>*****પગ/ચરણ—એસસી/ એસટી કે ઓબીસી ? *****<

*****પગ/ચરણ—એસસી/ એસટી કે ઓબીસી ? *****

આપણાં શરીરમાં અનેક અંગ-ઉપાંગો છે. અલગ અલગ અંગોના અલગ અલગ કાર્યો છે. જેમ કે આંખ જુએ છે, કાન સાંભળે છે, નાક સુંઘે છે દાંત ચાવે છે વગેરે વગેરે. આ સીવાય હાથ અને પગ પણ અગત્યના-મહત્વના કાર્યો કરતા રહે છે અને આપણું જીવન સરળ બનાવતા રહે છે. હાથ વડે અનેક કાર્યો થતા રહે છે તો પગ આપણાં શરીરનું વજન ઊંચકવાનું અને આપણને આપણાં ગંતવ્ય સ્થાને પહોંચાડવાનું કામ કરે છે. જો પગ આપણાં શરીરનું વજન ઊંચકવા અસમર્થ બને તો આપણે ગંતવ્ય સ્થાને પહોંચી શકતા નથી અને આપણું હરવા-ફરવાનું સ્થગિત થઈ જાય છે. અરે, વોકર કે વ્હીલચેરનો ઉપયોગ કરવા માટે પણ પગ અંશતઃ સક્ષમ/શક્તિ ધરાવતા હોવા આવશ્યક છે. આમ પગ ખૂબ જ ઉપયોગી અને અનિવાર્ય અંગ ગણાવું જોઈએ તેમ છતાં કદાચ સમગ્ર શરીરમાં કોઈ ઉપેક્ષિત અંગ હોય તો તે કદાચ પગ છે.

બાળક જન્મે અને 4-5 માસનું થાય ત્યાં જ પોતાના ઘૂંટણ વડે ગોઠ્ણિયા ભેર ખસતા શીખે છે અને નાના કુદકા લગાવતું થતા મા-બાપ સહિત પરિવારના તમામ સભ્યો હર્ષની કીકીયારી વડે બાળકના ખસવાના શ્રમને વધાવી લે છે. 8-10 માસનું થતાં જ પોતાના પગ ઉપર સ્થિર થઈ પા-પા પગલી પાડી, ડગુ મગુ ચાલવા લાગતા, સૌ જાણે હિમાલય સર કર્યો હોય તેમ બાળકને શાબાશી અને વ્હાલથી ભીંજવી દે છે. અને તે સ્વતંત્ર રીતે ચાલવા લાગે તે માટે પ્રોત્સાહિત કરતા રહે છે.

આમ આપણાં પગ-ઘૂંટણ/ગોઠણનો ઉપયોગ જન્મના 4-6 માસમાં જ ચાલુ થઈ જતો હોય છે અને જે મૃત્યુ પર્યંન્ત ચાલુ રહે છે. આથી પગ-ઘૂંટણ આપણને મૃત્યુ સુધી ગંતવ્ય સ્થાને પહોંચાડવા મજબૂતને સક્ષમ રહેવા જોઈએ તે અનિવાર્યતા ગણાવી જોઈએ.

તેમ છતાં મોટા ભાગના લોકો પગને તદન ઉપેક્ષિત અંગ તરીકે જ જોતા જોવા મળે છે. પગની-પગના તળીયાની સફાઈ વગેરે હોતી હૈ, ચલતી હૈ ના ધોરણે થયા કરતી જોવા મળે છે. પરિણામે પગના તળીયામાં ચીરા, કપાસી તથા આંગળીઓ વચ્ચે ફંગસ. ખરજવા જેવા ચામડીના રોગો વગેરે થતા હોય છે. સ્નાન કરી કેટલાં લોકો પગને પૂરેપૂરા લુછી છેક તળીયાને સ્વચ્છ કરે છે ? તે યક્ષ પ્રશ્ન બની રહે છે.

