અંગડાઈ લે કર કે જાગી હૈ નૌજવાની સપને નયે હૈ ઔર જંઝીરેં હૈ પુરાની —— અનાવૃત – જય વસાવડા

અંગડાઈ લે કર કે જાગી હૈ નૌજવાની સપને નયે હૈ ઔર જંઝીરેં હૈ પુરાની —— અનાવૃત – જય વસાવડા
ગુજરાત સમાચાર અને શ્રી જય વસાવડાના આભાર અને સૌજન્યથી

અંગડાઈ લે કર કે જાગી હૈ નૌજવાની સપને નયે હૈ ઔર જંઝીરેં હૈ પુરાની

—— અનાવૃત – જય વસાવડા

એ વતન કરતા નહીં ક્યૂં દૂસરા બાતચીત ?
દેખતા હૂં મૈં જીસે, વો ચૂપ તેરી મહેફિલ મેં હૈ
દિલ મેં તૂફાનોં કી ટોલી, ઔર નસોંમેં ઇન્કલાબ
દૂર રહ પાયે જો હમસે, દમ કહાં મંઝિલ મેં હૈ
ખીંચ કર લાઈ હૈ સબ કો કત્લ હોને કી ઉમ્મીદ
આશિકોં કા આજ જમઘટ, કૂચા-એ-કાતિલ મેં હૈ
હાથ, જિસમેં હો જૂનૂન, કરતે નહીં તલવાર સે
સર જો ઉઠ જાતે હૈ, વો ઝૂકતે નહીં લલકાર સે
હૈ લિયે હથિયાર દુશ્મન તાક મેં બૈઠા ઉધર
ઔર હમ તૈયાર હૈ, સીના લિયે અપના ઇધર
ક્યા લડે તૂફાન સે જો કશ્તી સાહિલ મેં હૈ ?
અબ મેરી હિમ્મત કા ચર્ચા ગૈર કી મહેફિલ મેં હૈ
સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ
દેખના હૈ જોર કિતા બાજૂ એ કાતિલ મેં હૈ
રામપ્રસાદ બિસ્મીલની આ અમર રચનાના ઉલટાવેલા ક્રમ અને ચુનંદા અંશોને ભૂલી જરા એક સમાચાર પર નજર નાખો.

સોનિયા ગાંધી અત્યારે ક્યાં છે ? અમેરિકામાં સારવાર માટે છે. એમને ઝડપી સ્વાસ્થ્યની હાર્દિક શુભકામનાઓ. એપ્રિલમાં અન્નાનું જંતરમંતર અને જૂનમાં બાબાની રામલીલાવાળી ઘટનાઓ બની, એ જૂન ૨૦૧૧માં સોનિયાજી ક્યાં ગયા હતા ? પહેલા લંડન. પછી ઇટાલી. એમના પુત્ર રાહુલ ગાંધી એ જ જૂન ૨૦૧૧માં ક્યાં હતા ? પહેલા લંડન અને પછી ત્યાંથી સ્વીત્ઝર્લેન્ડ. (રાહુલનો ત્યારે જન્મદિન હતો)

