અને જોંતજોતામાં બની ગયો ઐતિહાસિક તમાચો…!

શ્રી વિનોદ ભટ્ટ દ્વારા દિવ્ય-ભાસ્કરની 11,ડીસેમ્બર,2011,ની સંડેપૂર્તિમાં “ઈદમ તૃતિયમ” કોલમમાં પ્રસિધ્ધ થયેલો શરદ પવારને પડેલા તમાચા વિષે વ્યંગાત્મક સુંદર લેખ.લેખકશ્રી તથા દિ.ભાસ્કરના સૌજન્ય અને આભાર સાથે !

અને જોંતજોતામાં બની ગયો ઐતિહાસિક તમાચો…!

પ્રિય મનમોહનસિંઘજી

મને ખબર છે કે અમુક પત્રો કચરાટોપલીના લાભાર્થે જ લખાતા હોય છે, જેનો આર્થિક ફાયદો ટપાલખાતાને થાય છે ને મારા જેવા નિવૃત્ત માણસનો આથી ટાઇમપાસ થાય છે. લગભગ ચારેક દિવસ અગાઉના અખબારમાં એક એવા બ્રેકિંગ ન્યૂઝ છે કે છેલ્લા બે વર્ષમાં ભૂખમરાથી ભારતમાં એક પણ મરણ થયું નથી. મારા ગીધુકાકાને લાગ્યું કે કદાચ આ આજની નવી જોક હશે, પરંતુ ધ્યાનથી જોતાં ખબર પડી કે આ તો કેન્દ્ર સરકારની પ્રેસનોટ છે.

મને પણ એ સાચું લાગે છે. આપણી પ્રજા તો અકરાંતિયાની પેઠે વધુ પડતું ખાવાને કારણે જ મરે છે એવું તો અમેરિકન પ્રેસિડેન્ટ ઓબામાએ બે-ત્રણ વખત કહ્યું છે છતાં તમે એનો વિરોધ સુધ્ધાં નથી કર્યો. ઓબામાએ તો ફરિયાદરૂપે કહેલું કે ઇન્ડિયનો વધારે પડતું અનાજ ખાઇ જાય છે ને ગજા બહારનું પેટ્રોલ પી જાય છે એટલે અમને આ બંનેની ખેંચ પડે છે, તૂટ પડે છે.

હું તો માનું છું કે આપણે ત્યાં કોઇ ભૂખમરાથી, ડાયેટિંગ એટલે કે ડાઇ વિથાઉટ ઇટિંગથી અથવા તો ઉપવાસ કરવાથી દેવલોક પામતું નથી. આ વાતની તમને કે સરકારને જાણ નથી, પણ અણ્ણા હજારેને પાકી ખબર છે, એ કારણે તે બધા સામે આમરણ ઉપવાસની બંદૂક છાશવારે તાકે છે ને તમે ઘાંઘા થઇ એમને મનાવવા દોડી જાવ છો.

ખોટો ગભરાટ! તમારા કે શ્રીમતી સોનિયા ગાંધીના શ્રીમુખેથી જે માણસનો નામોલ્લેખ ક્યારેય અમે સાંભળ્યો નથી એ મહાત્મા ગાંધીને ઉપવાસ કરવાની હોબી હતી. તેમને લોકશાહીમાં શ્રદ્ધા હતી છતાં પોતાનું ધાર્યું કરાવવા તે ઉપવાસનું શસ્ત્ર ઉગામતા. થોડી અતિશયોક્તિ કરીને કહી શકાય કે તેમના ભાગે જમવા કરતાં લાંઘણ કર્યાના ટંક વધારે હશે.

એક વાર તો કોઇ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા નહીં, બસ એમ જ તેમણે ૪૦ ઉપવાસ કર્યા હતા તો પણ તે નહોતા મર્યા, પણ તે મર્યા ત્યારે ખાવાના કારણે જ મરણ પામ્યા. ગોડસેની ત્રણ ગોળી તે પચાવી ના શક્યા. ગીધુકાકા એવું માને છે કે ગાંધીબાપુએ ત્રણ બંદર પાળ્યા હતા એટલે ગોડસેએ તેમના પર ત્રણ ગોળીઓ છોડેલી. આ બાબત તમે શું માનો છો?

આ ટી.વી. ચેનલવાળા ખરેખર બદમાશ છે. કેન્દ્રિય મંત્રી શરદ પવારને મોટા અવાજે ચોર અને ભ્રષ્ટ કહી હરવિન્દર નામના એક શીખ યુવાને તેમના ગાલ પર એક જોરદાર તમાચો રસીદ કરી દીધો. આ તમાચો જાણે કોઇ અતિ દુર્લભ ઐતિહાસિક ઘટના હોય તેમ ટી.વી. ચેનલ્સવાળા ઉત્સાહઘેલા થઇ આ ર્દશ્ય બતાવતા હતા.

