સુદામા—કૃષ્ણ અને તાંદુલ !!!

સુદામા—કૃષ્ણ અને તાંદુલ !!!

સુદામા અને કૃષ્ણ સાંદિપની ઋષિના આશ્રમમાં સાથે અભ્યાસ કરતા ત્યારથી જ જીગરજાન દોસ્ત બની ગયેલા. અભ્યાસ પુરો થયા બાદ સુદામા પોરબંદરમાં સ્થાયી થયા. તો કૃષ્ણ પણ મથુરા-ગોકુળ વગેરે છોડી દ્વારકામાં આવી પોતાનું રાજ સ્થાપી રહેવા લાગ્યા. સુદામા અત્યંત ગરીબીમાં જીવતા હતા અને આ બાજુ દ્વારકામાં કૃષ્ણ જાહોજલાલી સાથે રાજ કરતા હતા.

કૃષ્ણની જાહોજલાલી/વૈભવની વાતો પોરબંદર સુધી પહોંચતી હતી અને આ જાણી સુદામાના પત્ની સુદામાને દ્વારકા જઈ, કૃષ્ણ તેમના મિત્ર હોય, તેમની સહાય માંગી આ દારૂણ ગરીબીમાંથી સમગ્ર પરિવારને છૂટકારો અપાવી સારું જીવન જીવવા મળે માટે વારંવાર કહ્યા કરતી હતી. પરંતુ સુદામા મિત્ર પાસેથી કંઈ પણ માંગવાની વિરૂધ્ધ હોય બહુ દાદ નહિ આપતા. પત્નીના મ્હેણાં-ટોણાં રોજ બ રોજ સાંભળી આખરે સુદામા, ના છૂટકે દ્વારકા જવા તૈયાર થયા. અને પત્નીને કહ્યું કે, કૃષ્ણ પાસે પહેલી વાર જઈ રહ્યો છું તો તેમને ભેટ આપવા માટે કંઈક લઈ જવું પડશે માટે તું તે માટે કોઈક તારા હાથની જ વાનગી બનાવી કાઢ. હવે ઘરમાં તો હાંડલા હડિયું કાઢ્તા હતા તેથી આડોશ્-પાડોશમાંથી થોડી ડાંગર માગી લાવી તેના તાંદુલ/પૌઆ બનાવી એક પોટલીમાં બાંધી આપ્યા.

સુદામા ચીંથરેહાલ વસ્ત્રો સાથે દ્વારકા પહોંચી કૃષ્ણના મહેલને દરવાજે પહોંચ્યા પરંતુ અંદર પ્રવેશ આપતા પહેલાં ચોકીદારે તેમનો પરિચય માંગ્યો અને સુદામાએ તેમનું નામ કહ્યું અને તેઓ અને કૃષ્ણ સાથે ભણતા તે પણ જણાવ્યું. ચોકીદારે ભગવાન કૃષ્ણને કોઈ સુદામા આપને મળવા આવ્યા છે તેમ જણાવતાં કૃષ્ણ દોડતા દરવાજે પહોંચ્યા અને ઉષ્મા ભર્યું સ્વાગત કરી ભેટી પડ્યા. રૂક્ષ્મણી સહિત અન્ય રાણીઓ અને ચોકીદાર આ ભાવભીનું મિલન જોઈ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા.

તેઓએ જોયું કે ભગવાનની આંખોમાંથી આંસુઓની ધાર ચાલી હતી પણ આ આંસુ તો જીગરજાન મિત્રને જોઈ ભાવવિભોર બની હર્ષના આંસુઓ હતા ! સુદામાને મહેલમાં પોતાની સાથે બાજુમાં જ બેસાડી જૂની વાતો બંને મિત્રો વાગોળવા લાગ્યા અને સાથોસાથ સુદામાના સ્નાન માટે તથા નવા વસ્ત્રો તૈયાર કરવા સુચનાઓ આપી. સુદામા પણ મિત્રનો ઠાઠ –માઠ અને વૈભવ જોઈ ખુશ થયા. વાતોમાં જ કૃષ્ણે સુદામાએ બગલમાં છૂપાવેલી પોટલી લેવા કોશિશ કરી પણ સુદામા વધુ અને વધુ સંકોચ અને શરમાઈ જોરથી પોટલી દબાવી પકડી કૃષ્ણના હાથમાં ના પહોંચે તેવા પ્રયાસો કરતા રહ્યા આખરે કૃષ્ણએ તે પોટલી ઝુંટવી લઈ ખોલી તો તેમાં તાંદુલ/પૌઆ જોયા જે મુઠો ભરી આરોગવા લાગ્યા અને તાંદુલ/પૌઆના સ્વાદના વખાણ કરતા જમવા લાગ્યા.આ રીતે ભગવાનને પ્રેમથી પૌઆ આરોગતા જોઈ રૂક્ષ્મણી સહિત તમામ રાણીઓ ભગવાન સામે આશ્ચ્રર્ય સાથે જોઈ રહી અને વિચારમાં ડૂબી ગઈ કે, અમે અનેક જાતની વિવિધ વાનગી બનાવી ભગવાનને ધરીએ છીએ છતાં માત્ર સ્પર્શ કે થોડી વાની/ચાખી ચાલ્યા જાય છે. અને આજે આ થોડા દિવસોના વાસી તાંદુલ/પૌઆ પ્રેમથી આરોગી રહ્યા છે જ્યારે અમે 32 જાતના પકવાનો ભગવાનને પીરસીએ છતાં આટલા ખુશ થઈ આરોગતા જોવા મળ્યા નથી અને આ બાળગોઠિયાની પોટલીમાં સંતાડેલા વાસી તાંદુલ/પૌઆ જોઈ ગાંડાઘેલા બની જાણે પોતાને અત્યંત ભાવતી વસ્તુ વર્ષો બાદ જમવા મળી હોય તેમ ખુશ થઈ આરોગી ગયા !