આ વિગત કોણ લઈ આવ્યું છે ? વિરોધ પક્ષ નહિ. પણ ઇન્ડિયા ટુડે મેગેઝીન. એક્ચ્યુઅલી, રાઈટ ટુ ઇન્ફર્મેશન એક્ટ તળે જૂન ૨૦૦૪માં ૧૪મી લોકસભા રચાઈ ત્યારથી આજ સુધી સોનિયા-રાહુલના વિદેશપ્રવાસો અંગે જાણકારી માંગતી અરજી કરી. દરેક સાંસદે સ્વૈચ્છિક રીતે પોતાના અંગત વિદેશપ્રવાસોની પણ સંસદને જાણ કરવાની પ્રણાલિકા છે. (આવી અંગત ટ્રિપ સૌથી વઘુ લોકદળના પેલા મહમૂદભાઈ મદનીએ કરી છે – ૨૦૦૮ થી અત્યાર સુધીમાં પુરી ૧૪. અમેરિકાથી સાઉદી અરેબિયા, બાંગ્લાદેશ, યુએઈ વગેરેમાં) પણ છેલ્લી બે લોકસભાથી યુપીએ ગવર્નમેન્ટ રચાઈ છે, ત્યારથી રાહુલ-સોનિયાએ એક પણ (રિપીટ, એક પણ) વિદેશયાત્રાની સત્તાવાર માહિતી સંસદને આપી નથી. મતલબ, છેલ્લા ૭ વરસથી ! ફેબુ્રઆરી ૨૦૧૦માં હિસારના એક આમ આદમી રમેશ કુમારે આ કવૅરી પૂછી હતી. જાતભાતના સરનામા બદલ્યા પછી અંતે ૮ જુલાઈ, ૨૦૧૧ના રોજ એમને જવાબ મળ્યો, ‘સરકારને કશી ખબર નથી !’
આ તો જરા સંસદીય લોકશાહીની ગરિમાની દુહાઈઓ દેનારા અન્ના માટે જે સ્ટાન્ડર્ડ રાખે છે, તે રાજ કરનારા પર રાખે છે કે નહિ – એ ચીંધાડવા પૂરતું. જરા અમસ્તું. એ સંસદ જેમાં વડાપ્રધાન પંજાબને બદલે આસામના હિતેશ્વર સાઈકિયાનું સરનામું બતાવી બેઠા છે.

***
ભારત વિશ્વની સૌથી મહાન લોકશાહી છે, એવો ફાંકો રાખીને આપણે ફરતા હોઈએ છીએ. બુદ્ધુ બૌદ્ધિકો એની દુહાઈઓ આપતા અન્નાની લડતની ટીકા કરવાનો કુટિરઉદ્યોગ ચલાવે છે. હકીકત શું છે ? ‘ઇકોનોમિસ્ટ’ જેવા વિશ્વના અતિ પ્રતિષ્ઠિત મેગેઝીનનો જગતભરમાં આધારભૂત ગણાતો લોકશાહીનો સર્વે છે. (જેના અનેક માપદંડોમાંનો એક બ્યુરોક્રસી યાને વહીવટી અધિકારીઓ પ્રજા સાથે કેવું વર્તન કરે છે, એ પણ છે. એમાં જે શુદ્ધ લોકશાહી દેશોની યાદી છે, એ ૨૬ દેશોની છે. અમેરિકા, સ્વીડન, ફિનલેન્ડ, કેનેડા, નોર્વે, લક્ઝમબર્ગ, દક્ષિણ કોરિયા, ઉરૂગ્વે જેવા દેશો પણ છે. પછી ખામીયુક્ત લોકશાહી ધરાવતા દેશોની યાદી છે, એનાં ૪૦મા નંબરે ભારત છે. ચીલી, બોત્સ્વાના, સ્લોવાકિયા, સાઈપ્રસ, કોસ્ટારિકા વગેરે દેશોની સાથે ! આપણી લોકશાહીને જોકશાહી બનાવી દેનારા કહેવાતા જનપ્રતિનિધિઓ કદી આ રેટંિગ સુધારવાની ચંિતા કરે છે ? જે સંસદીય લોકશાહીની આબરૂને આગળ ધરી પ્રામાણિક પબ્લિકને બીવડાવવામાં આવે છે, તેમાં ખૂનીઓ, લૂંટારાઓ, બાહુબલીઓ, અંગૂઠાછાપ હિસ્ટ્રીશીટરો, બૂટલેગરો બેસી જાય છે. ત્યારે સંસદની પ્રતિષ્ઠાને હાનિ નથી પહોંચતી, પણ એ ટુણિયાટોના ભ્રષ્ટાચારને ઉઘાડો કરવા કોઈ મેદાને પડે, તો આ બધા હાય રે હાય, બંધારણીય વ્યવસ્થાનું શું થશે, તેની કાગારોળ મચાવી દે છે !

