આટલી અમથી વાત…! —- શ્રી વિનોદ ભટ્ટ

દિવ્ય ભાસ્કરની 4, ડીસેમ્બર, 2011ની રવિ પૂર્તિમાં શ્રી વિનોદ ભટ્ટનો હાસ્ય કટાક્ષ લેખ તેમના અને ભાસ્કરના સૌજન્ય અને આભાર સાથે !

આટલી અમથી વાત…! —- શ્રી વિનોદ ભટ્ટ

ડોક્ટરોની ટુકડીએ મંદિરમાં જઇ હાથીનું સફળ ઓપરેશન કરી પેટ સીવી પણ લીધું. ઓપરેશનનાં હથિયારો સાફ કરી યાદી સાથે મેળવી લીધાં. તમામ ઓજારોનો મેળ મળી ગયો. ત્યાં જ ડો. મહેતાએ ચિંતાથી પૂછ્યું: ‘ડો. શાહ કેમ દેખાતા નથી? મને લાગે છે કે આપણે ફરીથી મંદિરમાં હાથી પાસે જવું પડશે.

આ છાપાવાળાઓ તો જુઓ! એક નાની અમથી વાતનું કેવું વતેસર કરી નાખે છે! બનાવ અતિ, અતિ સાધારણ છે. આ ગઇ તે ૧૪મી નવેમ્બરે, બાળદિનની ઉજવણીના એક ભાગરૂપે અમદાવાદની એલ. જી. હોસ્પિટલના ત્રણ જુનિયર ડોક્ટરોએ હસતાં-રમતાં ને મોબાઇલ પર ગીતો સાંભળતાં નવ વર્ષના બાળકના ડાબા હાથનું ઓપરેશન સફળતાપૂર્વક કરી નાખ્યું ને તેમાં સળિયો પણ નાખી દીધો. ડોક્ટરોના પક્ષે વાર્તા પૂરી થઇ, પણ એમાં પેલો વિદેશી વાર્તાકાર ઓ. હેન્રી વચ્ચે આવી ગયો.

ટેવવશ તેણે વાર્તાનો અંત બદલી નાખ્યો. અંતમાં ચોટ લાવવાના લોભમાં દરદીનો હાથ બદલી નાખ્યો. ઓપરેશન જમણા હાથનું કરી તેમાં સળિયો ફિટ કરવાનો હતો પણ ડાબો હાથ હાથમાં આવ્યો એટલે ડોક્ટરોએ તેનું ઓપરેશન કરી તેને સાજો કરી દીધો. માંદો અથવા તો ફ્રેકચરવાળો હાથ તો હતો ત્યાંનો ત્યાં જ રહ્યો, સાજા હાથને બિલકુલ સાજો કરી આપ્યો અને આટલી અમથી વાતને લઇને છાપાવાળા કહે છે કે વગર ઓપરેશને એલ. જી. હોસ્પિટલનું નાક કપાઇ ગયું.

આમાં વાંક તો ખરેખર બાળક કૌશિકનાં મા-બાપનો જ ગણાય. શો વાંક, આવી હોસ્પિટલમાં સારવાર માટે બાળકને લાવ્યા એ? ના, એવું નથી, કોઇ પણ હોસ્પિટલમાં આવું બની શકે, અહીંની લગભગ તમામ જાહેર હોસ્પિટલ્સ આ પ્રકારની સારવાર આપવા સક્ષમ છે. બાળકને ઓપરેશન થિયેટરમાં લઇ જતાં પહેલાં બાળકના જે હાથનું ઓપરેશન કરવાનું હતું એ સિવાયના હાથના કાંડા પર લાલ દોરાની રાખડી કે નાડાછડી બાંધીને ડોક્ટરોની ટીમને મા-બાપે કહી દેવું જોઇતું હતું કે આ લાલ રાખડીવાળા હાથની આમન્યા રાખશો તો એ તમારા દાણા-પાણીનુંય ધ્યાન રાખશે.