રાણીઓએ વિચાર્યું કે, ભગવાન સાથેનો આપણો સહવાસ વર્ષોનો હોવા છતાં તેમને, તાંદુલ/પૌઆ આટલા પ્રિય હશે તેની ક્યારે ય જાણ ના થઈ કે ના ભગવાને ક્યારે ય તાંદુલ/પૌઆ બનાવવા જણાવ્યું. આપણને આપણાં પ્રિય પાત્રની રસ રૂચીની પણ ખબર ના રહી, અને અલગ અલગ વિવિધ વાનગીઓ બનાવતી રહી, અને ભગવાન તે વાનગીને માત્ર સ્પર્શ કરતા રહ્યા કે માત્ર એકાદ ટૂકડો વાનતા રહ્યા અને આપણે સૌ બોઘીઓ ભગવાનને જમાડ્યાનો આત્મ સંતોષ માનતી રહી. આવા વિચારોમાં રાણીઓ પોતપોતાના આવાસમાં ચાલી ગઈ અને પોતાની રીતે ભગવાન માટે તાંદુલ/પૌઆની વિવિધ વાનગીઓ બનાવવા વિચારવા લાગી. એકાદ રાણીએ તો પોતાની સેવિકાને બજારમાં મોકલી અને તાંદુલ/પૌઆની વાનગી બનાવવાની રેસીપીનું પુસ્તક પણ મંગાવ્યુ.

આ દરમિયાન સુદામા તો કૃષ્ણની રજા લઈ વિદાય થઈ ગયા હતા અને માર્ગમાં પોરબંદર પહોંચીશ ત્યારે પત્નીને શું જવાબ આપવો તે વિચારી રહ્યા હતા. મનોમન વિચારતા હતા કે, મને નવા વસ્ત્રો કે નવી વાનગીઓ જમાડવાને બદલે કંઈક આર્થિક મદદ કરી હોત તો પત્ની ખુશ થાત. વળી હું પણ મોંનો મોળો કે ભગવાન પાસે મારી તકલીફ/મુશ્કેલીની વાત કરી કંઈ મદદ માંગી ના શક્યો ! આમ પોતાની જાતને કોસતા પોરબંદર જઈ રહ્યા હતા બરાબર ત્યારે જ ભગવાનની રાણીઓ પોતાના આવાસમાં કૃષ્ણ માટે પૌઆની વાનગીઓ બનાવવામાં જોતરાઈ હતી અને કોણ શ્રેષ્ઠ વાનગી બનાવી શકે છે તેની જાણે હોડ લાગી હતી.

જમવાનો સમય થતાં ભગવાન એક પછી એક રાણીને રસોડે જઈ ઉભા અને જોયું કે બધી જ સ્ત્રીઓએ માત્ર અને માત્ર તાંદુલ/પૌઆની જ વાનગીઓ બનાવી છે. આ જોઈ ભગવાને અટ્ટહાસ્ય કર્યું અને તાંદુલ/પૌઆની જ વાનગીઓ કેમ બનાવી છે તેનું કારણ પૂછ્યું. જવાબમાં સુદામાના તાંદુલ/પૌઆ આપને ખૂબ ભાવ્યા હતા અને આપે જે પ્રેમથી આપને અત્યંત પ્રિય વાનગી વર્ષો પછી આરોગવા મળી હોય તેમ ગાંડાઘેલા બની આરોગી હતી તે જોઈ અમે ભોંઠપ અનુભવેલી કે અમારા પ્રિય સ્વામીનાથને તેમની સાથે વર્ષોનો સહવાસ માણ્યા/ભોગવ્યા પછી પણ તેમની અતિ ભાવતી વાનગી વિષે જાણી શક્યા નહિ હતા તે આપના આ બાળગોઠિયાના આગમને અમને જાણ થતા અમે પણ વિવિધ જાતના અને તેમનાથી પણ વધુ સ્વાદિષ્ટ તાંદુલ/ પૌઆ બનાવ્યા છે જે આપ પ્રેમથી આરોગો અને કહો કે, અમોને પણ તાંદુલ/પૌઆ રાંધતા આવડે છે. અને હવે અમો પણ આપને માટે વારંવાર તાંદુલ/પૌઆની વિવિધ વાનગીઓ બનાવતા શીખી જઈશુ અને જરૂર જણાશે તો વાનગીઓ બનાવતા શીખવા વાનગીઓ શીખવતી બહેનોના વર્ગોમાં જઈ શીખી આવીશું તેને લગતા પુસ્તકો પણ વસાવીશું અને આપને તાંદુલ/પૌઆની અનેક વેરાઈટી જમાડીશું.

