નાક મોટું કે ખુરશી?—શ્રી વિનોદ ભટ્ટ

નાક મોટું કે ખુરશી?—શ્રી વિનોદ ભટ્ટ

દિવ્યભાસ્કરની 28,ઓગસ્ટ,2011ની સનડે પૂર્તિમાંથી બંનેના આભાર અને સૌજન્ય સાથે—-

ટી.વી. પર મનમોહનસિંઘજીનો ચહેરો જોઇને મારા ગીધુકાકા કહેતા હતા કે આવો ગરીબડો ચહેરો તો તેમણે ‘બિલો પોવર્ટી લાઇન’-ગરીબીની રેખાની હેઠળ જીવતા કોઇ ગરીબનો પણ જોયો નથી.

હરિકૃષ્ણ મારા કવિ-મિત્ર, હરિકૃષ્ણ પાઠક પર કોઇએ મોકલેલ એસએમએસ તેમણે મને ફોન પર સંભળાવ્યો: ‘ઇફ યુ હેપન ટુ સી મનમોહનસિંઘ, કપિલ સિબ્બલ, મનીષ તિવારી ઔર દિગ્વિજય ઓન ટી.વી. સ્ક્રીન, સ્વિચ ઓવર ટુ રાખી સાવંત…’ ગુજરાતીમાં કહી શકાય કે ટી.વી. પર જો મનમોહનસિંઘ, કપિલ સિબ્બલ, મનીષ તિવારી કે દિગ્વિજયને જોવાની નોબત આવે તો ચેનલ બદલીને રાખી સાવંતને જોવાનું પસંદ કરજો-કેટલી બધી નગ્નવેદના છે આ એસ.એમ.એસ. પાછળ! ફિલ્મ એક્ટ્રેસ રાખી સાવંત પાપી પેટ ભરવા માટે, કેવળ પૈસા માટે થઇને તેનાં કપડાં ઉતારે છે, જ્યારે ઉપર જેમનો ઉલ્લેખ થયો છે એવા સ્વનામધન્ય મહાનુભાવો માત્ર ને માત્ર સત્તા માટે જ પોતાનાં તેમજ લોકશાહીનાં લૂગડાં ઉતારી બેઠા. અલબત્ત તેમની નગ્નતા આગળ રાખીની નગ્નતાની કોઇ કોઇ જ વિસાત નથી.

‘‘‘

ટી.વી. પર મનમોહનસિંઘજીનો ચહેરો જોઇને મારા ગીધુકાકા કહેતા હતા કે આવો ગરીબડો ચહેરો તો તેમણે ‘બિલો પોવર્ટી લાઇન’-ગરીબીની રેખાની હેઠળ જીવતા કોઇ ગરીબનો પણ જોયો નથી. નાક મોટું કે ખુરશી? તે કહે છે કે પ્રધાનમંત્રીનો સમાવેશ લોકપાલ બિલમાં થવો જોઇએ, પરંતુ અન્ય મંત્રીઓ એનો વિરોધ કરે છે એટલે હું લાચાર છું. સાહેબ, તમે કેબિનેટના મંત્રીઓને ઝીણા પણ મક્કમ સ્વરે કહી શક્યા હોત કે આ દેશનો પ્રધાનમંત્રી આજે હું છું.

મારે જો સખણા રહેવું હોય તો લોકપાલ બિલમાં મનેય જોતરવો પડશે. જો તેમ ના કરવું હોય તો મારો ત્યાગપત્ર લઇ લો ને એ ખુરશી પર તમે રાહુલ ગાંધી કે બીજા ગમે તે એક્સ, વાય, ઝેડને બેસાડી શકો છો. (પ્રજાને એથી શો ફરક પડવાનો!). બસ આટલું સાંભળતાં જ મગતરાં શાંત થઇ ગયાં હોત. આ લખતી વખતે મને અમારી ગુજરાતી સાહિત્ય પરિષદનો સાંભળવા મળેલ જૂનો કિસ્સો યાદ આવે છે. ગાંધીજી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા. આમ કહેવાય પ્રમુખ પરંતુ સત્તા આજના વડાપ્રધાન જેટલી.

વહીવટ કનૈયાલાલ મુનશી કરે, મનસ્વીપણે કરે. મુનશી (એક શ્રીમતી લીલાવતી કનૈયાલાલ મુનશીને બાદ કરતાં) કોઇને ગાંઠે નહીં. એકવાર કવિ ઉમાશંકર જોશીએ ગાંધીજીને જણાવ્યું કે મુનશીને કંઇક કહો: ‘શું કરું, મુનશી તો મારુંય સાંભળતા નથી.’ એવું ગાંધીજી બોલ્યા.

ઉ. જો. એ ખેદથી તેમને પૂછ્યું: ‘પરિષદના પ્રમુખ લેખે તમારી પાસે કોઇ જ સત્તા નથી?’ ‘છે…’ ગાંધીજીએ કહ્યું: ‘મારી પાસે રાજીનામું આપવાની સત્તા છે.’ ને તેમણે અધવચ્ચે જ પરિષદમાંથી રાજીનામું આપી દીધું, પોતાની સત્તાનો ધરાર ઉપયોગ કર્યો. શક્ય છે કે મનમોહનસિંઘને તેમની આ સત્તાની માહિતી નહીં જ હોય.

