*** એક અજાયબ સ્વપ્નની વાત ! સત્ય તો નહિ બને ને ? ***

*** એક અજાયબ સ્વપ્નની વાત ! સત્ય તો નહિ બને ને ? ***

છેલ્લાં કેટલાક મહિનાઓ થયા સમગ્ર દેશનો આમ આદમી ભ્રષ્ટાચાર અને મોંઘવારીના ચક્કરમાં ચકરાઈ ગયો છે. આ નફ્ફટ-નીંભર અને નાગા રાજકારણીઓ અંદરો અંદર એક બીજાના ટાંટીયા ખેંચ્યા સીવાય કોઈ કાર્યવાહી કરતા નથી. કોંગ્રેસ ભાજપને ભાંડે છે તો ભાજપ કોગ્રેસને ! આ ભાંડણ લીલામાં સામન્ય જન સમુદાય બેરહમ રીતે ભીંસાઈ રહ્યો છે.

આ કલુષિત વાતવરણે મારા મન ઉપર પણ ઘેરી અસર પહોંચાડી છે. જેથી છેલ્લાં બે માસ જેટલો સમય વ્યતિત થઈ જવા છતાં મારાં બ્લોગ ઉપર એક પણ નવી પોસ્ટ મૂકી શક્યો નહિ હતો. હું તદન હતપ્રભ અને મૂઢ જેવો અને જાણે વિચારશૂન્ય બની ગયો હોઉ તેવું અનુભવી રહ્યો હતો. એક યક્ષ પ્રશ્ન મારાં મનમાં વારંવાર ઉદભવતો રહ્યો શું આઝાદી આવા તત્ત્વો માટે મેળવાયેલી ? આ તમામ રાજકારણીઓની મીલીભગતે સામાન્ય જન સમુદાયનું જીવન અત્યંત કરૂણ અને દયાપાત્ર બનાવી દીધું છે અને ત્યારે આમ જનતા બિચારી બની બે છેડા ભેગા કેમ કરવા તેની મથામણમાં પોતનો અવાજ કેમ ઉઠાવી શકે ?

આ દેશના રાજકારણીઓ જનસમુદાય કે દેશ પ્રત્યે એક ટકો પણ વફાદાર કે નિષ્ઠાવાન જણાયા નથી. વડાપ્રધાન પણ ખરા અર્થમાં સરદારજી જ છે. જે વ્યક્તિનું પૈસાભાર ઉપજતું ના હોય – લશ્કર ક્યાં લડે છે ? કોણ લડે છે ? કોના માટે લડે છે ? તેની જાણ કે પરવા ના હોય તેવો મીંઢો અને નીંભર વડોપ્રધાન આજ સુધી આ દેશને મળ્યો નથી.

મીડીયા વાળા આવા વડાપ્રધાનની પ્રમાણિકતાની ભરપુર પ્રશંસા કર્યા કરે છે અને પ્રમાણિકતાનું લેબલ લગાડી રહ્યા છે ! જ્યારે હું મક્ક્મ રીતે માનુ છું કે જે વ્યક્તિ પોતાના કાર્યો –ફરજો કે સોંપવામાં આપેલી સત્તા, અને જવાબદારીઓ, દેશ પ્રત્યેની વફાદારી નિષ્ઠા અને પ્રમાણિકતા પૂર્વક બજાવી ના શકે, તે કોઈ સંજોગોમાં પ્રમાણિક ગણી ના શકાય ! આવી વ્યક્તિઓ તો દેશ અને સમાજને ક્યારે ય ના થયું હોય તેવું નુકશાન કરે તેવી સંભાવના રહે છે અને તે આપણે અર્થાત સમગ્ર દેશની જનતા આજે અનુભવી રહી છે.

સમગ્ર દેશમાં, તમામ સરકારી ક્ષેત્રમાં, અરે ! ન્યાયની અદાલતોમાં પણ ભ્રષ્ટાચારનો ભોરીંગ ભરડો લઈ બેઠો છે અને ડુંગળીના પડ એક પછી એક છૂટા પડે તમ ભ્રષ્ટાચારના કૌભાંડો બહાર આવી રહ્યા છે. પ્રથમ કોમન-વેલ્થનું પછી આદર્શ સોસાયટી, બાદ રાજાનું 2જી સ્પેક્ટ્રમ, ચોખાની નિકાસનું, તો ડુંગળીની નિકાસનું પણ ખરુ અને હવે તેજ ડુંગળી ફરી આયાત કરવાનું ! આ ઉપરાંત લાખો ટન અનાજ સરકારી ગોદામોમાં સડી જવા છતાં અને સર્વોચ્ચ અદાલતનો આદેશ હોવા છતાં ગરીબોને આપી દેવાનો સરકારનો ધરાર ઈન્કાર !

