“ઈશ્વર સમક્ષ કરવામાં આવતી આરતી પ્રયોજવા પાછ્ળનો હેતુ અને ઉદેશ શું હોઈ શકે ? આ પ્રથા કયારે શરૂ થઈ હશે ?

“ઈશ્વર સમક્ષ કરવામાં આવતી આરતી પ્રયોજવા પાછ્ળનો હેતુ અને ઉદેશ શું હોઈ શકે ? આ પ્રથા કયારે શરૂ થઈ હશે ?

અગાઉ સવારમાં પ્રગટાવાતો દીવો અને તેની મહત્તા વિષે મારાં વિચારો રજૂ કરેલા. લગભગ ત્યારથી જ મંદિરોમાં અને કેટ્લાક ઘરોમાં પણ કરવામાં આરતી વિષે કેટલાક પ્રશ્નો મારાં મનમાં ઘુમરાયા કરતા હતા જેવા કે આરતી પ્રયોજવા પાછળ્ નો શુ હેતુ હોઈ શકે ? આરતીની પ્રથા કેમ શરૂ થઈ હશે ? કોણે શરૂ કરી હશે ? ક્યારે શરૂ થઈ હોઈ શકે ? વળી આરતી શા માટે ? આરતીના લાભાલાભ-આરતી કરવાનો હેતુ અને ઉદેશ શું હોઈ શકે વગેરે !

લાંબા સમય થયા આ વિચાર વલોણું મનોમન ચાલ્યા કરતું રહ્યું અને આખરે નીચે દર્શાવેલ નિષ્કર્ષ ઉપર પહોંચ્યો છું. જે માત્ર અને માત્ર મારાં વિચારો અર્થાત આરતીની પ્રથા પ્રયોજવા પાછ્ળ રહેલ તર્ક/ રેશનલ વિષે મેં કાઢેલા તારણો માત્ર હોઈ, આ જ સત્ય હોઈ શકે તેવો મારો કોઈ દાવો નથી.. આ વિષે કોઈ વિદ્વાન વિચારક/ચિંતક વધુ પ્રકાશ પાડી શકે છે.

ઉત્ક્રાંતિના સિધ્ધાંત પ્રમાણે માનવીનો વિકાસ પ્રાણી અર્થાત વાનરમાંથી થયો છે તેમ માનવામાં આવી રહ્યું છે. પોતાની પ્રાથમિક અવસ્થામાં માનવી જંગલો અને સમુદ્ર/નદીને કાંઠે વસવાટ કરતો અને વનચર કહેવાતો ! વિચરતી અવસ્થામાં ફરતો રહેતો તેમ માનવામાં આવે છે. મોટે ભાગે માંસાહારી હતો. કુદરતી રીતે જ વૃક્ષોના ઘર્ષણથી થતા રહેતા દાવાનળો નિહાળી અગ્નિને ઓળખતો થયો હતો. આ અગ્નિનો ઉપયોગ માંસ તથા અન્ય ખાધ્ય પદાર્થોને પકવવા કરવા લાગ્યો હતો ! અને આ માટે અગ્નિને કાયમી ધોરણે હાથ વગો રાખવા પોતાના રહેઠાણથી દૂર પણ પહોંચની અંદર જાળવતો પણ થયો હતો.

ખાધ્ય સામગ્રી મેળવવા જંગલોમાં દરિયા અને નદીમાં સતત ભટકવું અનિવાર્ય હતું. આ માટે વહેલી સવારે જ ઘર બહાર નીકળી જનારને ખાધા-ખોરાકી શોધી ઘર તરફ ક્યારે પાછા ફરવું તેની સમજ હજુ પેદા થઈ નહિ હતી. સમય દેખાડનાર ઘડિયાળની શોધ થવાને હજુ વર્ષોની વાર હતી. તે સમયના જંગલો એટલા તો ગાઢ હતા કે સૂર્યના કિરણો ભાગ્યેજ દ્ર્શ્યમાન થતા. આથી સૂર્યાસ્ત ક્યારે થતો અને ગાઢ અંધકાર ક્યારે ફેલાય જતો તેની જાણ આવા ભટકતા લોકોને થતી નહિ અને તેથી કેટલાક રાત્રિના અંધકારમાં અટવાઈ પડતા અને રાની પશુઓના શિકાર પણ બની જતા !

આવા દિવસોમાં કેટલાક લોકોને સમુદ્ર/નદીને કિનારેથી આજે જેને આપણે શંખથી ઓળખીએ છીએ તેવા શંખના વિવિધ આકારના શંખો જોવા મળતા માત્ર કુતૂહલથી પ્રેરાઈ અને બાળકોને રમવા થશે તેવી ધારણા સાથે પોતાના કબીલામાં લાવ્યા હશે ! કેટલાક બાળકોએ રમતા રમતા આ શંખના કાણામાં ફૂંક મારતા વિચિત્ર ધ્વનિ પ્રગટ થતા અને આ અવાજ દૂર સુધી સંભળાતા પ્રથમ તો બાળકો સહિત ભયના માર્યા દૂર ફેંકી દીધો હશે ! આ ધ્વનિ શંખમાંથી પ્રગટ થતો હોવાની જાણ કેટલાક્ને થતા તેમણે ડરતા ડરતા પણ ફરી શંખને પકડી કાણામાં ફૂંક મારી મોટો અવાજ કરવાની કોશિશ કરી હશે ! ઉપરાંત આ શંખ કે તેના અવાજથી કોઈ નુકશાન થતું નહિ હોવાથી આનંદની ચીચીયારીઓ પાડી સર્વે ખુશ થયા હશે !

માનવી વિચારવંત પ્રાણી હોય કાળક્રમે કેટલીક વ્યક્તિઓમાં આ શંખના ધ્વનિને એક નિશાની તરીકે વાપરવાની શરૂઆત કરાવી હશે અર્થાત સૂર્યોદય થવાના સમયે શંખનો ધ્વનિ પ્રગટ કરી કબિલામાં વસવાટ કરનારાઓને સવાર થવાની જાણ કરવાનું શરૂ થયું બાદ સૂર્યાસ્ત થવાની વેળાએ પણ શંખને ફુંકી મોટા અવાજ વડે જાણ કરવાનું શરૂ કરવામાં આવ્યું કે જેથી ગાઢ જંગલમાં ખાધ્ય સામગ્રી શોધવા ગયેલી વ્યક્તિઓ રાત્રિનું અંધારુ ઉતરી આવે તે પહેલાં ઘર તરફ પ્રયાણ કરે અને સલામત સ્થળે પહોંચી જાય.

ઘડિયાળની શોધ પહેલાં સમય માપક કેટલાક સાધનોનો ઉપયોગ શરૂ થયેલો જોવા મળે છે, જેવા કે, સામસામી બે બોટલો ઉપર-નીચે રેતી ભરીને રાખવામાં આવતી અને જ્યારે ઉપર રાખેલી બોટલ ખાલી થાય ત્યારે એક કલાક થયો તેવી ગણત્રી કરવામાં આવતી. આ ઉપરાંત સમય જતા ઘડિયાળ શોધાયા બાદ તથા આ ઘડિયાળને લોકભોગ્ય બનવા હજુ વર્ષોની વાર હતી તે સમય દરમિયાન લોકોને સમયની જાણ કરવાની સુવિધાના હેતુ સાથે, અનેક શહેરો તથા ગામમાં ઊંચા ટાવરો બાંધી, જેમાં દરેક કલાકે મોટા અવાજે ડંકા વાગે તેવી સવલત અસ્તિત્વમાં આવી,. તો કેટલાક મંદિરોમાં પણ દર કલાકે મોટા અવાજ સાથે ડંકા વગાડવાનું શરૂ કર્યું, જેથી દર્શનાર્થીઓ સમયસર મંદિરે દર્શનનો લાભ લેવા પહોંચી શકે ! ( આવી જ ઢબે ઘડિયાળ નહિ હોવાને કારણે સમય સર ખુદાની બંદગી સર્વે મુસ્લીમો કરી શકે માટે સવાર-બપોર અને સાંજના મસ્જિદમાંથી મોટે અવાજે બાંગ પોકારવાની શરૂઆત કરવામાં આવી હોવાની સંભાવના હોઈ શકે છે. )

કાળક્ર્મે સમય જતાં માનવીએ ધાતુની શોધ કરી અને એક બીજી ધાતુ એક બીજા સાથે અથડાવતા નવા નવા ધ્વનિ પેદા કરવા લાગ્યા જેથી સમય જતાં શંખની સાથે આ ધાતુઓના અવાજો પણ ચોક્ક્સ સમયે કરવાનું શરૂ કર્યું.

