*** સાળંગપુરના કષ્ટભંજન દેવને 10 કરોડનું સુવર્ણ સિંહાસન અર્પણ !!! મંદિરોની સમૃધ્ધિ- 5 !!! ***

*** સાળંગપુરના કષ્ટભંજન દેવને 10 કરોડનું સુવર્ણ સિંહાસન અર્પણ !!! મંદિરોની સમૃધ્ધિ- 5 !!! ***

તીર્થભૂમિ તરીકે ઓળખાતું સાળંગપુરમાં કષ્ટ્ભંજન દેવ અર્થાત હનુમાનજીનો મહોત્સવ ધામધુમથી ઉજવાયો ! ભક્તોની ભારે ભીડ વચ્ચે પ.પૂ.૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના સાંનિધ્યમાં આ મહોત્સવની ઉજવણી થઈ જેમાં વિદેશી ભક્તો પણ જોડાયા. આ પ્રસંગે નીકળેલ શોભાયાત્રામાં સંતો-મહંતો અને ભક્તો મનભરીને નાચ્યા. કષ્ટભંજન હનુમાનજી ૧૦ કરોડના સિંહાસન પર બિરાજમાન થશે ! આ મહોત્સવ ૪ દિવસ ચાલ્યો અને જેમાં અંદાજે ૨૫૦૦૦૦/- અઢી લાખથી વધુ ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો તેમ જાણવા મળે છે.

આ સાથે એક બીજા સમાચાર પણ વાંચવા મળ્યા કે ટંકારા નજીક આણંદપરમાં માતાજીના મંદિરમાંથી રૂપિયા ૨.૧૫/- બે લાખ પંદર હજારની કિંમતના આભૂષણો ચોરાયા ! પોલીસના જણાવ્યા પ્રમાણે આ કોઈ જણ ભેદુ વ્યક્તિએ કરેલું કૃત્ય હોઈ શકે છે.

આજ અખબારના બીજા પાના ઉપર મંદિરોમાંથી ચોરી કરતી તસ્કરોની ટૂકડીને પોલિસે પકડી પાડી. અમરેલી જીલ્લાના-ખાંભા, સાવરકુંડલા, લીલીયા, દામનગર, ગારીયાધર, પાલીતાણા, ગઢડા, બોટાદ, તળાજા પંથકમાં છેલ્લા ૧૫ માસ થયા ૧૫ મંદિરોના તાળાં તોડી ભગવાનના આભૂષણો ચોરાયા હતા. જે ચોરનાર તસ્કર ત્રિપૂટીને પોલિસે પકડી પાડી ભેદ ખોલ્યો છે. અને તસ્કરોએ અલગ અલગ મંદિરોમાંથી આભૂષણો ચોર્યાની કબુલાત પણ કરી છે તેમ જાણવા મળે છે.

17. એપ્રિલ. 2011ને રવિવારના “દિવ્ય-ભાસ્કર”માં મંદિરમાં થતી ચોરી વિષે એક વધારે સમાચાર વાંચવા મળ્યા. દેશના સુપ્રસિધ્ધ વૈશ્નોદેવીના ચરણોમાં ભાવિકો દર વર્ષે લાખો રૂપિયાની ભેટ ધરતા હોય છે. જેમાં સોનાના આભુષણોની ભેટ પણ હોય છે જેમાંની સોનાની ભેટો મંદિરમાં જમા કરવાને બદલે મંદિરના મહંત ચોરીને પોતાના અંગત ઉપયોગ માટે રાખી લેતા જે બહાર આવતા તેમની સામે કેસ દાખલ કરવામાં આવેલ છે.
આ તમામ સમાચારો વચ્ચે શું સામ્યતા રહેલી છે ? બે લીટી વચ્ચે અર્થાત બીટવીન ધી લાઈન્સ શાનો સંકેત કે સંદેશ આપે છે ?

આ પહેલાં ૨૦૦૮ થી ૨૦૧૧ સુધીમાં મારાં બ્લોગ ઉપર વધતી જતી મંદિરોની સમૃધ્ધિ અંગે મેં વારંવાર લખ્યું છે રસ ધરાવનાર વાચકો માટે નીચે લીંક આપી છે.