જનલોકપાલ બિલનું મહત્વ કેમ છે ? શા માટે અન્ના હજારે ખુદ વિઝનમાં દેશી ભાભા જેવા અને બોલવામાં બફાટિયા હોવા છતાં છાતી કાઢીને એમના ટેકામાં ઉભા રહી જવું જોઈએ ? સિમ્પલ. પેટ્રોલના કે ખાંડ-ડુંગળીના ભાવ વધારવામાં એક્સપ્રેસ સ્પીડે નિર્ણયો લેતી સરકાર ત્રાસવાદીઓને કડક સજા કરવામાં કે એના મૂળિયાનું ઉચ્છેદન થાય, એવા પગલા લેવામાં ઢીલીઢફ થઈ જાય છે. દિલ્હી પોલીસને જે.પી.પાર્ક કે રામલીલા મેદાનમાં દેશહિત ખાતર શાંતિથી ઉપવાસ કરનારા લોકો ‘જાહેર શાંતિ’ જોખમાવે એવી ચંિતા કરીને ગણતરીની મિનિટોમાં હાર્ડકોર એક્શન લેવા માટે ફોર્સ મોકલવાનું યાદ આવે છે, પણ હજારો કરોડના કોમનવેલ્થ ગેમ્સના કૌભાંડીઓને કેમ આટલી ત્વરા અને સ્ફૂર્તિથી જેલભેગા કરવામાં નથી આવતા ? યાદ રાખો, આ ભારતના ઇતિહાસમાં એક એકથી ચડિયાતા નોનસ્ટોપ કૌભાંડો કરનાર નખશિખ મહાભ્રષ્ટ સરકારે એક પણ ગોટાળામાં સામે ચાલીને તપાસ કરી નથી. સ્પેક્ટ્રમ જેવા કૌભાંડો અને સ્વીસ બેંકો વિશે એકલપંડે પુરાવા એકઠા કરીને સુબ્રમણ્યમ સ્વામી જેવા માથાફરેલે કરેલી રિટને લીધે સરકારે નાછૂટકે પગલાં લીધા છે. કાં તો કેગ (કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ)ના રિપોર્ટના આધારે સર્વોચ્ચ અદાલતે સામે ચાલીને સરકારનો કાન મરડ્યો છે, ત્યારે પગલા લીધા છે ! મતલબ, સરકાર ખોડાં ઢોર જેવી છે, પૂંછડા આમળીને પૂંઠે આરની અણી ભોંકો ત્યારે માંડ બે ડગલા આગળ વધે, ને પછી સામા શંિગડા ભરાવે !

હંિસક ભાંગફોડિયો વિરોધ કરતા રાજ ઠાકરે કે શાહી ઇમામો જેવાને કદી જેલમાં ન નાખનાર, કાશ્મીરી ત્રાસવાદીઓના અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની રક્ષા

કરી લેખકો-ચિત્રકારોના અભિવ્યક્તિસ્વાતંત્ર્યને ટોળાંને હવાલે સોંપી દેતી સરકાર – બિચારા અન્ના સાથે (અંગત નહિ, લોકહિતના મામલે) દગો કરે છે, અને પછી લાજવાને બદલે એવી ગાજે છે કે એને જેલમાં પૂરી દે ! સ્વતંત્ર લોકશાહીમાં કોઈ પણ વ્યક્તિ મનફાવે તેવો વિરોધનો સૂર ઉઠાવી શકે, ત્યારે એનાથી પલ્લુ ઝાટકીને દૂર થઈ જવાની સામ્યવાદી સરમુખત્યારી ના ચાલે ! આવા વિરોધપ્રદર્શનો પચાવી જાણનાર અમેરિકાએ પણ ભારત સરકારને ચીંટીયો ભર્યો (અને અમેરિકન સરકારને પણ ચૂંટી ખણનાર વિકિલિક્સવાળા જુલિયન અસાન્જેભાઈ તો કહી જ ચૂક્યા છે કે ભ્રષ્ટાચાર અંગે રિસ્પોન્સ આપવામાં ભારત સરકારની નીતિરીતિ દુનિયામાં સૌથી રેઢિયાળ-વર્સ્ટ ઈન ધ વર્લ્ડ છે !) તો વડાપ્રધાને સંસદમાં ભરડ્યું ઃ આમાં તો વિદેશી હાથ છે ! વાહ ! તો તિહાર-રાજઘાટ પર ઉમટેલા લાખ્ખોના ટોળા શું અમેરિકન સ્પોન્સરશિપ લઈને આવ્યા છે ?