અગ્નિ વિષેતો માનવીને જાણકારી હતી જ અને આ અગ્નિ જો યોગ્ય સંભાળ સાથે ના વપરાય તો દઝાડી/બાળી નાખવાની દહેશત રહેતી અને તેથી તેની સાચવણી ગામની ભાગોળે વસ્તીના વસવાટથી દૂર કરવામાં આવતી અને આવા સ્થળો કાળક્રમે મંદિરો તરીકે ઓળખાવા લાગ્યા. આ મંદ્દિરોમાં કેટલાક લોકોએ પોતાની કલ્પનાની મૂર્તિઓ બનાવી ને ઈશ્વર/ભગવાન મનાવવા લાગ્યા. ઉપરાંત અગ્નિને પણ અગ્નિદેવતા તરીકે ઓળખવામાં આવતા અને ઈશ્વરની અર્ચના કરવા માટે માનવીએ આ અગ્નિને જે એક સ્થળે સંગ્રહી રાખવામાં આવતો તેમાંથી થોડો અગ્નિ છૂટો પાડી અન્ય નાના સાધનોમાં નીકાળી પોતે જ બનાવેલી મૂર્તિઓ સમક્ષ ધરાવી ઈશ્વરની અર્ચના શરૂ કરી હોવી જોઈએ અને જેને કાળક્ર્મે આરતી જેવું નામાભિધાન કરવામાં આવ્યું હોવાની ભરપૂર સંભાવનાઓ રહે છે.
અગ્નિનો ઉપયોગ જંગલમાં ગયેલા લોકો, ઉપરાંત નદી અને સમુદ્રમાં માછીમારી કરવા જનારી વ્યક્તિઓને પણ, ઘર તરફ સમયસર પરત થવા અગ્નિ પ્રગટાવી જ્વાળાઓ અને ધુમાડા વડે સંકેતો અને દીશા સુચનો કરતા થયા હતા તો હવે સાથોસાથ ધાતુના અને શંખના અવાજો પણ ઉમેરાયા !

આદિ માનવ સલામત રહેઠાણ માટે ગુફામાં વસવાટ કરતો થયો હતો અને આ ગુફાઓમાં ઊંડે સુધી અંધકાર વ્યાપેલો રહેતો આથી અનેક મુશ્કેલીઓ અનુભવવી પડતી હોઈ તેના ઈલાજ રૂપે અગ્નિ વડે ગુફામાં પ્રકાશ ફેલાવવાની શરૂઆત કરી હશે. માનવી પોતે જ ગુફામાં ઊંડે સુધી રહેતો હોય કાળક્ર્મે માનવીએ જે ઈશ્વર માટેની કલ્પના કરી મંદિરો બનાવ્યા તે પણ આવા જ ગુફા શૈલીના બંધાયા. વળી અગ્નિના ડરે આ મંદિરો પણ વસાહતથી દૂર અર્થાત ગામની ભાગોળે કે ઊંચી ટેકરીઓ ઉપર બાંધવાનું પસંદ કર્યું. આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે ગામ/શહેરથી દૂર અથવા પર્વત/ટેકરી ઉપર અનેક મંદિરો આવેલા છે. ( આવા છેક ઊંડાણમાં પ્રભુની મૂર્તિ પધરાવેલી હોય તેવા મંદિરો દક્ષિણ ભારતમાં જોવા મળે છે જેમાં મંદિરના ગર્ભ સ્થળમાં જયાં મૂર્તિ હોય ત્યાં દીપક સિવાય કોઈ જાતનો પ્રકાશ ભાગ્યેજ નજરે પડે છે.)

ઈશ્વરની મૂર્તિના દર્શનાર્થીઓને સંપૂર્ણ દર્શન થઈ શકે તે માટે દિવસમાં સવાર-મધ્યાંહ અને સંધ્યા સમયે એક સાધનમાં અગ્નિ પ્રગટાવી મૂર્તિની ચોતરફ છેક નખથી શરૂ કરી મસ્તક સુધી અર્થાત છેક નીચેથી ઉપર સુધી આ સાધન ફેરવતા રહેવું પ્રયોજવામાં આવેલું હોય તેમ જણાય છે. આ સાધન જમણા હાથમાં પકડી જમણી તરફથી ડાબી તરફ વારંવાર ગોળાકાર ફેરવવામાં આવતું રહે છે કે જેથી મૂર્તિ ઉપર ચડાવેલા ફૂલ-હાર અને અન્ય શણગાર પણ દર્શનાર્થીઓ નીરખી શકે અને આ ક્રિયાને આરતી નામ આપવામાં આવ્યું હોય તેમ જણાય છે.

આ આરતી એક દીપકની હોય તો ક્યારે ક હજાર દીપકની પણ કરવામાં આવતી હોય છે.સામાન્ય રીતે આરતી સાત દીપકની હોય છે. મંદિરોમાં પ્રભુની બીજી બધી પૂજાવિધીઓ પૂર્ણ કર્યા બાદ આરતી કરવામાં આવતી હોય છે.

કાળક્ર્મે માનવી ચો-તરફ વિકાસ કરતો રહ્યો છે પરિણામે આ આરતીનું સ્વરૂપ પણ સમય પ્રમાણે બદલતું રહ્યુ છે. આ પરિવર્તન અનેક મંદિરોમાં થતી રીધમીક સ્ટાઈલથી થતી આરતી તો કેટલાક મંદિરોમાં ઓટોમેટિક ઢોલ-નગારા અને વિવિધ ઘંટારવ સાથે થતી આરતી તો અન્ય કેટલાકમાં કાન ફાડી નાખે તેવા વિવિધ સાધનોના અવાજો કે જે ઘોંઘાટ જ ગણી શકાય તેવા ઘોંઘાટીયા અવાજો સાથે થતી આરતીમાં જોઈ શકાય છે.

માનવીના વિકાસ સાથે માનવીમાં અંદરો અંદર મતભેદો પણ વધ્યા પરિણામે જુદા જુદા મંદ્દિરો અને સંપ્રદાયો અસ્તિત્વમાં આવતા પોતાની આગવી ઓળખ ઉભી કરવા આરતીના જુદા જુદા પ્રકારો ઉભા કર્યા. આ પ્રકારો મુખ્યત્ત્વે નીચે પ્રમાણે ગણી શકાય;-
સ્વામિનારાયણ સંપ્રદાયમાં, શિખર બંધ મંદિરમાં પાંચ વખત આરતી કરવામાં આવે છે. જયારે હરિમંદિર અને ઘરમંદિરમાં વિરાજમાન મહાપ્રભુની સવાર-સાંજ એમ બે આરતી કરવામાં આવે છે. પાંચ આરતી આ પ્રમાણે છે.

૧. મંગળા આરતી – સવારે મહાપ્રભુ જાગે ત્યારે
૨. શણગાર આરતી – બાળભોગ ધરાવી-દિવ્ય શણગારો કરીને
૩. રાજભોગ આરતી – બપોરે મહાપ્રભુને થાળ જમાડયા પછી
૪. સંધ્યા આરતી – સાંજે સંધ્યા સમયે
૫. શયન આરતી – રાત્રે શયન કરાવતી વખતે

જાણવા મળે છે તે પ્રમાણે જૈનો પણ આરતી કરે છે પરંતુ તેમની શૈલી અન્ય કરતા જુદી હોવાની સંભાવના રહે છે.

સામાન્ય રીતે આરતીનો અર્થ- આરતી કરનાર પ્રભુના સ્મરણ સાથે પ્રભુનું ભાવભર્યું સ્વાગત કરે છે. આરતીમાં પ્રગટાવાતી જ્યોત વડે ભક્ત ઈશ્વરને પ્રાર્થે છે કે, હે પ્રભુ ! આ આરતીની જ્યોત મારાં જીવનમાં દિવ્યગુણો પ્રગટાવે અને મોહ-માયાના અંધકારને દૂર કરી જ્ઞાનનો દીપક પ્રગટાવે !