મંદિરોની-સમૃધ્ધિ – 1
મંદિરોની-સમૃધ્ધિ-2
મંદિરોની-સમૃધ્ધિ-3
મંદિરોની-સમૃધ્ધિ-4

આ ઉપરાંત એક લેખ “ઈતિહાસનું પુનરાવર્તન મહમદ ગઝની આપણાં દેશમાં જ પેદા કરવા જઈ રહ્યા નથી ને ?” તેવા મથાળા હેઠ્ળ લખેલ લેખમાં આવનારા દિવસોમાં મંદિરોમાં-મંદિરોમાં વધતી જતી સમૃધ્ધિ અને સંપત્તિ લૂંટવાની લાલચ રોકી શકાશે નહિ તેવો ભય પણ વ્યકત કર્યો છે. આ લેખની લીંક પણ નીચે આપી છે.

https://arvindadalja.wordpress.com/2009/07/13/314/

એક તરફ મોંઘવારી રોકેટ ગતિએ વધી રહી છે. આમ આદમીની આવક અને તેની ખરી ખરીદ શક્તિ દિન-પ્રતિ-દિન ઘટતી જાય છે અને જેના ઉપર સત્તાધીશોનો કોઈ અંકુશ નથી. બીજી તરફ રાજકારણીઓ-સત્તાધીશો-અધિકારીઓ-ઉધ્યોગપતિઓ અને મોટાં વ્યાપારીઓ વગેરે સંપત્તિનું બિભત્સ પ્રદર્શન કરી રહ્યા છે અને બદનસીબે આવી સંપત્તિ કે સમૃધ્ધિનું પ્રદર્શન કરવામાંથી કહેવાતા ગૂરુઓ-સંતો-સ્વામીઓ-મહંતો પણ બાકાત નથી. આથી આ અસંતોષની આગ વધુ અને વધુ પ્રજવલિત થતી રહે છે.

આપણે એક વાત સગવડભરી રીતે ભૂલી જઈએ છીએ કે સમાજના નીચલા સ્તર અર્થાત ગરીબ લોકો પણ અપેક્ષા/આકાંક્ષાઓ( ASPIRATIONS ) ધરાવતા હોય છે. આધુનિક જીવન શૈલી ભૌતિક સુખ સાધનો વસાવવા, બાળકોને સારું શિક્ષણ અને શકય હોય તો અંગ્રેજી માધ્યમ સાથેનું શિક્ષણ અપાવવું, એકાદ નાનું એવું વાહન, પોતાનું મકાન હોવું, પ્રસંગોપાત પાર્ટી ગોઠવવી, ક્યારે ક સપરિવાર હોટેલમાં પીઝા કે બર્ગર અને આઈસક્રીમ ખાવો ! તહેવારોની ઉજવણી કરવી, સારા વસ્ત્રો ક્યારે ક ધારણ કરવા ઈત્યાદિ !

એક તરફ હાલની વધતી જતી મોંઘવારી અને ઘસાતું જતું રૂપિયાનું મૂલ્ય સામે મર્યાદિત આવકને કારણે પોતાની આકાંક્ષાઓ પૂરી કરવાની અસમર્થતા/મજબુરી તો બીજી તરફ ચો તરફ વ્યાપેલો ભ્રષ્ટાચાર ! અરે ! આવા લોકોને ગરીબી રેખા હેઠ્ળ આવતા બીપીએલ કાર્ડ કઢાવવા માટે પણ અધિકારીઓને આપવી પડતી લાંચ વગેરે તેમને ચોરી ચપાટી કરવા ઉશ્કેરાટ આવે તો તેમનૉ દોષ કેટલો ? અરે ! આપણી સૌની સામે રાજા, કલમાડી, પવાર, અશોક ચવાણ, કરૂણાનીધી અને બીજા અનેક કરોડોનો ભ્રષ્ટચાર કરે અને વડાપ્રધાન પોતાનુ અજ્ઞાન જાહેર કરે તો આવી ભંગાર સમાજ વ્યવસ્થા ઉભી કરવા માટે કોણ જવાબદાર ?

આ કહેવાતા દાનેશ્વરીઓ અનેક પ્રકારની અપ્રમાણીકતા- અનીતિ- અનૈતિક –ગેરરીતિઓ દ્વારા કમાયેલી સંપત્તિનું મંદિરોમાં/આશ્રમોમાં કે કથાઓ પ્રયોજવામાં કીર્તિ દાન કરી પૂણ્ય કમાવાની ચેષ્ટા કરી રહ્યા જણાય છે ત્યારે ભૂખ્યા જનનો અગ્નિ જાગતા તે વિવેક શૂન્ય બની ભૂખ સંતોષવા ગમે તે માર્ગ ગહણ કરે તો ઈશ્વર પણ આવા મજબુર જનોને ક્ષમ્ય ગણે !