જો તેમ થયું હોત તો પેલા ત્રણ જુનિયર-બાળુડા ડોક્ટરોને અન્ડરગ્રાઉન્ડ-પાતાળલોકમાં પેસી જવાના દહાડા તો ન આવત!એટલે કાળજી રાખવાની જવાબદારી ડોક્ટર કરતાંય દરદીના માથે વધારે રહે છે. મારા એક સ્નેહી ઓર્થોપેડિક સર્જન પાસે ગયા. ડાયાબિટીસને લીધે તેમને પગમાં ગેગરિંગ થઇ ગયું હતું, પગ કપાવવો પડે તેમ હતો. ડોક્ટરે કહ્યું:‘લાવો તમારો પગ. હા, જરા વધારે લાંબા કરો.’

‘ડોક્ટરસાહેબ, તમે મારો ખોટો પગ તપાસો છો, જે કાપવાનો છે એ ડાબો પગ છે.’‘ભલા માણસ, અત્યારે બોલ્યા એ રીતે ઓપરેશન વખતેય બોલજો પાછા, નહીં તો તમે ડોક્ટરનો જ વાંક કાઢશો.’ ડોક્ટરે કહ્યું.

*** *** ***

મોટાભાગના ડોક્ટરો માણસ પણ હોય છે એટલે માણસની પેઠે ડોક્ટર માત્ર ભૂલને પાત્ર હોય છે અને ભૂલકણા હોવાનો ઇજારો કંઇ એકલા પ્રોફેસરોનો જ નથી હોતો, ડોક્ટરો પણ ક્યારેક કશું ભૂલી જાય તો દરદીએ મોટું મન રાખીને જે તે ડોક્ટરને વગર માગે ક્ષમા આપી દેવી જોઇએ. ઉતાવળના કારણે તો ઘણીવાર એવરેજ માણસથીય ભૂલ થઇ જતી હોય છે… ડોક્ટરને એક નર્સના મેરેજ રિસેપ્શનમાં જવાનું હતું. ડોક્ટરની એ ધર્મની બહેન હતી. પહેલાં તો એ ધર્મની પત્ની થવાની હતી, પણ ગ્રહોએ ગરબડ કરી એટલે નસેg તેને રાખડી બાંધી દીધી. એ દિવસે તેના લગ્નના સત્કાર સભારંભમાં જવાની ઉતાવળ હતી.

એ છોકરીને લગ્ન નિમિત્તે આપવાનું કાંડા ઘડિયાળ ડોક્ટરના ખિસ્સામાંથી ભૂલમાં એક દરદીના ખુલ્લા પેટમાં પડી ગયું, ને ડોક્ટરને એનો ખ્યાલ પણ ના રહ્યો. ડોક્ટર ત્યાં ગયો ત્યારે ખબર પડી કે ઘડિયાળ ક્યાંક પડી ગયું છે. બહુ મગજ દોડાવ્યું, પણ યાદ જ ન આવે. પછી થયું કે લાવ દરદીના પેટમાં જોઇ લઉં, ઓપરેશન દરમિયાન કદાચ ત્યાં પડી ગયું હોય- એટલે પાછા દોડતા આવીને દરદીનું પેટ ખોલ્યું તો ઘડિયાળ તેના પેટમાં હતું એટલું જ નહીં, ચાલુ પણ હતું.

એ ઘડિયાળ જોતાં જ ડોક્ટર આનંદની ચિચિયારી પાડતાં બોલી ઊઠ્યો: ‘થેંક ગોડ, જો ઘડિયાળ અહીંથી ન મળ્યું હોત તો એ છોકરી મને જિંદગીભર માફ ના કરત’ અને ડોક્ટર દરદીને ‘આઇ એમ સોરી’ કહે ત્યાર પહેલાં ગદ્ગદ અવાજે દરદીએ કહ્યું કે ડોક્ટર સાહેબ, તમારે લગ્ન સમારંભના અધવચ્ચે દોડી આવવું પડ્યું એ બદલ દિલગીર છું. આવા સારા દરદીઓ હોય છે, ખરા.

