એક હી ઉલ્લુ કાફી હૈ બરબાદ ગુલિસ્તાં કરને કો …વેદના-સંવેદના – મૃગેશ વૈષ્ણવ


એક હી ઉલ્લુ કાફી હૈ બરબાદ ગુલિસ્તાં કરને કો …વેદના-સંવેદના – મૃગેશ વૈષ્ણવ
ગુજરાત સમાચાર અને શ્રી મૃગેશ વૈષ્ણવના આભાર અને સૌજન્ય સાથે….

આત્મહત્યા કરતાં પહેલાં સ્વ. નાનારાયે દેશવાસીઓને નામે એક સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં લખ્યું હતું, ‘આ દેશની આવી હાલત મારાથી જોવાતી નથી… મારા સાથી સ્વાતંત્ર્ય સેનાનીઓના સ્વપ્નાંઓનું આ ભારત નથી… સંખ્યાબંધ ગુન્હાઓ, ખૂન, લૂંટ, બળાત્કાર કરનાર વ્યક્તિ ધારાસભ્ય બને, ગુંડાગીરી અને ડાકુગીરી કરનાર વ્યક્તિ સંસદસભ્ય બને… મહાનગર બોમ્બેના બોંબકાંડના સૂત્રધાર સાથે ઘરોબો ધરાવનાર વ્યક્તિ મુખ્યમંત્રી બને અને શક્ય તેટલો ભ્રષ્ટાચાર કરી મંત્રીમંડળના સભ્યો દેશને વેચીને પોતાની ગાદી સાચવે એ માટે અમે અમારું લોહી રેડયું હતું ?

આઝાદીની ગોલ્ડન જ્યુબીલીએ એક પીઢ સ્વાતંત્ર્ય સેનાનીએ સ્યુસાઈડ નોટ લખી હતી. આજે અન્નાએ ભ્રષ્ટાચાર સામે શાંતિ યુદ્ધ છેડી ભ્રષ્ટાચારીઓને હાકલ કરી છે. ‘ક્વીટ ઇન્ડિયા’… હવે લોકોની ઇચ્છા મુજબનો ‘જનલોકપાલ’ લાવીને જ જંપીશું.

લહેરોં મેં ઉમંગ હૈ… તીર પર કૈસે રુકું મૈં ?’ ભારતનો પ્રત્યેક નાગરિક અન્નાહજારેની ઓગસ્ટ ક્રાંતિમાં ઉપરના ગીતની કડીઓ ગુનગુનાવતો જોવાઈ રહ્યો છે.

ભ્રષ્ટાચાર વિરૃદ્ધ જનઆક્રોશનો જ્વાળામુખી ફાટયો છે. પરિવર્તનની લડાઈ આરપાર લડી લેવા આ દેશના આબાલ-વૃદ્ધ સહુ કટીબદ્ધ બન્યા છે ત્યારે જનસમૂહની આ માનસિકતાને મુઠ્ઠીભર શહેરી મધ્યમવર્ગની ઘવાયેલી લાગણીનો ક્ષણિક ઉભરો સમજવાની સરકારે ભૂલ કરી છે.

જનલોકપાલ બિલના સમર્થનમાં કરોડો નાગરિકો સડક પર ઉતરી આવ્યા છે જે આઝાદીના ચોસઠ વર્ષના ભ્રષ્ટ લોકશાસનનું પરિણામ છે. લોકોના આ ક્રાંતિકારી મિજાજ કોઈ રીએક્શન-એટલે કે ઉતાવળે અપાયેલી પ્રતિક્રિયા નથી પણ એક ‘રીસ્પોન્સ’ એટલે કે સમજદારીપૂર્વકનો સચોટ જવાબ છે.

અન્નાના સમર્થનમા લાખોની સંખ્યામાં ભેગા થતા લોકો મોબ-સાઈકોલોજીનું કારણ કે પરિણામ નથી એ મનોવૈજ્ઞાાનિક સત્ય જેટલું વહેલું સમજાશે એટલી વહેલી આ કટોકટી હળવી કરી શકાશે. આ જનાક્રોશના મનોવૈજ્ઞાાનિક સત્યો સમજવા જેવા છે.

૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ની વહેલી સવારે લૉર્ડ માઉન્ટ બેટને ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ આપી આઝાદીની આબોહવામાં પ્રત્યેક ભારતીયને શ્વાસ લેતો કર્યો.

ભારતના આમ આદમીએ આ નવા પ્રભાતની નવા ઉમંગ, નવા સ્વપ્નાંઓ.. અને નવા અરમાનો સાથે શુભ શરૃઆત કરી. અને ભારત દેશ પર લોકોની, લોકો માટે, લોકો દ્વારા ચલાવાતી સરકાર – લોકશાહી સરકાર સત્તાનશીન થઈ.

ચૂંટાયેલી સરકારો જેમ જેમ કામ કરતી ગઈ તેમ તેમ લોકોને સમજાતું ગયું કે આપણા દેશની લોકશાહીની વ્યાખ્યા કંઈક જુદી છે. આપણી લોકશાહી For the people નહીં પણ For FOUR people, By the people નહીં પણ Buy the people, Of the people નહીં પણ OFF the people એટલે કે લોકોને ખરીદો, કોમવાદ, ભ્રષ્ટાચાર-સગાંવાદના કોરડા વીંઝી તેમની સ્વતંત્રતાનું ખૂન કરો અને ચાર-પાંચ જણ માટે શાસન ચલાવો.

લોકશાહીની બદલાયેલી વ્યાખ્યાના પરિણામ સ્વરૃપ આઝાદીની પચાસમી વર્ષગાંઠે આવેલા સત્તાવાર અહેવાલો મુજબ તે વખતની સ્વ. નરસિંહરાવની સરકારના સત્તર કેબીનેટ મિનીસ્ટરોએ પચાસ હજાર કરોડ રૃપિયાના કૌભાંડો કર્યા હતા. બોફોર્સ કાંડ, સિક્યોરીટી સ્કામ, હવાલાકાંડ, યુરિયા કાંગ, ચારા કાંડ… વગેરે વગેરે જ્યાં મોકો મળે ત્યાં ભ્રષ્ટાચાર કર્યો હોય.

૧૯૯૬નું આખું વર્ષ કૌભાંડોના સમાચાર વાંચી કંટાળેલા ભારતના આમ નાગરિકને એ વર્ષમાં એક આઘાતજનક સમાચાર વાંચવા મળ્યા.

અંગ્રેજોની ગુલામીમાંથી આ દેશને આઝઆદી અપાવવા માટે ફના થયેલા સેંકડો સ્વાતંત્ર્ય સેનાનીઓમાંના એક નાનારાય ખન્નાએ ૮૩ વર્ષની જૈફ ઉંમરે આત્મહત્યા કરી જીવનનો અંત આણ્યો. આત્મહત્યા કરતાં પહેલાં સ્વ. નાનારાયે દેશવાસીઓને નામે એક સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં લખ્યું હતું, ‘આ દેશની આવી હાલત મારાથી જોવાતી નથી… મારા સાથી સ્વાતંત્ર્ય સેનાનીઓના સ્વપ્નાંઓનું આ ભારત નથી… સંખ્યાબંધ ગુન્હાઓ, ખૂન, લૂંટ, બળાત્કાર કરનાર વ્યક્તિ ધારાસભ્ય બને, ગુંડાગીરી અને ડાકુગીરી કરનાર વ્યક્તિ સંસદસભ્ય બને… મહાનગર બોમ્બેના બોંબકાંડના સૂત્રધાર સાથે ઘરોબો ધરાવનાર વ્યક્તિ મુખ્યમંત્રી બને અને શક્ય તેટલો ભ્રષ્ટાચાર કરી મંત્રીમંડળના સભ્યો દેશને વેચીને પોતાની ગાદી સાચવે એ માટે અમે અમારું લોહી રેડયું હતું ? દાઉદ-ઇબ્રાહિમો, શરદ પવારો, લાલુપ્રસાદો… મુલાયમસીંગોને પાઠ ભણાવવા માટે શું જનરલ ડાયરને બ્રિટનથી પાછો બોલાવવો પડશે ? જો આ દેશને આમ જ ચલાવવાનો હોય તો આ દેશ માટે આહુતિ આપનાર નામી-અનામી શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓ તમને એટલું જ કહેવા માંગીએ છીએ કે અંગ્રેજી સલ્તનતના અચ્યાચારો અને દુરાચારોને તો અમે પથ્થર દિલ બનીને સહન કર્યા છે પણ હવે આ બધું જોવાતું નથી… સહન થતું નથી એટલે હું મારા જીવનનો અંત આણી ભ્રષ્ટાચારીઓને લપડાક લગાવવા માંગું છું… હું અત્યારે અસહાય છું, મારી પીડા સહન કરી શકતો નથી… મારા માટે આ એક જ ઉત્તમ માર્ગ છે…’