આ પહેલાં મને યાદ છે કે થોડા સમય પહેલાં જ એક સમાચાર વાંચેલા કે આંન્ધ્રમાં આવેલા વિશ્વ પ્રસિધ્ધ વૈંક્ટેશ્વર-બાલાજી મંદિરના મુખ્ય પૂજારીએ પોતાની દીકરીના લગ્ન ખર્ચ માટે મંદિરમાંથી ૧૦ લાખ રૂપિયાના આભૂષણોની ચોરી કરવાની ફરજ પડેલી. અર્થાત મંદિરના ટ્ર્સ્ટીઓ સંભવ છે કે, આ પૂજારીને તેના કાર્યના પ્રમાણમાં પગાર વગેરે પૂરતો ના આપતા હોય અને તેથી તે કોઈ બચત કરી ના શક્યો હોય ! ભૂખ્યા જનનો અગ્નિ જાગે ત્યારે પાપ-પૂણ્યનો વિચાર કરવા ના રહે જે સહેલાઈ અને સરળતાથી ઉપલબ્ધ હોય તે હાથ વગું કરી ભૂખ સંતોષી લે !

જે રીતે દેશભરમાં ભ્રષ્ટાચાર- અનીતિ-અનૈતિક અને ગેરરીતો દ્વારા મેળવાયેલ ધનની બોલબાલા ચાલી રહી છે તે, ભલભલા પ્રામાણિક-નીતિ અને નિષ્ઠાવાન લોકોને પણ ચળાવી યેન કેન પ્રકારેણ ધનિક થવા, લલચાવે તેવું છે અને તે માટે સહેલો અને સરળ માર્ગ મંદિરોના આભૂષણોની ચોરી ! આ મંદિરોમાં ચોરી કરનાર ચોરને ભગવાન પણ તેની મજબુરી સમજી આંધળો-લૂલો કે લંગડો કરી મૂકવાની કોઈ સજા કરતા નથી પણ ક્ષમા કરે છે.

આવા મોટી રકમના દાન આપનારા આવે ત્યારે વૈભવશાળી આશ્રમોમાં જીવન બસર કરતા કહેવાતા સાધુ-સંતો-સ્વામીઓ-મહંતો-ગુરૂઓ ઉપરાંત ટ્રસ્ટીઓ હરખ ઘેલા થઈ વધુ અને વધુ પ્રસિધ્ધિ મેળવવા દોટ મૂકતા જોવા મળે છે આવું જ ચિત્ર અત્યંત ખર્ચાળ સ્વરૂપે યોજાતી ભાગવત-રામાયણ અને ગીતાની કથાઓ/પ્રવચનો કરતા કથાકારો પણ ફુલ્યા સમાતા નથી. ઉપરોક્ત પ્રકારના એક ને એક વિષયની કથાઓ સાંભળી શ્રોતાઓ થાક્યા/કંટાળ્યા હોઈ નવા વિષયો જેવા કે શીવ કથા-હનુમાન કથા અને ગાયોની કથા વગેરેનું અવતરણ થઈ ચૂક્યું છે.

આવા દાન મેળવનાર મંદિર-આશ્રમના સંચાલકોએ આજ સુધીમાં ક્યારે ય દાન આપનારને દાન માટેની રકમ ક્યાંથી અને કઈ અને કેવી પ્રવૃતિમાંથી પ્રાપ્ત કરી તેની જાણકારી મેળવવાની દરકાર/પૂછ પરછ કરી હોય તેવું જાણ્યું નથી.
એક વાત યાદ રાખવી ઘટે કે મોટી રકમના દાન કરનારાનો અંતરાત્મા જાણતો જ હોય છે કે આ ધન કેવી-કઈ અને કેટલી અપ્રમાણીકતા-અનીતિ-અનૈતિક અને ગેરરીતિ ભરી પ્રવૃતિમાંથી મેળવેલ છે.પરિણામ સ્વરૂપે દાનીનો અંતરાત્મા સતત ડંખ્યા કરતો હોઈ-અપરાધભાવથી પિડાતી વ્યક્તિ માહ્યલાના આ પીડાદાયી ઘુંટનમાંથી છૂટકારો મેળવવા થોડી રકમનું દાન, ધર્મ, મંદિરોમાં આશ્રમોમાં કે કથા વાર્તાઓ યોજી હળવાશ અનુભવવા સ્વને છેતરતો રહે છે.અને આ રીતે સહેલાઈ અને સરળતાથી મળતી રકમો કહેવાતા સાધુ-સંતો-સ્વામીઓ-મહંતો-ગુરૂઓ આ રકમ ક્યાંથી કેવી રીતે અને કઈ પ્રવૃતિ દ્વારા પ્રાપ્ત કરી તે જાણવાની પિષ્ટ પિંજણ કર્યા સિવાય સ્વીકારી લેતા રહે છે અને આમ એક નકલી અને દંભી ધાર્મિક્તાને પોષણ મળતા તેવો જ દંભી સમાજ પેદા થતો રહે છે.

