર્ડભાઈએ વિવિધ સંદર્ભે જે ટુકડે-ટુકડે કહ્યું એનો સામૂહિક સારાંશ કંઈક આવો છે (યાદ રહે, એ મુસ્લીમોને ત્રાસવાદના સંદર્ભે જ કહેવાયું છે) ઃ

‘‘ઈમિગ્રન્ટસ, યાને કે બહારથી આવેલા વિધર્મી વસાહતીઓએ શીખવાનું સમજવાનું અને ‘એડજસ્ટ’ થવા બદલાવાનું છે. અમારે ઓસ્ટ્રેલિયનોએ નહિ. ટેઇક ઇટ ઓર લીવ ઈટ. આ દેશથી કોઈની લાગણી તો નથી દુભાતી ને, કોઈની સંસ્કૃતિનો વિરોધ તો નથી થતો ને એવી ચંિતા કરી કરીને હું થાકી ગયો છું. ત્રાસવાદી હુમલાઓ પછી બહુમતી ઓસ્ટ્રેલિયનોમાં દેશપ્રેમનો જબ્બર ઉછાળો આવ્યો છે.’’

અમારી સંસ્કૃતિ પણ સદીઓના સંઘર્ષ, પ્રયાસો અને વિજયોથી વિકસી છે, લાખ્ખો-કરોડો નર-નારીઓના યોગદાનથી આજની આઝાદી સુધી પહોંચ્યા છે. અમે મુખ્યત્વે અંગ્રેજી બોલીએ છીએ. સ્પેનિશ, લેબનીઝ, અરેબિક, રશિયન, ચાઈનીઝ, જાપાનીઝ કે બીજી કોઈ ભાષા નહિ. માટે જો તમે અમારા સમાજનો હિસ્સો બનવા માંગતા હો, તો પહેલા અમારી ભાષા શીખો.

મોટા ભાગના ઓસ્ટ્રેલિયનોને ‘ગોડ’માં શ્રદ્ધા છે, કારણ કે આ ખ્રિસ્તી લોકોએ સ્થાપેલો, શોધેલો દેશ છે. એટલે જ એની (ગોડની) વાતો અમારી સ્કૂલની દીવાલો પર છે. તમને એનાથી અકળામણ થતી હોય તો તમે ચાલ્યા જાવ – ઈશ્વર તો અમારી સંસ્કૃતિનો ભાગ રહેશે જ.

અમે તમારી માન્યતાઓ સ્વીકારીએ છીએ, અને ‘આવું કેમ?’ એવો પ્રશ્ન પૂછતા નથી. અમે ફક્ત એટલું જ કહીએ છીએ કે તમે પણ મોકળા મને અમારી માન્યતાઓ સ્વીકારો, શાંતિ-સંવાદિતા-સુમેળથી રહો અને અમારી સાથે મજા કરો.
આ અમારો દેશ છે, અમારી ભૂમિ છે. અમારી જીવનશૈલી છે. અને તમને એ અનુભવવાની, માણવાની દરેક તક અમે આપીશું. પણ અમારી લાઈફસ્ટાઈલ જો તમને પસંદ ન હોય અને તમારે એની વિરૂઘ્ધ બખાળા જ કાઢવા હોય તો તમે અહીંથી ચાલ્યા જવા માટે આઝાદ છો. તમે અહીં ખુશ ન હો, તો ચાલતા થાવ. અમે કંઈ તમને અહીં પરાણે લઈ આવ્યા નથી. તમારી મરજીથી તમે અહીં રહો છો. માટે, જે દેશનું નાગરિકત્વ તમે સ્વીકારો છો, તેને (મતલબ, તેની સંસ્કૃતિને) પણ સ્વીકારો.’’

આટલું કહ્યા પછી ઓસ્ટ્રેલિયન સરકારે મસ્જીદો-મદ્રેસાઓ પર ખુલ્લેઆમ ત્યાં ‘ત્રાસવાદ’નું સમર્થન તો નથી થતું ને, એ જોવા માટે તપાસ અને ‘વૉચ’ ગોઠવી. હાવર્ડસાહેબે રોકડું કહી દીઘું કે ‘‘કોઈ ધર્મના પાલન બાબતે કંઈ સરકાર દખલગીરી કરવા નથી માંગતી. પણ જો ધર્મના નામે કોઈ ચોક્કસ જૂથ હંિસાત્મક ત્રાસવાદનો પ્રચાર કરવાની પેરવી કરે, તો એવું ન થાય એ માટે નજર રાખવી એ રાષ્ટ્રીય સલામતીનો મુદ્દો છે.’’

