ભારત દેશઃ વકીલોની દલીલોમાં ગુમાવાયેલો સવા અબજનો કેસ ! ——- જય વસાવડા

ભારત દેશઃ વકીલોની દલીલોમાં ગુમાવાયેલો સવા અબજનો કેસ ! ——- જય વસાવડા
ગુજરાત સમાચારની બુધવાર, 31,ઓગસ્ટ, 2011 ની “શતદલ” પૂર્તિમાં પ્રસિધ્ધ થયેલ જય વસાવડાનો લેખ બંનેના આભાર અને સૌજન્ય સાથે——

વન્સ અપોન અ ટાઈમ..

એ જમાનો હતો ૧૯૬૦ આસપાસનો. બ્રિટનના કબજામાં રહેલા ચાઈનીઝ હોંગકોંગમાં આર્થિક વિકાસ વધતો જતો હતો. પણ સાથોસાથ ત્યાંની સિવિલ સર્વિસના પગાર વધતા નહોતા. ધીરે-ધીરે હકના કામ કરવા માટે હરામના પૈસા માંગવાનું ચલણ વધતું ગયું. ટી-મની (આપણી ભાષામાં ચાય-પાની કા કુછ સોચો સા’બ !), પછી લકી-મની (અમે તમારું કામ કર્યું, એટલે શુભેચ્છારૂપે કંઈક સમજો – તમને બરકત વધશે !) માંગવાના શરૂ થયા. લાચાર જનતા બિચારી શું કરે ? ટેક્સની ચોરી કે રસ્તા પર કચરો જેવા ભ્રષ્ટ આચરણો કે અશિસ્ત અથવા તો નૈતિકતાનો અભાવ જેવા ભ્રષ્ટાચાર અને જાણી જોઈને ગૂંચવેલી વહીવટી પ્રક્રિયાને લીધે સત્તાધીશો પાસે કામ કરાવવા માટે થતા ભ્રષ્ટાચારમાં બુનિયાદી ફર્ક હોય છે. એકમાં ચોઈસથી ભ્રષ્ટાચાર થાય છે, બીજામાં ફોર્સથી ફરજીયાત જોડાવું પડે છે – જો સુખેથી જીવવું હોય તો !

તો હોંગકોંગમાં હાલત હેલ (નરક) જેવી, કહો કે ભારત જેવી થઈ ગઈ. બંબાખાનામાં ફોન કરો તો જવાબ મળે ઃ મો ચિન, મો સૂઈ (પૈસા નહિ, તો બંબો નહિ !) અરે, આગ બૂઝાવ્યા પછી પાણીનો મારો બંધ કરવાની પણ કટકી આપ્યા પછી ફાયરબ્રિગેડના કર્મચારીઓ રવાના થાય ! વિઝિટંિગ અવર્સ પછી દર્દીને મળવા માટે સગાઓ નર્સના હાથ ગરમ કરે, તો દર્દીઓ વધારાનો ધાબળો મેળવવા હોસ્પિટલની ફી ઉપરાંત નર્સને લાંચ આપવી પડે. રોયલ પોલિસ ફેરિયાઓથી વેશ્યાઓ પાસેથી હપ્તો ઉઘરાવ્યા કરે. તો પ્રોજેક્ટના ટેન્ડર સાથે હાર્ડ મની ના હોય, તો પ્રોજેક્ટ પાસ જ ન થાય ! પૈસા ખવડાવીને એક્સપર્ટ ઓપિનિયન ખરીદવામાં આવે.