પંદર વર્ષ પહેલાં સ્વ. નાનારાય ખન્નાએ લખેલી આ સ્યુસાઈડ નોટથી રાજકારણીઓને પંદર વર્ષ સુધી કોઈ શરમ આવી નથી.

ભારતની આર્થિક પ્રગતિ થતી જાય છે તેમ ભ્રષ્ટાચારીઓ પણ પ્રગતિ કરી રહ્યા છે. કલમાડી, રાજુ, કનિમોઝી, યેદિયુરપ્પા… એક પછી એક વિક્રમસર્જકો આ દેશના અર્થતંત્રને ડૂબાડવા અને સ્વીસબેંકને છલોછલ કરવા માટે આરપારની સ્પર્ધામાં ઉતર્યા છે. આ બધો ખેલ દેશનો આમ આદમી જોઈ રહ્યો છે અને એનો આક્રોશ વધતો રહ્યો છે.

ભારતના આમ આદમીને ચૂંટણીઓમાં પોતાનો મિજાજ બતાવતાં ધીમે ધીમે આવડતું જાય છે. લોકજનપાલ માટે આક્રોશ ઠાલવનાર નાગરિકને ખબર છે કે લોકશાહીમાં સંસદ સર્વોપરી છે. અને અન્ના હઝારે કે તેમની પાંચ પચીસ જણની સીવીલ સોસાયટી સંસદ પર ખોટું દબાણ ક્યારેય ન કરી શકે.

પરંતુ કમનસીબી એ છે કે સંસદના સભ્યોએ સંસદની કે સંવિધાનની ગરિમા ક્યારેય જાળવી નથી. જે સંવિધાનના સોગંદ લઈને આ લોકો ખુરશી પર બેસે છે એ સંવિધાનનું સન્માન જાળવ્યું હોય તો ભ્રષ્ટાચાર ફૂલ્યોફાલ્યો ન હોત. સંસદની પોતાની જ વિવિધ કમીટીઓ છે. આ કમીટીની જો કોડીભરની પણ કિંમત હોય તો કલમાડી અને રાજુ જેવા લોકો અબજોની સંપત્તિ ઘરભેગી ન કરી શક્યા હોત. પરંતુ હકીકત એ છે કે ભ્રષ્ટાચાર ઉત્તરોત્તર વધી રહ્યો છે.

ચારાકાંડવાળા લાલુ, મુલાયમ જેવા સભ્યો પાર્લામેન્ટમાં હોય ત્યારે એ લોકો ભ્રષ્ટાચારીને ‘રીંગણા તોડું બેચાર..’નો જવાબ ‘તોડ ને તું તારે દસ-બાર’ એવો દલા તરવાડી જેવો જવાબ જ આપવાના. આ વાત લોકો સમજી ગયા છે. સંસદ પાસે વીજીલન્સ કમીટી છે, સીબીઆઈ છે. જુદા જુદા એન્ટી-કરપ્શન બ્યુરો છે. પણ ભ્રષ્ટાચાર પર લગામ શક્ય બની નથી. હજી સુધી કોઈ ભ્રષ્ટાચારીને ક્યારેય સજા થઈ નથી. એટલે આ બધા લોકો સમાજમાં બે-રોકટોક ફરે છે. ખુરશી સાચવી રાખે છે. અને બીજા નાના-નાના રાજકારણીઓ માટે ‘રોલ-મોડલ’ બની રહ્યા છે.