જો જે-તે ધર્મગુરૂઓ કે સંસ્થાઓ નિર્દોષ જ છે, તો એમણે આનાથી ડરવાની જરૂર નથી. ભલે ને કોઈ આવીને નિરીક્ષણ કરે, તપાસ કરે… તમે ગુનેગાર જ નથી તો શા માટે વિરોધ કરો છો? સહયોગ આપો ને!’’
અને ૨૩ ઓગસ્ટ ૨૦૦૫,ના લેટલાઈન ટીવી ન્યૂઝ પ્રોગ્રામમાં ઓસ્ટ્રેલિયાના નંબર ટુ ગણાતા ટ્રેઝરર કેબિનેટ મિનિસ્ટર પીટર કોસ્ટેલોએ સખ્તાઈથી કેટલીક વાતો તડ-ફડની ભાષામાં કરી… એના અંશ પણ વાંચી લો ઃ

‘‘આ દેશ લોકશાહી ઢબે ચાલે છે. બંધારણ મુજબ એ એક સેક્યુલર સ્ટેટ છે. અમારા કાયદા ઓસ્ટ્રેલિયન પાર્લામેન્ટે ઘડેલા છે. જો એ તમારા મૂલ્યો સાથે સુસંગત નથી, અને તમે શરિઅતના કાયદા મુજબનો દેશ ઝંખો છો – તો ઓસ્ટ્રેલિયા તમારા માટેનો દેશ નથી. અહીંના કાનૂનો, અદાલતો, સંસદીય કાર્યપ્રણાલી વગેરે સાથે જો તમે કમ્ફર્ટેબલ નથી, તો બીજા એવા ઘણા દેશો છે જ – જે શરિઅત મુજબ ચાલે છે, એ તમને વઘુ અનુકૂળ આવતા હોય તો તમે ત્યાં ચાલ્યા જાઓ.

ઓસ્ટ્રેલિયામાં એક જ કાયદો છે. ઓસ્ટ્રેલિયન કાયદો. શરિઅતનો કે અન્ય કોઈ ધર્મગ્રંથનો કાનૂન નહિ. જેમને ઓસ્ટ્રેલિયા આવીને રહેવું હોય, એ આ બાબતે એકદમ ક્લીઅર થઈને રહે. અમારી ઓસ્ટ્રેલિયન વેલ્યૂઝને માન આપતા શીખો. અમારા કાયદા સંસદ ઘડે છે, અને અદાલતો એનો અમલ કરાવે છે. તમને એ ન ફાવે, અને તમારે તમારું ધાર્મિક સ્વાતંત્ર્ય આપતી સમાંતર વ્યવસ્થા ઉભી કરવી હોય તો અહીં તેને સ્થાન નથી. તમે અહીં આવો ત્યારે શપથ લો છો, ઓસ્ટ્રેલિયન લોકશાહીમાં માનવાના. ઓસ્ટ્રેલિયાની સ્વતંત્ર ઓળખ છે, સ્વતંત્ર ન્યાયપાલિકા અને જીવનશૈલી છે. તમારી માન્યતાઓ એની સાથે શેર ન થતી હોય તો રહેવાના બીજા ઓપ્શન શોધી લો. અહીં એક જ કાનૂન છે, અને સરકાર ઇચ્છે કે નાગરિકો એનું પાલન કરે! તમારા બાળકોને ઓસ્ટ્રેલિયન સંસ્કારો શીખવાડો!’’
***