આ તબક્કે મારું એક નમ્ર સુચન છે કે કોઈપણ વ્યક્તિ દાન દેવા કોઈપણ દેવસ્થાન/મંદિર/આશ્રમ સમક્ષ ઈચ્છા પ્રદર્શિત કરે અથવા મોટાપાયે કથા/વ્યાખ્યાન/પ્રવચનો ગોઠવવા ઈચ્છા વ્યકત કરે ત્યારે તેની પાસેથી એક પ્રતિજ્ઞાપત્ર/કબુલાત/સોગંદ નામું મેળવવાની પ્રથા શરૂ કરવી જોઈએ. આ પ્રતિજ્ઞાપત્રમાં દાન કરનારે ઈશ્વરેને માથે રાખી જાહેર કરવાનું રહે કે દાનમાં આપવામાં આવતી તમામ રકમ પૂરેપૂરી પ્રમાણિકતાથી પ્રાપ્ત કરવામાં આવી છે, ઉપરાંત કોઈ પ્રકારની અનીતિ-અનૈતિક કે ગેરરીતિ ધંધા/વેપાર/ઉધ્યોગમાં આચરી કે લાંચ રૂશ્વત જેવી પ્રવૃતિ દ્વારા મેળવેલ નથી કારણ મોટાભાગના આ દાનવીરો એરણની ચોરી અને સોયનું દાન કરનારા હોય છે જે સર્વ વિદિત વાત છે.

આ તબક્કે એક વાત યાદ આવે છે અગાઉ કાઠિયાવાડ તરીકે અને હાલ સૌરાષ્ટ્ર તરીકે ઓળખાતા આ પ્રદેશમાં રજવાડાઓના સમયમાં રજવાડા તરફથી થતા અન્યાયથી દુભાયેલા કેટલાક લોકો રજવાડા સામે બહારવટે ચડતા અને બહારવટિયા તરીકે ઓળખાતા. તે જયારે ગામ ભાંગવા નિકળતા ત્યારે પોતાના ઈષ્ટ દેવ કે માતાજીનું પૂજન-અર્ચન કરી આશીર્વાદ મેળવી નિકળતા તેવી એક માન્યતા છે અને પરત આવી ને પણ પહેલું કામ ઈષ્ટ્દેવ-માતાજી તરફનું ઋણ અદા કરતા ! કોઈ ઈશ્વર કે માતાજી આવા કૃત્ય કરવા માટે આશીર્વાદ આપે ખરા ? નહિ જ ! તો આ બહારવટિયા આશીર્વાદ માટે પ્રાર્થના કેમ કરતા ? જવાબ બહુ જ સ્પષ્ટ છે કે તેઓનો માહ્યલો સભાન હોઈ જાણતા કે જે કાર્ય કરવા તેઓ જઈ રહ્યા છે તે અમાનુષી અને અમાનવીય હોઈ ઘોર અપરાધ કરવા જવાનો અપરાધભાવ ડંખતો રહેતો અને તેથી આશીર્વાદ નહિ પણ ઈષ્ટ્દેવ/માતાજીની ક્ષમા યાચના કરતા હતા.

આજના આ આધુનિક સફેદ બહારવટિયાનો માહ્લલો પણ ડંખતો જ રહેતો હોય છે અને તેથી જ અપ્રમાણીક્તા દ્વારા કે અનીતિ કે અનૈતિક કે ગેરરીતિ દ્વારા પ્રાપ્ત કરેલ રકમમાંથી 5-10 % દાન ધર્મ કરી દંભી પ્રવૃતિ કરતા રહે છે અને સમાજ પણ આ લોકોની આવી સમાજ વિરૂધ્ધ પ્રવૃતિથી જાણતો હોય છે અને તેથી પોતાની ધાર્મિક તરીકે ઓળખ ( RECOGNITION ) ઉપસાવવા દાન ધર્માદાના તરકટ કરી પોતાના સ્વ સાથે સમાજને પણ છેતરતા રહે છે.

