મને મારું બાળપણ પરત મળે તો ? —- બાળપણ આશીર્વાદ કે અભિશાપ ?

હાલ શાળા અને કોલેજોમાં વેકેશનનો માહોલ ચાલી રહ્યો હોવા છતાં આજના આધુનિક મા-બાપો બાળકોને આ રજાઓ માણવા દેવાને બદલે કેવી કરૂણ હાલતમાં મૂકે છે તે વિષે બે વર્ષ પહેલાં 16,મે,2009 ના રોજ મારાં બ્લોગ ઉપર એક લેખ મૂકેલ. આ બે વર્ષના ગાળામાં અનેક નવા બ્લોગર મિત્રો મળ્યા છે જેમણે કદાચ આ લેખ ના વાંચ્યો હોય તેમ ધારી આજે ફરી પુનઃ મૂકી રહ્યો છું. આશા છે કે આપ સૌને વાંચવો ગમશે. આપના પ્રતિભાવની રાહ જોઈશ.

મને મારું બાળપણ પરત મળે તો ? —- બાળપણ આશીર્વાદ કે અભિશાપ ?

આમ તો પ્રભાતમાં વહેલી સવાર-સવારમાં ચાલવા નીકળવું તે તંદુરસ્તી માટે ઉત્તમ ગણાય છે ! કોણ જાણે કેમ, પણ મને તો સવારમાં મીઠી ઉંઘ છોડી વહેલા ઉઠી સવાર બગાડવા જેવું જ લાગે છે અને હું એવો શ્રમ લેવો પસંદ કરતો નથી ! તેમ છતાં આરોગ્ય અને તંદુરસ્તીને ધ્યાનમાં રાખી સાંજના અચુક અને અનિવાર્ય રીતે હું ચાલવા ( walking ) માટે અવશ્ય નીકળી પડું છું ! ઘરથી થોડે જ દૂર એક બગીચો આવેલ છે તેમાં થોડાં ચકકર મારી આરામ માટે રાખવામાં આવેલા બાંકડા ઉપર થોડી વાર વિરામ કરી ઘેર પરત આવું છું. આવી જ એક સુંદર અને રમણીય સાંજે ચાલવા નીકળ્યો અને બાગમાં ચકકરો મારી એક બાંકડા ઉપર આરામ કરવા માટે જમાવ્યું અને અચાનક આંખ લાગી ગઈ ! અને ઊંડા વિચારમાં ડૂબી ગયો ! વિચારોમાં બાગમાં એક વિશાળ મેદાન જણાયું જેમાં બાળકો-કિશોરોને માટે રમત ગમતના ભરપૂર સાધનો હોવા છતાં તેમની હાજરી –વેકેશન હોવા છતાં – ન ગણ્ય અર્થાત પાંખી હતી. આમ કેમ ? તેવા વિચારોમાં ખોવાઈ ગયો અને મને સ્મરણ થયું મારા બાળપણનું !

અમારાં બાળપણના દિવસોમાં નહિ હતા આવા સુંદર બાગ્-બગીચાઓ ! પણ આજુ-બાજુના અને પાડોશના બાળકો સાથે મળી સવારથી જ અનેક પ્રકારની રમતો રમવામાં એટલા તો મશગુલ થઈ જતાં કે અમને જમવા માટે પણ માને શોધવા નીકળવું પડ્તું ! વેકેશનમાં મોસાળ તો જવાનું જ હોય અને ત્યાં નદી કિનારે નદીમાં ધુબાકા મારવા ! ક્યારે ક કુવામાં ખાબક્વું ! ઝાડ ઉપર આંબા-પીપળી રમવી ! તો ઘેર હોઈએ ત્યારે સંતાકુકડી , ચોર-પોલીસ, સાત તાળી , આંધળો-પાડો , ગીલી દડા , દડા-પીટ, નારગોલ, હુ તુ તુ , લંગડી , ખો -ખો , ગોટી અને કોડી, ભમરડો ફેરવવો, થપો, સાપ-સીડી, ઈસ્તો, નવ-કાંકરી, વ્યાપાર, પાનાની રમતમાં, ભાગલા બાજી, મંગુસ, સાત-આઠ, દો-તીન-પાંચ, બ્લેક ક્વીન, ધાપ (420), ઠોસો, ચોકડી,, છકડી તો ચોમાસા દરમિયાન વરસાદમાં નહાવું અને પેલા ખીલા ખુંચાડવાની રમત રમવી , કાદવ ખૂંદવો અને પાણીમાં છબ-છબીયાં કરવા વગેરે અનેક પ્રકારની રમતો રમવામાં જાણે હું પણ ખુંપી ગયો !