આ ભ્રષ્ટ તંત્ર, વ્યવસ્થાથી લોકો નારાજ છે. સ્વ. નાનારાય ખન્ના જેવા કોઈક આત્મહત્યા કરી નાંખે, કેટલાક સતત બોલીને પોતાનો રોષ ઠાલવતા રહે, કેટલાક લાચાર બની ખેલ જોયા કરે, કેટલાક ભ્રષ્ટ વ્યવસ્થાને સ્વીકારી લે તો કેટલાક પોતાનું કામ કઢાવવા માટે ભ્રષ્ટાચારને પોષે પણ ખરા. ભ્રષ્ટાચાર સામે લોકોની પ્રતિક્રિયા ભલે વિભિન્ન હોય પણ રોષ સહુને છે. એટલે જ અન્ના હઝારેને ટેકો આપી લોકો પોતાની પરિપકવતાનો પરચો આપી રહ્યા છે.

આટલી પ્રચંડ લોકક્રાંતિને પારખવાની સુધબુધ ખોઈ બેઠેલા અન્નાની ઓગસ્ટ ક્રાંતિને રાજકીય ઇરાદાયુક્ત, અમેરિકાના ઇશારે ચાલતું આંદોલન ગણાવવાની મુર્ખતા હજી પણ કરી રહ્યા છે. આ દેશની કમનસીબી એ છે કે આપણો કાયદાપ્રધાન ખુલ્લેઆમ છાતી ઠોકીને કહે છે કે લોકપાલ નીમવાથી ભ્રષ્ટાચારમાં કોઈ ફેર પડવાનો નથી. જો આમ જ હોય તો બધા કાયદાઓ, સીવીલકોડ, ક્રીમીનલ કોડ નાબૂદ કરી નાંખો. કારણ ક્રાઈમ રેઈટ ક્યાં ઘટયો છે ? શું આ સમય આવા તર્કો કરવાનો છે ?

અન્ના હજારેની ઓગસ્ટ ક્રાંતિમાં જોડાતા કરોડો લોકોની લાગણી અને માનસિકતા સમજી સરકારે એક સત્યનો સ્વીકાર કરવાનો છે કે સંસદ કરતાં પણ આ દેશની જનતા સર્વોપરી છે અને આ દેશની જનતાને માત્ર ચૂંટણી વખતે જ નહીં પણ જ્યારે માંગે ત્યારે જવાબ આપવાની સરકારની ફરજ છે.

આ દેશનો આમ આદમી ઇચ્છે છે અસરકારક જનલોકપાલ દ્વારા ભ્રષ્ટાચાર પર અંકુશ. ભારતનો આમ આદમી હતાશ અને લાચાર જરૃર છે પણ નિર્માલ્ય નથઈ. ભ્રષ્ટાચાર નેસ્તનાબુદ કરવા હવે આમ આદમી મક્કમ બન્યો છે.

જનલોકપાલ માટેના અહિંસક આંદોલનમાં જોડાતા લોકોની માનસિકતાને એક ‘રીએક્શન’, ‘કોઈના હાથા’ કે ‘ટોળાંશાહી’ – સમજવાની મૂર્ખતા કરવા જેવી નથી. લોકોની લાગણી અને માંગણી સામે ઝૂકવું અને ભ્રષ્ટાચાર નાબુદ કરવા માટે પ્રમાણિકપણે પારદ૪શક પગલાં ભરવાંમાં જ હવે શાણપણ છે. કારણ… આ દેશની બીજી આઝાદીની લડત માટે દેશ અન્નાની સાથે છે અને ‘એક હી અન્ના કાફી હૈ… આબાદ હિન્દુસ્તાન કરને કો…’ હા… લોકશાહીમાં લોકો જ સર્વોપરી છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s