વધુ વખત તેમજ વારંવાર ટી.વી. ચેનલ પર શરદ પવારને લાફો ખાતા બતાવવાથી પોતાની ચેનલનો ટી.આર.પી. રાતો-રાત વધી જશે એવું માનીને કેટલીક ચેનલો તો અન્ય સમાચારોને હાંસિયામાં ધકેલીને આખો દિવસ બસ, આ જ બતાવતા. પ્રજાને-દર્શકોને શું જોવામાં વધારે પ્રસન્નતા થાય છે એની ટી.વી. વાળાને જાણ છે. હરવિન્દરે તો શરદના ગાલ પર એક જ થપ્પડ મારેલી, ટી.વી. ચેનલોએ તેને એક હજાર બનાવી દીધી. ટી.વી. પર આ બધું જ જો શરદભાઇએ જોયું હોત તો તેમનું જડબું એમ જ ખડી ગયું હોત.

પણ હેં મનમોહનસાહેબ, આ લાફા-પ્રકરણ બાબત તમે-તેમજ સોનિયાબહેન કેમ કશું ખોંખારીને ન બોલ્યાં? પેલાએ ચોર અને ભ્રષ્ટ કહીને તમાચો ઝીંકી દીધો એટલે આપણે એમ માની લેવાનું કે લાફો એ એમનો અંગત પ્રશ્ન હતો?… મારા મત પ્રમાણે એ ચાંટો કંઇ એકલા શરદના જ ગાલ પર નહીં, મોંઘવારી, બેકારી અને ભ્રષ્ટાચારના ગાલ પર મારવામાં આવ્યો છે.

આ તમાચા અંગે તમે તો ખાસ કોઇ પ્રતિભાવ પ્રગટ નથી કર્યો, પણ અણ્ણા હજારેએ તો આ સમાચાર જાણીને આઘાતથી તરત જ પૂછ્યું હતું કે બસ, એક જ તમાચો? ત્યાં જ તેમને ખ્યાલ આવ્યો કે બોલવામાં આનંદને લીધે જરા ઉતાવળ થઇ ગઇ, આજે તો તે ગાંધીજીનો અવતાર છે એવો વહેમ તેમને ખુદને પડવા માંડ્યો છે, એટલે તેમણે ઉમેર્યું: ‘હિંસા સારી વાત નથી.’ ખરેખર તો તેમણે એવું કહેવું જોઇતું હતું કે બસ, એક જ તમાચો? એ મારા અંતરાત્માનો અવાજ હતો.

એમ તો એક ભાઇએ ફોન પર મારી સલાહ માગતાં પૂછ્યું હતું કે શરદ પવારને તમાચો મારનાર શીખ યુવાન હરવિન્દર જેલમાંથી છુટીને બહાર આવે એટલે એનું સન્માન કરી મારે તેને રૂપિયા અગિયાર હજાર આપવા છે, તમે શું કહો છો? મેં તેને ધમકાવી નાખતાં કહ્યું કે આવી મૂખૉઇભરી વાત કરી શહેરનું ને દેશનું વાતાવરણ ડહોળવા પ્રયત્ન ના કરશો. દરેક પ્રજાજને તેના જેવા હોય એવા નેતાનું સન્માન કરવું જોઇએ.

ગાંધી, સરદાર પટેલ અને સુભાષાબાબુ જેવા રાજપુરુષો પામવાનું સદ્ભાગ્ય ભૂલી જઇને, આપણી પાસે આજે જે સિલકમાં જે છે એ નેતાઓથી ચલાવી લેવાનું છે અને સાહેબ, એ ભાઇને મેં તો એમ પણ કહેલું કે કોઇની આગળ જાહેર પણ ના કરીશ કે હરવિન્દરને ૧૧ હજાર રૂપિયા ઇનામ આપવાની તારી મંછા હતી, નહીં તો પછી થશે એવું કે કેટલાક લોકોને રૂપિયા અગિયાર હજાર કુરબાન કરવાની ને વધારે યુવાનોને તે લાઇફ ટાઇમ એચીવમેન્ટ લેખે મેળવવાની પ્રેરણા મળશે, લાલચ થશે અને આપણી પાસે એટલી સંખ્યામાં મંત્રીઓ પણ ક્યાં છે!

કહે છે કે પવાર સાહેબને થપ્પડ મારનાર હરવિન્દર પાગલ છે. આવું હું નથી કહેતો, તેના વકીલે જામીન માગવાની અરજી કરતાં કોર્ટને જણાવ્યું છે કે મારો અસીલ માનસિક બીમારીથી પીડાઇ રહ્યો છે, આ કારણે કેટલીકવાર તેને ખબર પડતી નથી કે તે શું કરી રહ્યો છે. તેના પર વચ્ચે વચ્ચે પાગલપનનો હુમલો આવી જાય છે.

મને એમ લાગે છે કે તેના વકીલે હરવિન્દર પર પાગલપનનો હુમલો બીજી વાર આવે એ પહેલાં પોતાની ફી વસૂલી લીધી હશે અને મારા ગીધુકાકાના મતે શરદ પવારને તમાચો મારતી વખતે હરવિન્દર પાગલ નહીં હોય, શાણો હશે. આપણે જાણીએ છીએ કે શાણો માણસ ચોવીસે કલાક શાણો નથી હોતો ને પાગલ પાગલ નથી હોતો. મનમોહનસિંઘજી, પત્ર જરા લાંબો લખાઇ ગયો, પણ એથી તમને કોઇ ફેર પડવાનો નથી, વાંચે એને ફેર પડેને!

મજામાં હશો,
તમારો પણ
વિનોદ ભટ્ટ

ઈદમ્ તૃતીયમ્, વિનોદ ભટ્ટ

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s