આ ઉપરાંત મને યાદ આવી અમારા વડિલો આજુ-બાજુના બાળકોને એકઠા કરી પંચતંત્ર, હિતોપદેશ, ગીજુભાઈની વાર્તાઓ, ઉપરાંત જીવરામ જોષીની મિંયા-ફુસ્કી- તભાભટ્ટ, છકો-મકો, અડુકિયો-દડુકિયો, તો હરિપ્રસાદ વ્યાસની બકોર પટેલ અને બીજા અનેક પુસ્તકો જેવા કે બાળ-રામાયણ, મહાભારત, વિક્રમ્-વૈતાળ વગેરે અમારી પાસે વારા ફરથી વંચાવતા. રાત્રે પણ પરિવારના સભ્યો વાળુ-પાણી કરી નવરા પડે એટ્લે અંતકડી રમતા અને અમને પણ રમાડતા જેમાં પ્રભાતિયાં, લોક ગીતો, અને ભજનો ઉપરાંત અમારા અભ્યાસમાં આવતા કાવ્યો વગેરે મુખ્ય રહેતાં. અત્યંત લોકપ્રિય ફિલ્મી ગીતો પણ ગવાતા. અને આમ અમારું વેકેશન આનંદ મસ્તી સાથે પૂરું થતા ફરી અભ્યાસમાં લાગી જતાં. રાત્રે અગાશીમાં સુવાનું અને તારાઓની ઓળખાણ કરાવતા વડિલો સાથે જ મજાની અનેક પ્રકારની વાર્તાઓ સંભળાવતા અને ક્યારે આંખ લાગી જતી અને ઉંઘમાં સરી પડતા તે ખબર પણ નહિ રહેતી. ઉપરાંત આટલા બાગ-બગીચા નહિ હતા અને જે હતા તેમાં પણ આટલા રમત ગમતના સાધનોથી સમૃધ્ધ નહિ હતા.

આજે બાગ્-બગીચામાં બાળકો માટે ખાસ ક્રિડાંગણ બનાવી અનેક પ્રકારના આધુનિક રમત ગમતના સાધનો વસાવેલા હોવા છતાં વેકેશન દરમિયાન પણ બાળકોની હાજરી તદન પાંખી કેમ જણાય છે ? માત્ર બાગમાં જ નહિ પણ ઘરની આજુ-બાજુ પાડોશમાં અનેક બાળકો હોવા છ્તાં ભાગ્યે જ હાજરી વર્તાય છે !

મારું મન વિચારોના વંટોળે ચડ્યું કે આમ કેમ છે ? અને ધારો કે –

મને મારું બાળપણ પાછું મળે તો ફરીને ઉપર દર્શાવેલ રમતો બાળકોની હાજરી વગર કેમ રમી શકાશે ? આજના મા-બાપ તો અમારાં મા-બાપ કરતાં વધારે ભણેલા છે. આધુનિક વિચાર સરણી પ્રમાણે જીવન ગોઠવી રહ્યા છે તો તેમાં બાળકોના બચપણનું સ્થાન કયાં ?

મને યાદ આવ્યું કે બાળકો માટે વેકેશન શરૂ થાય તે પહેલાં જ આધુનિક મા-બાપે તેમના માટે કેટલાક વર્ગો કરાવવા નિશ્ચિત કરી લીધું હોય છે. અને તેને માટેની તોતીંગ ફી પણ અગાઉથી જ ચૂકવી અપાઈ હોય છે ! આ વર્ગો જેવાકે કરાટે, સ્વીમીંગ, સ્કેટીંગ, સંગીત, મ્યુઝીક, ડાંસીંગ, ડ્રોઈંગ, પેઈંટીંગ અને રાઈડીંગ અને કોમપ્યુટર વગેરે ! બાળકી હોય તો સીવણ, કૂકિંગ વગેરે પણ ખરા ! અને આ જાતના તમામ વર્ગો વેકેશન દરમિયાન કેટલાક લોકો દ્વારા કમાઈ લેવા જોરદાર જાહેરાતો કરવામાં આવતી હોય આવા વર્ગો જાણે પૂર્ણ કક્ષાએ ખીલી ઉઠ્યા હોય છે ! સપ્તાહમાં 2-3 દિવસ ચાલતા આ વર્ગોમાં પ્રવેશ મેળવવા રીતસરની હરિફાઈ થતી જોવામાં આવે છે ! દરેક મા-બાપને પોતાનું બાળક હાય ! કયાંક બીજા કરતા પાછળ રહી જશે તો તેવી હાય બળતરા ને કારણે બાળકની તૈયારી કે તેની માનસિકતાની કોઈ માંબાપ દરકાર કરતા નથી, અને બાળકની શું શીખી શકવાની ક્ષમતા ધરાવે છે, તેની પણ પરવા કર્યા વગર, માત્ર દેખા દેખીથી જ ,આવું વલણ અખત્યાર થતું જોવામાં આવે છે. આ દિવસો દરમિયાન પણ બાળકને સમયસર જે તે વર્ગોમાં મૂકવા અને તેડ્વા જવા માટે પણ વ્યવસ્થા કરવી રહે છે અને તે માટે મા-બાપે સમય ફાળવવો પડે છે. આમ બાળક વેકેશન દરમિયાન પણ પોતાનું બચપણ સ્વતંત્ર રીતે માણી સકતું નથી. સવારથી જ જુદા જુદા વર્ગોમાં હાજરી આપી સાંજ પડ્યે તદન EXCGAUST થાકી જતું હોઈ અન્ય રમત ગમતનો સમય ક્યારેય પણ ફાળવી શક્તું ના હોય એટલે તે વીડીયો ગેમ રમતુ થાય છે અને વાચન માટે તો વાત જ નહિ કરવાની. કારણ મા-બાપ ને પણ એ માટે કંટાળો હોય છે. અને તો રાત્રે પરિવાર સાથે અંતકડી કે અવનવા પુસ્તકોના વાચનનો તો સવાલ જ ઉપસ્થિત થતો નથી. આવા વર્ગો ભરવા બાળકોના ક્યારેક ચહેરાઓનો અભ્યાસ કરશો તો કોઈના ચહેરા ઉપર પ્રસન્નતા નહિ જણાય પણ મજબૂરીથી મા-બાપની ઈચ્છાને માન આપતા જણાશે. ! ક્યારેક તો એવું લાગે કે આધુનિક મા-બાપ બાળકો ને બીબામાં (MAULD) જાણે ઢાળી ના રહ્યા હોય !