આરતી કરતી વખતે શંખનાદ-ઢોલ-નગારા-ઝાલર અને ઘંટ વગેરે વગાડવામાં આવે છે. આરતી ઉતારનાર પોતાના એક હાથમાં ઘંટડી રાખી વગાડે છે કે, જેથી પ્રભુમય એકાગ્રતા ઉદભવે અને એક ચિત્તે પ્રાર્થના દ્વારા પ્રભુ સમક્ષ સમર્પણનો ભાવ પ્રગટી શકે. પહેલાનાં સમયમાં એમ માનવામાં આવતું કે આરતી માત્ર બ્રહ્મચારી અથવા સાધુ-સંતો કે મંદિરના પૂજારી જ કરી શકે જ્યારે હવે કોઈપણ ગૃહસ્થ કે મહિલા સ્નાનાદિથી પરવારી શુધ્ધ અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી આરતી કરી શકે છે.

આરતી મંદિરમાં પ્રભુ સમક્ષ કરવામાં આવતી વિશિષ્ટ વિધી છે. આ ઉપરાંત કેટલાક પરિવારોમાં પ્રથમ વખત ગૃહમાં પ્રવેશતી નવવધૂની આરતી ઉતારવામાં આવે છે તો કેટલાક પરિવારોમાં શુભ પ્રસંગોએ પરિવારના વડા અર્થાત વડિલોની આરતી ઉતારવાની તથા સદગુરૂની આરતીપણ ઉતારવામાં આવતી જોઈ શકાય છે. આ રીતે આરતીને એક ધાર્મિક ક્રિયા જ ગણી શકાય !

અંતમાં દૂર જંગલોમા કે સમુદ્ર/નદીમાં ખાધ્ય સામગ્રી શોધવા ગયેલા લોકોને સમયની જાણ થાય અને અંધકારના ઓળા ઉતરી આવે તે પહેલાં સલામત રીતે ઘેર પરત થઈ શકે તે માટે ઉભી કરેલી આ યુક્તિ સમયના વહેવા સાથે કાળક્ર્મે ઈશ્વર સમક્ષ કરવામાં આવતી આરતી સ્વરૂપ ધારણ કર્યું તેમ જણાય છે.

32 comments

 1. ઋગ્વેદાદિ ચાર મંત્ર સંહિતાઓ વિશ્વનું સર્વાધિક પ્રાચીન સાહિત્ય છે. એ વાતનો સ્વીકાર પ્રો. મેક્સમૂલર જેવા પાશ્ચાત્ય વિદ્વાને પણ અન્તતઃ કર્યો છે. મહર્ષિ દયાનંદ સરસ્વતીની “ઋગ્વેદાદિભાષ્યભૂમિકા” માં વેદોની પ્રાચીનતા તથા તત્ સંબંધી અન્ય વિષયો પર સપ્રમાણ – તાર્કિક વિવેચના જોઈ શકાય છે. તેમણે આર્યોના પુરાતન શાસ્ત્રોના આધારે સિદ્ધ કર્યું છે કે વેદ-પ્રકાશ થયાને ૧,૯૬,૦૮,૫૩,૧૧૧ (ઈસ ૨૦૧૧માં) વર્ષ થયાં છે ! વેદો ઈશ્વરીય જ્ઞાન છે.

  આ વેદોમાં (તથા ઉપનિષદ્, મનુસ્મૃતિ, દર્શન શાસ્ત્રો આદિ અન્ય વૈદિક ગ્રંથોમાં પણ) ઈશ્વરને નિરાકાર જ પ્રતિપાદિત કરવામાં આવ્યા છે. “ઈશ્વર સાકાર અથવા દેહધારી છે” – એ તો પૌરાણિક (મધ્યયુગીન અર્થાત્ લગભગ ત્રણ-ચાર હજાર વર્ષ પૂર્વેની – મહાભારતકાળ બાદની) મિથ્યા ધારણા છે. આર્ય લોકો તો નિરાકાર પરમાત્માની જ ઉપાસના કરતા હતા. પાશ્ચાત્યોની દૃષ્ટિએ ન જોઈ વૈદિક ઋષિઓ તથા યાસ્ક, દયાનંદ આદિ વેદ મર્મજ્ઞ મનીષીઓની દૃષ્ટિએ વેદોને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ.

  આથી હું એ વાત સાથે સંમત થઈ શકતો નથી કે – “નિરાકાર, સર્વશક્તિમાન, સર્વવ્યાપક આદિ ગુણ યુક્ત ઈશ્વર ૨૫૦૦-૩૦૦૦ વર્ષની ઉંમરનો છે.” હકીકત તદ્દન વિપરિત છે.

  માત્ર ઈશ્વર જ નહિ, બલ્કે પ્રત્યેક પદાર્થ “સગુણ” = કેટલાક ગુણોથી યુક્ત અને “નિર્ગૂણ” = કેટલાક ગુણોથી રહિત હોવાનો જ. ઈશ્વરમાં અનંત જ્ઞાન, આનંદ, દયા, ન્યાય, સર્વવ્યાપકત્વ આદિ ગુણો છે, માટે તે સગુણ છે; જ્યારે રૂપ, આકાર, રંગ, શરીર, જન્મ, મરણ, વજન, અજ્ઞાન, અંત (સીમા), રાગ, દ્વેષ, અન્યાય આદિ ગુણોનો તેમાં અભાવ છે, આથી તે નિર્ગુણ છે. આમ ઈશ્વર સગૂણ અને નિર્ગુણ બંને છે. હા, તે સદૈવ નિરાકાર છે, સાકાર નથી. આવું તમામ અસ્તિત્વ ધરાવતી વસ્તુઓ માટે છે.

  નિર્ગુણ એટલે નિરાકાર અને સગુણ એટલે સાકાર એ ધારણા જ મિથ્યા છે.

  = ભાવેશ મેરજા

  Like

  1. પ્રિય ભાવેશભાઈ,
   ભારતીય આર્યોનાં પુરાતન શાસ્ત્રોમાં ઋગ્વેદ સૌથી પ્રાચીન છે. પારસીઓનો (એટલે કે ઇરાની આર્યોનો) અવેસ્તા ગ્રંથ એના કરતાં પ્રાચીન છે. ઋગ્વેદનો સમ્ય નક્કી કરવામાં આના કરતાં પન કયાં પુરાતન શાસ્ત્રોનો ઉપયોગ થયો હશે તે વિશે વધારે લખ્યું હોત તો જાણવા મળત.
   ઋગ્વેદના દેવો ભારતીય આર્યોના પૂર્વજોના પ્રત્યક્ષ દેવ હતા. નિરાકાર નહી. કાં તો એ માનવી હતા અથવા પ્રકૃતિનાં તત્વોનાં પ્રતીક હતા.
   પદાર્થ માત્ર સગુણ હોય, નિર્ગુણ નહીં. નિર્ગુણ હોય તે પદાર્થ ન હોય. ઈશ્વરનું વર્ણન
   “નેતિ નેતિ”થી થાય છે. એટલે કે એ અવ્યાખ્યેય, અવર્નનીય છે. એ જો સગુણ હોય તો એનામ લક્ષણોનું વર્નન થઈ શકે. ઉપનિષદોએ એને નિર્ગુણ બનાવ્યો પણ ભક્તોએ એન ફરી સગુણ બનાવ્યો. ગુણનો અર્થ અહીં ’લક્ષણ કે ખાસિયત(Attributes) કરવાનો છે. – ગુણ-અવગુણના અર્થમાં નહીં શંકરાચાર્યથી પહેલાંના અને તે પછીના બધા ચિંતકોએ આ જ અર્થ લીધો છે. નિરાકાર હોય તે નિર્ગુણ જ હોય. .

   Like

   1. ચાર વેદોથી પુરાતન કોઈ ગ્રંથ નથી. ગંગાપ્રસાદ કૃત “Fountain Head of Religions” પુસ્તક દ્રષ્ટવ્ય છે. કોઈ વેબ પર વાંચવા મળી શકે તેમ છે.