આ સાંભળી ભગવાન કૃષ્ણ ખડખડાટ હસી પડ્યા અને કહ્યું કે આપ સૌ જે વાનગીઓ બનાવશો અને તેમાં સ્વાદ માટે સ્વાદિષ્ટ બનાવવા અનેક પ્રકારના મસાલાઓ પણ વાપરશો તે હું જાણું છું આપ સર્વે મને ખૂબ ચાહો છો અને મને ભાવતી વાનગીઓ આરોગવા મળે તે માટે રોજે રોજ નવી વાનગીઓ બનાવતી રહો છો પરંતુ મને પૂછવા દો કે, આપની વાનગીઓમાં સુદામાના તાંદુલ/પૌઆમાં જે ઉષ્મા ભરી નિર્દોષ મૈત્રીની ચાહટ, લાગણી અને પ્રેમ અને મિત્રતાની સુવાસ ભરી હતી તે ક્યાંથી લાવશો ?

આપની જાણ માટે કહું કે સુદામા અત્યંત ગરીબાવસ્થામાં પોરબંદરમાં વર્ષો થયા જીવી રહ્યા છે. આ ગરીબીથી થાકી-કંટાળી તેમની પત્ની તેમને રોજ મ્હેણાં-ટોણાં મારતી કે તમે કહો છે કે દ્વારકાનાથ કૃષ્ણ તમારા બાળગોઠિયા છે તો તેમની પાસે જઈ થોડી મદદ માંગી આવો તો આ ગરીબીનું દળદર ફીટે.

સુદામા મિત્રો પાસેથી કંઈ પણ મદદ નહિ માગવાના મતના હોઈ આ માટે તૈયાર થતા નહિ. આથી એક વાર સખ્ત ઝ્ગડો કરી ખરાબ શબ્દોમાં અમારી મૈત્રીને પણ ટોણાં મારતા આખરે સુદામા અહિ મને મળવા આવવા તૈયાર થયા અને મને ભેટ આપવા માટે કંઈક બનાવી આપવા પત્નીને જણાવ્યું. ઘરમાં અનાજનો દાણો પણ નહિ હતો તેમ છતાં સુદામા દ્વારકા આવવા તૈયાર થયેલા જોઈ પત્નીએ પાડોશમાંથી થોડી ડાંગર માગી લાવી આ તાંદુર/પૌઆ બનાવી પોટલીમાં બાંધી આપ્યા. તે તાંદુર/પૌઆ જેવી તદન હલકા પ્રકારની વાનગી સાથે સંકોચાતા /શરમાતા સુદામા અહિં આવ્યા. હું મારા બાલગોઠિયાને મળી ખૂબ ખુશ થયો. તેની આગતા-સ્વાગતા કરી, સ્નાન કરાવી, નવા વસ્ત્રો ધારણ કરાવ્યા અને આપ સર્વે બનાવેલ 32 જાતના ભોજન કરાવ્યા. મેં તેમના ચરણ ચાંપી થાક ઉતાર્યો. અને રૂક્ષ્મણીએ પણ તેમની યથા યોગ્ય સેવા ચાકરી કરી. અમે બંને આ વર્ષો બાદના મિલનથી ભાવવિભોર બન્યા અને હર્ષાશ્રુ પણ વહેવડાવ્યા.

વિદાય સુધી સુદામા તેમના મોઢેથી મદદ માટે કંઈ માગી ના શક્યા અને માગ્યા વગર જ પોરબંદર જવા રવાના થઈ ગયા. આ ગરીબીથી સતત પીડાતો પત્નીની અતિ આગ્રહથી મદદ માંગવા આવેલો મારો મિત્ર પોતાની મુશ્કેલી-તકલીફ અને પીડા-વેદના કે વ્યથા મને જણાવ્યા વગર સ્વમાન સાચવી વિદાય થયો તે તેની ખાનદાની-સસ્કાર અને મિત્રોમાં મિત્રાચારી ક્યારેય વટાવવાની ચીજ કે વસ્તુ નથી ( NEVER ENCASH FRIENDSHIP ) તેવી દ્રધ માન્યતા ધરાવનાર અત્યંત આત્મ વિશ્વાસ ધરાવનાર છે. આવો મિત્ર જગત આખામાં શોધ્યો પણ ના જડે તે વાત સાથે આપ સૌ પણ સહમત થશો તેમ ધારું છું.