અલબત્ત ડોક્ટરો સમૂહમાં હોય છે ત્યારે પોતાનું ભુલકણાપણું ભૂલવા માટે હૃદયપૂર્વક પ્રયાસ કરતા હોય છે. આ અંગેની એક જૂની-પુરાણી લોથલ જોક યાદ આવે છે… એક દિવસ અમદાવાદના જગન્નાથના મંદિરના એક હાથીના પેટમાં સારણગાંઠની તકલીફ ઊભી થઇ. વજનદાર હાથીને વી. એસ. હોસ્પિટલમાં લાવવાને બદલે ડોક્ટરોએ મંદિરમાં જઇને હાથીના હર્નિયાનું ઓપરેશન કરવું એવું નક્કી થયું. આ માટે સાત ડોક્ટરોની ટીમ તૈયાર થઇને બહાર પડી. ડોક્ટરોનો સ્વભાવ ભુલકણો હોય છે એ કારણે કેટલીકવાર દરદીના પેટમાં જ કાતર, છરી, નેપકિન ને એવું બધું રહી જતું હોય છે. આ કિસ્સામાં એવી ગફલત ન થાય એ માટે હોસ્પિટલમાંથી બહાર નીકળતી વખતે જ સાથે લીધેલાં ઓજારોની યાદી પણ બનાવી લેવામાં આવી હતી.

ડોક્ટરોની ટુકડીએ મંદિરમાં જઇ હાથીનું સફળ ઓપરેશન કરી પેટ સીવી પણ લીધું. ઓપરેશનનાં હથિયારો સાફ કરી યાદી સાથે મેળવી લીધાં. તમામ ઓજારોનો મેળ મળી ગયો. ડોક્ટરો એ વાતે રાજી થયા કે ભગવાનની મહેરબાની કે કોઇ સાધન હાથીના પેટમાં રહી ગયું નથી. હોસ્પિટલની વાનમાં ડોક્ટરો ગોઠવાઇ ગયા. એમના ચહેરા પર પ્રસન્નતા હતી. ડ્રાઇવરે ગાડી ચાલુ કરી. ત્યાં જ ડો. મહેતાએ ચિંતાથી પૂછ્યું: ‘ડો. શાહ કેમ દેખાતા નથી? મને લાગે છે કે આપણે ફરીથી જગન્નાથના મંદિરમાં હાથી પાસે જવું પડશે.’

*** *** ***

ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં અર્જુનને ભલે કહ્યું કે, આ બધું એ જ કરે છે, મારવા-જિવાડવાનો કોન્ટ્રાકટ એનો જ છે, હે પરંતપ, તું તો નિમિત્ત માત્ર છે. પેલા બાળકના કિસ્સામાંય બરાબર આવું જ થયું ને! ભગવાન શ્રીકૃષ્ણની સૂચનાથી જ ત્રણ જુનિયર-બાળ ડોક્ટરોએ બાળકના એકને બીજા-સાજા હાથનું ઓપરેશન કરી નાખ્યું, નિમિત્ત એ બની ગયા, બેકાળજી દાખવવાનો દોષ એમના કપાળે ચોંટ્યો ને હોસ્પિટલવાળાઓએ એમને નોકરી વગરના કરી દીધા-શ્રીકૃષ્ણની નોકરીને સહેજ પણ આંચ આવી? એમ ત્યારે.

*** *** ***

અને છેલ્લે, અમે પોઝિટિવ થિંકિંગના માણસ છીએને પોઝિટિવ થિંકિંગ એ કંઇ આજ-કાલની નવી વાત નથી, બુદ્ધકાલીન જેટલી જૂની છે. ગૌતમ બુદ્ધના પ્રિય શિષ્યની સ્ટાઇલમાં જણાવું તો ‘પ્રભો! એ જુનિયર ડોક્ટરોને હું ભલા જ ગણીશ, કેમ કે એ લોકોએ જે બાળકના હાથનું ઓપરેશન કરવાનું હતું તે હાથને બદલે બાળકના પગનું ઓપરેશન તો નથી કરી નાખ્યુંને!…’‘

ઈદમ્ તૃતીયમ્, વિનોદ ભટ્ટ

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s