એ વાત પણ કોઈથી છાની નથી કે આવા અમાપ સંપત્તિ કે સમૃધ્ધિ ધરાવતા મંદિરો કે આશ્રમોમાં જ્યારે મુખ્ય વડા મૃત્યુ પામે કે મરણ પથારીએ પડે ત્યારે વંશ-વારસો/અનુયાયીઓ વચ્ચે આ સંપત્તિનો કબજો મેળવવા જે વિખવાદ ઉભો થાય છે તે ક્યારેક કોર્ટ-કચેરીમાં દોરી જાય છે તો ક્યારે ક અંદરો અંદર મારામારી કે જે ખૂન કરવા સુધી પહોંચી જતી જોવા મળે છે. તાજેતરમાં જ સત્યસાંઈ બાબાની ગંભીર માંદગી વિષે ના સમાચારે ભક્તોને હાઈ કોર્ટ્માં માનવ અધિકાર નીચે તબિયત જોવા દેવા માટે અરજી કરવામાં આવી છે તેના કારણમાં સત્ય સાંઈબાબાનું અપહરણ કરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તબિયત અતિ ગંભીર હોઈ કોઈને પણ મળવાની પરવાનગી આપવામાં આવતી ના હોય તેમના આશ્રમનો/સંપત્તિનો કબજો મેળવવા આવો કારસો રચવામાં આવ્યો છે તેવા આક્ષેપો અનુયાયીઓના એક જૂથ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ શું સુચવે છે ?

દ્વારકામાં ધજાજીને નામે ગુગળી બ્રાહ્રામણો નિયમ વિરૂધ્ધ ધજાજી ચડાવી ભાવિકો/.શ્રધ્ધાળુઓને રીતસર લૂંટી રહ્યા છે. આવું જ અન્ય જાત્રાના સ્થળોમાં ભાવિકો/શ્રધ્ધળુઓ પાસેથી પૈસા પડાવી ગર્ભદ્વારમાં મૂર્તિના દર્શન/ચરણ સ્પર્શ કરાવવાની પૈસા લઈ પ્રવૃતિ છડેચોક ચાલી રહી છે.

સંપત્તિ કે સમૃધ્ધિ જ માત્ર અને માત્ર મુખ્ય છે નહિ કે ઈશ્વર ! આ રીતે ઈશ્વરને નામે વ્યાપાર થતો રહે છે અને આ દેશના ભોળા/અંધશ્રધ્ધાળૂ ભક્તો/ભાવિકો છેતરાતા રહે છે.

આ લખતી વેળાએ વિરપુર-જલારામ-મંદિરનો ઉલ્લેખ કરવા મન લલચાય છે અને જો ના કરું તો કદાચ મોટી ભૂલ કરી રહ્યો હોઉં તેમ મારો અંતરાત્મા ડંખશે તેવો ડર લાગે છે. આ જલારામ મંદિરના ટ્ર્સ્ટિઓએ છેલ્લા 10 વર્ષ્ થયા મંદિરમાં ધરાતી કોઈ પણ પ્રકારની ભેટ કે દાન સ્વીકારવાનું બંધ કર્યું છે અને તેમ છતાં અન્નક્ષેત્રમાં સૌને કોઈ પણ ભેદભાવ વગર જમાડ્વામાં આવી રહ્યા છે. દુનિયાભરમાં કદાચ આવું મંદિર અસ્તિતવમાં નથી. આપણા દેશના અબજોપતિ મંદિરો હોવા છતાં કોઈ મંદિરમાં આવો નિર્ણય લેવાયો હોવાનું જાણ્યું નથી. ઉલ્ટાનું જો કતાર ચાતરી ને પ્રાથમિક્તા મેળવી વેલા દર્શન કરવા હોય તો અમુક રકમ ભેટ ને નામે ધરવામાં આવે તો રેલ્વેમાં જેમ તત્કાલ ટિકિટ મેળવી શકાય છે તેવી જ સગવડ અહિ પણ ઈશ્વરના દર્શન માટે ઉપલબ્ધ કરવામાં આવેલ છે. આવા મંદિરો પાસે અબજોના હિસાબે ફંડ હોવા છતાં કોઈ મંદિરમાં પ્રસાદ પણ વિના ભેટ ધર્યા સિવાય પ્રાપ્ત થઈ શક્તો નથી. અર્થાત પ્રસાદનો પણ વેપાર થઈ રહેલો જણાય છે. ટુંકમાં આવા તમામ મંદિરો ઈશ્વરને નામે હાટ્ડી બની ચૂક્યા હોવાનું માનવા કારણ રહે છે.