ના. આ નાગરિકો કંઈ જનલોકપાલ બિલ માટે પણ નથી આવ્યા. એ આવ્યા છે રાજકારણીઓ માટે પોતાનો રોષ, ભ્રષ્ટાચારની ખદબદતી સીસ્ટમ અંગે પોતાની હતાશા ઠાલવવા. બસ, બહોત હો ગયા, ઇનફ ઇઝ ઇનફ, યુ બ્લડી રાસ્કલ્સ ! એવું કાંઠલો પકડ્યા વિના ચિલ્લાવા ! ભ્રષ્ટાચાર સર્વવ્યાપી છે, એની નાબુદી શક્ય નથી – આવું ત્રણ દિવસની કબજિયાત પછી દુર્ગંધ મારતી વાછૂટ જેવું ગંદુ દિવેલિયું સ્ટેટમેન્ટ ઠાલી ઠાલવાઈ બતાવવા કરતા વેવલા બબૂચકોની વાયડાઈને વખોડવા ! ભ્રષ્ટાચાર રાતોરાત ખતમ કદી નથી થવાનો એ બધાને ખબર છે. પણ ઉપલા લેવલે બોડી બામણીના ખેતર જેવું એનું વધી ગયેલું પ્રમાણ ઘટાડવાની વાત છે. કંઈક લિમિટ તો હોય ને, ગુંડાગીરીની પણ ! એમ તો એક્સિડન્ટ ફ્રી દુનિયા ક્યારેય નથી થવાની. તો શું ટ્રાફિક સિગ્નલ્સ ને રોડ રિપેરંિગ બંધ કરી દેવાના ? ભારતની જનતા કામચોર અને બેજવાબદાર છે જ. પણ એ અલગ વિષય છે. બધા વિદ્યાર્થીઓ ચોરી કરવા માંગે છે, એવું બહાનું કાઢીને કાપલીને પરીક્ષાખંડમાં કાયમી કરી શકાય ખરી ? પ્રજાની ‘નાગાઈ’ ઓછી કરવાની હોય કે એનો હવાલો આપી ટોચના અધિકારીઓ-નેતાઓને દલા તરવાડી બની જવાની છૂટ આપવાની હોય ?