ગળાબૂડ ભ્રષ્ટાચારમાં ખરડાયેલા હોંગકોંગમાં ૧૯૭૩માં ચકચાર મચાવતી ઘટના બની. પીટર ગોડબેર નામનો કોઈ એરપોર્ટ પોલીસ થાણા પર ફરજ બજાવતો ઇન્સ્પેક્ટર પત્નીને વિદેશ મોકલ્યા બાદ પોતે ય પરદેશ ખોટા દસ્તાવેજ પર ઉડનછૂ થઈ ગયો ! એ જમાનામાં એના વિદેશી બેન્ક એકાઉન્ટમાં ૬ લાખ અમેરિકન ડોલર્સ જમા હતા ! (એક ઇન્સ્પેક્ટર પાસે ચાર દસકા પહેલા ત્રણેક કરોડની રકમ હતી – એટલે આજના સંદર્ભે અબજો થયા !)
પબ્લિકની કમાન છટકી. ગુસ્સામાં તોડફોડ શરૂ થઈ. હોંગકોંગના ગવર્નર મરેને થયું. બસ, બહુ થયું. અને એણે ઓમ્બુડસમેન યાને વીજીલન્ટ લોકપાલની તર્જ પર ‘ઇન્ડિપેન્ડન્ટ કમિશન અગેઈન્સ્ટ કરપ્શન’ (આઈ.સી.એ.સી.)ની સ્થાપના કરી. જેના અફસરોની ભર્તી લંડનમાંથી કરાઈ. કડક પરદેશી પોલીસ પર્સન્સને એ ટાસ્ક ફોર્સમાં સમાવી સરકારી કર્મચારીઓ – પોલીસ પર તપાસ શરૂ કરી.

શરૂઆતમાં તો લોકોએ આઈસીએસી એટલે ‘આઈ કેન એક્સેપ્ટ કેશ’ એવું કહીને મજાક ઉડાવી. પણ ગવર્નર સિવાય કોઈને ય જવાબદાર કે તાબેદાર નહિ એવી આ રખેવાળ સંસ્થાએ સપાટો બોલાવ્યો. સ્થાનિક પોલીસતંત્રને તો એમનો આ નવો ચોકિયાત એટલો અળખામણો લાગ્યો કે એના હેડક્વાર્ટર પર હુમલો પણ એમણે કર્યો ! પણ આઈસીએસીએ નાના અફસરોને નાના ભ્રષ્ટાચારમાં ચીમકી આપી માફી આપી પણ એક કસ્ટમ અફસર સહિત ૧૧૯ પોલીસ અફસરોને જ ભ્રષ્ટ હોવા બદલ નોકરીમાંથી રૂખસદ આપી દીધી ! ૧૯૭૪માં નાગરિકો પાસેથી ભ્રષ્ટાચારની ૧૪૪૩ ફરિયાદો મેળવનાર આઈસીએસીને સંપત્તિ-વસ્તી-અપરાધ વધવા છતાં ૨૦૦૭માં ભ્રષ્ટાચાર માટે ૪૪૬ ફરિયાદો જ મળી હતી ! ‘ભ્રષ્ટાચાર કરવો પણ કામ સપાટાબંધ કરવું’ (કરપ્શન, બટ વિથ એફિશ્યન્ટ રિઝલ્ટ)ની ફિલસૂફીમાં માનતા ચીનના આધિપત્ય નીચેનું હોંગકોંગ પણ ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના છેલ્લા સર્વેમાં ટોપ ફિફટીનમાં છે. (ભ્રષ્ટાચારમુક્ત ટોચના મોટા ભાગના દેશો લોકપાલ જેવી સ્વતંત્ર એજન્સી ધરાવે છે, એ જાણ સારું !) હા, આઈસીએસીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર પણ એકવાર સજાપાત્ર બનેલા, પણ દારૂ પીને ડ્રાઈવંિગ કરવા બાબત ! (છેડતીના મામલે ત્રાસવાદ નાબુદ કરનાર કેપીએસ ગિલ ભેરવાઈ ગયા હતા, તેમ જ ! મુળ મુદ્દાથી અલાયદા ગુનાસર) પેલા પીટર ગોડબેર નામના ઇન્સ્પેક્ટરને પણ પરદેશથી પાછો મંગાવી જેલમાં નખાયો હતો, એ કહેવાની જરૂર ખરી ?
***
ભારત દેશની આઝાદીની ચળવળ સાથે જોડાયેલા મોટા ભાગના ટોચના નેતાઓનો વ્યવસાય એક જ હતો, એ કદી નોંઘ્યું છે ? ગાંધીજી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરૂ, મોતીલાલ નહેરૂ, બાબાસાહેબ આંબેડકર, વીર સાવરકર, મોહમ્મદ અલી જિન્નાહ, લોકમાન્ય તિલક, ગોપાલકૃષ્ણ ગોખલે, શ્યામાપ્રસાદ મુખરજી, લાલા લજપતરાય, કનૈયાલાલ મુનશી એટ સેટરા તમામ ટોચના નેતાઓ વકીલ હતા ! (બાકીના કેટલાક સુભાષબાબુ કે સુરેન્દ્રનાથ બેનરજીની માફક આઈ.સી.એસ. યાને બ્યુરોક્રેટ હતા) માટે ભારતના બંધારણ જ નહિ, વહીવટી પ્રક્રિયાઓ પર ઠેકઠેકાણે કાનૂની ભાષા, પ્રોટોકોલ, લીગલ પ્રોસિજર, પ્રોસેસ વગેરેની આમ આદમીને કદી ન સમજાતી બાબતોની ભયાનક ઇન્દ્રજાળ ઊભી થઈ ગઈ છે ! ત્યારે અને અત્યારે, આ દેશનો વહીવટ વકીલો ચલાવે છે. સિબ્બલ અને પ્રશાંત ભૂષણ, રવિશંકર પ્રસાદ અને મનીષ તિવારી, અભિષેક સંિધવી અને અરૂણ જેટલી બધા જ વકીલો છે ! માટે અહીં પરિણામ કરતાં પ્રક્રિયાને, ભાવના કરતા ભાષાને, સેન્સ કરતાં સિસ્ટમને, માણસ કરતાં માળખાને વઘુ અગત્યની માનવાની ભલભલા તેજદિમાગોને પણ