હા, અલબત્ત સ્ત્રીઓ પગની કાળજી નહિ, પણ શોભા વધારવા વેક્સીંગ, નખ રંગવા, મ્હેંદી તો કોઈક વાર અલતા વગેરે દ્વારા પગને કલર ફુલ બનાવતી રહે છે તથા પાયલ પહેરી ખાસ વિશેષ શણગારે છે. નવા નવા ડીઝાઈનર ચપ્પલ, સેંડલ કે જુતા પણ પહેરે છે. પરંતુ પગ કે ઘૂંટણની વજન ઊંચકવાની શક્તિ-સમર્થતા કે સક્ષમતા વિષે ભાગ્યે જ વિચારે છે. પરિણામે ખાસ કરીને લગ્ન બાદ સ્ત્રીઓનું વજન વધ્યા કરે છે. અને આ રીતે પગ ઉપર દિન-પ્રતિ-દિન ભાર વધે છે. કેટલીક સ્ત્રીઓને જોતાં જ જાણે પગ ઉપર ખાંડ કે ચોખાની ગુણી ચડાવી દેવામાં આવી હોય તેવું દ્રશ્ય સર્જાતું હોય છે. કેટલીક સ્ત્રીઓનો કમરનો ફેલાવો એટલો વિશાળ હોય છે કે તેણી પોતે પણ પોતાના પગ ફુલ સાઈઝના અરીસા સામે ઉભે ત્યારે જ જોઈ શકે છે. તો કેટલીક સ્ત્રીઓ ચાલતી હોય ત્યારે તેણીના હીપ્સ ઉપર તબલાં બાંધી દીધા હોય તેવો ભાસ થતો હોય છે. જાણે મદનિયું ચાલી રહ્યું હોય !

જોકે પગના રક્ષણ માટે પુરૂષો પણ કોઈ વિશેષ કાળજી લેતા જણાયા નથી. બૂટ, મોજા કે ચપ્પલ, અલબત્ત પહેરે છે પરંતુ કેટલાક જ્યારે બૂટ ઉતારે ત્યારે ભયંકર દુર્ગંધ છોડે છે અને આવા ગંધાતા પગને કાળજી પૂર્વક સાફ કરવાની ભાગ્યેજ પરવા કરતા હોય છે પરિણામે આંગળીઓ વચ્ચે ફંગસ, ખરજવું વગેરે ચામડીના રોગો થતા રહે છે. વજન વધારવામાં પુરૂષો સ્ત્રીઓથી પાછળ રહેનારા નથી. સ્ત્રીઓ કમર વધારે છે તો પુરૂષો ફાંદ ! ફાંદનો ફેલાવો નાના તંબુ જેવો લાગે છે ઈન શર્ટ કરનારાઓને પેન્ટ ઉપર પટ્ટો બાંધવો અનિવાર્ય બને છે અને.જાણે જીવતું જાગતું બેડીંગ ચાલતું હોય તેવો ભાસ ઉભો થાય છે. અહિં પણ પોતાના જ પગ જોવા માટે પૂર્ણ કદના અરીસાની જરૂર પડે છે.

આટલા ભારેખમ વજનને ઉંચકી કાળક્ર્મે પગ અને ઘૂંટણ બળવો પોકારે છે. અને આથી આખરે ઘૂંટણ બદલવાની અર્થાત ની-રીપ્લેસમેંટનું ઓપરેશન કરાવવાનું અનિવાર્ય બની રહે છે.
આપને થશે કે આ પગ-ઘૂંટણ બદલાવ કે ની-રીપ્લેસમેંટની પિષ્ટ-પિંજણ શા માટે ? તો મને કહેવા દો, કે હાલ ગુજરાતમાં એનઆરઆઈની મુલાકતની મોસમ ચાલે છે અને તમામ માર્કેટો આ લોકોથી ઉભરાઈ રહી છે.

