લોકનેતા, લોક ધ્વનિ અને લોક તંત્ર—શ્રી ગુણવંત શાહ

લોકનેતા, લોક ધ્વનિ અને લોક તંત્ર —શ્રી ગુણવંત શાહ. દિવ્ય ભાસ્કર ની સન્ડે પૂર્તિ 28,ઓગસ્ટ,2011, બંનેના આભાર અને સૌજન્ય સાથે—–

અણ્ણાજીના લોકઆંદોલનની સૌથી મોટી ફલશ્રુતિ કઇ? નવી પેઢી કેવળ બોલિવૂડ તરફથી મળતી સંવેદના જ ઝીલવા તૈયાર હતી. એ સુખવાદી પેઢી, માથે સફેદ ટોપી પહેરીને સડકો પર ચાલતી વખતે ‘વંદેમાતરમ્’ અને ‘ભારત માતાકી જય’ જેવાં સૂત્રો બોલતી થઇ. આ ચમત્કાર જેવો તેવો નથી. ગઇકાલની ગાંધીટોપીનું આવું ઊર્મિમય પુનરાગમન આવતીકાલ માટે અત્યંત ઉપકારક છે.
મહાગુજરાતનું આંદોલન શરૂ થયું પછી ફકીરીની રોશનીમાં શોભતા ઇન્દુલાલ યાજ્ઞિકની તાકાત ઓછી આંકનારા મોરારજીભાઇ દેસાઇએ જે ભૂલ કરી હતી તેવી જ ભૂલ મનમોહનસિંઘની સરકારે અણ્ણાજી અંગે કરી છે. ત્યાગપરાયણ અને સ્વચ્છ જીવનચર્યા એક એવી તપસ્યા છે, જેને કારણે મનુષ્યને અલૌકિક ઊર્જાની અનુભૂતિ થાય છે.
ઇન્દિરાજીએ જયપ્રકાશજીની ઊર્જાને ઓછી આંકવાની ભૂલ કરી હતી. આજે સોનિયાજી આરંભે એવી જ ભૂલ કરી બેઠાં છે. કોંગ્રેસીઓની ભાષામાં રહેલી ઉદંડતાને યમુના આજે સાક્ષીભાવે નિહાળી રહી છે. જયપ્રકાશને પણ ફાસિસ્ટ અને સી.આઇ.એ.ના એજન્ટ ગણાવાયા હતા.
હસ્તિનાપુર યાને દિલ્હી પાસે હજારો સદીઓથી વહેતી યમુના નદીએ કેટલાય રાજાઓને તખ્તનશીન થયા પછી ઈતિહાસની રેતીમાં વિલીન થતા જોયા! એ યમુનાએ મહાભારતના વિજય પછી હિમાળો ગાળવા માટે વિદાય થતા પાંડવોને જોયા હતા. એ જ યમુનાએ લાલ કિલ્લા પૂરતી સમેટાઇ ગયેલી મોગલ સલ્તનતના આખરી બાદશાહ બહાદુરશાહ જફરના દર્દને પ્રગટ કરતી કાવ્યપંક્તિઓ સાંભળી હતી. મહાકવિ ગાલિબનું અવસાન થયું તે જ સાલમાં મહાત્મા ગાંધીનો જન્મ થયો.
યમુના નદી પરથી વહેતા વાયરાએ કેટલાય વાઇસરોયોને વિદાય થતા જોયા છે. યમુનાની ગોદમાં મહાત્મા પોઢી ગયા પછી સ્વતંત્ર ભારતના વડાપ્રધાનો આવ્યા અને ગયા! યમુના વહે છે અને કાલપ્રવાહ કદી રોકાતો નથી. ઈતિહાસ એટલે શું? મેકસ્મુલરનો જવાબ છે: ‘ઈતિહાસ માનવીના મનની આત્મકથા છે.’