    ચારે વેદમાં કોઈ માનવીય ઇતિહાસ વર્ણિત નથી. તેમાં માત્ર જ્ઞાન-વિજ્ઞાન છે. વેદ-પ્રાગટ્ય બાદ માનવીય ઇતિહાસ ક્રમ ચાલ્યો. વેદમાં કોઈ દેશ, વ્યક્તિ કે રાષ્ટ્ર વિશેષનો ઉલ્લેખ નથી.

    વૈદિક સંજ્ઞા “દેવ”ના અનેક ધાતુજ અર્થ છે. વિદ્વાનોનું નામ પણ દેવ છે.

    જે પદાર્થમાં કોઈ જ ગુણ ન હોય તો તેની સત્તાની સિદ્ધિ શી રીતે થઈ શકે?

    ઈશ્વરના વર્ણનમાં“નેતિ નેતિ” નું પ્રયોજન એ બતાવવાનું છે કે આ-આ ગુણ ઈશ્વરમાં નથી, આ વસ્તુઓથી ઈશ્વર ભિન્ન છે. તેનો અર્થ એ નથી કે ઈશ્વરમાં કોઈ જ ગુણ નથી.

    જો ઈશ્વર વસ્તુતઃ અવર્ણનીય હોય તો વેદ, ઉપનિષદાદિ વૈદિક શાસ્ત્રોમાં તેનું વિશદ વર્ણન થયેલ જોવા મળે છે, તે શું મિથ્યા છે ?

    નિરાકાર પદાર્થ પણ સગુણ હોય છે – આ સત્ય સમજવામાં જ કલ્યાણ છે.

    = ભાવેશ મેરજા

    Like

    1. શ્રી ભાવેશભાઇ, તમારો વિગતવાર જવાબ વાંચ્યો. અહીં મારી સમજ પ્રમાણે મારા વિચારો રજૂ કરૂં છું:
     તમારૂં વિધાન:
     ચાર વેદોથી પુરાતન કોઈ ગ્રંથ નથી. ગંગાપ્રસાદ કૃત “Fountain Head of Religions” પુસ્તક દ્રષ્ટવ્ય છે. કોઈ વેબ પર વાંચવા મળી શકે તેમ છે.
     મારો પ્રતિભાવ:
     વેદો સૌથી પ્રાચીન છે એ વાત નિર્વિવાદ છે. આમાં પણ ઋગ્વેદની પ્રાચીનતા તો સિદ્ધ થયેલી છે. બીજા વેદો ઋગ્વેદ જેટલા પ્રાચીન નથી. આર્યો ભારતમાં આવ્યા તે પછી સપ્તસિંધુના પ્રદેશમાં ઋગ્વેદની રચના થઈ. પહેલા મંડળના પહેલા જ મંત્રમાં એ વાત સ્પષ્ટ થાય છે કે ઋષિઓ, એમના પ્રાચીન પૂર્વજોની જેમ જ નવેસરથી મંત્રરચના કરવા લાગ્યા હતા. અવેસ્તા એનાથી પ્રાચીન છે. બન્નેની તુલના કરીને વિદ્વાનો આ તારણ પર પહોંચ્યા છે. એમ છતાં અવેસ્તાનું સંકલન બહુ પાછળથી થયું છે. ઋગ્વેદનું દસમું મંડળ પણ પહેલા મંડળ જેટલું પ્રાચીન નથી.એમાં વિષયવસ્તુ સંબંધી ઘણું અંતર આવેલું જોવા મળે છે.
     તમારૂં વિધાન:
     ચારે વેદમાં કોઈ માનવીય ઇતિહાસ વર્ણિત નથી. તેમાં માત્ર જ્ઞાન-વિજ્ઞાન છે. વેદ-પ્રાગટ્ય બાદ માનવીય ઇતિહાસ ક્રમ ચાલ્યો. વેદમાં કોઈ દેશ, વ્યક્તિ કે રાષ્ટ્ર વિશેષનો ઉલ્લેખ નથી.
     મારો પ્રતિભાવ:
     ભારતના કોઇ પણ શાસ્ત્રમાં માનવીય ઇતિહાસ વર્ણિત નથી અને ઋગ્વેદની સ્થિતિ પણ એવી જ છે. પરંતુ એનો અર્થ એ નથી થતો કે એમાંથી માનવીય સમાજનું ચિત્ર પણ મળી ન શકે. અને મળે પણ છે. એમાંથી જ્ઞાન-વિજ્ઞાન ઉપરાંત સામાજિક સ્થિતિનું પણ ચિત્ર મળે છે. અને જ્ઞાન જ્ઞાતાની અનુપસ્થિતિમાં ન હોય. અને હોય તો એ છે એમ જાણનાર કોણ? જાણનાર અને જાણવાનો પદાર્થ એ બન્નેની હાજરી જરૂરી છે. વેદ-પ્રાગટ્ય બાદ માનવીય ઇતિહાસ ક્રમ ચાલ્યો એમ ન બની શકે. લેખિત ઇતિહાસ નહોતો એ માની શકાય. ઋગ્વેદમાં દેશ, વ્યક્તિ કે રાષ્ટ્ર વિશેષનો ઉલ્લેખ નથી એમ પાકે પાયે ન કહી શકાય. એમાં સાત નદીઓનાં નામો છે એનાપરથી પ્રદેશ ઓળખાય છે. પુરુ, યદુ, તુર્વસુ વગેરે વ્યક્તિઓ અથવા જાતિસમૂહોનાં નામો પણ છે. દેવતાઓનાં નામો પણ છે જ.તે ઉપરાંત, રુશમ દેશના રાજાએ અમને ઘોડા આપ્યા, એવો પણ ઉલ્લેખ છે. સપ્તસિંધુથી એમની આગેકૂચના સંકેત પણ મળે છે અને એકવીસ નદીઓનાં નામો છે. સોમલતા મૌજવન (મુંજ ઘાસ થતું હોય એવા) પર્વત પર હાથ લંબાવીને તોડી શકાય એતલી ઊંચાઈએ મળતી એવો પણ ઉલ્લેખ છે. તે પછી સોમલતા દુર્લભ બની અને યઞ્જમાં ગૃહિણીઓ જે ફળનો રસ બનાવે તેને ’સોમરસ’ ના આપે એવું પણ લખેલું છે. સ્વાત્સુ, કુભા વગેર્ર નદીઓ આજના અફઘાનિસ્તાનનો સંકેત આપે છે. હા, આર્યસમાજ પ્રેરિત અનુવાદો અને અર્થઘટનોમાં ઇન્દ્ર વગેર દેવતાઓ અને નદીઓને પણ અમૂર્ત બનાવી દેવાયાં છે.
     તમારૂં વિધાન:
     વૈદિક સંજ્ઞા “દેવ”ના અનેક ધાતુજ અર્થ છે. વિદ્વાનોનું નામ પણ દેવ છે.
     મારો પ્રતિભાવ:
     ખાંડણી-દસ્તો પણ આમાં આવી જાય છે. કોઈ પણ સુક્તનું મુખ્ય વિષયવસ્તુ હોય તેનો નામોલ્લેખ ’દેવતા’ તરીકે થયો છે. તે સાથે રચનાકાર ઋષિઓનાં નામો (આજની ભાષામાં કહીએ તો ’ઘરાના’) પણ તે સાથે જ અલગ આવે છે.
     તમારૂં વિધાન:
     જે પદાર્થમાં કોઈ જ ગુણ ન હોય તો તેની સત્તાની સિદ્ધિ શી રીતે થઈ શકે?
     મારો પ્રતિભાવ:
     સાચી વાત છે. પદાર્થ સગુણ (સત્વ, રજ, તમ) જ હોય. ઈશ્વર પદાર્થ નથી એને પરાત્પર માનવામાં આવે છે. પદાર્થથી પર અને પરથી પણ પર. ગીતા કહે છે કે ” ત્રૈગુણ્ય વિષયા વેદા:, નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન” (વેદો તો ત્રણ ગુણથી યુક્ત છે, હે અર્જુન, તુમ ત્રણ ગુણ રહિત બન).
     તમારું વિધાન:
     ઈશ્વરના વર્ણનમાં“નેતિ નેતિ” નું પ્રયોજન એ બતાવવાનું છે કે આ-આ ગુણ ઈશ્વરમાં નથી, આ વસ્તુઓથી ઈશ્વર ભિન્ન છે. તેનો અર્થ એ નથી કે ઈશ્વરમાં કોઈ જ ગુણ નથી.
     મારો પ્રતિભાવ:
     માફ કરશો, ’નેતિ નેતિ’નું પ્રયોજન એ દેખાડવાનું છે કે કોઈ એક નિશ્ચિત ’ગુણ’ (લક્ષણ) દ્વારા એનું વર્ણન ન થઈ શકે. જે કહે કે હું ઇશ્વરને જાણું છું તે નથી જાણતો; અને જે કહે કે હું નથી જાણતો, તે જાણે છે કારણ કે એને જાણવા માટેનાં સાધનો મનુષ્ય પાસે નથી. ઈશ્વરમાં બધા જ ગુણ છે.અને એ રીતે એ ત્રણેય ગુણથી પર છે. બધા આકારોથી પાર છે. એ ગોળ છે તો ચોરસ પણ છે. તમે કહો કે એ ગોળ છે તો જવાબ છે ’નેતિ નેતિ’. તમે એને ચોરસ કહો તો જવાબ છે ’નેતિ નેતિ’. એનું વર્ણન કરવાના બધા પ્રયત્નો અધૂરા નીવડશે એવો ’નેતિ નેતિ’નો અર્થ છે.
     તમારૂં વિધાન:
     જો ઈશ્વર વસ્તુતઃ અવર્ણનીય હોય તો વેદ, ઉપનિષદાદિ વૈદિક શાસ્ત્રોમાં તેનું વિશદ વર્ણન થયેલ જોવા મળે છે, તે શું મિથ્યા છે ?
     મારો પ્રતિભાવ:
     વેદનો ઈશ્વર વર્ણનીય છે (એમાં ખરેખર તો અનેક દેવતાઓ છે, એક ઈશ્વર નથી) આ વર્ણન મિથ્યા છે કે નહીં એ સવાલ નથી. પાછળના સમયમાં એ કલ્પના બદલાઇ ગઈ. ઋગ્વેદ પછીના સમયમાં (વેદાંતમાં – જેમાં હું ઋગ્વેદના દસમા મંડળનો પણ સમાવેશ કરૂ છું) એક સર્વોચ્ચ તત્વની કલ્પના વિકસી. ઉપનિષદો ઈશ્વરની કલ્પનાથી ઉપર ગયાં છે અને બ્રહ્મની અવધારણા રજૂ કરી છે. ઉપનિષદમાંથી ઈશ્વરના વર્ણનનું કોઈ ઉદાહરણ આપ્યું હોત તો સમજવામાં સરળતા રહેત.
     તમારૂં વિધાન:
     નિરાકાર પદાર્થ પણ સગુણ હોય છે – આ સત્ય સમજવામાં જ કલ્યાણ છે.
     મારો પ્રતિભાવ:
     નિરાકાર પદાર્થનું ઉદાહરણ આપશો. એ જો પદાર્થ હશે તો આ દુનિયાનો જ હશે.
     (મારો મૂળ મુદ્દો એ હતો કે સર્વવ્યાપી, સર્વાંતર્યામિ ઈશ્વર (એટલે કે એવી કલ્પના) અઢી-ત્રણ હજાર વર્ષનો છે. આપણી ચર્ચા ત્યાંથી શરૂ થઈ છે).