તાજા સમાચાર પ્રમાણે મુંબઈમાં સરદાર સ્ટેડિયમ કે જે બાળકોને રમવા માટે બનાવવાં આવેલું હતું ત્યાં મોલ બનાવી દેવામાં આવ્યો છે તે કૌભાંડ પણ બહાર આવી રહ્યું છે. આ સીવાય તો અસંખ્ય નાના-મોટા ભ્રષ્ટાચારના કિસ્સાઓ બનતા રહે છે પણ તેને વધારે પબ્લીસીટી મીડીયા દ્વારા વ્યાપક ધોરણે નહિ અપાતી હોય સામાન્ય લોકોની જાણમાં આવતા નથી.

મહા ભ્રષ્ટાચારીઓ જેવા કે કલમાડી, અશોક ચવાણ, રાજા વગેરે મૂર્ખ શીરોમણી હોવાનું આ સરકારમાં બેઠેલા સરદાર અને પ્રણવ મુકરજી તથા સોનીયાજી માની રહ્યા હોય તેમ માનવાને કારણ રહે છે, કારણ ભ્રષ્ટાચાર બહાર આવ્યા બાદ, મહિનાઓ પછી સીબીઆઈ ( સત્તાધારી રાજકારણીઓનું વાજિંત્ર છે ) ને દરોડા પાડવાની સુચના અપાય છે, જાણે આ ભ્રષ્ટ લોકોએ સીબીઆઈને સોંપવા માટે પુરાવા સાચવી રાખ્યા હોય ! જનતાને પણ આ સર્વે સત્તાધીશો મૂર્ખ ગણે છે.

મોંઘવારી સંદર્ભે રાહુલ ગાંધી નિવેદન કરે છે કે, અમારી ( કોંગ્રેસની ‌) સરકારને ગઠ-બંધન નડી રહ્યું છે, તેથી ભાવ વધારાને અંકુશમાં લઈ શકાતો નથી. આ નિવેદનની એનસીપીના સર્વેસર્વા શરદ પવાર ઉગ્ર પ્રતિક્રિયા આપે છે જે સ્પષ્ટ તેનું ગુન્હાહિત માનસ દર્શાવે છે. તે બરાબર સમજે છે કે યુપીએ સરકારને તેની સત્તા ટકાવી રાખવા એનસીપીના ટેકાની ગરજ છે અને તેમનો કોઈ વાળ પણ વાંકો કરી શકે તેમ નથી. ગઠ-બંધનથી આમ જનતા ભલે પીલાતી રહે !

કોંગ્રેસના સર્વે સર્વા સોનીયાજીની મુંઝ્વણ પણ બોફોર્સ કૌભાંડનું ભૂત ફરી ધુણતું થતા વધી છે તો સુબ્રમણ્યમ સ્વામીએ પણ અનેક આક્ષેપો કર્યા છે. સોનીયા ગાંધીને ટુ-જી કૌભાંડમાં કરોડો મળ્યા છે. તો ડીમેકના કરૂણાનીધીએ પણ કરોડો મેળવ્યા છે.

આજ યુપીએ સરકારના સમયમાં શિક્ષણ પણ ધંધો બની ચૂક્યું છે અને બેસુમાર હદે મોંઘુ બનતા માસિક રૂપિયા 25000/-થી 50000/- થી પણ વધારે કમાતો નાગરિક બાળકના શિક્ષણના ખર્ચને પહોંચી વળી નહિ શક્તો હોય ધરાર સંતતિ નિયમન કરી રહ્યો છે. તો પોતાનું ઘર અર્થાત મકાન હોવું તે પણ સામાન્ય વર્ગ માટે ધીમે ધીમે સ્વપ્નું બની ગયું છે.

