‘‘હું અન્ના હજારે છું….!?’’ વેદના-સંવેદના – મૃગેશ વૈષ્ણવ

‘‘હું અન્ના હજારે છું….!?’’ વેદના-સંવેદના – મૃગેશ વૈષ્ણવ
ગુજરાત સમાચારની શતદલ પૂર્તિ 31,ઓગસ્ટ, 2011માં શ્રી મૃગેશ વૈષ્ણવનો લેખ બંનેના આભાર અને સૌજન્ય સાથે——-

રોતી, કકળતી, નિરાધાર, લાચાર અને અસહાય અબળાને લૂંટીને સંવેદનાના સ્મશાન ગૃહમાં જ્યાફત ઉડાડતા ગીધડાંઓની મોડસ ઓપરેન્ડી અને માનસિકતા અત્ર, તત્ર સર્વત્ર એકસરખી જ છે.
સંસદીય લોકશાહીના અસલી ચહેરા બેનકાબ કરતી એક હૃદયસ્પર્શી સત્ય ઘટના બાંગ્લાદેશના લેખિકા મકબુલા મંઝુરે આલેખી છે.
ઢાકા શહેરથી જોજનો દૂર આવેલા આમડાંગા નાના ગામડામાં મોંધું પેન્ટ અને ગેરુઆ રંગનું ખાદીનું શર્ટ પહેરેલ પંજાબી યુવાન આંખો પરથી સન ગ્લાસીસ ઉતારી ગામડાની પ્રજાને કહે છે ઃ
‘‘આખું જીવન તમે લોકે અભાવોની જ્વાળામાં બાળ્યું છે. આખો દેશ આજદિન સુધી ભૂખમાં સળગ્યો છે. પણ હવે તમારા બધા જ અધિકારો પ્રાપ્ત કરવાનો સમય આવ્યો છે. તમારા નેતાજીએ આ માટે જ એમની ઊંઘ હરામ કરી નાંખી છે. તમારા એ નેતાજીને સાંભળવા, તેમના હાથ મજબૂત બનાવવા તમારે ઢાકા તેમની સભામાં આવવાનું છે. બસ આવતા શુક્રવારે વહેલી સવારે અમે ટ્રક લઇને આવીશું. તમે તૈયાર રહેજો… અમે જે રીતે તમને લઇ જઇશું એ રીતે જ પાછા મૂડી જઇશું. માથા દીઠ એક બિરીયાની અને પચાસ રૂપિયા આપીશું. તમને આપણા પ્યારા નેતાજીનું ભાષણ સાંભળવા મળશે અને મફતમાં ઢાકા શહેર પણ જોવા મળશે. તમારે નેતાજીનાં પત્નીને જોવા આવવું જ પડશે. તમારો જ વિચાર કરીને તેઓ હાથવણાટની સુતરની સાડી પહેરે છે. એ તમને એકવાર તેમની પાસે બોલાવશે અને તમારા સુખદુઃખની વાતો સાંભળશે.’’
આમડાંગાના લોકો ખાદીધારીઓથી આ પહેલાં છેતરાયા છે. તમને મનમાં શંકા છે કે આ લોકો ખરેખર આપેલાં વચનો પાળશે? શું બિરયાની અને રૂપિયા આપશે?

અમીનુદ્દીન અને સકીનાને એ યુવાનની વાતોમાં વિશ્વાસ પડે છે. તેમને સ્વપ્નાંઓ આવે છે કે નેતાજી આ દેશમાં સારા દિવસો લાવશે. ઘરના છાપરા પર ટીન નાખી આપશે. શકીનાની કમ્મરે ચાંદીનો દોરો પહેરાવી શકાય એવા દિવસો પણ આપશે. વર્ષમાં નવ મહિના પેટની આગને અડધી પડધી ઠારીને નંિદ્રાધિન થતા કુટુંબને નેતાજીના બેગમ સાહેબા પેટભરીને ખાવાનું મળી રહે તેવી વ્યવસ્થા ચોક્કસ કરી આપશે.

અમીનુદ્દીન અને સકીના તેમના અઢી વર્ષના પુત્ર બાદશાહને દાદી પાસે મૂકીને નેતાજીની સભામાં ઢાકા જવાનું નક્કી કરે છે. શકીનાની જેમ અમીના, જેતુનબાનુ, હલીમા, જેબુન્નીસા, ફાતિમા જેવી અનેક સ્ત્રીઓ અને પુરુષોથી ખીચોખીચ ભરાયેલા ટ્રક શુક્રવારની વહેલી સવારે આમડાંગા ગામથી ઉપડે છે. ટ્રકે ધીમે ધીમે ગતિ પકડી, પવનની ઝાપટ લોકોના ચહેરા પર વાગવા લાગી શકીનાને તો એવું લાગ્યું કે તે હવામાં ઊડી રહી છે.