આમ ક્યારે ક તો એમ પણ માનવાને મન લલચાય જાય છે કે શક્ય છે કે આધુનિક મા-બાપોને બાળક ઘરમાં જ રહી ખીલે વિકસે અને સુ-સંસ્કૃત બને તે કદાચ મંજૂર નથી અથવા બાળકની સાથે સમય વહેંચવો ( SHARE ) તે પસંદ નથી અને તેથી જ વેકેશન દરમિયાન પણ બાળક ઘરની બહાર વધુ સમય કેમ રહે તેવી અને જાણે બાળકના વિકાસ માટે અત્યંત સભાન હોય તેવી છાપ ઉભી કરવા પ્રયાસ કરતા હોય તેવું જણાય છે.

કંટાળેલું બાળક વીડીઓ ગેમ અને ટીવીને શરણે જતું હોય છે અને તેમાંથી પાશ્ચાત્ય રહેણી-કહેણીની તેના ઉપર જબર જસ્ત અસર થાય છે તેમજ વીડીઓ ગેમ પણ મોટે ભાગે તે હિંસક/ કાર રેસના પ્રકારની જોતું હોય છે. મા-બાપ પણ આવી હિંસક/ કાર રેસના પ્રકારની ગેમ અપાવી દેવામાં ગૌરવ સમજતા હોય છે. પરિણામે બાળક દ્વારા થતા હિંસક હુમલાના બનવો કે અકસ્માતના બનાવો પશ્ચિમની માફક આપણે ત્યાં પણ વધી રહ્યા છે જે સમાચારો અવાર નવાર અખબારોમાં અને ટીવીમાં પ્રસિધ્ધ થતા રહે છે એટલું જ નહિ પણ આના પ્રભાવ હેઠળ કુમળી વયમાં જ બાળકો સેક્સમાં પ્રવૃત થતા પણ કિસ્સાઓ બનતા રહે છે.

આમ બચપણથી જ બાળકોની ઈચ્છા અવગણી મા-બાપ પોતાની ઈચ્છાઓ/આકાંક્ષાઓ બાળકો ઉપર લાદતા અને તે પ્રમાણે ઢાળવાની કોશિશ કરતા થયા છે. બાળક સગીર હોય પરિપકવ ના થયું હોય મા-બાપ ઉપર જ સંપૂર્ણરીતે આધારીત હોય –અનિચ્છાએ પણ મા-બાપની ઈચ્છાને તાબે થતું રહે છે. અને પરિપકવ અને સ્વતંત્ર વિચાર અને સમજ પેદા( MATURE ) થતાં જ મા-બાપ સામે ધીમી ધીમે પણ મકક્મ પ્રતિકાર કરતું થતું હોય છે ! જે બાળક અનેક પ્રકારની ચેષ્ટા દ્વારા વ્યકત કરતું રહે છે..પરંતુ મા-બાપ બાળકને નાદાન અને અણસમજુ ગણી આંખ આડા કાન કરતા રહે છે. બાળકના પ્રતિકારને સમજવા મા-બાપ ઉણા ઉતરે છે અને અસમર્થ હોય છે પરિણામે બાળક જમવાની પણ પરવા કરતું હોતું નથી અને મા કે દાદી બાળકની પાછ્ળ જમાડવા માટે થાળી લઈને ફરતા જોવા મળે છે ! બાળક પરીક્ષામાં ધરાર ઓછા માર્ક લાવતું રહે છે.! નાપાસ પણ થાય છે. અત્યંત જીદ્દી અને તોફાની બની જાય છે અને પોતાનું ધાર્યું જ કરતું થાય છે અને મા-બાપ તેની આ જીદ્દને લાડ ગણી પોષ્યા કરતા થાય છે. અરે ક્યારેક બાળક મા-બાપની આકાંક્ષા પૂરી નહિ કરી શકાય તેવી ધારણા કરી આત્યંતિક બની છેક આત્મહત્યા કરવા સુધી પહોંચી જતું હોવાનુ બનતુ રહે છે અને આવા કિસ્સાઓ આપણે અવાર-નવાર અખબારોમાં વાંચતા રહીએ છીએ પણ આ વિષે તેના મૂળ કારણો વિષે ક્યારે ય મા-બાપ કે સમાજ શાસ્ત્રીઓ કે માનસશાસ્ત્રીઓ અભ્યાસ કરી તારણ કાઢતા જણાયા નથી.