આ સરકારે વડાપ્રધાનની અધ્યક્ષતા નીચે, મોંઘવારી વધવાના કારણોનો અભ્યાસ કરવા, સાથી અને સંબધિત પ્રધાનોની ત્રિ-દિવસ્ય મીટીંગ બાદ, તારણ જાહેર કર્યું કે, સરકારી રાહ્તની રકમ ગરીબોને મળતાં, તેઓ અર્થાત ગરીબો, વધારે ખાવા લાગ્યા હોય, શાક-ભાજી અને અન્ય ખાદ્ય સામગ્રીના ભાવો વધ્યા છે-વધી રહ્યા છે.( આજ સરકારે ભૂતકાળમાં એવું પણ સ્વીકારેલ કે ગરીબોને અપાતી એક રૂપિયાની સહાયમાંથી લાભાર્થીને માત્ર 20 પૈસા જ પહોંચે છે બાકીના 80 પૈસા વચેટિયાઓ ખાઈ જાય છે. અર્થાત સરકારી અધિકારીઓ/રાજકારણીઓ/અને સત્તધીશો વગેરે ! )આ સરકારની નીતિઓને કારણે જો ડુંગળી જેવું હલકું શાક 80 થી 100 રૂપિયે કીલો એ પહોંચે તો આ ગરીબો તેમને મળતા 20 પૈસામાંથી શું ખરીદે ? અને શું ખાતા હશે ? તે આ સત્તાધીશોને ક્યારે ય સમજમાં નહિ ઉતરે ! કારણ આ તમામ રાજકારણીઓ/સત્તાધીશો અને અમલદારો તો માત્ર અને માત્ર પૈસા જ આરોગે છે, અને તેમની પૈસાની ભૂખ અમર્યાદિત છે.

ટૂંકમાં કૌભાંડો અને મોંઘવારી યુપીએ સરકાર માટે પર્યાય બની ચૂકી છે. જેની સાબિતી હમણાં જ નવા ટેલિકોમ પ્રધાને નિવેદન કર્યું કે સીએજી દ્વારા જાહેર થયેલા 2જી સ્પ્રેકટ્મમાં ખરેખર સરકારને કોઈ નુકશાન થયું નથી આ જાહેર થયેલા આંકડાઓ ભૂલ ભરેલા છે અને આ નિવેદનને કોંગ્રેસના પ્રવક્તાએ અનુમોદન પણ આપ્યાના સમાચાર મળે છે. આવી જ બીજી જાહેરાતો કોમન વેલ્થ, આદર્શ સોસાયટી અને અન્ય કૌભાંડો માટે થોડા સમયમાં આવે તો દેશની જનતાને નવાઈ નહિ લાગવી જોઈએ.

આ સરકારમાં કરોડો અને અબ્જો રૂપિયાનો ચુનો લગાડનાર કૌભાંડીઓ નિર્દોષ થઈ ફરતા હોય છે જ્યારે માત્ર 25-50 રૂપિયા જેટલી મામુલી રકમનો ભ્રષ્ટાચાર કે લાંચ-રુશવ્ત લેનાર નોકરી તો ગુમાવે જ છે પરંતુ વર્ષો સુધી જેલમાં પણ સબડે છે અને આમ સારો પરિવાર સહન કરે છે.

આવા લાચાર, નિર્માલ્ય, અને વધુ આકરા શબ્દમાં કહું તો નપુસંક વડાપ્રધાને જ આ દેશને ભ્રષ્ટચારમાં ધકેલી દીધો છે.

મને યાદ આવે છે કે મહાત્મા ગાંધીજીએ બ્રિટિશરોને આ દેશ છોડી જવા હાકલ કરેલી ત્યારે કહેલું કે અમારી ચિંતા નહિ કરો અમોને અમારા ભાગ્ય ઉપર છોડી દો. અમારું જે થવું હોય તે થાય પણ તમે તો અહીંથી
( હિંદુસ્તાનમાંથી ) ટળો !

આવા જ શબ્દો, આ મીંઢા વડાપ્રધાનને, આમ આદમીના મોઢેથી, મોટા અવાજો વડે, સંયુકત રીતે કહેવાવા જોઈએ, જેથી પાઘડીની આરપાર જઈ કાનમાંથી સાંભળી શકે ! બહુ થયું ! બહુ થયુ ! ENOUGH – ENOUGH ! આપ કૃપા કરી ટળો ! અમોને અમારા ભાગ્ય ઉપર છોડી દો ! YOU PLEASE QUIT !

