ટેરર હોરર આપણે ઉદાર નથી, બેદરકાર છીએ !—અનાવૃત – જય વસાવડા

ટેરર હોરર આપણે ઉદાર નથી, બેદરકાર છીએ !
અનાવૃત – જય વસાવડા

ગુજરાત સમાચારની 14,સ્પ્ટે.,2011ને બુધવારની શતદલ પૂર્તિમાંથી ગુ.સમાચાર અને શ્રી જય વસાવડાના આભાર અને સૌજન્ય સાથે—-

‘નમસ્કાર. ગૃહ મંત્રાલયની બોમ્બ ધડાકા હેલ્પ લાઈનમાં આપનું સ્વાગત છે.’

* અત્યારે તાજા થયેલા ધડાકાની જાણકારી માટે ૧ દબાવો

* ધડાકા પર ગૃહમંત્રીના સદાબહાર પ્રિરેકોર્ડેડ પલાયનવાદી પોચાં નિવેદનો માટે ૨ દબાવો

* ધડાકા પર વડાપ્રધાનના સખત શબ્દોમાં વખોડી કાઢવાના અને ‘કડે કદમ’ લેવાના ધીમા સાદે અપાયેલા સદાબહાર બયાનો માટે ૩ દબાવો

* ધડાકા પર પક્ષપ્રમુખની અનુમતિ મેળવ્યા બાદ પાકિસ્તાનને ચીમકી આપીને વઘુ કડક પગલા લેવાના વડાપ્રધાનના પ્રિરેકોડેડ પ્રવચનોના રિપિટ લિસનંિગ માટે ૪ દબાવો

* કોઈએ પોલીસ – એનઆઈએ થાકી જાય, એ પહેલા એમની કામગીરી હળવી કરવા ધડાકાની જવાબદારી ઈમેઈલથી લીધી કે નહિ, એ જાણવા ૫ દબાવો

* ધડાકા પર દિગ્વિજયસંિહશ્રીના ‘આની પાછળ આરએસએસનો જ હાથ છે’ વાળા નિવેદનો સાંભળવા ૬ દબાવો

* ભૂલેચૂકે (મતલબ, પોતાની ભૂલે) કોઈ ત્રાસવાદી પકડાઈ ગયો, અને સેક્યુલર સરકાર એને પ્રજાના પૈસે સરકારી જમાઈ બનાવી રાખવા જઈ રહી હોય, તો એ ચિરંજીવીનું નામ જાણવા ૭ દબાવો

* ‘ત્રાસવાદીઓનો કોઈ ધર્મ નથી હોતો’, અથવા તો ‘ એ ધર્મનું ખોટું અર્થઘટન કરતા બાપડા, બિચારા, ગરીબ, દુભાયેલા, હતાશ, બીજા ધર્મોની દાદાગીરીથી દબાયેલા, કચડાયેલા ભોળાં પારેવડાં છે.’ એવા બૌદ્ધિક ખુલાસા સાંભળવા ૮ દબાવો.

* જો તમારું કોઈ સ્વજન આ ધડાકામાં મર્યું હોય તો ૧૦૮ વાર ‘ઇશ્વરઈચ્છા’ બોલીને ગાંધીજીના અવાજમાં રામઘૂન સાંભળવા ૯ દબાવો

* હજુ યે ખરેખર ભારત સરકાર ત્રાસવાદને પડકાર ફેંકવા જેટલી બહાદૂર છે, એવું તમે માનતા હો તો એક મિનિટનું સપનું જોવા માટે આંખો મીંચી સની દેઓલનો ફિલ્મી ડાયલોગ સાંભળવા ૦ દબાવો. એ દબાવી જ રાખવાથી ફરી આ મેનૂ એકડે એકથી શરૂ થશે, જેથી તમે વાસ્તવમાં પરત આવી શકો.

* જો આપ ખુદ બોમ્બબ્લાસ્ટનો ભોગ બન્યા હો, અને હજુ ય વળતર મેળવવા માટે જીવતા હો, તો કૃપયા આ કોલ પૂરો થયા પછી આપનું ગળું દબાવો.