દુનિયાનું તમામ જ્ઞાન પોતાના બાળકને કોઈ પણ ભોગે મળી રહેવું જોઈએ પછી ભલે તે માટે ગમે તે કે ગમે તેવો ભોગ કે કિમત ચૂકવવી પડે તેવું માનતા મા-બાપ બાળકનું બાળપણ છીનવી લઈ ગુન્હાતિકૃત્ય કરી રહ્યાનું ક્યારેય માનવા તૈયાર થતા નથી. પણ કોઈ આવી વાત કરે તો અમારું બાળક કોઈથી પાછળ નહિ રહેવું જોઈએ અને બધા મા-બાપ આમ જ કરતા હોય ત્યારે અમે પણ તમામ જ્ઞાન બાળકોને ના અપાવીએ તો અમને ગુન્હો કરતા હોઈએ તેવું લાગ્યા કરે છે તેવી વાહિયાત દલીલ કરી પોતાની વાત યોગ્ય હોવાનું અને બાળક પ્રત્યે અસાધારણ પ્રેમ હોવાનું દેખાડતા રહે છે !

મને એક એવો વિચાર આવ્યો કે આવી આ ગાંડી અને ઘેલછાને સંતોષ આપવા ઉપર દર્શાવેલ તમામ માટે કોઈ રશી ના બનાવી શકાય ? વિજ્ઞાને પોલીઓ, કોલેરા, શીળી, કમળો, ઓરી, ટીબી વગેરે રોગના પ્રતિકાર માટે બાળક સહિત તમામને આપી શકાય છે તેવી જ રીતે કોઈ વૈજ્ઞાનિકે સંશોધન કરી કરાટે, સ્વીમીંગ, સ્કેટીંગ, સંગીત, મ્યુઝીક, ડાંસીંગ, ડ્રોઈંગ, પેઈંટીંગ અને રાઈડીંગ અને કોમપ્યુટર વગેરે ! બાળકી હોય તો સીવણ, કૂકિંગ વગેરે માટે રશીઓ શોધી કાઢવી જરૂરી બની ગઈ છે અને જે દર સપ્તાહે વેકેશન દરમિયાન બાળકને અપાવી દેવાથી બાળક સંપૂર્ણ સંપન્ન બની રહે અને મા-બાપને પણ નિરાંત અને સંતોષ થાય કે તેઓએ બાળકના વિકાસ માટે તમામ પ્રયાસો કર્યા છે !

મા-બાપે પોતાની ઈચ્છા/આકાંક્ષાઓનું બાળકમાં આરોપણ કરી તેને તેની બાળપણની ઉંમરમાં અર્થાત સગીર વયમાં ક્યારે ય તેની ઈચ્છા/આકાંક્ષા વિષે પૂછ્યું ના હોય કે તેના પ્રતિકારની નોંધ કે પરવા કર્યા સિવાય ઉછેર કર્યો હોય અને સમય જતાં આ જ બાળક પુખ્ત થતાં સ્વતંત્ર રહેતા અને કમાતું પણ થાય છે અને મા-બાપ પણ વયને હિસાબે નિવૃતિ સ્વીકારે છે અને જો બાળકની જીવન શૈલી સાથે તાલમેલ કે તાદાતમ્યતા ના સાધી શકે તો આજ બાળક કાંતો પોતાનું અલગ ઘર બનાવી રહેતું થાય છે અથવા કેટલાક મા-બાપને વૃધ્ધાશ્રમમાં ધકેલી દે છે.અને આ રીતે જાણે બાળક બાળપણ દરમિયાન તેની ઈચ્છા વિરૂધ્ધ મા-બાપ દ્વારા લાદવામાં આવેલા અભ્યાસ અને અન્ય ઈતર પ્ર્વૃતિઓનું જાણે જાણ્યે-અજાણ્યે મા-બાપ ઉપર વેરની વસુલાત કરતું હોય તેમ નથી લાગતું ?

આવા સંજોગોમાં મને આવેલો વિચાર કે મને મારું બાળપણ પાછું મળે તો ? મારી હાલત પણ આધુનિક બાળક જેવી જ થવાની ભરપૂર શક્યતાઓ રહેલી હોય ડરના માર્યા મારી આંખ ખુલ્લી જતાં અને મને બાગમાં જ બાંકડા ઉપર બેઠેલો જોઈ હાશ અને બચી ગયાની લાગણી પેદા થઈ ગઈ ! અને મનોમન પ્રશ્ન પણ થયો કે શું આપણને બાળકો ઉછેરતા નથી આવડ્યા ?

અંતમાં બાળકોને તેની રીતે જ ખીલવા દેવા ઈશ્વર આજના આ આધુનિક અને માત્ર દેખાદેખી કરી બાળકનું બાળપણ છીનવી લેતા મા-બાપોને સદબુધ્ધિ આપે તેવી પ્રાર્થના સાથે મને વહેલો જન્મ આપવા માટે મનોમન ઈશ્વરનો આભાર માની ઘર તરફ પ્રયાણ કર્યુ.

બાગમાંથી ઘેર પરત આવ્યા બાદ પણ મારું મન સતત બાળકો વિષેનાં જ વિચારોમાં ગૂથાયેલું રહ્યું અને બાળકોમાં રહેલી શક્તિને વેકેશન દરમિયાન કોઈ સ્રર્જનાત્મક્/સકારાત્મક ( CREATIVE/POSITIVE )દિશામાં વાળવામાં આવે તો બાળકો માટે આવનારા દિવસોમાં કે જ્યારે તેમને સ્વતંત્ર રીતે જિંદગી શરૂ કરવાની આવે ત્યારે વધારે અર્થ પૂર્ણ બની રહે ! જેમકે કેટલીક સ્કૂલોમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન “સ્વંય શિક્ષણ” દિન ઉજ્વાતો હોય છે તેવી જ રીતે ઘરમાં પણ “બાળક દિન” ઉજવવાનું કેમ ના વિચારી શકાય ? આ દિવસે બાળકની ઈચ્છા પ્રમાણે કૂંટુંબના સભ્યો વર્તે જેમ કે બાળકનો કબાટ/ટેબલ જેમાં તેના વસ્ત્રો/પુસ્તકો રહેતા હોય તેની સફાઈ કરી યોગ્ય રીતે ફરીને ગોઠવી શકાય ! જમવા માટે વાનગી બાળકની પસંદ પ્રમાણે બનાવવા તેને વાનગી બનાવામાં સહાય કરી શકાય વગેરે !