આવા અંતિમવાદી વિચારોએ મારાં મન અને માનસનો કબ્જો લઈ લીધેલો હોઈ કાંઈ પણ નવું લખવાનો મૂડ જામતો નહિ હતો ! સતત આ મન મંથામણને કારણે હું કયારે ગાઢ નિંન્દ્રામાં સરી પડ્યો તેની ખબર નહિ રહી અને ગઈકાલે રાત્રે એક વિચિત્ર-અજાયબ સ્વપ્ન જોયું જે આપ સૌ સમક્ષ રજૂ કરું છું.

આ સ્વપ્નમાં મેં જોયું કે આપણાં દેશની હાલત હતી તેથી પણ દિન-પ્રતિ-દિન બદતર થઈ રહી છે. જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓના ભાવો નિરંકુશ રીતે રોકેટની ગતિએ વધ્યા છે –વધી રહ્યા છે, અને તે અંકુશમાં લેવાની સત્તાધીશોની ઈચ્છાશક્તિનો અભાવ નરી નજરે જોઈ/સમજી શકાય તેમ છે. આમ જનતા અત્યંત દીન અવસ્થામાં પીડાઈ રહી છે

દેશભરમાં મારે તેની તલવાર જેવી પરિસ્થિતિ પ્રવર્તે છે. કોઈ કાયદો કે વ્યવસ્થા જાળવવાની પરવા કરતું નથી. ચો તરફ અરાજકતા અને અંધાધુંધી પ્રવર્તી રહેલ છે. દિન-પ્રતિ-દિન લૂંટ-હત્યા-અપહરણ-બળાત્કાર-ભેળસેળ-કાળાબજાર-કરચોરી વગેરે અનેક દુષણોથી સમાજ ખદબદી રહ્યો છે.

જે દેશ સુપરપાવર બનવાના ખ્વાબ જોઈ રહ્યો છે તે દેશ ઊંડી ખાઈમાં ધકેલાય ચૂકયો છે. આ દેશમાં ખરા સત્તાધારીઓ આતંકવાદીઓ-નક્સલવાદીઓ વગેરે તત્ત્વો બની બેઠા છે. અનેક ઉધ્યોગપતિઓ પણ અકળાઈને પોતાનો વસવાટ અને ઉધ્યોગ પણ વિદેશમાં ફેરવી રહ્યા છે.

દેશમાં ઉભી થયેલી વર્તમાન પરિસ્થિતિ માટે અગાઉના વર્ષોમાં અપનાવાયેલી ભ્રષ્ટાચારી નીતિઓ અને અસામાજિક તત્ત્વો સાથેની સાઠ્ગાંઠ જવાબદાર છે. ચૂંટણીઓ જીતવા અને યેન કેન પ્રકારેણ સત્તા મેળવવા અને ટકાવી રાખવા તમામ રાજકીય પક્ષો ગમે તેની સાથે સમાધાન કરે છે .અને સંપત્તિ જ એકઠી કરવાના જાણે લક્ષ્ય અપાયા હોય તેમ બેફામ ભ્રષ્ટાચાર આચરે છે. આ રીતે એકઠી થયેલી રકમ વિદેશની બેંકોમા અબજો અબજોના મૂલ્યની જમા થતી રહે છે.

આવા કરતુકોને પરિણામે સોનીયા ગાંધી અને રાહુલ ગાંધીને દેશ છોડી જવાની ફરજ પડી અને બંને તેમના પોતાના વતન ઈટાલી ચાલ્યા ગયા છે.

દેશમાં આમ જનતાની દયામણી સ્થિતિ અને સંજોગો જોઈ લોહી ઉકળી ઉઠે છે. આ લોકોની આ યાતના પીડા અસહ્ય બની છે.. હા, અલબત્ત સત્તાધીશો-અમલદારો-અને માથાભારે તત્ત્વોએ પોતાના હિત જાળવી બેસુમાર સંપત્તિ એકઠી કરી છે. તો તેની સામે જનસમુદાયનું જીવન અત્યંત દોહ્યલું બન્યું છે. પરંતુ દેશ છોડી અન્ય સ્થળે વસવાટ કરવા માટે કોઈ વિકલ્પ દેખાતો ના હોય મજબૂર બની આ શાસકોની ગુંડાગીરી-દાદાગીરી સહન કર્યા કરે છે. વહુ દીકરી પણ આ શાસકોથી સલામત નથી.