ટ્રક ઢાકા શહેરના વિશાળ ખેતરમાં રંગીન ચંદરવાઓથી સજાવેલા મંડપ પાસે આવીને રહી. સ્ત્રી અને પુરુષોએ જુદી જુદી જગ્યાઓ બેસવાનું હતું. ભીડ બરાબર જામી એટલે નેતાજીનું આગમન થયું. સૂત્રોચ્ચાર, ફુલહારો અને લાંબા ભાષણો ચાલ્યાં. અન્ન જળ વગર નરમી ગરમીમાં ભીડની વચ્ચે શકીના ગુંગળાઇ ગઇ અને માનવ મહેરામણની વચ્ચે અમીનુદ્દીનને બેબાકળી બની શોધતી રહી. એવામાં એક મોટો ધડાકો થયો. કોઇકે બોમ્બ ફેંક્યો હતો. મેદાન હાલી ઉઠ્યું. વાતાવરણમાં લોકોની ચીસોથી ભરાઇ ગયું. લોકોમાં ધક્કામુક્કી શરૂ થઇ. પોલીસના લાઠીચાર્જ અને ટીયરગેસની વચ્ચે બેબાકળા બની શકનાને શોધતા અમીનુદ્દીનને એક લાકડી વાગી, તે બેભાન થઇને પડી ગયો અને લોકોની ભીડ તેના પરથી ચાલી ગઇ.
ધીમે ધીમે વરસાદ પડવા લાગ્યો. અજાણ્યા મહાનગરમાં બિરીયાનીની બોક્ષ અને પચાસ રૂપિયા આપનારાઓ તથા ટ્રકવાળાઓને શોધતી શકીના અમીનુદ્દીનના નામના બૂમો પાડતી સડક પર દોડતી રહી. વરસતા વરસાદમાં નિર્જન રસ્તા પર એક ટ્રક તેની બાજુમાં ઊભી રહી.

ડ્રાઇવરે રડતી શકીનાને કહ્યું… ‘‘અરે બાઇ… તું એકલી ક્યાં રખડીશ? તારે ઘેર પહોંચી જવું જોઇએ. તારો પતિ તો પુરુષ છે એ તો ગમે તેમ કરીને પહોંચી જશે. તું ટ્રકમાં ચડી જા, આ સડક પર ઘણાં જોખમ છે. અમે તને તારે ગામડે પહોંચાડી દઇશું.’’ ડ્રાઇવરે ધક્કો મારીને શકીનાને ટ્રકના પાછલા ભાગમાં ચડાવી. ભૂખ અને તરસથી થાકેલી શકીના સૂઇ ગઇ અને વરુ જેવા દાંત ચમકાવતો ડ્રાઇવર તેના હેલ્પરને કહેવા લાગ્યો… ‘‘આપણે આમડાંગા જવાના નથી પણ… માલ.. બહુ મસ્ત છે…!!’’

સભા વખતે જે માણસને લાકડી વાગી હતી તે મરી ગયો. ડોકટરે વણઓળખાયેલી લાશ પર સફેદ ચાદર ઓઢાડી દીધી… અઢી વર્ષનો બાદશાહ અને તેના દાદીમા બિરાયીનાના બોક્સની રાહ જોતાં જોતાં ઝોલે ચડી ગયાં…

પેલા પંજાબી યુવાન… ભાષણ આપતા નેતાજી અને હાથવણાટની સુતરની સાડીવાળાં તેમના પત્ની તો સહુ સહુના ઠેકાણે સલામત પહોંચી ગયાં… અને અડધી રાત્રે જ ટ્રકને જંગલમાં જ થંભાવી ડ્રાઇવર ઘોર અંધકારમાં એની ટ્રકને જ સંવેદનાનું સ્મશાનગૃહ બનાવી રોતી-કકળતી શકીનાની જ્યાફત ઉડાવી રહ્યો હતો. અને હેલ્પર તેનો વારો આવે એની રાહ જોતો હતો.
આ ડ્રાઇવર અને મનમોહનની કેબીનેટના ભ્રષ્ટ પ્રધાનો અને તેમના હેલ્પરોના દેશ ભલે જુદા હોય. પણ રોતી, કકળતી, નિરાધાર, લાચાર અને અસહાય અબળાને લૂંટવાની તેમની મોડસ ઓપરેન્ડીમાં ઝાઝો તફાવત નથી. આ બધાં જ સંવેદનાના સ્મશાનગૃહમાં જ્યાફત ઉડાવતાં ગીધડાંઓ જ છે.