અન્નાને મળેલું પ્રચંડ જનસમર્થન નેતા-જનતા અને વિશ્વ્લેષકો-વાચકો વચ્ચેનો જનરેશન ગેપ બતાવે છે. ચોવીસે કલાક યુવાનોને ગમતા ટીવી-ઇન્ટરનેટ-સિનેમાના માઘ્યમને વખોડ્યા કરતા જીથરા ભાભાઓની મોતિયો આવી ગયેલી આંખ આ પરિવર્તનને જોઈ શકતી નથી. ‘સંિઘમ્‌’ જેવી એક્શન ફિલ્મને મળેલા રિસ્પોન્સ વખતે જ આ કટારમાં લખાયું હતું કે આ પબ્લિકમાં વધતા ટેમ્પરેચરનું થર્મોમીટર છે, સાવધાન ! ‘આઈ એમ સ્પોર્ટેક્સ’ કહીને આપમેળે જેલમાંથી છૂટવાની ના પાડનારા અન્નાની પડખે લાખ્ખો ભારતવાસીઓ ભાષા કે ધર્મકોમની પંચાત વિના ઉભા રહી ગયા. આ તાકાતનો મુકાબલો કરી શકે એવી ગોળી કોઈ પોલાદે બનાવી નથી. મુદ્દો જનલોકપાલ નથી, મુદ્દો આ દેશમાં સદીઓથી જેનો અભાવ છે, એ જનજાગૃતિ છે. સંઘપરિવારનો કેસરી ખેસ લટકાવીને કરોડોની જમીનો ગળકી જતા ભાજપી ભવાયા હોય કે પછી દલિતોનો કર્સ (શ્રાપ) દૂર કરવાના નામે પર્સ ભરી લેતા સમાજવાદી સટરપટરિયા હોય – દરેકની માટલી જો આવો કાનની બૂટ લાલ કરી દે તેવો સણસણતો તમાચો રમકાવો, તો ચીરાઈ જાય ! અન્નાએ તો બતાવી દીઘું કે ભલે વિદ્વાન નહિ, તો ય થોડો કે ય નીતિવાન (લોકો સંપૂર્ણ સત્યવાદી ઝંખવાના કાલ્પવનિક ખ્વાબો નથી જોતા, બે-ચાર ખામીવાળો ય ચાલે !), માણસ આગેવાની લે, તો પ્રજા દંભી રાજકારણીઓ અને બદમાશ વિવેચકોથી ગળે આવી ગઈ છે.
પણ આ શક્ય કેવી રીતે બન્યું ? ફેસબુક, ટ્‌વીટર, મોબાઈલ, એસએમએસ અને ટીવી ચેનલ્સથી ! ટેકનોલોજી પર સેન્સરશિપના જ વિચારો કર્યે કરતા નેતાઓને નવી પેઢીની નસ-નસમાં ઉતરી ગયેલા આ માઘ્યમોનો ઉપયોગ સમજાતો નથી. આ દેશમાં તો કેટકેટલી ખાણીપીણી અને રહેણીકહેણીનું વૈવિઘ્ય છે ! એમાં બધાના અભિપ્રાય સરખા ન હોય. બધાના મુકાબલો કરવાના તરીકા કે સમજશક્તિ સરખી ન હોય. પણ બધાની તકલીફો-પીડા અને એની સામેના સંઘર્ષની જરૂરિયાત તથા નવા પરિવર્તન માટેની નિષ્ઠા સરખી છે. ટેકનોલોજીએ આ પહોળા અને પથરાયેલા દેશમાં એને ચેનલાઈઝ્‌ડ કરી બતાવી ! સવારે ૪૯ ગાડીઓના પાર્કંિગની મંજૂરી અન્નાને આપતા ગૃહખાતાએ આ સુનામીથી ગભરાઈ ૧૬ ઓગસ્ટની સાંજે એ પાંચ હજારની કરવી પડી ! લોકો રમખાણો અને ભક્તિને બદલે સાચા-સારા મુદ્દે એક થઈ જાય, તો શું કરી શકે એનું તો હજુ આ ટ્રેલર છે. રાષ્ટ્રવાદના નામે જાતભાતના ભેદી કીમિયાઓ વિચારનારા માટે વોર્નંિગ છે કે ગાંધી જેટલી સ્વચ્છતા અને લોકલાગણી વિના એમને સફળતા મળવાની નથી. ગાંધીજીના શાંત વિરોધપ્રદર્શનોમાં જનમતની કેવી ઠંડી તાકાત રહેતી એનો પ્રત્યક્ષ અનુભવ દેશે જોઈ લીધો છે. હંિસા વગર માત્ર સત્ય માટેનું સંગઠન સત્તાધીશોને કેવો પરસેવો વાળી દે એનો તાદ્રશ અનુભવ છે.

માટે જ અન્ના – કેજરીવાલ – કિરણ બેદીની એ વાતમાં દમ છે કે સરકારના ડાઘવાળા ચહેરાને મેકઅપ કરવા જેવા લોકપાલ બિલ કરતા કાયમી પ્લાસ્ટિક સર્જરી જેવા એમના જનલોકપાલબિલ થકી કમસેકમ ઉપલા સ્તરે બેફામ ચાલતા હજારો કરોડના નફ્‌ફટ ભ્રષ્ટાચારમાં પચાસ-સાઠ ટકાનો ઘટાડો આવશે જ. ન મામા કરતા કાણો મામો શું ખોટો ?

***
‘ઓમ્બુડ્‌સમેન’ (સ્કેન્ડિવિયન ભાષમાં જનતા વતી કામ કરતો લવાદ) ૧૮૦૯થી સ્વીડનમાં છે. ફિનલેન્ડ, ડેન્માર્ક, ન્યુઝીલેન્ડ પછી અંતે જેની આપણે નબળી નકલ જેવી સંસદીય લોકશાહી ચલાવીએ છીએ, એ બ્રિટને પણ ૧૯૬૪માં આ પ્રથા અપનાવી હતી. ઇનફેક્ટ, બ્રિટિશરોની નકલ કર્યે રાખતા ભારતીય બંધારણમાં એ કાળથી જ એના ભારતીય વર્ઝનની તજવીજ શરૂ થઈ ગઈ હતી ! બ્રિટનમાં એ પાર્લામેન્ટરી કમિશનરના નામથી ઓળખાઈ, અને ભારતમાં લોકપાલ.