કેટલાક દેશી રજવાડાના વારસો ને કહેતા સાંભળ્યા કે અમારાં વડિલો મહાત્મા ગાંધી અને સરદાર પટેલની વાતોમાં ભોળવાઈ ગયા અને અખંડ હિંદુસ્તાન રચવા પોતાના રજવાડા ભારત સરકાર સાથે જોડી દેવા સ્વૈચ્છિક સહમતિ આપી. સરદારે આના બદલામાં અમારા પરિવારોને સાલીયાણા બાંધી આપેલા, જે ઈંદિરાગાંધીએ નાબુદ કરી નાખી અમારી સાથે વચન ભંગ કર્યો. પરિણામે આજે અમારામાંના કેટલાકને ખાવા-પીવાના પણ સાંસા પડી રહ્યા છે અને અત્યંત દીન અવસ્થામાં જીવી રહ્યા છે.

તેઓ ને એમ કહેતા પણ સાંભળ્યા કે, આજે યાદ આવે છે બ્રિટિશ પાર્લામેંટમાં હિંદુસ્તાનને આઝાદી આપવાનું બીલ ચર્ચાઈ રહ્યું હતું, ત્યારે વિરોધ પક્ષમાં રહેલા શ્રી ચર્ચિલે કહેલા શબ્દો કે, “મી.એટલી આપ હિંદુસ્તાનને આઝાદી આપવા માંગો છો પણ મને કહેવા દો કે આપ હિંદુસ્તાનની પ્રજાને પીંઢારા અને લૂંટારા અને ચાંચિયાઓના હાથમાં સોંપી રહ્યા છો.” આજે આ શબ્દો સત્ય બની સામે આવી ચૂક્યા છે. એમ જણાય છે કે મી.ચર્ચીલ હિંદુસ્તાનના હવે પછી આવનારા સમયમાં ઉભરનારા નેતાઓની રગ બરાબર પહેચાની શક્યા હતા.

આવા સંજોગોમાં જૂના રજવાડાના વંશ-વારસોએ ઠરાવ્યું છે કે, બ્રિટનના રાણી સાહેબા અને વડાપ્રધાન સમક્ષ એક આવેદન પત્ર દ્વારા નમ્ર પ્રાર્થના કરવી કે, અમારાં દેશની વાસ્તવિક પરિસ્થિતિ અને લોકોની અવદશા વગેરેને ધ્યાન ઉપર લઈ અમારા દેશની ગરીબડી પ્રજાને આ અત્યંત સ્વકેન્દ્રી અને સ્વાર્થી, ઉપરાંત તદન નપાવટ-નાલાયક અને નીંભર રાજકારણી સત્તાધીશો-અમલદારો દ્વારા કરાતું શોષણ દૂર કરી, લોકોની યાતના-વ્યથા અને પીડામાંથી મુક્તિ અપાવવા, કોઈ નક્કર અને કઠોર પગલાં લેવા. તથા અમોને અમારા રજવાડા પરત અપાવવાની અમારી માંગણીમા અમોને તમામ પ્રકારની સહાય કરવા ગંભીરતાથી વિચારણા કરવી. આ દેશને વિદેશી શાસકો જ માફક આવે છે તેવું ઈતિહાસ પણ કહે છે તો આપ ફરીને આ દેશ ઉપર શાસન કરવા પધારો તેવું અમારું હાર્દિક નિમંત્રણ છે.

આ સીનેરીયો જોઈ હું તો સ્તબ્ધ થઈ ગયો અને એક ઝાટકા સાથે ઊંઘ ઉડી ગઈ. જાગીને જોયું તો મારાં ઘરમાં મારી પથારીમાં જ હું હતપ્રભ થઈ થોડીવાર વિચારતો સ્થિર પડ્યો રહ્યો.

