કાન જોઈએ છે એવા, જે ગર્ભપાત વેળા ઉદરમાંથી સીધા પરલોકમાં રવાના થઈ જતાં કરોડો બાળકોની ચીસો સાંભળી શકે. મવાલી દ્વારા ચુંથાઈ જતી કોઈ યુવતીની ‘બચાવો બચાવો’ની ચીસો સાંભળી શકે.

કાન જોઈએ છે એવા, જે ગર્ભપાત વેળા ઉદરમાંથી સીધા પરલોકમાં રવાના થઈ જતાં કરોડો બાળકોની ચીસો સાંભળી શકે. મવાલી દ્વારા ચુંથાઈ જતી કોઈ યુવતીની ‘બચાવો બચાવો’ની ચીસો સાંભળી શકે.

આચાર્ય વિજયરત્ન સુંદરજી મહારાજ લેખક સાથે ચિંતક અને ઉમદા વિચારક પણ છે. પોતાની વાત સીધા ઉપદેશ દ્વારા નહીં પણ કોઈ ને કોઈ હળવા પ્રસંગ સાથે સાંકળીને કહે છે. તેઓ રસાળ ગધ્યના માલિક છે. આથી આપણે એમની વાતો કે લેખો રસપૂર્વક વાંચીએ છીએ. આપણી રોજબરોજની જરૂરિયાતોને તેઓ રમતિયાળ શૈલીમાં રજૂ કરીને આપણને પાછું વાળીને જોતાં શીખવે છે. આપણા જાણ્યા અજાણ્યા સ્ખલનો સંવારવા આપણે થોડા ઘણા જાગૃત થઈએ તો પણ ઘણી મોટી વાત છે.

‘જોઈએ છે’ આ શબ્દ આપણે યાસે-અનાયાસે હજારોવાર વાંચીએ છીએ. એના લખાણ સાથે આપણને નિસ્બત નહીં હોવાથી આંખ આગળથી કાઢી મૂકીએ છીએ, પરંતુ મહારાજ દ્વારા ‘જોઈએ છે’ની જાહેરાત કેવી અનોખી અને આધ્યાત્મિક હોય છે એ તો ‘જોઈએ છે’ની જાહેરાત વાંચીએ ત્યારે ખબર પડે છે. હવે આપણે એમની જાહેરાતો વાંચીએ.

(૧) ‘જોઈએ છે’: અમારે એવી સંપત્તિ કે જેને કોઈનો નિ:શ્વાસ લાગ્યો ન હોય ‘જેમાં કોઈના ત્રાસનો છાંટો ન હોય!’

(૨) જોઈએ છે: અમારે એવી બુદ્ધિ કે જેમાં કાવાદાવા અને પરપીડન ન હોય. જેમાં કોઈનું ઝૂંટવી લેવાની, અધર્મની કુશળતા ન હોય.

(૩) જોઈએ છે: અમારે એવું હૈયું કે જેણે કોઈના સુખની ઇષૉ કરી ન હોય. ઉપરની ત્રણેય વસ્તુવાળું હૈયું હોય એમને મોં માગી કિંમત આપવામાં આવશે. મળો : સ્થળ પર કાયમ હાજર છીએ.

(૪) જોઈએ છે અમારે કન્યા: અમારે એવી કન્યા જોઈએ છે જેની ઉપસ્થિતિથી કરોડો કમાવાની શક્યતા, અનીતિના માર્ગે ચાલવાનું મન ન થાય. રૂપવતીઓની હાજરી હોય છતાં હૃદયમાં અપવિત્રતા દાખલ થવાની પાબંદી લાગી જાય. એની હાજરીમાં ઉદાર બન્યા વગર રહી ન શકો. કઠોર બનવાનું કપટ કરવાનું વિચારી પણ ન શકો. એ કન્યાનું નામ છે સદ્બુદ્ધિ-અમારે એની સાથે લગ્ન કરવા છે તો વડીલોએ અમારો સંપર્ક કરવો.

(૫) જોઈએ છે મકાન: આ મકાનમાં મૈત્રીની પથારી હોય. કોમળ હૈયાનો ફુવારો હોય. ખુરશીઓ ઔચિત્યપાલનની હોય. સોફાસેટ પ્રસન્નતાનો હોય. દર્પણ પવિત્રતાનું હોય. કબાટ ગુણદ્રષ્ટિના હોય. ટી.વી. આત્મનિરીક્ષણનું હોય. આવાં સાધનોથી સભર મકાન જોઈએ છે. માટે મળો : કિંમતનો કોઈ પ્રશ્ન નથી.

(૬) કાન જોઈએ છે એવા: જે ગર્ભપાત વેળા ઉદરમાંથી સીધા પરલોકમાં રવાના થઈ જતાં કરોડો બાળકોની ચીસો સાંભળી શકે. કતલખાનામાં બેરહમીથી કપાઈ જતાં કરોડો પશુઓના ભયંકર બાંબરડા સાંભળી શકે… મવાલી દ્વારા ચુંથાઈ જતી કોઈ યુવતીની ‘બચાવો બચાવો’ની ચીસો સાંભળી શકે અને એકાંતે હિતની વાતો કરી રહેલા ભગવંતોનાં વચન સાંભળી શકે.