* કોલ કરવા માટે ધન્યવાદ. આશા છે તમારી પ્રાર્થના થકી ભ્રષ્ટાચારી અને નિર્માલ્ય સરકારના બચેલા વર્ષો આપ હેમખેમ પસાર કરી શકશો !!
***

રૂદન, ક્રોધ, હાસ્ય અને ત્રિવિધ લાગણીઓના તિરંગા ત્રિવેણી સંગમ જેવી આ રમૂજ (કે હકીકત ?) ફેસબુક પરના મસ્તીખોર મિત્રોના શેરંિગ પરથી પ્રેરિત છે. અલબત્ત, જો બીજી કોઈ ઘટનાથી ફરી સ્મૃતિ ઢંઢોળવામાં નહિ આવે, તો ત્રાસવાદ હવે સહનશીલ પ્રજાને કોઠે પડી ગયો છે. એક મિત્ર કહે છે તેમ આપણે તો બે હાથ જોડીને આતંકવાદી ભાઈઓનો આભાર માનવો જોઈએ કે આ રામભરોસે (કે હરામભરોસે ?) ચાલતા દેશમાં રોજરોજ તમામ સ્થળે આસાનીથી ધડાકા થઈ શકે તેમ હોવા છતાં એ લોકો ક્યારેક જ કોઈક સ્થળે નિર્દોષોની જાન લેતા ધડાકા કરે છે.

વાત તો સાચી જ છે. કસાબને ફાંસી આપવાને બદલે આપણે ગિલાની-રબ્બાનીને ભારત બોલાવીએ છીએ. એ લોકો કલાકારો, રમતવીરો હોય તો બરાબર – પણ, રાજદ્વારીઓ છે, એ જાણવા છતાં ! આર્થિક વિકાસને ફટકો ન પહોંચે (જે સ્વીસ બેન્કોમાં પડેલા નાણાથી નહિ જ પહોંચતો હોય કદાચ.) માટે યુઘ્ધનું નામ લેતાંવેંત બુદ્ધનું ઘ્યાન કરવા લાગીએ છીએ. ૧૯૭૧નું યુદ્ધ પોતે ઓલમોસ્ટ જીતી ગયા હતા (!) એવું સિલેબસમાં ભણતા પાકિસ્તાની ક્રિકેટ કેપ્ટન ભારતમાં વર્લ્ડ કપની મેચમાં લાગણીભીના થયા બાદ, સ્વદેશમાં પગ મૂકતાવેંત ‘ભારતીયોના દિલ આપણા (પાકિસ્તાન) જેવા મોટા નથી’ એવું પાકસાફ નિવેદન આપતા હોવા છતાં આપણા ચોવટિયાઓ પાકિસ્તાની ટીમ સામે જીત્યા પછી એસએમએસમાં આવી ભાષા અરરર ! એવું ચંિતાતુર ચંિતન કરતાં હોવા છતાં !

વાત કેસરિયા બ્રિગેડના પૂર્વગ્રહમંડિત ચંિતનની છે જ નહિ. આતંકવાદની ઘટના બને એટલે કેટલાક ઘુ્રવપ્રદેશના ભાલુઓ એવી આશાએ શીતનિદ્રામાં સરકી જાય છે, કે આ વખતે એ ઘટના પાછળ જેહાદી ત્રાસવાદનો દોરીસંચાર નહિ હોય, એટલે ‘ઉતાવળે’ કન્ક્લૂઝન આપનારાઓની ખિલ્લી ઉડાવી શકાશે. સદનસીબે એવા સિનિકનગરના સરદારો કરતા તો જેહાદી ત્રાસવાદીઓ વઘુ કમિટેડ છે. (આડવાત ઃ પંજાબનો ત્રાસવાદ પણ આઈએસઆઈ સપોર્ટેડ, પાકિસ્તાનના છૂપા આશીર્વાદ-મદદવાળો હતો). અમીષા પટેલ જેવી એક્ટ્રેસ પણ દિલ્હી બોમ્બબ્લાસ્ટ બાદ અકળાઈને ટ્‌વીટ કરે છે ‘પેથેટિક… આના કરતા તો આપણે અંગ્રેજોના રાજમાં હતા ત્યારે વઘુ સારા કાયદો અને વ્યવસ્થા હતા ! નિર્દોષો જીવ ગુમાવે છે, ઘવાય છે. આપણા દેશના રૂપિયા બરબાદ થાય છે, અને આબરૂ ખરડાય છે. સરકાર નઘરોળ છે, અને આમ આદમી પાસે જખ મારીને રાબેતા મુજબની જીંદગી જીવ્યા કરવા સિવાય કોઈ બીજો વિકલ્પ નથી. સિક !’