મૂળ તો ૧૯૬૨માં આજના જેટલો ભ્રષ્ટાચાર નહોતો ત્યારે કાનૂન સંમેલનમાં એનું સૂચન થયેલું. ૧૯૬૩માં સર્વોચ્ચ અદાલતના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ ગજેન્દ્ર ગડકરે એનું સમર્થન કરેલું. ત્યારે ભ્રષ્ટાચાર નિરોધ સમિતિ કે સંથાનમની અઘ્યક્ષતા નીચે રચાઈ અને એના ઇન્ટિરિયમ રિપોર્ટમાં એક વધારાની એજન્સી રચવાની ભલામણ થઈ. ૧૯૬૪માં લોકસભામાં આ મામલો ઉઠ્યો. ૧૯૬૫માં સરકારે સાંસદોની ઉપસમિતિ બનાવી. ૧૯૬૬માં આ વાત વહીવટી સુધારણા આયોગની ઝોળીમાં નાખવામાં આવી. ૧૯૬૧માં શાંતિભૂષણ (જે અત્યારે અન્ના સાથે છે) દ્વારા જ એ લોકસભામાં રજૂ થયું હતું, પાસ થયા પછી ૧૯૬૯માં રાજ્યસભામાં અટકી ગયેલું ! પછી એ ૧૯૭૧, ૧૯૭૭, ૧૯૮૫, ૧૯૮૯, ૧૯૯૬, ૨૦૦૧, ૨૦૦૫, ૨૦૦૮ એટલી વખત ચોથી લોકસભાથી પંદરમી લોકસભા સુધી રજુ થતું રહ્યું છે. છતાં આ સુધારો આવ્યો નથી. કેમ ? કારણ ઃ બિલાડીને દૂધની રખેવાળી !

કેટલીય વાર લોકપાલ બિલ જે-તે લોકસભાના વિસર્જનને લીધે પડ્યું રહ્યું. એના નામે સાંસદોએ ભારત પ્રવાસ પણ કરી લીધો. પણ બિલ કેમે કરી પાસ ન થયું. કારણ કે, આ બિલ પાસ થાય, તેમાં એક પણ પક્ષને ખરેખર રસ નથી. અને એટલે જ આપણને, આમ આદમીઓને એમાં રસ પડવો જોઈએ.

જનલોકપાલ બિલથી શો ફરક પડવાનો અને નવું એક ભ્રષ્ટ તંત્ર ઉભું થશે, જેને લુચ્ચા નેતાઓ પોતાના ફાયદામાં મરોડશે-એવું માનનારા મિત્રો માટે સિમ્પલ સવાલ ઃ તો પછી સરકારને કેમ જનલોકપાલ બિલનો એટલો ડર લાગે છે કે આબરૂને હોડમાં મૂકીને પણ જોરજબરજસ્તી કરે છે ? ઘણી વાર જવાબથી શરૂ કરો તો ગણિતના દાખલા ઉકેલાઈ જતા હોય છે. કારણ સાફ છે. જેમ બાબા રામદેવ ન્યુઝમાં રહ્યા એમાં સિફતપૂર્વક સરકાર કાળા નાણા અંગેનો જવાબ ચાવી ગઈ (એ જ બતાવે છે કે બ્લેક મનીના મામલે આટલું ભેદી મૌન કેમ છે !) એમ જ જનલોકપાલ અંગેના ઉહાપોહ કરનારા અન્નાકંપનીનો ડ્રાફટ વાંચવાની તસદી જ લીધી વિના હાંક્યે રાખે છે.