     Like

    2. – ચારેય વેદોનો પ્રકાશ સૃષ્ટિના આરંભમાં થયેલ છે – કોઈ વેદ બીજા વેદ કરતાં નવીન કે પ્રાચીન નથી. વેદોમાં ચારેય વેદોનો ઉલ્લેખ આવે છે.

     – માનવની પ્રથમ અમૈથુની સૃષ્ટિ હાલ જ્યાં તિબેટ છે ત્યાં થઈ હતી. ત્યાંથી આર્યો અહીં આવીને વસ્યા. તે અગાઉ અહીં કોઈ જ વસતું ન હતું. આર્યોએ પોતાના દેશનું નામ “આર્યાવર્ત” પાડ્યું.

     – ઋષિઓ મંત્ર દૃષ્ટા હતા, મંત્ર કર્તા નહિ. સ્વામી દયાનંદની વાતમાં રસ ન પડતો હોય તો કમ સે કમ શ્રી અરવિંદને આ બાબતે વાંચી લેશો.

     – અવેસ્તા વેદથી પ્રાચીન છે – એ તમારી વાત સાથે હું બિલકુલ સંમત નથી. માફ કરશો.

     – ઋગ્વેદનું દસમું મંડળ પણ પહેલા મંડળ જેટલું જ પ્રાચીન છે. પાશ્ચાત્યોનું અંધાનુકરણ ત્યજી વાતને સમજવી રહી.

     – વેદોના તમામ શબ્દો યૌગિક છે. તેના આધારે બાદમાં સંસારમાં અનેક પદાર્થો તથા વ્યક્તિઓનાં નામ પાડવામાં આવ્યાં છે.

     – દ્રવ્ય, ગુણ, કર્મ આદિની પરિભાષા માટે વૈદિક દર્શનો સમજવા આવશ્યક છે. નહિ તો વાત નહિ સમજાય. ઈશ્વર અને આત્મા (જીવાત્મા)ની ગણના પણ “દ્રવ્ય”માં જ કરવામાં આવે છે. માટે ઈશ્વર પણ એક વસ્તુ = પદાર્થ = ચીજ છે.

     – ગીતામાં “ત્રૈગુણ્ય વિષયા વેદા:, નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન” કહી વેદોની એક પ્રકારે નિંદા જ કરવામાં આવી છે. કારણ કે વેદોમાં પરા તથા અપરા – ભૌતિક તથા આધ્યાત્મિક બંને પ્રકારનું જ્ઞાન છે.

     – “જે કહે કે હું ઇશ્વરને જાણું છું તે નથી જાણતો; અને જે કહે કે હું નથી જાણતો, તે જાણે છે કારણ કે એને જાણવા માટેનાં સાધનો મનુષ્ય પાસે નથી.” – જો આમ હોય તો તેનો અર્થ એ થયો કે ઈશ્વરને જાણનાર વ્યક્તિ મિથ્યા-ભાષણ કરે છે. શું મિથ્યા-ભાષણ કરનાર ઈશ્વર-સાક્ષાત્કાર કરી શકે? યોગદર્શનમાં સત્યનો સમાવેશ “યમ”માં કરવામાં આવ્યો છે.

     – “નેતિ નેતિ’ થકી ઈશ્વરનું સ્વરૂપ જ્ઞાન કરાવવાનું પ્રયોજન છે. ઈશ્વરના સ્વાભાવિક ગુણોનો નિષેધ નથી.

     – ચારેય વેદ વિશુદ્ધ એકેશ્વરવાદી છે. સમજણનો ફેર છે.

     – ઈશ્વર, બ્રહ્મ, પરમાત્મા, પરમેશ્વર, પ્રભુ, પરબ્રહ્મ આદિ શબ્દો સામાન્યતઃ પર્યાયવાચક છે. નવીન વેદાંતીઓની લીલા ભિન્ન વાત છે. ઉપનિષદોમાં પણ એ જ પરમાત્માનું વર્ણન છે, જેનો નિર્દેશ વેદોમાં અનેકત્ર કરવામાં આવ્યો છે. ઈશ, કેન, કઠ વગેરેમાં સર્વવ્યાપક નિરાકાર બ્રહ્મની જ મીમાંસા કરવામાં આવી છે. “સ પર્યગાત્ શુક્રમ્ અકાયમ્…” વગેરે મંત્ર દ્રષ્ટવ્ય છે.

     – ઈશ્વર, જીવાત્મા આદિ પદાર્થો નિરાકાર છે.

     જો આપ ચાહો તો હું આપને સ્વામી દયાનંદનું “ઋગ્વેદાદિભાષ્યભૂમિકા” નામનું પુસ્તક ભેટ રૂપે મોકલી આપું, જેથી આપ વૈદિક ઋષિઓનો વેદ સંબંધી દ્રષ્ટિકોણ સારી રીતે સમજી શકશો. આપનું સરનામું જણાવશો. બ્લોગ પર આવા વિવાદાસ્પદ મુદ્દાની ચર્ચા સંતોષજનક થઈ શકતી નથી.