શ્રીમતી સોનિયા ગાંધી સારવાર માટે અમેરિકા ગયા પછીના મહિનામાં તો યમુનામાં ઘણાં પાણી વહી ગયાં! ભારતીય પ્રજાની એક ખૂબી જાણી રાખવા જેવી છે. એ પ્રજા સત્તા પર બેઠેલા શાસકને સલામ કરે છે, પરંતુ ત્યાગી કે વૈરાગી સાધુજનને નમન કરે છે. મહાગુજરાતનું આંદોલન શરૂ થયું પછી ફકીરીની રોશનીમાં શોભતા ઇન્દુલાલ યાજ્ઞિકની તાકાત ઓછી આંકનારા મોરારજીભાઇ દેસાઇએ જે ભૂલ કરી હતી તેવી જ ભૂલ મનમોહનસિંઘની સરકારે અણ્ણાજી અંગે કરી છે. ત્યાગપરાયણ અને સ્વચ્છ જીવનચર્યા એક એવી તપસ્યા છે, જેને કારણે મનુષ્યને અલૌકિક ઊર્જાની અનુભૂતિ થાય છે.
ઇન્દિરાજીએ જયપ્રકાશજીની ઊર્જાને ઓછી આંકવાની ભૂલ કરી હતી. આજે સોનિયાજી આરંભે એવી જ ભૂલ કરી બેઠાં છે. કોંગ્રેસીઓની ભાષામાં રહેલી ઉદંડતાને યમુના આજે સાક્ષીભાવે નિહાળી રહી છે. જયપ્રકાશને પણ ફાસિસ્ટ અને સી.આઇ.એ.ના એજન્ટ ગણાવાયા હતા. કાલદેવતાની એક કુટેવ એવી છે કે ભ્રષ્ટાચારી શાસન સાથે જોડાયેલા અહંકારના ચૂરેચૂરા કરવામાં એમને ‘ધર્મસંસ્થાપના’ થતી જણાય છે. પ્રત્યેક ધનનંદને કોઇ વિષ્ણુગુપ્ત ચાણકય મળી રહે છે. અણ્ણાજીના અનશન સામે કેન્દ્ર સરકારે જે ૨૨ શરતો મૂકી હતી, તેવી શરતો તો અંગ્રેજોએ ગાંધીજી અને સરદાર પટેલના અહિંસક સત્યાગ્રહો (બારડોલી અને દાંડીકૂચ) વખતે પણ મૂકી ન હતી. કટોકટીનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક સંભળાઇ રહ્યું છે.
મંદ મંદ પવન વહે તેની નોંધ નથી લેવાતી, પરંતુ એ જ પવન જ્યારે પ્રચંડ વંટોળિયો બની જાય ત્યારે ફળિયાના રસ્તા પર પડી રહેલું તણખલું પણ ડમરીને ખભે બેસીને ગગને ચડે છે. લોકતંત્ર ધીમી ગતિના સમાચારની માફક આગળ વધતું તંત્ર છે. ક્યારેક લોકધ્વનિ પર સવાર થઇને કોઇ એવો લોકનેતા ધરતીની ધૂળમાંથી ઊગે છે, જેનો અવાજ દેશનો અવાજ બની જાય છે. એ લોકનેતા જે આંદોલન શરૂ કરે તેમાં લોજિક કરતાં મેજિકનું તત્વ વધારે હોય છે.
ગાંધીજીએ એક સૂત્ર વહેતું મૂકેલું: ‘સૂતરને તાંતણે સ્વરાજ.’ ૧૯૪૨માં એમણે ‘હિંદ છોડો’ ચળવળ શરૂ કરી અને ‘કરેંગે યા મરેંગે’ જેવું સૂત્ર આપ્યું. આવાં સૂત્રોમાં તર્ક કરતાં ઊર્મિનું તત્વ વધારે હોય છે. જયપ્રકાશે ‘સંપૂર્ણ ક્રાંતિ’ માટે આહ્વાન કર્યું હતું. કાંતિ શાહ લખે છે: ‘આમ જે.પી.ની શક્તિ સાવ ઊલટા માર્ગે ખરચાઇ! જે. પી.ની લોકનીતિની ઉપાસનાની દ્રષ્ટિએ તથા ક્રાંતિની ખોજયાત્રાની દ્રષ્ટિએ આ આંદોલન સરવાળે ઉપકારક નથી નીવડ્યું, બલકે કાંઇક અંશે બાધક અને વિક્ષેપક જ નીવડ્યું છે.’ (‘ભૂમિપુત્ર’ ૧૬-૮-૨૦૧૧).