જેમ કે, ડોબેશ્વરો પૂછે છે – એક લોકપાલને આવડી સત્તા ? એ માણસ ભ્રષ્ટ નીવડે તો ? પૂરું લેસન કર્યા વિના ઠોઠ નિશાળિયાઓ સવાલ કરે છે. એક લોકપાલની વાત જ ક્યાં છે ! વાત છે, પેનલની. જેમાં સરકાર કહે છે તેમ રાજકારણીઓની પસંદગી સમિતિને બદલે પેનલ પણ બહારના લાયક તજજ્ઞો પસંદ કરે તેવી વાત છે. વીજિલન્સ કમિશન કે સીબીઆઈની એન્ટીકરપ્શન બ્રાન્ચ વગેરે લોકપાલમાં ભેળવી દઈ, તેને અમેરિકન એફબીઆઈની માફક સરકાર પર સ્વતંત્ર વોચડોગ બનાવવાની વાત છે. અન્ના માંગણી કરે છે, એમાં તમામ સાંસદો/મંત્રીઓ એકાઉન્ટેબલ છે. સામાન્ય નાગરિકને સીધો જ ફરિયાદ કરવાનો હક છે. ચોક્કસ મુદતમાં જ એનો નિકાલ ફરજીયાત છે (એટલે તો અદાલતો પોતાનું ભારણ ઘટાડવા સ્વતંત્ર એજન્સી ઇચ્છે છે !) અને જેમાં સડો છે એવું ન્યાયતંત્ર ય એની બાજનજરમાં ગોઠવવાનું છે. જે સ્તરનો સરકારી ભ્રષ્ટાચાર આપણે ત્યાં વ્યાપ્ત છે, ત્યાં સાદા ચૂરણને બદલે આવું ઇન્જેક્શન મારવાનો જ ચાન્સ લેવાનો હોય ને ! વળી એમાં ભ્રષ્ટોને સજા કરાવવા ઉપરાંત એમની પાસેથી દેશના લૂંટેલા પૈસા વસૂલ કરીને લોકહિતમાં વાપરવાની પણ વાત છે. સરકારી બિલ તો પોપૈયાનાં પલ્પને હાફૂસ કેરી તરીકે પધરાવી દેવાની છેતરપીંડી છે.

જો અકળાયેલી, ત્રાસેલી પ્રજા આંતરવિગ્રહ કે માર્શલ લૉ જેવા આત્યંતિક ઉકેલ તરફ સાવ ન ઝૂકી જાય, એ પહેલા જનલોકપાલ જેવો આકરો પણ આગવો ઉપાય અજમાવી લેવાની આ સુવર્ણ તક છે. લોકશાહીને બાચવવા માટેસ્તો !
રહી વાત વડાપ્રધાનને સમાવવાની, તો જે રીતે પ્રધાનમંત્રીશ્રી પોતાનું સ્વમાન ગુમાવી મૌન છે – એ જોતાં કાં એ દબાયેલા છે, અને કાં ખરડાયેલા છે. અને બેઉ બાબત દેશ માટે નુકસાનકારક છે !
ઝંિગ થંિગ

પાઘડીમાં તો ય હજી વળ ?
નાનકડી ટોપીએ દેખાડી આપ્યું ને ? ડંડામાં કંઈ જ નથી બળ !
વર્ષોથી ઘૂંધવાઈને અંદર પડ્યું’તુ, તે સાચ્ચી એક ફૂંકથી એ જાગ્યું.
બાધ્ઘા બનીને આંખ ચોળી શું જુઓ છો ? તમને શું સપનું આ લાગ્યું ?
કાળમીંઢ પથ્થરમાં છેવટે તો લોકોએ હાંકી દેખાડ્યું ને હળ !
ઇચ્છા ના હોત તો શું આ રીતે રંકમાંથી રાતોરાત રાજા કોઈ થાત ?
બોલ્યા જો હોત કંઈક રમવાની વાતમાં, તો ખેલાડી ખેલ ખાઈ જાત ?
પોતાના મોઢા પર લટકે છે તાળા, ને બીજે ક્યાંક લટકે છે કળ ?
સૂક્કા તરણાને માટે તડપે છે ગાય, ને આખલાને લીલુછમ ઘાસ
પાટલીએ બેસીને સંપીને ખાવ છો ને, જનતાને ભાગે ઉપવાસ !
મુઠ્ઠી અજવાળું લઈ ઘરમાંથી નીકળ્યા, તો હચમચવા કાં લાગ્યું તળ ?
પાઘડીમાં તો ય હજી વળ ?

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s