મા તે મા, બીજા વગડાના વા(કેલિડોસ્કોપ)

મારા વ્હાલા મિત્રો અને વડિલો
મારા બ્લોગ ઉપર ગુજરાતી સાહિત્યના લબ્ધ પ્રતિષ્ઠિત લેખક ચિંતક અને પ્રખર સાહિત્યકાર શ્રી મોહમ્મદ માંકડનો ગુજરાતી અખબાર સંદેશની 14 નવેમ્બર 2010ને રવિવારની સંસ્કાર પૂર્તિમાં પ્રષિધ્ધ થયેલ મા તે મા બીજા વગડાના વા ( કેલિડોસ્કોપ ) સંદેશ તથા શ્રી મોહમ્મ્દ માંકડના સૌજન્ય અને સાભાર સાથે આપને સૌને પસંદ પડ્શે તેવી આશા સાથે મૂકેલ છે.

કેલિડોસ્કોપ – મોહમ્મદ માંકડ

નવા વર્ષની શરૂઆત, જેના પ્રેમની કોઈ સીમા નથી એવી માતાને યાદ કરીને કરીએ, કારણ કે માતા-પિતા બંને માનવસમાજમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે, પરંતુ માતા તો પશુ, પક્ષી, જલચર, સ્થલચર, બધા જીવોમાં પોતાના બાળક માટે ઉત્કટ લાગણી ધરાવતી હોય છે. આ નાનકડો લેખ, યુવાનીના તોરમાં માતા-પિતાના ઉપકારોને ભૂલી જનારાઓને, પત્ની અને બાળકોના મોહમાં રત બનીને માતા-પિતાની અને ખાસ તો માતાની અવગણના કરનારાઓને અને સત્તા કે પૈસા પાછળ દોડવામાં પોતાની ફરજ ચૂકી જનારાઓને સૌને તેમની ફરજનું ભાન કરાવશે તો આ લેખ લખવાની મહેનત સાર્થક થશે.
માતા અને માતાનો પ્રેમ અગાધ, અતાગ હોય છે. માતાના પ્રેમ વિશે તમે જાણી શકો તો ‘પ્રેમ’ કેવો હોય તે કદાચ જાણી શકો.
એક શિકારીએ પોતાના અનુભવો લખતી વખતે એક સસલીનો દાખલો લખ્યો છે. એક સાંજે બહાર ફરતી વખતે એક સસલાને એક જ જગ્યાએ બે-ત્રણ વાર દોડી જતું એણે જોયું. તેને લાગ્યું કે ચોક્કસ ત્યાં તેનાં બચ્ચાં હોવાં જોઈએ. બચ્ચાં શોધવા માટે તે બધી જગ્યા ફેંદી વળ્યો પણ ક્યાંય એને બચ્ચાં દેખાયાં નહીં, પરંતુ સસલાની હિલચાલ પરથી એને લાગતું હતું કે તે માદા હતી. અને નિઃશંક પોતાનાં બચ્ચાં પાસે જતી હતી. આખરે તેની માન્યતા સાચી પડી. ઉપરથી ઘાસિયા જમીનના ટુકડા જેવો લાગતો ભાગ ખરેખર તો એક નાનો સુંવાળો ધાબળો હતો. અને એની નીચે સસલીનું માતૃત્વ વણાયેલું હતું. બચ્ચાંને ઠંડી સામે રક્ષણ અને પૂરતી હૂંફ મળી રહે એટલા માટે સસલાએ એ ધાબળો પોતાના વાળ અને કુમળા ઘાસના મિશ્રણમાંથી બનાવ્યો હતો.
મા બધાં સમાજમાં અને બધાં જીવોમાં સરખી જ હોય છે. તે માણસ હોય, પશુ હોય, પંખી હોય કે નાનકડું જીવજંતુ હોય. બચ્ચું થયા પછી તેનું સંપૂર્ણ લક્ષ્ય, બલકે સંપૂર્ણ જીવન, તેના ઉપર કેન્દ્રિત થઈ જાય છે. બચ્ચાના ઉછેર માટે, સુખાકારી માટે, રક્ષણ માટે જ તે જાણે જીવતી હોય એમ લાગે છે.