રીડરબિરાદર, શાંતિથી વાંચજો. વાત એમાં કંઈ ઈસ્લામના અપમાનની નહિ, પણ પોતાના દેશની અસ્મિતા અને ઓળખની શાન માટેની નક્કરતાની છે. રશદી વખતે કોઈ મુસ્લીમ ચરમપંથી કે હુસેન વખતે કોઈ હિન્દુ ફેનેટિક દોઢડાહ્યા થાય, ત્યારે આવો સ્ટ્રિક્ટ મેસેજ ગવર્નમેન્ટ તરફથી મુલ્કને જવો જોઈએ. પ્રજાસત્તાક એટલે પોતાની ઘરની ધાર્મિક વ્યાખ્યાઓ મુજબ ચાલતો સંકુચિત મિજાજનો દેશ નહિ. પ્રજાસત્તાક એટલે જ્યાં ન્યાય અને નીતિમત્તાના ત્રાજવે બધાનો તોલ સરખો ચાલતો હોય, એવો સમરસ સમાજ. જ્યાં જનલોકપાલને ડામવા માટે નહિ, પણ વાસ્તવમાં સંવૈધાનિક સંસ્થાઓની ગરિમા જળવાતી હોય. જ્યાં વારતહેવારે કોઈને કોઈ સમાજની દુભાતી ધાર્મિક લાગણીઓ નજરઅંદાજ થતી હોય. કોઈ પણ સર્જક-કલાકાર ખાતર સરકાર પોતાનો પ્રચંડ પાવર બતાવી પ્રજાને શિસ્તના પાઠ ભણાવતી હોય. ઓસ્ટ્રેલિયા પાસેથી ક્રિકેટ સિવાય પણ કશુંક શીખવાનું છે. અમેરિકા પાસેથી કોલા સિવાયના ય ધૂંટ ભરવાના છે.

ઈન ફ્રીડમ ઓફ ધેટ હેવન, લેટ માય કન્ટ્રી અવેક!

ઝંિગ થંિગ
શીત લહર હૈ – લંકા ફિલ્મનું શિયાળાની ઠંડી રાતે સાંભળવા જેવું બેનમૂન ગીત.

2 comments

  1. કવિશ્રી ઉશનસે ૧૫-૨-૧૯૫૮માં આ કવિતા લખી હતીઃ

    ગાંધીજીને
    તમને હજીયે છે આ પ્રજામાં રસ?
    આપની જ્યાં ત્યાં ઊભી કરતી પ્રતિમા, બસઃ
    તેજમૂર્તિ તાત, આ એવી પ્રજા તમ વારસ,
    આદર્શનો અપભ્રંશ જ્યાં છે આરસ!

    તે પછી થી તો બેંકોનું રાષ્ટ્રિયકરણ અને રાજાઓનાં સાલિયાણાંથી માંડીને આર્થિક ઉદાહરણને પગલે ૭ થી ૮%નો વૃધ્દિ દર,પૂર્વ પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ થી શ્રી લંકામાંની ભારતીય લશ્કરની કામગીરી, સંસદને ફૂંકી મારવાથી માંડીને મુંબઇપર ત્રણ ત્રણ

    Like

  2. આગળ જેમ કોમેન્ટ કરી હતી એ પ્રમાણે, ખરું ધાર્મિક સ્વાતાન્ત્ર્ય આ દેશમાં સદીઓથી છે.
    અત્યારે દેશમાં સીક્યુંલારીઝમ ચાલે છે.

    ક્યા દેશમાં ચૂંટણી સમયે લોકો મુસલામાનોને ક્વોટા અને ફલાણા વાયદા કરવામાં આવે છે, અને એ પણ કોના પૈસે? મુસલમાનોએ (જે દેશને પહેલા અને સંપ્રદાય પછી માનતા હોય તે) એ આ ભાગલાવાદી લોકોને તગેડી મુકવા જોઈએ.

    મને સમજાતું નથી કે કોંગ્રેસનાં સમર્થકો અને જે નવા સભ્યો બને છે એ શું જોઈને બનતા હશે? એમની આઈડીયોલોજી શું છે? કે બસ આ ટોળું જમા કરી વોટ જમા કરી કમિશન કમાવવાનો ધંધો છે? આવી નાલાયક સરકારને વોટ આપનાર લોકો, દેશના બાકી બધાના દુશ્મન છે અને બધા જ થયેલા સ્કેમના અને થઈ રહેલ પડતીનાં પરોક્ષ રીતે જવાબદાર છે.

    દરેક સરકાર તમને હોશિયાર થવા નહિ દે. તમે હોશિયાર થાવ તો એમોનો ધંધો પડી ભાંગે ને?
    અને આપણે રહ્યા જૈન/વૈષ્ણવ/યાદવ/મુસલમાન/ખ્રિસ્તી, હિન્દુસ્તાની નહિ એટલે આ દેશનો ઉદ્ધાર ક્યાંથી થાય?

    Like

Leave a reply to ASHOK M VAISHNAV જવાબ રદ કરો