અંતમા આપણાં સાધુ-સંતો-સ્વામીઓ-મહંતો-ગુરૂઓએ ઈશ્વરને કેદ કરી મૂકયો છે. ખરેખર તો તેઓને ચિંતા ઈશ્વરની નથી હોતી પરંતુ ઈશ્વરને નામે યેન કેન પ્રકારેણ એક્ઠી થયેલી/કરેલી/મેળવેલી સંપત્તિ કોઈ લૂંટી ના જાય તેની વ્યાધી સતત રહેતી હોય છે મંદિરોમાં ઈશ્વર હોય છે કે નહિ તે વાત બાજુ પર મૂકી દઈએ તો પણ- મંદિરોમાં સ્થાપવામાં આવેલી મૂર્તિઓના દર્શન કરવા ભક્તો/દર્શનાર્થીઓને સીક્યોરીટીમાંથી પસાર થવું પડે તે કેવી વિટંબણા !

આવા મંદિરોમાં ઈશ્વર રહી શકે ખરો ? સ્વ સાથે સંવાદ કરી વિચારવા વિનંતિ !!!

એક નમ્ર સ્પષ્ટતા કે આ લેખ કોઈપણ વ્યક્તિની લાગણી દુભાવવા લખેલ નથી માત્ર દેશમાં જે વાસ્તવિક પરિસ્થિતિ પ્રવતે છે તેનું આબેહુબ યથાર્થ વર્ણન કરી વાચકો સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ માત્ર છે.

Advertisements

14 comments

 1. जिसे हम खोज रहे हैं, वह वहीं है जहाँ हम हैं-Here and Now । इसलिए जाओगे कहाँ, खोजोगे कैसे ? श्रम, साधना, कर्म से क्या करोगे ? इनसे तो हम अन्य को पा सकते हैं, स्वयं को नहीं।

  Like

 2. અરવિંદ કાકા તમારો ઈ મેલ મારા ઈ મેલ આઈડી ના સ્પામ બોક્સમાં પડ્યો હતો તેથી આ લેખની મોડી જન થઇ. ગયા વખતે પણ એમજ થયેલું મને લાગે છે કે તમે એક સાથે ઘણા લોકોને ઈ મેલ મોકલો છો તેથી જી મેલવાળા તમારો ઈ મેલ સ્પામ સમજીને સ્પામ બોક્સમાં નાખી દે છે, એટલે એકી સાથે બધાને ઈ મેલ મોકલાવવા કરતા થોડા થોડા ઈ મેલ મોકલો તો સારું. આવજો.

  Like

 3. અરવિંદ કાકા,
  આપણા દેશમાં ધર્મ હવે આધ્યાત્મિક સાધનાનું સાધન ઓછુ અને ધંધો વધારે બની ગયો છે. દેશમાં કરોડો લોકોને બે ટક ખાવાનું પણ મળતું નથી ત્યાં હજારો લીટર દૂધ, ચંદન, કેસર અને સોના-ચાંદીના વરખનો મંદિરો અને દેરાસરોમાં રોજે રોજ બગાડ કરવામાં આવે છે. આ દેશમાં કરોડો લોકો ખુલ્લામાં શૌચ ક્રિયા કરતા હોય છે પણ ત્યારે આપની લાગણી નથી દુભાઈ જતી પણ ભગવાનને નામે ઠેર ઠેર જાહેર રસ્તાઓ પર અતિક્રમણ કરીને મંદિરો, મસ્જીદો અને દરગાહો બનાવી નાખવામાં આવે છે અને પછી જયારે પ્રશાશન આ ગેરકાયદે ધર્મ સ્થાન્કોને તોડી નાખે છે ત્યારે લોકોની લાગણીઓ દુભાઈ જતી હોય છે. લોકો પણ ફક્ત પોતાના સ્વાર્થ માટે ભગવાનને ભજતા હોય છે. ક્યારેક મંદિરમાં જઈને જુઓ તો ખબર પડે કે લોકો ભિખારીની જેમ ભગવાન મને એકઝામમાં પાસ કરાવી દે, મારી દીકરીના લગન કરાવી દે, મને પ્રમોશન અપાવી દે જેવી માંગણીઓ કરતા હોય છે, આમાંથી કેટલા ભક્તોમાં સ્વામી વિવેકાનંદની જેમ લોકની સેવા કરવા માટે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય માગવાની તાકાત છે. આવા લોભિયા ભાગાતળાઓના કારણેજ લુટારાઓ ફાવી જતા હોય છે. અશોક જાડેજા અને એમના જેવા બાવા બાપુઓ લોકોના લોભનો લાભ ઉપાડીને કળા કરી જતા હોય છે. એક બાજુતો આપણને કહેવાય છે કે ભાગવાનની દ્રષ્ટિમાં બધા જ સરખા હોય છે અને બીજી બાજુ મંદિરોમાં ભગવાનના દર્શન માટે વી.આઈ.પી ની લાઈનજુદી અને સાધારણ લોકોની લાઈન જુદી. આપણા મંદિરોમાં હજારો વર્ષો સુધી દલિતો, સ્ત્રીઓ અને નીચી જાતિના લોકોને પ્રવેશ આપવામાં ના આવ્યો. જેને પરિણામે આપણે હિંદુઓ આટલી વિશાલ વસ્તી હોવા છતા પહેલા મોઘલોના અને પછી અંગ્રેજોના ગુલામ રહ્યા. આપણને બાહ્ય આદમ્બારમાં એટલો રસ છે કે હનુમાનજી જેવી વ્યક્તિના પણ ગુનો અને આંતરિક વિચારો ગ્રહણ કરવાની જગ્યાએ આપણે ફક્ત એમની સોનાની મૂર્તિઓની પૂજા કરવા માંડી પડ્યા. જો ખરેખર હનુમાનજીની ભક્તિ કરવી હોય તો હનુમાનજીની જેમ પોતાનું કામ પુરેપુરી ઈમાનદારી અને નિષ્ઠાથી કરવું જોઈએ તો આદેશમાં ભ્રષ્ટાચાર પણ ના રહે અને અન્ના હજારને આવી પાકત ઉમરમાં દેશમાંથી ભ્રષ્ટાચાર નાબુદ કરવા માટે આમરણાંત ઉપવાસ પણ ના કરવા પડે. પણ નેતાઓ, ક્રિકેટરો, નટ-નટીઓ અને બાવા બાપુઓના ચરણોમાં પોતાની બુદ્ધિ ગીરવી મુકીને બેઠેલા હરામ હાડકાના પ્રજાજનો પાસેથી આવી અપેક્ષા રાખવી વ્યર્થ છે.