આ ઉપરાંત બાળકને પરિવાર પ્રત્યે વધારે જવાબદાર બનાવવા તથા પરિવારની આવકના પ્રમાણમાં ખર્ચને મર્યાદામાં રાખી શકવા સભાન બનાવવા પરિવારના ઘર ખર્ચને ગોઠવવા માસિક આવકની મર્યાદાને ધ્યાનમાં રાખી અલગ અલગ રકમની ફાળવણી કરે ! જેમકે અનાજ્-કરિયાણુ, શાક-ભાજી, ફળ ફળાદી, દૂધ ચા કોફી વગેરે, ટ્યુશન ફી, શાળાની ફી , ટેલિફોન અને વિજ્ળી બીલ ,વાહન હોય તો પેટ્રોલ બીલ, મોજ-મજા માટે ( ENTAIREMENT) સીનેમા કે હોટેલ , દવાઓ ,, આકસ્મિક વહેવારીક ખર્ચ વગેરે પરિવારની જીવન-પધ્ધ્તિને (LIFESTYLE ) ધ્યાનમાં રાખી બાળકને એ રીતે આવકની મર્યાદામાં જીવવા કેળવી ના શકાય ?મારા વાચક મિત્રો આપ શું માનો છો કે આજના આ બાળકોનું બાળપણ છીનવી લેવાય રહ્યુ છે ? અને તો બાળકોનુ બાળપણ એ આજે આશીર્વાદ છે કે અભિશાપ ? આપ સૌ ક્ષણ ભર વિચારી આપનો પ્રતિભાવ અવશ્ય જણાવશો.

18 comments

  1. એક સાઇક્રિયાટીસ્ટના લેખમાં વાંચેલું.
    મા-બાપ બાળકને મારી પાસે લઇને આવે છે ત્યારે એકની એક ફરિયાદો કરતા રહે છે.
    બાળક માનતું નથી કે ખાતું નથી કે તોફાની છે, ભણતો નથી વગેરે.
    ૯૦% કિસ્સાઓમાં મા-બાપને પોતાની ટેવો અને વર્તન સુધારવાની જરુર હોય છે પણ દવા બાળકની કરાવાય છે.

    Like

  2. અરંવિદભાઈ, છેલ્લા ૫૦-૬૦ વર્ષમાં દુનિયા માત્ર બદલાઈ નથી, અતિ ઝડપથી બદલાઈ છે. પોળ અને ચાલ સિસ્ટમના ઘરો અને આંગણાંની જગ્યા એપાર્ટમેન્ટ અને કારપારકીંગે લઈ લીધી છે. આજે દુનિયા ચાલતી નથી, દોડે છે. આવી દુનિયાની ગળાકાપ હરીફાઈ માટે બાળકોને કેમ તૈયાર કરવા, એ માબાપની સમજ શક્તિથી બહારની વાત થઈ ગઈ છે, એટલે કહેવાતા નિષ્ણાતોની સલાહ અનુસાર બાળકોને ઉછેરવામાં આવે છે. આજના યુવાન માબાપને પોતાને પણ ગળાકાપ હરિફાઈનો સામનો કરવો પડે છે એટલે બાળકો માટે સમય ફાળવી શક્તા નથી. સમય એવો આવી રહ્યો છે, કે યુવક યુવતી બાળક વગરની જીંદગી વધારે પસંદ કરે છે.
    ગયેલો સમય કદી પાછો આવતો નથી, એટલે પાછા બાળક બનીયે તો આજના બાળકો જેવા જ બનવું પડે, એના કરતાં છીયે એ જ ઠીક છે.

    Like

  3. Now a days World is became small,knowledge,tecnologies,talent etc are increased & are increasing year by year than your Bachapan days,so todays kids have to be fast in learning all new things than your happy childhood days.At that times your parents were not worried about your future because there was work(job)waiting for you even if you pass only school exams,todays parents are worried for their children’s future because they know that after getting very higher education if their child is without any special talent then he/she is total loser.Todays days are the fittest will survive days so whatever todays parents are doing is accurate.If you want to give same childhood days of olden days you have to bring same economy today.My yours & hopefully everybodys forefathers were more happy than us because they didn’t have to go to school,if you wish to bring that days in your childhood than you might not be educated to write this blogs.
    So todays child has to bear the labour to be fittest.Parent also wish that their child shall enjoy his/her childhood days but there is no way,if there is pl,suggest it in your new blog.