ટેવ પડી ગઈ છે. (વકીલ ગાંધીજી વકીલાત માટે કજીયા દલાલો શબ્દપ્રયોગ વાપરી ચૂક્યા છે). અહીં વહીવટીતંત્ર સરળ નથી, અને ગૂંચવાડાનો ચક્રવ્યૂહ છે – જેને લીધે ડગલે ને પગલે નિર્ણય લેવાની શક્તિનો અભાવ અને નિર્ણય લેવડાવવા માટે કે જેમના પૈસે પગાર મળે છે, એ પ્રજાના રોજબરોજના કામ (રેશનકાર્ડથી સેલ્સટેક્સ નંબર સુધી) માટે રિશ્વત આપવાની ટેવ પડી છે. આ ગોટાળા પાછળનું મુખ્ય પરિબળ સતત કાયદાની ભાષા અને અભિગમથી જ કામ ચલાવવાની રૂઢ માનસિકતા છે. જે અન્નાના અનશન વખતે પણ ચોખ્ખી દેખાઈ ગઈ !

ભારતનું સંવિધાન વી ધ પીપલ ઓફ ઇન્ડિયાથી શરૂ થાય છે, વી ધ પાર્લામેન્ટેરિયન્સ ઓફ ઇન્ડિયાથી નહિ ! જરૂર પડે લોકોની મરજીથી એ સંવિધાનમાં સુધારા થઈ પણ શકે, અને જો એ જર્જરિત લાગે તો લોકલાગણી ખાતર એનો જીર્ણોદ્ધાર પણ કરી શકાય. પણ એના છીંડામાં લપાઈ ગયેલા જીવજંતુઓને તો એમની મફતિયા બખોલો પર બુલડોઝર ફરી ગયાની જ લાગણી થાય, એટલે આવા ઉધામા એ લોકો કરે છે. અને પોપટિયા બૌદ્ધિકો પોતાની પંડિતાઈ બતાવવાના હરખમાં આવી જ કાનૂની ભાષાની ભવાઈ ઊભી કરે છે. સમાજના કહેવાતા ભદ્ર વર્ગના લોકો કોઈ જૂની પેઢીના નેતાના વખાણ કરતા કહે છે – અરે સાહેબ, એમનું ધારાસભાનું જ્ઞાન એટલે કહેવું પડે. સ્પીકરને જે પોઈન્ટ ઓફ ઓર્ડર કાઢીને બતાવે…