એવું છે કે અમિષા હિન્દુ છે, માટે આવું કહે છે ? હૃતિક રોશનની સાળાવેલી અને ફિરોઝ ખાનની ભત્રીજી ફરાહ ખાન અલી પણ સ્પષ્ટપણે પૂછે છે કે આ વળી કેવો ઇસ્લામ છે, જેમાં લાદેનના મૃત્યુ પર પણ શોક મનાવવામાં આવે છે ? સારું થયું એ મૂઓ ! ગૃહમંત્રી ચિદમ્બરમ્‌ દયામણું મોં કરીને ‘આમાં તો બીજું શું થઈ શકે ?’નો ખરખરો કરે છે, એવું નિવેદન જ્યારે જુલાઈના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ પછી રાહુલ ગાંધીએ કર્યું કે ‘માત્ર ૧% કેસમાં જ ત્રાસવાદી સફળ થાય છે, અને બાકીના ૯૯% માં ઇન્ટેલીજન્સ એમને રોકવામાં સફળ થાય છે’ અને પછી ‘ટેરરિસ્ટ એટેક તો દુનિયા આખીમાં થાય છે, માટે આપણે ટેવાઈ જવું જોઈએ’ જેવું દોઢડહાપણ ડહોળ્યું, ત્યારે વરિષ્ઠ પત્રકાર એમ.જે. અકબરે રાહુલના સ્ટેટમેન્ટના ચીથરાં ફાડી નાખ્યા હતા. અકબરે પૂછેલું કેએકાદા સરકારે સફળતાથી અટકાવેલા ઓપરેશનની વિગતો તો આપો ? દાઉદ-રાજન ઇન્ટરવ્યૂ આપી શકે એટલા ‘છૂપા’ સ્થળોએ હોવા છતાં પોલીસને એના સગડ કદી મળતા નથી. કોઈ વીઆઈપીની સુરક્ષા સ્વખર્ચે નથી. એ બધા પ્રજાના પૈસે સલામત છે, તો પ્રજાને એટલા સુરક્ષિત રહેવાનો અધિકાર નથી ? (એક્વાય આઈ ઃ ચાર મહિના અગાઉ બ્લાસ્ટ થયો હોવા છતાં દિલ્હી હાઈકોર્ટના મેટલ ડિટેક્ટર કામ કરતા નહોતા, અને સીસીટીવી કેમેરાની ખરીદી ટેન્ડરોની જંજાળમાં અટકેલી હતી !)

દિલ્હી બ્લાસ્ટ પછી ‘એ જ બઘું ફરીથી’ વાળા એક્શન રિપ્લેમાં એક નવી વાત ઉમેરાઈ. રોષે ભરાયેલા ટોળાએ એમની ખબર કાઢવા પહોંચેલા રાહુલજી સામે જોરદાર આક્રોશ વ્યક્ત કરી એમને ભગાડ્યા. બ્લાસ્ટના ખબર મળ્યા કે અમરસંિહની કેશ ફોર વોટવાળી ચર્ચા બંધ કરી રજા પાડી દેનાર ૮૦૦ કામચોર સાંસદો (જ્યાં બ્લાસ્ટ થયો એ કોર્ટમાં રજા નહોતી !) કે કોઈ પણ પક્ષના કોઈ પણ પબ્લિસીટી ભૂખ્યા નેતુંડા બોમ્બના ગરમાટામાં રાજકીય રોટલી શેકવા ધસી જાય, ત્યારે પ્રજાએ એમને ગુણકારી અને સ્વાસ્થ્યવર્ધક મેથીપાક જમાડવો જોઈએ. જેથી એક તો માર ખાવાથી દર્દ પણ થાય, એનો એમને અહેસાસ થાય, અને બીજું આ મામલે સહાનુભૂતિ બતાવવાને બદલે પરાક્રમ બતાવવાનું છે, એવું એમને યાદ રહે ! (લાઈવ ડેમો ‘સંિઘમ’ ફિલ્મમાં છે, રેસિપી જોઈતી હોય તો !)