    Like

    1. ભાઈશ્રી પ્રવીણ
      આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે. આપની કંઈક ગેરસમજ છે અથવા માહિતીનો અભાવ. અમારા સમયમાં પણ જોબ તૈયાર નહિ હતી. જોબ મેળવવા ખાસ્સો સમય રાહ જોવી પડતી અને તો પણ મનમાની જોબ નહિ મળતી.સ્પર્ધાનો સમય દરેક યુગમાં હોય જ અને આજે પણ જો અખબારો વાંચતા હો તો થોડા સમય પહેલાં જ સરકારે પ્રસિધ્ધ કરેલા આંકડા પ્રમાણે દસ લાખ ડીગ્રી ધારી જોબ માટે વાર્ષિક ધોરણે બજારમાં આવે છે તેની સામે માત્ર એક લાખ ડીગ્રી ધારકોને જોબ મળી શકે છે. આ ડીગ્રી ધારકોમાં તમામ ફેકલ્ટીનો સમાવેશ થાય છે. આથી બાળકની ક્ષમતા અને તેની પસંદ પ્રમાણે અભ્યાસ કરાવવામાં આવે તો બાળક વધારે ઉત્સાહ અને લગાવથી અભ્યાસ કરી આગળ આવી શકવાની શક્યતા મારા મતે વધારે ગણાય. કોઈ પણ ફેકલ્ટી પસંદ કરવામાં બાળકની ટેલન્ટને જ પ્રાધાન્ય મળવું જોઈએ નહિ કે મા-બાપની ઈચ્છાઓનું દબાણ. શૈક્ષણિક વર્ષ દરમિયાન તો બાળક તનતોડ મહેનત કરતું જ રહે છે તેને વેકેશન પણ માણવાનું નહિ ? આ મારા મતે અમાનુષી અત્યાચાર જ ગણાય. માત્ર ડીગ્રી મેળવ્યે સંસારમાં સફળ થવાય તે માનવા મારું મન ના પાડે છે. બાળક ઉપર બળજબરી કરનારા મા-બાપોને ભવિષ્યમાં આકરી કિમત ચૂકાવવી પડશે તેવી મને દહેશત મેં આ લેખમાં દર્શાવી જ છે. બાળક સમજણું થાય-કમાતું થાય-સ્વતંત્ર રીતે રહેતું થાય-મા-બાપ વૃધ્ધ થાય બાળક ઉપર આધારિત બને ત્યારે આ જ બાળક પોતાના છીનવાઈ ગયેલા બાળપણના દિવસો યાદ કરી મા-બાપને વૃધ્ધાશ્રમમાં છોડી આવે તો મને નવાઈ નહિ લાગે ! ખેર ! આમ તો આ ચર્ચા અંતહીન છે મેં તો મારો મત અને ભય દર્શાવ્યા છે. બાકી નિર્ણય તો મા-બાપ અને બાળકોએ કરવાનો રહે છે. આભાર ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  4. ‘ईश्वर है?’- हमें ज्ञात नहीं।
    ‘आत्मा है?’- हमें ज्ञात नहीं।
    ‘मृत्यु के बाद जीवन है?’- हमें ज्ञात नहीं।
    ‘जीवन में कोई अर्थ है?’- हमें ज्ञात नहीं।
    ‘हमें ज्ञात नहीं’ यह आज का पूरा जीवन-दर्शन है। इन तीनों शब्दों में हमारा पूरा ज्ञान समा जाता है। ‘पर’ के संबंध में, पदार्थ के संबंध में जानने की हमारी दौड़ का अंत नहीं है। पर ‘स्व’ के, चैतन्य के संबंध में हम प्रतिदिन अंधेरे में डूबते जाते हैं।
    बाहर प्रकाश मालूम होता है, भीतर घुप्प अंधेरा है। परिधि पर ज्ञान है, केंद्र पर अज्ञान है।
    और आश्चर्य यह है कि केंद्र को प्रकाशित करने का प्रयास भी नहीं करना है। वहां आंख भर पहुंच जाये और सब प्रकाशित हो जाता है।
    ‘पर’ आंख न हो, तो वह ‘स्व’ पर खुल जाती है।
    बाहर उसे आधार न हो, तो वह स्व पर आधार खोज लेती है।
    स्वाधार चैतन्य ही समाधि है।
    समाधि सत्य का द्वार है। उसमें यह नहीं कि सब प्रश्नों के उत्तर मिल जाते हैं, वरन् सब प्रश्न गिर जाते हैं। प्रश्नों का गिर जाना ही असली उत्तर है। जहां प्रश्न नहीं और केवल चैतन्य है- शुद्ध चैतन्य है, वही उत्तर है, वही ज्ञान है।
    इस ज्ञान को पाये बिना जीवन निरर्थक है।

    Like

  5. So nice article Adalaja Sahebshri.

    Every animal has its ability in one or other, the cat type animals (Tiger, Cheeta, etc..) has able to do shikar with speed, and “chalaki” with sharp teeth and neils, others have their own. Nature mother puts some skills to each one to survive in the world. But the human has the brain.

    One is to develop the brain to survive in the savage (Ghatki) world. In case of the town , all educated people are working class people (job) and has no other way of earning , thinks that their child will only survive if they got the good education and does not gets the ill habits (like drugs etcc. ) . Further playing with the society’s child, does not give the parent a confidence that their child is safe with all kind. Where in village, pole and “mosal” , where ever the child , he/she is safe, that every category of people will take care even one jumps in the river / well , though he do not know how to swim.