ભારતની આઝાદીના ચોંસઠ વર્ષના ઈતિહાસમાં કાળા અક્ષરે લખાયેલા નામોમાં કલમાડી, રાજુ, કનીમોઝી, માયાવતી, લાલુ પ્રસાદ, મુલાયમ… વગેરે મોખરાનું સ્થાન ધરાવતા સંખ્યાબંધ ભ્રષ્ટ રાજકારણીઓ છે.

ભ્રષ્ટાચારથી આ દેશને આઝાદી અપાવવાની આરપારની લડાઇ લડતા અન્ના બાર દિવસના ઉપવાસ પછી પણ રામલીલા મેદાનમાં અડીખમ છે. શરીરથી લથડી ગયેલા પણ લોખંડી મનોબળ વાળા અન્ના જનમેદનીને કહે છે…. ‘‘મહારાષ્ટ્રના છ ભ્રષ્ટ પ્રધાનો અને ચારસો ઓફીસરોને જન આંદોલન અને ઉપવાસ આંદોલનથી મેં ઘરભેગા કર્યા છે. મજબૂત લોકપાલ બિલ ન આવે ત્યાં સુધી હું મરવાનો નથી… એક અન્ના મૃત્યુ પામશે તો હજારો અન્ના પેદા થશે…’’

માત્ર રામલીલા મેદાનમાં જ નહીં પણ ઘેર ઘેર કરોડો ભારતવાસીઓ અન્નાની હાકલથી ભ્રષ્ટાચાર સામે લડવા કટીબદ્ધ બન્યા છે. દેશમાં ઠેર ઠેર ફૂટપાથો, મેદાનો, સડકો પર ‘‘હું અન્ના હજારે છું…’’ એવું કહેતો માનવ મહેરામણ ઉમટ્યો છે. સ્વ. મહાત્મા ગાંધી અને સ્વ. જય પ્રકાશ નારાયણ પછી એક સાચો અને સબળ નેતા દેશવાસીઓને મળ્યો છે.
ભ્રષ્ટાચાર ભારત છોડોની હાકલો દેશની ગલીએ ગલીમાં ગુંજી રહી છે ત્યારે આ સમગ્ર લડતને નાકામયાબ બનાવવા તર્કો ફેલાવાઇ રહ્યા છે.

સંસદીય પ્રણાલીના લીરેલીરા ઉડાવનારા હવે એમ કહે છે કે કાયદો ઘડવાની આખરી સત્તા સંસદની છે. અન્ના હજારેનું લોકપાલ બિલ, જય પ્રકાશ નારાયણ અને અરુણા રાયનું લોકપાલ બિલ અને આ દેશના કોઇપણ નાગરિકને ભ્રષ્ટાચાર વિરૂઘ્ધ કાયદો ઘડવા માટે બિલ મૂકવું હોય તે સંસદ સમક્ષ મુકાશે, સંસદના સભ્યો એના પર ચર્ચા કરશે. જે મુદ્દાઓને બહુમતીનું સમર્થન મળશે એ જ બધા જ મુદ્દાઓ સંસદની સ્ટેન્ડીંગ કમીટીમાં મુકાશે.

કમીટીને જે યોગ્ય લાગે તે સુધારા વધારા કરશે અને પછી યોગ્ય સમયે કાયદો બનશે. એટલે છેલ્લા ચાર દાયકાથી જે ચર્ચા સંસદમાં ગોકળગાયની ગતિએ ચાલી રહી છે તે વેગ પકડશે.. ભ્રષ્ટાચાર સામે લડવાની ખાતરી આપી દીધી હવે સીવીલ સોસાયટી તેના ફાસીસ્ટ રસ્તાઓથી લોકશાહીને બાનમાં લેવાનું બંધ કરે!!… એટલે થોડો વિરામ ખાઇ દેશની લોકશાહીને ફોકશાહી બનાવીને નિત નવાં ગીધડાંઓ જ્યાફત ઉડાડતા રહે!!