ભગવાનનું આ કથન સાંભળી રૂક્ષ્મણીએ પૂછ્યું કે સુદામા તો આપની પાસે કંઈ પણ માગ્યા વગર વિદાય થઈ ગયા અને જ્યારે આપ તેની દરિદ્રતા જાણતા હતા ત્યારે, અને તે જ્યારે અહિ આપની પાસે મદદ માટે જ આવેલા, તેમ છતાં આપે તેમને ખાલી હાથે જ વિદાય કર્યા અને હવે આ મૈત્રીના અને મિત્રના સ્વમાન-વ્યથા-પીડા અને વેદના વિષે તો માત્ર વાતો જ કરી રહ્યા છો ત્યારે આપને મિત્રના વિપરીત સમય અને સંજોગો/દુઃખ- મુશ્કેલી અને તકલીફોની જાણ હોવા છતાં કોઈ મદદ નહિ કરી મૈત્રીનો દ્રોહ કર્યો હોય તેમ આપનો આત્મા આપને ડંખતો નથી ? જવાબમાં કૃષ્ણએ કહ્યું કે અહિ મેં કોઈ પણ પ્રકારનીમદદ/ સહાય સ્વીકારવા સુદામાને કહ્યું હોત તો તે ઈન્કાર કરત સ્વીકારત તો નહિ જ પરંતુ તે પોતાનું અપમાન સમજત અને અત્યંત દુઃખ સાથે ઘર છોડી ચાલ્યા જાત ! સુદામાના સ્વભાવ અને પ્રકૃતિને હું બરાબર માત્ર ઓળખતો જ નથી પણ સમજું પણ છું.

આથી તેમની પોરબંદરની ગેરહાજરીમાં પોરબંદરમાં તેમના જૂના-પુરાણા મકાનની જ્ગ્યાએ મોટું આલિશાન મહેલ જેવું મકાન તમામ પ્રકારની સુખ- સગવડતા અને રાચ-રચીલા ધરાવતું તે પોરબંદર પહોંચશે તે પહેલાં તૈયાર થઈ ગયું હશે. આ ઉપરાંત ઘરવખરીની તમામ ચીજ-વસ્તુઓ અને નવા વસ્ત્રો સમગ્ર પરિવાર માટે તૈયાર હશે ! આ વાત સાંભળી તમામ રાણીઓ ભગવાનની મિત્રને સમજવાની ઊંડી સમજ, ચતુરાઈ અને ચાલાકી માટે ગૌરવ અનુભવી રહી !

એક બીજાની આફત/દુઃખ/તકલીફ કે મુશ્કેલીમાં માગ્યા વગર સહાય કરનાર- સમજ ધરાવનાર મિત્રો સમગ્ર જીવન દરમિયાન ભાગ્યે જ મળતા હોય છે. જીવનની અંદર આવો એકાદ મિત્ર મળી રહે તો જીવન ઘન્ય બન્યું સમજવું ! મારી દ્ર્ષ્ટિએ સમગ્ર દુનિયાના સાહિત્યમાં સુદામા-કૃષ્ણ જેવી મૈત્રી જોવા મળતી નથી ! આ ઉપરાંત આટલીજ અદભુત અને નિસ્વાર્થ મૈત્રી નિભાવનાર કર્ણ અને દુર્યોધનની મિત્રતા પણ આપણાં જ સાહિત્યમાં સ્થાન ધરાવે છે તેની વાત ફરી ક્યારે ક કરીશું .

Advertisements

17 comments

 1. કૃષ્ણ અને સુદામા પ્રસંગમાં મિત્રાચારી ઉપરાંત એક બીજી હકીકત
  એ છે કે બેઉ જણ જયારે લાકડા વીણવા ગયા હતા ત્યારે સુદામા
  કૃષ્ણના ભાગના પૌઉઆ ખાઈ ગયા હતા, ભગવાનના ભાગનું ખાઈ
  જવાથી ગરીબાઈ આવે છે,ભગવાન જયારે તેનો ભાગ વસુલ કરે છે
  ત્યારે દરિદ્રતા દુર થાય છે. આ સાર છે .