     = ભાવેશ મેરજા

     Like

    3. શ્રી ભાવેશભાઇ,
     આપણે ’આરતી’ વિશેની મૂળ ચર્ચાના પાતળા સુત્રના આધારે લાંબી યાત્રા કરી લીધી છે. આવા મુદ્દાઓની ચર્ચા બ્લૉગ પર ન થઈ શકે એ સાથે સંમત છું. શ્રી અરવિંદભાઇનો કદાચ આપણે ગેરલાભ લઈએ છીએ, પણ આવી ચર્ચા માટે એમણે પ્લેટફૉર્મ ખુલ્લું રાખ્યું છે તે બદલ એમનો આભાર માનીએ.
     તમારા સૂચન મુજબ શ્રી ગંગાપ્રસાદજીનું પુસ્તક જોઈ ગયો. ખાસ કરીને જરથોસ્તી ધર્મ વિશેનું પાંચમું પ્રકરણ વાંચ્યું કારણ કે અવેસ્તાનો ઉલ્લેખ એમાં જ મળે. ઋગ્વેદ અને અવેસ્તા વચ્ચેની સમાનતામાં તો શંકા છે જ નહીં. મેં પહેલાં પણ કહ્યું છે કે ઋગ્વેદ પ્રાચીનતમ ગ્રંથ છે એ સર્વમાન્ય છે. અવેસ્તા વિશે દુનિયાને પછીથી જાણવા મળ્યું છે પરંતુ એની ભ્હાષાને વિદ્વાનો વધારે પ્રાઅચીન માને છે. શ્રી ગંગાપ્રસાદજી પણ ઋગ્વેદ અને અવેસ્તા આર્યોની બે બોલીઓના ગ્રંથો હોવાનું કહે છે અને આના સમર્થનમાં એમણે પાશ્ચાત્ય વિદ્વાનોને ટાંક્યા પણ છે. આ સંદર્ભમાં તમારી ટકોર કે “પાશ્ચાત્યોનું અંધાનુકરણ ત્યજીને વાત સમજવી રહી” અસ્થાને જણાય છે. એનો અર્થ એ થશે કે મારે પાશ્ચાત્ય વિદ્વાનોને ન વાંચવા કે એમને આધારભૂત ન માનવા.
     આમ પણ આપણે અત્યારે બધી જ પાશ્ચાત્ય ટેકનોલોજીનો ઉપયોગ તો કરીએ જ છીએ. ટેકનોલોજી પણ વિચારમાંથી જ જન્મે છે. ઇંટરનેટ એ જ છે, એટલું જ નહીં પણ એના પર માલિકી હક પણ ભારતનો નથી.આમ છતાં હું અને તમે બેધદક એનો ઉપયોગ કરીએ છીએ. આ સંજોગોમાં ્પાશ્ચાત્યો વિરૂદ્ધનો તમારો આક્રોશ સમજવા માતે કદાચ વિશેષ પ્રયત્નો. કરવા પડશે. 1927 સુધીના વિઞ્જાનના વિકાસ અંગે શ્રી ગંગાપ્રસાદજી કહે છે કે વિઞ્જાને જે કઈં નવું શોધ્યું છે તે બધું વેદોમાં છે જ. જો કે કમ્ય઼ુનિકેશનનાં આવાંઈંટરનેટ જેવાં માધ્યમો શોધાશે એવી કોઈ સંભ્હાવના એમાં દર્શાવી નથી. પાશ્ચાત્યોની બાબતમાં આપણે જે દંભી વલણ અપનાવ્યું છે તે છોડવું જોઈએ. સ્વામી દયાનંદજી તો ક્રાન્તિકારી હતા. એમણે તો દંભ અને પાખંડ સામે જ અવાજ ઉઠાવ્યો હતો ને?
     વેદો એક અબજ છન્નુ કરોડ વર્ષ જૂના છે અને એ બાબતમાં ચારેય વેદો એક જ સમયના છે એ પણ તમારા માટે શ્રદ્ધાનો જ વિષય છે. આ મુદ્દા પર વધારે ચર્ચા કરવાનો હું અર્થ નથી જોતો. હંમેશાં એકની શ્રદ્ધા બીજા માટે અંધશ્રદ્ધા બની જતી હોય છે. સનાતનીઓ માટે મૂર્તિપૂજા શ્રદ્ધાનો વિષય છે પણ આર્યસમાજીઓની નજરે એ અંધશ્રદ્ધા છે. એમની શ્રદ્ધાઓની બાબતમાં પણ એ જ વાત લાગુ પડે છે.
     વેદના બધા શબ્દો ’યૌગિક’ (Derivative) એ સાચું હોય તો પણ જે પ્રત્યક્ષ શબ્દ હોય -જે એનો નામ તરીકે ઉપયોગ કરતી હોય તે વ્યક્તિ પણ યૌગિક ન બની જાય. ’ભાવેશ’ કે ”દીપક’ માત્ર નામ અથવા શબ્દ રૂપે તો અસ્તિત્વમાં નથી; બે પ્રત્યક્ષ વ્યક્તિઓ છે. એટલે ’એક ઈશ્વર’ માટે ઇન્દ્ર. અગ્નિ, મિત્ર, વરુણ આ્ટલાં બધાં નામોનો પ્રયોગ થયો એમ માનીએ તો પણ એ નામની વ્યક્તિઓ હતી જ નહીં અને ઋષિઓએ ઘડેલાં જુદાંજુદાં નામો જ છે એમ માનવાને કારણ નથી દેખાતું.
     “ત્રૈગુણ્ય વિષયા વેદા:…”વાળો શ્લોક મેં ટાંક્યો હતો એના વિશે તમે સ્વીકાર કર્યો છે કે ગીતાએ આ શ્લોકમાં વેદની નિંદા કરી છે. મારો ખ્યાલ છે કે ગીતામાં ઘણા એવા શ્લોકો મળી જશે (જેની સંખ્યા 80-90 સુધી પહોંચે તો નવાઈ નહીં). કારણ કે ઋગ્વેદના દસમા મંડળના સમયથી સામાજિક સ્થિતિ બદલાવા લાગી હતી. વેદાંતનો વિકાસ એ સમયે થયો. તમે કઠ, કેન આદિનો ઉલ્લેખ કર્યો છે તે બરાબર છે. ઉપનિષદોમાં અમૂર્ત વિષયોની ચર્ચા છે, એ બાબતમાં હું સંમત છું.
     ઈશ્વર પણ દ્રવ્ય હોય તો કશું કહેવાનું નથી રહેતું. એ દ્રવ્ય રૂપે એ કાલાબાધિત ન હોઈ શકે અને પરિવર્તનશીલ હોય. સગુણ જ હોઈ શકે. એનું અપરિસીમિત હોવું પણ માત્ર મા્ણસની અવિકસિત શક્તિઓના સંદર્ભમાં જ સાચું હોઈ શકે.
     મને એ ગમ્યું કે તમે પણ માનો છો કે આર્યો બહારથી આવ્યા. એક વર્ગ આ પણ માનવા તૈયાર નથી. તિલક મહારાજે કહ્યું કે આર્યો ઉત્તર ધ્રુવથી આવ્યા. હવે એમની વાત કાપી તો ન શકાય એટલે આવાં તત્વોએ પ્રચારિત કરી દીધું કે ઉત્ત્રર ધ્રુવ જ ભારતમાં હતો!
     તમે લખ્યું છે કે “સ્વામી દયાનંદની વાતમાં રસ ન પડતો હોય તો કમ સે કમ શ્રી અરવિંદને આ બાબતે વાંચી લેશો” -આ બન્ને મહાન વિભૂતિઓના સાહિત્યમાં ચાંચ ડુબાડવાની જેટલી તક મળી એટલી લીધી જ છે. જ્યાંથી જેટલું મળી શકે એટલું લેવું જોઈએ, પણ ’માનવુ” અને ’સમજવુ” વચ્ચે અંતર છે એ તો તમે પણ જાણો છો.