  Like

 4. “raghu kul rit sada chali aayi, …”

  Black money. What ever the data and GDP reported are of non-black money. But still there is also the black money circulates in the “Arth tantra”, which also contributes to the growth of the nation. The black money is the money which is not in the hand of the government to distribute. Some goes to Temples, some (rather most) to SWISS bank.

  Donation to the temples are from decades, when the dharm was created and will go to far. As reported by shri adalaja, that he has written on this subject many times, the issue will not resolved because the religion is very sensitive subject.

  Like

 5. વિશ્વમાં ઇશ્વરના ત્રણ જાતના ઉપયોગ થાય છે -ખાનગી,સબ-ધાર્મિક અને વેપારી.
  વિશ્વમાં ઇશ્વરના ત્રણ જાતના ઉપયોગ થાય છે -અમેરિકામાં પાદરિઓના શારિરીક સંતોષ માટે,મિડલ ઇસ્ટમાં હત્યા માટે અને પૂર્વમાં મિલકત વસાવવા માટે [ રિયલ એસ્ટેટ.].
  હિન્દુસ્તાનમાં ઇશ્વરના ત્રણ ઉપયોગ થાય છે- અંધશ્રધ્ધા પોષવા,રાજકારણ માટે અને મોભાદાર થવા માટે.
  મન હળવું કરવા ત્રણ શબ્દ બોલાય છે- શંતિ શાંતિ શાંતિ…

  Like

 6. ‘मैं’ की गांठ ही बंधन है। ‘मैं’ व्यक्ति को सत्ता से तोड़ देता है। ‘मैं’ बुदबुदा सत्ता-प्रवाह से अपने को भिन्न समझ बैठता है। जबकि बुदबुदे की अपनी कोई सत्ता नहीं है। उसका कोई केंद्र और अपना जीवन नहीं है। वह सागर ही है। सागर ही उसका जीवन है। ‘मैं’ के भीतर झांको तो ब्रह्मं मिल जाता है।
  ‘मैं’ जहां नहीं है, वहां वस्तुत: ‘तू’ भी नहीं है। वहां केवल ‘होना’ मात्र है। केवल अस्तित्व है, शुद्ध सत्ता है। इस शुद्ध सत्ता में जागना निर्वाण है।

  Like

 7. આ તો આનંદની વાત કહેવાય.દેશનું નાણું દેશમાં તો રહે છે ને ! સ્વીસ બેંકમાં તો નથી જતું ને ! સોને મઢવામાં કેટલાય કારીગરોને મજુરી મળી હશે.પુજારીઓ કમાયા હશે- કાંઇ નહીં આપણાં ભાંડુઓ જ કમાય છે ને ! સિયાવર રામચંદ્ર કી જય ! પવન પુત્ર હનુમાન કી જય.