  Like

 2. વડીલશ્રી અરવિંદભાઈ,
  પહેલીવખત આપના બ્લોગ ઉપર આવ્યો. હજી બ્લોગીંગમાં પ્રવેશ્યે થોડા જ દિવસ થયા છે એટલે જેમ જેમ જાણતો જાઉ એમ બ્લોગે બ્લોગે ફરૂં છું. આભાર કે આપે મારા બ્લોગ ઉપર આ પોસ્ટની લીંક મૂકી અને મને અહીં આવવા પ્રેર્યો. સરસ વાતો છે અને એથી પણ સરસ લાગી અહીંની કોમેન્ટ્સ. એ કોમેન્ટ્સ અને આપના reply વાંચવામાં પણ આનંદ અને જ્ઞાન મળે છે.
  આભાર.
  જય

  Like

 3. આ વેબસાઇટ બહુ સારી છે. ખૂબી એ છે કે એમાં ઇતિહાસની રજૂઆત પ્રામાણિકતાથી કરેલી છે. વર્ષો પહેલાં આપણા પુરાતત્વ વિદ્‍ હસમુખભાઈ સાંકળિયાના પુસ્તક ‘રામાયણ અને પુરાતત્વ’માં એક પ્રકરણ દ્વારકા વિશે હતું ત્યારે પણ એ વાંચીને થ્રિલ અનુભવી હતી. એમના કહેવા પ્રમાણે ખોદકામ દરમિયાન રોમમાં મળતા મોટા મદ્યભાંડ નીકળ્યા છે. એ જો ૩૫૦૦ વર્ષ જૂના હોય તો સમુદ્ર્રી વ્યાપાર થવાનો સંકેત મળે છે. દ્વારકાની જાહોજલાલીનું કારણ પણ સમુદ્રી વ્યાપાર હશે.
  શ્રી યશભાઈને આંગળી ચીંધ્યાનું પુણ્ય મળશે!
  અને અરવિંદભાઇ માટે તો એટલું જ કહીશ કે ” ગુરુ ગોબિંદ દોનોં ખડે, કિસકો લાગું પાય, બલિહારી ગુરુ આપનૌ ગોબિંદ દિયો બતાય”!

  Like

  1. શ્રી દીપકભાઈ
   આપે પ્રતિભાવનો પ્રત્યુતર ભાઈ યશને આપ્યો છે અને તેમાં મને વચ્ચમાં ક્યાં લઈ લીધો ? મારા પરિચયમાં અને આપને પણ આ અગાઉ જણાવ્યું જ છે કે હું વિદ્વાન કે અભ્યાસુ નથી. મારું વાચન પણ અત્યંત સીમિત છે. મેં કોઈ પુરાણો-આધ્યાત્મિક પુસ્તકો-વેદો કે ઉપનિષદો વાંચ્યા નથી. હું તો કાંઠે ઉભો છબછબીયા કરનારો ઉપલકિઓ છું. ત્યારે આપ લખો કે
   “અરવિંદભાઇ માટે તો એટલું જ કહીશ કે,
   ” ગુરુ ગોબિંદ દોનોં ખડે, કિસકો લાગું પાય,
   બલિહારી ગુરુ આપનૌ ગોબિંદ દિયો બતાય”!
   કોઈ સંજોગોમાં વ્યાજબી ના ગણાય !
   મને વિશ્વાસ છે કે આપ મારી લાગણી સમજશો અને મને એક માત્ર સામાન્ય બ્લોગર કે વાચક તરીકે જ સ્વીકારશો !
   આભાર ! આવજો ! મળતા રહીશું ! આવી જ ઉષ્મા ભરી સંવેદનાઓ અને લાગણીઓ સાથે !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 4. એક બીજાની આફત/દુઃખ/તકલીફ કે મુશ્કેલીમાં માગ્યા વગર સહાય કરનાર- સમજ ધરાવનાર મિત્રો સમગ્ર જીવન દરમિયાન ભાગ્યે જ મળતા હોય છે. જીવનની અંદર આવો એકાદ મિત્ર મળી રહે તો જીવન ઘન્ય બન્યું સમજવું ! મારી દ્ર્ષ્ટિએ સમગ્ર દુનિયાના સાહિત્યમાં સુદામા-કૃષ્ણ જેવી મૈત્રી જોવા મળતી નથી ! આ ઉપરાંત આટલીજ અદભુત અને નિસ્વાર્થ મૈત્રી નિભાવનાર કર્ણ અને દુર્યોધનની મિત્રતા પણ આપણાં જ સાહિત્યમાં સ્થાન ધરાવે છે તેની વાત ફરી ક્યારે ક કરીશું ………………………….
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>.>..>>>>>>>>>>>>>Arvindbhai, I am reading this Post in Sydney Australia.
  Above are your words in “conclusion” of the Post !
  Krishna-Sudama Friendship is the IDEAL & HIGHEST LEVEL of Friendship. But then it involves the one form of “PRABHU-BHAKTI”…We can not compare that to our “Human – Human ” Relationship or Friendship.
  We should instead use this as the “measure” or the “Gold Standard ” of the Frienships in General. If one Human develops the “seeds of Humanity” within oneself….it can be the “starting point” of any “True Friendship”….Then that saying..”Friend in need is the Friend indeed ” becomes the “Reality”…..Then, a Friend’s “Happiness or Sorrows”become his/her’s….and this eventually leads to Krishna-Type Friendship where a Friend is always there & assist without asking for the needed Assistance.
  MohMaya of the Sansar is the obstacle….& to remove this “Bhakti” Or Refuge in God or the “Dedication of ALL ACTS to HIM” is the ONLY ANSWER !
  Such a “Human Transformation” lead to LOVE….SEVA…to OTHERS !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Not seen you for recent Posts on HEALTH ( Diabetes..HIV Infection …& others ) Hope to see you soon on Chandrapukar !