અણ્ણા હજારેનું ભ્રષ્ટાચારવિરોધી આંદોલન પણ સમય જતાં આવી પ્રતિક્રિયા જન્માવે એવી પૂરી શક્યતા છે. આમ છતાં આવાં આંદોલનો કશુંક એવું કરતાં જાય છે, જેને કારણે ઈતિહાસ પડખું બદલે છે. ‘કરેંગે યા મરેંગે’ જેવી આંધીને અંતે અંગ્રેજોને જવાની ફરજ પડી. જયપ્રકાશની ચળવળ પછી ઇન્દિરા ગાંધીએ સત્તા ગુમાવી. અણ્ણાજીના આંદોલન પછી શું થશે એ કહેવાનું આજે યોગ્ય નથી. વર્ષો પહેલાં યશોધર મહેતાએ કપડવંજમાં કૃષ્ણ વિશે પ્રવચન કર્યું હતું તેમાં કંસ સામે ગોકુળમાં જે ઘટનાઓ બની તેને ‘બોલ્શેવિક ક્રાંતિ’ તરીકે બિરદાવી હતી.
આજે આ લેખ ગોકુળ અષ્ટમીને દિવસે લખાઇ રહ્યો છે. આંદોલન ચમત્કાર (મેજિક) સજેઁ છે, પરંતુ એ કદી પૂરેપૂરું તર્કપૂર્ણ નથી હોતું. સૂતેલી પ્રજા એકાએક જાગે છે. ઇજિપ્તની પ્રજા જાગી અને તહરિર ચોકમાં એકઠી થયેલી જનશક્તિ સરમુખત્યારશાહીને ગળી જાય તેવી પ્રચંડ બની ગઇ. આવું જ ટ્યુનિશિયામાં અને યેમનમાં બન્યું. કદાચ સિરિયામાં પણ બને. ‘આરબ સ્પ્રિંગ’ એટલે ઇસ્લામી આલમમાં થયેલી જનક્રાંતિ.
અણ્ણાજીના લોકઆંદોલનની સૌથી મોટી ફલશ્રુતિ કઇ? નવી પેઢી કેવળ બોલિવૂડ તરફથી મળતી સંવેદના જ ઝીલવા તૈયાર હતી. એ સુખવાદી (હેડોનિસ્ટ) પેઢી, માથે સફેદ ટોપી પહેરીને સડકો પર ચાલતી વખતે ‘વંદેમાતરમ્’ અને ‘ભારત માતાકી જય’ જેવાં સૂત્રો બોલતી થઇ. આ ચમત્કાર જેવો તેવો નથી. ગઇકાલની ગાંધીટોપીનું આવું ઊર્મિમય પુનરાગમન આવતીકાલ માટે અત્યંત ઉપકારક છે.
ભવિષ્યમાં ચૂંટણીની ટિકિટ આપતી વખતે રાજકીય પક્ષો ગુનેગારોને અને ભ્રષ્ટાચારીઓને વિધાનસભા કે લોકસભામાં મોકલતાં પહેલાં સો વાર વિચાર કરશે. પોતાની લુચ્ચાઇને લલિતકલામાં ફેરવી નાખનારા પ્રધાનો ગોટાળો કરવા જશે તોય પકડાઇ જશે. લોકજાગૃતિ સિવાય ભ્રષ્ટાચાર પર બ્રેક નહીં લાગે. જાગ્રત ગ્રાહકની માફક લોકતંત્ર જાગ્રત નાગરિક પાસે જોરદાર ખોંખારાની અપેક્ષા રાખે છે. અણ્ણાજીના આંદોલને રાષ્ટ્રને આવો મૂલ્યવાન ખોંખારો આપ્યો છે. ખોંખારો નિષ્પક્ષ છે અને સો ટચનો છે.
સોનિયા ગાંધી પરદેશમાં સારવાર લઇ રહ્યાં છે. રાજકુંવર રાહુલ મગનું નામ મરી પાડવા તૈયાર નથી, પરંતુ પ્રવકતાઓનો લવારો અટકતો નથી. વિન્સ્ટન ચર્ચિલનું વિધાન છે:
જ્યારે ગરુડો શાંત હોય,
ત્યારે પોપટો પોતાનો
લવારો શરૂ કરે છે.
