યુવરાજ, તમે ક્યાં છો?—–શ્રી વિનોદ ભટ્ટ !

યુવરાજ, તમે ક્યાં છો?—–શ્રી વિનોદ ભટ્ટ !

દિવ્ય ભાસ્કરની સનડે પૂર્તિ 4, સપ્ટે., 2011માં શ્રી વિનોદ ભટ્ટ્નો લેખ, બંનેના આભાર અને સૌજન્ય સાથે—-

તમે દેશના પ્રધાનમંત્રી બનો એ માટે તો અમે લાલ જાજમ પાથરીને, એ જાજમ પર અમારી આંખો બિછાવીને બેઠાં છીએ ને મનમોહનજી તો એમની ખુરશીમાં અધડુકા બેઠા છે. જેથી તમે કહો એ ક્ષણે ભાડૂતી ખુરશી ખાલી કરી શકાય.

બહેનને પોતાનો ભાઇ દેશના સવા અબજ પ્રજાજનોમાં સર્વશ્રેષ્ઠ લાગે એ એટલું જ સ્વાભાવિક છે. તમારાં બહેન શ્રીમતી પ્રિયંકા ગાંધી-વઢેરાએ જાહેરમાં ધમકીની ભાષામાં જણાવ્યું છે કે મારો વીરો રાહુલ મહેનતુ અને યથાયોગ્ય છે- એ ગમે ત્યારે પ્રધાનમંત્રી બની જશે.

યુવરાજ, તમે ક્યાં છો? છેલ્લા કેટલાક સમયથી તમારો અતો-પતો નથી. અમે ટી.વી.ની રાખ ને ધૂળ જેવી બધી જ ચેનલો ખૂંદી વળ્યા તેમજ છાપાં ઊથલાવી ગયા. એ જોવા કે પ્રાઇમ મિનિસ્ટર ઇન વેઇટિંગ રાહુલ ગાંધીના કોઇ સગડ મળે છે! આ દેશ માટે હવે તો તમે જ છેલ્લી આશા છો અમારા રાંકડા દેશ માટે. તાજેતરમાં છાપામાં લખતા એક જ્યોતિષીએ એવી આગાહી કરી છે કે ૨૦૧૨ની સાલમાં હાલમાં છે એ વડાપ્રધાન ઘેર જશે ને એ ખુરશી પર તુલા રાશિ ધરાવતો થનગનતો યુવાન બિરાજશે ત્યારે મન ઘડીભર તો શંકામાં પડી ગયું કે કોઇ બીજા માણસની વાત તો નહીં હોય ને!

કારણ એ કે યુવાનો તમને યુવાની વટાવી ગયેલા એક પીઢ ને બુઝુર્ગો બેબી અમૂલ માને છે. ૪૨ વર્ષની ઉંમર લગ્ન માટે કન્યાઓનાં મા-બાપની નજરે ભલે મોટી લેખાતી હોય, ઉંમરલાયક, કદાચ ન પણ ગણાતી હોય, છતાં દેશના વડાપ્રધાન બનવા માટે આ વય નભી જાય એવી છે-મુ. મોરારજીભાઇ દેસાઇએ ૮૨ વર્ષની ઉંમરે વડાપ્રધાનની ખુરશી દિપાવી હતી. ભારતમાં તો વધારે જીવવું એ પણ ગુજરાતીમાં કહીએ તો ક્યારેક નફાકારક સાબિત થાય છે, વાસના મોક્ષ થઇ જાય છે.

તમે દેશના પ્રધાનમંત્રી બનો એ માટે તો અમે લાલ જાજમ પાથરીને, એ જાજમ પર અમારી આંખો બિછાવીને બેઠાં છીએ ને મનમોહનજી તો એમની ખુરશીમાં અધડુકા બેઠા છે. જેથી તમે કહો એ ક્ષણે ભાડૂતી ખુરશી ખાલી કરી શકાય. મનમોહનજી સાચા અર્થમાં ખાનદાન છે, તેમની જગ્યાએ પ્રણવ મુખર્જી હોત તો!

ભાગ્યેશ નામ નહીં હોવા છતાં તમે ખરેખર ભાગ્યશાળી છો અને યશ તો તમારાં મમ્મીને એ માટે આપવો જોઇએ કે તેમની વિદેશી આંખ દેશી વિશ્વાસને વાંચી શકે છે, તેમને એ પણ ખબર છે કે માફિયા પર મૂકી શકાય એટલો ભરોસો પીઢ અથૉત્ ખાઇ બદેલા પોલિટિશિયન-ખુરશી પર બેઠેલા પોલિટિશિયન પર મૂકી શકાય નહીં. પેલા યેદુરપ્પાને સી.એમ.ની ખુરશી પરથી ઊભા કરતાં ભા.જ.પ.ની આંખે કેવાં પાણી આવી ગયેલાં. આ તો પી.એમ.ની ચેર છે.

બહેનને પોતાનો ભાઇ દેશના સવા અબજ પ્રજાજનોમાં સર્વશ્રેષ્ઠ લાગે એ એટલું જ સ્વાભાવિક છે. તમારાં બહેન શ્રીમતી પ્રિયંકા ગાંધી-વઢેરાએ જાહેરમાં ધમકીની ભાષામાં જણાવ્યું છે કે મારો વીરો રાહુલ મહેનતુ અને યથાયોગ્ય છે- એ ગમે ત્યારે પ્રધાનમંત્રી બની જશે. બાય ધ વે તમારા જિજાજી રોબર્ટ વઢેરા-ગાંધી આજની તારીખમાં પચાસથી પણ વધુ કંપનીઓમાં ચેરમેન પદ શોભાવી રહ્યા છે. જેની વિગત ઇન્ટરનેટ પર આવી ગઇ છે. મોટા ઘરના જમાઇ થવા માટે ય સદ્ભાગ્ય જોઇએ. તમારા દાદા ફિરોઝ ગાંધીને જવાહરલાલના લાડકા જમાઇ બનતાં ન આવડ્યું- આ તકદીર એ સાલી બહુ ખરાબ ચીજ છે. એની વે, રોબર્ટ મળે ત્યારે મારા તરફથી કોંગ્રેટ્સ કહેજો.