ફરીવાર, ભ્રષ્ટાચારની માફક ત્રાસવાદ પણ કોઈ ધર્મને નહિ, વીઆઈપી ન હોય તેવા તમામ ભારતીયોને નડે છે. એક્ચ્યુઅલી શાંતિપ્રિય, સમજદાર, વતનપરસ્ત મુસ્લિમોને તો વઘુ નડે છે ! ખાય ભીમસેનને ઝાડે જાય શકુનિના ન્યાયે વગર વાંકે આવા અપકૃત્યો કરનારા પર સરકાર લાલ આંખ કરતી હોઈને, એ ક્યારેક એમના ખાતે ઉધારાઈ જાય છે. એમની આસપાસના હાર્ડ લાઈનર ફેનેટિક મિત્રો એમની ઠેકડી ઉડાડે, અને અન્ય દોસ્તો એમને ખોટેખોટી શંકાની નજરે જોયા કરી (અને અજ્ઞાત આતંકવાદી માટેની નફરત બહાર કાઢવાના સેફટી વાલ્વ જેવો એમનો ઉપયોગ કરી) એમનો અમનચૈનનો ભરોસો ય ડગાવી દે છે.
૧૪ વર્ષ સુધી ઈન્ડિયમા આર્મીમાં રહેલા ભૂતપૂર્વ મેજર નરૂફ રઝા પણ ટાઈમ્સ નાઉમાં અર્નબ ગોસ્વામી સાથે મળીને વર્ષોથી કાઉન્ટર ટેરરિઝમનો પરફેક્ટ માસ્ટર પ્લાન બેસુમાર દાખલાઓ સાથે સમજાવે છે. આમાં હિન્દુત્વનો પૂર્વગ્રહ ક્યાં આવ્યો ? સત્યને કોઈ ધર્મ, કોઈ રંગ હોતો નથી.પણ જે આપણને વઘુ નડે છે, એ ત્રાસવાદનો રંગ ચડેલો છે, જેહાદનો ! ધર્મઝનૂનનો ! પાકિસ્તાન સ્પોન્સર્ડ મુલ્લા સપોર્ટેડ નફરતના બ્રેઈનવોશંિગનો.
***

આ લખાય છે, ત્યારે નાઈન/ઇલેવનની ગોઝારી ઘટનાને એક દાયકો પૂરો થવા આડે ૩૬ કલાક બાકી છે. વંચાતું હશે, ત્યારે એ પૂરા થઈ ગયા હશે. હજુ આ મિનિટ સુધી અમેરિકામાં સૂતળી બોંબ પણ ફુટ્યો નથી. માનો કે પછીથી કશુંક થાય (અમુક પિત્તળ ભેજાંઓ તો રાહ જોઈને બેઠા હોય છે કે હમણા અમેરિકા પર આવો હુમલો થાય, ને એમને એમનું ઉટપટાંગ સેક્યુલારિઝમ તારસ્વરે લલકારવાની તક મળે !) તો ય એક દસકામાં અનેક ધમકી અને પ્રયાસો છતાં નથી થયું, તે હકીકત છે. દરમિયાન ટેરરિસ્ટ નંબર વન લાદેનનું ઢીમ ઢળી ચૂક્યું છે ! ‘અમાનુષી અત્યાચાર’ માટે વગોવાયેલી જેલ થકી જ મળેલા સુરાગ પછી !
મતલબ, ટેરરિઝમપ્રૂફ ન થઈ શકો તો ય સોફટ શરણાગતિ સ્વીકારવાની જરૂર નથી.

ભારાડીથી ભૂત ભાગે, આઠસો-હજાર વર્ષ પહેલા ત્રાસવાદી બનેલા ઇસ્લામિક હેસેસીન્સનો ભેદી પંથ સમજાવટના હૃદયપરિવર્તનથી નહિ, મોંગોલ યોદ્ધાઓની બેફામ ચાલેલી તલવારથી નેસ્તોનાબૂદ થયો હતો ! ડિટ્ટો ચીન, જ્યાં ત્રાસવાદનો પગપેસારો નથી. ત્રાસવાદને નાથી ન શકો, પણ લડવાની ઇચ્છાશક્તિ તો બતાવી શકો ને ?

