આ રીતે આચરાતાં હોય છે ઇશ્વરના નામે કૌભાંડો

શ્રી વિધ્યુત ઠાકર દ્વારા દિવ્ય-ભાસ્કરની 11,ડીસેમ્બર,2011 ની સનડે પૂર્તિમાં “ સમુદ્ર મંથન” કોલમમાં પ્રસિધ્ધ થયેલો લેખ, લેખક તથા દિ.ભાસ્કરના સૌજન્ય અને આભાર સાથે

આ રીતે આચરાતાં હોય છે ઇશ્વરના નામે કૌભાંડો|

મધ્ય યુગમાં જ્યારે પુસ્તકો નહોતાં છપાતાં ત્યારે યુરોપમાં પાદરીનો શબ્દ આખરી ગણાતો. કેથલિક સંપ્રદાય મુજબ પાપ કરનારે રવિવારે દેવળમાં જઇને પાપની કબૂલાત કરવી પડતી. પછી પાદરી આ કબૂલાત સાંભળી ઇશ્વરના નામે માફી આપતા. આ પ્રક્રિયામાં પાપી અને પાદરી સિવાય કોઇની હાજરી ન રહેતાં ધીમે ધીમે પાદરીઓએ પૈસા લઇને પાપમુક્તિના પરવાના વેચવાનું શરૂ કર્યું. પાદરીઓનું આ કૌભાંડ ઘણું ચાલ્યું પછી જર્મનીના ગુટેનબર્ગમાં પ્રથમ બાઇબલ છપાયું, લોકોએ વાંચ્યું અને જાણ્યું કે ઇશ્વર તો માફી આપે જ છે. પાદરી ખોટી રીતે પૈસા ઉઘરાવે છે. માર્ટિન લ્યુથરે બળવો કરીને પ્રોટેસ્ટન્ટ સંપ્રદાય સ્થાપ્યો પછી પાપમુક્તિના પરવાના વેચવાનું કૌભાંડ ઓછું થયું.

માનવી ઇશ્વરની, પરમાત્માની, સર્વશક્તિમાનની ખોજ કરે અને પોતાની સમજણ કે શ્રદ્ધા મુજબ તેની ભક્તિ, પૂજા, પ્રાર્થના કે અર્ચના કરે તેમાં કશુંય ખોટું નથી. આ બાબત શ્રદ્ધાની છે, લાગણીની છે. જીવનમાં જેટલી બુદ્ધિની જરૂર છે તેટલી જ લાગણીની પણ જરૂરી છે. સમસ્યાઓનું વિશ્લેષણ બુદ્ધિથી (અને માત્ર બુદ્ધિથી) થઇ શકે, પરંતુ જીવન જીવવા માટે, સંબંધો ટકાવવા માટે, બાળકોને ઉછેરવા માટે કે પરાઇ પીડમાં મદદ કરવા માટે લાગણીની જરૂર પડે છે. આપણા એક લોકપ્રિય શાયર જલન માતરીએ કહ્યું છે,

‘શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર,
કુરાનમાંયે ક્યાંય પયગમ્બરની સહી નથી.’

માનવીના જીવનમાં બુદ્ધિ અને લાગણી બંને છે. બંનેનાં ક્ષેત્રો અલગ છે. જ્યારે એકના ક્ષેત્રમાં બીજું તત્વ ઘૂસણખોરી કરે છે ત્યારે સમસ્યા સર્જાય છે. વળી, દરેક વ્યક્તિમાં લાગણી અને બુદ્ધિની સમતુલા હોય તેવું પણ બનતું નથી. કેટલાક લોકો બુદ્ધિપ્રધાન તો કેટલાક લોકો લાગણીપ્રધાન હોય છે. ગ્રીસના મહાન દાર્શનિક સોક્રેટિસે મન (વૈચારિક પાસાં)ના બે ભાગ પાડ્યા છે. લાગણીશીલ મન અને બુદ્ધિશીલ મન. આમ કર્યા પછી સોક્રેટિસ કહે છે કે જાતની (આત્માની) અને જગતની સાચી ઓળખ મેળવવા માટે લાગણીનાં પાસાંને ઘટાડતાં જઇને બુદ્ધિનાં પાસાંને વધારતા જવું જોઇએ.

માનવી જ્યારે અલૌકિક પાસાઓ વિશે વિચારવા લાગે છે અને પોતાની બૌદ્ધિક મર્યાદાને લીધે તે અમુક અંશથી આગળ વિચારી શકતો નથી ત્યારે વિચારવાની અને તેથી કરીને લોકોને સમજાવવાની ક્ષમતા ધરાવનારા લોકો આ બાબતમાં તેમને મદદ કરે છે. લોકોને તેમના સવાલોના થોડા ઘણા જવાબો મળે છે તેથી સરેરાશ લોકો આવા લોકોને ગુરુ, ધમૉત્મા, દાર્શનિક, બાપુ, ઓલિયા, ફકીર જેવાં વિવિધ નામોથી ઓળખી તેમનામાં શ્રદ્ધા ધરાવતા થાય છે.