    Just send the child outside for play will not possible considering the physical safety and without futuristic safe environment guarantee.

    Respected Shri Adalajaji, it happens that every times I express my differed opinions. please bear with me for such differences. Hope you do not mind for such differed opinion.
    regards and thanks.
    r r makwana.

    Like

    1. ભાઈશ્રી રાજકુમાર
      સૌ પ્રથમ આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે તથા એક વાતની સ્પષ્ટતા મારા વિચારોથી વિપરીત વિચારો ધરાવનાર માટે મને કોઈ પૂર્વગ્રહ કે કડવાશ ક્યારે ય હોતી નથી.હું તો આવકારું છું અને જો આપે મારાં બ્લોગના મોટાભાગના લેખો અને તે ઉપર પ્રતિભાવો વાંચયા હશે તો જણાશે કે કોઈક અપવાદ સિવાય એક પણ પ્રતિભાવ હું ડીલીટ કરતો નથી પછી ભલે તે મારાંથી વિપરીત મત/વિચારો ધરાવનાર હોય ! બીજી વાત મારા ધારવા પ્રમાણે આપ જ્યારે બાળક હશો ત્યારે આપના મા-બાપે આપને બહાર મિત્રો સાથે રમવા જવા/પીકનીકમાં જવા વગેરેમાં ક્યારે ય રોકયા નહિ હોય. આપ આજે જે કાંઈ છો તેમા આપને આપના ઉછેરમાં કોઈ ખામી લાગી છે ખરી ? આપના મા-બાપે તેમની ઈચ્છાઓ આપના ઉપર લાદવા ક્યારે ય બળજબરી કરી ફરજ પાડેલી ? જ્યારે આજે જે બાળક ઉપર મારી દ્રષ્ટિએ થઈ રહેલો અત્યાચાર બાળક વયમાં નાનું અને મા-બાપ ઉપર સંપૂર્ણ આધારિત હોય મૂંગે મોઢે સહન કરી લે છે ઉંમર લાયક અને સ્વતંત્રરીતે વિચારતું અને કમાતું થતા જ ધીમે ધીમે મા-બાપથી અલગ થવા લાગે છે. અન્ય રીતે પણ હાલના સામાજિક માળખામાં પતિ-પત્નિ બંને જોબ કરતા હોય ત્યારે જે બાળક આયા અથવા નોકર સાથે રહી કે માત્ર ટીવી અને વિડિયો ગેમ્સના આધાર સાથે મોટું થાય તો તે જે બાળક મા-બાપ અને દદા-દાદીની લાગણી સભર હુંફ સાથે મોટું થાય તેના વર્તન અને સંસ્કારમાં પેલા બાળક કરતાં હાથી-ઘોડા જેટલો તફાવત માલૂમ પડશે ! અલબત્ત હું જાણું છું કે આ વિષય જબર જસ્ત ડીબેટને પાત્ર છે તેમ છતાં મારા મતે મને જે ભય સ્થાન જણાયા તે અત્રે પ્રસ્તુત કર્યા છે હું પૂરેપૂરી રીતે સભાન છું કે દરેકને મારાં વિચારો સ્વીકાર્ય ના પણ બને તેમ છતાં લાલબત્તી ધરવા મારો નમ્ર પ્રયાસ છે. ખેર ! આવજો ! ફરી ફરી મુલાકાત લેતા રહી આપના કિમતી પ્રતિભાવો જણાવી પ્રોત્સાહિત કરતા રહેશો. મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  6. શ્રી અડાલજાસાહેબ,
    મને મારું બાળપણ પરત મળે તો ? પ્રશ્ર્ન સારો છે….પણ આજના માનવીની ડોટો,આશા અને અભિલાશાઓના અનુભવો ઉપરથી થોડા પ્રશ્ર્નો ફક્ત બાળપણ જ નહી પણ માનવીનો જન્મ પણ અભિશાપ લાગે છે.

    પ્રફુલ ઠાર

    Like

    1. ભાઈશ્રી પ્રફુલ્લ
      આપની મુલાકાત અને પ્રતિભાવ માટે આભાર ! આપના પ્રતિભાવમાં આપનું આ શબ્દો “માનવીનો જન્મ પણ અભિશાપ લાગે છે.” દ્વારા આપને જીવનમાં કોઈ હતાશા સતાવી રહી હોય તેવો સંદેહ થાય છે. આમ કેમ ? કોઈ પ્રકારની હતાશા કે નિરાશા વ્યક્તિ ઉપર હાવી થાય તો જ મનુષ્ય જન્મ અભિશાપ લાગે ! ખરે ખર કોઈ હતાશા પીડી રહી હોય તો ખંખેરી ખુમારીથી ફરી મજબુત બની બહાર આવી પડકારો જીલવા આત્મબળ/આત્મવિશ્વાસ કેળવવો જ રહ્યો ! હું તો વારંવાર કહેતો રહું છું કે મને તો આ ધરતીનો એવો તો લગાવ છે કે જો પુનર્જન્મ થતા જ હોય તો મારે મોક્ષ નથી જોઈતો આ ધરતી ઉપર ફરી ફરી ઈશ્વરને ઠીક પડે તે યોનિમાં મને જન્મ આપે જે મને મંજુર છે. ખેર ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  7. ્ખરેખર તો બાળપણ મળે એવું તો ઘણી વાર વિચાર્યું છે અને આજની સ્થિતિનો પણ વિચાર કર્યો છે. પરંતુ બન્નેને જોડીને કદી જોયાં નહોતાં હવે કહીશ કે બાળપણ પાછું મળે તો સાથે ટૈમ મશીન પણ મલવું જોઇએ જેથી ભૂતકાળમાં જઈ શકાય.