એ તો જાણીતી વાત છે કે અમેરીકનો તેમની શારીરિક સ્થુળતા અર્થાત ઓબેસીટીથી પીડાઈ રહ્યા છે અને ત્યાં સ્થાઈ થયેલા ગુજરાતીઓ સ્થુળતામાં કેમ પાછળ રહે ? આ સમય દરમિયાન ગુજરાતભરની ઓર્થોપેડીક અને હાર્ટ માટે એન્જીઓ ગ્રાફી-એન્જીઓપ્લાસટી તથા બાય પાસ સર્જરી કરતી તમામ હોસ્પિટલો ભરચક રહે છે. જાણે કેરી-ચીકુ-સંતરા કે દ્રાક્ષ વગેરેની સીઝન ચાલુ ના થઈ હોય ! વિશેષમાં વિદેશમાં આ ની-રીપ્લેસમેંટની સર્જરી અત્યંત મોંઘી હોઈ ઓર્થોપેડીક સર્જનોને આ સીઝનમાં તડાકો પડે છે. NRI પાસેથી RI અર્થાત દેશના રહેવાશીઓ કરતાં 3-4 ઘણી ફી વસુલ કરતાં આવા નિષ્ણાત ડૉકટરો આપણી સારવાર કે ઓપરેશનમાં પણ વધુ ફી માંગવા લાગતા હોય છે આથી કાં તો આપણે સારવાર વગર ચલાવી લેવું પડે છે અથવા નિર્દયતાથી કત્લ કરતાં આવા ડૉકટરોને શરણે જવું પડું છે ટૂંકમાં NRI તો ટૂંકી મુલાકાતે કામ પતાવી વિદેશ પાછા ફરે છે જ્યારે વધુ ફી વસુલવાનો સ્વાદ ચાખી જનારા ડૉક્ટરો બેરહમ રીતે આપણી પાસેથી પણ NRI સમક્ક્ષ ફી વસુલવાની યેન કેન પ્રકારેણ પેરવી કરતા રહે છે. .( આ વિષે વધુ, ફરી ક્યારે ક ! )

આ તીવ્ર હરીફાઈના માહોલને કારણે ક્યારે ક તો ડર લાગે કે આ હોસ્પિટલો સેલ ચાલુ કરી જાહેરાત કરશે કે બે સામે એક ફ્રી અર્થાત ( એક દર્દીના બે પગ સામે અન્ય દર્દીનો એક પગ હા…હા…હા…હા..).
ઘૂંટણ બદલવાનું શક્ય બન્યું છે પરંતુ પગની વેદના તો જેમની તેમજ રહી છે. પગનો પંજો, પેની અને આંગળાની હાલત તો કદાચ વધુ બદતર થઈ છે. ત્યાં સફાઈ કરવાની કોઈ ભાગ્યે જ દરકાર કે તકેદારી રાખતા જણાય છે.

તેમ છતાં રખેને પગ વિદ્રોહ કરી ના બેસે તે માટે ચબરાક અને મુત્સદી ગુજરાતીઓએ પગને મધ્યમાં રાખી તેના નામ સાથે જોડી કેટલીક ઉક્તિઓ વહેતી કરી છે. જેવી કે, ધરતી ઉપર પગ ન રહેવા, પગ ઉપર પગ ચડાવી બેઠા રહેવું, પગ ઉઠાવી ચાલવું, પગે કહ્યું ના કરવું, પગ ઠેરવવો, પગ વાળવો, પગ ઘુસેડવો, પગ ચંપી કરવી, પગ છૂટો કરવો, પગ જમાવવો, પગ ટકાવવો, પગ ડગ મગવા, પગ ખેંચવો, પગ ઢીલા પડવા, પગ તૂટવા, પગ તોડવા, પગ થાકવા, પગ નહિ ઉપડવો, પગ પકડવા, પગ નીચેથી નીકળી જવું, પગ પર કુહાડી મારવી, પગમાં માથું નાખવું, પગ લાંબા કરવા, પગ પાછા પડવા, પગ પાણી પાણી થવા, પગ પછાડવા, પગ પેસારો કરવો, પગ બાંધીને બેસવું, પગ પહોળા કરવા, પગ ભાંગી નાખવા, પગ ભારે થવો, પગ મોકળા કરવા, પગ વાળીને બેસવું, પગ સંકોડવા, પગના તળીયા ઘસી નાખવા, પગમાં બેડી પડવી, પગે કીડીઓ ચડવી, પગે મેંદી મૂકવી, પેટમાં પગ ઘુસેડવા વગેરે વગેરે.
આ ઉપરાંત પગને માન અને આદર પૂર્વક સન્માનવા પગને ચરણ પણ કહે છે. અને આ શબ્દ મોટે ભાગે વડિલો-સાધુ-સંતો,ગુરૂઓ-સ્વામીઓ વગેરેના પગને માન સન્માન આપવા મોટે ભાગે વપરાતો રહે છે. જેમ કે, ચરણ-રજ લેવી, ચરણ સ્પર્શ કરવા, ચરણ સેવવા, ચરણામૃત પીવું, ચરણના દાસ બનવું, ચરણકમળ, ચરણ ચાંપવા( દાબવા), વગેરે.
કેટલાક ભક્તો/ભક્તાણીઓ આવા સાધુ-સ્વામીઓની સેવા ચરણચંપી કરી કરતા હોય છે તો કેટલાક ચરણરજ માથે ચડાવતા જોવા મળે છે, કેટલાક ચરણ સ્પર્શ કરી પાણી વડે ચરણ ધોઈ ચરણામૃત ગણી પીનારા પણ જોવા મળે છે