પછીથી આ લોકો જે કહે તેને સરેરાશ લોકો શંકા કર્યા વિના શ્રદ્ધાથી માનવા લાગે છે. નાનું બાળક મા-બાપમાં શ્રદ્ધા રાખી તેમની વાત માને છે તેવી જ આ સ્થિતિ છે. સમસ્યાઓનું વિશ્લેષણ કરવાની ક્ષમતા ધરાવતા આવા વિશિષ્ટ લોકો તરફ સરેરાશ લોકો આકષૉય છે અને પોતે જે નથી કરી શકતા (સમસ્યાનું વિશ્લેષણ અને ઉકેલ) તે આ માણસ કરી શકે છે, માટે તે સરેરાશ લોકો કરતાં વધુ ક્ષમતાવાન છે.

ઇશ્વર જો સર્વશક્તિમાન છે તો આવા લોકો ઇશ્વરના પ્રતિનિધિ અને વધુ ને વધુ ક્ષમતા તરફ ગતિ કરવાવાળા છે તેમ માને છે. સરેરાશ લોકો તેમના તરફ આકષૉય છે અને આવા લોકોમાં અતિમાનવીય ગુણોનું આરોપણ કરે છે. વધુ ને વધુ લોકો તે વ્યક્તિ તરફ આકષૉતા ધીમે ધીમે તે સંબંધોનું સંસ્થીકૃત સ્વરૂપ અને તેમાંથી સંપ્રદાય રચાય છે. ધર્મ પોતે તો અસંગઠિત (અનઓર્ગેનાઇઝડ), અવ્યવસ્થિત (અનસ્ટ્રકચર્ડ) અને બિનસાંપ્રદાયિક (નોનસેકટોરિયલ) છે.

પરંતુ ઇશ્વર અને ભકતની વચ્ચે કોઇ પ્રવેશીને એક પરંપરા શરૂ કરે છે તેમાંથી સંપ્રદાય બને છે અને સંપ્રદાય આવતા આશ્રમ બનાવવો, મંદિર, દેવળ કે મસ્જિદ બનાવવાં, પાઠશાળા કે મદરેસા કરવી વગેરે માટેનાં આર્થિક હિતો ઊભાં થાય છે, જે આગળ જતાં સ્થાપિત હિત બને છે અને કૌભાંડોની હારમાળા સજેઁ છે. આથી તો જે. કૃષ્ણમૂર્તિ, સચ્ચિદાનંદ કે મોરારિબાપુ પોતાનો સંપ્રદાય સ્થાપવાની ના પાડે છે, પરંતુ બધા આ લાલચ રોકી શકતા નથી.

લોકો જો એક પણ સવાલ પૂછ્યા વિના કે રસીદ માગ્યા વિના પૈસા આપતા હોય તો એવી લાલચને રોકવાની ક્ષમતા ભલભલા સંતો-મહંતો-પાદરીઓ-મુલ્લાઓ કે કોઇ પણ સાંપ્રદાયિક ગુરુમાં ભાગ્યે જ હોય છે. આમાંથી કેટલાક લોકો વિશ્લેષણ કરવાની વિશેષ ક્ષમતા સિવાય કોઇ સરેરાશ લોકોથી વધુ ક્ષમતા ધરાવતા હોતા નથી. જેમ સારો કવિ કે સારો કલાકાર અન્ય બાબતોમાં સરેરાશ હોય છે તેવું જ આ સંતો-મહંતો-મુલ્લા-પાદરીનું હોય છે.

આમાંથી સર્જાય છે ધર્મને નામે- ઇશ્વરના નામે કૌભાંડોની હારમાળા. જેમ સંપ્રદાય નાનો અને ઓછો સંગઠિત તેમ કૌભાંડોનું સ્વરૂપ નાનું. સંપ્રદાય જેમ મોટો અને વધુ સંગઠિત તેમ કૌભાંડોનું સ્વરૂપ મોટું. મધ્યયુગમાં કેથલિક સંપ્રદાય એટલો પાવરફુલ બની ગયો હતો કે યુરોપની બેતૃતીયાંશ જમીન દેવળના કબજામાં હતી. પશ્ચિમ ભારતમાં સમાજ સુધારણા શરૂ થઇ ત્યારે અમુક મહારાજની લીલાને કરસનદાસ મૂળજી નામના સમાજ સુધાર કે ન્યાયની દેવડીએ પડકારી હતી. આ કેસ ‘મહારાજ લાયબલ કેસ’ તરીકે ભારતની કાનૂન વિદ્યામાં બહુ જાણીતો બન્યો હતો.