    Like

  8. Dear Arvindbhai,

    I am impressed by your literacy.I thank you for your various emails.your writtings about politics and religion on your blog are beyond my understanding and I generally skip them but this time your article on childhood arose my interest and I read it and enjoyed your skill of expressing childhood very lucidly.

    I totally agree with whatever you have written.In the olden times like ours, the parents(at least my father and mother) were not selfish, in the sense that they did not expect any financial return from their children, they only wanted us to be self relient.My parent and the parents of most of my friends, never advised us to be doctor ,engineer or CA etc., they used to give us free hand in choosing our studies and games and only supported remotely.Now-a-days childeren are just like some electonic gedgets whose remote control is in the hands of their elders.

    Nevertheless, the children of the current generation enjoy and suffer their childhood with whatever they are catered by the modern society.Khakhara ni khiskoli bhakhari no swaad shu jaane?

    Like you I also thank God that I was born 66 years ago.

    Like

    1. પ્રિય અનીલભાઈ
      આપે બ્લોગની મુલાકાત લઈ પ્રતિભાવ જણાવ્યો મને ખૂબ જ ગમ્યું આનંદ થયો. હમણાં હું વડોદરા હોઈ ઓન લાઈન મળી શકાતું નથી. ફરી પણ અનુકૂળતાએ મુલાકાત લેતા રહી આ રીતે પ્રતિભાવ જણાવશો તો ખૂબ જ ગમશે તથા આનંદ પણ થશે. કુશળ હશો-છું.આભાર, આવજો !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  9. Just yesterday I come to know that the prize of new ps3 (Play Station) is Rs.22000……., & I shock. That parents are buying that for their child without any hesitation.
    Some games like kho-kho, langdi, etc. gives physical exercises but now a days parents not allowed to play such games & advise them to go for dance classes, & etc…..its should be a part of life but not to pressurize child to do this & this. Now a days parents expectation increased day by day for their child whether its education or other activity.

    Our one relative son get 97% in 6 std., but his mother said got only 97%, I can’t understand where he loose his other 3%. He know everything even loss 3%. but his mother don’t remember that how much she was able to get when she was in 6 std. Always expect more & more & in this way they loose their child childhood.

    Like

    1. દર્શનાજી
      આભાર બ્લોગની મુલાકાત અને પ્રતિભાવ માટે ! આપને મારી વાત સ્પર્શી તે જાણી આનંદ ! મા-બાપ બાળકોને સાધન સમજે છે તેવું મને ઘણી વાર લાગ્યા કરે છે. જાણ એ કોઈ ચાવી દેશેલૂ કે બેટરી ઓપરેટેડ રમકડું હોય તેમ તેનાથી ખેલવાડ કરતા રહે છે. ઉપરાંત માત્ર અને માત્ર પોતાનો મોભો સમાજમાં ઉચ્ચ દેખાડવા બાળકનું બાળપણ છીનવી લે છે. જો સંયુકત પરિવારમાં આવા બાળકો ઉછરતા હોય ત્યારે બાળકને કારણે જ મોટે ભાગે મા-બાપોને તેમના મા-બાપ સાથે ચણ ભણ થઈ જતી હોય છે કારણ દાદા-દાદી હંમેશા બાળકને પક્ષે રહેતા હોય છે અને મોટે ભાગે બાળકના લાડ કોડ પણ સમજી પૂરા કરતા રહે છે.જ્યાં માત્ર મા-બાપને પનારે બાળક ઉછરતું હોય અને મોટાભાગનો સમય આયા સાથે પસાર કરતું હોય ત્યાં બાળકનો લાગણીનો તંતુ મા-બાપને બદલે આયા સાથે જાણ્યે-અજાણ્ય બંધાઈ જતો રહે છે. બાળક મા-બાપનો પ્રેમ અને લાગણી ઝંખતો હોય તે સમજવાને બદલે મા-બાપ તેની પાસેથી તર-તોફાન ના અક્રે માટે શાંતિ ખરીદવા અનેક પ્રલોભનો જેવા આપે કહ્યા તેવા મોંઘાડાટ રમકડાં લાવી આપે છે. આ નકકર વાસ્તવિકતા છે ! ચાલો આવજો ! મળતા રહીશું !

      Like

  10. તમે લખાણ એટલું સુંદર રીતે રજુ કરો છો કે વારેવારે વાંચવાનું મન થાય. વાંચ્યા પછી પણ સતત મનમાં એનું ચિંતન થતું જ રહે.

    Like

  11. અરવિંદભાઈ,

    તમારા લખેલા લેખના અંતિમ બે ફકરા સાથે હું સંપૂર્ણપણે સહમત છું.
    અત્યારે ખરેખર માતા-પિતા પોતાની સંપૂર્ણ ઈચ્છાઓ બાળકમાં ઠોકી બેસાડતા હોય છે. તેઓ એ જાણવાની તસ્દી પણ નથી લેતા કે એમના બાળકને શું જોઈએ છે.

    Like

Leave a comment