કાંગારૂની વાત આપણે જાણીએ છીએ. પુખ્ત વયના કાંગારૂનું વજન લગભગ બસો રતલ અને ઊંચાઈ લાંબા માણસની ઊંચાઈ જેટલાં હોય છે. પણ તેને જે બચ્ચું જન્મે છે તે એકાદ ઈંચનું જ હોય છે. માન્યામાં ન આવે એવી આ વાત છે. આવડું નાનકડું બચ્ચું સ્વાભાવિક રીતે જ પૂરેપૂરું વિકસિત હોતું નથી. તેના પૂરા વિકાસ માટે કુદરતે જુદી જ રચના કરી છે. માદા તેને લઈને પોતાના શરીર સાથે જોડાયેલી કોથળીમાં મૂકે છે. બચ્ચું ત્યાં માદાના આંચળને વળગી રહે છે. ધીમે ધીમે તે વિકસે છે અને વિકસ્યા પછી અવારનવાર તે કોથળી છોડીને બહાર નીકળે છે, પરંતુ જરા અવાજ થતાં જ તે દોડીને પાછું માતાની કોથળીમાં સંતાઈ જાય છે. માતા કાંગારૂને જો ભયની ગંધ આવે તો કૂદકા મારતી તરત જ તે ભાગી છૂટે છે. એ વખતે બચ્ચું કોથળીમાંથી પડી ન જાય એ માટે પોતાના ખાસ પ્રકારના સ્નાયુઓ દ્વારા તે કોથળીને સંકોચી રાખે છે.જો તેને લાગે કે પોતે સપડાઈ જશે તો પોતાનો નહીં પણ માત્ર પોતાના બચ્ચાનો વિચાર કરે છે. બચ્ચાને બચાવવા માટે નાસતી નાસતી તે ચાલાકીપૂર્વક તે કોઈક ઝાંખરાં કે ખડક પાછળ સંતાઈ જાય છે અને તરત જ ત્યાં બચ્ચાને છુપાવી દે છે. અને બીજી જ પળે પાછળ પડેલા દુશ્મનની નજરે પડે એ રીતે કૂદકા મારતી નાસવા માંડે છે. તેની પાછળ પડેલ પ્રાણી કે માણસને તેની ચાલાકીનો કોઈ ખ્યાલ આવતો નથી અને તે કાંગારૂની પાછળ જ દોડયા કરે છે. માદા તેને પોતાના બચ્ચાથી દૂર દૂર ખેંચી જાય છે. કોઈ વાર એમ કરતાં શિકારીના હાથે મૃત્યુ પણ પામે છે, તો કોઈ વાર બચી જાય છે. બચી ગયા પછી તેને જ્યારે પૂરેપૂરી સલામતી લાગે છે ત્યારે તે પોતાના છુપાવેલા બચ્ચા પાસે પાછી ફરે છે.
મા પોતાનાં બચ્ચાંને જે જતનથી ઉછેરે છે તેની જોડ ક્યાંય જોવા મળતી નથી. કેટલીક વ્યક્તિઓ સ્વભાવે જ આળસુ, ઊંઘરેટી અને સ્વાર્થી હોય છે. પણ જો કોઈ છોકરી એવા સ્વભાવની હોય તો માતા બનતાં જ તેના સમગ્ર અસ્તિત્વમાં પરિવર્તન આવી જાય છે. બાળકની એક નાનકડી હિલચાલ પણ તેને જગાડી દે છે અને તેની આળસ અને સ્વાર્થ તદ્દન અદૃશ્ય થઈ જાય છે.નાનકડી સફેદ માદા-ઉંદર જે જતનથી પોતાનાં બચ્ચાંને ઉછેરે છે એ જોઈને આપણે હેરત પામી જઈએ છીએ. જોકે, દરેક પશુપંખીની પોતાના બચ્ચાને ઉછેરવાની પોતાની એક ખાસ રીત હોય છે અને એ દરેક રીત આપણા માટે હેરતભરી હોય છે.