અમેરિકાએ નાઈન ઇલેવન પછી એ કર્યું છે. પહેલું કામ તો એના પ્રેસિડેન્ટે લાચારીના લાળા ચાવવાને બદલે ડારા-પડકારાની ભાષામાં સ્પીચ આપવાનું કર્યું. પછી મંદીનો માર ભોગવીને પણ, એ ઠાલાં શબ્દો ન રહેવા દેતા બે મહિનામાં અફઘાનિસ્તાન પર આક્રમણ કરી, મરી ફીટવાની ફિદાઈન વાતો કરનારા તાલિબાનોને એમની જ દવાનો બૂસ્ટર ડોઝ આપ્યો. મોટા ભાગના તાલિબાનો વંડી ઠેકીને એમના આકા પાકિસ્તાનના ખોળે નાઠા. (કમ્પેર ઃ કંદહારકાંડમાં પણ ત્રાસવાદીઓને રાજકીય માનપાન સાથે એનડીએ સરકારના મંત્રી મૂકવા જાય, પછી તો પાછળથી લોકેશન ખબર હોઈને પાડોશી તાલિબાન પર હુમલો થાય કે નહિ ? અફઘાનિસ્તાન ક્યાં અણુસત્તા છે ?) ભૂલી જવાને બદલે લાદેનને યાદ રાખી અંતે દસ વરસે ય ઘરમાં ધૂસીને ફૂંકી માર્યો ! જો શાંતિમત્રના જપથી જ સલામતી રહેતી હોત, તો અમેરિકાને બદલે ભારતમાં રહેવી જોઈએ ને ? નાઈન ઈલેવન પછીના દસ વર્ષમાં ભારતમાં મોટી અને નોંધપાત્ર એવી કુલ ૩૮ ત્રાસવાદી દુર્ઘટના બની ગઈ છે. અમેરિકામાં એક પણ નહિ. કોલંબસ શોપંિગ મોલ (૨૦૦૪)થી ટાઈમ્સ સ્કવેર (૨૦૧૦) સુધીની ઘટના નિષ્ફળ બની છે.

બીજું કામ ત્રાસવાદીઓ ગરીબ બિચારા અભણ યુવાનો હોય છે, એવી ખડ્ડૂસ માન્યતાઓનો નકાબ ચીરવાનું અમેરિકાએ શબ્દોથી નહિ, પણ એક્શનથી રાખ્યું. ત્રાસવાદી સંસ્થાના કસાબ જેવા હાથા આવા હોઈ શકે, પણ ચીફ ઓપરેટર્સ નહિ. લાદેન અબજપતિ એન્જીનીયર હતો. ગામડિયો ગમાર નહિ. ટાઈમ્સ સ્કવેરમાં બોમ્બ મુકનારો પાકિસ્તાની શેહજાદ અમેરિકાની ટોચની યુનિવર્સિટીમાં માસ્ટર્સ ડિગ્રી લઈ, અમેરિકન સિટિઝન એવી અરેબિક છોકરીને પરણી અમેરિકન નાગરિક થયો હતો. આઈએસઆઈના એજન્ટ તરીકે એફબીઆઈ દ્વારા નજરકેદ
કાશ્મીરી કાઉન્સિલ ચલાવતા ડૉ. ગુલામ નબી ફાઈ સોફિસ્ટિકેટેડ ડોક્ટર છે.