અણ્ણાજી સામે બકવાસ કરનારા વકીલો (કપિલ સિબ્બલ, ચિદમ્બરમ, મનીષ તિવારી, અભિષેક સિંઘવી)ની વાણીમાં ચાલાકી છે. એ ચાલાકી સત્યના કહ્યામાં નથી. બીજી બાજુ ભાજપની દાનત પણ ખોરી છે. એને ભ્રષ્ટાચાર દૂર થાય તેમાં નહીં, પરંતુ કોંગ્રેસ દૂર થાય તેમાં રસ છે. ભ્રષ્ટાચાર સામેની લોકલડતમાં પક્ષીય રાજકારણને સ્થાન નથી. ઘરને આગ લાગે ત્યારે ફર્નિચરની ડિઝાઈનની ચર્ચા ન હોય. ગાંધીજનોનું મૌન સત્યપોષક નથી.
ઇલેકટ્રોનિક મીડિયાનો જબરદસ્ત ટેકો આ ઐતિહાસિક લડતને મળ્યો છે. દેશની વ્યાપક જનશક્તિ અહિંસાની લક્ષ્મણરેખા જાળવીને ભ્રષ્ટ શાસનને પડકારે ત્યારે સરકારને નમવું જ પડે છે. સમાધાન માટેના પ્રયત્નો સફળ થાય તે દેશના હિતમાં છે. ઇમામ બુખારીએ ‘વંદેમાતરમ્’ અને ‘ભારત માતાકી જય’ જેવાં સૂત્રો સામે વાંધો ઉઠાવ્યો છે. ભ્રષ્ટાચાર સામેની લડતમાં મુસ્લિમ ભાઇઓ ‘નોર્મલ નાગરિક’ બનીને જોડાયા છે. એમાં બહુમતી-લઘુમતી જેવા અલગ ચોકાને સ્થાન નથી.
પોલીસને લાઠી રાખવાની જરૂર ન પડે એટલો સંયમ જ્યારે એકઠી થયેલી ભીડ પાળે ત્યારે એવી લડતને મહાત્માના આશીર્વાદ પ્રાપ્ત થાય જ. સ્વરાજ પછીનાં વર્ષોમાં કોઇ સ્વયંભૂ આંદોલન આવું રાષ્ટ્રવ્યાપી સમર્થન પામ્યું નથી. યુવાનો અને સ્ત્રીઓ લડતમાં મોખરે છે. નવી પેઢી છેલ્લાં ચોસઠ વર્ષોમાં ક્યારેય આ રીતે સડકો પર ચાલતી થઇ નથી. એમના હાથમાં ત્રિરંગો છે અને હોઠો પર ‘વંદેમાતરમ્’ છે. આવું ર્દશ્ય જોઇને દેશના ભવિષ્ય માટે શ્રદ્ધા જાગે છે. શિવાજી, વિવેકાનંદ અને ગાંધીજી પાસેથી પ્રેરણા પામનારા અણ્ણાજીની તપસ્યા એળે નહીં જાય. (ગોકુળઅષ્ટમી)
સ્ટોપ પ્રેસ
– અણ્ણા દ્રઢ વૈરાગી સાબિત થયા. આ એમના આત્મબળનો વિજય છે.
– પ્રાર્થના કરીએ કે ભ્રષ્ટાચારનાં વાદળો વિખરાય અને ભારતની ધરતી પર કોકરવરણો તડકો પથરાય.
– ઈતિહાસ રચાયો છે. થેન્કયુ અણ્ણા!
(તા.૨૫-૮-૨૦૧૧ રાત્રે)
પાઘડીનો વળ છેડે
મારા જેવા માણસનું મૂલ્યાંકન
તમારે એમના જીવનની
કોઇ અસાધારણ ક્ષણને આધારે
ન કરવું જોઇએ, પરંતુ
જીવનયાત્રા દરમિયાન
એમના પગને વળગેલી ધૂળને
આધારે કરવું જોઇએ.- ગાંધીજી (૧૯૪૭)
નોંધ : ‘Great Soul Mahatma Gandhi and his Struggle With India’ by Joseph Lelyveld (પુલિત્ઝર પારિતોષિક વિજેતા લેખક, ન્યૂ યોર્ક, ૨૦૧૧)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s