ઘૂળ ને રાખ ! આ તો કોમેન્ટ્રી બોક્સમાં ડિબેટ કરી ક્રિકેટ મેચ જીતવાની વાત થઈ ! એ મહાન ધારાનિષ્ણાતે જનપ્રતિનિધિ તરીકે આરોગ્ય, બાળકલ્યાણ, મહિલાઉત્થાન કે પોતાના વિસ્તારમાં રસ્તા, પાણી, વીજળી, મકાનમાં શું મોથ મોરી એની વાત કરો ને ! ઘમંડી અને ઘનચક્કર એવા બુદ્ધુ બૌદ્ધિકો ચીપી ચીપીને પાથી પાડેલા શબ્દોમાં બોલશે, ડેમોક્રેસીમાં વોટંિગથી ઉકેલ લાવવાનો હોય. કઈ ડેમોક્રેસી ? કેવી ડેમોક્રેસી ? જ્યાં ઉમેદવારો જ્ઞાતિવાદના જોરે ઠઠાડી દેવાય છે, અને મતદારોને પૂરું શિક્ષણ શું, સારી શાળામાં પ્રવેશ પણ નથી અપાતો એ ? એમાં મતપેટી સિવાય લાગણી ન બતાવવાનો દુરાગ્રહ તો દર્દીને દવાને બદલે દુઆથી કામ ચલાવી લેવાની સૂફિયાણી સલાહના પરપોટાં જેવો છે. પરપોટાં પકડવા જાવ, તો ફૂટી જાય જોવા જાવ, ત્યાં ઉડી જાય ! આ દેશમાં વિધાનસભાઓ અને સંસદો માફિયા ગેંગોના અડ્ડા બની ચૂકી છે, અને પાર્લામેન્ટરી ડેમોક્રેસી ? શાહબાનો કેસમાં એક પ્રગતિશીલ ન્યાયના ફેંસલાને ઉલટાવી દઈને સુપ્રિમ કોર્ટ માથે ચપ્પટ બેસી જનારી આ સંસદ જ હતી ને, જ્યા ંઅવિશ્વાસ મતના પ્રસ્તાવ વખતે વિશ્વાસની હરાજી બોલાતી હોય છે ? નીરા રાડિયા જેવા એજન્ટો જ્યાં ઉદ્યોગપતિઓ માટે કાયદા તોડતા-મરોડતા હોય છે, એ જ ડેમોક્રેસી ને ?

અભ્યાસ વિના જ આડોડાઈ બતાવતા અલેલ ટપ્પુઓએ નોંધ ન લીધી હોય એવી એક ચળવળના કેસ સ્ટડીથી ‘લોકપાલ’ જેવા લવાદની હાજરી શું કરી શકે, તે જોઈએ. તમને ખબર છે, જે ઓમ્બુડ્‌સમેન માટે આ બધી માથાકૂટ ચાલે છે, એ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં ૨૦૦૫ થી છે. જનલોકપાલથી ઘણી જુદી રીતે, પણ છે ખરા. મૂળ વાત એવી છે કે બેન્કોમાં આપણી કરન્ટ/સેવંિગ્સ એકાઉન્ટની ડિપોઝિટ્‌સને ‘કાસા’ તરીકે ઓળખાય. એમાંની રકમ ભલે નાની હોય, તો ય બેન્કંિગ સેક્ટરમાં તો બીજે લોન/ઇન્વેસ્ટમેન્ટમાં એનો જ ઉપયોગ થતો હોઈને એ બહુ કામની ગણાય. ભારતના બધા આવા એકાઉન્ટ ગણો તો અબજો-ખર્વોના થાય. સેવંિગ્સમાં શંિગ-દાળિયા જેવું ફાલતુ વ્યાજ મળે, કરન્ટમાં તો એ ય ન મળે. પણ ટેકનિકલી ‘ડોરમેન્ટ’ યાને ઉપયોગમાં ન લેવાતા હોય એવા આવા એકાઉન્ટના પૈસાની હેરાફેરી બેન્કો તો કરે જ. ડિપોઝીટ હોલ્ડર વર્ષોથી ટ્રાન્જેક્શન ન કરે, પણ વાયા બેન્ક એના પૈસા ઉછીના લઈ કોઈ ઉદ્યોગપતિ સટ્ટો શેરબજારમાં કરી નાખી કમાણી કરતો જ જાય !
ફાઈન. હવે, બેન્કો મિનિમમ બેલેન્સનો આગ્રહ રાખે. બેન્કોમાં બેઠેલા બ્યુરોક્રેટસે એક શયતાની ચરખા જેવો પ્લાન બનાવ્યો. આવા ડોરમન્ટ એકાઉન્ટસ પર દર ક્વાર્ટર (ત્રણ મહિને) મિનિમમ બેલેન્સ હોવા છતાં એ જાળવી રાખવાનો ૨૫ રૂપિયા ચાર્જ વસૂલ કરવાનો ! બધા સરક્યુલર કંઈ અંગ્રેજીમાં બધા ખાતેદાર વાંચે નહિ. ધારો કે, ૫૦૦નું મિનિમમ બેલેન્સ હોય, અને આમ રૂા. ૨૫ બેન્કો જ કાપી લે, તો મિનિમમ બેલેન્સ ઘટતું જાય, માટે વગર વાંકે કસ્ટમરનું એકાઉન્ટ ક્લોઝ થાય અને દંડ પેટે આવા કરોડો-અબજો બેન્કો (એની મારફતે જુગારીઓ !) જમી જાય !