     My email” dipak.dholakia@gmail.com
     Mobile: )9818848753
     Residence B-48/G-2 Dilshad Garden, Delhi. 110095

     Like

 2. આરતીની શરૂઆત મૂર્તિપૂજાની સાથે સંકળાયેલ બાબત છે. જ્યારથી લોકો પરમાત્માના યથાર્થ નિરાકાર – સર્વવ્યાપક સ્વરૂપને ભૂલીને કાલ્પનિક જડ મૂર્તિઓને જ ઈશ્વર માનવા લાગ્યા ત્યારથી આવા વિભિન્ન સ્થૂળ ક્રિયાકલાપોને પ્રશ્રય મળવા લાગ્યું છે. ઈશ્વરની આરતી નથી થતી, જડ – જ્ઞાનશૂન્ય મૂર્તિઓની આરતી થાય છે. “ઓમ્ જય જગદીશ હરે…” આ પ્રસિદ્ધ આરતી રચનાર પં. શ્રદ્ધારામ ફિલ્લોરી વાસ્તવમાં નાસ્તિક વ્યક્તિ હતી, એ વાત તેમના મરણોપરાંત પ્રકાશિત થયેલ એક પુસ્તકમાં તેમણે સ્વયં કહી છે ! આરતીના બદલે અગ્નિહોત્ર = હવનની ક્રિયા કરવી હોઈએ – એ પણ જ્ઞાન અને વિધિપૂર્વક, જેથી કોઈ પ્રકારે પ્રદૂષણ ન ફેલાય અને વાયુમંડળ શુદ્ધ થાય, વેદ મંત્રોને કંઠસ્થ કરી તેના પર મનન કરવામાં આવે, તદનુસાર વ્યવહાર કરવામાં આવે. ઘણા એમ સમજે છે કે હવનમાં ભૌતિક અગ્નિની પૂજા કરવામાં આવે છે. પૂજાનો અર્થ યથાયોગ્ય વ્યવહાર થાય છે. હવનમાં ભૌતિક અગ્નિનો પ્રદૂષણ નિવારણ માટે સદુપયોગ થવો જોઈએ. તો જ સાર્થક છે. જડ ભૌતિક અગ્નિ ચેતન પરમાત્મા નથી. બંનેનો ભેદ સમજવો જોઈએ. આરતીમાં સમય અને દ્રવ્યનો નાશ શા માટે કરવો જોઈએ ?
  = ભાવેશ મેરજા

  Like

  1. ભાઈશ્રી ભાવેશ
   આપનો અભ્યાસપૂર્ણ પ્રતિભાવ વાંચી આનંદ થયો. મને પણ થોડું જાણવા મળ્યું આભાર ! ફરીને પણ પધારતા રહેજો અને પ્રતિભાવ દ્વારા પ્રોત્સાહિત કરતા રહેશો !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

  2. પ્રિય ભાવેશભાઇ,
   તમે લખો છો: “આરતીની શરૂઆત મૂર્તિપૂજાની સાથે સંકળાયેલ બાબત છે. જ્યારથી લોકો પરમાત્માના યથાર્થ નિરાકાર – સર્વવ્યાપક સ્વરૂપને ભૂલીને કાલ્પનિક જડ મૂર્તિઓને જ ઈશ્વર માનવા લાગ્યા ત્યારથી આવા વિભિન્ન સ્થૂળ ક્રિયાકલાપોને પ્રશ્રય મળવા લાગ્યું છે”
   મારો પહેલો પ્રતિભાવ વાંચી જવા વિનંતી છે. માણસના વિચાર મૂર્ત પરથી અમૂર્ત તફ જાય, અમૂર્ત પરથી મૂર્ત પર નહીં. ’માણસ’ને જોઈએ તે પછી ’માણસ’ એવો ખ્યાલ બંધાય. એટલે નિરાકાર સ્વરૂપના ખ્યાલથી પહેલાં માણસ માત્ર પ્રકૃતિનાં તત્વોમાં શક્તિ જોતો હતો અને એ શક્તિના સંચાલકને પ્રણામ કરતો હતો. એટલે, નિરાકાર સ્વરૂપ પછી આવ્યું, પહેલાં નહીં. ઇતિહાસ જોતાં પણ સમજી શકાશે કે નિરાકાર, સર્વશક્તિમાન, સર્વવ્યાપક, સ્રર્વાતર્યામિ ઇશ્વર ૨૫૦૦-૩૦૦૦ વર્ષની ઉંમરનો છે(એટલે કે એવા ઇશ્વરની અવધારણા માત્ર એ ઉંમરની છે). આરતી આ સગુણ ઇશ્વરની સેવા છે, જે નિર્ગુણથી પહેલાં હતો.. સામાન્ય માણસ તો નિરાકારને સમજી નથી શકતો.

   Like

 3. શ્રી અરવિંદભાઈ
  ખૂબ જ અભ્યાસપૂર્ણ અને મનનથી લખેલ લેખ ગમ્યો.માનવજાતના વિકાસની સાથે
  સ્થળ અને કાળને આધીન અને સર્વશક્તિમાન પરમેશ્વરને ઓળખવા સૌ મથતા રહ્યા છે.
  પ્રકૃતિની વિરાટ શક્તિતો જેમ જેમ જાણતા જઈએ છે તેમ તેની વૈજ્ઞાનિક જટીલ
  રચનાઓના એ કિમીયાગરને નમ્યા વગર છૂટકો નથી.આપણી ચેતના એ પરમ
  ચેતનાની જ આરતી ઉતારે છે.વિધીઓતો એક પ્રથા છે.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  1. શ્રી રમેશભાઈ
   ખૂબ ખૂબ આભાર બ્લોગની મુલાકાત માટે અને પ્રતિભાવ માટે પણ !
   આપનો પ્રતિભાવ વાંચી ખૂબા જ આનંદ થયો ફરી પણ પધારતા રહેશો અને પ્રતિભાવ જણાવી પ્રોત્સાહિત કરતા રહેશો તેવી આશા રાખું છું. આવજો !

   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 4. મુ. શ્રી અરવિંદભાઇ,
  તમારો લેખ વાંચ્યા પછી વધુ રસ પડ્યો અને થોડા ખાંખાખોળા કર્યા. નિઘંટુમાં વૈદિક શબ્દો આપ્યા છે. એમાં ત્રીજા અધ્યાયમાં
  આર્ચિક-કર્માણ’ એટલે કે પૂજા સંબંધી ક્રિયાઓનાં નામ છે પણ એમાં ’આરતી’ શબ્દ નથી. (૩/૧૪). શ્રી અતુલભાઈએ ’આર્ત’ પરથી ’આરતી” શબ્દ ઉતાર્યો છે. એમનું અનુમાન સારૂં છે પણ મને અસંતોષ રહી ગયો. આથી દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કૉલેજના સંસ્કૃતના પ્રા. ચન્દ્ર ભૂષણ ઝાને પૂછતાં એમણે બે શબ્દ આપ્યા – ’આરાર્તિક્યમ’ અને ’નીરાજના”. વૈદિક પછીની અદ્યતન સંસ્કૃતમાં આ બે શબ્દ મળે છે. ’આરાર્તિક્યમ” ઘસાઈને ’આરતી’ બની ગયું હશે.

  લેખમાં તમે દીવાને અગ્નિનું પ્રતીકાત્મક રૂપ માન્યું છે તે નવી વાત છે અને ગમી. પણ, મને લાગે છે કે આરતીની પ્રથા શોધવા માટે આટલે દુર જવાની જરૂર નથી. આદિમાનવ ઈશ્વરને જાણતો નહોતો. આજનો ’ઈશ્વર” ૨૫૦૦-૩૦૦૦ વર્ષ કરતાં વધારે પ્રાચીન નથી, વેદકાળમાં ’પર્સનલ’ ઇશ્વર હતો, જે મિત્રની જેમ મદદ કરતો. યહૂદીઓનો ઈશ્વર, જીસસનો ઈશ્વર, મહંમદ પયગંબરનો અલ્લાહ સીધો જ લોકોનાં જીવનમાં રસ લે છે. આપણે ત્યાં ઉપનિષદોએ સગુણ ઇશ્વર અથવા તો વ્યક્તિગત ઇશ્વરને સ્થાને અમૂર્ત તત્વની જયઘોષણા કરી. વેદકાળમાં પણ પૂજાની રીત યઞ્જ રૂપે હતી. સ્વામી દયાનંદ સરસ્વતી ફરી આ ઉપાસના પદ્ધતિ લાવવા માગતા હતા.વર્તમાન પદ્ધતિ આપને ત્યાં વેદકાળમાં નહોતી. એટલું જ નહીં, બીજા ધર્મોમાં આજે પણ આપણે જે રીતે આરતી કરીએ છીએ તે રીતે ઈશ્વરને યાદ કરવાની રીત નથી. આ કારણે આરતીને આદિ સમાજ સાથે સંબંધ હોય એવું નથી લાગતું.