અનુયાયીઓની અતિશુદ્ધાનો ગેરલાભ લઇને આચરવામાં આવતાં કૌભાંડો જર, જમીન અને જોરુ એમ ત્રણેય પ્રકારનાં હોય છે. કાળાં નાણાંને સફેદ કરવાનું એક મોટું કૌભાંડ સંસ્થાનો દ્વારા ચલાવવામાં આવે છે. દા.ત. એક ધાર્મિક સંસ્થા પાંચ લાખ રોકડા લઇને સાડા ત્રણ-ચાર લાખની રસીદ આપે છે. રસીદ હોવાથી દાન આપનારને કરમુક્તિનો લાભ મળે છે. પરદેશથી બિન હિસાબી નાણું દેશમાં મોકલવામાં પણ કેટલાંક સાંપ્રદાયિક સંસ્થાનો ‘કુરિયર’ કે ‘કેરિયર’ની ભૂમિકા ભજવે છે.

ભારતની અમેરિકન એમ્બસીને ધાર્મિક વિઝા માગનારાઓમાં કૌભાંડની ગંધ આવે છે, આથી તો ૨૦૦૭ની સાલમાં બાવન ટકા ધાર્મિક વિઝા નકારવામાં આવ્યા હતા. પછીથી ઝીણવટભરી તપાસ થઇ અને સન ૨૦૦૮માં મુંબઇની વિઝા ઓફિસમાંથી સિત્તેર ટકા ધાર્મિક વિઝા નકારવામાં આવ્યા હતા. પછીથી ન્યાયિક તપાસ થતાં ઓગણસિત્તેર ટકા વિઝા નકારાયા, માત્ર એક ટકા કેસમાં વિઝા આપવામાં આવ્યા.

આ નકારાયેલા વિઝા કેસીસમાં ગુજરાતના કેટલાક બહુ જાણીતા ધાર્મિક સંપ્રદાયોના સંતો-સાધુઓના કેસીસ પણ હતા. કોલકાતાની વિઝા ઓફિસના આંકડાઓ પણ લગભગ આવા જ છે. આ બાબતોથી કોઇ એમ માનવા ન પ્રેરાય કે આવાં કૌભાંડો માત્ર ખ્રિસ્તી, હિંદુ અને મુસ્લિમ ધર્મના સંપ્રદાયોમાં જ થાય છે. શીખ, બૌદ્ધ અને જૈન ધર્મોની સાંપ્રદાયિક સંસ્થાઓ આમાંથી મુકત નથી. તેમાં વળી કેટલાક સંપ્રદાયો પોતાના સાધુ-સંતો પર કડક શિસ્ત લાદે છે. નાની અને કાચી વયમાં શ્રદ્ધાથી પ્રેરાઇને સંસારત્યાગ કરનાર વ્યક્તિ યુવાનીમાં આવતાં ઇચ્છાઓનો સળવળાટ અનુભવે છે. કેટલાક પાછા સંસારમાં પ્રવેશ્યાના બહુ જાણીતા કિસ્સાઓ છાપામાં ચર્ચાયા છે, તો કેટલાક ત્યાગીઓનાં સેક્સકાંડની સીડી પણ ફરતી થઇ છે.

જમીન કૌભાંડોમાં ગેરકાયદે જમીનનાં દબાણો અને કાળાંનાણાંથી તથા બેનામી જમીનનાં કૌભાંડોની તપાસ કરવા ખાસ અને ઉચ્ચ સત્તાધારી કમિશન બેસાડવું પડે. કોમી હુલ્લડો પછી ‘હુલ્લડિયા હનુમાન’ની સ્થાપના થયાના સમાચારો સાથે રસ્તા વચ્ચે દબાણ કરીને બાંધવામાં આવેલ દરગાહો અને દેરીઓ તોડી પાડવાના સમાચાર પણ આવ્યા હતા. ધાર્મિક અને સાંપ્રદાયિક સંસ્થાઓ દ્વારા થયેલાં જમીનનાં દબાણોમાં સરકારી જમીન કે યુનિવર્સિટીઓની જમીન પણ બાકાત નથી. શરૂમાં થોડી જમીન દાનમાં મળે પછી આજુબાજુની જમીન પાર્કિંગ સુવિધાઓ, ચોકીપહેરો વગેરેના નામે પણ પચાવાયી હોવાનું જાણવા મળે છે.

સરેરાશ લોકોની અતિશુદ્ધાનો ગેરલાભ ઉઠાવતી આવી સાંપ્રદાયિક સંસ્થાઓ માટે એક શાયરે કહ્યું છે,‘લીલી, ધોળી ને ભગવી કફની દંભીઓનો લિબાસ થઇ ગઇ છે,બોલબાલા છે બધે બદબૂની આજ બદબૂ સુવાસ થઇ ગઇ છે, વાડ મેંદીને બદલે લોહીની આશ્રમો આસપાસ થઇ ગઇ છે.’

vidyutj@gmail.com

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s