  Like

  1. શ્રી ચન્દ્રવદનભાઈ
   આપ સીડનીમાં હોવા છતાં બ્લોગની મુલાકાત લઈ પ્રતિભાવ જણાવો છો તે ખૂબ જ ગમ્યું. આપનો પ્રતિભાવ પણ ખૂબ જ સુંદર અને કેટલીક વાસ્તવિકતા તરફ ધ્યાન દોરતો છે. આભાર ! આપના બ્લોગની મુલાકાત લેતો જ રહું છું અને આપના હેલ્થ ઉપરના લેખોનું અલગ ફોલ્ડર બનાવી તેમાં સાચવીને મૂકુ છું કે ક્યારેક કોઈ એવી માંદગી આવી જાય તો રીફર કરી શકાય ! પ્રતિભાવ લખવાનુ ં કોઈ વાર રહી જાય તો રખે માનતા કે મુલાકાત લેતો નથી. ખેર ! ફરીને આભાર ! આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 5. શ્રી અરવિંદભાઈ,
  સરસ વાર્તા લેખન, રસ દર્શન સાથે. શ્રીકૃષ્ણ અને સુદામાના ચરિત્ર વડે જ આ સંસારની
  સંસ્કૃતિ દૈવી રૂપ ધારણ કરી શકે.
  રમેશ પટેલ(આકાશદીપ)

  પુણ્ય પ્રસાદ…. રમેશ પટેલ (આકાશદીપ)
  -Pl find time to visit my site and leave a comment

  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/

  With regards
  Ramesh Patel

  Like

  1. શ્રી રમેશભાઈ
   આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! આપના બ્લોગની મુલાકાત લેતો રહુ છું સંભવ છે કે પ્રતિભાવ નિયમીત રીતે નહિ જણાવી શક્યો હૌઉ. મુલાકાત જરૂર લઈશ અને પ્રતિભાવ પણ નિયમીત રીતે જણાવીશ !

   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 6. કૃષ્ણ આવાં જ કારણોસર પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે. એમણે જે કર્યું એમાં સીમાડા વિસ્તાર્યા – આપણી સમજના, આપણા વ્યવહારના.
  ભાગવતના કૃષ્ણ, મહાભારતના કૃષ્ણ – એમના વ્યક્તિત્વનાં વિવિધ પાસાંને સમજવાના પ્રયત્નો પછી પણ મનમાં એક અવાસ્તવિક અને અતાર્કિક ઇચ્છા રહે છેઃ પ્રભાસ પાસે યાદવાસ્થળી પછી કૃષ્ણનો જ્યાં દેહોત્સર્ગ થયો ત્યાં પુરાતત્વશાસ્ત્રીઓ ખોદકામ કરે અને એમનું અશ્મિરૂપ મળી આવે તો કેવું સારૂં!

  Like

  1. દિલીપભાઈ કૃષ્ણનો જ્યાં દેહોત્સર્ગ થયો એટલે કે જરા નામના પાઘરીએ પગના પંજામાં મરેલા તીરને કારણે કૃષ્ણનું મૃત્યુ થયું એ ભાલકાતીર્થ. અને એ જગ્યાએ નાનું એવું મંદિર પણ છે,અને પીપળાનું વૃક્ષ છે, જે એવું માનવામાં આવે છે કે, એ વૃક્ષ નીચે શ્રી કૃષ્ણ વિશ્રામ કરતાં હતાં એવે વખતે એમને તીર વાગ્યું હતું અને એઓ મૃત્યુ પામ્યા હતાં. એ પીપળાનું વૃક્ષ હજી પણ જીવે છે…..