થોડી સ્વસ્થતા મેળવી ઉભો થયો અને તાજા જ આવેલા અખબાર ઉપર નજર પડી અને પ્રથમ પાને જ સમાચાર વાંચવા મળ્યા કે દેશભરમાં જીવન-જરૂરિયાતની પ્રાથમિક ચીજ-વસ્તુઓમાં વ્યાપક મોંઘવારી અંકુશમાં લેવાની આ સરકાર લાચાર છે. તો ભ્રષ્ટાચાર માટે પણ કોઈ ઊંડી તપાસ કરવાની જરૂરિયાત મહેસુસ થતી ના હોય તમામ કેસો બંધ કરવાની વિચારણા ચાલી રહી છે. મોંઘવારી પણ સરકારે શરૂ કરેલી ગરીબોને સહાય કરવાની યોજનાને કારણે તેઓની પાસે પૈસા આવતા વધુ ખાવા-પીવા લાગ્યા હોય મોંઘવારી વધી છે-વધી રહી છે તેવું તારણ કોર કમિટિએ સતત ત્રણ દિવસની ચર્ચા વિચારણા બાદ તારવ્યું ! અર્થાત મોંઘવારી માટે સરકારી નીતિઓ નહિ પણ દેશના ગરીબ લોકો છે તેવું ઠરાવવામાં આવ્યું ! શરદ પવારે પણ જાહેર કર્યું કે તેમનું ખાતું આ ભાવ વધારા કે મોંઘવારી માટે જવાબદાર નથી.

આ સમાચાર જૂના થાય તે પહેલા પેટ્રોલના ભાવમાં પણ લીટરે રૂ!.2-50નો વધારો પેટ્રોલીયમ કંપનીઓએ જીકી દીધો અને આ વધારા માટે પણ સરકાર ગરીબો દ્વી-ચક્રી અને કાર જેવા વાહનો દ્વારા વધારે મુસાફરી કરતા થયા છે તેવું જ કારણ આગળ ધરશે તે નિઃશંક છે.

11 comments

  1. આનો કોઈ ઉકેલ દેખાતો નથી. કારણ કે સરકારમાં કોઈએ પ્રમાણીકતાથી કામ કરવું નથી.
    બધા અપ્રમાણિક માણસો જ સરકારમાં આવે છે. જેને સાચું કામ કરવું છે તેને સરકારમાં કોઈ આવવા દેતું જ નથી.

    Like

  2. અરવિંદભાઈ તમારો ખુબ ખુબ આભાર કે તમે લોકો ને જાગૃત કરવા આવા સરસ લેખ લખો છો…..પણ દુખ એ વાત નું છે કે લોકો વાંચે પણ છે પણ કોઈ આની ગંભીરતા સમજી શકતા નથી.
    લોકો તો એક જ નિયમ રાખે છે કે કોમનવેલ્થ અને બીજા અનેક કૌભાંડ માં કરોડો રૂપિયા નું નુકશાન થયું એમાં આપરું શું પણ તે પૈસા આપરા સૌના છે તેમાં અમુક કમાણી આપરી પણ વેડફાઈ છે.

    Like

  3. આમાં જેટલો વાંક રાજકારણીઓ નો છે તેટલોજ આપરો એટલે કે પ્રજાનો છે.
    મને તો આપણા દેશનું ભાવી બૌજ ખરાબ દેખાય છે.
    ગઈકાલે છાપામાં વાંચ્યું એક હોટલ માં ચોરી થઇ ચોર ૪૦ કિલો ડુંગરી ચોરી ગયા.
    પેટ્રોલ ૬૨ રૂ. થયું જોત જોતામાં ૧૦૦ થી ૧૫૦ થઇ જશે પછી શું કરીશું…..સરકાર પેટ્રોલ ના ભાવ વધારા માટે ક્રુડ ઓઈલ ના ભાવ વધ્યા તે કારણ બતાવે છે હાલ માં ક્રુડ ૯૦ ડોલરની આસપાસ છે વચ્ચે ક્રુડ ૩૦ સુધી નીચે આવ્યું હતું ત્યારે સરકારને ભાવ ઘટાડવાનો વિચાર કેમ ના આવ્યો. નુકશાન થાય તો આપરા સૌનું અને નફો થાય તો અમારો પોતાનો. આ નીતિ ગરીબો નું સત્યાનાશ કરીને જ જંપશે.
    લાગે છે હવે પેલાનો સમય પાછો આવશે પગપાળા કે બળદગાડા નો સહારો લેવો પડશે…
    મારે તો હવે સાયકલ લેવાનો વિચાર છે ૪૫૦૦/- માસિક પગાર માં હવે બાઈક પોસાતું નથી.

    Like

  4. ઉપાય.કોઈ ઉપાય હાલ સુજે તેમ નથી.પ્રજાએ જ ક્રાંતિ કરવી પડે.પ્રજા નિર્માલ્ય હોય ત્યાં કશું થાય નહિ.Guillotine ગીલટીન ફ્રેંચ ક્રાંતિ વિષે વાચી લેવું.

    Like

Leave a comment