રાજકોટના સાંગોપાંગ ગાંધીમૂલ્યોને વરેલા યુવા એડવોકેટ સૂચિત દવેએ પૂરા ૧૮ પાનાની ટેકનિકલ ડિટેઈલ્સ રજુ કરી (આમ આદમી ફરિયાદની ભાષા આ વકીલોએ રચેલું તંત્ર ક્યાં સમજે છે ?) ને બેન્કંિગ ઓમ્બુડસમેન (લોકપાલ)ને ફરિયાદ કરી. થોડા સમયમાં જ બેન્કોએ પેલો બદમાશ સરક્યુલર પાછો ખેંચી લીધો.

આ આપણા જ દેશનો જૂનો નહિ એવો બનાવ છે. સાદા એક સંસ્થાના લોકપાલની આટલી અસર થાય, તો કડક જનલોકપાલ સુપરકોપ નહિ, પણ આ ચોરલૂંટારા મંડળી પર ધાક બેસાડતી સંસ્થા બની શકે ! એ વધારાનું લેયર નહિ, ટ્રાન્સપરન્સી છે. સવાલ ડર પેદા કરવાનો છે. પોલીસની વાત ન માને, એ ભાઈલોગની કેમ માને ? ધાકને લીધે ! સરકારી લોકપાલ બિલમાં તો સરકારી અફસરને સરકારી (એટલે આપણા જ !) ખર્ચે મફત એડવોકેટ મળે, જ્યારે ફરિયાદી જાતે લડે ! જ્યુડિશ્યલ એકાઉન્ટેબિલિટિ બિલ પણ ‘મિસબિહેવિયર’ની વાત કરે છે, ‘બ્રાઈબ’ની નહિ ! સરકારની લોકપાલની સિલેક્શન કમિટીમાં ૧૦માંથી પાંચ સભ્યો શાસક પક્ષના અને પાછી પ્રક્રિયા બંધબારણે થાય. આ ટીવી-ઇન્ટરનેટ યુગમાં ! સરકારને એવો લોકપાલ રાખવો છે, જેમાં આરોપીને પહેલા ફરિયાદની વિગત આપવાની હોય, અને કોઈ નવી વ્યક્તિ સાક્ષી તરીકે કેસ શરૂ થયા પછી આવે, તો ફરીથી હીયરીંગ થાય (મતલબ વર્ષો સુધી કેસ ચાલ્યા કરે, અને બાબુલોગને ખબરે ય પડે કે પોતાની વિરૂદ્ધ કોણ કોણ છે – એટલે એમની બોલતી બંધ કરાવી શકે !) અન્નાની લડત આ સંિહની ખાલમાં શિયાળવું ન પેસી જાય એ માટે પહેલા છે. જેમાં એ સફળ થયા છે, ભલે અસલી સંિહ લાવવામાં ન થાય !