આ ભ્રષ્ટ લોકોની માનસિકતા સમજવા જેવી છે. ભ્રષ્ટ લોકો તેમના મનમાં અનંત ખાલીપાનો અનુભવ કરે છે. જેને ભરવા તેઓ રુશ્વતખોર બની જાય છે. ભ્રષ્ટાચારીપણું એ વ્યક્તિત્વની વિકૃતિ છે. ભ્રષ્ટરસ્તે જીવનનો શૂન્યાવકાશ પૂરવામાં તેમને વિકૃત આનંદ મળે છે.

બાલ્યાવસ્થામાં પ્રેમનો અભાવ અને અસલામતીમાં ઉછરેલા લોકો સહેલાઇથી ભ્રષ્ટ બની શકે છે. આવા લોકો જેમ જેમ મોટા થતા જાય છે તેમ તેમ તેમની અતૃપ્તિ વધતી જાય છે.
જે વ્યક્તિ એવું વિચારે છે કે સમાજે તેની સાથે દુર્વ્યવહાર કર્યો છે એ સહેલાઇથી ભ્રષ્ટ રસ્તા અપનાવે છે. ભ્રષ્ટ રીતિનીતિ એટલે વ્યક્તિએ સમાજને આપેલો પ્રત્યાઘાત. એની કચડાયેલી લાગણીનો જવાબ. આવી વ્યક્તિઓ તેમના ભ્રષ્ટ અને અનૈતિક રસ્તાઓને યોગ્ય ગણાવે છે. તેમના કરતૂતો બદલ તેઓ ક્યારેય અપરાધભાવ અનુભવતા નથી. ભારત જેવા ગરીબ દેશમાં સહુ કોઇ આર્થિક સ્થિરતા ધારણ કરવા માંગે છે. સત્તા અને ખુરશીની અસલામતીથી પિડાતા નેતાઓ સમય મળે ત્યારે બે હાથે ઉસેડવામાં લાગી જાય છે.

આ ભ્રષ્ટ રાજકારણીઓ ગમે તેવા ઉચ્ચ હોદ્દા પર હોય તો પણ તેઓ ટૂંકી દ્રષ્ટિ ધરાવતા તુચ્છ લોકો છે. ગમે તેવી કૂટ રીતિનીતિ ધરાવતા હોવા છતાં તેઓ કૂવામાંના દેડકાઓ છે. તેઓ દેશની જનતાનો વિચાર કર્યા વગર સાત પેઢી ખાય તો પણ ખૂટે નહીં તેટલું ધન ભેગું કરવાના લાલચુ હોય છે. આ લોકો દેશના અર્થતંત્રને લાગેલી ઉધાઇ છે.

આ દેશમાં ફૂલીફાલેલી આ ભ્રષ્ટ ંસંસ્કૃતિને નાથવા આ દેશને અન્ના હજારે મળ્યા છે. ભ્રષ્ટાચાર સામેની લડત બહુ લાંબી છે. એકાદ ઉપવાસ આંદોલન આ લડતની શરૂઆત ચોક્કસ છે પણ અંત નથી. હું અન્ના હજારે છું… એવું કહેવાની સાથે દરેક વ્યક્તિ લોકશાહીનું જતન કરવા માટેની તેમની ફરજો સમજે એ જરૂરી છે.

અન્નાની ભ્રષ્ટાચાર સામેની લડતમાં સૂર પુરાવવા આપણે સહુ સોગંદ લઈએ.

૧. હું એ વાતથી સભાન છું કે મારા દેશને મારા નાના નાના નૈતિક અને આર્થિક ભ્રષ્ટ કામોથી હું આજ પછી ક્યારેય નુકસાન નહીં પહોંચાડું. કારણ જે ભ્રષ્ટાચાર સામે હું લડત લડવા માગું છું એને માટે મારી ફરજ હું સમજું એ જરૂરી છે.

૨. મને કોઇ જોતું હોય કે નહીં પણ હુ મારી નૈતિક જવાબદારીનું હંમેશા પાલન કરીશ.

૩. લોકશાહીનું જતન કરવા માટે હું એક સક્રિય નાગરિક બનીશ. મૂક પ્રેક્ષક નહીં.

ગર્વથી કહો હું પણ અન્ના હજારે બનવા માગું છું.

Advertisements

2 comments

  1. તગડી સરકારે હાં રે ભ્રષ્ટાચારે કીધા ઉપવાસી અન્ના હજારે
    દેશ સેનાનીને જીવતરને આરે કાં રે દીધી દારુણ સજા રે ?
    પ્રધાનો હાં ખાતા પૈસા ખાતાં અહીં તો અંજળ મૂકતા આતા
    નેતાઓના ધજાગરે કેમ રે ફરકશે હિન્દની તિરંગી ધજા રે?

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s