   Like

   1. આભાર, યશભાઇ
    હું આકાશવાણીમાં ગુજરાતી ન્યૂઝરીડર હતો ત્યા્રે એક વખત એવી ન્યૂઝ આઇટમ પણ આવેલી કે ભાલકાતીર્થમાં લોકો કૃષ્ણની પુણ્ય તિથિ પણ પાળે છે. જો કે આ મારી અંગત માહિતી નથી. જો કે મેં ઉપરોક્ત કૉમેન્ટ લખી ત્યારે ભાલકા તીર્થ કૃષ્ણના દેહોત્સર્ગનું સ્થાન છે એ જાણતો નહોતો. એના માટે ખાસ આભાર.તમે ઉંમરમાં ઘણા નાના હોવા છતાં આ જાણૉ છો અને હું નથી જાણતો એ જ સાબિત કરે છે કે જ્ઞાન પર ઉંમરનો કબજો નથી હોતો.
    દ્વારકા ડૂબવાના ઐતિહાસિક પુરાવા છે અને ચાર દ્વારકા સમુદ્રમાંથી મળી છે.ચોથી દ્વારકા ૩૨૦૦-૩૫૦૦ વર્ષ પહેલાંની મનાય છે. એ સમયના ઇરાની દસ્તાવેજો પ્રમાણે સમુદ્રમાં સુનામી જેવું તોફાન આવ્યું હતું અને એમાં ઘણાં ઇરાની શહેરો ડૂબી ગયાં. આ સમુદ્રી તોફાન જે લાઇન પર આવ્યું હતું તે જ લાઈન પર દ્વારકા નગરી પણ હતી. ધર્મગ્રંથોમાંથી ઇતિહાસ શોધવાનું બહુ રસપ્રદ છે.
    એક આડવાત. હું દીપક છું, દિલિપ નહીં. પણ આ મહત્વની ભૂલ નથી, એટલી સ્પષ્ટતા પણ કરી
    દઉં.

    Like

    1. ગુજરાતી ગીત-સંગીતનું સૌથી પ્રખ્યાત ગીત ” તારી આંખનો અફીણી ” કે જેના કંપોઝર શ્રી અજીત મર્ચન્ટનો ઈન્ટર્વ્યું જોયો તો તે ગીત શ્રી દિલીપ ધોળકિયાએ ગાયું હતું…એટલે થોડી ગફલત થઇ ગઈ એ પણ બે જગ્યાએ…તે બદલ ક્ષમા યાચું છું….તમે કહ્યું આ મહત્વનું નથી…સાચી વાત છે,પણ અગત્યનું જરૂરી છે…..

     http://www.dwarkadhish.org/

     આ વેબસાઈટ દ્વારકા મંદિરની છે, એમાં દ્વારકાના ઇતિહાસ અને માન્યતાઓ તથા પુરાતન સંસ્થાઓએ વૈજ્ઞાનિક સાધનોની મદદથી સંશોધન કરેલ છે તથા પ્રચલિત
     દ્વારકા મંદિરની બાંધણીની વિશિષ્ટતાની માહિતી આપવામાં આવેલી છે….જે મારા મતે તમને અને બીજા વાચકોને ખુબ જ ઉપયોગી સાબિત થશે……

     Like

   2. શ્રી દીપક ભાઈ અને યશભાઈ
    આપ બંનેની ચર્ચામાંથી નવું જાણવાનું મળી રહે છે. દીપકભાઈની એક વાત મને ખૂબ જ ગમી કે જ્યાં કૃષ્ણએ દેહ છોડ્યો તે ભાલકા તીર્થમાં પણ પેલા પીપળાના વૃક્ષ હેઠળ પુરાત્ત્વખાતાએ ખોદકામ કરી દ્વારકાની જેમ સંશોધન હાથ ધરવું જરૂરી ગણાય કે જેથી કૃષ્ણના અસ્તિત્વ વિષે આધારભૂત માહિતિ પ્રાપ્ત થાય !
    યાદવો અંદરો અંદર લડ્યા અને ખત્મ થઈ ગયા અને આ યાદવા સ્થળીને કૃષ્ણ પણ અટકાવી નહિ શક્યા વળી કૃષ્ણ વૃધ્ધ પણ થયા હતા તેથી થાકી ભાલકામાં આરામ કરવા આડે પડખે થયેલા અને ત્યારે જ તેમના પગને હરણ સમજી જરા નામના પારધીએ બાણ મારી વિંધી નાખ્યું. એવી પુરાણમાં વાત આવે છે.

    ( પુરાણ ) જેણે શ્રીકૃષ્ણને અજાણતાં હણ્યા હતા તે શિકારી. જો કે તે ક્ષત્રિય હતો, છતાં દુરાચરણે પારધી થઇ ગયો હતો. અગાઉના જન્મમાં તે વાલિ વાનર હતો. શ્રીકૃષ્ણને તેનું બાણ વાગ્યું હતું અને મૃત્યુ થયું હતું. શ્રીકૃષ્ણની કૃપાથી તે દિવ્ય લોકને પ્રાપ્ત થયો હતો.