  આપણી પરંપરામાં નિર્ગુણની સાથે જ સગુણ ભક્તિ પણ હંમેશાં જીવંત રહી અને ભક્ત પરંપરાએ એને બળ આપ્યું. એને કારણે ’ઈશ્વર’ ફરી ’અંગત’ માર્ગદર્શક અને મિત્ર બન્યો. તે સાથે એનો સત્કાર કરવાની શરૂઆત થઈ. મને ખબર નથી, પણ વૈષ્ણવ સંપ્રદાયે એમાં મહત્વનો ભાગ ભજવ્યો હોવો જોઈએ. ચૈતન્ય મહાપ્રભુએ તો પૂજામાં નૃત્યનો પણ સમાવેશ કર્યો. ગાવું અને નાચવું એ એમની પદ્ધતિનાં મુખ્ય અંગ હતાં.. સૂફીઓ પણ ’અનલહક’ની આરાધનામાં ગાતા અને નાચતા હોય છે.આરતી એ આભાર વ્યક્ત કરવાની રીત છે, જે ૧૨૦૦ વર્ષ કરતાં વધારે જૂની નહીં હોય, એમ મારૂં માનવું છે. વિદ્વાનો વધુ પ્રકાશ પાડશે એવી આશા રાખું છું.
  તમે સંશોધનની દિશામાં વિચારવાની તક ઊભી કરી આપી એ બદલ આભાર.

  Like

  1. શ્રીદીપકભાઈ
   આપનો વિઢ્વ્તા ભર્યો પ્રતિભાવ વાંચી આનંદ થયો. મારી જોજ્ઞાસા કહો કે કુતૂહલ મને વારંવાર આપણા લોકો જે કેટલીક વિધિઓ કરે છે તે પ્રયોજવા પાછળ શું કારણ હોઈ શકે તે જાણવાની તીવ્ર ઈચ્છા થયા કરતી રહે છે અને હું તે વિષે સતત મનોમન વિચારતો રહુ છું અને તે વિષે વાંચવા પ્રયાસ કરતો રહું છું પણ ઊંડો અભ્યાસ કરવાની ટેવ કેળવાય ના હોય મારા પોતાના તર્કો લાગુ કરી પ્રત્યુત્ત્રર મેળવતો રહુ છું. તમામ વિધિઓ પાછ્ળ કોઈ ને કોઈ કારણ હોવું જ જોઈએ તેમ મારું દ્રઢ માનવું છે માત્ર આપણે સૌ આગુસે ચલી આતી હે તમ માની વિધિઓ કર્યા કરતા હોઈએ છીએ. વળી જો કોઈંને ભૂલેચુકે આ વિષે પૂછીએ તો સરખો જવાબ તો ના જ મળે પણ આપણને નાસ્તિક કહી ઉતારી પાડવામાં આવે ખરું ને ? આ પહેલા મહાદેવને દૂધ શા માટે અને હનુમાનને તેલ શામાટે ચડાવવામાં આવે છે તેનો કોઈ તાર્કિક જવાબ કોઈ તરફથી હજુ મળ્યો નથી. હું મારી રીતે જવાબ શોધવા સતત વિચારું છું પણ હજુ ગુંચવાયેલો હોઈ આખરી નિર્ણય ઉપર આવી શક્તો નથી. આપ પણ આ વિષે વિચારી જણાવવાના હતા તો તે વિષે ફરી યાદ આપુ છું. કુશળ હશો. આભાર મુલાકાત માટે !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 5. મુરબ્બિ અરવિન્દ કાકા .. નિવ્રુતિ મા આપ પ્રવ્રુતિ કરિ રહ્યા છે .. આપ્ના ગ્યાન નો લાભ અમારા જેવા વાચક ને આપિ રહ્યા છૉ …. ખૂબ ખુબ આભર .. આપ ગણુ લખો
  ઍવિ અભ્યર્થના …

  Like

  1. ભાઈશ્રી નીતિન
   બ્લોગની મુલાકાત માટે આભાર ! આપની શુભેચ્છઓ માટે પણ આભાર ! ફરી મુલાકાતે અચુક પધારતા રહેશો તો ગમશે !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 6. આરતી કરવી એટલે,

  આરત થઈ,

  એકાગ્ર ચિત્તે,

  એકાગ્ર થઈ,

  તન મન ધન સાથે,

  પ્રભુની પુજાને પુર્ણ કરી,

  આરતીને હાથમા લઈ,

  પ્રુભુના સાનિધ્યમા,

  આરતી ને પ્રભુ આગળ માથુ સોપી

  ઓમકાર સ્વરુપે ધ્યાન ધરતા આરતી ગાતા,

  માનસને નિનાદથી પર રાખવા,

  બહારના વાતાવરણને શન્ખ નગારા ઘન્ટ ના નાદમા ડુબાડવા.

  જેથી પ્રભુના ધ્યાનમા ચિત્ત શાન્ત કરતા શિખાય.તેનુ નામ આરતી કરી કહેવાય.

  રાજેન્દ્ર ત્રિવેદી.

  Like

  1. શ્રી રાજેંદ્રભાઈ
   બ્લોગની મુલાકાત માટે આભાર ! આપે આરતી વિષે સરસ સમજણ પણ આપી ! ખૂબ ખૂબ આભાર ! ફરી પણ મુલાકાત લેતા રહી પ્રોત્સાહન આપતા રહેશો તો ગમશે !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

  1. શ્રી સુધીરભાઈ
   આપને લેખ ગમ્યો તે જાણી ખૂબજ આનંદ થયો ! આભાર આપની મુલાકાત માટે ! ફરી પણ અવાર નવાર મુલાકાત લેતા રહી પ્રોત્સાહન આપતા રહેવા વિનંતિ !

   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 7. શ્રી અરવિંદભાઈ

  નવા વર્ષની પ્રકાશમય પોસ્ટ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.

  આરતી શબ્દ આમ તો આર્ત શબ્દ પરથી ઉતરી આવેલ હોય તેમ જણાય છે. જેની પણ આર્ત ભાવે આરાધના થાય તેની આરતી ઉતારી તેમ કહી શકાય.

  શ્રીમદ ભગવદ ગીતા માં ભક્તના ચાર પ્રકાર વર્ણવ્યા છે.
  ૧. આર્ત
  ૨.અર્થાર્થી
  ૩. જીજ્ઞાસુ
  ૪. જ્ઞાની

  આ બધાં જ પ્રકારના ભક્તો ભગવાનને પ્રિય છે પણ આ સહુમાં જ્ઞાની તો ઈશ્વરનું જ સ્વરૂપ થઈ ગયો હોવાથી વિશેષ પ્રિય છે એમ કહે છે.

  કોઈ જ્યારે વિપત્તિ કે દુ:ખમાં હોય અને ત્યારે આર્ત ભાવે ઈશ્વરની પ્રાર્થના કરે તેવા ભકત આર્ત ભક્ત કહી શકાય – જેમ કે ગજેન્દ્રમોક્ષ નો ગજ.

  અને આવા આર્ત સ્વરે થતી પ્રાર્થના તે આરતી – પછી તેમાં દિપક હોય કે ન હોય.

  Like

  1. ભાઈશ્રી હિરેન
   આપ બ્લોગ ઉપર પધાર્યા આભાર ! લેખ પણ ગમ્યો તે જાણી આનંદા થયો ! અવાર નવાર મુલાકાત લેતા રહેશો તો ગમશે !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s