આ ચરણ સ્પર્શ દ્વારા અહલ્યાનો પુનઃઉધ્ધાર ભગવાન રામે પોતાના ચરણ સ્પર્શ વડે કરેલો તેવું રામાયણમાં કહેવાયું છે. તો ભાઈ ભરતે રામ વનવાસમાં જતાં તેમની ચરણ પાદુકા સિંહાસન ઉપર પધરાવી અયોધ્યાનું રાજ રામની ગેરહાજરીમાં સંભાળેલું તેમ પણ રામયણમાં ઉલ્લેખ છે. આ ઉપરાંત નરસિંહ મ્હેતાના ભજન “જળ કમળ છાંડી જાને બાળક”માં “ચરણ ચાંપી, મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો” તેવો ચરણ ચાંપવા અર્થાત દાબવાનો ઉલ્લેખ મળે છે. આ લખતાં લખતાં એક ફિલ્મની લાઈન યાદ આવી ગઈ “પગ ઘૂંઘર બાંધ, મીરાં નાચી રે !” મોટે ભાગે ફિલ્મમાં અમિતાભ ઉપર ફિલ્માવાયુ છે !

આ રીતે પગની લાગણીનું શોષણ કરી, ભારેખમ ઉક્તિઓ બનાવી, કે ચરણ જેવા માન આદર ભર્યા છેતરામણા નામથી પોકારવાથી તેની ઉપેક્ષા મટી જતી ના હોય, મને ડર છે, કે આવનારા દિવસોમાં જો આપણાં શરીરના ઉપેક્ષિત પગને એસસી, એસટી કે ઓબીસી જેવો દરજ્જો આપવાનું ટાળવામાં નહિ આવે તો આવનારા દિવસોમાં પગ/ચરણને અનામતનો લાભ આપવો પડશે. જો તેમ નહિ કરાય તો સંભવ છે કે પગ/ચરણ અનામતનો દરજ્જો મેળવવા આંદોલનનો રાહ પણ અજમાવે !

Advertisements

6 comments

 1. What I believe is…..SAB SABKI SAMHALO, ME MERI FODTA HU….Why blame dishonesty of doctors.? People provide the platform and doctors use it to the fullest extent. Health consciousness is missing. Gujarati’s food habit gives obesity. ( Labors are not included. This applies to HIGH SOCIETY people, who can throw away easily earned money) In America obesity is a big problem but at the same time health consciousness also is at its peak. NRIs are money conscious (Sastu sodhva wala)( Mafat ma be male to jag jiti java wala) and they run for economical operations and are robbed. Do we have a place in our knowledge where there is no robber?( There are honest people but what is the percentage?) They make use of a one time opportunity.
  Why consider only legs ? Heart, lungs, & all internal organs also fall in the same category. Do people take Blood pressure, Cholesterol, diabetes seriously?

  If, following of actors and actresses health and beauty consciousness, is made life style, health will be maintained, good.

  In short I am my own master & also my own enemy. I design my way of life. If I am not serious and sincere, I am the looser.

  Though my thinking is different, I hope it is worth considering.

  Thanks.

  Amrut Hazari.

  Like

 2. આદરણીય વડીલ શ્રી અરવિંદ કાકા,

  વાહ શરીરના અંગ ઉપાંગોની સુદર સમજ સાથે પગની વ્યાખ્યા

  સાથે સરળ ભાષામાં તેની ઉપયોગીતા સમજાવી છે . ઉદાહરણ રૂપ

  કહેવતો ને ભજન પણ ટાંક્યું છે. વાહ સરસ લેખ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s