  Like

 8. આમાં કોઈપણ વ્યક્તિની લાગણી દુભાવવા જેવું લાગતુ નથી પણ જે છે તે એક સત્ય હકીકત છે. ઉપર અતુલ નો પ્રતિભાવ વાંચ્યો અને તે લખે છે તેમ આ એક મનોરંજન જ ગણાવી શકાય.
  પ્રફુલ ઠાર

  Like

 9. શ્રી અરવિંદભાઇ, પ્રથમ તો ધન્યવાદ કારણ, આ વિષયે આટલો ઉંડાણપૂર્વક વિચારીને લખાયેલો લેખ મેં આ પ્રથમ જ વાંચ્યો. કદાચ સમજે તો બધા જ છે પરંતુ બોલવાની હિંમત બે-ચાર જ કરી શકે છે.
  મંદિરોમાંથી શાંતિ પ્રાપ્ત થવી જોઇએ તેને બદલે હવે ત્યાં જ અશાંતિ છે. આટઆટલી સમૃદ્ધીને સાચવવાની પળોજણ શાંતિતો ક્યાંથી લેવા દેશે ! હવે રક્ષણહારો ખુદ રક્ષકોથી ઘેરાયેલો રહે છે ! વધુ તો શું કહું, જ્ઞાનિજનો કહી જ ચૂક્યા છે કે..
  ’ના મંદિરમેં ના મસ્જીદમેં, ના કાબા કૈલાસમેં |
  મોં કો કહાં ઢુંઢે રે બંદે, મેં તો તેરે પાસ મેં ||
  પણ પાછી એક કહેવત પણ યાદ આવે કે..’ઘરનાં છોકરાં ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો’ ! અને ભેગાભેગી કરસનદાસજીની એક કાવ્યકણિકાની યાદ કરાવી જ આપું તો…
  ’ છે ગરીબોના કૂબામાં તેલનું ટીપુંય દોહ્યલું,
  ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે !

  મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે
  ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !’ — આભાર.

  Like

 10. આ વાત માં સત્યનો રણકો છે અને સત્ય એ પ્રભુને પ્રિય છે. આશા છે પ્રભુ જ કોઈ માર્ગ કાઢશે… માણસની લાલચનો કોઈ અંત નથી પણ શું પ્રભુ આ અવગણતો ?

  Like

 11. દિવસે દિવસે દેશમાંથી બુદ્ધિ વિદાય લઇ રહી હોય તેમ લાગે છે.૧૦ કરોડમાંથી કેટલા બધા કરવાના કામ થાય.આખો દેશ મૂર્ખાઓની જમાત બની રહ્યો હોય તેમ લાગે છે.પહેલા રથ યાત્રા ખાલી અમદાવાદમાં નીકળતી હતી.હવે ઘણી બધી જગ્યાએ.હવે તો હનુમાનજીના સરઘસો નીકળવા લાગ્ય જે પહેલા કદી જોયું નહોતું.પથરાની મૂર્તિ ને સોનાનું સિંહાસન.લોકો ચાંદ ઉપર પહોચી ગયા.આપણે હજુ પથરાઓમાં ભટકી રહ્યા છીએ.મેરા ભારત મહાન.મહાન વૈદિક સંસ્કૃતિના વારસો આપણે દુનિયાની સૌથી મહાભ્રષ્ટ પ્રજા બની ચુક્યા છીએ.

  Like

 12. जो स्वयं को बदले बिना ईश्वर को पाना चाहते हैं। ऐसा होना बिलकुल ही असंभव है। ईश्वर कोई बाह्य सत्य नहीं है। वह तो स्वयं के ही परिष्कार की अंतिम चेतना-अवस्था है। उसे पाने का अर्थ स्वयं वही हो जाने के अतिरिक्त और कुछ नहीं है।

  Like

 13. ખરેખર તો સાદું જીવન હોય તે સાધું જીવન કહેવાય. દસ કરોડનું સોનાનું સિંહાસન મારી દૃષ્ટિએ તો ધનનો વ્યય છે. હનુમાનજી મજારાજે તો ભગવાન પાસેથી માળા પણ નહોતી લીધી અને કહ્યું હતું કે જેમાં મારા રામ ન હોય તે મારે ન ખપે. હવે આ સંતો, મહંતો અને બાપુઓ (મોરારિ બાપુ) સુદ્ધાં હનુમાનજીને સોનાના બનાવે છે – જે બધું જોઈને હનુમાનજી પણ દુભાતા હશે.

  આ બધાં પ્રપંચ સહુ પેટ ભરવા તણાં છે – આમાંથી કશીયે વસ્તું આધ્યાત્મિક નથી આ બાબતો માત્ર ને માત્ર મનોરંજન છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s