પણ આપણે ત્યાં ઇન્ટેલેક્ચ્યુઅલ ઇડિયટ્‌સ કદી જેની સામે અવાજ નથી ઉઠાવતા, એવી પાછલા બારણાની જનવિરોધી જોગવાઈઓ એવી થતી રહે છે કે કેવળ ઉપવાસના પારણા થાય અને પ્રજા હાશ કરીને પાછી વિખેરાઈ જાય, એ પાલવે તેમ નથી. સંસદમાં કાયદો એમ રાતોરાત બને તેમ નથી. પૂરી સંમતિ હોય તો પણ ! એના છ તબક્કા છે. લોકસભા અને રાજસભામાં ત્રણ-ત્રણ વાર પસાર થાય પછી રાષ્ટ્રપતિની સહી માટે જાય. બીજાં અનેક ટેકનિકલ પગથિયાં છે. બિચારા અન્નાએ સીધો કાયદો રાતોરાત અમલમાં મૂકવાની માંગણી નહોતી કરી, માત્ર ફર્સ્ટ સ્ટેપ, લોકોની પસંદગીનો ડ્રાફ્‌ટ સંસદમાં મૂકવાની જ ડિમાન્ડ કરેલી ! (એ થોડો બધા લોકોની પસંદગીનો છે ? એવું માનનારાઓ માટે ઃ અનેક ઓનલાઈન તબક્કાના સૂચનોમાંથી પસાર થઈ એ ડ્રાફટ ફાઈનલ ઘડાયો છે. અને એમ તો આપણે ત્યાં ૫૦ ટકા મતદાનમાં પંદર ઉમેદવારો વચ્ચે પાતળી સરસાઈથી જીતેલો જનપ્રતિનિધિ પણ ક્યાં બધા લોકોની પસંદગીનો હોય છે ?) આટલી ડિમાન્ડમાં તો ‘આપખુદ’ અન્ના લોકશાહીના ભક્ષક ચીતરાઈ ગયા ! લોકો સુધી પહોંચ્યા જ નથી, એવા અરૂણા રોય જેવા સરકારી વર્તુળોના ચહેતા સમાજસેવકનો ડ્રાફટ ૠષિના તપોભંગ માટે મોકલાતી અપ્સરાની માફક ડોલતા ઇયદ્રાસને ફુટી નીકળ્યો !

એક્ચ્યુઅલી, પાંચ હજારની જનતા સામે કદી કાગળ વિના બોલવા ય ઉભા ન થનાર ઘરકૂકડા ચંિતકો જેનો ચીપીયો પછાડ્યા કરે છે, એ યુનાઈટેડ નેશન્સની હ્યુમન રાઈટ્‌સ કમિટીના ‘ઇન્ટરનેશનલ કોન્વેન્ટ ઓન સિવિલ એન્ડ પોલિટિકલ રાઈટસ’નો આર્ટિકલ ૨૫ એમણે વાંચવાની તસદી લીધી હોય, એવું લાગતું નથી. જેમાં સોઈ ઝાટકીને કહેવાયું છે કે લોકશાહીમાં લોકો પ્રત્યક્ષ (મતદાન) ઉપરાંત પરોક્ષ રીતે પણ પબ્લિક ડિબેટ કે પોતાના પ્રતિનિધિઓ સામે રજુઆત કરી રાજકીય પ્રક્રિયામાં પરોક્ષ સામેલ થવાના અધિકારી છે ! (જે અધિકાર અઢળક આગળ નીકળેલા દેશોએ પોતાની પ્રજાને આપ્યો પણ છે !) અન્નાકંપની એ જ તો કરે છે ! પણ દિલ્હી હજુ દૂર છે. કન્ઝયુમર પ્રોટેક્શન એક્ટમાં ૧૮૦ દિવસમાં ફેંસલો આવી જવો જોઈએ, એ પાસ થયા પછી કોર્પોરેટ વર્લ્ડના ઇશારે એ કલમ ગાયબ કરી ગ્રાહકને લાચાર બનાવતું તંત્ર છે આ ! દેખાવ ખાતર કડક કાયદો, પાછલા બારણેથી ઉંઘણશી પ્રજાનો ફાયદો લઈ ફેરફાર કરતા ડામીસો રાજ કરે છે !