મનુષ્ય માતાઓ બાળકને એક સ્થળેથી બીજે સ્થળે ફેરવવું હોય ત્યારે હાથથી કે કાંખમાં તેને ફેરવે છે, પરંતુ પ્રાણીઓને એવી સગવડ નથી. બિલાડી પોતાના બચ્ચાને મોઢાથી પકડે છે, પણ બચ્ચાને એથી જરા પણ ઈજા થતી નથી. રીંછડી તો પોતાના બચ્ચાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતી વખતે તેનું આખું માથું પોતાના મોઢામાં લઈ લે છે. જોનારને તો એ દેખાવ ઘણો ઘાતકી લાગે છે, પણ બચ્ચાને એથી સહેજ પણ તકલીફ પહોંચતી નથી.
માતાનું સમગ્ર અસ્તિત્વ જ જાણે કે તેનાં બચ્ચાંઓ માટે હોય છે. તેનું વર્ણન કે પ્રશસ્તિ અશક્ય છે. માતા જેવું આ જગતમાં બીજું કશું જ નથી. એ એક અને અદ્વિતીય છે.
આવી માતાના સર્જનની બાબતમાં ઈર્મા બોમ્બેકે એક કાલ્પનિક કથા લખી છે. પુરાણોમાં અને ધર્મશાસ્ત્રોમાં પુરુષ અને સ્ત્રી સર્જન વિશે, ચંદ્ર, સૂર્ય, તારાઓ, દેવો, દાનવો, વિષ અને અમૃત અનેક વસ્તુઓના સર્જન વિશેની કથાઓ છે. એવી જ આ એક કથા બાઈબલની કથાઓના ઢગ ઉપર રચાયેલી છે. બાઈબલમાં છે કે, ઈશ્વરે સૃષ્ટિનું સર્જન છ દિવસમાં કર્યું (અને સાતમા દિવસે આરામ કર્યો, એટલે યહૂદીઓ અને ખ્રિસ્તીઓ અઠવાડિયામાં એક દિવસ રજાનો રાખે છે.) ઈર્મા બોમ્બેકે એ વાતનો આધાર લઈને માતાના સર્જન વિશે નાનકડી કથા રચી છે તેનો ભાવાનુવાદ સાભાર અહીં રજૂ કરું છું.
“ઈશ્વર જ્યારે માતાનું સર્જન કરતો હતો ત્યારે તે તેના છઠ્ઠા દિવસના ઓવરટાઈમનો દિવસ હતો. એ વખતે એક ફિરસ્તાએ નજીક આવીને કહ્યું, ભગવાન આના ઉપર તમે વધારેપડતી મહેનત કરો છો!”
“આના સર્જન માટે ઘણી બધી વિશિષ્ટ જરૂરિયાતો ઊભી થઈ છે. તેં આ કામના સ્પેસિફિકેશન્સ જોયા છે?” ભગવાને ફિરસ્તાને પૂછયું. “આ વસ્તુ લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકાય તેવી ટકાઉ હોવી જોઈએ. તેને હલનચલન કરી શકે તેવા અને રિપ્લેસ થઈ શકે તેવા એકસો એંશી પાર્ટસ હોવા જોઈએ. પાછળ વધેલ એંઠું જૂઠું ખાઈને પાણી પીને અડીખમ રહી શકે એવી તે શક્તિશાળી હોવી જોઈએ. તેને ખોળો હોવો જોઈએ. જે ઊભા થતાં જ અદૃશ્ય થઈ જવો જોઈએ. તેની એક જ ચૂમીમાં ભાંગેલા પગથી માંડીને હતાશ પ્રેમ સુધીની કોઈ પણ વસ્તુને સાંધવાની અજબ તાકાત હોવી જોઈએ. અને તેને છ જોડી હાથ હોવા જોઈએ.”