‘‘‘

મંત્રીનું કહેવું સાવ સાચું છે, બંધારણમાં પણ ચોખ્ખું લખ્યું છે કે સંસદ સર્વોપરી છે ને કાયદા ઘડવાનું કામ સાંસદોનું જ છે, પોતાને એકે હજારે માનતા અણ્ણા હજારે જેવા આઉટ સાઇડર્સ-બહારનાં તત્વોને શી ગતાગમ પડે કાયદા ઘડવાની! એ કામ અમારું છે. અમારા કામમાં ચંચૂપાત કરવા બહારનો કોઇપણ ‘લલ્લુ-પંજુ’ જોઇતો નથી, અમારી પાસે પૂરતી સંખ્યા છે. તમારે સંસદનું ગૌરવ જાળવવાનું છે. ખબરદાર આ ગૌરવની વાતમાં વચ્ચે અફઝલ ગુરુનું નામ લાવ્યા છો તો! થોડું મોટું મન રાખતાં શીખો.

સાંસદોની અંદરઅંદરની ગાળાગાળી, ઝપાઝપી, મારામારી કે નાણાંની લેવડ-દેવડ જેવી પરચૂરણ બાબતોને સંસદની ગરિમા ભંગ ગણવાની બેવકૂફી હરગીજ ના કરશો-સાંસદો ટાઇમપાસ માટે આવી ધીંગામસ્તી કરી લે તો એને ગંભીરતાથી લેશો નહીં અને બદમાશ આ ટીવી ચેનલ્સવાળા તો કાયમ વાતનું વતેસર જ કરે છે. અણ્ણાના સાવ સાધારણ છમકલાને સ્વાતંત્રયની એક જબ્બર લડત બનાવી દીધી.

જ્યાં માંડ ૨૫૦-૩૦૦ માણસો એકઠા થયા હોય એને ટ્રિક સીન્સની મદદથી ૨૫ થી ૩૦ હજારની પ્રચંડ મેદની કહી દીધી! આ બધાની ખબર અમને એટલા માટે છે કે ભૂતકાળમાં સત્તા પર આવવા આવા બધા ખેલ અમે કરી ચૂક્યા છીએ અને સભા-સરઘસ માટે તો હજજારો માણસો કહો એટલા કલાક માટે ભાડેથી મળી રહે છે, આ અમારો અનુભવ છે. એમાં તો ગોળ નાખો એટલું ગળ્યું થાય એ કહેવત બધે લાગુ પડે છે.

‘‘‘

જે વડાપ્રધાન એક પ્રખર અર્થશાસ્ત્રી તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે તે અણ્ણાની ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડતના સંદર્ભમાં કહે છે કે કેટલાંક તત્વો દેશની પ્રગતિમાં રોડાં નાખી રહ્યાં છે. ગીધુકાકા આપણા આદરણીય પ્રધાનમંત્રીને નમ્રતાથી પૂછી રહ્યા છે કે આપ કઇ પ્રગતિની વાત કરી રહ્યા છો? દેશ કઇ દિશામાં પ્રગતિ યા વિકાસ કરી રહ્યો છે? ભ્રષ્ટાચાર? મોંઘવારી? બેકારી? શેમાં?

‘‘‘

આ પ્રજા સાલી ડાહી થઇ ગઇ છે કે ગાંડી એની ખબર પડતી નથી. આમ તો ડાહ્યો માણસ પણ ટોળામાં હોય છે ત્યારે ઐતિહાસિક બાદશાહ મહમ્મદ તઘલખના મિજાજમાં આવી જાય છે, પણ અહીં અલગ ર્દશ્ય જોવા મળ્યું. ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં (અન્ન નહીં લેવાની પ્રતિજ્ઞા લેનાર) અણ્ણા હજારેના સમર્થનમાં હજારોની સંખ્યામાં ઉમટેલ લોકોના હાથમાં ત્રિરંગો રાષ્ટ્રધ્વજ હતો, પણ કોઇના હાથમાં પથરો તો શું ઠીકરું પણ ન હતું.

સળગતી મશાલ જેવી મીણબત્તીઓ હતી. કિન્તુ એકેયના હાથમાં કેરોસીન કે પેટ્રોલનો ભરેલો કેરબો નહોતો. જેમને ભ્રષ્ટાચારની જોડણીય લખતાં નથી આવડતું એવાં બાળકો પણ આ સરઘસમાં હતાં. પોલીસના હાથમાં લાઠી હતી.

આટલાં મોટાં ટોળાંને જોઇને પોલીસના હાથમાં ખંજવાળ આવે એ પણ સ્વાભાવિક છે અને પોલીસને ઉશ્કેરવા માટે કારણની ક્યારેય જરૂર પડતી નથી, વીરરસ તો તેનામાં કાયમ છલકાતો હોય છે. છતાં એવું લાગતું હતું કે સંયમના મુદ્દે પ્રજા અને પોલીસ વચ્ચે તીવ્ર સ્પર્ધા હતી, જેમાં બંને જીત્યા, પણ સરકાર હારી. અણ્ણાએ સન્માનનીય મંત્રીઓને મોઢામોઢ કહી દીધું કે બધું લખીને આપો-તમારામાં અમને લેશમત્ર વિશ્વાસ નથી. સાલું બહુ કહેવાય નહીં!??

ઈદમ્ તૃતીયમ્ , વિનોદ ભટ્ટ

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s