(૭) જોઈએ છે અંજન : છેલ્લા કેટલાય વખતથી અમારી એક બાજુની આંખમાં વિકારોના નંબર વધી ગયા છે અને બીજી આંખમાં ઇષ્ર્યાના ઝામરનાં પાણી ભરાયાં છે. સામેની વ્યક્તિમાં રહેલા સદ્ગુણો પણ દેખાતા નથી, એવો મોતિયો આવી ગયો છે. કોઈ પણ વ્યક્તિના જીવનની સારી વાતો સાંભળતાંની સાથે એમાં શંકા પડવા માંડે એવો કમળાનો રોગ પણ છે. આ તમામ રોગોને દૂર કરી શકે એવું અંજન મળશે તો એનો સારો એવો બદલો આપવામાં આવશે.

(૮) જોઈએ છે કલ્યાણ મિત્ર : સંપત્તિ અમારી પાસે ચિક્કાર છે પણ તેનો સદુપયોગ કરવાનો ઉત્સાહ જાગતો નથી… આમ તો અમારી તંદુરસ્તી સરસ છે, પણ તપ, ધ્યાન કરવાનું મન થતું નથી. મન અમારું મસ્ત છે, પણ શુભ ભાવનાઓથી એને ભરવાનું દિલ થતું નથી. કંઠ અમારો મધુર છે પણ પ્રભુસ્તવન કરવાનો ઉલ્લાસ પ્રગટતો નથી. અમારે એવો કલ્યાણ મિત્ર જોઈએ છે જે અમારાં તમામ ક્ષેત્રોમાં ઉત્સાહ પ્રગટાવે.

(૯) ભૂવો જોઈએ છે : બંગલો ઓછામાં બે હજાર સ્કવેર ફૂટનો હોવો જોઈએ. સંપત્તિ ઓછામાં ઓછી દસ કરોડની હોવી જોઈએ. ઓછામાં ઓછી પાચેક સંસ્થાનું ટ્રસ્ટીપદ હોવું જોઈએ. પાંચેક ઓફિસો તો ઓછામાં ઓછી હોવી જોઈએ. પાંચેક લાખનું ફર્નિચર હોવું જોઈએ. જુદા જુદા મોડેલની આઠેક ગાડીઓ હોવી જોઈએ. અમારા મનને આવું ભૂત વળગ્યું છે. આ વળગાડ કાઢવા માટે અમારે ભૂવો જોઈએ છે. આપની જાણમાં હોય તો અમને જણાવશો.

(૧૦) હવે જાહેર ચેતવણી : મારી જીવન કંપનીમાં વર્ષોથી મેનેજમેન્ટને સ્થાને રહેલી દુબુદ્ધિને અમે છુટ્ટી કરી છે. આથી સૌ લાગતા વળગતા નોંધ લે. આને પોતાની કંપનીમાં રાખવા ઇચ્છનારે લાખ વાર વિચાર કરવાનો કે સૌની સાથે દુશ્મનાવટ પેદા કરવાનો એનો હલકટ સ્વભાવ છે. ઉપકારીઓ સામે બળવો કરતા રહેવાની કનિષ્ઠતમ મનોવૃત્તિ છે. એને આત્માને દુર્ગતિમાં નાખવા સિવાય કશામાં રસ નથી અમારો અનુભવ આપનો પણ બની રહે એવી અંતરેચ્છા છે.

જોયું ને મિત્રો! પ્રથમ વાચને આપણને હળવી લાગતી આ રમૂજો કઈ રીતે, ક્યાં સ્પર્શે છે એનું આત્મભાન થાય છે અને સ્વસ્થ ચિત્તે વિચારીએ તો આપણામાં વસીને આપણને જ ગેરમાર્ગે દોરતી કુટેવોને આપણે પીછાણી શકીએ અને દૂર કરવા પ્રતબિંબ બની શકીએ. મનુષ્ય જીવનાં મુલાયમ ભાવનાત્મક મનુષ્યતાના સ્તરને ધૂંધળું બતાવનારાં સ્ખલનો ક્યાં છે. એની સુપેરે ઓળખાણ થાય છે. જીવન જીવવા માટેની મર્યાદિત ચપટી મુઢ્ઢી જરૂરિયાતોને સ્થાને આધિ ભૌતિકતાઓના ઢગલા કરી નાખવાની આંધળી દોટ મૂકી રહ્યા છીએ ત્યારે એ દોટને થોડી ધીમી કરીને વિચારવાની નિરાંતની પળો આપે છે કે જેથી આપણે પાછું વાળીને જોતાં શીખીએ ‘જોઈએ છે’ની આ જાહેરાતો પુસ્તિકા ‘શુભ સમાચાર’માંથી લીધી છે.

હળવી કલમે લખાયેલ આ લેખો આપણને વિચારતા કરીને, જો આપણી ઇચ્છા હોય તો આપણને જાગૃત બનાવે છે…

દિવ્ય ભાષ્કર 11 જુલાઈ 2010ને રવિવારની પૂર્તિમાં તોરણના મથાળા હેઠળ શ્રી નાનાભાઈ જેબલીયા દ્વારા લખાયેલ લેખ તેમના અને દિવ્યભાષ્કરના સાભાર સૌજન્ય સાથે

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s