“છ જોડી હાથ?” ફિરસ્તાએ ધીમેથી પોતાનું માથું હલાવ્યું, “મુશ્કેલ કહેવાય!”
“એમાં કોઈ ખાસ મુશ્કેલી નથી.” ઈશ્વરે કહ્યું, “પણ દરેક માતાને પાછી ત્રણ જોડી આંખો પણ હોવી જોઈએ!”
“શું કહો છો?”
“હા, એક જોડી એવી આંખો જે બંધ દરવાજાની આરપાર જોઈ શકે, જ્યારે તે પોતાનાં બાળકોને પોતાને ખબર પડી ગઈ હોવા છતાં પૂછે કે, અલ્યા, તમે બધાં અંદર શું કરો છો? બીજી જોડી તેના મસ્તકના પાછળના ભાગમાં હોય, જે તેને જોવાની જરૂર ન હોય તેવું અને છતાં જાણવાની જરૂર ન હોય તેવું જોઈ શકે, અને ત્રીજી જોડી, અલબત્ત, આગળના ભાગમાં, જે પોતાના બાળક ઉપર કશુંય બોલ્યા વિના, નજરમાત્રથી અપાર પ્રેમ વરસાવી શકે!”
“ભગવાન” ફરિસ્તાએ કહ્યું, “હવે તમે આરામ કરો… કાલથી પાછા…”
“આરામ હું ન કરી શકું” ભગવાને કહ્યું, “હવે હું લગભગ કામ પૂરું કરવા આવ્યો છું. આ મોડલ જે મેં બનાવ્યું છે તે એવું છે કે બીમાર પડે ત્યારે પોતાની મેળે જ ફરીથી તંદુરસ્તી મેળવી શકે. છ-સાત માણસના કુટુંબને લગભગ એકાદ રતલ ખોરાકથી પેટ ભરીને જમાડી શકે. આજ્ઞા અને પ્રેમ એક સાથે જ કરી શકે…”
ફિરસ્તાએ માતાના મોડલની આસપાસ એક ચક્કર માર્યું, “વધારેપડતી નરમ છે!”
“છતાં મજબૂત છે.” ઈશ્વરે ઉત્તેજિત થઈ કહ્યું, “આ માતા કેવું કેવું અને કેટલું સહન કરી શકે તેમ છે તેની તને કલ્પના પણ નહીં આવી શકે!”
“તે વિચારી શકશે?”
“એટલું જ નહીં, વિચારવા ઉપરાંત તે તર્ક પણ કરશે. સમાધાન પણ સાધી શકશે.” સર્જનહારે કહ્યું.
છેલ્લે ફિરસ્તાએ સહેજ નમીને તેની આંગળી માતાના ગાલ ઉપર ફેરવી, “અહીં લીકેજ છે, ચૂવો થાય છે!” તેણે કહ્યું.
“ના, તે આંસુ છે.” ભગવાને કહ્યું.
“આંસુ?”
“હા, અશ્રુબિંદુ”
“શા માટે?”
“હર્ષ, શોક, નિરાશા, વેદના, એકલતા, સ્વમાન, કેટકેટલું એકમાત્ર આંસુથી તે વ્યક્ત કરી શકશે.”
“ભગવાન”, ફિરસ્તાએ હાથ જોડયા, “તમે અદ્ભુત છો! તમે જિનિયસ છો!”
ભગવાને ગંભીર થઈને કહ્યું, “પણ મેં એ અશ્રુબિંદુ ત્યાં નહોતું મૂક્યું!”

Advertisements

4 comments

  1. ભાઈશ્રી મયુર
   બ્લોગની મુલાકાત માટે આભાર ! આપને પોસ્ટ ગમી તે જાણી આનંદ થયો. નેટ, પાવર અને થોડી અસ્વસ્થ તબિયતને કારણે જવાબ મોડો લખાયો છે તો દરગુજર કર્શો તેવી આશા છે. આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s