ત્રીજું કામ અમેરિકાએ સજ્જડ પેટ્રિઓટ એક્ટ દાખલ કરવાનું કર્યું. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીઝના નામે અલગ વિભાગ ઉભો કર્યો. સ્ટ્રિક્ટ પેટ્રિઓટ એક્ટ નીચે પ્રાઈવસીની ઐસીતૈસી કરી (મતલબ, માનવઅધિકારનો ભંગ કરી !) તમામ ફાઈનાન્સીઅલ ટ્રાન્ઝેક્શન્સ, ઈમેઈલ, ઓનલાઈન રેકોડ્‌ર્સને દેખરેખ નીચે લેવાયા. તત્કાળ ધરપકડ, ઝડપી કાનૂની કાર્યવાહી, સખત સજાનો ત્વરિત અમલ અને જરૂર પડે દેશનું નાગરિકત્વ ભોગવીને દેશવિરોધી પ્રવૃત્તિ કરનારાઓને દરવાજો બતાવી દેવા સુધીની સત્તા મેળવી અને કાયમી શાંતિ જાળવવા એનો ઉપયોગ કર્યો. સીસીટીવીથી લઈને ટોલ ટેક્સ સુધીના સબૂતોએ જ ૯/૧૧ થી લઈ આજ સુધીના ત્રાસવાદીઓ પકડાવવામાં મદદ કરી છે. એ તર્જ પર બ્રિટને એન્ટીટેરરિઝમ ક્રાઈમ એન્ડ સિક્યોરિટી એક્ટ (એટીસીએસએ) બનાવ્યો. એમાંય યુરોપિયન કન્વેન્શન ઓફ હ્યુમન રાઈટસના આર્ટિકલ ફાઈવનું પડીકું વળી શકમંદને કેસ ચલાવ્યા વિના જ દેશની બહાર તગેડી મૂકવાની કાનૂની કલમ ઉભી કરી, એનો અમલ પણ કર્યો (આવું જ શિસ્તાગ્રહી દુબઈમાં પણ છે !) જ્યારે આપણે પોટા રદ કર્યો, ગુજકોક જેવા કાયદા બનાવવાનો રાજ્યોને બંધારણીય અધિકાર હોવા છતાં એમાં હવનમાં હાડકા નાખી, શાસન પોલીસને બદલે ગુનેગારની તરફેણમાં છે, એવી છાપ ઉભી કરી, અને વોટબેન્ક માટે બાંગ્લાદેશીઓને આવકારતું તંત્ર દેશવિરોધી પ્રવૃત્તિ કરનારને તડીપાર તો શું કરવાનું હતું !

સવાલ ટેકનોલોજી કે બજેટનો પછી છે. સવાલ છે, અભિગમનો. નેશનલ સિક્યુરિટી માટે શબ્દશઃ વીવીઆઈપીઓના કપડાં ઉતારી નાખવાની હદે જતું અને એરપોર્ટ પર સાક્ષાત એક્સ-રે મશીન ગોઠવી દેતું તંત્ર મનોબળથી નક્કી કરે છે કે જે થાય તે, ત્રાસવાદીઓ સામે તૂટી પડવું છે ! ભારતમાં ફેલાયેલો ત્રાસવાદ પાકિસ્તાન પ્રેરિત છે, એવું માત્ર બોલ બચ્ચન કરી કહી દેતી સરકાર એ કેવળ કાશ્મીર પૂરતો મર્યાદિત નહિ, પણ ઝેરીલી ધાર્મિક કટ્ટરતાથી ખદબદતો છે – એટલું સોઈ ઝાટકીને કહી શકતી નથી. વાજબી રીતે એના વિરોધમાં ઉઠતા લિબરલ મોર્ડન મુસ્લિમોના અવાજને બિરદાવતી પણ નથી (ઉલટું આરીફ મોહમ્મદ ખાનને બદલે શાહી ઇમામને સમર્થન કરે છે !) એ ખરું કે ધાર્મિક વિભાજનના નામે લધુમતી સાથે ભેદભાવ ન થવો જોઈએ, અને હંિસા પણ. પણ એ સિવાય બીજું જે કરવાનું છે, એમાં સેક્યુલારિઝમના નામે ફેવરિટિઝમ ગેમ રમતી સરકાર સદંતર ખામોશ છે. આવા નેતાઓનું સરનામું દિલ્હીની ગલીઓમાં નહિ, બહુચરાજી માતાજીના મઢમાં હોવું જોઈએ !

ઝંિગ થંિગ
‘તેરી મેરી’ મૂળ રોમાનિયન ક્રિસ્મસ કેરોલ પર આધારિત આ બોડીગાર્ડનું ગીત રાહતના અવાજ, ચાહતના શબ્દોથી અમર છે.

Advertisements