આપણી ય માનસિકતા જ પરિવર્તન વિરોધી છે. રેલવે એન્જીન હોય કે ટીવી – કશુંક નવું આવે એટલે એના સ્વીકારને બદલે આપણે ભડકીને ડરી જઈએ છીએ ! એના તમામ નેગેટિવ પોઈન્ટ્‌સ મેગ્નિફાઈંગ ગ્લાસથી જોઈએ છીએ. આપણે પરિવર્તન બાબતે ડરપોક અને સલામતીપ્રેમી પ્રજા છીએ. અન્ના સાથેના સમાધાનમાં ય હવે થોડુંક જતું કરો ને – વાળો એડજસ્ટમેન્ટનો સૂર સંભળાવા લાગેલો. એટલે ચોર તમને કહે કે ટીવી મૂકી દઉં, ફ્રીજ લઈ જવા દો ને ! અલબત્ત, આ થવાનું એટલે જ કદાચ અન્નામંડળીએ થોડી અવ્યવહારૂ માંગણીઓની જીદ કરેલી ! (પ્રેક્ટિકલી તમામ સરકારી કર્મચારીઓને સમાવી શકાય તેમ નથી. રાજ્ય / કેન્દ્ર વચ્ચે સત્તાનું વિભાજન તૂટી પડે, અને બધી ફરિયાદો સાંભળવામાં જ દાયકાઓ જાય !) અને, ભારતના રાજકારણીઓ બુદ્ધુ નથી. બદલાતી હવા પારખવામાં પારંગત છે.

પણ કમસે કમ શાંત મક્કમ સંગઠ્ઠિત વિરોધની અસરનો પહેલો સ્વાદ હમેશા વિભાજીત, હંિસક, ધર્મઝનૂની, જ્ઞાતિવાદી જ રહેતી – જનતાએ ચાખ્યો ! પંચાયતીરાજવાળા સત્તાના વિકેન્દ્રીકરણનું ખામોશીથી બી આઝાદીના ૬૫ વર્ષે રોપાઈ ગયું છે. ડિસિશન માત્રને કરપ્શનમાં ફેરવતા ડોક્યુમેન્ટેશન સામે પીડાની પહેલી ચીસ રાજકારણીઓએ સાંભળી છે.

પોતાનાગામમાં ‘આદર્શ’ના નામે ટીવી પર પ્રતિબંધ મૂકનારા અન્નાને ય શીખવા મળ્યું હશે કે ભારતના નામે આઘુનિકતાનો વિરોધ વ્યાજબી નથી. ટીવી ન હોત, તો જનજાગૃતિ અન્ના માટે ન હોત. જીન્સ પહેરનારા જુવાનો સામે ટોપી પહેરનારા વડીલો તૂટી પડતા પહેલા વિચારશે ! આ મુદ્દે અન્ના સાચા હતા, માટે લોકપ્રિયતા મળી. કાલ ઉઠીને પ્રેમલગ્નોના વિરોધમાં કોઈ હરિયાણવી સરપંચ ઉપવાસ કરે, તો પબ્લિક ભેગી ન યે થાય ! અને ૧% ભારતીયોને હવે જેમતેમ વર્તતા પહેલા આ બૂમબરાડા ડંખશે, તો ય એક બૂઢા દેશભક્તની દીવાનગી લેખે લાગશે !

ઝિંગ થિંગ !!
‘આઝાદીની અડધી સદી સુધી રાજ કરનાર પક્ષના પ્રમુખ માટે એક એવી હોસ્પિટલ આટલા દસકામાં ન બની કે એમણે વિદેશ જઈને મહિનાઓ સુધી સારવાર લેવી પડે ?’ (રાજેશ શાહ)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s