રાહુલભાઇ, બહેન એ બહેન છે, પણ કાકી આઉટ સાઇડર છે, કાકાની ભૂલ છે, આંગળીથી નખ વેગળા. હું મેનકા સંજય ગાંધી- મેનકાકાકીની વાત કરું છું. જોકે પ્રાણીઓ તરફ અનન્ય પ્રેમ હોવાનો દાવો કરનાર જે સ્ત્રી વાઘણસમી પોતાની સાસુમાને ચાહી ના શકી એની પાસે બીજી અપેક્ષા પણ શી રાખી શકાય!… તમારા પ્રધાનમંત્રી થવા સબબે વહાલી કાકીએ નિવેદન આપ્યું છે કે, રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી બનવું હોય તો ભલે બને, આમ પણ આ દેશમાં વડાપ્રધાન બનવા માટે કોઇ લાયકાતની જરૂર નથી.

આવું કહીને તેમણે એક કાંકરે, ના, કાંકરે નહીં, એક ઢેખાળે આખેઆખા નહેરુ-ગાંધી કુટુંબને ઘાયલ કરી નાખ્યું. નહેરુ-ગાંધી પરિવારને આ મુદ્દા પરથી ખસેડીને વાત કરીએ તો મેનકા આન્ટીની વાત સાવ કાઢી નાખવા જેવી નથી. આપણી આંખ સામે ચરણસિંહ, ચંદ્રશેખર, વી.પી. સિંહ, ગુજરાલ તેમજ દેવ ગૌડા જેવાં જીવંત ર્દષ્ટાંતો ક્યાં નથી! પણ આ દેશની રાંકડી ને ઉદાર પ્રજા ગમે તેને વેઠી લે છે.

તમારાં મમ્મીએ જ તેમની સખીને વચ્ચે એવી માહિતી આપી હતી કે તમારાં નાના-નાનીએ તમારા પપ્પાને જમાઇ તરીકે તદ્દન નાપાસ જાહેર કર્યા હતા, પરંતુ તમારાં મમ્મીની જીદ આગળ નમતું જોખી તેમને ગ્રેસના ઢગલાબંધ માકર્સ ઉમેરી આપીને જમાઇ લેખે કમને પોંખ્યા હતા. હવે તમે જ વિચાર કરો કે જે માણસને મા-બાપ તેમની દીકરી ધીરવા રાજી ન હતા તેને આખો દેશ પ્રજાએ ધરી દીધો. બહુ કહેવાયને!

ટૂંકમાં યુવરાજ, આપણા વિશે યદ્વા તદ્વા બોલનારને સહેજ પણ ગંભીરતાથી લઇ મનમાં ઓછું ન આણવું. ઉ.ત. જે.ડી.યુ.ના શરદ યાદવે ચૂંટણીઓ વખતે કહ્યું હતું કે પચાસ પચાસ વરસ સુધી દેશ પર રાજ્ય કરનાર ગાંધી કુટુંબનું બાબલું (બબુઆ) આજે લોકો પાસે વોટ માગે છે ને ખમીસની બાંયો ચડાવીને લોકોની આગળ ભાષણો કરનાર આ બબુઆને ગંગા નદીમાં ફેંકી દેવો જોઇએ.

મને એવું લાગે છે કે ગુસ્સામાં પણ માણસે અભદ્ર વાણી ના ઉચ્ચારવી જોઇએ. અહીં ફેંકી દેવાની જગ્યાએ પધરાવી દેવો શબ્દસમૂહ વધારે યોગ્ય, વધારે આધ્યાત્મિક ગણાત. આવું અશોભનીય ઉચ્ચારણ કરતી વેળાએ માણસે પોલ્યુશન અથૉત્ પ્રદૂષણનો પણ વિચાર કરવો જોઇએ એવો મારા ગીધુકાકાનો મત છે. (આ પ્રકારની કાકાની રમૂજને અંગ્રેજીમાં બ્લેક હ્યુમર કહે છે.)

યુવરાજ તમારામાં પડેલી નિખાલસતા કાબિલેદાદ છે. વચ્ચે તમે એકવાર બોલ્યા હતા કે જો મારી અટક ગાંધી ન હોત તો હું આજે કશું જ ન હોત. એમાં થોડો ઉમેરો કરું?-હું સોનિયા પુત્ર ન હોત તો પણ કશું નહોત. બાકી ગાંધી અટક તો ગાંધીજીના પુત્રો, પૌત્રોને જરાય ખપમાં આવી? યુવરાજ, તમે ભલે ઘોડે ચડો, ન ચડો, પણ વડાપ્રધાનની ખુરશી સત્વરે શોભાવો… એ માટે શુભેચ્છાઓ-દિલસે.

ટેઇક ઇટ ઇઝી:

ઘણાં બધાં વર્ષો પૂર્વે ગાંધીનગરના મેદાનમાં એક ઘેઘૂર વડલો હતો. ચોર-લૂંટારાઓને તે ઘણો વહાલો હતો. આસપાસનાં ગામડાંઓમાંથી ચોરી-લૂંટ દ્વારા એકઠો કરેલો માલ લઇ ચોરો આ વડ નીચે બેસીને તેના ભાગ પાડી વહેંચી લેતા. કપાઇ ગયેલા વડની એ જગ્યા પર હવે વિધાનસભા બેસે છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s