    મારા નમ્ર મત પ્રમાણે જરાનો બીજો અર્થ વૃધ્ધાવસ્થા પણ છે જેથી કૃષ્ણને જો મહામાનવ તરીકે સ્વીકારીએ તો તેઓ વૃધ્ધ થયા હતા અને યાદવાસ્થળી જોઈ અત્યંત દુઃખી અને વ્યથિત પણ હતા અને તેથી જ કદાચ મૃત્યુ પણ ઈચ્છી રહ્યા હોવાની સંભાવના રહે છે. પુરાણમાં કહેલું છે તે દંતકથા તરીકે સ્વીકારીએ તો પણ મૃત્યુ માટે વૃધ્ધાવસ્થા અને વ્યથિત દીલ ઈચ્છા મૃત્યુ કૃષ્ણ માટે અસંભવ ના ગણાય !
    આપ બંને માટે કાજલ ઓઝા-વૈધ દ્વારા એક સુંદર પુસ્તક કૃષ્ણાયન નામની નવલકથા સ્વરૂપે લખાયેલું છે જેમાં ભાલકાતીર્થ કે જ્યાં કૃષ્ણ યાદવાસ્થળી બાદ હતાશ અને નિરાશ થઈ આડે પડખે થઈ જાણે મૃત્યુની રાહ જોઈ પડ્યા છે અને ત્યાં જ જરાનું તીર ઘાયલ કરે છે અને કૃષ્ણ મૃત્યુની પ્રતિક્ષા કરતા પોતાની અંતિમ ક્ષણોમાં જે વિચારો કરી રહ્યા છે તેનું આબેહુબ અને અદભુત વર્ણન કર્યું છે. મને તો આ પુસ્તક વાંચતા અનેક વખત મારી આંખોમાં ઝ્ળઝળીયા બાજી જતા હતા તેવી અનુભૂતી થયા કરેલી. મારી પોતાની અંતિમ ક્ષણોમાં હું પણ આવીજ અવસ્થા અનુભવીશ તેવું વારંવાર અનુભવેલું. આપે જો આ પુસ્તક ના વાંચ્યું હોય તો જરૂર વાંચશો તેવો મારો પ્રેમાળ આગ્રહ છે. અસ્તુ ! બાકી તો આપ બંનેનો મારાં કરતાં અનેક ગણો તમામ વિષયોમાં ઊંડો અભ્યાસ હોઈ વધારે શું લખુ ?
    ચાલો આવજો ! મળતા રહીશું !
    સ-સ્નેહ
    અરવિંદ

    Like

 7. કૃષ્ણ એટલે પ્રેમ ….જે પ્રેમ કરી જાણે એજ કૃષ્ણની ભક્તિ અને એની મિત્રતાને કાબીલ બની શકે…..
  કૃષ્ણ ઉપર જેટલું લખાયું છે…એ બધામાં સૌથી વધારે મહત્તવ કૃષ્ણ પ્રત્યેના પ્રેમને આપવામાં આવ્યું છે…..
  સુદામા ગભરાતા ગભરાતા કૃષ્ણ પાસે જાય છે….અને એ પોતાના મિત્ર પાસે કશું માંગી પણ શકતા નથી…પણ એક કૃષ્ણ જેવો મિત્ર બધું સમજી જાય છે…અને સુદામા ના બધા દુઃખોનું નિવારણ કરે છે….આને મિત્રતા કહેવાય….
  તમારા દિલની વાત તમારો મિત્ર સમજી જાય એનેજ સાચો મિત્ર કહેવાય….
  અરવિંદકાકા સુંદર લેખ બદલ ધન્યવાદ….

  Like

  1. આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! આપની વાત સાચી છે કૃષ્ણને ઈશ્વર સ્વરૂપે નહિ પણ એક મહામાનવ તરીકે મૂલવીએ તો એ આપણાં માહ્યલા જ જણાશે ! માત્ર ભક્તિ નહિ પણ જીવનમાં પ્રેમ જ પરસ્પર વહેંચવામાં આવે તો જીવન અમૃત જેવું મીઠું મધુરુ બની રહે ! નિસ્વાર્થ મૈત્રી આવા સંબંધો થકીજ પાંગરતી રહેતી હોય છે.
   ચાલો આવજો ! મળતા રહેશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

  1. શ્રી સુરેશભાઈ
   ખૂબ જ થોડા શબ્દોમાં કૃષ્ણત્વને સમજવાની વાત કરી દીધી. કૃષ્ણત્વને સમજ્યા વગર ભક્તિનો કોઈ મતલબ નથી કૃષ્ણત્વને આત્મસાત કર્યા સિવાય માત્ર કૃષ્ણ કૃષ્ણ કર્યા કરવું નિરર્થક જ બની રહે !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s